ગુલાબસિંહ/તરંગ ૩:સિદ્ધિનો પ્રેમમાં લય

વિકિસ્રોતમાંથી
← છેવટ નિર્ણય ગુલાબસિંહ
સિદ્ધિનો પ્રેમમાં લય
મણિલાલ દ્વિવેદી
કામાંધનો વિનાશ →


પ્રકરણ ૧૩ મું.

સિદ્ધિનો પ્રેમમાં લય.

મા અને તેની બુઢ્ઢી દાસી રામગૃહ તરફથી ઘેર આવ્યાં હતાં, અને મા, થાકી પાકી, લાંબી થઈને પથારીમાં પડી હતી. ડોશી માના માથાની સોનેરી લટો જે હાલ છૂટી થઈ અંગ પર છવાઈ રહી હતી તેના ઉપર પોતાનો મીઠો હાથ ફેરવતી હતી. આવું હેત કરતાં બુઢ્ઢી પોતાનાં વયપ્રકૃતિ અનુસાર ધીમે ધીમે લવારે ચઢી; રાસભૂમિ તથા અંતર્ગૃહમાંનાં ટીખળ ટંટ. અને નિંદા કુથલીના ગપાટા હાંકવા લાગી. ડોશીને જેમ ફાવતું આવે તેમ બોલતાં કશી હરકત પડતી નહિ, સ્વભાવે બીચારી ભલી અને ભોળી હતી, એટલે એને કોઈ એક નિશ્ચય થોડોજ હતો. વાત કરતાં છેવટ એટલે આવીને ઠરી કે માએ કોઈ ફક્કડ ઉમરાવને હજી પસંદ કર્યો નથી એમાં મને પોતાને શરમ ભરેલું છે એમ લોકો કહે છે. આવું બોલતાં પણ એમ કહેતી હતી કે લોક ગમે તેમ બોલે પણ તું તારી મરજી પ્રમાણે નક્કી કરજે, ઉમરાવ – કે અમુક કુંવર, કે લાલો કે ગુલાબસિંહ, બધું એકજ છે, એમ બોલવા લાગી, પણ વળી ઉમેરતી ચાલી કે સર્વ કરતાં લાલાજી ઠીક છે. લાલાનું નામ સાંભળી રમાએ જે નીસાસો મૂક્યો તેનો અર્થ પણ ડોશીએ તો પોતાની મરજી પ્રમાણે કર્યો, અને લાલાના હાવભાવ ઉપર રમા ઝાઝું લક્ષ હવણાંની આપતી ન હતી તે માટે તેને ઠપકો દેવા લાગી, તથા લાલાનાં વખાણ કરવામાં બધી ચતુરાઈ વાપરવા લાગી. છેવટે કાંઇ ન ફાવ્યું ત્યારે બોલી કે “ગમે તેમ હો, પેલા બીજા અમીરની વિરુદ્ધ કાંઈ કહેવાય તેમ ન હો, તો પણ એટલુંજ બસ છે કે એ તે દિલ્હીથી જવાની તૈયારીમાં છે.”

“દિલ્હીથી જવાની તૈયારીમાં ! -ગુલાબસિંહ !”

“હા, મા ! જમનામાં હું આજ માટલી ભરવા ગઈ ત્યારે ત્યાં એક હોડી આવી ને ઉભી હતી, ને તેના ખારવાની આગળ પાછળ લોકનું ટોળું મળ્યું હતું. ખારવા કહેતા હતા કે પવન બરાબર થતાની સાથેજ હોડી હાંકીશું. તેઓ સામાન પણ લેતા હતા, ને—”

“જા, જા, જા, તું હમણાં જા; મને એકલી પડી રહેવા દે”

