ગુલાબસિંહ/તરંગ ૩:પોતાની સ્થિતિનું ભાન

વિકિસ્રોતમાંથી
← ગુરુને વિનતિ ગુલાબસિંહ
પોતાની સ્થિતિનું ભાન
મણિલાલ દ્વિવેદી
દુનીયાંને આપેલો ભોગ →




પ્રકરણ ૮ મું.

પોતાની સ્થિતિનું ભાન.

મનાના કીનારાથી અર્ધાએક માઈલને છેકે, દિલ્હી શેહેરથી થોડે દૂર, એક ઉંચા ટેકરા ઉપર વાનીનું મંદિર હતું. એ સ્થાનને દેવીના નિવાસની પવિત્રતાને લીધે જે માન મળે, તે કરતાં તે દેવીના પ્રભાવથી ત્યાં વસતી સમર્થે ભૂતાવળને લીધે, વધારે માન મળતું હતું, ચોહાણ રાજાઓની એ કુલદેવી હતી, કવિવરશિરોમણિ કાલીદાસે સ્થાપન કરેલી એવો લોકપ્રવાદ તેના વિષે ચાલતો હતો. રવિવાર, કે બીજા કોઈ પર્વના દિવસો સિવાય એ સ્થલની શાન્તિનો ભંગ થતો નહિ, એટલે મા, વારંવાર, પોતાના ઘરથી તે સ્થલ બહુ દૂર ન હોવાથી, ત્યાં જઈ બેસતી. વાનીને નમન કરી, દેવલના ઉંચા ઓટલા પરથી, એક તરફ જમનાનો મંદ મંદ પ્રવાહ જોઈ આનંદ પામતી, બીજી તરફ ઠીંગણા જણાતા લોકોની દોડાદોડ જોઈ દુનીયાંની નિઃસારતા વિચારતી – અને પાણીના પ્રવાહ જેવી અનિત્ય, નિઃસાર દુનીયાંમાં તણાતા નાના નાના જીવ દુઃખમાં એ સુખ માને છે, એવું એનો આત્મા, જાણે જ્ઞાનરૂપી પર્વતની ટોચે ચઢ્યો હોય એમ, માની લેતો. આજ મધ્યાન્હે મા ત્યાં બેઠી છે, બધું નીહાળતી નીહાળતી, દૂર જણાતાં હિમાલયના ધવલ શિખરને જોઈ રહી છે. બીજી તરફ મથુરાના કાંગરા જોઈ પ્રેમમૂર્તિ કૃષ્ણનો વિચાર કરતી પ્રેમમાં લીન થઈ ગઈ છે – ધવલતા, પ્રેમ, - નિર્દોષ શુદ્ધ પ્રેમ ! માનું હૃદય મહા ગંભીર આનંદમાં તણાય છે, વૃત્તિમાત્ર શૂન્ય થઈ ગઈ છે, પણ હિમાલયની નિઃસીમ ધવલતામાં, જ્વાળામુખીના શિખરથી, ઝીણી ધૂમ્રપતાકા નજરે પડે છે. ધવત્રતામાં ધૂમ ! માના અગાધ પ્રેમમાં, અણચિંતવ્યોજ કોઈનો શબ્દ ધબ લઈને આવી પડે છે, એનું મનોરાજ્ય વિખેરી નાખી એને જાગ્રત્‌ કરી દે છે ! જાણે ભોંયમાંથી જ એ સ્થલમાંનાં અસંખ્ય ભૂતમાંનું કોઈ ભૂત નીકળીને ઉભું હોય, એવી રીતે એકાએક એની પાસે આવી ઉભેલા માણસને, તથા ભૂત જેવાજ તેના વેષને જોઈ માથી ચીસ પડાઈ જવાઈ, અને એનું મોં ફીકું પડી ગયું.

