ગુલાબસિંહ/તરંગ ૧:રમા રાસધારીઓમાં

વિકિસ્રોતમાંથી
← રમાનું ઘર ગુલાબસિંહ
રમા રાસધારીઓમાં
મણિલાલ દ્વિવેદી
અણધાર્યો મદદગાર →


પ્રકરણ ૨ જું.

રમા રાસધારીઓમાં.

માની કેળવણી હવે પૂરી થઇ રહેવા આવી છે; એની ઉમર પણ ખીલતી સોળ વર્ષની જુવાનીએ પહોંચી ચૂકી છે ! જે અમીરે તેના ગાન ઉપર મોહિત થઈ તેને શિક્ષા અપાવી કેળવી હતી તે પણ કહેવા લાગ્યો છે કે સરસ્વતીની ઉપાસના કરીને અમર થયેલા મહાત્માઓનાં નામ ભેગું આ નામ પણ કીર્તિની અમર કિતાબમાં સોનેરી અક્ષરે લખી દેવાનો પ્રસંગ હવે આવી ચૂકેલો છે; શંશયમાત્ર એટલોજ રહ્યો છે કે તે નામ કયે રૂપે પ્રકાસશે, એ નામવાળી કોની કલ્પનાઓનાં ચિત્રને સજીવ કરી બતાવશે. એજ વાત શોખીન લોકોમાં જ્યાં ત્યાં ચરચાઇ રહી છે, કવિઓ ઠામ ઠામ પોતાના મનમાં, પ્રસિદ્ધિ પામવાની લાલસાથી, આતુર થઈ કોને ગળે વરમાલ પડશે એમ જોતા બેઠા છે ! ગામમાં વાતો ઉપર વાતો ચાલી રહી છે. કોઈ કહે છે કે રાજકવિ ચંદ, એ બાલકીએ પોતાના બે રાસ ભજવી બતાવ્યા તે જોઈ એટલો પ્રસન્ન થઈ ગયો છે કે, એકાદ ત્રીજો પણ આ પ્રસંગ માટે રચી ક્‌હાડશે. કોઈ કહે છે કે એવા વીરરસના કાવ્ય કરતાં એ શૃંગાર અને કરુણારસ ભજવવામાં ઘણી પ્રવીણ છે તેથી પ્રસિદ્ધ કવી રામદાસજી પોતાની કલમ એક પલ પણ હેઠી મૂકતા નથી. પણ આવી રીતે જે ખટપટ ચાલી રહી હતી તે એકાએક ઠંડી પડી ગઈ. જે અમીર રમાને મદદ કરનાર હતો તેનો મિજાજ બગડી ગયેલો જણાવા લાગ્યો. તેણે લોકો વચ્ચે કહ્યું – આમ કહેવું એ કાંઈ લોકના મનમાં નાની સૂની વાત ન હતી – કે “એ બેવકુફ છોકરી એના બાપ જેવીજ અક્કલ વિનાની છે. એ જે માગે છે તે કેવું ઉંધુ છે !” એને સમજવા માટે ઉપરા ઉપરિ મિજલસો ભરાતી ચાલી; અમીર તેને ખાનગી રીતે બોલાવીને પણ ઘણી ગંભીરાઈથી કહી ચૂક્યો – પણ બધું ફોકટ ! આખા દીલ્હી શહેરના લોક ઘણા આતુર થઇને જાત જાતનાં અનુમાન કરવા લાગ્યા. પણ અમીરે જે ભાષણ માને આપ્યું તેનો પરિણામ તો તકરારમાં આવ્યો; મા ઘણી નાઉમેદ અને નિરાશ થઈ ચીડાતી ચીડાતી ઘેર ગઈ, ને બોલવા લાગી કે “હું હવે રાસભૂમિ ઉપર જનાર નથી, અમીરની સાથેના કરારથી હું બંધાયલી નથી.”