એ સમય વીતી ગયો હતો કે જેવામાં રમા ડોશી ઉપર વિશ્વાસ કરી પોતાનું હૃદય તેને જોવા દે. એનો આવેશ એવી સ્થિતિએ પહોંચ્યો હતો ! એ સમયે હૃદય એમજ સમજે છે કે મારી વાત કોઇ ગ્રહણ કરી શકનાર નથી, ને તેથી કોઈના પર પણ વિશ્વાસ કરવા યોગ્ય નથી. પોતાના ઘરના મહોટા દીવાનખાનામાં એકલી પડેલી રમા, પૂર્ણ આવેશથી આમ તેમ ફરવા લાગી; એને બંદાની બીહામણી માગણીનું સ્મરણ થયું; લાલાનું અપમાન ભરેલું વચન સાંભરી આવ્યું; અને રંગભૂમિ ઉપર જે અગાધ માન નાચનારીને — રમા એ સ્ત્રીનેજ નહિ પણ નાચનારીને — મળતું હતું, ને જેથી તે આવા અનેક અપકારમાં સપડાઈ હતી તેનો વિચાર કરી બહુ ખિન્ન થઈ. એજ દીવાનખાનામાં પોતાના પિતાનું મરણ, કરમાઈ જતો હાર, અને તૂટી ગચેલી સરંગી, એની નજરે તરી આવ્યાં. અરે ! એને લાગ્યું; મારૂં નસીબ કોણ જાણે કેવુંએ હશે ! હજુ લોકાભિરુચિનાં પુષ્પ તાજાં છે તેવામાંજ હૃદયના તાર તૂટશે ! તાકામાં દીવો પણ ઝાંખો જણાવા લાગ્યો; અને એની દૃષ્ટિ સહજજ ઓરડાના અંધારા ખુણા તરફ જોવું એ સહન કરી શકી નહિ, રે નિરાધાર બાલા ! શું તારાં માતા પિતાના પરિચિત સ્થાનમાંજ તેમને પાછાં દેખવાથી ડરે છે !

શું ત્યારે ગુલાબસિંહ નક્કી દિલ્હીથી જનાર છે ! મા એને હવે નહિજ દેખે ! રે મૂર્ખ ! આ વિચાર વિના બીજો વિચાર વધારે દુઃખકર્તા છેજ ક્યાં ? ભૂતકાલ !–તે તો ગયો. ભવિષ્ય !–ભવિષ્ય — છેજ ક્યાં ?– ગુલાબસિંહ ગયો તેની સાથેજ ગયું. પણ આ તો તેજ રાત્રી છે કે જે રાત્રીએ હું ગમે તેમ થશે તો પણ તને મળીશ એમ ગુલાબસિંહે ત્રીજા દિવસ પર કહ્યું હતું. જો એની વાત માનીએ તો, આજનો સમય રમાના ભવિષ્યમાં કોઈ વિચિત્ર પ્રસંગનો હોવો ઘટે. એ આવશે, તો લાલાના અપમાન ભર્યાં શબ્દો એને શી રીતે સંભળાવીશ ? વિશુદ્ધ અને અપરાજિત હૃદય પોતાને પડેલાં કષ્ટ બીજા આગળ રડી શકતાં નથી. માત્ર પોતાનાં સુખ અને વિજયજ વર્ણવી શકે છે, પણ આટલી રાતે ગુલાબસિંહ આવશે ?– એને મળવું ? મધ્યરાત્રીનાં ચોઘડીયાં ગડગડવા લાગ્યાં, પણ તે રમાએ પૂરાં સાંભળ્યાંએ નહિ, સુવાની તૈયારી કરતી હતી એટલામાં ઘોડાની ૫ડઘી સંભળાઈ, અવાજ બંધ થયો, બારણું ઠોકાયું, પોતાનું નામ દેતું કોઈને સાંભળ્યું. નીચે જઈ બારણું ઉઘાડ્યું.

ગુલાબસિંહ ઘણી ઝડપથી અંદર આવ્યો સ્વારીનો પોશાક એણે કસી લીધો હતો, અને બોકાનીથી સજડ કરી લીધેલા શિરપેચથી એનો ભપકો કાંઈ જુદોજ જણાતો હતો. બાલા એની પાછળ જે ઓરડામાંથી આવી હતી તેમાંજ ગઈ; ને શરમાતી તથા ધ્રુજતી પોતાના હાથમાં ઝાલેલા દીવાના પ્રકાશથી, સોનેરી લટોની વચમાં ચળકતા વદનને અધિક પ્રકાશિત કરતી સામે ઉભી રહી.

મા !” ગુલાબસિંહે ઘણા માર્મિક આવેશ ભર્યાં વચને કહ્યું “હું તને બચાવવાને હજી એકવાર તારી પસે આવ્યો છું. એક ક્ષણ પણ કરોડની જાય છે. તારે મારી સાથે નાશી છૂટવું જોઈએ. નહિ તો પેલા ઉમરાવનો ભોગ થઈ પડવું પડશે. જે જોખમ હું મારે માથે આ રીતે વહોરૂં છું તે હું બીજાને આપત : તું જાણે છે કે હું આપવા ખુશી છું; પણ તે તારે યોગ્ય નથી – પેલો અપ્રેમી જયપુરીઓ. હું તારો હાથ ઝાલવા તૈયાર છું, મારા પર વિશ્વાસ રાખ, અને ચાલ.” એણે અતિ પ્રેમથી એનો હાથ ઝાલ્યો, અને ઘણી આતુર દૃષ્ટિથી એની આંખ સામું જોઈ રહ્યો.

