લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૩:“મધ્યરાત્રીએ મળીશ.”

વિકિસ્રોતમાંથી
← ભાવિથી નાશી છૂટાય ? ગુલાબસિંહ
“મધ્યરાત્રીએ મળીશ.”
મણિલાલ દ્વિવેદી
છેવટ નિર્ણય →


પ્રકરણ ૧૧ મું.

“મધ્યરાત્રીએ મળીશ.”

રામલાલ અને ભોમિયો, જે ઠેકાણે ઘોડા બાંધ્યા હતા, ત્યાં આવી અટક્યા. તેમનું પોતાનું ભય ધીમું પડ્યું, તેમ તેમને લાલાજીનું સ્મરણ થવા લાગ્યું; અને જેમ જેમ પલ, ઘડી, બે ઘડી વીતી જવા લાગ્યાં અને લાલો જણાયો નહિ, તેમ તેમ રામલાલ જેનું હૃદય દુનીયાંના સામાન્ય માણસોનું હોય છે તેવું તો સર્વાંશે પ્રેમાર્દ્ર હતું, તે ગભરાવા લાગ્યો. પોતાના મિત્રની શોધ કરવા પાછો ફરવાનો પણ તેણે આગ્રહ કરવા માંડ્યો અને ભારે રકમ ઇનામ તરીકે આપવાનાં વચનોથી ભોમિયાને પોતાની સાથે આવવા લલચાવી શક્યો. પર્વતનો નીચેનો ભાગ બધો શાન્ત હતો, અને ચંદ્રપ્રકાશથી શ્વેતરૂપે સ્પષ્ટ વિસ્તરી રહ્યો હતો; ભોમિયાની ઝીણી નજરે તે પ્રદેશમાંના દૂરના દૂર પદાર્થ પણ જોઈ શકાતા હતા તેઓ ઘણે દૂર ગયા નહિ એટલામાં બે માણસો તેમના તરફ આવતા તેમણે જોયા. તેઓ પાસે આવતા ગયા તેમ રામલાલે પોતાના મિત્રને ચટ ઓળખ્યો, અને હર્ષમાં ભોમિયાને કહેવા લાગ્યો “પરમેશ્વરનો પાડ કે એ સહીસલામત આવ્યો.”

“અરે ભાઈ ! ગાયત્રી ભણવા મંડો, કે બીજો કાંઈ મંતર બોલો, કે રામ રામ રામ બોલો,” પેલો ભોમિયો ગાભરો ગાભરો કહેવા લાગ્યો “તે દિવસ રાતે જે ભૂત મેં જોયેલું તેજ આ રહ્યું ! હાય ! હાય ! આ વખત એનું મોં માણસના જેવું છે !”

રામલાલજી !” જેવો રામલાલનાં હર્ષ ભર્યાં વચનને લાલો-ક્ષીણ, શ્વેત, અને ગુમ થઈ ગયેલો લાલો – ઠંડા મીજાજથી અભિનંદતો હતો, તેવામાં ગુલાબસિંહે કહ્યું “રામલાલજી ! મેં તમારા મિત્રને કહ્યું હતું કે આજ રાતે આપણે મળીશું, તમે જુઓ છો કે તમે એ ભવિષ્યવાણી ખોટી પાડી શક્યા નથી.”

“હેં શું શું ! કેમ કેવી રીતે – ક્યાં ?” એમ રામલાલ ગભરાટમાં ને ગભરાટમાં આશ્ચર્યથી લવવા લાગ્યો.

“તમારા મિત્રને જ્વાલામુખીના ધુમ્રગોટથી બેભાન થઈને ભોંય ઉપર પડેલો મેં જોયો. એને હું વધારે સ્વચ્છ હવામાં ઉપાડી ગયો; અને ત્યાંથી, આ પર્વતનો હું ભોમિયો છું એટલે એને તમારી પાસે લેઈ આવ્યો. અમારી વાત આટલીજ છે. તમે જોઈ શકશો કે જે ભવિષ્યવાણીને તમે ખોટી પાડવા આવ્યા છો તેજ ભવિષ્યવાણીથી તમારો મિત્ર જીવતો રહી શક્યો છે; એક ક્ષણ વધારે ગઈ હોત તો એ તમારો મિત્ર તમારો ન હતો. ચાલો રામ રામ !”

“રહો રહો. મારા પ્રાણદાતા ! ઉભા રહો. આમ તમે જાઓ તે ઠીક નહિ” લાલો પ્રથમથીજ બોલ્યો “તમે અમારી સાથે પાછા નહિ આવો ?”

