ગુલાબસિંહ/તરંગ ૩:ભાવિથી નાશી છૂટાય ?

વિકિસ્રોતમાંથી
← દુનીયાંને આપેલો ભોગ ગુલાબસિંહ
ભાવિથી નાશી છૂટાય ?
મણિલાલ દ્વિવેદી
“મધ્યરાત્રીએ મળીશ.” →


પ્રકરણ ૧૦ મું.

ભાવિથી નાશી છૂટાય ?

રામલાલ અને લાલાજી પાધરાજ નીકળી પડ્યા. મુકામ ઉપર જઈ પોતાનો પત્તો જેવો તેવો ભાળવી ઉત્તર તરફ કોઇ ગામડામાં જવા માટે નીકળ્યા. શહેરમાંથી બે બહુ જલદી ચાલનારી સાંઢણી લેઈ લીધી, અને બને તો જલદીથી રિદ્વાર તરફ જવાનો નિશ્ચય કર્યો. તેઓ ઝટપટ મુસાકરી કરતા હિમાલય તરફ આવી પહોંચ્યા. રસ્તામાં કાંઈ ગફલત થવાથી, રિદ્વાર તો બાજુ ઉપર રહ્યું, પણ કોઈ અજાણ્યા પ્રદેશ ઉપર આવી ઉભા. એક આખી રાત તેમણે મુસાફરી કરી હતી; સવારમાં સૂર્યના કિણોથી હિમાલયનાં શ્વેત શિખર રંગબેરંગી ભવ્ય આકૃતિ ધારી રહ્યાં હતાં; એ જોઇને વિરામ લેવા થોભ્યા પણ ક્યાં વિરામ પામે ! ચારે તરફ જંગલ અને ઝાડી વિના બીજું કાંઈ નજરે આવતું ન હતું. ઉંચા ઉંચા પહાડનાં શિખરો તરફ દૃષ્ટિ વળતી હતી, પણ ત્યાં ઠરતી ન હતી. લાલાજીને મનમાં ગભરામણ થવા માંડી; પણ રામલાલ–દુનીયાંદારીમાં કૂટાઈને કઠિન થયેલો. રામલાલ એમ ગભરાય એમ ન હતું. આમ તેમ નજર કરતાં એણે કેટલેક દૂર ધૂમ્રપતાકા જોઈ, એને ત્યાં જઈ તપાસ કરતાં કોઇ વનવાસીની ઝુંપડી શોધી કહાડી. ત્યાંથી થોડાં ફલજલ પામીને બન્ને જરા તાજા થયા; પણ હવે જવું ક્યાં ! એટલી એક ઝુંપડીમાં તેમનો સમાસ થાય એમ હતું નહિ, તેમ રામલાલ જેવા ખાધેલ પીધેલ ગૃહસ્થને એ સ્થલમાં વિશ્રાન્તિ લેવાનું મન પણ હતું નહિ. પૂછપરછ કરતાં એમ જણાયું કે ત્યાંથી થોડે દૂર એક સાધુઓનો મઠ છે, ને તે મઠમાં આજકાલ ઘણા ગૃહસ્થોનો અવરજવર ચાલુ છે, કેમકે સમીપમાંજ આવેલા જ્વાલામુખીશિખરના નવા ફાટી નીકળેલા દિવ્ય અગ્નિનાં દર્શન કરવા અસંખ્ય જાત્રાળુ આવે છે, તેથી ત્યાં સારું ખાન પાન મળશે. આ વૃત્તાન્ત જાણુવા ઉપરથી લાલાજી તથા રામલાલ બન્નેને જ્વાલામુખી સુધી જવાની ઈચ્છા થઈ, અને કેવલ રમત ગંમત માટેજ બહાર નીકળ્યા હતા એટલે ત્યાં સુધી પણ ટપ્પો મારી આવવાનું મનમાં આવ્યું. પણ રામલાલ એમને એમ ઝંપલાવે એમ ન હતું; જો કે લાલાજી જેવા ચિત્રકારનું હૃદય તો ક્યારનુંએ પર્વત અને વનોપવનની લીલામાં લીન થઈ ગયું હતું, આનંદમાં નિમગ્ન થયું હતું, ને વિસ્તાર પામી પ્રકૃત વાતને વીસરી ગયું હતું. રામલાલે પેલા પહાડી ભીલને પૂછી જાણી લીધું કે આ જ્વાલામુખી ઉપર જવાથી કાંઈ હરકત થનાર નથી; તે પછી સાંઢણી મઠ તરફ હંકારી.

