લખાણ પર જાઓ

ગુજરાતી નાટ્યવિવેચન/પરિશિષ્ટ : ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો

વિકિસ્રોતમાંથી
← ઉપસંહાર ગુજરાતી નાટ્યવિવેચન
સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક વિશેનું વિવેચન
ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ
પરિશિષ્ટ : ૨ નાટક : ઇતિહાસ અને સંશોધન →





પરિશિષ્ટ : ૧ નાટ્યવિદ્યાના પાઠ્યપુસ્તકો:
 

સ્વાતંત્ર્યોત્તર યુગમાં નાટક ઘણી રીતે બદલાય છે. નાટકના વિવિધ પરિમાણો અને શક્યતાઓ ખૂલતાં સિદ્ધ થતાં આપણે પામીએ છીએ તેમાં એક મહત્ત્વનું પરિબળ 'નાટ્યશિક્ષણ' પણ છે. એમ.એસ. યુનિવર્સિટીમાં નાટકનો અભ્યાસક્રમ દાખલ થાય છે તે પૂર્વે અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભા દ્વારા નાટ્ય તાલીમનો આરંભ થઈ ચૂક્યો હતો. આ ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોને સામગ્રી પૂરી પાડવા માટે સંદર્ભપુસ્તકોની જે આવશ્યકતા ઊભી થઈ તેને પૂરી પાડવા નાટકનાં વિવિધ અંગોને, પ્રવિધિને, પ્રસ્તુતિ વિશે વ્યવહાર અને શાસ્ત્રીય જ્ઞાન આપતાં પુસ્તકો લખાયાં. આ પુસ્તકોમાં નાટકના સ્વરૂપ વિશે તેની રંગભૂમિ પ્રસ્તુતિ વિશે, પ્રયોગશિલ્પ વિશે અભ્યાસપૂર્ણ માહિતી પૂરી પાડવા જશવંત ઠાકર, નંદકુમાર પાઠક, કૃષ્ણકાન્ત કડકિયા, જનક દવે, યશવંત કેળકર, મહેશ ચંપકલાલ શાહ આદિ અનેક લેખકો દ્વારા પુસ્તકો લખાય છે. ચંદ્રવદન મહેતાનાં ઘણાં વ્યાખ્યાનો નાટ્યવિદ્યાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રસ્તુત થયાં હતાં. એ સહુ નાટ્યશિક્ષાનાં સંદર્ભપુસ્તકો હોવાથી ને તેમાં નાટ્યની સમીક્ષા નહીં હોવાથી તેને અહીં વિશેષ રીતે ધ્યાનમાં નથી લીધાં. અલબત્ત નાટક સાથે જોડાયેલા હોવાથી ને નાટકના સ્વરૂપ અને પ્રયોગ અંગેની ઘણી બધી માહિતી પૂરી પાડતાં હોવાથી આ પુસ્તકો પ્રત્યે આકર્ષણ અવશ્ય થયું હતું.

