ગુલાબસિંહ/તરંગ ૧:રમાનું ઘર
ગુલાબસિંહ રમાનું ઘર મણિલાલ દ્વિવેદી |
રમા રાસધારીઓમાં → |
ગુલાબસિંહ.
પ્રકરણ ૧ લું.
રમાનું ઘર.
સાતસો વર્ષ ઉપર ચોહાણોના છત્ર નીચે દીલ્હી આખા ભરતખંડનું કેન્દ્ર થઈ શૂર, પરાક્રમ, વિદ્યા, કલા, સર્વના આદર્શ જેવું હતું. સરસ્વતીનો પ્રસાદ પામી વરદાયી એવા ઉપનામને પામેલા ચંદ જેવા મહા કવિઓ પૃથુરાયના દરબારમાં ઉત્તમ પ્રતિષ્ઠા અને વૈભવ ભોગવતા હતા. ખુંણેખોચરે અનેક નરરત્નો જેમ આજ પણ રાજદરબાર સુધી વગવશીલાને અભાવે પહોંચી શકતાં નથી અને એકાંતમાંજ ક્ષીણ થઈ જાય છે તેમ તે સમયે પણ એક સરદાર નામે અતિ સુશીલ, અનુભવી, અને કલામાં પરમ પ્રવીણ ગવૈયો જમનાના કાંઠા ઉપર પરવાડે જે ગરીબ ઝુંપડાં હતાં તેમાં રહેતો હતો. સરસ્વતી અને લક્ષ્મીનો કલહ એના શરીરમાં અને ઘરમાં પ્રત્યક્ષ જણાતો હતો, પણ યાચના કરવાની કૃપણતા એને બહુ ત્રાસદાયક લાગતી હતી. ઉસ્તાદોનું અનુકરણ કરી સારા ગાનારમાં ખપવું એટલોજ એની વિદ્યાનો ચમત્કાર નહોતો, પોતે જાતે સારો રસિક અને મર્મજ્ઞ કવિ હતો. તરંગનગર રચી તેમાં વિલાસ કરે અને કરાવે તેવો પ્રવીણ કવિ હતો. બુદ્ધિવૈભવ સર્વદા લોકરુચિને મળતો આવતો નથી, તેની આંખો આકાશ ઉપર રહે છે, લોકની પૃથ્વી ઉપર રહે છે, એટલે ઘણું કરીને તેવા સુજનોનો લોક સાથે મેળ થતો નથી. સરદારને પણ એમજ હતું.
સરદાર એના મન માનતી રીતે લોકપ્રિય ન હતો. એની સર્વે કૃતિમાં એવાં તરંગ અને સ્વતંત્ર કલ્પનાઓ આવતાં કે તે દીલ્હી શેહેરના રસિક લોકને પણ પસંદ પડતાં નહિ. સાધારણ માણસોને જે વિષય અજાણ્યા હોય તેવા વિષય ઉપર કાવ્ય રચવાનો એને ઘણો શોખ હતો. કારણકે એને પોતાની કલ્પનાએ રચેલી કોઈ નવી દુનિયાંમાંજ આનંદ શોધવો પડતો. કલ્પનાની વચ્ચે વચ્ચે એવા તરંગ દાખલ કરી દેતો કે કોઈ તેવા સાંભળનારને તો તેથી ભય પણ લાગી જાય. એણે જે ગ્રંથ રચી મૂકેલા તેનાં નામ “ભૂતની ભવાઈ” “નજરબંદી” વગેરે ઉપરથીજ એના મનના વલનનું, અને એને લોકપ્રિય ન થવાનાં કારણનું અનુમાન કરી શકાય. સારે નશીબે આપણા કવિને ગાવા અને રચવા ઉપરાંત બજાવવાની કલા પણ સારી હાથ બેશી ગઈ હતી, નહિ તો કાવ્ય સાહિત્યના નિયમાનુસાર વિચાર અને શૈલીને પ્રમાણ કરનાર રસિક લોકના જમાનામાં એ બીચારો વૈભવી ન થાત એટલુંજ નહિ પણ ભુખે મુવો હોત. બજાવવાની કલામાં તે એક્કો હતો; શોકીન લોક પોતાને રુચે તેવા વિષયનું એની પાસે ગાન કરાવતા. તેથી એના મનના સ્વાભાવિક તરંગ કાંઈ મિજાન પર રેહેતા, તોપણ એનું મન એવું રસિક અને તેથી સ્વછંદી થઇ ગયેલું હતું કે એટલાને લીધેજ એને બે ચાર વાર તો જે રાસધારીની મંડલીમાં રાખેલો હતો ત્યાંથી રજા આપવામાં આવી હતી. પણ એના જેવો બીજો બજાવનાર મળે કોણ ? તેથી એને પાછો નોકરીમાં રાખ્યો. ધીમે ધીમે પણ પોતાના માલીકોને ઉંચે ચઢાવી શક્યો નહિ, ત્યારે, બીચારો આવી સામાન્ય રીતે પોતાની શક્તિનો ઉપયોગ થતો જોઈને પણ સંતોષથી દિવસ ગાળવા લાગ્યો. પરંતુ શેહેરથી દૂર જમના નદીના કિનારા ઉપર પોતાનું મકાન હતું ત્યાં જઈને આ બધા વહીતરાનો બદલો એ સારી રીતે વાળી લેતો. સરંગી હાથમાં લેઈ એવી રીતે તેને છેડતો કે તેના તાનમાં ને તાનમાં સર્વ પશુ, પક્ષી, તન્મય થઇ જતાં અને ગામડીઆ લોક પણ જાણે કે જમનામાંથી કોઈ જલદેવતાજ આવીને તેમને બીહીવરાવતો હોય તેમ ચમકીને તેને પગે લાગવા મંડી જતા.
આ માણસની આકૃતિ તેની બુદ્ધિ અને કલાને અનુરૂપ હતી, એની આકૃતિ ઉદાર અને જોનારના મનમાં માન ઉત્પન્ન કરે તેવી હતી, પણ ફીકર અને ચિંતાથી કાંઈક શિથિલ જણાતી. કાળા બાલના ગુચ્છા ગમે તેમ લટકતા રહેતા, વિશાલ અને ઉંડી ગયેલી આંખો સ્થિર વિચારમાં ગરક હોય તેવી મંદ, અને જેમ સ્વપ્નમાં પડીને નવી નવી રચના જોઈ રહી હોય તેમ ચકિત રહેતી. એના મનમાં વિવિધ ઉર્મિ ઉઠે તેને અનુસરી ગતિ પણ વિલક્ષણ, આકસ્મિક, અને અકારણજ થતી હોય તેવી જણાતી; અને રસ્તે ચાલતાં જાણે દોટ કાઢતા હોય તેમ લાગતું તો કીનારા ઉપર વિચારમાં ને વિચારમાં ફરતાં તે પોતાના મનમાં હસતો અથવા વાતો કરતો જણાતો. એકંદરે તે ઘણો નિરુપદ્રવી નિખાલસ અને ગરીબ સ્વભાવનો પુરુષ હતો, અને એવો દયાલુ તથા નમ્રતાવાળો હતો કે ગમે તેવા બેવકુફ અને રખડતા ભીખારીને પણ પોતાની પાસે હોય તેમાંથી અર્ધો રોટલો ખુશીથી આપતો. આવો છતાં પણ તેને કોઈની સાથે ઝાઝું હળવા મળવાની ટેવ નહોતી. તે કોઇની દોસ્તી ન કરતો, કોઈ મહોટા માણસની ખુશામદ ન કરતો, અને દીલ્હી શેહેરના મોજ શોખની રમત ગમતમાં પણ કાંઈ ભાગ લેતો નહિ. એ અને એની કલ્પના એ બે એકરૂપજ હતાં. બન્ને વિલક્ષણ, સ્વાભાવિક, દુનીઆં પારનાં, અને અનિયમિત હતાં. એની સરંગી અને એ એમના બેના વિષે જુદે જુદો વિચાર આપણે કરીજ શકીએ નહિ. એ તે એની સરંગી અને એની સરંગી તે એ એવો વિલક્ષણ એનો શોખ હતો. સરંગી વિના એ એક તુચ્છ તૃણ સમાન થઈ જતો અને હાથમાં સરંગી આપો એટલે કલ્પનાએ રચેલાં આખાં જગત્નાં જગત્નો રાજા હોય તેમ મહાલતો.
સરદાર કવિ પોતાની સરંગીને અનુકૂલ પડે તેવાં કાવ્ય રચતો; અને તેમાં પણ માણસની મનોવૃત્તિઓનો એટલે કે જે જે રસ ઉપજાવવો હોય તેનો સ્થાયિભાવ એના મનમાં દૃઢ જડાઈ રહ્યો હોય તેજ પ્રત્યક્ષ પ્રકટ કરતો. આવા ભાવનાં પૂતળાં તે પોતાની નાની સરંગીથી ખડાં કરતો ને નચાવતો. આવાં નાના પ્રકારનાં કાવ્ય રચતાં તેણે એક અપૂર્વ પણ અનુપમ અને કોઇને પણ બતાવેલું નહિ એવું “લક્ષ્મીપ્રભવ” એ નામનું કાવ્ય સંગીતમાંજ રચી રાખ્યું હતું. પોતાની બાલ્યાવસ્થાથીજ એ આ કાવ્યકલિ ઉપજાવવાના તરંગ બાંધતો. યુવાવસ્થામાં તેને પોતાની અર્ધાંગના તરીકે રમાડતો, અને ઉંમરે પોહોંચ્યો ત્યારે તેને પોતાની પુત્રી સમાન લાડ લડાવતો. એ કાવ્ય પ્રસિદ્ધ કરવાને એણે ઘણા પ્રયત્નો કરી જોયા, પણ નિષ્ફલ. નિષ્પક્ષપાતી અને નિર્દ્વેષી રાજકવિ ચંદ પણ એના કાવ્યમાંનો એક ફકરો વાંચી મોં મરડીને ડોકુ ધુણાવવા લાગ્યો. પણ ફીકર નહિ સરદાર ! ધીરજ રાખ, તારી સરંગી બરાબર ચઢાવી રાખ, તારો પણ વારો આવશે.
વાચનાર રામાઓને નવાઈ જેવું લાગશે કે આ વિલક્ષણ માણસે પણ જેને સાધારણ લોક પોતાનું સર્વસ્વ માની લે છે એવો લગ્નસબંધ બાંધ્યો હતો;– તે પરણ્યો હતો; અને તેને એક છોકરૂં હતું. વધારે આશ્ચર્યકારક તો એજ છે કે એની સ્ત્રી ઉદયપુરના કોઈ શૂરવીર રજપૂતની દીકરી હતી. એ જાતે કોઇ તવંગર રજપૂતનો ફરજન હતો, પણ પાયમાલ થઈ ગરીબ દશામાં આવી ગયો હતો. એની પત્ની એના કરતાં વયે નાની હતી; રૂપે દેખાવડી તથા સ્વભાવે ઘણી પ્રેમાલ હતી; અને તેનું મુખ ઘણું રમણીય અને આનંદી હતું. તે તેને પોતાની મરજીથી પરણી હતી અને હજુ પણ તેને સારી રીતે ચહાતી હતી. આવી સ્ત્રી આ શરમાળ અતડા, અને એકમતિયા માણસને ક્યાંથી મળી આવી હશે અથવા તે તેને કેમ પસંદ પડ્યો હશે એવો વિચાર ઘણાંને થઈ આવશે. પણ જે ફક્ત રૂપ કે કુલ કે બીજો એવોજ લાભ જોઈને પરણી અથવા પરણાઈ બેસે છે, તેની હાલત વિચારતાં આ વાતમાં કાંઈ પણ નવાઈ નહિ લાગે. એ સ્ત્રી એવી રીતે જન્મેલી હતી કે એનાં માબાપ એને પાછળથી પોતાની કરી શક્યાં નહિ. તેનો અવાજ અને અક્કલ સારાં હોવાથી તેને પોતાનું ગુજરાન ચલાવી લેવા જેટલો ગાવા બજાવવાનો ધંધો શિખવવા માટે દિલ્હી મોકલેલી હતી. ત્યાં આવી એ છોકરી સરદાર પાસે