ગુલાબસિંહ/તરંગ ૩:ગુહ્યાગારનો દરવાજો

વિકિસ્રોતમાંથી
← એક પગલું આગળ ગુલાબસિંહ
ગુહ્યાગારનો દરવાજો
મણિલાલ દ્વિવેદી
આત્મનિરીક્ષણ →


પ્રકરણ ૪ થું.

ગુહ્યાગારનો દરવાજો.

બીજા તરંગની આખરે જણાવ્યા પ્રમાણે લાલો મા પાસેથી ગયો ત્યારથી એના મનમાં પાછા ગુપ્તવિધા સંબંધી વિવિધ વિચાર આવવા લાગ્યા. ગુલાબસિંહનું નામ તો એનાથી કદાપિ વીસરાતુંજ નહિ, અને એ નામના સ્મરણથી આવા વિચારોને અતિશય ઉત્તેજન મળતું. આવા વિચારોમાં કાંઈ પણ નિશ્ચય કર્યા વિના ગામમાં ફરતે ફરતે, દિલ્હી શહેરની વચમાં ચહુઆણ રાજાએ નાના પ્રકારનાં ચિત્રના નમુના સંગ્રહેલા હતા તે સ્થાન સમીપ આવી ઉભો. જુદા જુદા ચિત્રકારનાં કરેલાં ચિત્ર જોતો જુદા જુદા આનંદના વિચારોમાં ગરક થઈ નીહાળતો હતો, કોઈએ ચિત્રેલી પ્રતિકૃતિઓની તાદૃશતાથી, કોઈએ કરેલી છબીઓની ભવ્યતાથી, કોઈની દૈવી મધુરતાથી–એમ આનંદ પામતો હતો. દુર્યોધનની સભામાં દ્રૌપદીનાં ચીર કૃષ્ણે પૂર્યા તે ચિત્ર જોઈ ઘણો રંજિત થઈ સ્તબ્ધ બની વિચારતો હતો, એવામાં એના ખભા પર કોઈનો હાથ પડ્યો, ને જુએ છે તો પોતાની પાસે બંદાને ઉભેલો જોયો.

“ચિત્ર તો સુંદર છે. પણ મને એ ચીતારાની કલ્પના પસંદ નથી.”

“મને એની કૃતિમાં દોષ જણાય છે, પણ કલ્પના તો સારી લાગે છે.”

“ઠીક” બંદાએ જવાબ દીધો, “એ બધો વેહેમ છે, ઘોડીઆમાં સુતા સુતાં બુઢ્ઢી ડોશીઓએ સંભળાવેલી હજારો ભૂતપ્રેતની વાતો આપણા આવા વિચારોનું મૂલ હોય છે. પણ ખરી કલામાં તો સત્ય વાતનુંજ વર્ણન આવવું જોઈએ. આવાં ચિત્ર મને તો ગમતાં નથી, કારણકે તે ચિત્રના વિષય મને અપ્રિય છે. દ્રૌપદી જેવી પતિવ્રતનું ડોળ કરનારી સ્ત્રી સંભવતીજ નથી; એ પણ એક માણસ ને માણસ.”

“ત્યારે ચિત્રવિદ્યાએ પોતાનો વિષય ક્યાંથી ઉપજાવવો ?”

“ઇતિહાસમાંથીજ, જરૂર ઈતિહાસમાંથી;–પણ સર્વની નજરે થઈ ગયેલા સા, હંમદ, કે હાબુદ્દીન જેવા કે તમારા પૃથ્વીરાજ જેવા ક્યાં નથી મળતા જે આવાં ટાયલાં શોધવા જવાં ?”

“ત્યારે તો આથી પણ ઉચ્ચભાવનાનાં જે ચિત્રો છે, ઈંદ્ર, વિરાટ, વરુણ, સૂર્ય, ઉષા ઈત્યાદિ તે પણ તમારે માન્ય નહિ હોય ?”

“નહિજ ! તમારો વિચાર તો વિલક્ષણ જણાય છે; તમે તેમને શું મનાવશો !”

“ત્યારે સ્થૂલ વિશ્વ અને તે સ્થૂલને અનુસરતી પદ્ધતિનું ઉચ્ચીકરણ ક્ચારે થવાનું ?”

“ઉચ્ચીકરણ ! જવા દો ને વાત. તમારા હિંદુ પંડિતો વળી ગમે તેવી ગપસપ ચલવે, ને શું છે તો કહે ઉચ્ચીકરણ ! વાહ રે વાહ ! તેઓ વાતો કરે છે કે ઉત્તરોત્તર ઉચ્ચ ભાવના કરતે કરતે છેક સર્વભાવમય એવી આત્મભાવનાને પમાય છે. પણ આત્મા તે શું ? આત્મા એવી વસ્તુજ ક્યાં છે ? મનને ભાવે તેવું ચિત્ર બનાવવાની વાત કરો છો તે સમજાય; પણ દેખીને કે સમજીને ગ્રહણ ન થઈ શકે તેવા આત્મા બાત્માની ગપ્પો આપણે ગળે ઉતરતી નથી. હાડકાં ચામડાં ભેગા થઈને એક સંચો ચાલે તેમ ચાલ્યું, પણ તેમાં વળી બીજી ગપ શી ! ચિત્રકલામાં પણ જે હોય તેની વાત – ઉચ્ચીકરણ કેવું ! ને કલ્પના કેવી !”

લાલો ત્તો કૃષ્ણ પરમાત્માની, દુર્યોધનની સભામાં અદૃશ્ય ઉભેલી મૂર્તિ તરફ જોતો જાય ને આ બંદા ભણી નજર કરતો જાય, વળી દુર્યોધનને જુએ ને બંદાને જુએ – એમ વિચારમાં કાંઈ બોલ્યા વિના માથું હલાવતો જાય; એટલામાં બંદો બોલી ઉઠ્યો “અરે ભાઇ ! પેલો ઠગારો ગુલાબસિંહ ! એની બધી લુચ્ચાઈ હવે મેં જાણી છે, હવે મેં એને ઓળખ્યો છે, એણે તમને મારા વિષે શું કહ્યું હતું ?”

“તારે માટે તેણે કાંઈ કહ્યું નથી, પણ તારા વિચારો ગ્રહણ ન કરવાની મને ચેતવણી આપી છે.”