મઠના એક ઓરડામાં બન્ને બેઠા છે, મોં આગળ ફૂલ ફલાદિ, મીઠાઈ ઠંડુ જલ, પાનસોપારી, એક મહોર ભેટ મૂકવાથી રજુ થઈ ગયાં છે. એ બધાંનો ઉપભોગ કરતે કરતે રામલાલ બોલ્યો : “કેમ લાલા ! તારા ગુલાબસિંહનું એક વચન તો હવે મિથ્યા થયું ! સાંજ તો પડી ચૂકી છે, હવે કેવી રીતે એ તને મળનારો છે ?”

“એમાં શું ! હજી તો સાતમો દિવસ વીત્યો નથી.”

“અંહ ! ભલેને ગુલાબસિંહ મહોટો સિદ્ધ હોય, પણ તું તો કાંઈ રિક્ષિત નથી જે સાતમા દિવસની વાટ જોઇને બેઠો છે. તું તારા અભિમાનેજ લેવાય છે. હું તો મારી જાતને કાંઈ એવડી બધી અગત્યની માનતો નથી કે મારે માટે વિશ્વના નિયમોજ બધા ફેરવવાની ઈશ્વરને તસદી લેવી પડે.”

“વિશ્વના નિયમ ફેરવે શા માટે ને તે ફરે પણ શા માટે ? તું સમજ્યો છે તે કરતાં તત્ત્વદૃષ્ટિ વધારે ગહન છે, એમાં કાંઈ વિશ્વક્રમને ફેરવી નાખવાની વાત નથી, પણ તે ક્રમમાં જે થનાર છે, તે આગળથી જાણવાની વાત છે.”

“તું તો હજી પણ એનો એજ રહ્યો; તને આ ભૂત વળગ્યું છે તે હજી નીકળ્યું નથી. ગુલાબસિંહ મહોટો ભવિષ્યવેત્તા થઈ આવ્યો ! બધાં ભૂત પ્રેત એનેજ તાબે હશે, નહિ !”

