ગુલાબસિંહ/તરંગ ૩:આત્મનિરીક્ષણ
← ગુહ્યાગારનો દરવાજો | ગુલાબસિંહ આત્મનિરીક્ષણ મણિલાલ દ્વિવેદી |
વિપત્તિનું પાસે આવવું → |
પ્રકરણ ૫ મું.
આત્મનિરીક્ષણ.
અહીં પૂજ્ય સમાજ ! જેના અનાદિ ઇતિહાસમાંથી આ વાર્તાનો વૃત્તાન્ત કાઢી લીધેલો છે, જેણે અનાદિકાલથી જમાને જમાનાનાં જાણવા જોગ વિદ્યા અને શાસ્ત્રનો સંગ્રહ કરી રાખ્યો છે !—આ ગ્રંથદ્વારા તમારો વ્યવહાર લોકને જણાવવામાં—અપૂર્ણ રીતે પણ જણાવવાનો યત્ન કરવામાં—આવે એ મહા ભાગ્ય ! ઘણાએ તમારા સમાજમાંના છીએ એવો ઢોંગ કરી ગયા છે, અજ્ઞાની પંડિતોએ ઘણા તેવાને તમારામાંના ગણ્યા છે—પંડિતો જે થાકી હારીને કબુલ કરે છે કે તમારી ઉત્પત્તિ જણાતી નથી, તમારાં સિદ્ધાન્ત અથવા ક્રિયા સમજાતાં નથી, તમે અદ્યાપિ જગતમાં હયાત છો કે નહિ તે ૫ણ નક્કી નથી ! તમારામાંના કોઈ મહાત્માદ્વારા મૂલ વેદકાલના સમયના અનાદિ સિદ્ધાન્તો પ્રસિદ્ધિ પામે એ પૂર્ણ સદ્યોગજ ! કલિકાલના शिष्णोदरपरायण લોક જે સ્થૂલતામાત્રનેજ ઓળખે છે, ભાવના, ઉચ્ચીકરણ, તેને સમજતા ન હોવાથી સ્થૂલ શરીર અને તે શરીરે કરેલા સિદ્ધિ આદિના ઢોંગને ઈશ્વર માની પૂજે છે, અને ભ્રષ્ટ થાય છે, તેમના આગળ આ શબ્દો–અનાદિ પરમાત્માના વિવર્તરૂ૫ વાચ્– આ પ્રકારે કહી શકાય એ પણ સાંભળનાર કહેનાર ઉભયનું મહાભાગ્ય ! એ એવર્ણ્ય વાચ્ જે નિરંતર વિવર્ત પામ્યાં જ જાય છે એમ અનાદિ શાસ્ત્રો કથે છે, તે ઉચ્ચારવી એ આ પુરાણી દુનીયાંમાં ગુંચવાઈ ગયેલા અમારા જેવાનું કામ નથી; છતાં તત્ત્વદર્શી અને પદાર્થશોધક પંડિતોના શોધદ્વારા જેટલું જેટલું સત્ય આવિર્ભાવ પામતું જાય છે, અને તેવો સ્થૂલ પૂરાવો જેને દુનીયાં મુખ્ય ગણે છે તેથી જેટલું જેટલું સમર્થિત થઇ જગત્ની આંખમાં સમાવા યોગ્ય થાય છે, તેટલું તો ગ્રહણ કરવું જ જોઈએ. આકર્ષણ, વિદ્યુત, અને તે કરતાં પણ અધિક તે ચુંબકમંત્ર જે આ વિશ્વમાંથી લેઈ લેતાં બધું વિનાશમય થઈ રહે; એ બધાં જૂના તત્ત્વજ્ઞાનની પ્રથમ અને આરંભક દીક્ષા રૂપે હતાં; તેમાંથી જે તે સમયનાં શાસ્ત્ર અને નીતિ રચાયાં છે. એ અદ્ભૂત ઇતિહાસના ટુકડા લઈ તે ઉપર શબ્દરચના ઉભી કરી એ પુરાતન ભવ્યતા ફરી ખડી કરતાં એમ લાગે છે કે કોઈ વિશાલ નગર, જેનાં ખંડેરમાંનું હવે થોડી ચિતાભસ્મના આકાર વિના બીજું કાંઈ બાકી નથી, તેનો ફરી ખ્યાલ કરતા હોઈએ ? એ ભસ્મમાંથી તે ભસ્મ સુધી લાવનાર યમદૂતને જગાડતાં તેની આકૃતિ અનઙ્ગ જેવીજ જણાય છે, સમજાતું નથી કે આ વૃત્તાન્ત કોણ લખાવે છે—મરણ કે મદન.
