લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૩:ગુરુને વિનતિ

વિકિસ્રોતમાંથી
← વિપત્તિનું પાસે આવવું ગુલાબસિંહ
ગુરુને વિનતિ
મણિલાલ દ્વિવેદી
પોતાની સ્થિતિનું ભાન →


પ્રકરણ ૭ મું.

ગુરુને વિનતિ.

ગુલાબસિંહે પોતાના ગુરુ ત્સ્યેન્દ્ર યોગીન્દ્રને લખેલું પત્ર :—

વિદ્યાનું આકાશ હવે અવિદ્યાનાં વાદળાંથી ઘેરાઈ જઈ મલિન થવા લાગ્યું છે, જે સમાધાન જ્ઞાનીઓના સર્વકશ બલરૂપ છે તે મેં ખોયું છે. જેને મારે પરમમાર્ગે દોરવાં હોય છે, તેના મનોનિશ્ચય ઉપર હવે હું અસર કરી શકતો નથી; તેવાંને હું, અગાધ સમુદ્રનાં મોજાંમાં આગળને આગળ તણાઈ, જેમ જેમ મારૂં નાવ કીનારાને બદલે દૃષ્ટિમર્યાદાના કાળા પાણી તરફ ખેંચાય છે તેમ તેમ મારી પાછળ ખેંચાતાં જોઉંછું. જ્યાં હું સામાની મનોવૃત્તિને મારી ઈચ્છા પ્રમાણે ચલાવી શકતો ત્યાં હવે માત્ર સૂચનાજ કરી શકું છું, એથી આશ્ચર્ય પામી મેં આત્મનિરીક્ષણ કરી જોયું, સત્ય છે; એમજ ભાસ્યું કે સાંસારિક વાસનાઓ મને આ ક્ષણિક જીવિતના આનંદમાં બાંધી રાખી, સ્થુલમાત્રના સંસર્ગથી શુદ્ધ થયેલો આત્મા જે આધ્યાત્મિક રહસ્યનું ઉદ્ભેદન કરી શકે, તેનાથી સર્વદા વેગળો તાણે છે. જે સત્ત્વસંચયથી આપણી આધ્યાત્મિક અને યૌગિક શક્તિ સંરક્ષિત થાય છે, તેજ અત્યારે તો, જે મનુષ્યો પ્રતિ આપણા મનમાં નિર્બલ જનસ્વભાવને સુલભ એવાં ઈર્ષા, દ્વેષ, વા પ્રેમાસક્તિ આદિ ઉદય પામે છે, તેમના ભવિષ્યનું અવલોકન કરવામાં આપણાં આંતરચક્ષુને અંધ કરી દે છે. ગુરુ ત્સ્યેન્દ્ર ! સિદ્ધ રાજયોગી ! મારી આગળ પાછળ બધી અંધા ધુંધી થઇ રહી છે, મને કાંઈ સુઝતું નથી; આપણાં ઉત્તમોત્તમ માર્ગની શ્રેણિથી હું ખરી પડવા લાગ્યો છું, એમ મને લાગે છે; અને જે અમર યૌવનરૂપી કળી કેવલ આત્મછાયામાંજ ખીલે છે, તેમાંથી મર્ત્ય સ્વભાવવાળી પ્રેમાસક્તિરૂપ કાળું વિષમય પુષ્પ થઈ આવતું મને જણાય છે !