રંગભૂમિ ઉપર જવાથી જે જે નુકસાન થાય છે તેથી કેવલ અજાણ્યો સરદાર તો પોતાનું એક ફરજંદ પણ પોતાની કલાને જેબ આપશે એમ જાણીને ઘણો ખુશી થતો હતો. આ પ્રસંગે પોતાની દીકરીની હઠીલાઇથી તને ઘણી નાખુશી થઈ આવી. અને પોતાની નાખુશી કહી બતાવવાની ટેવજ ન હતી તેથી કંઈ બોલ્યા વિના પોતાની સરંગી લઈને બેઠો. પણ સરંગીએ માને જે ઠપકો દીધો તે વધારે સખ્ત અને કરડો હતો. સરંગી ચીસો પાડવા લાગી, બબડવા લાગી, રોવા લાગી, ધમકાવવા લાગી; તે સાંભળતાંજ રમાની આંખોમાં આંસુ ઉભરાઈ જવા લાગ્યાં, કેમકે રમા આ સરંગીની ભાષા સારી પેઠે સમજતી હતી. ધીમે રહીને પોતાની મા પાસે જઈ તેણે બધી વાત કહી બતાવી; સરદાર જ્યારે તેની પાસે ગયો ત્યારે મા દીકરી બન્નેને એણે રોતાં જોયાં. તેમના તરફ ઘણા આશ્ચર્યથી જોઈ રહ્યો, ને તુરતજ જાણે પોતે તેમના તરફ ઘણી સખ્તાઈ વાપરી એવું સમજ્યો હોય તેમ પાછો પોતાની સરંગી પાસે દોડ્યો. આ પ્રસંગે હઠીલા બાલકને હાલા ગાઈને કોઈ ગંધર્વકન્યા રીઝવતી હોય એમ સાંભળનારને ભ્રાંતિ પડી જાય એવા રસમય ધીમા અને મધુર સ્વર એની સરંગીમાંથી ઝરવા લાગ્યા. કેવલ શોકમાંજ ડૂબી રહેલો માણસ પણ કાન ધર્યા વિના રેહે નહિ એવા આ ગાનમાં વચ્ચે વચ્ચે કેવલ અનિયમિત આનંદથી પરિપૂર્ણ અને બધું ગજાવી મૂકતો કોઈ કોઈ સ્વર નીકળી આવતો; જાણે કોઈ હસતું હોય, માણસ નહિ પણ દેવતા હસતા હોય, એમ લાગતું. આ સ્વર, પોતાના સંગીતમય “લક્ષ્મીપ્રભવ” માં જ્યાં લક્ષ્મી સમુદ્રની ઉપર આવીને પોતાના કમલગૃહમાં બેઠી બેઠી પવન પાણી સર્વને પોતાની મોહિનીથી બાંધી લેતી હતી, તે વર્ણનમાંનો હતો. આ જાદુ જેવા ગાન પછી આગળ શું આવ્યું હોત તે કહી શકાતું નથી, કેમકે તુરતજ રમા આવીને એના ખેાળામાં પડી તથા ચળકતા વાળમાંથી જણાઈ આવતી હસતી આંખે લાડથી ગેલ કરવા લાગી તેથી એનો હાથ અટકી ગયો. આજ વખતે બારણું ઉઘાડીને કોઈ અંદર આવ્યું, અને રમાને પેલો અમીર બોલાવે છે એમ કહી ગયું. રમા તુરતજ જવાને તૈયાર થઈ ને એની મા સાથે ગઈ. અમીર આગળ બધો બંદોબસ્ત થઈ ચૂક્યો હતો; રમા પોતાની મરજી મૂજબ ભલે કરે, પોતાને ગમે તે રાસ ભલે પસંદ કરે, અરે ! બૂઠાં હૃદયવાળા કજીઆ કંકાસ અને તકરારોમાં પડેલા લોકો શું સમજી શકે કે આખા દીલ્હી શેહેરના ના શોખીન લોકમાં, નવો રાસ ને નવું ભજવનાર એ સાંભળતાંજ કેટલી ધામધૂમ થઈ રહી હતી. આ રાસ કોનો હશે ? એ કોઈના કળ્યામાં આવતું ન હતું, એ રાસનું નામ જેટલી સાવચેતીથી છુપું રાખી મૂક્યું હતું તેટલી સાવચેતી ગમે તેવી રાજખટપટ છુપાવવામાં પણ ભાગ્યેજ વાપરવામાં આવી હશે. આમ વાત ચાલી રહી હતી તેવામાં એક દિવસ સરદાર રાસભવનમાંથી ઘણો નાખુશ થઈને ઘેર આવ્યો. તે દિવસે રાસવાળાએ એને નોકરીમાંથી બરતરફ કર્યો; એમ ધારીને કે આ નવો રાસ, ને તે એની દીકરીએ ભજવાયેલો જોઈને એનું કાળજુ ઠેકાણે રહેશે નહિ. તે ઉપરાંત વળી તેઓએ એમ પણ ધારેલું કે એની બજાવવાની તરંગી રીતભાતથી પણ રાત્રીએ ગરબડાટ થઈ રેહેશે. જે રાત્રીએ, પોતાનાજ વાદિત્રનું તાદૃશ રૂપ એવી પોતાની દીકરી રંગભૂમિ ઉપર આવનાર છે તેજ રાત્રીએ પોતાની જગોપર કોઈ બીજો આવીને બેસશે એ વિચાર કોઈ પણ ગવૈયાના હૃદયને ભેદી નાખવાને પુરતો છે. એણે ઘેર આવતાં જ પોતાના સ્વભાવથી ઉલટી રીતે તુરતજ રમાને પૂછ્યું કે રાસ શાનો થવાનો છે, ને તારે કેઈ ભૂમિકા લેવાની છે ? રમાએ ગંભીરતાથી જવાબ દીધો કે મેં અમીરને વચન આપ્યું છે કે એ વાત હું કોઈને નહિ કહું, તેથી કહી શકતી નથી. સરદાર કાંઈ બોલ્યા ચાલ્યા વિના સરંગી લેઈને જતો રહ્યો, ને એના ગયા પછી તુરતજ ઘરના છાપરા પરથી કોઈનું હૃદય ચીરાઈ જતું હોય ને રડતું ને કકળતું હોય તેવા સ્વર સંભળાવા લાગ્યા.