તાલિમ લેતી હતી. સરદારનો સ્વર એજ તેના કાનમાં, મનમાં, જીવમાં રમી રહ્યો; નાનપણથી મોટી થઈ ત્યાં સુધી એનું એજ સાંભળવાથી એનો જીવ એનામાંજ બંધાઇ ગયો; બન્ને પરણ્યાં. આ સ્ત્રી સરદારને અત્યંત પ્રેમથી ચહાતી. દરબારી દ્વેષી લોકના ફાંસામાંથી સરદારને બચાવી લાવતી, એની વ્યાધિના વખતમાં એને એકભક્તિથી મદદ કરતી,–અરે ! અંધારી રાતે વરસાદની ઝડીમાં પોતાના પતિને રાસધારીઓમાંથી ઘેર તેડી લાવવા માટે ફાનસ લઈને જતી, એવા ભયથી કે રખેને “લક્ષ્મીપ્રભવ” ના વિલક્ષણ વિચાર કરતો મારો પતિ “લક્ષ્મી” ની પાછળ પાછળ જમનામાંજ ચાલી જાય. ઘેર આવીને પણ સરંગી લેઈ રાગનાં તાન મારતા પોતાના પતિને બહુ રસભેર સાંભળી સાંભળીને, અનુમોદન આપતી. જેમ ગાન એ સરદારનું અંગ હતું તેમ આ સરદારની સ્ત્રી પણ એના ગાનનું એક અંગ થઈ પડી હતી; કેમકે જ્યારે જ્યારે તે એની પાસે બેઠી હોય ત્યારે એના ગાનમાં એક નવી તરહની ખુબી અને લજ્જત સ્વાભાવિક રીતેજ પ્રકટ થઈ આવતી. સરદાર પોતે પણ તેને અંતઃકરણપૂર્વક ચાહતો પણ બોલવાની ટેવ ન હોવાથી પ્રેમનાં ભાષણ આપી શકતો નહિ; તેમ પોતાની સરંગીમાંથી એમ કહેવા માટે પરવારતો પણ નહિ. પોતાના મનમાં એમ નિરંતર સમજતો કે હું એને સારી પેઠે ચાહું છું અને એ સુખી થાય એમ ઈચ્છું છું.
પોતાની દીકરીનું નામ એમણે પોતાના કાવ્ય ઉપરથી રમા એવું રાખ્યું હતું. સરદારના ગાનનીજ જાણે ઉત્પત્તિ હોય નહિ, એવી રમા હતી; એની આકૃતિમાં તથા વૃત્તિમાં જે ગાન એના પિતાની સરંગીમાંથી પ્રતિરાત્રિ જમના ઉપર પસરી રહેતું હતું તનો કાંઈક આવિર્ભાવ થયાં કરતો હતો; જ્યારે જોઈએ ત્યારે નવે નવો રમણીય દેખાતો હતો. તે ખુબસુરત હતી; ઘણીજ ખુબસુરત હતી; સર્વ વિરુદ્ધ ગુણનોજ જાણે સમુદાય હતી ! એનો ચોટલો ગુલાબી કાશ્મીરી ઉન જેવો ચળકતો હતો ને વચમાં વચમાં સોનેરી ઝલકની છાંટ હતી; એની આંખો હિમાલયનાં હરણની આંખો જેવી વિશાલ, કાળી અને પ્રેમાલ હતી. મુખનો આકાર પણ અતિશય આનંદકારક છતાં સર્વદા એકનો એક રહેતો નહિ, એક ક્ષણે ઘણોજ આનંદપૂરથી છલકાતો, એક ક્ષણે ઉદાસીથી કરમાઈ જતો. સંગીતને તાલેજ જાણે પગ મેલતી, તાલના લય પ્રમાણેજ જાણે ડગલાં ભરતી, રાગના આલાપનુંજ જાણે અંગે અંગની ગતિમાં અનુકરણ કરતી, સ્વરમૂર્તિજ હતી.
