ગુલાબસિંહ/તરંગ ૩:કામાંધનો વિનાશ

વિકિસ્રોતમાંથી
← સિદ્ધિનો પ્રેમમાં લય ગુલાબસિંહ
કામાંધનો વિનાશ
મણિલાલ દ્વિવેદી
પસ્તાવો →




પ્રકરણ ૧૪ મું.

કામાંધનો વિનાશ.

પેલી વયૌવનાને પૂર્ણ ભભકાથી લખલખાટ કરી રહેલા એક ઓરડામાં એકલી પૂરી દેવામાં આવી, આ મહાસંકટમાં પણ એના મનમાં જે વિચાર મુખ્ય હતો તે ગુલાબસિંહ માટેનોજ હતો. એ જીવતો હશે ? શત્રુઓની તરવારમાંથી વંચી ગયો હશે ? —મારો અમૂલ્ય હીરો, મારૂં જીવિત, મારો પતિ. —મારો પ્રાણ ! વિચારોને તરંગે ચઢી નિર્ણય પર આવવા જેટલો વખત હતો નહિ, ઓરડા તરફ કોઈનાં પગલાં આવતાં સંભળાયાં, પોતે સંકોચાઈ, પણ ધ્રુજવા લાગી નહિ. પર્વે અપરિચિત એવી કોઈ અલૌકિક આવેશરૂપ હીંમત એના નેત્રમાં ચમકવા લાગી, અને એની આકૃતિને ભવ્યતા સાંપડવા લાગી. મરતાં કે જીવતાં, પણ ગુલાબસિંહનાજ ભજનમાં તે લીન હતી. પોતાની લાજ સાચવવામાંજ હવે તો વળી સવિશેષ કારણ પણું હતું, બારણું ઉઘડ્યું, અને ઉમરાવ અત્યંત ભભકાદાર પોશાકના તેજથી લખલખાટ થતો એની સામે આવી ઉભો.

“મનોહર પણ અતિક્રૂર મૂર્તિ !” કરડાકીમાં તેણે કહ્યું “પ્રીતિને લીધે જે બળાત્કાર કરવો પડે છે તેને તું અપવાદયુક્ત નહિજ ગણે.” આમ બોલતાં તેણે એનો હાથ પોતાના હાથમાં લેવાનો યત્ન કર્યો. જેથી મા એને ચૂકાવી પાછી હઠી ગઈ તેવો તે બોલ્યો “રે ! જરા વિચાર, તું હવે કેવા માણસના હાથમાં છે ! એણે તારા કરતાં ઓછી પ્રીતિકર વસ્તુ પ્રાપ્ત કરવામાં પણ કદી પરાજય સ્વીકાર્યો નથી. તારો પ્રિયતમ, જીવ સાટે વચ્ચે પડે તો પણ તારી પાસે નથી; તું મારાજ કબજામાં છે, મારીજ છે, પણ તારો નાથ થવા કરતાં મને તારો દાસ થવા દે.”

“રાજકુમાર !” માએ કઠિન ગંભિરતાથી કહ્યું “તમારો ગર્વ મિથ્યા છે. તમારો કબજો ! હું તમારા કબજામાં નથી. હું તમારી સામે થવા ઈચ્છતી નથી, પણ મને તમારો ડર નથી. મને અંતર્‌થી જ અલૌકિક નિશ્ચયનો વિશ્વાસ સ્ફુરે છે.” માએ હૃદયવેધક ગાંભિર્યથી ઉમેર્યું— “ને તેવી સ્ફુરણામાં ઘણી વાર સત્ય જ્ઞાનનો અને અમિત બલનો પ્રભાવ પ્રતીત થાય છે — કે આ ઠેકાણે પણ હું નિર્ભય છું, અને તમે તમારા પોતાના ઉપર તેમ તમારા કુટુંબ અને ઘર ઉપર મહાભય વહોર્યું છે.”