“બીહીશ નહિ, જવાન નાજની !” પેલા માણસે હસતે મોંએ કહ્યું, “ડરવાનું કારણ નથી; મારા મોં સામું જોઈને ભડકે છે શાની ? પરણ્યા પછી બે ત્રણ માસ વીત્યા એટલે સીકલ અને બદસીકલ બધું એકજ છે. ટેવાય એટલે પછી બધું બંધ બેસતું થઈ જાય. હું તારે ઘેર જતો હતો, એટલામાં તને ત્યાંથી નીકળી, કહીંક જતી જોઈ; અને મારે ઘણી અગત્યની વાત કરવાની હોવાથી તારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો. મારૂં નામ બંદો છે, તેં સાંભળ્યું તો હશે; પ્રખ્યાત ચિત્રકાર બંદેહુસેનનું નામ સાંભળવામાં હોવું જ જોઈએ. ચિત્રકર્મ અને ગાનકલા ! એકજ વાતનાં બે અંગ છે, અને તે બન્નેનો ખરો યોગ રંગભૂમિ ઉપર થાય છે.”

આ માણસની સ્પષ્ટ રીતે વાત કરવાની સાદાઈથી માનું ભય ઓછું થયું. એ માણસ પણ એની સામે, તેજ એટલા પર, બેઠો, અને માના મોં સામું જોઈ કહેવા લાગ્યો : “મા ! તું ખરેખર બહુ ખુબસુરત છે, એટલે તારા આશક ઘણા હોય એમાં નવાઈ નથી, હું મારૂં નામ પણ તારા આશકોની ટીપમાં ગણાવું, તો તે એટલાજ કારણથી ગણાવું છું કે બીજા બધા કરતાં, હું તને ખરા દિલથી ચહાઉં છું, અને પ્રમાણિક રસ્તેજ તારી પ્રીતિ સંપાદન કરવા ઈચ્છું છું. અરે ! એમ રાતી પીળી થઈ ન જા; જરા સાંભળ; પેલા ઉમરાવે કોઈ વાર તને પોતાની પત્ની કરવાનું કહ્યું છે ? તેમજ પેલા છેતરનારા જાદુગર ગુલાબસિંહે ? કે પેલા જવાન જેપુરીયાએ ? કે કોઈએ પણ ? હું તને મારી પત્ની બનાવી. આશ્રમ, આશ્રય, આબરૂ, ત્રણે વાનાં એક સાથે પૂરાં પાડવાની ઈચ્છા રાખું છું. અને યાદ રાખ, કે જ્યારે આ છાતીનો ઠસ્સો નમવા પડશે, અને જ્યારે આ ભમરની કારી કટારી બુઠી થઈ જશે, ત્યારે એ ત્રણ વાનાંજ તને કામ આવશે. બોલ શી મરજી છે ?” આટલું બોલતાં બોલતાં, બંદાએ જરા જરા પાસે આવી માનો હાથ પકડવાનો વિચાર કર્યો, પણ મા એની વાત સાંભળીને કંટાળો ખાઈ ગઈ હતી, તેથી તુરતજ એને મૂકીને રસ્તે પડવા લાગી. બંદો ઝટ ઉભો થઈ ગયો, અને એના રસ્તામાં આડો થઈને ઉભો.

“રે નિર્લજ નર્તકિ ! તને ઠીક કહું છું, વિચાર, વિચાર; જરા ઉભી રહે; લોકોના મનમાં તારા ધંધાની કેટલી કીંમત છે તે તને ખબર છે ! દીવામાં બત્તી પડતાની સાથે મહોટાં રાણી રાજવી બનવું, પણ પહો ફાટતાં પહેલાં ગામની બહારની બરાબર થવું ! આટલી જ ! આટલીજ હો ! તારામાં સતીપણું હોય એમ કોઈ માને નહિ, તારા વચન પર કોઈ વિશ્વાસ કરે નહિ; તું લોકને મન એક પૂતળી છે. જેને તેઓ પોતાની ગંમત માટે ઘરેણાં ગાંઠાંથી શણગારી નચાવે છે, તું કાંઈ તેમની પૂજાને પાત્ર થયેલી માતાભવાની નથી. ત્યારે આવી તારી સ્થિતિ અને કીર્તિનો તને એવો શો મોહ લાગ્યો છે કે તું નિર્ભય આશ્રયને કે આબરૂને પણ ગણકારતી નથી; કદાપિ, તું જેવી મનાય છે તેવી નહિ હોય; કદાપિ, તું, લોકોના એવા તિરસ્કારને ગણકારતી નહિ હોય, અને એમાંથીજ કાંઈ નફો કાઢવા ઈચ્છતી હશે. ભલે ગમે તેમ હો, મારે કોઈ લેવા દેવા નથી, જે હોય તે ખરેખરૂં મારા આગળ કહી દે. મારા મનમાં, તું આમ હોઈશ કે આમ હોઈશ, તેથી કાંઈ ફેરફાર થવાનો નથી, માટે જે હોય તે બોલ. મને ખાતરી છે કે આપણે થોડીજ વારમાં મળતાં થઈ શકીશું. જો, પેલા ઉમરાવે મારી સાથે એક સંદેશો કહાવ્યો છે; –કહું ?”

