ગુલાબસિંહ/તરંગ ૩:છેવટ નિર્ણય

વિકિસ્રોતમાંથી
← “મધ્યરાત્રીએ મળીશ.” ગુલાબસિંહ
છેવટ નિર્ણય
મણિલાલ દ્વિવેદી
સિદ્ધિનો પ્રેમમાં લય →


પ્રકરણ ૧૨ મું.

છેવટ નિર્ણય.

રામલાલ અને લાલાજી પાછા સાંઢણી ઉપર ચઢી દિલ્હી તરફ દોડતા ચાલ્યા જાય છે. જ્વાલામુખીથી દિલ્હી પહોંચતાં હજી વાર છે, પણ મધ્ય રાત્રીનો સમય થયો છે. ચંદ્રપ્રકાશ પાકો થઈ ધીમે ધીમે નમવા લાગ્યો છે. ચોતરફ વૃક્ષનાં વનોમાં તમરાંના નાદથી ભૂમિ ગાજી રહી છે. મુસાફરોના કાનમાં તમરાંના ગાન ઉપરાંત, સાંઢણીના વેગનો સરસરાટ પણ રમી રહ્યો છે. લાલાજી ગુમ થઈ વિચારમાંજ પડી ગયો છે, રામલાલ પણ કાંઈ બોલવાનું મન કરી શકતો નથી — ક્યારે દિલ્હી પહોંચાય ને નીરાંતે જંપીને લાંબી ઉંઘ લેવાય એવા વિચારમાં દોડતા ચાલે છે. સારા ભાગ્યે મઠના સાધુઓએ રસ્તો પણ સીધે સીધો બતાવી દીધો છે, એટલે અથડાયા વિના સત્વર મુકામે જવાની આશામાં સાંઢને ચમકાવી મૂકી છે. પાસેના કોઈ સાધુસંત પોતપોતાની પર્ણકુટીમાં જાગ્રત થઈ પાછલી રાતે બ્રહ્મધ્યાન માટે તત્પર થાય છે. પ્રાતઃકાલે પાસે આવવાનો સમય છે; છેલા ચોઘડીઆમાં શંખનાદ થયો, લાલાજી ચમક્યો, અને એજ ક્ષણે જાણે ભોંયમાંથી ખડો થાય તેમ એક ઘોડેસ્વાર આવી લાલાની સાથે ચાલવા લાગ્યો.

“અહો ! પાછા આપણે ભેગા થઈ ગયા કે !” રામલાલે ગભરાઈ જઈ કહ્યું.

“તમારા! મિત્ર સાથે મારે કેટલીક વાતચીત કરવાની છે” ગુલાબસિંહે લાલાની પાસે પોતાનો ઘોડો ફેરવી જતાં કહ્યું “તે હમણાંજ પતી જશે. તમે આગળ ચાલતા થાઓ.”

“એકલોજ !”

“કાંઈ ભય નથી ” ગુલાબસિંહે જરા મશ્કરીના ડોળથી કહ્યું.

“મારે તો કાંઈ નથી, પણ હું તો લાલાને માટે કહું છું.”

“મારા તરફથી ભય ! — હા – ખરી વાત છે.”

“ચાલતો થા પ્યારા રામલાલ ! ચાલતો થા. તું અર્ધો કોસ પણ નહિ કાપે તે પહેલાં હું તને આવી મળીશ.”

રામલાલે ડોકું હલાવ્યું. અને સાંઢણીને મારી મૂકી.

“ચાલ, હવે ઉત્તર આપ—જલદી કર.”

“મેં નિશ્ચય કર્યો, માનો પ્રેમ મારા હૃદયમાંથી નાશ પામ્યો છે. એ ખેલ પૂરો થયો.”

“નિશ્ચય કર્યો ?”

“હા કર્યો–કર્યો; હવે એ નિશ્ચય કર્યાનું ફલ લાવ !”

“ફલ ! તે તને થોડાકમાંજ આવી મળશે.”

ગુલાબસિંહે પોતાના ઘોડાને એડી મારી તેવોજ તે કૂદીને એક ઝાડના જૂથ તરફ વળ્યો. પથ્થરની જમીનમાંથી, ઘોડાની ખરીઓને ધમકારે, અગ્નિના તણખા ઉડવા લાગ્યા અને ઘોડો તથા સ્વાર બન્ને ઝાડીમાં ગુમ થઈ ગયા.

