લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૪:છેલી કસોટી

વિકિસ્રોતમાંથી
← પ્રથમ ક્રમ ગુલાબસિંહ
છેલી કસોટી
મણિલાલ દ્વિવેદી
કોઠી ધોવાથી કાદવ →


પ્રકરણ ૪ થું.

છેલી કસોટી.

મધ્યરાત્રી થવાને થોડી વાર હતી પણ લાલાજી તો ક્યારનો એ ગુરુના ઓરડામાં જઈ બેઠો હતો. જેમ કરવાની એને આજ્ઞા થઈ હતી તેમ એણે બહુ લક્ષપૂર્વક કર્યું હતું, ને કાંઈ પણ ખાધાપીધા વિના ઉપવાસ કરી એમાંજ મંડ્યો રહ્યો હતો. જે વિવિધ તરંગ એના મનમાં, કલ્પનાશક્તિને આમ છૂટી મૂકવાથી ઉભરાતા હતા, તેનાથી એની વૃત્તિઓ બહુ તીવ્ર થઈ ગઈ હતી, અને એને ક્ષુધાતૃષાનું ભાન રહ્યું ન હતું એટલુંજ નહિ, પણ એ વૃત્તિઓનો પણ એને તિરસ્કાર પેદા થયો હતો.

ત્સ્યેન્દ્ર પોતાના શિષ્ય પાસે બેશી આ પ્રમાણે બોલવા લાગ્યો : “જેટલું જેનું અજ્ઞાન તેટલોજ તેનો અભિમાન, માણસનો સ્વભાવ જ હુંપદનો ભરેલો છે. માણસ પોતાના જ્ઞાનના આરંભે એમ સમજે છે કે આ જગત્ મારે માટે સર્જાયલું છે. અપાર સમુદ્રના બુદ્‌બુદની પેઠે જે અનંત સૃષ્ટિઓ બ્રહ્માંડમાં રમે છે તેને, અનંત વર્ષો સુધી, માણસે માત્ર પોતાને રાત્રી વધારે અનુકૂલ થાય તે માટે લટકાવેલા દીવારૂપજ ધારી. આ ભુલ ખગોલશાસ્ત્રે સુધારી છે, અને હવે માણસો કબુલ કરે છે કે તારામાત્ર આ સૃષ્ટિ કરતાં વધારે વિપુલ અને ભવ્ય સૃષ્ટિઓ છે, ને જે પૃથ્વી ઉપર પોતે ઉભો છે તેનું તો અનંત બ્રહ્માંડમાં ઠામ ઠેકાણું પણ નથી. પણ નાનામાં તેમ મહોટામાં સર્વત્ર જીવનરૂપી બીજ વેરવામાં હરિનો હાથ સરખોજ ઉદાર સમજવો; બ્રહ્માંડની અનંત ભેદલીલા અખંડ અભેદમય ચૈતન્યના પરપોટા જેવીજ છે. મુસાફર વૃક્ષની શાખાઓની ઘટાને વિલોકી, મારા જેવાના તાપ ટાળવા કે ટાઢ મટાડવા આ રચાઈ છે એમ સંતોષ માને છે; પણ એજ શાખાના પ્રતિપત્રે અનંત જીવોની સૃષ્ટિ પરમાત્માએ વીસ્તારેલી છે તેનું તેને ભાન આવતું નથી. પેલા ખાબોચીયામાંનું એક એક ટીંપુ, એક એક રાજ્યમાં હોય તે કરતાં અધિક વસ્તિવાળી સૃષ્ટિરૂપ છે, સર્વત્ર, આ અગાધ સૌષ્ઠવયુક્ત રચનામાં શાસ્ત્રાભ્યાસથી અધિક અધિક જીવનપ્રભાવ દૃષ્ટિએ આવતો જાય છે. આત્મા અથવા ચૈતન્ય એજ સર્વવ્યાપી એકાકાર વસ્તુ છે; જે વસ્તુ મરી જતી જણાય છે તે પણ નવા જીવરૂપે પરિણમે છે. ત્યારે દૃષ્ટાંતથી વિચાર કરીએ તો, જ્યાં એક કણ, એક જલબિંદુ, પેલો તારો છે તે કરતાં હઠે તેવી સૃષ્ટિ, અંદર વસી શકાય નેત જીવી શકાય તેવી સૃષ્ટિ, રૂપ નથી ! રે ! જ્યાં મનુષ્ય પોતે પણ અનેક સૂક્ષ્મ સૃષ્ટિની એક મહાસૃષ્ટિ છે ને એના રુધિરની નદીઓમાં અનેક જીવ રમે છે, ત્યાં એક સામાન્ય બુદ્ધિના વિચારે પણ એટલું તો સિદ્ધ થવું જ જોઈએ કે જે પદાર્થ આ પૃથ્વીની આસપાસ વીંટાએલો છે, ને જે પૃથ્વીને ચંદ્રાદિથી જુદી રાખે છે, જેને તમે આકાશ દિક્‌ આદિક નામથી ઓળખો છો, તે અવ્યક્તમાં પણ તેને અનુકૂલ જીવો હોવા જ જોઈએ. એમ માનવું કે પ્રતિપત્રે જીવ સજ્જડ ભરેલા છે, ને અનન્ત દિગ્વિસ્તાર શૂન્યજ છે એ કેવો વ્યાઘાત છે ! વિશ્વરચનાનો નિયમ એક અણુની પણ નિરર્થતા સહન કરી શકતો નથી; આખા વિશ્વમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈ પણ પ્રકારે આત્માની સત્તા ન હોય. કસાઇના મૃત્યુગૃહમાં પણ ઉત્પત્તિ અને જીવનનું સ્થાન છે. એ વાત સાચી હોય, તો તું એમ માની શકશે કે દિગ્ જે પોતેજ અનન્તસ્વરૂપ છે તે નિર્જીવ, શૂન્ય, નિરર્થ છે ? સૂક્ષ્મદર્શકયંત્રથી પણ એક જલકણના જીવ તું જોઈ શકે, પરંતુ અદ્યાપિ એવું કાંઈ શોધાયું નથી કે જેનાથી સામાન્ય દૃષ્ટિનાં મનુષ્યથી દિગ્ અથવા આકાશના જીવ જોવાય. પણ એ તો નિઃસંશય છે કે આકાશમાંના જીવોને સુષ્ટિનાં મનુષ્યો સાથે અતિ નિકટ અને અચુક સંબંધ છે. એટલાજ માટે વિવિધ દેવ, ગંધર્વ, યક્ષ, પિશાચ, કે શક્તિ, ભવાની, અપ્સરા, વ્યંતરી, ડાકણ આદિ અર્ધી સાચી, અર્ધીં જુઠી, એવી કલ્પનાઓથી આ વાતો કહેવામાં આવેલી છે. આગળના લોક કરતાં હાલના લોક આ બધાંની સત્તા નથી અનુભવી શકતા તેનું કારણ તો એટલું જ છે કે આગળના લોકોની ઇંદ્રિયો અને તેમનાં અંતઃકરણ હાલના લોકોના કરતાં વધારે શુદ્ધ અને ગ્રાહક હતાં. જેમ જંગલી પ્રાણીને પોતાના દુશ્મનની સુગંધ ઘણાક ગાઉથી આવી શકે છે, તેજ જાતના સુધરેલા પ્રાણીને તેમ થવું અશક્ય છે, તેમ એ અસલનાં મનુષ્ય અને આ સત્ત્વોની વચ્ચેનું અંતર પણ વધારે લાંબું હતું નહિ, કેમ સમજાય છે કે ? ”

“બરાબર.”