******
પેલી કુમારિકાના હૃદયમાં જાગ્રત્ થઈ — નવીન, ગહન, દૈવી ભાવના શું એ કલ્પનાથી થયેલો સામાન્ય ભાવમાત્રજ હતો ! આંખને ગમતી મોહિનીમાત્રજ હતી ! શ્રવણના આનંદની મધુરતામાત્રજ હતી ! કે તે પોતે ધારતી હતી તેમ એ પ્રેમ ઇન્દ્રિયજન્ય ન હતો, ન હતો માનુષી કે આ દુનીયાંનો, કોઈ અદ્ભુત પણ પવિત્ર મોહનમંત્રજ હતો ! જે દિવસે ભય અને કપ તજી તે ધીરજથી ગુલાબસિંહને શરણ થઈ ત્યારથી પોતાના વિચારને શબ્દગોચર કરવા મથતી એ આગળ કહેલુંજ છે. એ વિચારનું સ્વરૂપ એ વિચારજ ભલે દર્શાવે :—
“મારા ઉપર પ્રકાશી રહ્યું છે તે સૂર્યનું અજવાળું, કે તારા સામીપ્યનું સ્મરણ ! જ્યાં જ્યાં હું જોઉં છું ત્યાં ત્યાં તું ને તુંજ મારી દૃષ્ટિએ પડે છે. વૃક્ષનાં પત્ર ઉપર રમતાં કે પાણી ઉપર નાચતાં સૂર્ય કિરણમાં મને તારાં નયનનું ભાન થાય છે. આ શો પરિવર્ત ! જેને લીધે મારી જાતજ નહિ પણ આખી સૃષ્ટિ મને બદલાઈ ગયેલી જણાય છે !
******
“જે શક્તિથી તું મારા હૃદયના હર્ષવિષાદનો નિયંતા થયો છે તે શક્તિ એક સહજ ક્ષણમાંજ કેવી મારી આત્મામાં વસી ગઈ. મારી આસપાસ અગણિત લોક હતા, પણ મેં તનેજ દીઠો, જ્યાં બધો સંસાર નાટકરૂપે જણાવાય છે તથા જ્યાં ગાન વિના બીજી ભાષા બોલાતી નથી તે લોકમાં હું દાખલ થઈ તે રાત્રીએ એમ થયું. અહો ! એકાએક એ લોક સાથે આશ્ચર્યકારક રીતે તારૂંજ નામ જડાયું ! જે અસર રંગભૂમિની ભભકથી જોનારને થાય તે, મને, તું મારી સમક્ષ હતો તેથી થવા લાગી. રંગભૂમિ પર જેટલો સમય હું રહેતી તેટલુંજ મારૂં જીવિત થઈ રહ્યું, અને તારા મુખથી, બીજા બધાંને અશ્રુત, પણ મને બરાબર સંભળાતું ગાન હું અનુભવવા લાગી, મારા પિતાના ઓરડામાં હું બેસુંછું. અહીં તે ખુશાલીની રાતે, બધાં શા માટે રાજી હતાં તે વીસરી જઈ, એક ખુણામાં બેશી હું વિચાર કરવા લાગી કે તને હું કેવો માનતી હોઈશ; એવામાં મારી માતાના ધીમા સ્વરે મને જાગ્રત્ કરી, હું મારા પિતાની સોડમાં જઈને ભરાઈ–એવી ભરાઈ કે જાણે મારા પોતાના વિચારથીજ ડરીને નહાસતી હોઉં.