સરદાર કવિનો પ્રેમ ઉપરથી જણાઈ આવે તેવો નહોતો. પોતાનાં છોકરાં આખો વખત ખોળામાં રમ્યાં કરે તેને જોઈને રાજી થયાં કરે એવા સંસારી અને લાડઘેલા માયાળુ બાપ જેવો એ નહોતો; એનાં મન અને જીવ તો પોતાની कलाમાં એટલાં બધાં ગિરફતાર થઈ ગયાં હતાં કે સંસારનાં સુખ એની નજર આગળથી એક સ્વપ્નની પેઠે ચાલ્યાં જતાં. સંસારને તો એ સ્વપ્નજ ગણતો, પણ તાદૃશ ખરી વાત કેવલ એક પ્રેમ અને તન્મયતાનેજ ગણતો. જે લોકો કેવલ માનસિક અભ્યાસમાં ગુંથાયા હોય છે તે આવાજ બની રહે છે; ગણિતશાસ્ત્ર ભણનારા વિશેષે કરીને. કોઈ ગણિતવેત્તા પાસે તેનો ચાકર દોડતો જઈને કહેવા લાગ્યો કે “સાહેબ ઘર બળવા લાગ્યું છે.” “બેવકૂફ જા તારી શેઠાણીને કેહે ” એમ તેણે જવાબ દીધો, ને પોતે જે હીસાબ ગણતો હતો તેની આગળ પાછો ગોઠવાઈને બેસતાં બોલ્યો કે “હું તે વળી કીયે દિવસે એવા ઘરકામમાં જીવ ઘાલું છું.” પણ ગણિતમાં આવી તન્મયતા થઈ જાય છે તે સંગીત આગળ કાંઈ નથી. કોઈ વિદ્યાર્થીએ એક પ્રખ્યાત ગંધર્વને પૂછ્યું કે “સરંગી બજાવવાનું શીખતાં કેટલો વખત લાગશે” ત્યારે તેણે જે જવાબ દીધો તે તમને ખબર છે ? જેના આગળ અર્જુન કે લક્ષ્મણની કમાનનો પણ હિસાબ નથી એવી આ કમાન જે ચ્હડાવવા ઈચ્છતા હોય તે એ ગંધર્વનું કહેલું સાંભળીને નિરાશ થશે કે “દરરોજ બાર કલાક પ્રમાણે વીશ વર્ષ.” આ જાતની સરંગી જેને હાથ થઈ હોય તે શું નિરંતર પોતાનાં છોકરાં પછવાડે ભમ્યાં કરે ? નહિજ. સરદાર ! બીચારી રમા પોતાના બાલપણાના વખતમાં તું એને ચહાતો નથી એમ ઓછું લાવીને ઘણી વાર એકાંતમાં બેઠી બેઠી રડતી. આમ બનતું તો પણ બહારથી જણાતી આ બેદરકારીની અંદર એનો પ્રેમ તેવોને તેવોજ હતો, ને તેથી જ આખરે જેવો એ તરંગી હતો તેવી એની દીકરી પણ થઈ અને એક એકને સારી રીતે સમજી શક્યાં. પોતાને તો કીર્તિ મળનાર ન હતી પણ આજ દીકરીની જે કીર્તિ થાય તે પોતેજ ન જોઈ શકે, ને તે ન જોવા દેવાના કાવતરામાં તે દીકરીજ સામિલ ! સર્પના દંશ કરતાં પણ વિશેષ સખ્ત એને આ અપકાર લાગ્યો અને તે જ એની સરંગીમાંથી પ્રકટ થતો હતો.