ગુલાબસિંહ થોભ્યો, અને લાલાને બાજુ પર લેઈ જઈ ગંભીરવદને બોલ્યો “જવાન મર્દ ! આપણે આજ રાત્રીએ ફરીથી મળવું પડે તેમ છે. પ્રાતઃકાલનાં કિરણ ફૂટતા પહેલાં તારે તારા ભાવીનો નિર્ણય કરવાની આવશ્યકતા છે. જેના ઉપર તું પ્રેમ દર્શાવે છે તેનેજ તેં અપમાન આપ્યું છે, એ મારા જાણવામાં છે. પણ થયેલી ભુલ સુધારવી, ગમે ત્યારે, પણ સુલભજ છે. તારા મિત્રને પૂછતો ના; એ ડાહ્યો છે, બુદ્ધિમાન્‌ છે – પણ હાલ એના ડહાપણની જરૂર નથી. માણસના જીવિતમાં એવી ઘણી ક્ષણો આવે છે કે જે વેળાએ બુદ્ધિ કરતાં કલ્પના – મન કરતાં હૃદય – તેની સલાહ લેવાની વધારે જરૂર હોય છે, તારા જીવિતની આ ક્ષણ તેવી છે. તારો ઉત્તર હું હમણાંજ માંગતો નથી; તારા વિચાર સ્થિર કર, ગભરાટ મટાડ, હજી મધ્યરાત્રીને વાર છે. હું તને મધ્યરાત્રીએ મળીશ.”

“અગમ્ય વિલક્ષણ, વિધાતા !” લાલાજી એ ઉત્તર વાળ્યું “જે જીવિતને તે ઉગાર્યું છે તે જીવિત હવે હું તારેજ શરણ કરું છું; કેમકે મેં આજ રાત્રીએ જે જોયું છે તેથી મા પણ મારા હૃદયમાંથી ઉખડી ગઈ છે. પ્રેમ કરતાં પણ વધારે પ્રબલ કોઈ વૃત્તિ મારા લોહીમાં ઉકળી ઉઠી છે. સામાન્ય મનુષ્યોની સમાન થવાની નહિ, પણ તેનાથી ઉચ્ચતર થવાની વૃત્તિ– તારા પોતાના જીવિતનું રહસ્ય સમજવાની અને અનુભવવાની વૃત્તિ – અલૌકિક જ્ઞાન અને દિવ્યશક્તિ પામવાની વૃત્તિ મારા મનમાં છવાઈ રહી છે. મેં મારો નિશ્ચય કર્યો. મારા પૂર્વજના નામની આણ દઈ હું તને તારા શબ્દો યાદ કરાવું છું. મને ઉપદેશ આપ; મને ભણાવ; મને તારો શિષ્ય કર— આટલુંજ કબુલ કર, એટલે જે સ્ત્રીને પ્રાપ્ત કરવા હું બધા જગત જોડે વેર બાંધવા તૈયાર છું તે સ્ત્રી તારે હવાલે કરૂં.”

“મારૂં વચન માન, સારી પેઠે વિચાર કર, એક પાસ મા; પ્રેમમય, આનંદપૂર્ણ ઘર; શાન્ત સુખમય જીવિત — બીજી પાસ સંપૂર્ણ અંધકાર, જેમાં આ આંખો પણ જોવાને સમર્થ નથી.”

“પણ તેં મને સમજાવેલું છે કે જો હું માને પરણું તો મારે વ્યાવહારિક સામાન્ય જીવિતમાત્રથી જ સંતોષ માનવો પડશે — જો એમ ન કરૂં તો મને તારૂં જ્ઞાન અને તારૂં સામર્થ્ય મળશે.”

“લોભી માણસ ! જ્ઞાન અને સામર્થ્ય તે સુખ અને નીરાંત નથી.”

“પણ સુખ કરતાં અધિક છે. બોલ; હું માને પરણું તેમ છતાં પણ તું મારો ગુરુ થશે ? આટલુંજ કબુલ કર, એટલે મારો નિશ્ચય થઈ રહ્યો.”

“એમ બનવું અશક્ય છે.”

“ત્યારે હું એને કાંઈ કામની ગણતો નથી. અગાધ જ્ઞાનના ભંડાર ઉપર તાલુ દેનારની કાંઇજ કીંમત નથી. હું પ્રેમનેજ રામરામ કરૂં છું, સુખને નમસ્કાર કરૂં છું, એકાંતવાસ અંગીકાર કરૂં છું, નિરાશામાં આશાવાન્‌ થાઉં છું. જો એજ તારા અંધારા ઓરડાના દ્વારની કુંચી હોય તો તે બધાંને હું હૃદય સાથે સાંધું છું.”

“તારો નિશ્ચય મારે હાલ જાણવો નથી, આજ રાત્રીના છેલ્લા ચોઘડીઆમાં હું તે માંગીશ, ને તે તારે એકજ શબ્દથી જ જણાવવો જોઈશુ – હા કે ના. ત્યાં સુધી રામ રામ.”

ગુલાબસિંહ પોતાને હાથે રામ રામ કરતો કરતો ચાલ્યો ગયો તે ક્યાં ગયો એ પણ જણાયું નહિ. લાલો પોતાના અધિરા થઈ ગયેલા તથા આશ્ચર્યમાં પડેલા મિત્ર પાસે ગયો. રામલાલે લાલાના મોં સામુ જોયુ તો એને ઘણો મહાટો ફેરફાર નજરે પડ્યો. જુવાનીનો આનંદમય તોર તથા ખુશમિજનાજ કોણ જાણે ક્યાંએ ઉડી ગયાં હતાં. એની મુખમુદ્રા કઠોર, શૂન્ય તથા શુષ્ક થઈ હતી – એક ઘડીએ અનેક વર્ષ જેટલી અસર કરી નાખી હતી.