“એ રાત્રી પછી જે વહાણું વાયું તે મધુર તથા ખેદિત હતું. તેજ સવારે તેં આવીને મને ભવિષ્યની ચેતવણી આપી. હવે તો હું માબાપ વિનાની નિરાધાર છું, મારે વિચારવાનું, કલ્પના કરવાનું, કે પૂજવાનું હવે બીજું કોઈ નથી–તું તું ને તુંજ.
“મેં મારા મનથી જે તારો મહા અપરાધ કર્યો હતો તેને માટે તેં કેવા પ્રેમથી મને ઠપકો દીધો હતો ! જે પેલા વૃક્ષની ઉપમા તેં મને આપી છે, તે ઉપર ચાલી જતા કિરણની પેઠે મારા મનમાંથી જતી તારી મૂર્તિથી હું શા માટે બિહીતી હોઈશ ? એ વૃક્ષની પેઠે જ હું પણ જ્યોતિને માટે વલખાં મારી આખર તેને પામી. લોકો મને પ્રેમ સમજાવે છે, અને રંગભૂમિનો મારો ધંધો પ્રતિક્ષણ મારા મુખમાં એજ શબ્દ રેડ્યાં જાય છે; પણ નહિ, મને વારંવાર એમનું એમજ લાગે છે કે તારે માટે મારા મનમાં જે છે તે એ પ્રેમ નહિ. એ કોઈ આવેશ નથી, કોઈ નિશ્વયજ છે. મારા ઉપર પ્રેમ કર એવી પણ મારી પ્રાર્થના નથી. તારા શબ્દ કઠોર હોય છે વા તારી આંખ બેદરકાર હોય છે તો તેની પણ હું તકરાર કરતી નથી. મારે પ્રતિસ્પર્ધી છે કે નહિ તેની મને પરવા નથી, તારી નજરમાં હું ખુબસુરત આવું એ માટે મારી આંખો ગળતી નથી. મારો આત્માજ તારા આત્મા સાથે એક થવા ઈચ્છે છે. આપણે વિખૂટાં હોઈએ, આપણી વચમાં ડુંગર અને સમુદ્રની આડ હોય, તો પણ તું, સ્થિર થઈ કીયે વખતે તારો આત્મા પરમાત્મામાં મેળવે છે એ જાણવાને માટે હું મારું સર્વસ્વ આપી દઉં. કહે છે કે તે કામદેવથી પણ સુંદર છે, પણ મેં કદીએ તારા મોં ઉપર નજર માંડીને જોયું નથી કે તારા વદનનું સ્મરણ કરી બીજા સાથે સરખાવી શકું. તારા નયન અને તારૂં શાંત મૃદુ હાસ્ય એજ મારા મગજમાં રમી રહ્યાં છે.
******
“વખતે વખત જ્યારે સઘળું શાન્ત હોય છે ત્યારે મને એમ લાગે છે કે હું મારા પિતાના ગામની ધૂન સાંભળું છું. ઘણો વખત થયાં બળી ખાખ થયેલી છતાં પણ એ ધૂન મને વારંવાર મધ્યરાત્રીએ સ્વપ્નમાંથી જગાડે છે. હું એમ ધારું છું કે એ સ્વર સંભળાય છે ત્યારે તારા આવવાની મને ચેતવણી મળે છે. તને ગયો જાણી નીસાસા મૂકી હેઠી પડું છું ત્યારે જાણે એજ સ્વરને હું શોક કરતાં ને રોતાં સાંભળું છું. તું ગાનરૂપજ છે ? એ ગાનનો આત્મા ! એનો દેવ ! મારા પિતાનું ગાન સાંભળી પવન પણ શાન્ત થઈ જતો; છતાં લોક એને ગાંડો ગણતા;– ત્યારે એણે ખરે તું અને તારો દેશ બરાબર પીછાનેલાં !