ગુજરાતી સાહિત્યમાં નાટ્યશિક્ષા કે તાલીમને લગતાં પુસ્તકો લખાવાનો આરંભ તો રણછોડભાઈ ઉદયરામના ૧૮૯૦માં પ્રકાશિત થયેલા 'નાટ્યપ્રકાશ'થી થઈ જાય છે. 'નાટ્યપ્રકાશ' ભરત નાટ્યશાસ્ત્ર પછી નાટક વિશે કે નાટ્યશાસ્ત્રના ભાષ્ય નિમિત્તે લખાયેલાં પુસ્તકોનો આધાર લઈ એક શાસ્ત્રીય સમજ વિકસાવે છે. ભરત નાટ્યશાસ્ત્રના અનુવાદો તો એ પછી ઘણા થયા છે પણ પૂર્વ અને પશ્ચિમના નાટ્યવિચારનું સંકલન કરી આપણો ભારતીય મત કેટલો વિશિષ્ટ છે તેની શોધ કરતો ગ્રંથ 'નાટ્યપ્રકાશ' છે. એ વાત આપણે ભૂલવી ન જોઈએ. રણછોડભાઈ ઉદયરામ દવે નાટકના જ પિતા નથી, નાટકની શાસ્ત્રીય વિચારણામાં પણ તેમનો પહેલો જ સ્પર્શ થયો છે. 'નાટ્યવિદ્યા' – નાટ્યશિક્ષાનાં પુસ્તકોમાં પછી ૧૯૩૦ સુધી બીજું કોઈ જણાતું નથી. ૧૯૩૦માં નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા 'અભિનયકલા' નામનું અભિનયની સમજણ નાટ્યશાસ્ત્રને આધારે આપતું પુસ્તક આપે છે. ભલે નાટકના અભ્યાસીઓના ધ્યાનમાં આ પુસ્તક ન આવ્યું હોય પણ તેનું મહત્ત્વ નાટ્ય સંદર્ભમાં ઘણું છે. 'નાટ્યપ્રકાશ' કે 'અભિનયકલા' નાટકની શાસ્ત્રીય બાજુઓને સ્પર્શે છે તો ૧૯૩૮માં પ્રગટ થયેલું ફિરોજશાહ મહેતાનું 'ઋક્ટિંગના હુન્નરનું વહેવારુ શિક્ષણ' નાટકના વ્યવહારુ -પ્રાયોગિક પાસાને સ્પર્શતું હોવાથી ધ્યાન ખેંચે છે. ફિરોજશાહ મહેતાના આ પુસ્તકથી નાટ્યાભિનયના વ્યવહારુ શિક્ષણની શરૂઆત થાય છે. ફિરોજશાહ મહેતા આ પુસ્તકમાં અભિનયના ભરત મુનિ કથિત ચાર ભેદોની વાત કરીને માત્ર આંગિક અભિનય વિશે જ ચર્ચા કરવા માંગે છે તેમ સૂચવ્યું છે. અંગ્રેજી 'ઍક્ટિંગ' અને આપણા અભિનયમાં બહુ મોટો તફાવત છે. ભરત મુનિના 'અભિનય'નો વ્યાપ આખીય રંગભૂમિને સ્પર્શે છે. 'ઍક્ટિંગ' માત્ર આંગિક અભિનયને જ ચીંધે છે. આ પુસ્તકમાં લેખકે પ્રકાશયોજના, સંગીત, ગીત, મેકપ, સંનિવેશ, પડદા આદિ અનેક બાજુથી પ્રસ્તુતિને સ્પર્શતી બાબતોનો સોદાહરણ વિચાર કર્યો છે. 'નાટક ભજવતાં પહેલાં' ૧૯૫૯માં ધનસુખલાલ મહેતા લખે છે. આ પુસ્તક પણ નાટક ભજવતાં પહેલાં કેવી તૈયારી કરવી જોઈએ તેનું આદર્શ પુસ્તક છે. અભિનય કરતી વખતે શું તૈયારી રાખવી, કેવી કસરતો આદિ કરવી, માનસિક રીતે તૈયાર થવું તેની વિશિષ્ટ માહિતી નાટક ભજવતાં પહેલાં એ પુસ્તકમાંથી મળે છે. આ જ શીર્ષક સાથે નાની બે પરિચય પુસ્તિકાઓ એક ચંદ્રવદન મહેતાની અને બીજી ચુનિલાલ મડિયાની પ્રગટ થાય છે. બંને પુસ્તિકાઓ નાટકના વિચારથી માંડીને નાટકની પ્રસ્તુતી