ગુજરાતનો જય/સ્વામીની ભૂલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પરમાર બાંધવો ગુજરાતનો જય
સ્વામીની ભૂલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૯
સળગતો સ્વામીભાવ →
9
સ્વામીની ભૂલ

ચંદ્રાવતીથી પાછી ફરેલી અનુપમા પાટણ આવી ત્યાં એને તેજપાલનો ભેટો થયો. પતિ પાસેથી એને ખબર પડી કે કુંવર વીરમદેવજી ધોળકાનો ત્યાગ કરી સદાને માટે પાટણમાં દાદા લવણપ્રસાદ પાસે આવીને વસેલ છે. ધોળકામાંથી એને દેશવટો આપવામાં આવ્યો હતો. એને મૂકવા જ તેજપાલ પાટણ આવ્યો હતો.

વાત એવી બની હતી કે ધોળકામાં મોટી એકાદશીની પર્વણીના દિવસે મલાવસરને કાંઠે આવેલા દેવ-પીપળા નીચે વૈષ્ણવ જનોની ઠઠ મળી હતી. પ્રત્યેક નરનારી મોટી પૂજા કરતાં હતાં અને નિયમ પ્રમાણે ત્યાં દરેક વૈષ્ણવધર્મી પોતપોતાના ગજા મુજબ એકસો ને આઠ ગણી નાનાંમોટાં ફળો કે સિક્કા દેવચરણે ધરતો હતો. ગરીબોએ એકસો ને આઠ-આઠ બોર મૂક્યાં, મધ્યમોએ ફોફળ મેલ્યાં, કોઈએ આંબળાં ધર્યાં. કુમાર વીરમદેવને અને વિશળદેવને સાથે લાવીને રાણી જેતલદેએ પણ પૂજા કરાવી એકસો ને આઠ દ્રમ્મની ભેટ મૂકી.

તે વખતે વિદેશ જઈને પુષ્કળ દ્રવ્ય રળી આવેલા એક વૈષણવ વ્યાપારીએ આગળ આવીને એકસો આઠ આછૂ (એ નામનાં સાચાં મોતી) મૂક્યાં.

સોમેશ્વરની દીકરી રેવતી ત્યાં ઊભી હતી તેણે પોતાના ટીખળપાત્ર કુંવર વીરમદેવને દૂર લઈ જઈને ટોણો માર્યો: “જોયુંને કુંવરજી, તમારાથી એ વાણિયો વધ્યો !”

"હેં! ! એક પ્રજાજન અમારા પર ચડાવો કરે છે કુંવર વીરમદેવના કાનની બૂટ લાલચોળ થવા લાગી.

"તે કેમ ન વધે" રેવતીએ ટીખળ આગળ ચલાવ્યું. “આંહીં ધોળકામાં તો સૌ સરખાં. તમે રાજા તો નથી થયાને હજી ! રાજા થાવ તે દા'ડે રોકજો.”

“ને શું આજ ન રોકી શકું? આટલા બધા ફાટી ગયા છે બધા?” એમ કહેતો વીરમદેવ ગાંડપણના નવા આવેશમાં કૃપાણ ખેંચીને દોડ્યો. એ સાચાં મોતી મૂકનાર વણિક પર ખડગ ઉગામ્યું. વણિક ભાગ્યો. વીરમદેવે એની પૂંઠ પકડી અને જેતલદેવીને શું થઈ રહ્યું છે તેનું ભાન થાય તે પૂર્વે તો આગળ વણિક ને પાછળ ઉઘાડી તલવારે વીરમદેવ ! આખા મેળામાં હોબાળો ઊડ્યો. લોકો એકબીજાને ધકેલતાં ને ચગદાતાં ભાગ્યા. વણિકનું બુમરાણ ! પછી તો બાકી જ શું રહે? મલાવની પાળ વટાવી, દરવાજો વટાવી, ઊભી બજારે “મારી નાખ્યો! મારી નાખ્યો !” એવી ચીસો દેતો વણિક રાજગઢમાં પહોંચ્યો.

રાણા વીરધવલ દરબાર ભરીને બેઠા હતા, વણિક ત્યાં જઈ ઢગલો થઈ ગયો. કુંવર વીરમદેવ ખુલ્લા ખડગ સાથે પાછા વળી ગયા, રાણાની આજ્ઞાથી દોડી ગયેલા સૈનિકોએ કુંવરને પકડીને દરબારમાં હાજર કર્યા.

જેતલદેવી પણ દરબારમાં નાનેર વીસળદેવને લઈ હાજર થયાં. એના મોં પર ચંડીસ્વરૂપ સળગી ઊઠ્યું હતું. એણે રાણાને રાડ નાખી કહ્યું, “એનું માથું ઉડાવી દો, એ મારું પેટ નથી, પાપ છે. એણે હવે મને સંતાપવામાં બાકી નથી રાખી નાથ, એને ટૂંકો કરો. એ વગર વાંઝિયાં નહીં રહીએ. આ રહ્યો બીજો એક.”