“બસ, એટલું જ ! એ તો ખરેખરો કાફર છે; અને આપણે તે દિવસ એને માળ્યા હતા તે પછી મેં એની લુચ્ચાઈ ખુલ્લી પાડી દીધી છે, તેથી હું એમ ધારતો હતો કે એ મારે માટે કાંઈ નિંદાની વાત ચલાવશે ખરો.”

“એની લુચાઈ ખુલ્લી પાડી દીધી ! — તે કેવી રીતે ?”

“એ વાતમાં કાંઈ માલ નથી; નકામી ને લાંબી છે. એક અક્કલ ગયેલો મારો વૃદ્ધ મિત્ર છે તેને પોતાની વિદ્યા શીખવવા બેઠો હતો—કદાપિ મૃત્યુ ન થાય એવા અક્સીરની ને કીમીયાની ! ભાઈ ! મારી શીખામણ માને તો એવા ધૂતારાની સોબત જવા દે” આટલું કહીને બંદો આંખના ઈશારાથી પોતાની કહેલી વાત લાલાના મનમાં ઉતારી, ચાલતો થયો.

લાલાનું મન આ વેળે પોતાના હૃદયમાં બેઠું હતું; એટલે બંદાની વાતોમાં એને કાંઈ રસ પડ્યો નહિ, એટલુંજ નહિ, પણ તે અણગમતી થઈ પડી. બંદાના જવાથી એકાંત મળ્યું કે પાછું લાલાનું ધ્યાન જે ચિત્રો પોતે જોતો હતો તે તરફ વળ્યું. હવે એનું લક્ષ તિની આકૃતિ પર પડ્યું. જોતાંજ વિહ્વલ થઇ, તેના રૂપમાં, લાવણ્યમાં, શરીરસૌષ્ઠવમાં લીન થઈ ગયો, મનમાં વિવિધ તરંગ ઉઠવા લાગ્યા. આ ઉશ્કેરાયેલા મને લાલો ત્યાંથી ઘર તરફ ચાલી નીકળ્યો. ઘેર જતાં પોતાના ટીખળી અને કેવલ સ્થૂલપરાયણ મિત્ર રામલાલને ઘરમાં ન જોઈ રાજી થયો. બે હાથ પર મોઢું મૂકીને વિચારમાં પડી ગયો; અને ગુલાબસિંહની સાથેની છેલ્લી મુલાકાત વખતે થયેલી વાતચીત સ્મરણમાં લાવવા લાગ્યો. એને ખાતરી થઈ કે ચિત્રવિદ્યા વિષે પણ બંદાની સાથે વાત કરવી એ પાપ જેવું છે, જે માણસ આત્માને કેવલ જડનો યૌગિક પરિણામ કહે છે તેને એવી ગહનવિદ્યા વિષે વાત કરવાનો શો હક છે ? ખરી વાત છે, શુદ્ધ વિદ્યા તેજ ખરો જાદુ છે, ખરો મંત્ર છે. જાદુમાંજ ધર્મ છે; ધર્મબુદ્ધિ વિના વિદ્યા ચાલતી નથી, એ પણ તેના ધ્યાનમાં આવ્યું. આવા વિચારમાં ને વિચારમાં એનું મન સંસારને વીસરી ઘણા ઉચ્ચ અને હૃદયોલ્લાસક તરંગમાં રમવા લાગ્યું; સહજ એણે પીંછી રંગ અને કાગળ આણી મોં આગળ મૂક્યા. ચિત્રનો વિષય પસંદ કરવાના વિચારમાં એની કલ્પના ઉંચી ને ઉંચી ઉડવા લાગી, રમણીયતાનાં વિવિધરૂપ એણે પરખવા માંડ્યાં, બીજા તમામ વિચાર ગેબ થઇ ગયા. દુનીયાં એની નજર આગળથી તદ્દન ખશી ગઈ, કોણ ઉંચા પર્વતની ટોચે ચઢી ને વિશ્વચમત્કૃતિ જોતો હોય તેમ, વિચારશ્રેણિની ટોચેથી નીહાળવા લાગ્યો. આવા તોફાને ચઢેલો એના હૃદયરૂપી દરીઓ ખુબ ઉછળી, કૂદી, ઘુઘવીને જરા શાન્ત પડવા લાગ્યો, તેજ વેળે પૂરો દિલાસો આપનાર તારાની માફક માનાં નયન હૃદયમાં ચમકવા લાગ્યાં !

એક કોટડીમાં ભરાઈ બેઠો; રામલાલને પણ કોઈ વાર અંદર આવવા દીધો નહિ; પોતાની કલ્પનાના ઘેનમાં મસ્ત એણે ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ એજ કામમાં એજ કોટડીમાં ગાળ્યાં. પણ ત્રીજી રાતે, ઘણી મહેનતથી, જે થાક ચઢી આવે છે તે થાક એને જણાવા લાગ્યો. ઉંઘમાંથી જ ગભરાયલો ને થાકેલો ઉઠ્યો; અને કાગળ તરફ નજર કરવા ગયો તો તે પણ એને હવે નિસ્તેજ જણાવા લાગ્યો, જે મહાન્‌ ચિત્રકારોનું પોતે અનુકરણ કરવા બેઠો હતો તેમનું સ્મરણ થઈ આવતાં પોતાની અતિશય લઘુતા જણાઈ–પ્રથમે લક્ષમાં ન આવેલી એવી નજીવી ખામીઓ ને હવે એની નજરે મહોટાં દૂષણરૂપ જણાવા લાગી. ચિત્રને આમ તેમ પૂરવા માંડ્યું, પણ કાંઈ સંતોષ વળ્યો નહિ, આખરે પીછીં ફેંકી દીધી, બારી ઉઘાડીને બહાર જોયું; –લોકો કેવા આનંદમાં રમે છે, ફરે છે, હવા પણ કેવી સુંદર છે ! આશક માશુકને આનંદમાં જતાં જોયાં, ઇંગિતરૂપ અનુદિત વચનોથી વાત કરતાં નીહાળ્યાં ! સંસારની ઝલક એના જવાનીના તોરને મઝા મારવાને બોલાવવા લાગી; અને કોટડીના ચાર ખુણા જે પેહેલાં તો ત્રણે લોકોને સમાવવા જેવડા વિશાલ હતા તે હાલ કેદખાના જેવા સાંકડા જણાવા લાગ્યા :—રામલાલને અંદર આવવા દીધો !