સુધીના વિસ્તારને આવરી લઈ નાટ્યપ્રયોજક – નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા અને નેપથ્ય કલાકારોએ કઈ રીતે નાટકને અભિમુખ થવું તેની ટૂંકમાં પણ નોંધપાત્ર ચર્ચા કરી છે. જોકે આ દરમિયાન જશવંત ઠાકર, ધનંજય ઠાકર, નંદકુમાર પાઠક, જનક દવે, યશવંત કેળકર આદિ નાટ્યાચાર્યો પાસેથી ઘણાં જ મહત્ત્વના પુસ્તકો મળે છે. જે નાટકના શાસ્ત્રીય અને વ્યવહારુ પરિણામોને સુપેરે ખોલી આપે છે. અભિનયની શિક્ષા અને દીક્ષા પામનારો નટ અભિનેતા નાટકનાં સર્વાંગને પામી શ્રેષ્ઠ અભિનય સુધી પહોંચી અનેકોનાં હૃદય પર રાજ કરવા તત્પર બને છે. જશવંત ઠાકર 'નાટકને માંડવે' સિવાયનાં પુસ્તકોમાં મહદંશે નાટ્યવિદ્યાના વિદ્યાર્થીઓને જ્ઞાન સંપાદન કરાવે તેવાં પુસ્તકો આપે છે. 'નાટ્યશિક્ષણનાં મૂળ તત્ત્વો' પુસ્તકમાં ચંદ્રવદન મહેતા આરંભમાં નોંધ કરે છે કે 'નાટ્યસાહિત્ય ઉપર ઘણાં પુસ્તકો છે. પણ અભ્યાસને માટે પણ ગુજરાતીમાં આ પહેલું જ પુસ્તક છે.' અભ્યાસ યોગ્ય પાઠ્યપુસ્તકને યોગ્ય પુસ્તકોમાં આ પ્રથમ છે. આ પછી અન્ય પુસ્તકો લખાયાં છે. આ પુસ્તકમાં જસવંત ઠાકર નાટકના જન્મથી માંડીને નાટ્યસંગ્રહ, નાટ્યગૃહની ભારતમાં ઉત્ક્રાંતિ, અભિનય વાચિક, આંગિક, આહાર્ય ને સાત્વિકની શાસ્ત્રીય અને અનુભવસિદ્ધ ચર્ચા કરે છે. આ ઓગણીસ પ્રકરણોમાં ભરત નાટ્યશાસ્ત્રનો તથા અન્ય પાશ્ચાત્ય ચિંતકોના મતોનો આધાર લઈ નાટકના મૂળભૂત સિદ્ધાંતોને તારવી અને નાટકના અભ્યાસીઓનો પ્રાથમિક અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જશવંત ઠાકરનું જ બીજું પુસ્તક 'નાટ્યપ્રયોગશિલ્પ' પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિશ્વવિદ્યાલયે પ્રકાશિત કર્યું છે. 'નાટ્યપ્રયોગશિલ્પ'માં નાટકની પ્રસ્તુતિ સુધીના ક્રિયાકલાપને નોંધ્યો છે. કોઈ પણ નાટક ભજવવાની તૈયારી કરતાં પૂર્વે અને પછી શું શું કરવું ઘટે તેની પ્રાયોગિક સૂચના - માર્ગદર્શન આ પુસ્તક આપે છે. આ 'નાટ્યપ્રયોગશિલ્પ' પુસ્તકમાં કોઈ એક નાટકના પ્રયોગ-શિલ્પની ચર્ચા નથી પરંતુ નાટકની પૂર્વ તૈયારી કઈ રીતે કરવી તેનું અનુભવસિદ્ધ દૃષ્ટિએ થયેલું આલેખન છે. જશવંત ઠાકર એક નાની પુસ્તિકા દ્વારા સર્જનાત્મક અભિનયની પ્રણાલિના સર્જક સ્ટાનિસ્લાવસ્કીનો પરિચય કરાવે છે. નંદકુમાર પાઠકનાં બે પુસ્તકો પણ નાટ્યશિક્ષણના સંદર્ભમાં બહુ ખપનાં છે. ધનંજય ઠાકરના નાટ્યલેખન તથા નાટ્યપ્રયોગના મૂલ્યાંકનનું માર્ગદર્શન કરતાં પુસ્તકો પણ ધ્યાનપાત્ર છે.