*****
“મેં મારા બાલપણમાં વારંવાર વિચાર કરી મારા મનને પૂછ્યું છે કે હું શામાટે જન્મી હોઈશ; અને મારા આત્માએ મારા મનને એજ ઉત્તર આપ્યું છે કે ‘તું ભક્તિ કરવાને જન્મી છે,’ બરાબર; હું સમજું છું; શા માટે મને દુનીયાં જુઠી અને નીરસ લાગે છે. રંગભૂમિની દુનીયાં મને શા માટે આનંદ આપતી તે પણ જાણું છું. મારો સ્વભાવ આ જીંદગી–કદાપિ તે બીજાને ભોગવવા જોગ લાગતી હો– તેને માટે સરજાયલો નથી. પોતાના કરતાં વધારે ઉચ્ચભાવ વાળી કોઈ મૂર્તિ એના આ જગત્ની આગળ નિરંતર હોવી જોઈએ. એવીજ એની પ્રકૃતિ છે. અજાણ્યા પ્રિયતમા ! જ્યારે આ જગત્ની આશા પાર જઈશું ત્યારે ઉત્તરોત્તર ઉત્તમ લોકમાં મારો ને તારો આત્મા એકજ મહાસ્વરૂપને પૂજનાર છે !
“મારા પડોશીની વાડીમાં નાનો ફૂવારો છે, સવારમાં તેની પાસે હું ઉભી હતી. સૂર્યના કિરણ તરફ શો તે ધાઈ ધાઈને ફૂટતો હતો ! ત્યારે જ મને એમ ભાસ્યું કે આજ તું મને ફરી મળશે અને મારૂં હૃદય પણ જે આનંદી પ્રાતઃકાલ તને લાવશે તે તરફ એમજ કૂદવા લાગ્યું.
*****
“વળી મેં પુનરપિ તને નીહાળ્યો, તારાં વચનામૃત શ્રવણસુખે પીધાં. મને કેવી હીંમત આવી ગઈ ! હું કેવી ધૃષ્ટ બની ગઈ ! મારી છોકરવાદીની વાતો અને વિચાર મેં તારા આગળ વિસ્તારવા માંડ્યાં, જાણે કે હું તને બાલપણથીજ ઓળખતી હોઉં ! તુરતજ મારી ધૃષ્ટતાનો મને વિચાર આવ્યો; હું અટકી ગઈ, અને બિહીતે બિહીતે તારી આંખ તરફ જોવા લાગી.
“‘હાં આગળ કહે : તારી મેના ગાવા ન લાગી !
“‘હશે, બાલકના હૈયાની એવી વાતનું તમારે શું કામ છે ?
“‘રમા !’ તેં તુરતજ મૃદુસ્વરથી ઉત્તર કર્યું ‘રમા ! બાલકહૃદયમાં કોઈ ડાઘ હોય તો તે ફક્ત એક તારાની છાયા જેવોજ હોય છે, બોલ બોલ તારી મેનાને પકડીને પાંજરામાં પૂર્યા છતાં પણ ગાવા ન લાગી !
“ ‘મેં એનું પાંજરૂં પેલા જુઈના માંડવા તળે મેલ્યું, ને મારી સરંગી લઈ તેના તારની મારફત એની જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો, એમ જાણીને કે ગાન એજ એની ભાષા હશે, અને તેથી તે એમ ઝટ સમજશે કે હું એને દિલાસો આપવા મથું છું.’