પોતે કદી પણ અટકળેલાં નહિ તેવાં નિશ્ચય દૃઢતા અને ધૈર્ય જોઈ આ ઉમરાવ તો આશ્રર્યજ પામી ગયો. પણ પોતે ધારેલા કર્તવ્યથી સહજમાં હઠી જાય કે ડરીને પાછો ફરે તેવો એ ન હતો તેથી માની પાસે જઈ, ખરા કે ખોટા, પણ ઘણા પ્રેમભાવથી ઉત્તર આપવાનું કરતો હતો, એવામાં બારણાને કોઈએ ઠોકવા માંડ્યું. બારણા ઉપર હડસેલા ચાલુજ રહ્યા તેથી, આવા ખલલને માટે ઘણો ચીડવાઈ જઈને પણ બારણું ઉઘાડી, અમીર એકદમ પૂછવા લાગ્યો કે “અત્યારે મારા રંગમાં ભંગ કરવાની અને મારો હુકમ તોડવાની હીંમત કોણે કરી છે ?” ચાકરોનો મુખ્ય ખવાસ ફીકે વદને અને થર થરતે પગે ધીમેથી ગણ ગણ્યો “મહારાજ ! ક્ષમા કરો, પણ નીચે કોઈક આવ્યું છે તે આપને મળવાનો બહુજ આગ્રહ કરે છે, અને એના મોંમાંથી કેટલાક સખુન નીકળ્યા તેને લીધે મને આપનો હુકમ તોડવાનું પણ વધારે યોગ્ય લાગ્યું છે !”

“કોઈક ! — ને તે અત્યારે ! — શું કામ આવ્યો હશે ? એને પેસવાજ શા માટે દીધો ?”

“એ માણસ છાતી ઠોકીને કહે છે કે આપની જીંદગી ઘણા જોખમમાં છે — ને તે પણ દૂર નહિ. એનો વિશેષ ખુલાસો તો તે આપના વિના બીજા આગળ કરવાની ના પાડે છે.”

“અમીરનાં ભવાં ફરી ગયાં; એનું મોં ફીકું પડી ગયું, એક ક્ષણભર એ વિચારમાં પડી ગયો, પણ તુરતજ ઓરડામાં પાછો પેશી રમા પાસે જઇ બોલ્યો “સુંદરી ! ખાતરી પૂર્વક માનજે કે મારે મારો અમલ તારા પર બજાવવાની લેશ પણ ઈચ્છા નથી. પ્રીતિની મૃદુ શક્તિના બલનું તારા પર પ્રબલ થાય એવી મારી પૂર્ણ ઈચ્છા છે. રંગભૂમિ ઉપર કદાપિ પણ તું મહાલી હોય તે કરતાં વિશેષ સ્વતંત્રતાથી આ ચતુરસી વચ્ચે તું રાણી થઈ મહાલ. આજ તો હવે રામ રામ. નીરાંતે નિંદ્રા લે; ઇશ્વર તારાં સ્વપ્ન મારી આશાને અનુકૂલ કરે.” આટલું બોલીને એ ચાલ્યો ગયો, તુરતજ રમાની પાસે અનેક દોઢડાહી દાસીઓ ભેગી થઈ, જેને તેણે ઘણી મહેનતે દૂર કરી, નિંદ્રાને શરણે થવાને બદલે એણે ઓરડાની ચારે બાજુ સૂક્ષ્મ રીતે તપાસી જોવામાં, તથા ગુલાબસિંહ, જેનો વિચારજ તેને કોઈ અલૌકિક બલ પ્રેરતો હતો; તેનું મનન કરવામાં બધી રાત્રી ગાળી.

પેલી તરફ અમીર નીચે ગયો, અને જે ઓરડામાં પેલા અજાણ્યા માણસને બેસાડ્યો હતો ત્યાં પહોંચ્યો. એ માણસે છેક માથાથી પગ સુધી એક ઝુલતો જામો ઓઢી લીધો હતો. એની આકૃતિ જ કોઈ વિલક્ષણ ભવ્યતા ભરી હતી. એનું કપાલ વિશાલ તથા ઉંચું હતું, અને એનાં નેત્ર એવાં કોરી નાખનારાં, છતાં સ્થિર હતાં કે તેની દૃષ્ટિથી, જેમ આપણા હૃદયમાંની ગુપ્તમાં ગુપ્ત પાપી વાત કોઈ કાઢી લેતું હોય તેનાથી પાછા હઠીએ તેમ રાજકુમાર ઝંખવાઈ ગયો.