ચિત્ર તરફ કેવલ તિરસ્કારની નજરથી જોતો રામલાલ બોલ્યો “અહો ! આજ પરાક્રમ કર્યું છે કે ? આનેજ માટે દિલ્હી શહેરની મઝેદાર ચાંદની તજીને રાતદિવસ ઓરડીમાં ભરાઈ રહ્યા હતા કે !”

“જ્યાં સુધી એ તાનની લહર હતી ત્યાં સુધી તો હું, જે ચાંદની તું કહે છે, તે કરતાં વધારે આલ્હાદક ચાંદનીમાં નહાતો હતો.”

“હવે એ તાન ગયું છે એમ તો તું કબુલ કરે છે, ત્યારે ઠીક છે, એ પણ અક્કલ ઠેકાણે આવવા લાગ્યાની નીશાની છે. વળી એમ પણ ધારૂં છું કે ત્રણ દહાડા સુધી આ રીતે કાગળ પર લીટા કરવા તે પણ બહાર ફરીને બેવકુફ બનવા કરતાં સારા છે. પેલી તારી મોહિની ?”

“એકદમ ચૂપ રહે. તારી જીભે એનું નામ લેવું એ વાતને હું ઘણી ધિક્કારૂં છું.”

'રામલાલ જરા લાલાજીની પાસે આવ્યો, ને ગંભીર મોં કરી, જરા આળસ મરડીને લાંબા પગ ઘાલી બેઠો. લાલાને એક મહોટું ભાષણ આપવાનો આરંભ કરતો હતો. એટલામાં કોઈએ બારણું ઠોક્યું અને અંદર આવવાનું કહેતા પહેલાં જ બંદાનુ બદસીકલ મોં અંદર જણાયું.

“સલામ દોસ્તો : લાલાજી ! મારે, તમને કાંઈ કહેવાનું છે. અહો ! આ શું ! તમે તો આ કામમાં જણાઓ છો ! મઝાનું છે હો, આકૃતિનું ખોખું; જરા છે વધારે ખુલતું, જમણો હાથ જરા વધી ગયો છે, આંખો જરાક ટાઢી પડે છે; નમુનો પણ બહુ ઉત્કૃષ્ટ નથી. સમવિષમતાના યોગ્ય  મિશ્રણથી ચિત્રમાં આવતી ખુબી ઉપર તમે પૂરૂં ધ્યાન રાખ્યું નથી. જમણો પગ આગળ ધપાવ્યો છે ત્યારે જમણો હાથ પાછળ રાખવો હતો કે નહિ ! વાહ ! પણ પેલી ગાલે લગાડેલી કનિષ્ઠિકાની ખુબી ઓરજ છે !”

રામલાલને બંદાનો ઘણો તિરસ્કાર આવ્યો, કારણકે ધોરી રસ્તો મૂકીને આડે રસ્તે-દુનીયાં સુધારવા, કે કલ્પનાના કિલ્લા બાંધવા કે ગમે તે માટે–ફરનારા, રામલાલને મન સમાન રીતે તિરસ્કારને પાત્ર હતા. લાલાના મનમાં જે દુઃખ લાગતું હતું, ને જે રીતે તે સહન કરી રહેતો હતો, તે રામલાલ એના કંટાળી ગયેલા મોં પરથી સમજી શકતો હતો. આટલી મહેનત કર્યા પછી નમુનાનાં ને જમણા પગને હાથનાં ભાષણ સાંભળવા – ફક્ત ચિત્રવિદ્યાના એકડે એક સાંભળવા – આખી કલ્પનાની ભવ્યતા વિષે કાંઈ નજ વિચારવું – ને પરીક્ષાનું પરિણામ ફક્ત કનિષ્ઠિકાને વખાણવામાંજ આવી કરવું !

“જવા દો ને ભાઈ એમાં શા માલ છે.” લાલાએ પોતાના ચિત્ર પર પડદો નાખતાં કચવાઈને કહ્યું “એને જવા દો; તમારે મને શું કહેવાનું છે તે બોલો.”

“પ્રથમ તો પેલો ગુલાબસિહ ! મારા વિચારની નિંદા કરનારો ! હું નિંદા કરવા નથી ચહાતો, પણ બધી દુનીયાંના દુશ્મનની વાત તો જાહેર પાડવીજ જોઈએ, અમારી જમાતના હાથમાં આવે તો પછી બતાવીએ !” આમ બોલતાં બંદાની આંખમાથી અશ્મિ ઝરવા લાગ્યો ને એના દાંત કકડવા લાગ્યા.

“તમારે એને ધિક્કારવાનું કાંઈ નવું કારણ બન્યું છે ?”

“ત્યારેજ તો; મેં સાંભળ્યું છે કે જે બાલાને હું પરણવા ધારું છું તેની ઉપર એ નજર રાખે છે.”

“તમે પરણનાર ! કોને ?”

“પેલી જગજાણીતી માને ! ક્યા ખુબી–પરીજ છે ! અમારી જમાતમાં લઈ જઈશ તો છાવણીમાં મને કમાણી સારી થશે.”

રામલાલ જરા હસતે મોંએ પોતાની ખુશી બતાવવા લાગ્યો; લાલો ક્રોધ અને શરમથી ગંભીર ને લાલચોળ થઈ ગયો.

“તમે માને ઓળખો છો ! તમે એને મળ્યા છો ?”

“હજુ સુધી મળ્યો નથી, પણ હું જે કામ કરવાનું ધારૂં છે તે જ્યારે ધારૂં ત્યારેજ સહજમાં કરી નાખુછું. હું હવે મારે દેશ પાછો જવાનો છું, ને ખબર મળી છે કે ત્યાં ખુબસુરત સ્ત્રી હોય તો બધું મળે છે. આવી બાબતમાં અમે વહેમ રાખતા નથી.”

“ચૂપ. બેશી જા; આ શું :” રામલાલે લાલાને કહ્યું કેમકે લાલો દાંત કચડી, ને મૂઠીવાળી આ મુસલમાન પર તૂટી પડવાની તૈયારીમાં હતો.

“ચાલો ચાલો, તમે જેને વિશે વાત કરોછો તેને જરા પણ ઓળખતા નથી. તમે એમ માનોછો કે મા તમારી થશે ?”

