ગુલાબસિંહ/તરંગ ૩:પસ્તાવો

વિકિસ્રોતમાંથી
← કામાંધનો વિનાશ ગુલાબસિંહ
પસ્તાવો
મણિલાલ દ્વિવેદી
સિદ્ધ અને આશક →


પ્રકરણ ૧૫ મું.

પસ્તાવો.

ગુલાબસિંહને મળ્યો તે પછીની રાતે લાલાજી અસાધારણ શાન્તિથી ઉંઘ્યો; આંખ ઉઘડી ત્યારે સૂર્યનાં કિરણ પૂર્ણ પ્રકાશથી એના ઉપર પડતાં હતાં, ઉંઘથી એનું શરીર તાજું થયું એટલુંજ નહિ, પણ એના મનમાંએ નવો જુસ્સો આવ્યો. એ એવી શાન્તિ પામ્યો હતો કે જે થાક પછી વિરામના પરિણામ કરતાં, મનમાં કોઈ નિશ્ચય થયાના ઉત્સાહનું પરિણામ હતી, ગતરાત્રીના પ્રસંગ તથા મનોભાવ સ્પષ્ટ આકૃતિમાન થયા હતા, છતાં તેમના વિષે વિચાર કરવા કરતાં ભવિષ્યના વિચારમાં એ વધારે મગ્ન હતો. ગુપ્તવિદ્યાનું દ્વાર ઓળંગી ગુહ્યાગારમાં પેસવા તલષી રહેલા કોઈ ચેલાના જેવી એની સ્થિતિ હતી.

ઉઠીને એણે કપડાં પહેર્યા, અને રામલાલને પોતાના કોઇ દેશીઓ સાથે મીજબાની ગયેલો જાણી ખુશી થયો. એકાંત વિચાર કરવામાં એણે મધ્યાન્હ ગાળ્યો, ને ધીમે ધીમે રમાની મૂર્તિ પાછી એના હૃદયમાં ખડી થઈ એ મૂતિ અતિપવિત્ર — કેમકે અમાનુષી — હતી. એણે એનો ત્યાગ કર્યો હતો; અને જો કે એ પસ્તાવો ન હતો, તો પણ પસ્તાવો થવાનો હોય, ને મોડો થાય, તો તે નકામો છે એમ વિચારી ગભરાયો. પોતાને આસનેથી ઘણી ત્વરાથી ઉઠ્યો, અને રસમૂર્તિના ઝુંપડા તરફ ઝડપથી ચાલવા લાગ્યો.