પરોણાને ગાદી ઉપર બેસવાનું સૂચવતાં તેણે ઉચ્ચાર કર્યો “તમારે મારું શું કામ છે ?”

“રાજકુમાર ! જે વંશના પુરુષોએ દિવ્ય આત્મપ્રસાદને માનુષી વાસનાના વશીકરણમાં, અને કાળાં કારસ્તાનના વાંકા ચુંકા પણ એકાગ્ર ભવ્ય માર્ગમાં, ખર્ચી નામ કાઢ્યું છે તેના પ્રતિનિધિ ! જે મહાપુરુષોનાં નામમાંજ આખા ભરતખંડના ઇતિહાસની ભવ્યતાનો ઉદ્‌ભવ છે તે કુરુકુલના આત્મજ ! અંધકારથી ઘેરાતા આકાશમાંના છેલ્લાં તારાનાં દર્શન માટે હું આવ્યો છું. કાલે આ વખતે તો તેનું દેશકાલમાં સ્થાન પણ હશે નહિ. રે જીવ ! તારૂં આખું રૂપ જ બદલાય નહિ તો તારા દિવસ ભરાઈ ચૂક્યા છે.”

“આ લવારાની શી મતલબ છે ?” રાજકુમારે પ્રત્યક્ષ આશ્ચર્યથી અને ગુપ્તભયથી કહ્યું “તું મને મારા ઘરમાંજ ડરાવવા આવ્યો છે ? કે મને કોઈ ભયની સૂચના કરવા આવ્યો છે ? તું કોઈ રખડતા ઢોંગ ધતુરાવાળો છે, કે કોઈ અજાણ્યો મિત્ર છે ? બોલ, અને સ્પષ્ટ સમજાવ. મારે માથે શું ભય છે ?”

ગુલાબસિંહ અને તારા પૂર્વજોની તરવાર :” પેલા અજાણ્યા માણસે ઉત્તર આપ્યું.

“આહા !” રાજકુમારે મશ્કરીમાં હસતાં કહ્યું “પ્રથમથીજ મેં તને થોડો તો ઓળખ્યો હતો. ત્યારે તો તું પેલા ઘણા કુશલ, પણ હાલમાં તો કોડીની અક્કલના થઈ પડેલા ધૂતારાનો દોસ્ત કે દાસ જણાય છે. હું ધારૂં છું તું એમ પણ કહેશે કે જો પકડી આણેલા એક કેદીને હું હમણાં છોડી દઉં તો બધો ભય દૂર થઈ જાય, અને ભરાઈ ગએલી ઘડી ખાલી થવા માંડે !”

“તારે ફાવે તેમ તર્ક કર, કુરુકુમાર ! મારે ને ગુલાબસિંહને સંબંધ છે તે હું કબુલ કરૂં છું. તું પણ એનું સામર્થ્ય અનુભવશે. પણ તે તારો નાશ કરશે ત્યાં સુધી તું તેને નહિ પીછાને. હું તને બચાવવા ઇચ્છું છું. સાંભળ તારા પ્રપિતા વિષે કોઈ ચમત્કારિક વાતો ચાલતી તે સાંભળી હશેજ; તેમ માનુષી શક્તિની પેલી પારનું જ્ઞાન પામવાની તેની અતુલ તીવ્ર જિજ્ઞાસા પણ તારી જાણમાં હશેજ, એની સાથે હિમાલયમાંથી એક વિલક્ષણ પુરુષ એના ગુરુ તથા મિત્ર તરીકે આવ્યો હતો; એ પુરુષને માટે રાજા પ્રજા સર્વ નાના પ્રકારની વાતો કરતાં; તેનું પણ સ્મરણ હશેજ, તને યાદ હશે કે એ પ્રથમ તો કંગાલ અને બે આબરૂ હાલતમાં કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયો હતો; આ હિમાલયના પુરુષને સાથે લેઈ દિલ્હી આવ્યો હતો. એ દિવસથી એની ચઢતી થવા માંડી. જાગીર ઉપર જાગીર એના હાથમાં આવતી ગઈ; ને જો એણે રીતિ પ્રમાણે રસ્તો લીધો હોત તો આજ આર્યાવર્તની ગાદી ઉપર એનોજ વંશ રાજતો હોત, ક્ષત્રિયનો સંહાર થવાનો, સંયોગતારૂપ જોગણીનું ખપ્પર ભરવાનો, અને આર્યાત્વનો ધ્વંસ થવાનો સમય આવ્યો ન હોત. વર્ષ વીતી ગયા છતાં, એના મોં ઉપર એક કરચલી સરખી પણ વળી ન હતી, તે જોઈ સર્વ આશ્ચર્ય પામતાં. પણ જે માર્ગની એણે દીક્ષા લીધી હતી તેથી એની વિષયવાસનાઓ પ્રતિકૂલ હતી. જો એ હતો તેથી જરા અન્યથા હોત તો ચક્રવર્તીમાં ચક્રવર્તી કરતાં પણ એ મહોટો થાત — અનાદિ, અનંત, પરમ જ્ઞાનવાન્, સર્વશક્તિમાન્ મહાત્માઓના સનાજનો એક થાત, નક અને રામનું સ્મરણ કરાવત, અનેક ચક્રવર્તી રાજયોગીઓમાં ગણાત, ત્સ્યેંદ્રનો મિત્ર થાત–સ્ત્યેંદ્ર કે જેને તું આજ આ સ્થલે તારી સમક્ષ દેખે છે.”