“નહિજ, એ કરતાં વધારે લાભકારક કોઈ બીજું મળે તો નહિજ.” રામલાલે ઉંચું જોઈને બેદરકારીથી કહ્યું.

“વધારે લાભ ! મારે કહેવાનું તમે સમજ્યા નથી.” બંદાએ કહ્યું “હું અને પરણવા ધારૂં છું, અને જોકે એને બીજાં લાભકારક માગાં આવી શકે પણ આવું આબરૂદાર તો નહિજ મળે એમ માનુછું. એની અસહાય સ્થિતિની મને એકલાનેજ દયા આવે છે. અને અમારે બાયડીથી જુદું થવું હોય તો અડચણ પણ શી છે ! તમે એમ ધારો છો કે મારા જેવા અકલમંદ ચિત્રકારને મૂકી દિલ્હી શહેરની રસીલી મા બીજાને સ્વીકારે ! નહિ. નહિ. એની પાસેજ જાઉં છું.”

“પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરો.” રામલાલે કહ્યું; લાલો બન્નેના તરફ કરડી અને તિરસ્કાર ભરી નજરે જોઈ રહ્યો. આખર બોલ્યો કે “બંદા સાહેબ ! તમારા કોઈ પ્રતિસ્પધી હશે તેનો વિચાર છે ?”

“ભલે; એ તો વધારે ઠીક.”

“હું પોતેજ એના પર ફિદા છું.”

“દરેક ચિત્રકારે તેમ થવુજ જોઈએ.”

“તમે ધારોછો તેમ હું પણ એને પરણી શકું તેમ છે.”

“તમે એમ કરશો તો બેવકુફમાં ગણાશો, જોકે મારે તેમ કરવું વાજબી દીસશે. તમને એ ધંધામાંથી નફો કાઢતાં નહિ આવડે, મને આવડશે. તમે લોક વેહેમી છે, અમે નથી.”

“અરે ! તમારી પોતાની સ્ત્રીમાંથી નફો ! શી વાત !”

થતું આવ્યું છે તે થશે. મને તમારા તરફની કાંઈ દેહેશત નથી. હું કદ્રુપો છું, તમે ખુબસુરત છો. પણ હું નિશ્ચયવાળા મનનો છું, તમે ડગુમગુ  મનના છો. માટે જે થાય તે કરી લેજો.” એમ કહીને લાલાના તરફ આંખો ઘુરકાવતો બંદો ચાલી નીકળ્યો.

રામલાલ ખડખડાટ હસી પડ્યો, “લાલાજી ! જો જો તારી માની તારા દોસ્તો કેવી કીંમત કરે છે ! વાહ ! વાહ ! આવા કૂતરાના મોંમાંથી એને પડાવવામાંજ તને ખુબ યશ મળશે, વાહ !”

લાલાજીનો મિજાજ એટલો બધો ગયો હતો કે રામલાલને જવાબ પણ દેવાઈ શક્યો નહિ, એટલામાં એક નવીન પરોણો આવી ઉભો. એ ગુલાબસિંહ પોતેજ હતો. આ માણસને જોતાંજ રામલાલના મન ઉપર ઘણી ભવ્ય અસર થઈ, અને એને ન ચાલતાં પણ માન આપવુંજ જોઈએ એમ તેને લાગ્યું; છતાં તે, બધું જણાવવાની મરજી ન હોય તેમ એકદમ “ચાલો લાલાજી પછી આપણે મળીશું ત્યારે” એમ કહીને ઉઠી ચાલતો થયો.

ચિત્રપત્ર ઉપરથી પડદો દૂર કરતાં ગુલાબસિંહે કહ્યું “વાહ વાહ ! તમે મારી શીખામણ અમલમાં આણી છે ખરી. હીંમત રાખવી જવાન ! હીંમત; આ નમુનો રૂઢિમાં ચાલતા આવેલા નમુનાઓનાથી કાંઈ નવીનજ છે; ખરી બુદ્ધિમાં જે પોતાની જ ઉપર દૃઢ વિશ્વાસ હોય છે તેનો આમાં પૂરો ચળકાટ છે. જ્યારે આ શુદ્ધ રમણીયતાનું સ્વરૂપ તારા ધ્યાનમાં ખડું થયું હશે ત્યારે બંદો કે રામલાલ કોઈ તારી પાસે નહિજ હોય !”

જેની કદરની કોઈ પણ અમૂલ્ય કીંમત માને તેવા પુરુષે ઉચ્ચારેલાં આવા અણચિંતવ્યાં સ્તુતિવાક્યથી પોતાની કૃતિની વધારે સારી ગણના કરતો લાલો નમ્રતાથી બોલ્યો “મારી કલ્પનાનો આજ સવાર સુધી મને સારો અભિપ્રાય હતો, પણ તે પછી તે તદ્દન બદલાયો.”

“એમ કહો કે નિરંતર પરિશ્રમ કરવાની ટેવ ન હોવાથી તમને થાક લાગી કંટાળો પેદા થયો.”

“હા, એમજ, ખરૂં પૂછો તો મને આ કોટડી બહારની રમત ગમતમાં ભળવાનું મન થઈ આવ્યું; મને એમ લાગવા માંડ્યું કે હું રમણીયતાની કલ્પનામાત્રમાં મારાં જોબન અને અક્કલ ગુમાવુંછું, ને વિશ્વમાં રહેલી રમણીયતાની તાદૃશ પ્રતિભાઓને વીસરી જાઉં છું. મારી બારી નીચેથી જતા આનંદી મજુરની પણ મને અદેખાઈ આવવા લાગી, આશકમાશુકનાં રમતમત કરતાં જોડાં તરફ મારૂં મન તણાવા લાગ્યું.”