“તારી સાથે ચાલું !” મા બોલી. કેમકે એ વચન તે ખરૂં કે ખોટું તેનો પણ એને આ ક્ષણે ભરોસો પડતો ન હતો.

“હા મારીજ સાથે, — નહિ તો, નામ, આબરૂ, સતીત્વ, એ બધું જશે.”

“ત્યારે,” ગાંડી થઈ ગયેલી બાલા ભાગા તૂટા શબ્દે બોલી “ત્યારે, તારા મનમાં ભારે માટે કાંઈ છે ખરું ! મને બીજો બતાવતો હતો ને !”

ગુલાબસિંહ કાંઇ બોલ્યો નહિ, પણ એનું હૈયું ભરાઈ આવ્યું. એના મુખ ઉપર તેજ તરી ઉઠ્યું, એની આંખોમાંથી આવેશનો શ્યામ અગ્નિ ઝરવા લાગ્યો.

“બોલ” રમાએ, એના મૌનનો અવિશ્વાસ કરી, પૂછ્યું.

“મારા મનમાં તારે માટે કાંઈ છે ?— હા, છે; પણ હું એમ કહેવાની હજી હીંમત કરી શકતો નથી કે તે મારી વૃત્તિ પ્રેમજ છે.”

“ત્યારે મારું જે થનાર હશે તે થશે તેની શી પરવા છે ?” માએ તુરતજ ખસીઆણી પડી જઈ, તથા એના હાથમાંથી હાથ તાણી લેઇ, કહ્યું. “તું, તારે જા; હું કશાથી ડરતી નથી. મારો જીવ, અને તેથી મારી આબરૂ પણ, મારા હાથમાં જ છે.”

“એવી ગાંડી થઈ ન જા. સાંભળ ! મારા ઘોડાનો ખોંખારો સંભળાય છે ? આવતા ભયની આપણને એ ચેતવણી છે. ઉતાવળ કર, નહિ તો થઈ રહ્યું.”

“તારે મારી શી પરવા છે ?” પેલી બાલાએ કકળીને કહ્યું “તેં મારૂં હૃદય જાણ્યું છે, તું જાણે છે કે તું મારા ભાગ્યનો અધિષ્ઠાતા થઈ પડ્યો છે. પણ કોરા ઉપકારનો ભાર વહેવો, બેપરવા આગળ ભીખારી થવું; જેનો મારા ઉપર રસ બસ એક પ્રેમ નથી તેને વળગવું: એ તો મારી જાતિમાં હલકામાં હલકું કર્મ ગણાય. જા, જા, ગુલાબસિંહ ! મને મરવા દે, એ વધારે સારૂં છે.”

આટલું બોલી; બોલતાંજ, પોતાના વદન ઉપર છવાઈ રહેલા સોનેરી કેશ ખશેડી મૂકી, પોતાના હાથ શોકાર્ત દશામાં પડતા નાખી, કકળતા હદયના ઉદ્‌ગારને કોમલ કરના મસળવાથી પ્રદર્શિત કરતી, પોતાનો પ્રૌઢપ્રેમ ઝળકાવતી, –એ બાલા જેવી રીતે આ સમયે ઉભી હતી, તે રીતિથી એની અલૌકિક સુંદરતા કોઈ નવુંજ માધુર્ય ગ્રહણ કરી, હૃદય તથા ચક્ષુને કોઈ અનિવાર્ય આકર્ષણમાં ખેંચતી હતી.

“તને વધારે દુઃખી કરવા તરફ, અહો ! કવચિત્ તારો સમૂલ નાશજ કરવા તરફ, મને ન લલચાવ” ગુલાબસિંહે ગદ્‌ગદ્‌ સ્વરે કહ્યું. “તું જે માગે છે, તેનું તને સ્વપ્ને પણ ભાન નથી કે તે શું છે; ચાલ” એમ બોલતાંજ પાસે આવી, માની કેડે હાથ વીંટાળ્યો “ચાલ, મા ! મારો મિત્રભાવ, મારી આબરૂ, મારૂં રક્ષણ, એ ઉપર તો વિશ્વાસ કર.”