મહેશ ચંપકલાલ શાહના શોધ નિબંધો પ્રકાશિત થયા છે. ભરત નાટ્યશસ્ત્રનો ગહન અભ્યાસ કરી સૂક્ષ્મતા અને ચીવટથી નાટ્યશાસ્ત્રની બારીકીઓને ખોલી જન સામાન્ય તરફ પ્રકાશિત કરી છે. 'ભરત નાટ્યશાસ્ત્ર : અભિનય' નાટ્યપ્રયોગ તથા આધુનિક સંદર્ભ જેવાં પુસ્તકોમાં તેમણે નાટ્યશાસ્ત્રનો તલસ્પર્શી પરિચય કરાવ્યો છે. 'ભરત નાટ્યશાસ્ત્ર: અભિનય' એ પુસ્તકમાં ભરતમુનિની અભિનય વિભાવનાને સ્પષ્ટ કરી આપવા વિવિધ સંસ્કૃત નાટકોમાંથી ઉદાહરણો આપ્યાં છે. આ ઉપરાંત અભિનયના બે અન્ય પ્રકારો 'સામાન્ય અભિનય' તથા 'ચિત્રાભિનય’ વિશે પણ ઉદાહરણ સાથે માહિતી આપી છે. 'ભરત નાટ્યશાસ્ત્ર : નાટ્યપ્રયોગ’ એ પુસ્તકમાં નાટ્યગૃહના ભેદ-ઉપભેદ, વિકૃષ્ટ મધ્યમ નાટ્યગૃહના રંગપીઠ, રંગશીર્ષ, મત્તવારણી વગેરે વિવિધ અંગઉપાંગો તથા તેની બાંધણીના વિવિધ તબક્કાઓ ઉપરાંત ચતુરસ્ત્ર અને પ્રશ્નનાટ્યગૃહ વિશે માહિતી આપવામાં આવી છે. નેપથ્ય વિધિ અંતરાગ પુસ્તકરચના, અલંકાર, અંગરચના તથા સંજીવ નેપથ્ય વિધાન સમજાવી સુત્રધાર, સ્થાપક અને પારિપાર્શ્વિક નટ, નટી, નાટ્યકાર તેમજ નાટ્યપ્રયોગના અન્ય શિલ્પીઓથી મુક્ત નાટ્યવૃંદ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. પૂર્વરંગ, કક્ષાવિભાગ, ધ્રુવાખ્યાન, આકાશવચન આત્મગત - જનાન્તિક જેવી નાટ્યોક્તિઓ પ્રવૃત્તિવિધાન, નાટ્યવૃત્તિ તથા લોકધર્મી અને નાટ્યધર્મી જેવી નાટ્યરૂઢિઓ વિવિધ સંસ્કૃત નાટકોમાંથી ઉદાહરણો આપી સ્પષ્ટ કરવામાં આવી છે. સિદ્ધિનું સ્વરૂપ, તેના પ્રકારો, સુમનસુ પ્રેક્ષક તથા પ્રાશ્રિક, નાટ્યસ્પર્ધા અને પુરસ્કાર ઉપરાંત પતાકાનિર્ણય વિશે માહિતી આપી છે. 'ભરત નાટ્યશાસ્ત્ર : આધુનિક સંદર્ભ' એ પુસ્તકમાં નાટ્યશાસ્ત્રની આધુનિક સાર્થકતા સિદ્ધ કરી આપવા ભરત અને એરિસ્ટોટલની નાટ્ય વિચારણામાં રહેલા સામ્યવૈષમ્યની ચર્ચા કરી છે. નાટકનાં વિવિધ તત્ત્વો-વસ્તુવિધાન, પાત્ર, પદાવલિ, દૃશ્યતા વગેરે સંબંધી ભરત અને અરિસ્ટોટલના વિચારો પહેલા જુદા જુદા દર્શાવી પછી તેમાં રહેલા સામ્ય અને વૈષમ્યની છણાવટ કરવામાં આવી છે. કેથાર્સિસ અને કરુણરસની તુલના દ્વારા ટ્રેજેડીના આસ્વાદ સંબંધી પાશ્ચાત્ય અને ભારતીય દૃષ્ટિકોણ સ્પષ્ટ કરી આપવામાં આવ્યો છે. ભરતમુનિની અભિનય વિચારણા અને પેકિંગ ઓપેરા, મોહ અને કાબુકીની અભિનય પરંપરાની તુલના કરી છે. ત્રીજા પ્રકરણમાં ભરતે પ્રયોજેલા 'અભિનય' શબ્દના આધુનિક પર્યાયો દર્શાવી, આધુનિક રંગમંચ પર અભિનયનું સ્વરૂપ સમજાવી આધુનિક અભિનય પંથોનાં વિવિધ લક્ષણો ભરતની અભિનય વિચારણામાં કયા સ્વરૂપે મળે છે તે ભારત અને સ્ટાનિસ્લાવસ્કી, ભરત અને મેયર હોલ્ડ, ભરત અને બ્રેખ્ત તથા ભરત અને ગ્રોટોવસ્કીની તુલના દ્વારા સ્પષ્ટ કરી આપવામાં આવ્યું છે.