સ્થિર અને અસ્ખલિત ચિત્તે પેલો ઉમરાવ આ બધું સાંભળતો હતો; છેલ્લા શબ્દો સાંભળી ચમકી ઉઠ્યો ને બોલ્યો : “લુચ્ચા ! તું મારા ભોળાપણાનો આટલો બધો લાભ લેવા હીંમત કરે છે ? મારા દાદાના મરણને સાઠ વર્ષ થઈ ગયાં, જો એ જીવતા હોય તો આજે સવાસો વર્ષના હોય; ત્યારે તું, ટટાર અને કાળા ભમર જેવા વાળવાળો બુઢ્ઢો એમ કહેવા હીંમત કરે છે કે તું એમનો સાથી હતો તે ! તને તારી વાત બરાબર ભણાવવામાં આવી નથી — તને માલુમ હોય એમ લાગતું નથી કે સર્વશિરોમણી જ્ઞાનરાશિ છતાં પણ એક લુચ્ચા ઉપર વિશ્વાસ રાખનારા મારા પ્રપિતા જે વખતે તેમની મહાયોજનાઓ ફલિત થવાની તૈયારી ઉપર હતી તે જ વખતે પથારીમાંજ મરણ પામેલા જણાયા હતા — અને ત્સ્યેન્દ્ર એનો મારનાર હતો.”

“રામ, રામ !” પેલા અજાણ્યા માણસે બહુ ખેદથી કહ્યું “જો તારા પ્રપિતાએ ત્સ્યેન્દ્રનું કહ્યું માન્યું હોત, જો તેણે છેલામાં છેલી અને બહુ નાશકારક કસોટીઓ, સંપૂર્ણ તૈયારી વિના, ચઢવામાં વિલંબ કર્યો હોત, તો તારો પૂર્વજ આજે મારી સાથે કૈલાસની ટોચે ઉભો હોત; જે ગિરિરાજના પાદ મૃત્યુરૂપી સમુદ્રનું જલ નિરંતર ધોયાં કરે છે પણ કદાપિ માથે ચઢી શકતું નથી ત્યાં બેઠો હોત, તારા પૂર્વજે મારી પ્રાર્થના ગણકારી નહિ, મારી આજ્ઞાની અવજ્ઞા કરી, અને ગુપ્તવિદ્યા — કે જે મુકુટ અને મણિની વાસના રાખનારથી વેગળી જ નાસે છે – તેને ઝડપવા તલષી રહેલા જીવની ઉગ્ર ચંચલતાથી તેણે ઝંપલાવ્યું; પોતાનીજ ઉગ્રતાના તાપમાં પોતાનું મૃત્યું આણ્યું.”

“એને ઝેર દેઈને ત્સ્યેન્દ્ર નાશી ગયો હતો.”