“ત્યારે” ગુલાબસિંહે પ્રોત્સાહક સ્મિત સહિત કહ્યું “દિવ્યમાં દિવ્ય કલ્પનાને દૈવી વિધાતા પણ જે આવશ્યક અને સ્વાભાવિક સંસારવાસનામાં વિશ્રાન્તિ માને છે, તેને માટે તમે શું તમારી જાતને દૂષિત ગણો છો ? માણસની બુદ્ધિ એ એવું પક્ષી છે જે નિરંતર પસારેલી પાંખેજ રહ્યાં કરી શકતું નથી. જ્યારે સંસારની વાસના જાગ્રત્‌ થાય છે, ત્યારે તે એવી પ્રબલ વર્તે છે કે તેને શાંત કરવી જ જોઈએ, કેવલ ભાવનાના ચિંતન અને આનંદમાંથીજ સ્થૂલતામાં ઉતરી પડવાનો યુગ આવે છે, સ્થૂલતાના નિર્વેદથી ભાવનામાં ચઢવાનો યુગ આવે છે; એમ આઘાત પ્રત્યાઘાત થયાં જાય છે, અને ભાવના પુષ્ટ બને છે. જેઓ ખરી ઉચ્ચભાવનામાં રમે છે, જેને ભાવનાના પ્રકાશની ઝાંખી થઈ છે, તેજ સંસારને સારો ભોગવી જાણે છે. કોઈ ખરા કારીગર તરફ લક્ષ કર. જ્યારે તે જગત્‌માં ફરે છે, ત્યારે ઉઘાડી આંખે બધું જુવે છે. બધું તપાસે છે, બધુ વિચારે છે ને અનુભવે છે, એમ કરતાં માણસના હૃદયની ઉંડામાં ઉંડી ગલીકૂચીમાં ઉતરી પડે છે. જેને પંડિતમન્ય લોક તુચ્છ વાતો કહે છે. તેનેજ તે ભોગવે છે. સંસારની મલિન જાલની પ્રત્યેક ગ્રન્થિથી તે કોઈ રમણીય ભાવનાને ઉકેલી લે છે; ભોગમાત્રમાંથી ભોજ્યનો રસ લેઈ અમર ભાવનાને ઘડી કાઢે છે. ભાઈ ! નાના જલજંતુની પાછળ જે તેજનો પ્રકાશ ઝાંખો ઝાંખો વીંટાઈ રહે છે, તેજ સ્વર્ગના તારાની પાછળ પણ ઝળકે છે. ખરી કારીગરી બધે રમણીયતા નિરખે છે. શ્રીહર્ષ અને ર્તૃહરિ જેવાએ રાજ્યવ્યવહારના કીચડમાંથી પણ કાવ્યરત્નો વીણી કાઢ્યાં છે ! એમ કોણે કહ્યું કે ફલાણા કારીગરે, ઉત્તમવિદ્યાનુસાર કલાની કારીગરી કરનારે, સાનુભવ શાસ્ત્રાભ્યાસીએ, સંસાર ભોગવેલોજ નહિ; તેવાએ એક ભાવ મનમાં દૃઢ કરી તેને આધારે પ્રાકૃત લોક જેને તૃણ ગણી દબાવી નાખે છે તેને પોતાની બુદ્ધિના મલયચંદનહારમાં ગુંથી લીધાં છે. જેમ કોઈ વનરાજ પોતે સુંઘેલા શિકારની પાછળ ગિરિ, નદી, વન, ઇત્યાદિ સ્થલમાં ભટકતો છેવટ તે શિકારને હાથ કરી પોતાની ગુપ્ત ગુહામાં ઘસડી જાય છે, તેમ બુદ્ધિ પણ જડ પદાર્થોના રમણીયતારૂપ સત્ત્વાંશ શોધવા સર્વેન્દ્રિયને જાગ્રત્‌ કરી જંગલ, ઝાડી, પર્વત, સંસાર, વિશ્વ, સર્વમાં રખડે છે ને આખરે ધારેલા રૂપને પકડી એવા સ્થાનમાં લેઈ જાય છે કે જ્યાં કોઈનાં પગલાં પહોંચી શકતાં નથી. જા; બાહ્ય સૃષ્ટિમાં રખડી શોધ કર, એ સૃષ્ટિ બુદ્ધિને માટેજ છે, આંતર સૃષ્ટિના ચારાનું અને ફલનું ક્ષેત્ર છે, એટલાજ માટે એને કર્મભૂમિ કહે છે, એમાંથીજ ભાવના, કલ્પના, અને જ્ઞાન પુષ્ટ થાય છે.”

લાલાએ કહ્યું “તમારાં વચનોથી મને આનંદ થાય છે. મારા આ શ્રમને મેં મારી અપૂર્ણતારૂપ દોષ માન્યો હતો, પણ હવે હું તમને તે વિષે કાંઈ કહેનાર નથી. આ શ્રમને મૂકી તે શ્રમના ફલ વિષે હવે હું કાંઈ પૂછવા ધારૂંછું તે ક્ષમા કરજો. જેના સંબંધથી દુનીયાંમાં આબરૂ જાય એવી એકને જો હું પરણું તો તે વિષે તમે જે કાંઈ ગોળગોળ ભવિષ્ય ભાખ્યું છે, તેની વધારે સ્પષ્ટતા માટે પૂછું છું કે તમે અનુભવથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને આધારે બોલો છે કે જે ભવિષ્યને પણ જાણી શકે તેવા જ્ઞાનને આધારે ?”

“એ બન્ને જ્ઞાન એક જેવાંજ નથી ? જે માણસ પ્રતિવસ્તુની ગણના કરવાની ટેવવાળો હોય છે તે ભવિષ્યના ગણિતનો કોઈ પણ પ્રશ્ન જોતાની સાથેજ છોડી શકતો નથી ?”

“તમે મારી વાતને ઉડાવો છો.”