મહેશ ચંપકલાલ શાહનાં આ પુસ્તકો નાટ્યવિદ્યાના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી લખવામાં આવ્યાં છે. તેમનું એક વિશેષ પુસ્તક 'પ્રત અને પ્રયોગ'માં નાટ્ય સમીક્ષા છે. તેમનું માનવું છે કે 'પ્રત'માં રંગભૂમિ ક્ષમતા હોય કે ન હોય તેના પ્રયોગમાં દિગ્દર્શક જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. નવલકથા કે વાર્તાના મંચનો થાય છે. આત્મકથા કે પત્રોના મંચનમાં વાંધો નથી આવતો. તેથી તેમણે પ્રતમાં રંગભૂમિ ક્ષમતા શોધતા સમીક્ષકોને આ એક નવી દિશા ચીંધી છે.

ચંદ્રવદન મહેતા નાટ્યવિદ્યાના અદ્યાપક પણ રહી ચૂક્યા છે. તેમણે આપેલાં વિવિધ વ્યાખ્યાનોમાં જાપાનની રંગભૂમિ, અમેરિકન રંગભૂમિ આદિ પુસ્તકોની સાથે 'નાટક ભજવતા...’ નામની પુસ્તિકા આપી છે. ચંદ્રવદન મહેતા નાટકની સમીક્ષાના હેતુથી નાટકની ચર્ચા કરતા નથી. 'નાટક ભજવતાં' એ પુસ્તિકા નાટ્યના ક્ષેત્રમાં વિકસવા ઇચ્છતા અભિનેતાઓને માર્ગદર્શન કરતું પુસ્તક છે. ચંદ્રવદન મહેતાએ આ પુસ્તકમાં નાટક સાથે જોડાયેલી તમામ બાબતોનું ૧૧ ખંડમાં વિભાજન કરી ચર્ચા કરી છે. 'નાટકશાળા' કેવી અને ક્યાં હોવી જોઈએ તેના આદર્શની ચર્ચા કરી છે. 'નાટક' કેવું પસંદ કરવું અને તેને રંગભૂમિક્ષમ બનાવવા શું કરવું જોઈએ, નાટકના હાર્દને સમજી, લોકોની મનપસંદગીનો ખ્યાલ કરી નાટક પસંદ કરવું જોઈએ. નાટકની પસંદગી પછી પાઠવહેંચણી, પછી તાલીમના ખંડમાં પાઠ, અભ્યાસ અને રિહર્સલ આદિ બાબતો વિશે વિગતપૂર્ણ રીતે નોંધ કરી છે. રિહર્સલ કઈ રીતે કરવાં, રિહર્સલના પ્રકારો વિશે પણ તેમણે અહીં ચર્ચા કરી છે. 'અભિનય' કેવા પ્રકારનો હોવો જોઈએ તે ભરત નાટ્યશાસ્ત્રના આધારે કહ્યું છે. ચંદ્રવદન મહેતા નટ અને પાત્ર વચ્ચેના સંબંધની ચર્ચા કરે છે. અન્ય વિદ્વાનોના મતની ચર્ચા કરી ચંદ્રવદન મહેતા કહે છે કે 'જરૂ૨ પાત્રમય થવું, તન્મયતા સાધવી, આખરનો દોર, છેવટની ચાવી, પોતાના હાથમાં રાખવાં – એટલા સભાન ન રહીએ તો નાટકશાળામાં આગ લાગે ત્યારે બધા જ બહાર દોડડ્યા જાય અને આપણે બળતા જ રહીએ.' (પૃ. ૨૩ નાટક ભજવતાં) ચં. ચી. મહેતાએ અભિનયમાં તાટસ્થ્યપૂર્ણ તન્મયતા દાખવવી તેવું કહ્યું છે. 'રંગશાસ્ત્ર' તખ્તાનો કસબ એ ખંડમાં સ્ટેજ ટેકનિક વિશે સ્પષ્ટતા કરે છે. અવાજ અને અન્ય આંગિક અભિનયની સચોટતા સિદ્ધ કરવા 'થોડી કસરતો’ બતાવી છે. પ્રાણાયામ અને પાત્ર પરિસ્થિતિને સમજવા માટે કેટલીક માનસિક કસરતોની પણ ચર્ચા અહીં કરી છે. 'સંગીત’ વિશે તેમનું કહેવું છે, મૂળ વાઙ્ગ્યાપારમાં નડે નહીં, અને ક્યાંક ભાવને પોષક હોય તો અનુસરે એવું સંગીત બેશક નાટકના પ્રાણને પોષે’ (એજન પૃ.૨૯) પરદો ભભક અને રોશની વિશે – મૂળ વસ્તુ નાટકના હાર્દની છે. રોશની, પોશાક, ઠાઠ નાટકના હાર્દને લક્ષમાં રાખી યોજાવાં જોઈએ. સાદાઈથી પણ ધાર્યા પરિણામ લાવી શકાય છે.' (એજન પૃ.૩૧) મેકપ, રંગકરણ અને વેશભૂષા પણ યોગ્ય રીતનાં થવાં જોઈએ, તેમ કહે છે. ચિતારા, સુથાર, દરજી, પાઠક યાને પ્રોમ્પટરની પણ આવશ્યકતા નાટકશાળામાં હંમેશ રહે છે.