માને આ પ્રસંગે જેવું લાગ્યું તેવું કોઈ પણ વાર લાગ્યું ન હતું; પોતાની નીરાધાર સ્થિતિ અને તેથીજ લોકોમાં ગવાતી બેઆબરૂનાં તમામ પરિણામ એના ધ્યાનમાં કોઈ પણ વાર આવાં પ્રત્યક્ષ સમજાયાં ન હતાં. વિચારમાંજ પડી ગઈ, પણ બંદાએ તો આગળ ચલાવ્યું કે “ગુલાબસિંહ માત્ર તારા ફુલણીઆ સ્વભાવની સાથે રમ્યાં કરશે, લાલો તને પોતાની ગણાવતાં પોતાનેજ ધિક્કારશે, પણ એ ઉમરાવ — ખરા દિલથી વાત કરે છે, ને પૈસાદાર પણ છે: સાંભળ,” આટલું કહેતાં, બંદો નીચો નમીને, પોતાનું મોં માના મોં સરસું લેઈ જઈ, એવું એક વચન ઉચર્યો, કે જે પૂરું સાંભળવાને પણ મા ઉભી રહી શકી નહિ. અવર્ણ્ય તિરસ્કારની ભવ્ય ભાવના પ્રદર્શિત કરતી, એ બાલા, એના હાથમાંથી જીવ લેઈને નાઠી. બંદો જેવો એને હાથ પકડવા ગયો તેવોજ લપસી પડ્યો, અને ઓટલેથી નીચે, ને નીચેથી ટેકરાની બાજુએ એમ ગબડી ગયો. સારે ભાગ્યે એક ઠુંડકું એને હાથ આવ્યું, તેથી બચી ગયો. માએ એ હરામખેરની, ક્રોધ અને નિરાશાથી પાડેલી બુમ સાંભળી, પણ, પાછું વાળીને જોયા વિના, મૂઠીઓ વાળીને એવી દોડી, કે ઘરમાં પેઠા વિના ઉભી નહિ, બારણામાંજ લાલાજી અને માની બુઢ્ઢી દાસી, વાત કરતાં ઉભાં હતાં, પણ મા તો અંદરજ દોડી ગઈ, અને ભોંય ઉપર ચત્તાપાટ પડી, ડૂસકે, ડૂસકે, છાતીફાટ રોવા લાગી.

લાલો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ સહજજ એની પાછળ ગયો ને એણે એને શાન્ત પાડવા ઘણોએ પ્રયત્ન કર્યો, પણ કાંઈ વળ્યું નહિ. એ, એના પ્રશ્નોના જવાબ આપતી નહતી. એનાં પ્રેમગર્ભિત મીઠાં વચન કાને ધરતી ન હતી; પણ એકાએકજ, જે ધંધાને પોતાનું અનનુભવી મન, માત્ર ગાન અને સૌંદર્યની પૂજા રૂ૫ સમજતું હતું, તેનીજ, બંદાએ બતાવેલી ખરી છબી, એની નજરે તરી આવતાં, ઉચું મોં કરીને, લાલાના મોં તરફ નજર માંડી, બોલી, “બેવચની જુઠા ! તુંજ મારા આગળ પ્રેમની વાત કરવા બેઠો છે ?”

“મારી જાતના સમ, મા ! હું તને કેવો ચાહું છું તે કહી બતાવવાને મને શબ્દો જડતા નથી.”