પેલો માણસ એને યોગ્ય નથી — એ હું સારી પેઠે સમજું છું, પણ એની પ્રકૃતિમાં, મહત્તા તથા ભલમનસાઈનાં એવાં બીજ છે કે જેને સંસારિક ભય અને ભભકારૂપ નકામા છોડ અડચણ ન કરે, તો વૃક્ષરૂપે ઉગી નીકળે. એ એની થાય, અને હું, જે આસક્તિ મારા આંતરચક્ષુને અંધ કરી મારા સામર્થ્યનો ભંગ કરે છે તેને, જો આ પ્રમાણે બીજાના હૃદયમાં રોપી શકું, તે અદૃશ્ય, અજ્ઞાત, અસ્ફુટ રહી, એ પુરુષના ભાગ્યપરિવર્તની સંભાળ રાખી શકું, અને ગુપ્ત રીતે એનાં કર્મને દોરી શકું. એ બધા કર્તવ્યથી, એની મારફત, એ બીચારીને પણ સુખી કરી શકું. પણ વખત પાણીની પેઠે વહ્યો જાય છે, હવે ઘડીએ ઘૂંટ ભરાય છે. મારી સન્નિધિમાં જે આકૃતિઓ પ્રતીત થાય છે, તેમાંથી હું એ બીચારીની પાછળ, ઘણા ભયાનક આકાર ઘેરાતા દેખું છું. નાશી જવા વિના બીજો ઉપાય નથી; મારા કે એના વિના બીજાને હાથે એનું સંરક્ષણ પણ બને તેમ નથી. મારી સાથેજ ! એ આનંદવિપ્લવ ! – એ ભયંકર અનિવાર્ય પરિણામ ! મારી સાથે ! ત્સ્યેન્દ્ર ! તને આશ્ચર્ય લાગે છે ! હું મારા પોતાથીજ એનું રક્ષણ થાય એમ ઈચ્છું છું ? કલ્પના કલ્પમય જીવિતમાં એક ક્ષણ ! જેને કીનારો પણ જણાતો નથી એવા અગાધ સમુદ્રનો એક બુદ્‌બુદ ! — મારે મન માનુષપ્રેમ બીજું શું છે ? કલ્પના કલ્પમાં મને વિવિધ જનસમૂહના દૃષ્ટિગોચર થયેલા હૃદયભાવ કરતાં વધારે વિશુદ્ધ, આધ્યાત્મિક પ્રેમવૃત્તિ, આ બાલિકાની બાલિશ સ્નેહભાવપૂર્ણ અલૌકિક પ્રકૃતિમાં, ગુપ્ત રહેલી લાગે છે; છતાં તે ગુપ્ત ભાવમાં પણ એક ગુપ્તતર વહેણ વહે છે, જે મને અનિવાર્ય કષ્ટની ચેતવણી નિરંતર કર્યા કરે છે. દૃઢવ્રત પરમવિરાગવાન્ ઋષિરાજ ! બધાં ઉચ્ચબુદ્ધિનાં વીર્યવાન્ મુમુક્ષુને માર્ગ પ્રેરવાનો યત્ન કરનાર ! તું ! તું પણ ત્રાસદાયક અનુભવથી જાણે છે કે અબલાના હૃદયમાંથી ય નિર્મૂલ કરવું એ આશા કેવી વ્યર્થ છે ! મારૂં જીવિત તને એકાન્ત આશ્ચર્યમય લાગશે. અથવા કદાપિ હું એને બધા ભયમાં થને અભય− પરમજ્યોતિ તરફ દોરી જવા પ્રયત્ન કરૂં તો તેમાં પણ વાસનાનાં વિકરાલ સત્ત્વોના વિઘ્નનો ચીતાર વિચારી જો, અને એ પ્રયત્નની સફલતાની દુર્બલતા ધારી, મારી પેઠે માથું હલાવી, પરિણામ વિચારી કંપવા લાગ. મેં પેલા જયપુરીઆના મનમાં તેની કલાની ઉચ્ચતાનું સ્વરૂપ સારી પેઠે ઠસાવ્યું છે, પણ એના પૂર્વજનો ચંચલ સ્વભાવ એનામાં પણ આવ્યો છે, અને જે માર્ગે તેણે પોતાનો મુકામ ગુમાવ્યો, તેજ માર્ગ તરફ એને પણ ખેંચ્યા કરે છે. માણસો પોતાનાં જનક