આવી વાત ચાલે છે એટલામાં એક જણે આવીને ખબર કરી કે જ્વાલામુખી તરફ ચઢવાને ઘોડા તૈયાર છે, તથા ભોમિયો પણ ખોટી થાય છે. બન્ને જણા કમર કસીને ઉભા થયા. ચલતે ચલતે છેક સંધ્યાકાલ થઈ ગયો તે વખતે જ્વાલામુખીમાંથી ઉઠતા ભભૂકા સ્પષ્ટ દૃષ્ટિગોચર થવા લાગ્યા. જેમ જેમ સૂર્યનો પ્રકાશ ખસતો ગયો તેમ તેમ ચોતરફ ધીમે ધીમે ઝીણા શ્યામ રંગની છાંટની પેઠે વૃદ્ધિ પામતા અંધકારથી ઘેરાયેલો અગ્નિનો ભભૂકો વધારે પ્રદીપ્ત જણાવા લાગ્યો; ખાઉં ખાઉં કરતો, લાંબી જીભના લપકારા કરી આસમાનને પણ ગળી જતો; ભડકો ઉચે ઉચે ઉડવા લાગ્યો. લાલાના હૃદયને વિશ્વલીલામાં લીનતા તો એની સાથે થઇજ હતી, હવે એના હૃદયમાંનો દિવ્યઅંશ આ દિવ્ય તેજરૂપ થઈ ઉંચે ઉંચે ઉડવા મંડ્યો. એને નાના પ્રકારનાં દર્શનો થવા લાગ્યાં. એ સ્થાનની ભૂમિ સજીવ જણાવા લાગી વિવિધ સત્ત્વના અસ્તિત્વની એને પ્રતીતિ થવા માંડી. આમ આત્મા મનના આનંદમાં મસ્ત લાલાજી અને સૃષ્ટિલીલાને સાદી નજરે જોઈ ભડકાનું વિકરાલ ભડકાવવાપણુંજ નિરખતો રામલાલ બન્ને ચાલ્યા જાય છે; સૂર્યાસ્ત થયો; રસ્તો પણ સાંકડો આવ્યો; માથા ઉપર ચંદ્રના કિરણ ઝળકવા લાગ્યા. રૂપેરી જ્યોત્સ્નાપ્રવાહમાં સ્નાન કરી અગ્નિદેવને સાક્ષી રાખી પૃથ્વી અને સ્વર્ગ એકરૂપતા પામવા લાગ્યાં – આનંદમાં નાચવા લાગ્યાં. ઘોડા મૂકી દેવા પડ્યા, અને લાલાજી તથા રામલાલ ભોમિયાને આગળ કરી પગે ચાલતા જ્વાલા તરફ જવા લાગ્યા. રામલાલ ભોમિયાને વિવિધ વાતો પૂછતો હતો, પર્વત ઉપર કોણ આવે છે, કેમ આવે છે, ક્યાં સુધી જઈ શકાય છે, જ્વાલામુખીથી કાંઈ ભય છે કે નહિ, રાતને સમયે જનાવરનો ભો છે કે કેમ, ઈત્યાદિ અનેક ચર્ચા ચાલતી હતી. ભોમિયો પોતાને મળતા પૈસાથી આનંદ પામી જાત્રાલુઓની પ્રશંસા કરતો હતો, ને નાના પ્રકારની કહાણીઓ જ્વાલામુખીના સંબધે કહેતો હતો, તથા ચંદની રાતેજ જ્વાલામુખીના દર્શનની ખુબી છે એમ સમજાવતો હતો. એવાજ પ્રસંગમાં તે બોલ્યો કે “એક વાર કાશીના કોઈ શ્રીમંત લોક અહીં આવ્યા હતા, તે એવા તો બહાદુર હતા કે ઠેઠ જ્વાલાના મુખ આગળ જઈને બેઠા હતા. અમે પાછા ઉતરી ગયા, ત્યારે તેમાંના એકની શાલ ઉપર રહી ગઈ હતી તે લેવા માટે મને મોકલ્યો; પણ અંધારી રાતે અહીં આવવું તે કાંઈ રમત વાત ન હતી. પૈસો બધું કરાવે છે, માટે લાલચને મારે હું અહીં આવ્યો, ને શાલ લીધી; પણ જેવો પાછો ફરતો હતો, તેવોજ જ્વાલાનો ભભૂકો વધવા લાગ્યો, વધી વધીને જાણે બધી ડુંગરી ઉપર છવાઈ ગયો અને આકાશને પણ વીંટાઈ વળ્યો. હું તો અંધજ થઈ ગયો. પણ તેવામાં એજ જ્વાલામાંથી એક કોણ જાણે શું એ ઉભું થઈને મારા તરફ આવ્યું. પણ તે મારી પાસે થઈને જાણે હું છુંજ નહિ એમ મને ગણકાર્યા વિના ક્યાંનું ક્યાં અદૃશ્ય થઈ ગયું ! મારા બાપ ! તે દિવસથી હું લેાહીને લોહી ઓકરૂં છું, ને મેં ફરીથી એકલા અહીંઆં આવવાના સોગન ખાધા છે.”

“કેમ લાલા ! જ્વાલામાંથી નીકળેલું એ ભૂત તારો ગુલાબસિંહ તો નહિ હોય કે !”