આ દંપતીની દીકરીને કોઈ પણ જાતની કેળવણી તેમના તરફથી મળી નહતી. તેમના પોતાનામાંજ આને આપવા લાયક કાંઈ જ્ઞાન હતું નહિ; તેમ હાલની પેઠે તે દિવસોમાં છોકરીઓને ભણાવવાનો રીવાજ પણ નહતો. પણ રમા સ્વાભાવિક રીતે દૈવેચ્છાથીજ કાંઈક શીખી શકી. એનાં માબાપ જાણતાં હતાં એમાંનું કાંઈક જાણી લીધા પછી તે વાંચતાં લખતાં પણ શીખી. સરદારની વિલક્ષણ રીતભાતને લીધે એની પત્નીને એની પાસે વારંવાર રેહેવું પડતું તેથી રમા ઘણીખરી એક દાસીના હાથમાં રેહેતી. આ દાસીની જવાની પ્રેમમય ગઈ હતી, વૃદ્ધાવસ્થા વ્હેમમય થઈ હતી. તે ઘણી વાતોડી, સહજ ઘેલી, તેમજ ગપ્પાંખોર પણ થઈ ગઈ હતી. કોઈવાર રમાના આગળ તારૂં લગ્ન કોઈ મહોટા રજપૂત સાથે થાય તો કેવું એવી વાતો કરે, અને કોઈવાર ભૂત અને પ્રેતની વાતો કરીને તેને ડરાવી મારે. આ બધામાંથી રમાની કલ્પનામાં જુદા જુદા સંસ્કાર પડવા લાગ્યા; અને તેને ધીમે ધીમે પોતાના પિતાના ગાન ઉપર ઘણી પ્રીતિ થવા લાગી.
પ્રથમથીજ આવો શોખ લાગતે લાગતે એનું મન કેવલ ગાનમયજ થઈ રહ્યું; એનાં વિચાર, કલ્પના, સુખ, દુઃખ, એ સર્વે, જે સ્વરના રસથી તે એક પળે આનંદ પામતી અને એક પળે ભય પામતી, તે સ્વરમયજ થઈ રહ્યાં. સવારમાં જાગતી પણ એજ સ્વરનાજ ધ્યાનમાં, રાતમાં ઝબકી ઉઠતી તે પણ તેના તાનમાંજ. આવી રીતની જે અવર્ણ્ય તન્મયતા તેનામાં વ્યાપી રહી હતી તેના રેષાચિત્રમાં દાસીની વાતો સાંભળી સાંભળીને એનું મન વિવિધ રંગ પૂરી આકાર અર્પવા લાગ્યું. સ્વાભાવિક છે કે આવી રીતે કેળવાયલું આવાં માબાપનું છોકરૂં ગાયનની દૈવીકલા પણ શીખેજ. તે નાની બાલક હતી ત્યારથીજ કોઈ દેવી ગાતી હોય તેવું અદ્ભૂત ગાન આલાપવા લાગી. કોઈ મહોટા ઉમરાવે તેની હોશીયારીની વાત સાંભળીને પોતાની પાસે બોલાવી; અને તેણે તેને વિશેષ કેળવવા સારું બીજા ઘણાં કાબેલ શિક્ષકોને સોંપી. તે ઉમરાવના મનમાં જે મરજી હતી તે ધીમે ધીમે બર લાવવાના વિચારથી તે એને પોતાની સાથે દરબારી રાસ થતા તે સ્થાનમાં લેઈ જતો, કે ત્યાં જે જવાન સ્ત્રીઓ આલાપ કરતી તેને તે જુવે, અને તેમના ઉપર લોકો તરફથી જે વાહ વાહનો વરસાદ વરસતો તેથી લલચાય. તે સ્થલ જોતાંજ તે છોકરીના મન ઉપર ઘણી અસર થઈ ગઈ; અને જેવા પ્રકારનું જગત્ તે પોતાની કલ્પનાઓમાં જોતી તેવુંજ ત્યાં તાદૃશ જોઇ ખુશી થઈ. તેને એમ લાગ્યું કે અત્યાર સુધી તો હું દુનીઆં બહારજ હતી. જેનામાં બુદ્ધિ હોય તેને આવીજ ઉત્કંઠા થઇ આવે છે ! કલ્પના એ શી ચીજ છે તેનો પાકો ખ્યાલ ન હોય ત્યાં સુધી બાલ કે વૃદ્ધ કોઈ પણ કદાપિ ખરે ‘કવિ’ થઈ ન શકે.