તરફથી વારસો લાવે છે તે બહુ અગમ્ય અને અલૌકિક છે. મન તથા બુદ્ધિની સવિશેષ ચંચલતા કોઈ કારી રોગની પેઠે યુગોના યુગ પર્યંત ગુપ્ત કે નિર્મૂલ થયા જેવી પડી રહી, કેટલી એ દૂરની પેઢીએ આવિર્ભાવ પામે છે, અને કોઈ રીતિની ચિકિત્સાને કે કલાને પછી ગાંઠતી નથી એમ વકરી જાય છે. હિમાલયના બરફથી ઠંડા અને શીતલ ખંડેરમાંનો તારો એકાન્ત આશ્રમ મૂકી એકવાર મારી પાસે આવ; મારે કોઈ સજીવ વિશ્વાસસ્થાનની અપેક્ષા છે; એવાની છે, કે જેણે પંડે પૂર્વાશ્રમમાં પ્રેમ, ઇર્ષ્યા, સર્વ ખુબ અનુભવ્યાં હોય. મેં પરમશિવનું ધ્યાન ધર્યું, પણ તેની જે છાયા પૂર્વે જ્ઞાનામૃતથી દૈવી આનંદ આપતી, અને પ્રારબ્ધ ઉપર ખરો નિશ્ચય બેસડાવતી, તેજ હવે મને ગભરાવે છે, કષ્ટ પમાડે છે, જે ઉચ્ચ સ્થલથી ભવિષ્યના બનાવની આકૃતિ જોવાનો પ્રયત્ન કરું છું, ત્યાંથી મને ભય અને ક્રોધનાં ચિત્ર નજરે પડે છે. જે વાસના મને વિવ્હલ કરી રહી છે તેની પ્રતિમાઓ ધ્યાન સમયે મહામંત્રની પાછળ આકર્ષતી દેખું છું. જે આશ્ચર્યકારક નિઃસીમ જીવિત મેં ગાળ્યું છે, તેનેજ હવે હું જાણે સીમા બંધાયલી જોઉં છું, જે આધ્યાત્મિક સ્વરૂપે મેં કાલને ખાધો છે, તેને હું હવે સ્થૂલ થયું દેખું છું. ઉડુગણો મને માર્ગ આપતાં ત્યાં હું હવે ફાંસીનાં લાકડાં લટકતાં જોઉછું, અને કસાઈની દુકાનમાંથી નીકળતા હોય તેવા રક્તપ્રવાહ જોઈ કંપુ છું. સવિશેષ તો એ છે કે કોઈ એક સત્ત્વ, પ્રાકૃત લોકના પૂજિત વિચારનુંજ રૂપ, શુદ્ધ સૌંદર્ય તથા પૂર્ણતાની શોધનો ત્રાસદાયક ઉપહાસકારી નમુનો, સર્વદા મારી પાછળ ભમે છે, અને પેલી ફાંસીની આગળ ઉભું રહી મારા તરફ દાંતીયાં કરે છે. આવ, રે અનંતકાલના મિત્ર ! આવ; એક મારા તરફની તો તારી માનુષી વૃત્તિઓને, તારા જ્ઞાને નિર્મૂલ કર્યા વિના રહેવા દીધી હશેજ ! વળી આપણા પૂજ્ય સમાજના નિયમ પ્રમાણે તે સમાજના કોઈ પણ વંશજને સુમાર્ગે ચઢાવવા પણ તું બંધાયલો છે, તો પેલા ભવ્ય પરમારના છેલા કુલાંગાર ( રમાને પકડવા ધારનાર ઉમરાવ) પર નજર કર. વિષયવાસના અને પ્રાણઘાતના વિચારથી એ પોતાનો ખાડો પોતાને હાથેજ ખોદે છે; હજુ પણ એને એના કર્મવિપાકથી વેગળો કરવાનું તને સામર્થ્ય છે. હું પણ જો એની ઇચ્છા હોય તો, તેમજ કરવા બંધાયલો છું પાસું એ મારૂં કહ્યું ન માને અને શરતની વાત પરજ વળગી રહે તો તારે એક ચેલો મળે. વળી એક ભોગ લેતાં વિચારજે. આવ ! આવ ! બંધુ ! આવ; તને આ પત્ર ત્વરિત મળશે, ઉત્તર પણ તેમજ સપ્રેમ સત્વર મોકલજે.