“નહિ; હું મારૂં ઉત્તર તમારી સમજમાં જલદી આવે તે પ્રમાણે ગોઠવું છું. કારણ કે એજ વાતને માટે હું તમારી પાસે આવ્યો છું. સાંભળો.” ગુલાબસિંહે પોતાની દૃષ્ટિ લાલાના ઉપર સ્થિર કરી કહેવા માંડ્યું “કોઈ મહાન્‌ અને ઉચ્ચ ભાવનાના લાભ માટે તે ભાવના સંબંધી જે સત્યનિયમ હોય તેનું યથાર્થ અવગાહન એ પ્રથમે આવશ્યક છે. એ નિયમથીજ મહાયોદ્ધાઓ યુદ્ધપ્રસંગના સંભવને માત્ર ગણિતના હીસાબની પેઠે ગણી શકે છે. જે સામગ્રી તે વાપરતો હોય તેના ઉપર ભરોસો રખાય તેવી હોય તો અમુક અમુક પરિણામ આવશે એવું તે નિશ્ચયપૂર્વક કહી શકે છે; આટલું નુકસાન ખમી પેલી નદી પાર કરાશે, આટલા કાલ પછી અમુક કિલ્લો લેવાશે, એનું તે ચોકસ અનુમાન કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનનો ઉપાસક, જો તેણે પોતાનામાંના તથા પોતાની સન્નિધિમાંના સર્વ સત્યનિયમનું એક વારે અવગાહન કર્યું હોય તો, આથી પણ વધારે નિશ્ચયપૂર્વક અનુમાન કરી શકે, કે કયી વાત મારાથી સંપાદાન થશે ને કયીમાં મારે પાછા પડવું પડશે :— કારણ કે જે વાત ઉપરથી તે અનુમાન બાંધે છે ને અનિત્ય સ્થૂલમાત્ર નથી, પણ સ્થિર અને સૂક્ષ્મ જ્ઞાનરૂપ છે. પણ આવું સત્યજ્ઞાન ઘણાં કારણોથી ડહોળાઈ જાય છે :— ગર્વ, વિષયવાસના, પ્રમાદ, અજ્ઞાન, ટુંકામાં કામ અને ક્રોધ અથવા એકલો કામજ. માણસ ઘણી વાર પોતાનાજ બલની ગણનામાં ભુલ ખાય છે, અથવા એને જે દેશ પર સ્વારી કરવી હોય છે તેનો ચોખો નકશો એની પાસે નથી હોતો. અમુક માનસિક સ્થિતિમાંજ શુદ્ધ સત્યનું દર્શન થાય છે, ને તે સ્થિતિ શુદ્ધ સત્ત્વરૂપ ઉન્મતીની છે. તારૂં મન સત્ય જાણવા માટે અભિતપ્ત છે; તારે સત્યને તારા હાથમાં જેમ તેમ પણ આણવું છે; કોઈ પણ જાતની પરીક્ષા કે સાધનસંપત્તિ વિનાજ તું મારી પાસે વિશ્વના ગહનમાં ગહન રહસ્યનો ઉપદેશ યાચે છે. પણ સાધનજ્ઞંપન્ન ન હોય તેવા મનમાં સત્યનો પ્રકાશ કદાપિ થતો નથી; મધ્યરાત્રીએ સૂર્ય ઉગતો નથી; સ્વચ્છ ન હોય તે કાચમાં પ્રતિબિંબ પડતું નથી. એવાં મન સત્યને પામે તો તે સત્યને મલિન કરવા માટેજ. અનધિકારીના મુખમાં અદ્વૈત અભેદનાં વચનો ગમે તેવાં સારાં ભાસે પણ તેના હૃદયમાં તો વામમાર્ગનો અનાચારજ પ્રાધાન્ય ભોગવે. કચરો ભરેલા કૂવામાં પાણી રેડવાથી ફક્ત કચરાનુંજ ઉભરાણ ચઢે છે. न बुद्धिभेदं जनयेदज्ञानां એમ શ્રીકૃષ્ણપરમાત્મા કહે છે તે પણ આજ હેતુથી.”

“તમે શું કહેવા ઈચ્છો છો ?”

“એટલુંજ કે તારામાં એવી શક્તિ છે જે વડે તું અપ્રતિમ સામર્થ્ય પામે; જે વડે તારૂં નામ જે મહાત્માઓ આજ પર્યંત થઈ ગયા છે તેમનામાં મુખ્ય ગણાય; જ્યાં સત્ય આત્મજ્ઞાન સમજાતું હોય, જ્યાં જડથી અતિરિક્ત આત્મસત્તા ઉપર શ્રદ્ધા હોય, ત્યાં પૂજાય. પણ તે સુપ્તવત્ શક્તિને જાગ્રત્‌ કરવા સારું તારે ઘણી ઉચ્ચભાવના ઉપર સ્થિર થઈ જવું જોઈએ એ કહી બતાવવાની જરૂર નથી. પ્રેમસ્થાન જે હૃદય તે વિકારોના તરંગથી મુક્ત થઈ, સ્થિર થવું જોઈએ કે ભૂતભવિષ્યની પોથીને પરખવાનું સામર્થ્ય ધરાવનાર બુદ્ધિસ્થાન ખુલે. હાલ તો તું આમથી આમ ને આમથી આમ ભમે છે. જેમ વહાણમાં વજનની જરૂર છે તેમ આત્મામાં દૃઢ શ્રદ્ધા અને શુદ્ધ પ્રેમની જરૂર છે. તારી સંપૂર્ણ પ્રીતિ એકાગ્ર થતાંજ તારી બુદ્ધિ પણ એકાગ્ર થઈ ખીલવા માંડશે. મા અદ્યાપિ તો બાલક છે પણ સંસારના વિષમપ્રસંગે એનામાં જે ઉચ્ચ ભાવ ખીલી ઉઠશે તેનું તને હાલ ભાન નથી. ખોટું ન લગાડતો ભાઈ, પણ તારા કરતાં એનો આત્મા શુદ્ધ અને સ્વછ છે, ને તે તારા આત્માને પણ ઉચ્ચસ્થાને વહી જવા સમર્થ છે. તારા સ્વભાવમાં વૃત્તિઓના એજ યોગ્ય મિશ્રણની જરૂર છે કે જેથી ઉચ્ચસ્થાનને પમાય. એ સમય એના પ્રેમથી સિદ્ધ થશે. શી મરજી છે ?”

“પણ મને શી ખાતરી કે એનો પ્રેમ મારા ઉપર છે.”

“નહિજ, એ તમને ચહાતી નથી, એનું હૃદય કોઈ અન્યથીજ પરિપૂર્ણ છે. પણ એનો જે પ્રેમ હાલ મારા ઉપર છે તે તમારા ઉપર હું ઉતારી દઊં—”

“એવી શક્તિ માણસ ધરાવી શકે છે ?”

“એનો પ્રેમ હું તમારા પર લગાડું, પણ તે જો તમારો પ્રેમ સ્થિર, શુદ્ધ હોય તો. નહિ તો સત્ય વાત જણાવી દઉં અને એને અસત્યની પૂજા કરતાં હું અટકાવું.”