ઘણા વખતથી ધારી રાખેલો આ મહત્વનો દિવસ આવ્યો. રમા રાસભવનમાં ગઇ; તેની મા તેની સાથે ગઈ; પણ કોપિત ગવૈયો તો ઘેરજ રહ્યો. તેમના ગયા પછી તુરતજ દાસી સરદારના ઓરડામાં દોડતી આવી ને કેહેવા લાગી કે “આપણા અમીરની ગાડી બારણા આગળ ઉભી છે, આપને તેડવા આવી છે. તેમણે કહેવરાવ્યું છે કે તમારે તમારી સરંગી ઘેર મૂકતા આવવી અને કીનખાબનો ડગલો પેહેરી, તથા મંડીલ બાંધીને આવવું; હું આ સઘળો પોશાખ લાવી છું; જલદીથી આપ પહેરીને પધારો.” ગાડી ગડગડાટ ચાલી ગઈ. સરદાર મનમાં ગુંચવાઈ ગુંચવાઈને બહાવરો બની ગયા જેવો થઈ રહ્યો, રાસગૃહ આગળ ઉતર્યો, અંદર ગયો, પણ પોતાની આસપાસ ગાંડાની પેઠે જોયાં કરતો હતો, કે સરંગી કયાં ગઈ ! અરેરે ! એનો પ્રાણ, એનો સ્વર, એની પોતાની જાતજ, ઘેર રહી ગઇ ! જેમ કોઇ કૃત્રિમ પૂતળાને ખેંચી જાય તેમ માણસો એને અમીરની પાસે લેઈ જઇને બેસાડી આવ્યાં. પણ ત્યાં જઈને બેઠા પછી એની નજરે શું પડે છે ! સ્વપ્નમાં પડ્યો છે કે જાગતો છે ! રાસનો મુખભાગ તો થઈ ગયેલો હતો ( જ્યાં સુધી લોકો ખુશી થયા તેની ખાત્રી થઈ નહિ હતી ત્યાં સુધી સરદારને બોલાવ્યો ન હતો) અને તેટલાથીજ બધો નિશ્ચય થઈ ચૂકેલો હતો; રાસ ઘણો ફતેહમંદ નીવડ્યો હતો. સરદાર, આ વાત, સર્વ પ્રેક્ષકોના મનમાં વિજળીની પેઠે જે આનંદ વ્યાપી રહ્યો હતો તે પરથી ને સર્વ લોક શાંત થઇ જોઈ રહ્યા હતા તે પરથી તુરતજ સમજી શક્યો. તે પોતાની રમાને વસ્ત્રાભૂષણના ભભકામાં શોભી રહેલી રંગભૂમિ ઉપર દેખે છે; અગણિત પ્રેક્ષકોનાં એકવત્ થઈ ગયેલાં હૃદયમાં વ્યાપી રહેલો તેનો મધુર સ્વર પણ સાંભળે છે ! પણ આ કયો ભાગ ચાલતો હતો ! રમા શાનો અભિનય કરતી હતી ! શું ગાતી હતી ! એ તો સરદારનું બીજુ છોકરૂં – અમર છોકરૂં – પોતાના આત્માના તત્ત્વનુંજ બનેલું બાલક – ઘણાં વર્ષ થયાં ધીરજથી અંધારામાં પડી રહેલું રમકડું,– “લક્ષ્મીપ્રભવ” એ રાસ હતો !