ચંદ્રવદન મહેતા નાટ્યના અનુભવી કર્મશીલ છે. તેમનું માર્ગદર્શન યોગ્ય રીતે જ દિશા દેખાડે છે. છતાં અહીં બહુ ટૂંકમાં આ બધી વાત થઈ છે. ખાસ તો ધ્યાન ખેંચે છે આ પુસ્તિકાની શૈલી. સહજ વાતચીતની રીતે આખીય ચર્ચા ચાલે છે. નાટક ભજવતાં પહેલાં આટલી વ્યાવહારિકતા – ઔપચારિતા પૂરી કરવી પડે. આ પુસ્તિકામાં નાટકનાં બધાં જ પરિમાણોને સ્પર્શીને ચર્ચા થઈ છે.

નંદકુમાર પાઠકે પણ નાટ્યવિદ્યાના વિદ્યાર્થીઓને કામમાં આવે એ માટે બે પુસ્તકો આપ્યાં છે. 'એકાંકી સ્વરૂપ અને સાહિત્ય', તથા 'પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો' જેવાં પુસ્તકોમાં તેમની નાટક વિશેની વિવેચના સંગૃહીત થઈ છે. આમ એક રીતે તો આ પુસ્તકો નાટ્યશિક્ષણના સંદર્ભ પુસ્તકની ગરજ સારે તેવાં છે. 'એકાંકી સ્વરૂપ અને સાહિત્ય' પુસ્તકમાં નંદકુમાર પાઠકે એકાંકીના આરંભઉદ્‌ભવથી લઈને પૂર્ણ સ્વરૂપ સુધીના વિકાસની ચર્ચા કરી છે. સાત પ્રકરણમાં તેમણે સંસ્કૃત સાહિત્યમાં એકાંકી, પાશ્ચાત્ય દેશોમાં એકાંકી: ઉત્પત્તિ અને વિકાસ, એકાંકી : સંવિધાન, કલા અને કસબ, તખ્તાનું તંત્ર, ગુજરાતી એકાંકીના વિકાસની રૂપરેખા, એકાંકી અને રેડિયો નાટિકા, ભગિની ભાષાઓમાં એકાંકી : 'ટૂંકી નોંધ' જેટલો વ્યાપ સમાવ્યો.