છેટું થોડું ન હતું, તેમ હવા પણ બંધ હતી, એટલે લાલાજી ઉકળાટથી ગભરાતો અને નિઃસ્વાસ થઈ ગયેલો માને બારણે આવી ઉભો. બારણું હડસેલ્યું, પણ કોઈએ ઉત્તર આપ્યું નહિ. ઉઘાડી અંદર ગયો, દાદર ઉપર ચઢ્યો, પણ કાંઈ સંભળાતું ન હતું, કોઈ જીવતા પ્રાણીનો શબ્દ કે સ્પર્શ એને સમજાતો ન હતો. દીવાનખાનામાં ગાદી ઉપરજ સીતાર પડેલો હતો, ને તેની પાસે રાસનાં કેટલાંક પદો લખેલાં પડ્યાં હતાં. જરા વાર થોભ્યો , પણ હીંમત લાવી વળી અંદરના ઓરડાનું બારણું ઠોક્યું. બારણું બધું ન હતું, તેથી અંદર કાંઈ ન સંભળાયું એટલે ઉઘાડીને પોતે અંદર ગયો. પેલી નટીનું આ શયનગૃહ હતું — પ્રેમની પવિત્ર ભૂમિ હતી. એ સ્થલ, એ સ્થલની દેવતાને અનુરૂપજ હતું; ત્યાં એ બાલાના નિત્યકર્મમાંની નજીવી વસ્તુઓ પડેલી ન હતી; વા સામાન્ય રીતે ગરીબાઈને અંગે જણાતી કોઈ અવ્યવસ્થા પણ ન હતી. બધું શુદ્ધ અને સાદું હતું. સામાન તથા શણગાર બધાં ઉચા પ્રકારનાં છતાં સાદાં હતાં; થોડાંક પુસ્તકો સ્વચ્છ રીતે ગોઠવી રાખેલાં હતાં, ને કેટલીક પુષ્પમાલાઓ આમ, તેમ તે ઉપર ગોઠવેલી હતી. દૂધ જેવા સ્વચ્છ બીછાના ઉપર અને તેની પાસે પડેલાં કપડાં ઉપર સૂર્યનાં કિરણ રમી રહ્યાં હતાં, મા ત્યાં હતી નહિ — પણ પેલી બુઢ્ઢી ! તે પણ ન હતી ? એણે બુઢ્ઢીને બોલાવી બોલાવીને ગળું દુઃખવા આવ્યું. પણ એક પ્રતિશબ્દ સરખું એ ઉત્તર આવ્યું નહિ. થાકીને જેવો તે ઘરથી બહાર નીકળ્યો કે બુઢ્ઢીને સામેથી આવતી જોઈ. બીચારી ડોશીએ એને જોઈને ખુશીનો પોકાર કર્યો પણ ઉભયે એક એકને કાંઈ સંતોષકારક ખુલાશો કરી શક્યાં નહિ તેથી નિરાશ થયાં. તોફાન સંભળાયાથી બુઢ્ઢી ઉંઘમાંથી જાગી ઉઠી પણ નીચે ઉતરવાની હીંમત આવી તે પહેલાં તો મા અદૃશ્ય થઈ ગઈ હતી. બહારના બારણા ઉપર એને બલાત્કાર થયાનાં ચિહ્ન જણાયાં પણ અત્યાર સુધીમાં એ એટલુંજ જાણી શકી હતી કે પાસેના ખેતરમાંથી જાગી ઉઠેલા એક ખેડૂતે એક ગાડી, બારણા તરફ આવતાં ને જતાં જોઈ હતી. તે કહેતો હતો કે એ ગાડી અમુક અમીરની છે. આ બધા વૃત્તાન્તનો સાર સમજી લેઈ લાલો એકદમ બુઢ્ઢી પાસેથી ચાલતો થયો, ને ગુલાબસિંહના મહાલયમાં દાખલ થયો. ત્યાં એને એવી ખબર મળી કે મહારાજ અમીર—ને ઘેર મીજબાનીમાં ગયા છે, તે છેક મોડી રાત સુધી પાછા ફરવાના નથી. ગભરાટ અને ભયથી લાલો સ્તબ્ધ જ થઈ ગયો. શું થયું હશે ? શું કરવું ? એની એને સુઝ પડી નહિ. રામલાલ પણ પાસે ન હતો કે એનું ડહાપણ કોઈ કામ લાગે. એના હૃદયે એને ગુપ્ત માર મારવા માંડ્યો. પોતાની પ્રિય વસ્તુને બચાવવાની પોતાને શક્તિ છતાં તે શક્તિ પોતે ગુમાવી ! પણ ગુલાબસિંહે કેમ છક્કડ ખાધી ! એમ કેમ બન્યું કે એ પોતેજ પેલા દુષ્ટ અપરાધીની આજ પ્રસંગની મીજબાનીમાં ગયો ! બધી વાત એને માલુમ હશે ? કદાપિ ન હોય, તો મારે એક ક્ષણ પણ તેને ખબર આપવામાં વિલંબ કરવો ? મનનો કાચો છતાં શરીરે તો લાલા કરતાં વધારે હીંમતવાન્‌ કોઈ ન હોઈ શકે. “બસ, હું અમીરના મહાલય તરફ જઈશ, અને જે હવાલો પોતાને સ્વાધીન લેવાનું ડોળ ગુલાબસિંહ રાખે છે, તે ખોટું સમજાશે તો તુરત ત્યાંને ત્યાં, અને બધા મીજબાનોની વચમાંજ, હું એ બાલાને આ કપટજાલમાંથી છૂટી કરવાનું અમીરને મોઢામોઢ કહીશ — પછી જે થનાર તે થશે.”