“પણ જો એ તમે કહોછો તેવા ગુણવાળી હોય, અને તમારા પર પ્રેમ રાખતી હોય તો તમે એને શા માટે જવા દો છો ?”

“અહો ! માણસનું છેકજ ઉતળુ અને સ્વાર્થી હૃદય !” ગુલાબસિંહે અસાધારણ આવેશમાં આવી જઈ જુસ્સાથી કહ્યું “તને પ્રેમની એટલી તુચ્છજ કલ્પના છે ! તું એટલુંએ નથી જાણતો જે પ્રેમ સર્વનો ભોગ આપે છે–પોતાના પ્રેમસ્થાનનો પણ ભોગ આપી દે છે;–પોતાના પ્રેમસ્થાનના સુખને માટે ! સાંભળ, સાંભળ, હું તને આટલો આગ્રહ કરું છું તે એટલાજ માટે કે હું તેને પરિપૂર્ણ ચહાઉં છું, ને એમ જાણું છું કે તારા કરતાં મારી સાથે એ વધારે દુઃખી થશે. શા માટે તે પૂછતો નહિ, કેમકે હું તે તને કહેનાર નથી. બસ, હવે વખત ભરાઈ ગયો છે, અત્યારેજ તમારે જવાબ આપવો જોઈએ. આજથી ત્રીજા દિવસની રાત્રિ પહેલાંજ બધી વાત તમારા હાથમાંથી જશે.”

“પણ” લાલાએ હજુ પણ વહેમાઈને કહ્યું “આટલી બધી ઉતાવળ શા માટે ?”

“જા જા; જેની તું ઈચ્છા રાખે છે તેને પામવાને તું પાત્રજ નથી. જે હું તને હાલ કહું તે તારે પોતજ જાણવું જોઈતું હતું. પેલો માણસની લાજ લેનાર, વૃદ્ધ મેરુસિંહ પ્રધાનનો છોકરો–એનાં દુર્વ્યસનમાં પણ દૃઢ, એકાગ્ર અને નિશ્ચયવાળો છે−ધારેલી વાત કદાપિ જવા દેતો નથી. પણ એની પશુવૃત્તિને એકજ વૃત્તિ કબજામાં રાખી રહી છે–લોભ, મા ઉપર એણે પ્રયત્ન કર્યો તે દિવસે એના કાકાએ એને બોલાવી ધમકાવ્યો કે મેં પાલી મોહોટી કરેલી સરદારની બાલકી મારી જ બેટી છે તેના ઉપર જો દૃષ્ટિ કરશે તો તને મારી દોલતનો એક દોકડો પણ નહિ પરખાવું. આથી તે આજ સુધી અટકી રહ્યો છે, પણ આપણે અહીં વાત કરતા બેઠા છીએ તેવામાં જ આ અડચણ દૂર થાય છે. મધ્યાન્હ પહેલાં એનો કાકો આ લોકમાંથી જશે. આજ ક્ષણે તારો મિત્ર બંદો એ ઉદ્ધત છોકરા પાસે બેઠો છે અને માને એ ઉમરાવ જ્યારે કહે ત્યારે પોતે લેઈ જાય તો કેટલી પેહેરામણી મળે તેનો બંદોબસ્ત કરે છે.”

“પણ આ બધું તમે શી રીતે જાણો છો ?”

“બેવકુફ ! હું કહું છું તે યાદ નથી કે પ્રેમબદ્ધ છે તે રાત્રિ અને દિવસે જાગતો રહે છે. જ્યારે પ્રેમસ્થાન ભયમાં હોય ત્યારે પ્રેમ કદાપિ ઉંઘતો નથી.”

“તમેજ ત્યારે એના કાકાને ખબર આપેલી ?”

“હા, એમાં શું ! જે કામ મેં કર્યું તે કદાપિ તારેજ કરવું પડ્યું હોત. ચાલ જવાબ દે.”

“આજથી ત્રીજે દિવસે જરૂર કહીશ.”

“ભલે. નિર્માલ્ય સંશયગ્રસ્ત જીવ ! તારૂં સુખ બને તેટલી રીતે છેલ્લી અણી પર ખશેડતો જા. આજથી ત્રીજે દિવસ હું તારો નિશ્ચય માગીશ.”

“આપણે ક્યાં મળીશું ?”

“તું જ્યાં મને આવવો અશક્ય ધારતો હોઇશ તેવા સ્થાનમાં, મધ્યરાત્રીએ; તું મારાથી નાસવાનું કરશે, પણ તેમ થઈ શકનાર નથી.”

“જરા થોભો. તમે મને સંશયગ્રસ્ત, અનિશ્ચિત મનનો, વહેમી કહી ધિક્કારો છો. પણ શું હું કારણ વિનાજ તેવો છું ? તમે મારા મન ઉપર જે વિચિત્ર જાદુ જેવી અસર કરી રહ્યા છો તેને કાંઈ પણ વિચાર્યા વિનાજ મારે વશ થઈ જવું ? તમારા જેવા અજાણ્યા માણસને મારા પર એવો શો ભાવ હોય કે જેથી તમે મને મારા જીવતરનું આ મહોટામાં મહોટું કૃત્ય તે વિષે સલાહ આપવા આવો ? તમે એમ ધારો છો કે પોતાનું ભાન ભૂલી ન ગયો હોય એવો કોઈ પણ માણસ વગર વિચારેજ ઝંપલાવે ને મનમાં એમ ન આણે કે આવા રસ્તે જનારને આટલી શી પડી છે ?”

“ત્યારે તો હું જો તને હમણાં એમ કહું કે જેને દુનીયાં કેવલ ગંધર્વનગર કે પેટ ભરવાનો ઢોંગ જાણે છે તે ગુપ્તવિદ્યામાં તને પ્રવેશ કરાવું, કે વાયુલોક અને અગ્નિલોકના સત્ત્વનું ચાલન કરવાની ક્રિયા તારા હાથમાં આપું, કે નદી કિનારે કાંકરા ભેગા કરવા કરતાં પણ સહેલી રીતે દ્રવ્ય ભેગું કરવાની કળ તારા આગળ ખોલું, કે જે અકસીરથી યુગેયુગ માણસનું જીવિત અનામય ચાલ્યું જાય છે તે તને ગાળી બતાવું, કે જે આકર્ષણથી માણસ એક એકને ખેંચી શકે છે, વા ભયનું નિવારણ કરી સર્વને વશ કરી શકે છે, તેનો મંત્ર તારા આગળ કહી બતાવું;—તો હું જે કહું તે તું માને, અને શંકા વિના મારા કહ્યા પ્રમાણે કરે ! રે સ્થૂલપરાયણ મનુષ્ય ! સ્થૂલની પાર જેની શ્રદ્ધા પહોંચી શકતી નથી તે કશા કામને લાયક નથી.”