આ પ્રમાણે રમાના સંસારનો આરંભ થયો. રંગભૂમિ ઉપર જે મનેભાવનાં ચિત્ર તેને પોતાના અભિનયથી, દૃષ્ટિથી, દર્શાવવાનાં ઠર્યાં તેનોજ તેને અભ્યાસ કરવાનો રહ્યો. આવી જાતની શિક્ષા સર્વ સાધારણ લોકને તે ઘણી ભયકારક છે, કેમકે એ શોખમાંથીજ માણસ બગડે છે. પણ જેના મનમાં કેવલ એ દૈવીકલાના તાદૃશ રૂ૫નું ભાન ખડું થવાથીજ ઉત્સાહ થઇ આવ્યો હોય, તેને તો કાંઈ દોષ લાગી શકતો નથી. જે યથાર્થ રીતે આ कलाને સમજે છે, તેનું મન તો એક આરસી જેવું થઈ રહે છે; પોતાનામાં પ્રતિબિંબ રૂપે પડેલી સર્વ જાતની વસ્તુ બીજાને યથાર્થ રૂપે બતાવે છે, પણ જાતે શુદ્ધને શુદ્ધ જ રહે છે. રમા કલ્પનાના સ્વરૂપને અને વસ્તુના સ્વભાવને સ્વાભાવિક રીતેજ ગ્રહણ કરી શકતી. એના અભિનયમાં પોતે પણ જાણી ન શકે એવું કોઈ અપૂર્વ પ્રકારનું બલ આવ્યું; એનો સ્વર હૃદયને પીગળાવીને અશ્રુરૂપે વેહેવરાવાને, અથવા ગરમ કરી ઉદાર ક્રોધથી ઉકાળે ચઢાવવાને સમર્થ થઇ ગયો. આમ થવાનું કારણ જેનો તે અભિનય કરતી હોય તેની સાથે તેની સ્વાભાવિક તન્મયતા સિવાય બીજું ન હતું. આ અભ્યાસ કરતાં બીજે સમયે જુઓ તો રમા સાદી, માયાળુ, અને કાંઇક મનસ્વી છોકરી હતી; –મનસ્વી તે પોતાના વિચારમાંજ, આગળ કહ્યું તેમ વગર કારણ કોઈવાર આનંદમાં, કોઇવાર ઉદાસીમાંજ ! આ બધાનું કારણ તેની પહેલાંની કેળવણીજ હતી.
ખરેખર ! મૃદુ શરીરવાળી, આનંદકારક રૂપવાળી, વિલક્ષણ રીતભાત અને વિચારવાળી, આ સુંદર બાલા પેલા સરદાર ગવૈયાની નહિ પણ ગાયનનીજ દીકરી હતી, આ છોકરીના નસીબમાં કેવલ કલ્પિત જેવું કોઇ ભવિષ્ય હોવું જોઈએ. આવાજ તરંગોમાં જમાનાની કુંજોમાં આ છોકરી વારંવાર રખડતી અને એવા એવા વિચારો બાંધતી કે જે ગમે તેવા કવિની અથવા પંડિતની કલ્પનામાં પણ વર્ણન માટે આવી શકે નહિ. વારંવાર પોતાના ઘરના ઉમરા ઉપર બેશીને, જમનાના કાળા પાણી તરફ એક નજરે જોતી. ઉનાળાની સંધ્યાકાલે અથવા ચોમાસાના બપોરે જાત જાતના તરંગો ચલાવ્યાં જતી. કોણ એમ નથી કરતું ? કેવલ જવાનીમાંજ નહિ, પણ સર્વ રીતે ગમ ભાગી ગયા હોય એવી વૃદ્ધાવસ્થામાં પણ ! આવી કલ્પનાનાં નગર બાંધવાં એ તો માણસ માત્રનો હક છે; રાજા અને રંક સર્વેને સરખો છે. એ વિના માણસ જીવી જ ન શકત. પણ રમાના મનમાં જે સ્વપ્ન આવતાં તે આપણને આવે તે કરતાં જુદાંજ હતાં.