સંસ્કૃત લઘુ નાટકોના પ્રકારો, ભેદો વિશે સ્પષ્ટતા કરી છે. ભાણ, વીથી, ઉત્સૃષ્ટિકાંક, વ્યાયોગ, પ્રહસન જેવાં સંસ્કૃત લઘુ નાટકોનું સામ્ય એકાંકી સાથે છે. પરંતુ આજના એકાંકી અને સંસ્કૃત એકાંકી વચ્ચે ભેદ છે. 'આજનું એકાંકી અનેકાંકી પરથી આવ્યું છે એ સ્પષ્ટ છે પરંતુ સંસ્કૃત એકાંકી પરત્વે એવું સ્પષ્ટ વિધાન થઈ શકે એમ નથી.' (પૃ. ૫ એકાંકીઃ સ્વરૂપ અને સાહિત્ય) પાશ્ચાત્ય લઘુનાટકો મિરેકલ, મિસ્ટીઝ અને મોરાલિટીઝ પ્લે, કર્ટન રેઈઝર આદિને એકાંકીનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવ્યા છે. આ પુસ્તકમાં એકાંકીના સ્વરૂપવિકાસ અને અન્ય ભાષાઓમાં પણ એકાંકીનો વિકાસ ધ્યાનમાં લેવાયો છે. નંદકુમાર પાઠકે ઘણી મહેનત કરીને આ સ્વરૂપવિચાર કર્યો છે. અલબત્ત, આ પુસ્તક આમ તો નાટ્યશિક્ષણની – નાટ્ય તાલિમાર્થિઓના પાઠ્યપુસ્તક સમું છે. 'પાશ્ચાત્ય નાટ્યસાહિત્યનાં સ્વરૂપો' ટ્રેજેડી અને કોમેડી વિશે અભ્યાસપૂર્ણ સંદર્ભ સંગ્રહ છે. શ્રી નંદકુમાર પાઠકે 'નાટક અને રંગભૂમિના કેટલાક પ્રશ્નો વિશે ચર્ચા કરી છે તેમાં 'નાટકની એક શરત એની ભજવણી તખ્તા પર થતો એનો પ્રયોગને મહત્ત્વનો માને છે. નાટકના સ્વરૂપ, પાત્ર, પરિસ્થિતિ, કથાવસ્તુ આદિ વિષે તેમણે ઘણી જ ઉપકારક અભ્યાસ યોગ્ય ચર્ચા છેડી છે. આ દીર્ઘ લેખમાં નાટકનાં વિવિધ અંગો વિશે અને નાટક તથા સાહિત્ય કે નાટકનાં માધ્યમ વિશે પણ રસપ્રદ ચર્ચા ચલાવી છે. 'નાટક પાત્રોક્તિ સારા સંવાદમાં રજૂ થતી વાણીની રચના હોવાથી ભાષા પ્રત્યાયન માટેનું મુખ્ય માધ્યમ છે પણ ભાષા ઉપરાંત અભિવ્યક્તિનાં બીજાં માધ્યમો પણ નાટકમાં એની રજૂઆત દ્વારા આવતાં હોવાથી ભાષા ગૌણ બની જાય છે.' (પૃ. ૨૪. પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યનાં સ્વરૂપો) નંદકુમાર પાઠક નાટકને સાહિત્યસ્વરૂપ માને છે. 'તખ્તાનું તંત્ર' તો નાટકનાસાહિત્યિક સ્વરૂપને અભિવ્યક્ત થવા માટેનું માધ્યમ છે તેમ માને છે. વિવેચકો હંમેશાં ભજવાતાં નાટકોમાં નટ, દિગ્દર્શક, પ્રયોજક-નિમતાનાં જ કર્તુત્વને ધ્યાનમાં લે છે. લેખક-નાટ્યકારને ધ્યાનમાં લેતો નથી ત્યારે પ્રેક્ષકનું ધ્યાન આમ નાટકના મુખ્ય તત્ત્વ-ભાષા-શબ્દ પરથી ખસી જાય છે.' તેમ નોંધ્યા પછી તેમણે, સાહિત્યિક અને નાટ્યાત્મક-સ્વરૂપમાં સમતુલા સ્થાપવી આવશ્યક છે તેમ કહ્યું છે. 'નાટક લિટરરી ફોર્મ છે એ જેટલું સાચું છે તેટલું એને થિયેટ્રિકલ ફોર્મ છે એ પણ એટલું જ સાચું છે. મુખ્ય પ્રશ્ન સમતુલાનો છે. આ સમતુલા નાટકકારે નાટક લખતી વેળા જાળવવાની છે, દિગ્દર્શન કરતા દિગ્દર્શકે જાળવવાની છે, અભિનય કરતાં નટે જાળવવાની છે. અને વિવેચન કરતાં વિવેચકે જાળવવાની છે.' (પૃ. ૨૫ એજન) નાટકના આકાર અને અંતસ્તત્વ વિશે વાત કરતાં તેમણે 'નાટક એ પરલક્ષી સાહિત્ય સ્વરૂપ છે. એ પ્રયોગલક્ષી છે. લોકભોગ્ય છે એમાં લેખકનું અર્થઘટન હોય. દિગ્દર્શકનું અર્થઘટન હોય. નટનું અર્થઘટન હોય આ ઉપરાંત પ્રેક્ષકનું પોતાનું અર્થઘટન હોય.' (પૃ. ૨૬ એજન.)

નંદકુમાર પાઠકે આ લેખમાં નાટકની વિવિધ પદ્ધતિઓ પ્રકૃતિવાદી, વાસ્તવવાદી, સૂચનાત્મક, રંગદર્શી, અંતિરંજિત આદિની પ્રસ્તુતતા વિશે ટૂંકમાં ચર્ચા કરી છે. પ્રણાલિકા અને નવા પ્રયોગો વચ્ચેની ભેદરેખાને તેમણે સ્પષ્ટ કરી આપી છે. 'એપીક થિયેટર', 'ધી થિયેટર ઑફ ધી ઍબ્સર્ડ' 'ધી થિયેટર ઑફ ક્ર્યુઅલ્ટી' જેવાં અને બીજાં આંદોલનોના ફળરૂ૫ જે નાટકો મળે છે એ નાટકોની આયોજનકલા. નૂતન અને પરંપરા વિરોધી છે. નાટકના સ્થાપિત કલાસિદ્ધાંતો અહીં મળતા નથી. સંવાદનો રૂઢિગત ખ્યાલ અહીં કામમાં આવતો નથી. પાત્રાલેખનની કોઈ ચોક્કસ ભૂમિકા મળતી નથી, વસ્તુ નથી, વસ્તુ વિકાસ નથી... (પૃ. ૩૫ એજન.)