“પણ તારો પ્રેમ નહિ !” એના તરફ પોતાની કાપી નાખે તેવી દૃષ્ટિ કરી પેલી બાલા બોલી. એ દૃષ્ટિ એની દૃષ્ટિમાં મળી, ગુલાબસિંહ પોતાની દૃષ્ટિ એ દૃષ્ટિના જાદુની અસરથી દર કરી શક્યો નહિ. એનું હૃદય પોતાનાજ હૃદય નીચે ઉકળી ઉકળી તરફડાટ કરતું તેને લાગ્યું, એનો ઉષ્ણપ્રશ્વાસ પોતાના ગાલ ઉપર લાગ્યો. થથરવા લાગ્યો, –એજ, અલૌકિક મહાત્મા ગુલાબસિંહ, જે પોતાની જાતિથી વિરક્ત જણાતો ! ઉંડો અને ઉષ્ણ નિઃશ્વાસ નાખી ગુલાબસિંહ બોલ્યો “મા હું તને પ્રેમથી સંકળું છું.” એમ બોલતાંજ માને મૂકી દઈ, એને પગે પડી, બોલવા લાગ્યો “હું હવે આજ્ઞા કરતો નથી, જેવી રીતે પ્રમદાનો પ્રેમ પામવો જોઈએ, તેવી રીતે હું ક્ષત્રિયની પેઠે તે યાચું છું, આ નયનની પ્રથમજ દૃષ્ટિથી, તારા સ્વરના પ્રથમજ આલાપથી તું, મને, મારા પ્રાણથી પણ અધિક પ્રિય થઈ છે. તું જાદુની વાત કરે છે, તારૂં આખું રૂપજ જાદુ છે, જાદુ પોતે તારાથીજ જીવે છે. તારા સાનિધ્યથી છૂટવાને હું દિલ્હીથી નાશી ગયો, પણ ત્યાં એ તું ને તું. હું પાછો આવ્યો, કેમકે મને એમ સમજાયું કે તું આ દુનીયાંમાં એકલી, નિરાધાર, ને દુઃખી છે; તેમજ એમ પણ જણાયું કે હું જેમાંથી તને બચાવી શકું તેવાં અનેક કષ્ટ તારી આસપાસ વીંટાવા લાગ્યાં છે. રે રમ્ય પ્રાણ ! તારી રગે રગ હું બહુ ભક્તિભાવથી સમજ્યો છું; તારા પોતાનાજ કલ્યાણાર્થે, હું તને એવા માણસને સોંપવા ઈચ્છતો હતો કે તને તે મારા કરતાં વધારે સુખી કરી શકે. મા — મા ! —તું જાણતી નથી, તું કદાપિ જાણી શકવાની નથી, તું મને કેટલી ને કેવી વહાલી છે.”

માના હૃદયમાં જે હર્ષ ઉભરાઈ ગયો; સાભિમાન, સંપૂર્ણ, સિદ્ધ, સમગ્ન, હર્ષ ઉભરાઈ ગયો તેનું ચિત્ર આપવાને વાણી અસમર્થ છે. જેને પ્રેમથી પણ અસ્પર્શ્ય ધાર્યો હતો — તેજ અલ્પસ્વલ્પ તિરસ્કારની દૃષ્ટિએ દૂર કરેલા બીજાનાથી પણ અધિક નમ્ર ! જેમ જેમ એ વિચાર વિશેષ વિસ્તરતો ગયો, જેમ જેમ એને એમ લાગ્યું કે અલૌકિક આત્મભાવ ઉપર માનુષી પ્રેમભાવે જય મેળવ્યો, તેમ તેમ એ સંકુચિત અને શરમાલ બની જઈ સ્થિર થઈ રહી. લાલાને જે પ્રશ્ન એણે નિઃશંક કર્યો હતો તેની સૂચના સરખી પણ કરવાની આ પ્રસંગે એને હીંમત ન આવી; તો પણ એકાએક એના હૃદયમાં શૂન્યતાનો ભાસ પડી ગયો, ને એને એમ લાગી ગયું કે હજી પ્રેમમાં કાંઈક પટાંતર છે ખરો. નીચી નજર રાખી ધીમેથી બોલી “ગુલાબસિંહ ! તારી સાથે નાશી જવાનું મને ના કહે; મારી આબરૂ ન વગોવાવ, તું મને બીજા ભયમાંથી બચાવે છે, પણ તારા પોતાથીજ બચાવ.”