ત્સ્યેન્દ્ર નાઠો ન હતો” પેલા માણસે પ્રૌઢતાથી કહ્યું “ભયથી દૂર જઈ શકે તેમજ ન હતું, કારણ કે ભય એ વસ્તુ એણે ઘણે દૂર મૂકેલી છે. એ ઉમરાવે અમરત્વ બક્ષનાર અક્સીરનો પ્યાલો મારા ના કહ્યા ઉપરાંત પણ પીવાનો નિશ્ચય કર્યો તેને પહેલે દિવસે, મારૂં એ માનનાર નથી એમ સમજી, હું ચાલ્યો ગયો. પણ બસ, એ વાત હવે જવા દે. તારા પ્રપિતા ઉપર મને પ્રેમ હતો, તેથીજ એના કુટુંબના છેલ્લા વંશજને હું બચાવવા ઈચ્છું છું. તું ગુલાબસિંહના રસ્તામાં આડો ન આવીશ. તારી વિષયવાસનાને તારો આત્મા ન સોંપ, સમય છે તેટલામાં પાછો ફર. તારા કુલની કીર્તિનાં બીજ હું તારા મુખ ઉપર તેમ તારા ભવિષ્યમાં દેખી શકું છું. તારામાં તારા વંશની સમર્થ બુદ્ધિ છે, પણ તેજ વંશનાં દુર્વ્યસનો જે તારામાં બહુ ઉગ્રતાથી ફાટી નીકળ્યાં છે તેમાં તે દબાઈ ગઈ છે, વીસરી ન જતો કે આત્મપ્રસાદથી તારા વંશનો ઉદય થયો હતો, દુર્વ્યસનથી જ તે અમર થવામાં નિષ્ફલ થયો. વિશ્વક્રમના નિયમોનોજ ચમત્કાર છે કે વિશ્વનિયમથી વિરુદ્ધ એવી કોઈ વાત ચિરકાલ રહેતી નથી. ડાહ્યો થા, તારા ઈતિહાસમાંથીજ ડહાપણ લે. તું બે જુદી જુદી દુનીયાંની વચમાં ઉભો છે, બન્નેમાંનાં સત્ત્વ  તારા કાનમાં સૂચના પ્રેરે છે. તારા પ્રપિતાએ ઉઘાડેલું અમરત્વનું દ્વાર ખૂલે છે, તેમ તેમનાજ લોહીમાંથી તારામાં આવેલી વિષયવાસનાએ નરકનો દરવાજો પણ તારી સમિપ આણ્યો છે. મારે કહેવાનું હું કહી રહ્યો. તારે ફાવે તે દ્વારમાં પેશ, હવે સમ રામ.”

“ના, ના, આ ઓરડામાંથી તને જવાનો હુકમ નથી. તારા ગર્વની હું કસોટી કરી જોઇશ. અરે ! કોણ છે અહીં ! — આવો !” ઉમરાવે જેવી બૂમ મારી તેવાં જ એનાં માણસો ઓરડામાં ભરાઈ ગયાં.

“આ માણસને પકડો” ત્સ્યેન્દ્રનું શરીર જ્યાં હતું તે સ્થલ તરફ આંગળી કરી બોલ્યો; પણ તે સ્થલે કોઈ જડ્યું નહિ; એ જોઈ અવર્ણ્ય આશ્ચર્યમાં ગુમ થઈ ગયો. વિલક્ષણ વિદેશી સ્વપ્નની પેઠે અદૃશ્ય થઈ ગયો હતો, પણ ઓરડાની ચારે તરફ સૂક્ષ્મ અને સુવાસિત ધૂમ્ર જેવું કાંઈક ઘુંટાયા કરતું હતું. “મહારાજને શું થયું ?” એમ મુખ્ય ખવાસે બુમ મારી કેમકે ઉમરાવ મૂર્છા ખાઈને પડ્યો હતો. ઘણો વખત એ આવી સ્થિતિમાં રહ્યો. જાગ્રત્‌ થતાંજ એણે માણસોને દૂર કર્યા; પછી પોતાના ઓરડામાંથી આમ તેમ જતાં, તથા ઘણાં અવ્યવસ્થિત, એવાં એનાં ભારે પગલાં માત્ર સંભળાતાં, બીજે દિવસે જમવાનો સમય થવાની બે ઘડી પહેલાં એ એના સ્વાભાવિક મીજાજ ઉપર આવી શક્યો નહિ.