લાલાજીનું ધ્યાન તો ક્યાંનું ક્યાં ગુમ થયું હતું, રામલાલની મશ્કરી કરી એનું ધ્યાન ન હતું. પણ આવી ગંમત રમત કરતા એ ત્રણે જણ છેક ટોચ સુધી આવી પહોંચ્યા, એથી આગળ જવાય એમ ન હતું. એમની નજરે જે દેખાવ પડ્યો તેનું વર્ણન કરવુંજ અશક્ય છે. ભવ્યતાને ભવ્યતાજ ઓળખે છે. સામાન્ય લોકની દૃષ્ટિએ ભવ્ય, ભયંકર, ત્રાસદાયક, જણાતા પદાર્થો પણ કેટલા ઐશ્વર્યથી, આનંદથી, મહત્તાથી, ભરપૂર હોય છે, પોતાની મહત્તામાંજ માણસના મનના સાંકડાપણાને મેળવી લે છે, ને પોતે જેમ ભવ્યરૂપે સર્વમય છે, તેમ માણસને પણ એક વાર સર્વાત્મભાવ પમાડી દે છે ! એથીજ એવાં સ્થાન તીર્થ અને યાત્રાને યોગ્ય થતાં હશે ! પર્વતરૂપ ભવ્ય યોધાના શ્યામ શરીર ઉપર કૌમુદીનો શ્વેત જામો ઝુલી રહ્યો છે, તેનો છેડો પણ જણાતો નથી, ને સાંધો કે સીમા પણ દૃષ્ટિએ આવતાં નથી. એ યોધાના મસ્તક ઉપર અનંત રંગ બેરંગી મણિમય મુકુટરૂપે અગ્નિજ્વાલા નાચી રહી છે :– અગાધ, અનંત, ગુહાગારમાંથી સરસરાટ ઉપડી થન થન નાચતી તે યોધાનાં વીર્ય અને પરાક્રમને સ્વર્ગ સુધી પ્રકાસતી ચાલી જાય છે. એ મુકુટ, એ જામો, એ યોધા બધાંને જોઈને પરમ પ્રેમરૂપ ધવલ હિમલતા પણ સહજ સરાગી થઈ છે. ભવ્ય યોધાના પ્રેમનું પ્રતિબિંબ પામી છે ! લાલાજી દિઙ્ંમૂઢજ બની ગયો છે, રામલાલ પેલા ભોમિયા જોડે તડાકા મારે છે.

પણ એ ગડગડાટ શાનો થયો ! પૃથ્વીજ ડોલવા લાગી, કડડડ કરતોને એક જ્વાલાનો ભભૂકો રાક્ષસીરૂપે ઉઠ્યો, અને તેમાંથી ગાઢ ધુમ્રગોટ ચોતરફ છવાતાની સાથે, એક વિકરાલ પથ્થર આવીને રામલાલના મોં આગળ પડ્યો, પડતાની સાથે ચુરેચુરા થઈ ચોતરફ પથરાની રેતીનોજ વરસાદ વરસાવી રહ્યો ! ભોમીઓ મૂઠીઓ વાળીને નાઠો, અને રામલાલ તથા લાલાજીને જેમ બને તેમ નાસવાની બૂમ પાડતો નાસતોજ ગયો. રામલાલ લાલાનો હાથ પકડી ભોમિયાની પાછળ ધાયો, પણ એક બીજો ધૂમ્રગોટ છૂટવાની સાથે લાલાજીનો હાથ, ગભરાટમાં ને ગભરાટમાં, રામલાલથી મૂકી દેવાયો, ને બંને વિખૂટા પડ્યા. લાલો આમ તેમ દોડવા લાગ્યો, રામલાલની બૂમોને આશરે આશરે આગળ ધસવા લાગ્યો, પણ વળી એક નવો ધડાકો થયો, ને ધૂમ્રને બદલે અગ્નિ પોતેજ વિસ્તાર પામી લાલાની ચોતરફ વીંટાઈ વળ્યો. ગાભરોને ગાભારો લાલો એક ખડક ઉપર ચઢી ગયો, પણ શું કરવું તેનો વિચાર પણ ચલાવી શક્યો નહિ ! જે તરફ જાય તે તરફ જ્વાલાનું મુખ વિકાસિત થઈ એને સામુંજ આવે ! જેમ તેમ આંખ મીંચીને એક તરફ જા કોરું દેખી એણે ઝંપલાવ્યું, પણ તે રસ્તો તો જ્વાલાના મુખ તરફ હતો; મુખથી દૂર જતો ન હતો. એ મુખ હવે વિકરાલ વિકાસી રહ્યું છે, ભડકા ઉપર ભડકા ને ગોટા ઉપર ગોટા, લટકી રહ્યા છે ! અહો દિવ્યવિસ્તાર, આશું ! એક અગ્નિમય જ્વાલારૂપ, મહાસત્ત્વ એ જ્વાલાની ટોચેથી નીચે ઉતરે છે, એક બીજો ધૂમ્રગોટ ને ગંધકની દુર્ગંધ ભેગાં ઉછળે છે; લાલો બેભાન થઈ, ધબ દઈને જમીન પર શબવત્‌ પડી જાય છે !