“ ‘હા’ તેં કહ્યું ‘તે આખર બોલી, ગાઈને નહિ–પણ તીણી નાની ચીસ પાડી ઉઠીને. તુરતજ તારા હાથમાંથી સરંગી પડી ગઈ અને તારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ધીમેથીજ તેં પાંજરૂં ખોલી નાખ્યું અને મેના ઉડીને સામેની ઝાડીમાં જઈ બેઠી. તેં ઝાડનાં પાંદડાં ખખડતાં સાંભળી ચાંદનીમાંથી જોયું તો જણાયું કે મેના પોતાના સહચર ભેગી થઈ ગઈ. પછી વૃક્ષની ડાળીએથી તેણે તારા આગળ લાંબુ હર્ષ ગાન ઉંચે સ્વરે ગાયું. વિચારતાં તને એમ લાગ્યું કે જુઈના વેલાથી કે ચાંદનીથી કરીને એ પક્ષી રાત્રીને રસિક બનાવતું નથી, પણ એના ગાનમય થઈ જવાનું રહસ્ય તે પોતાના પ્રેમસ્થાનનું સામીપ્યજ છે.’
“એ બાલપણને સમયે હું પોતે સમજી શકું તે કરતાં પણ વધારે સૂક્ષ્મ રીતે તું મારા વિચાર ક્યાંથી સમજી શક્યો ! મારા જેવી ગરીબના ગતવર્ષના વૃત્તાન્તો, ને તે પણ આવા બારીક વૃત્તાન્તો તેની તને આવી માહીતી કયાંથી ? ભવ્ય પરદેશી ! મને આશ્ચર્ય લાગે છે, પણ હવે તારું ભય લાગતું નથી !
*****
“પહેલાં રંગભૂમિ પર જતાં મારૂં હૈયું ધ્રૂજતું. હવે મને ત્યાંની સ્તુતિ નિંદાની પરવા નથી. મને નિશ્ચય છે કે મારા સ્વરમાં મધુરતાજ આવશે; કેમકે હું તે દ્વારા તારા નામનીજ રટના ગાઉં છું. તું હવે આવતો નથી, નજ આવીશ. સામાન્ય લોકમાં ભળી પ્રાકૃત સમાન થયેલો તને જોવા હું રાજી નથી.
*****
“એક વાર તારો વિચાર આવતાં મારું મન ગભરાયું. બાલક જેમ ચંદ્રને ઝાલવા કૂદે છે તેમ મારું મન પણ કાંઈક કદાપિ ન મળે તેવું લેવા કૂદવા લાગ્યું. હવે મને એમ લાગે છે કે તારો વિચાર કરવાથી મારા આત્માનાં તમામ બંધન અળગાં થાય છે, મારા અજ્ઞાનને લીધેજ હું તારાથી ડરતી હતી. પુસ્તકોમાંથી ન મળે તેવો કોઈ જ્ઞાનનો ભંડાર તારા શરીરની આસપાસ હવાની પેઠે વીંટાઈ રહેલો છે. મને કેટલી થોડી ખબર છે ! છતાં જ્યારે તું મારી સમીપ હોય છે ત્યારે જાણે તમામ જ્ઞેય અને તમામ જ્ઞાન પરથી પડદો દૂર થઈ જાય છે. જે શબ્દો મારે હાથે લખું છું તે તરફ જોતાં પણ મને આશ્વર્ય લાગે છે, તે મારામાંથી નીકળતા જણાતા નથી, પણ મારા હૃદયને તેં ભણાવેલી કોઈ ભાષાના અક્ષરરૂપ હોઈ, જાણે તારીજ પ્રેરણાથી મારે હાથે લખાતા હોય તેમ આવે છે ! તેંજ મને આખા બ્રહ્માંડમાં સ્વતંત્ર ફરવાનું સામર્થ્ય આપ્યું છે. પૂર્વે હુ મારો આવરદા પૂરો કરૂં છું એમ મને લાગતું, હવે મેં કોઈ અનાદિ પરંપરામાં પ્રવેશ કર્યો છે એમ લાગે છે.