જે વાત ન જાણ્યાથી સરદાર હેરાન હતો તે આજ હતી; અમીરની સાથે તકરાર થવાનું કારણ પણ તેજ હતી, જયની ઘડી હાથ થઈ જણાય ત્યાં સુધી – પિતા પુત્રી ઉભયની કૃતિનો ઉત્કર્ષ એકજ કાલે પ્રસિદ્ધ થાય ત્યાં સુધી – ન જણાવવાની વાત તે પણ આજ હતી.

પોતાના પિતાનો અને પોતાનો જય પ્રકટ કરતી આ ઉભી તે રમા ! કાવ્યસંગીતના સાગરમાંથી ખડી કરેલી “ક્ષ્મી” થી પણ સુંદર શોભી રહેલી મા ! સર્વ પ્રેક્ષકોના આત્માથી પૂજાયલી મા ! શો આનંદકારક અને ચિરકાલ અનુભવવા યોગ્ય મેહેનતનો બદલો ! ઘણા કાલથી અપ્રસિદ્ધિની ગુફામાં દબાઈ રહેલી બુદ્ધિ જ્યારે પોતાના યથાર્થ સ્વરૂપે પ્રકાસી કીર્તિ પામે છે, ત્યારે તેને જે આનંદ પ્રાપ્ત થાય છે તે સમાન જગત્‌માં બીજો આનંદ ક્યાં હોઈ શકે ?

સરદાર બોલતો નહતો, હાલતો નહતો, સ્તબ્ધ થઈ શ્વાસોચ્છ્વાસ પણ બંધ રાખીને બેઠો હતો;– એની આંખમાંથી આંસુની ધારા ચાલ્યાં જતી હતી;– એનો હાથ માત્ર વારંવાર સ્વાભાવિક રીતેજ સરંગીને શોધતો હતો, એમ સમજીને કે આ ખરા જયના પ્રૌઢ પ્રસંગે તે ભાગ લેવા કેમ આવી નથી !

આખરે પડદો પડ્યો; પણ તેજ વખતે આખી રંગભૂમિ પ્રેક્ષકો તરફના વાહવાહના અવાજથી ગાજી રહી. જાણે મોટો એકજ શબ્દથી પોકાર કરવામાં આવ્યો હોય તેમ સર્વેએ એકદમ માની એકવાર ઝાંખી કરવા માટે બૂમ પાડી મૂકી; ફીકે મોઢે થરથરતી થરથરતી મા આવી. પણ હૃદયના ગભરાટમાં ફક્ત પોતાના પિતાના મુખ તરફ જ જોઈ રહી. 'માની આંસુભરી આંખો જે તરફ વળી તે તરફ સર્વ પ્રેક્ષકોની દૃષ્ટિ સ્થિર થઈ ગઈ, અને સર્વના મનમાં પિતા પુત્રીનો અંતર્ગતભાવ સહજ્જ પ્રતીત થઈ ગયો. માયાલુ પ્રકૃતિવાળા વૃદ્ધ અમીરે પણ સરદારને પોતાની પાસે ખેંચી કહ્યું “અરે ગાંડા ગવૈયા ! તારી છોકરીને તેં જન્મ આપ્યો છે, પણ તેણે તો તને તેથીએ અધિક બદલો વાળી આપ્યો.” સરદારે જવાબ દીધો “મારી પ્યારી સરંગી ! હવે કોઈ પણ તારો તિરસ્કાર કરી શકનાર નથી.”