“નિર્દોષ બાલા !” એણે સપ્રેમ વચને કહ્યું “તું એમ ધારે છે કે હું તારી પાસેથી એ એક ભોગ માગીશ ? — સ્ત્રીનું મહોટામાં મહોટું ને છેલામાં છેલું ભૂષણ ખુંચવી લેઈશ ? મારી અર્ધાંગના તરીકે હું તારો પ્રેમ યાચું છું; જે વચન અને જે શપથથી એ પ્રેમ પવિત્ર થાય, જે દેવતાની સાક્ષીથી એમાં દિવ્યત્વ આવે, તે સર્વથી હું તને યાચું છું. અરેરે ! જેમણે તને પ્રેમની વાત કરી છે તેમણે તને જો પ્રેમ સમજાવ્યો છે, નહિ તો તું પ્રેમની સાથે જે પ્રેમનો ધર્મ છે તે પણ કેમ સમજતી ન હોય ! જે ખરે પ્રેમ સમજે છે તે તો પ્રેમથી જે અમૂલ્ય રત્ન તેઓ પામે તેને નિત્ય અને નિર્ભય કરવા ચૂકેજ નહિ. રમા ! અમ્રપાન ન કરે; જ્યાં સુધી એ અશ્રુ મારા મુખથી સૂકવી નાખવાનો મને હક ન મળે ત્યાં સુધી તો નહિજ.”

આ વચન નીકળતાની સાથેજ, એ રમ્ય વદન, પાછું ન ખેંચાતાં એની છાતી ઉપર ઢળ્યું; અને એના અધરે અધરનું આલિંગન લીધું; –પ્રેમોષ્માંથી તપી જતું એક દીર્ઘ ચુંબન થયું — અને ભય — જીવિત — દુનીયાં — બધું — વીસરી જવાયું. એકાએકજ ગુલાબસિંહ માને દૂર ખશેડી અળગો ઉભો.

“આ વાયુ ગદ્‌ગદ્‌ રુદન કરતો શમી જાય છે તે સાંભળે છે ! એનીજ પેઠે, તને રક્ષવાની, તને ઉગારવાની, તારા ભવિષ્યરૂપી આકાશમાંનું તોફાન આગળથી સમજવાની, મારી શક્તિ જાય છે. ફીકર નહિ. ત્વરા કર. પ્રેમે જેટલો જેટલો ભોગ પ્રેમની ખાતર આપ્યો છે તેની ખોટ પ્રેમજ પૂરી પાડશે, ચાલ.”

મા જરા પણ અચકાઈ નહિ; એણે ચાદર ઓઢી લીધી, પોતાના વીખરાઈ ગયેલા વાળ ભેગા કર્યા; એક ક્ષણમાં તૈયાર થઈ ગઇ — તેજ વખત નીચે ભારે ગડબડાટ મચ્યો.

“રામ ! — રામ ! — દુર્ભાગ્ય ! —રામ !” ગુપ્ત અને તીવ્ર વેદનાના ટુંકા સ્વરે ગુલાબસિંહ બારણા તરફ ધસતાં બોલ્યો. એણે બારણું ઉઘાડ્યું પણ હથીઆરબંધ માણસોને ધક્કે ચઢી અંદર પાછો પડ્યો. જુલમગારનાં માણસોથી ઓરડો ઉભરાઈ ગયો.

મા તો ક્યારનીએ બે જવાનોના હાથમાં સપડાઈ ગઈ હતી. એની ચીસથી ગુલાબસિંહનો કાન ચીરાઈ ગયો, એ કૂદીને આગળ પડ્યો અને માએ એની કારમી ચીસ કોઈ પરભાષાના શબ્દોમાં સાંભળી લુચ્ચાઓની તરવારો એના ગળા ઉપર પડતી એણે જોઇ. એનું ભાન જતું રહ્યું. જ્યારે એ શુદ્ધિમાં આવી ત્યારે એના મોંમાં ડુચો મારેલો હતો, ને એક ઉતાવળી દોડતી ગાડીમાં મોઢું માથું બાંધી લીધેલા કોઈક પુરષ જોડે તે બેઠેલી હતી. એક ભયંકર મેહેલ આગળ ગાડી અટકી; દરવાજા ધીમેથી ઉઘડ્યા, લાંબી પગથીઆંની હાર દીવાના ઉજાસથી એની નજરે પથરાઈ રહેલી જણાઈ; —એ પેલા ઉમરાવના મહેલમાં આવી.