“ખરી વાત છે; હું બાલક હતો તે વેળે સાંભળેલી વાતોથી આવી વાતોનું સમાધાન કરી શકું. અમારા કુટુંબમાં એવી વાત–”

“તારો એક પૂર્વજ જે યોગિરાજોની વિદ્યાનાં રહસ્ય શોધવા મથતો, તેની—”

લાલો આશ્ચર્ય પામી બોલ્યો “અમારા જેવા અંધારામાં પડેલા નાના કુટુંબની વંશાવળી પણ તમને ખબર છે !”

“જે માણસ જ્ઞાનને શોધે છે, તેનાથી, તેજ માર્ગે જનાર તુચ્છમાં તુચ્છ અભ્યાસીની વાત પણ અજાણી ન હોવી જોઈએ. તારા ભવિષ્ય પર મને આટલી મમતા થવાનું કારણ તું પૂછે છે, તો જાણ કે એક એવો મહાત્માઓનો સમાજ છે જેના નિયમો અને ક્રિયાઓ મહોટા પંડિતોના હાથમાં પણ આવ્યાં નથી. એ સમાજનોને એવો નિયમ છે કે તેમના માર્ગની વિદ્યા જેણે ઉપાસી હોય, ને તે કદાપિ નિષ્ફલ પણ થયો હોય, તથાપિ તેના વંશનાં માણસોને યોગ્ય ઉત્તેજન તથા શીખામણ આપતા રહેવું. नतस्याब्रह्मवित्कुलेभवति એવાને કુલમાં અબ્રહ્મવિત્ કોઈ જન્મતોજ નથી એમ ઉપનિષદો જે કહે છે તે યથાર્થ કહે છે. એ સમાજ એવા સર્વને માર્ગ દર્શાવે છે એટલુંજ નહિ પણ જો ઈચ્છા હોય અને તે અમને આજ્ઞા કરે તો અમે તેને અમારા ચેલા તરીકે લેવાને પણ બંધાયેલા છીએ. એ સમાજમાંનો હું એક રડ્યો ખડ્યો અહીં ઉભો છું. આજ કારણથી હું મૂલથી તારી પાછળ ફર્યાં કરું છું.”

“એમજ હોય તો જે નિયમો તું પાલતો હોય તે નિયમોની આણ દઈ તને આજ્ઞા કરું છું કે મને તારા ચેલા તરીકે સ્વીકાર.”

“રે ! તું શું માગે છે !” ગુલાબસિંહ જરા ક્રોધસહિત બોલ્યો “એમ થતા પહેલાંની સાધનાવસ્થા માલુમ છે ? એ સમાજની દીક્ષા લેતી વખતે કોઈ ચેલાને એવી એક પણ વાસના ન હોવી જોઈએ કે જેથી તેને સંસારનું સ્મરણ થાય. સ્ત્રીસંસર્ગથી તે સ્વપ્ન પર્યંત પણ છૂટો જોઈએ; લાભ અને સ્પર્ધા તેના મનમાંથી ગયાં હોવાં જોઈએ. વિદ્યા કલા સંબંધની પણ અભિલાષાથી તે મુક્ત હોવો જોઈએ, કીર્તિની તેને સ્પૃહા ન જોઈએ. તારે જે પ્રથમ ભોગ આપવો પડશે તે માનોજ છે ! ને તેને બદલે શું પામીશ ? એવી પરીક્ષાનો પ્રસંગ કે જેને ઘણામાં ઘણી હીંમત તે દૃઢતાવાળા, ખરા આત્મનિષ્ઠ લોકજ પસાર કરી શક્યા છે. તું એ કામને માટે અયોગ્ય છે, કેમકે તારો સ્વભાવ કેવલ ભયનોજ ભરેલો છે.”

“ભય” ! લાલો આખું શરીર તંગ કરી ઉભો થઈ આવેશથી બોલ્યો.

“ભયજ, ને તે કનિષ્ઠમાં કનિષ્ઠ, લોકોક્તિનું ભય, બંદા અને રામલાલનું ભય; તારી પોતાની વૃત્તિઓ જ્યારે ખરી ઉદારતા તરફ વળતી હોય છે ત્યારે પણ તે વૃત્તિઓથી તું ભય પામે છે. એ ઉદારતા પણ તને સાહસરૂપે કે હાનિરૂપે ભાસે છે. તારી પોતાની બુદ્ધિ જ્યારે ઘણામાં ઘણી નવલ અને તાદૃશ હોય ત્યારે પણ તેના સામર્થ્યનું તને ભય રહે છે. એવું તને ભય છે કે સત્ય અનાદ્યનત નથી, એક પરમાત્મા સર્વને યંત્રવત્ ચલવી નિરીક્ષણ કરી રહ્યો નથી ! આવું ભય જે પામર માણસો નિરંતર પામ્યાં કરે છે તે તારામાં છે ! મહાત્મા તેને ઓળખતા પણ નથી.”

આટલું કહીને ગુલાબસિંહ ચાલતો થયો. લાલો પરાજય પામ્યો, ગભરાઈ ગયો, પણ કાંઈ નિશ્ચય પર આવી ન શક્યો. વિચારમાં ગરક થઈ ગયો. એવામાં મધ્યાન્હ થયાનાં ચોઘડીયાં સાંભળી પેલા અમીરના કાકાના મરણની વાત યાદ આવી, આવતાંજ ગુલાબસિંહનું કહેવું ખરું ખોટું કરવા બહાર નીકળ્યો. મધ્યાન્હની બે ચાર પલ આગળજ તેનું મરણ થયું હતું, એકાદ બે ઘડી મંદવાડ રહ્યો હતો. વાત ખરી જાણી ગભરાતો ને ગુંચવાતો ઘર તરફ દોડતો હતો ત્યાં રસ્તામાં મરનારના ભત્રીજાના ઘરમાંથી બંદાને પણ નીકળતો જોયો.