“અને મને એણે બીજા વિષે વાત કરી. બીજાને મને આપવી ! ગુલાબસિંહ ! તારે માટે મને પ્રેમ નહિંજ, નહિ તો મેં તારી વાત ક્રોધ આવ્યા વિના સાંભળીજ ના હોત. તારી આજ્ઞા મને કેવલ અશક્ય જ કેમ ન લાગી ? જેમ ઉસ્તાદનો હાથ સરંગીના તારને દોરે છે, તેમ તારી દૃષ્ટિ મારા તરંગીમાં તરંગી (મજાજને પણ તારી ઇચ્છાને અનુસાર ચલાવે છે. તારી એમજ મરજી હોય તો-હા-ભલે-એમ થવા દે. તું મારા ભાગ્યનો વિધાતા છે, ફાવે તેમ કર. મને એમ લાગે છે કે હું એને ચહાઇશ, તે ગમે તે હો પણ ચહાઇશ, તારી આસપાસ વીંટાયલા કિરણ તું જેના પર નાખીશ તેને ચહાઈશ. તારો સ્પર્શમાત્ર થયેલી વસ્તુ મારા હૃદયને પ્રિયતમ છે. તુ પ્રેમમાત્રનું મૂલ છે. બીજી જે વસ્તુઓ તરફ દૃષ્ટિ કરી શકાય તે સર્વેને, તેજિત કરનાર ઉચ્ચ અને દુરાલોક તેજઃસ્થાન તું છે. તારો ને મારો સંબંધ પ્રેમ નથી જ ! માટેજ તે વિષે હું નિઃશંક થઈ બોલું છું. તારી આગળ હું તુચ્છ છું એમ જાણ્યા છતાં પણ તારા પર પ્રેમનો દાવો કરું તો મને મારા ઉપર ધિક્કાર આવવો જોઈએ.
“બીજો મારા મનમાંથી એ બોલ ખસતો નથી. તું એમ કહેવા માગે છે કે મારે તારૂં દર્શન જ કરવું ! દિલગીર નથી કે તેથી નિરાશ નથી, મને આંસુ આવતાં નથી–પણ કેવલ એકલીજ નિરાધાર હોઉં એમ લાગે છે !
“મારી ઈચ્છાને આમ બાંધી રાખી છે તે જાલમાંથી હું કેમ છૂટવા મથતી નથી ? મારૂં આ પ્રમાણે કરી નાખવાનો તને હક છે ? મેં મારું જીવતર તારા હાથમાં સોંપ્યું તે પહેલાં તે જેવું હતું તેવું મને પાછું આપ. તું અથવા તારૂં ન હોય તેવી કોઈ વાત મારી દૃષ્ટિએ પણ ચઢતી નથી જા જા પરદેશી ! હું તારી આજ્ઞા નહિ માનું.
“એક દિવસ ગયો ભયંકર ત્રણમાંનો એક ગયો. ગઈ રાત્રીએ ઉંઘી ગયા પછી મારું મન કેવલ શાન્ત થઈ રહ્યું છે એ નવાઈ જેવું છે. મને એ નિશ્ચય લાગે છે કે મારૂં જીવિત તારામય થઈ ગયું છે, હું કદાપિ તારાથી જુદી થઈ શકું એ વાતજ માની જતી નથી. આ નિશ્ચય પરજ મને પરમ શ્રદ્ધા છે, અને તે વડેજ તારાં વચન અને મારું ભય એ ઉભયની હું ઉપેક્ષા કરૂં છું, તું વારંવાર શ્રદ્ધાની સ્તુતિ કરે છે. એ શ્રદ્ધાનું રહસ્ય હવે હું સમજી છું, તમામ શંકા-ભયથી પરવારી છું. જે રૂ૫ તારું અંતઃચૈતન્ય છે તે સાથે હું કદાપિ છૂટું નહિ તેમ જોડાઈ છું એમ મને નિશ્ચય થાય છે−તું ઈચ્છે તો પણ છૂટું તેમ નથી. હવે મને બધું વિશ્વ રમણીય જણાય છે; શાન્ત અને રમણીય જણાય છે. તે બતાવેલા વૃક્ષનું પાંદડું પણ હાલતું નથી. મારા આત્માની સ્થિરતા ચલતી નથી !”