એમ બોલતી રાણી જેતલે વીસળદેવના માથા પર હાથ મૂક્યો, વીસળે પોતાના મોટાભાઈ વીરમ તરફ સ્મિત કર્યું. વીરમના અગ્નિમાં ઘી હોમાયું: બીજો એક છે એથી કરીને જ પોતાનું પલ્લું આટલું હેઠું બેઠું છે. અને એટલે જ રાજગાદીથી બાતલ કરવાની આ દમદાટી દેવાયા કરે છે, એ વિચારે એણે વીસળદેવ તરફ ચકળવકળ ડોળા ઘુમાવ્યા. એ ડોળામાં ભ્રાતૃહત્યાની વાંછના ડોકાતી હતી.

રાણા વીરધવલ, ક્રોધને જીતનારા, ક્ષુબ્ધતાને પી જનારા, કાળના મારણહાર, એણે પણ વીરમની આંખોમાં સળગતો વીસળ પ્રત્યેનો ભાવ નિહાળ્યો, અને એણે ક્ષણભર વિચારમાં પડીને પછી ઊંચું જોયું; આ શબ્દો કહ્યાઃ “કુંવર ! બીજે બધે બનતું હશે, મારા ધોળકામાં આ નહીં બની શકે. આ વૈશ્યો તો મારા જંગમ લક્ષ્મીભંડારો છે. જેને લઈને હું ઊજળો છું. તમારા વગર મારે ચાલશે, એમના વગર નહીં ચાલે. જાઓ હવે, તમારું આંહીંથી કાળું કરો, મોટા બાપુ પાસે પાટણ રહેજો. સુધરી શકો તો સુધરજો, આવે ને આવે ઢંગે ધોળકામાં પગ મૂકવાની આશા રાખશો મા.” એમ કહીને રાતોરાત રાજવી માતપિતાએ પાટવી કુંવરને દેશવટો દીધો હતો.

સમાચાર સાંભળીને અનુપમાનો જીવ ઊંડો ઊતરી ગયો. એણે સ્વામીને પૂછ્યું: “તમે ધોળકામાં નહોતા ?"

"હું ત્યારે રાજસભામાં જ બેઠો હતો.”

"ને છતાં તમે રાણાજીને આ પગલું ભરતાં રોક્યા નહીં?"

“શીદ રોકું? ટાઢે પાણીએ ખસ કાઢી!”

"ખોટું થયું,” અનુપમાએ ઊંડા દુઃખનો ઉદ્દગાર કાઢ્યો, “હું હોત તો આ ન થવા દેત.”

“તો કોઈક દિવસ એ આપણા લૂણસીનો પ્રાણ લેત.”

“ગુરુ નહોતા?”

"કોણ સોમેશ્વરદેવ? ના, એ તો સોમનાથ ગયા.”

“અમારા બેમાંથી એક ત્યાં હોત ! તમે રજા આપો તો હું હજુય એમને પાછા લાવું.”

“ના, હવે તો બેઉ વાતે બગડશે. ને આપણે તો ઠીક, એનાં સગાં માવતર જ એનાથી ત્રાસી ગયાં હતાં. મોટાભાઈએ પણ આ લપ ધોળકામાંથી ટળે એમ ઈચ્છ્યું હતું."

“એમની પણ ભૂલ થઈ છે.”

“તું તો સૌની ભૂલ જ ભાળે છે ના !”

પતિને દુભાયેલા દેખી અનુપમાએ આખી વાત અંતરમાં ઉતારી દીધી. તેજપાલે કહ્યું: “મોટા રાણાએ પણ અમારું પગલું પસંદ કર્યું છે.”

“એ તો આપણા પગલા આડે કદાપિ એક બોલ સુધ્ધાં કાઢનાર નથી. પણ, સ્વામી ! એને વીરમદેવ બહુ વહાલા છે. એના હાથમાં કુંવર વધુ વણસી જશે. એક માનવી માનવીપણામાંથી ટળી જશે. એક શત્રુ ઊભો થશે.”

“તો તો રાજનીતિમાં બીજો ઉપાય નથી. જળવાય તેટલું જાળવીએ, તે પછી તો શત્રુને શત્રુની જ ગતિએ પહોંચાડવો રહે."

પતિ એક પહાડ જેવડી ભૂલ કરી રહ્યો હતો, રાજનીતિના ઊંધા જ દાવ નાખી બેઠો હતો, એક વિષવૃક્ષ વાવી રહ્યો હતો, એવું એવું ઘણું ઘણું વાવાઝોડું અનુપમાના મન સોંસરું ચાલ્યું ગયું.