રા'મલાલ પણ પોતાના મિત્રને, જુદા પડ્યા પછી, ક્ષણવારમાંજ પોતાની નજીક જોઈ આશ્ચર્ય પામ્યો. “લાલાજી ! ગુલાબસિંહે ને તેં શી વાતચીત કરી ?”

રામલાલ ! અત્યારે એ વાત જવા દે. મારૂં મગજ ઠેકાણે નથી.”

“ખરી વાત છે, મારું માથું પણ ભમે છે – ઉંઘ્ આવે છે – ચાલ જરા ઉતાવળા દોડીએ.”

સાંઢણીને ચાબુક ચમકાવી. બીજે દિવસે રાત પડતાં ભૂખ્યા તરસ્યા રામલાલ અને લાલો પોતપોતાને મુકામે પહોંચ્યા. લાલો જતાની સાથેજ મોં ધોઈ સુઈ રહેવા ગયો પણ એને ઉંઘ આવી નહિ. ગઈ રાત્રીના વિચાર ઉપરાઉપરિ એના મનમાં ઉભરાવા લાગ્યા. જ્વાલામુખી—જ્વાલા—પોતાની બેભાન સ્થિતિ—જ્વાલામાંથી કોઈ ગૂઢસત્ત્વનો આવિર્ભાવ—તે સાથે જ ગુલાબસિંહનું દર્શન—ક્યાં—કેવી જગોએ—કદાપિ પણ પોતાનું જ્યાં જવું ગુલાબસિંહ કલ્પી ન શકે તેવી જગોએ !— છેવટ પોતાનો નિશ્ચય ? આ બધા તરંગોમાં લાલો ગાંડો બની ગયો હતો, અને બીછાનામાં પડ્યો પડ્યો ભયથી થરથર કાંપતો હતો. એને તાવ ભરાયો હતો — પણ તે તાવ ન હતો : જે ઉગ્ર ઈચ્છા એના પૂર્વજોમાં પ્રબલ હતી, જે ઈચ્છાએ એના બાલપણને ચિત્રકલાના આનંદમાં પરમાર્થ સમજાવ્યો હતો, જે ઇચ્છાએ એને ઝાંખા પણ શુદ્ધ પ્રેમની છાયામાં ઘેર્યો હતો, એજ ઈચ્છા — મનુષ્ય બુદ્ધિની પેલી પાસ સમાયલું ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા — તેનો આ સમયે એને તાવ આવ્યો હતો. એજ વાત એ ઝંખી રહ્યો હતો. ગાન, ચિત્ર, પ્રેમ, રમા ! બધુ જગત્ એટલી એક ઝંખનામયજ થઈ રહ્યું હતું. એ ઝંખનાએ લાલાને જગત્‌માંથી ઉંચકી સ્વર્ગમાં ફેરવવા માંડ્યો હતો, અને આખા વિશ્વની મર્ત્ય કાન્તિનો પ્રેમમાત્ર, ગુલાબસિંહની સાથે એક ક્ષણ પણ અમરત્વના દરવાજામાં પેસવાની કીંમત તરીકે અર્પવાને એ તૈયાર થઈ ગયો હતો. આવા વિચારમાં ને વિચારમાં પડ્યો રહ્યો — મધ્યાન્હ થયા — સાંજ પડી — રાત પડી — ખાવું પીવું વીસરી ગયો — છેવટ ઉઠ્યો. જરા શાન્તિ થાય તેમ પવનને આવવા સારું બારી ખુલ્લી મૂકી. આકાશ સામે નજર બાંધી ઉભો છે, અનન્ત તારાગણની ભવ્યતા પાંજરામાં પૂરેલા પોપટને ચમકાવી રહી છે, એનો જીવ તલપી રહ્યો છે; જોઈ જોઈ હસે છે, વિચારે છે, આત્મવિચાર પામે છે, ઉડે છે. એક તારો સરરર લઈને ખર્યો, અનન્ત બ્રહ્માંડમાંથી વિખૂટો પડ્યો. અને અનન્ત દિગ્‌ વિસ્તારમાં અદૃશ્ય થઈ ગયો !