નંદકુમાર પાઠક નાટકના સ્વરૂપ સર્જકની ચેતના, પ્રણાલિકા, નાટકની વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ આદિની ચર્ચા કરતા આ લેખમાં આયોજન અને માધ્યમ વચ્ચેના સંઘર્ષોમાંથી નાટકનો ઇતિહાસ નાટ્યસ્વરૂપોનો ઇતિહાસ ઘડાયો છે તેમ નોધીને ટ્રેજેડી અને કૉમેડીના વિવિધ રૂપો વિશે વિસ્તારપૂર્વક આલેખન કરે છે. ટ્રેજેડી અને કૉમેડી વિશે તેમણે જે ચર્ચા કરી છે તે અભ્યાસીઓને ઉપયોગી થાય તેવી છે. નંદકુમાર પાઠક નાટ્યસમીક્ષામાં ખાસ તો સ્વરૂપ ચર્ચા કરે છે. તેમનાં આ બે પુસ્તકમાં મહદઅંશે નાટકના પ્રકારો વિશેની સ્વરૂપલક્ષી વિવેચના છે.

ચંદ્રકાંત ઠક્કરનું એક પુસ્તક પણ અહીં નોંધવા જેવું છે. 'નાટક – લેખકથી પ્રેક્ષક સુધી' આ પુસ્તક નાટકનાં અભ્યાસી વિદ્યાર્થીઓને માર્ગદર્શક પુરવાર થાય તેવું છે. નાટક લખાય છે ત્યાંથી ભજવાય છે ત્યાં સુધીની વિવિધ પ્રવૃત્તિ વિશે તેમણે વ્યવહારુ માર્ગદર્શન આપવાનો યત્ન કર્યો છે. અહીં ૯ લેખોમાં તેમણે મહત્ત્વ તાલીમનું, નાટક કોને કહેવાય ? નાટ્યલેખન, પ્રયાણ રંગમંચ તરફ, અભિનેતા અને અભિનય, ઇમ્પ્રોવાઇઝેશન, પ્રાચીન ભારતની નાટ્યકલા, નાટ્યવિવેચન અને કલાકારોએ જાણવા જેવા શબ્દો – એટલા વિષયને વિશે ચર્ચા કરી છે. એક અનુભવી સર્જકને હાથે લખાયેલું આ માર્ગદર્શક પુસ્તક છે. જેમને અભિનેતા-દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દી ઘડવી છે તેમને માટે આ પુસ્તક ઘણું અગત્યનું છે. નાટક ભજવવાની યુક્તિ, પ્રયુક્તિ કે કસરતો, અવાજ માટેની કસરતો આદિની વિસ્તૃત સમજ આ પુસ્તક આપે છે.

નાટ્યવિવેચન અંગે ચંદ્રકાન્ત ઠક્કરનું માનવું છે કે વિદ્વાન, અભ્યાસી તેમ જ તટસ્થ વિવેચકોનો અભાવ છે. માત્ર ઉત્પલ ભાયાણીને જ તેમણે વિવેચક માન્યા છે, તે સિવાય કોઈ વિવેચક જ નથી. બીજું કારણ વર્તમાનપત્રોનો અભિગમ નાટકો પ્રત્યે માત્ર આર્થિક જ રહ્યો છે અને પ્રેક્ષકોની નાટ્યવિવેચન તરફ ઉદાસીનતા નાટ્યવિવેચન કોઈ વાંચતું જ નથી. ચંદ્રકાન્ત ઠક્કર નાટ્યવિવેચનનું મહત્ત્વ માત્ર કયું નાટક જોવા જેવું છે તેનું માર્ગદર્શન કરે તેટલું જ છે એમ માને છે. ચન્દ્રકાન્ત ઠક્કર સમીક્ષા નથી કરતા પરંતુ નાટ્ય પૂર્વેની તૈયારી કે અભિનેતા થવા પૂર્વે જે આવશ્યક હોય તે બાબતોનું માર્ગદર્શન કરે છે. આ ઉપરાંત નાટ્યવિદ્યા - શિક્ષણને ઉપકારક અન્ય પ્રાધ્યાપક – લેખમાં જનક દવે, યશવંત કેળકર, ચંદ્રવદન મહેતા, માર્કન્ડ ભટ્ટ આદિનાં પુસ્તકો નોંધપાત્ર છે. નાટ્યવિદ્યાનું માર્ગદર્શન કરતાં આ સહુ પુસ્તકોથી ય કદાચ ભવિષ્યની નાટ્યસમીક્ષાનાં ધોરણો ઘડાય તેવી અપેક્ષા છે.