“તું મને તારા આશ્રયમાં રાખીશ, મને તારી કરીશ ? તું મને જે પ્રેમની વાત બતાવે છે, તેથી મને તારી પત્ની ગણીશ ?” આ પ્રસંગ બારીક હતો, માના મનનું કેવલ પરીવર્તન થઈ ગયું હતું. બંદાનાં વચનોએ એનું મન વિંધી નાખ્યું હતું, અને એને પોતાની જાત ઉપરજ તિરસ્કાર ઉપજાવ્યો હતો. પોતાનાં તરંગી સ્વપ્ન ઉપરથી આસ્તા ઉઠી ગઈ હતી, ભવિષ્ય વિષે નિરાશા થઈ હતી, અને એના આખા મનોવિલાસનો ભંગ થઈ ગયો હતો. આવે સમયે, લાલાની સારી અક્કલે તુરતજ સૂચવેલું ઉત્તર, જો લાલાથી અપાયું હોત, તો માને પોતાની જાત ઉપર શ્રદ્ધા આવત, પોતે કાંઈ કીંમત વિનાની છે એમ થયું હતું તે મટત, અને લાલા ઉપર વિશ્વાસ કરી એ એની થાત; ગુલાબસિંહે ત્સ્યેન્દ્રને કરેલી વિનતિ સફલ થાત. પણ એના શુદ્ધ સ્વભાવની પ્રથમ પ્રેરણાની સામે, આ પ્રશ્ન થતાની સાથેજ ગુલાબસિંહે એને એના અનાદિ શત્રુરૂપે સમજાવેલા બીજા મલિન તર્ક ઉઠ્યા. ઠગારાની ટોળીએ મને ફસાવવા જે જાલ પાથરી છે તેમાં શું મારે આંખો મીંચીને ફસાઈ પડવું ? આ બાલાને આવી રીતે, મારે પાછળથી પસ્તાવું પડે તેવી કબુલત લેઈ લેવાનું શીખવી રાખેલું તો નહિ હોય ? એ નર્તકી વેષ તો ભજવતી નહિ હોય ? આવાં દુનીયાંદારીના, વ્યવહારના, તર્ક જેવા એના મગજમાં ઉઠ્યા, તેવુંજ એનું મન ફરવા લાગ્યું અને એને જાણે પોતાના મિત્ર રામલાલનું ઉપહાસયુક્ત હસવું કાને સંભળાવા લાગ્યું, ખોટું પણ ન હતું. રામલાલ એ રસ્તે જતો હતો, ને બુઢ્ઢીએ એને કહ્યું કે લાલાજી અંદર છે, તેથી તે ત્યાં થોભ્યો હતો. દુનીયાંની હાસીની માણસને જે અસર થાય છે, તેથી કોણ અજાણ્યું છે ? રામલાલ દુનિયાંદારીરૂપજ હતો. એનું હસવું, તે, લાલાને આખી દુનીયાંની હાસી રૂ૫ લાગ્યું. તુરત હોઠે આવેલું ઉત્તર પાછું ગળી ગયો, એનો વિચાર બદલાઈ ગયો. મા, તો, આતુર દૃષ્ટિએ, એના નોં સામુંજ જોઈ રહી હતી. છેવટ લાલાએ ગણગણતે ઉત્તર આપ્યું “મા ! તું જે ધંધામાં છે, તે ધંધાવાળાં પ્રેમ અને લગ્ન બે એકરૂપજ માને છે શું ?” રે વિષવૃત્તિ ! રે વજ્રપાત ! લાલો બોલતાં શું બોલ્યો, પણ તુરતજ પસ્તાવા લાગ્યો. તુરતજ એનાં બુદ્ધિ, હૃદય, અને આત્મા ઠપકો દેવા લાગ્યાં. પોતાનાં વિષયભર્યાં વચનથી, માને, કરમાઈ જતાં ફૂલ જેવી એણે જોઈ. એના મુખ ઉપરથી લોહી ઉડી ગયું; એના હાઠ ધોળા ધબ થઈ ગયા; તુરતજ, ખેદમય દષ્ટિથી, લાલા કરતાં પોતાની જાતનેજ ઠપકો દેતી હોય તેમ, દયાભર્યાં વચન બોલી : “બરાબર, યપુરવાસી ! બરાબર; એણે ખરું કહ્યું, હું ગામ બહારની બહારસીજ છું.”

“સાંભળ, સંભાળ, રમા ! હું ભુલ્યો, મને માફ કર !”

પણ માએ ગણકાર્યું નહિ અને ઉદાસીથી નિરાશાના નિરવધિ દુઃખને હસતી હોય તેમ વ્હીલે મોંએ રંડા બહાર જતી રહી. લાલો પણ એને અટકાવવાની હીંમત કરી શક્યો નહિ.