“પણ પ્રથમ એમ કરવું જોઈએ કે જે અંતઃકરણથી તારે એ સત્ત્વો જોડે સંબંધ કરેવો છે તે ઉગ્ર ઉત્કંઠાથી તીવ્ર થવું જોઈએ, ને સર્વસ્થૂલ વાસનાથી મુકત થવું જોઈએ. સર્વ કાલ અને સર્વ દેશના સિદ્ધ લોકોએ બ્રહ્મચર્ય અને ત૫:કષ્ટથીજ આ સંબંધ થવાનો સંભવ બતાવ્યો છે તે કારણ વિના નથી. અંતઃકરણની તીવ્રતા વિના જેમ તારામાં ઉત્પાદક શક્તિ નહિ આવે, તેમ અંતઃકરણની શુદ્ધતા વિના તે શક્તિનો શુભ ઉપયોગ નહિ બને, તારો પોતાનોજ વિનાશ થાય તેવી આંટી આવી જશે. જ્યારે એ બે વાત થાય ત્યારે શાસ્ત્ર પણ સહાય કરી શકે; દૃષ્ટિ તીક્ષ્ણ થાય, શ્રવણ તીવ થાય, સત્ત્વ શુદ્ધ થાય, ત્યારે આકાશ — પણ અમુક સાદા રસાયન પ્રયોગથી — વધારે તાદૃશ અને સ્પષ્ટ કરી શકાય. આનું નામ અજ્ઞાનીઓ કહે છે તેમ, જાદુ નથી, કેમકે મે તને કહેલુંજ છે કે વિશ્વના નિયમને ઉલટાવી નાખવારૂપી જાદુ એવી વસ્તુ હોઈ શકતીજ નથી. ત્યારે સમજ કે આકાશત્તવની સૂક્ષ્મસૃષ્ટિમાં અનંત જીવો છે. તે બધા કાંઈ શુદ્ધ આત્મરૂપ નથી, તેમાં ઘણા ઘણા ક્રમને ઘણી ઘણી પંકતિઓ છે, ને તેમને થોડાં કે ઘણાં અતિસૂક્ષ્મ એવાં પ્રાકૃતિક રૂપ પણ છે કેટલાંક અતિ ઉત્તમ બુદ્ધિવાળાં છે, કેટલાંક અતિ ઉગ્ર વિનાશપરાયણ છે; કેટલાંક રાક્ષસ જેવાં ભયંકર છે. કેટલાંક દેવ જેવાં સુખકારી છે; ને એમ એ બે સીમા વચ્ચે અનેક પ્રકાર છે. જેને આ સત્વો સાથે સંબધ કરવાની ઈચ્છા છે, તે અજાણ્યા દેશમાં ફરનાર મુસાફર જેવો છે, જાણ કે સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન આરંભ્યો ત્યારથી જ આ સૃષ્ટિના દ્વાર તરફ જવાનું પગલું ભરાઈ ચૂક્યું; અનન્ત મોક્ષનો માર્ગ પણ ગમે ત્યાં લઈ જનારો છે, છતાં તે આ સૃષ્ટિમાં થઈનેજ જાય છે. એ સૃષ્ટિમાં જ આ બધાં સત્ત્વોથીજ મુમુક્ષની કસોટી થાય છે. આત્મસત્તા સાથે ઐક્ય અનુભવવાનો યત્ન અને આરંભ કરનાર આત્માથી અભિન્ન એવા ચમત્કારમાત્રને દેખે છે, પણ તેમની પાર જવાનું તેને જે સામર્થ્ય હોય તે ઉપરજ તેના આત્મજ્ઞાનનો અને મોક્ષનો આધાર રહે છે. જો કોઈ જીવ વાસનાગ્રસ્ત થઈ એ સત્ત્વોમાંજ લપટાય, સિદ્ધિના રસમાં પડી અસ્મિતામાં સુખ માને, તો તો મુવોજ. કારણ કે એ સૃષ્ટિમાં જનારને વિલક્ષણ અને અણચિંતવ્યો ભય આવી પડે છે. એ સંબંધ એક વાર શરૂ થયો કે પછી તારે જે કસોટીએ ચઢવું પડે તેના પરિણામથી હું તને સાચવી લેઉં એ થવું અશક્ય છે. માર્કંડેય પુરાણમાં સપ્તશતીના, લયરૂપ તૃતીય ચરિતના વર્ણનમાં, રક્તબીજ જેવા દૈત્યોના રુધિરને બિંદુએ બિંદુએથી બીજા રક્તબીજ પેદા થઈ મહાશક્તિની સન્મુખ થતા એ કથા કહી છે તે છેકજ કલ્પના નથી. એ મહાશક્તિ પણ સર્વ દેવના સાર રૂપ સત્ત્વથી પેદા થઈ હતી. તારી સત્ત્વશક્તિ એવી દૃઢ અને બલવતી હશે તોજ તારી રાજસી તામસી વાસનાના અનંત રક્તબીજોને તું સંહારી પાર ઉતરી શકશે. હું તને એ ભયંકર સત્ત્વોથી વિમુક્ત માર્ગ બતાવી શકવાનો નથી. તારે જાતે એકલા જ બધાની સામા થવાનું છે, ને બધું ઉઠાવવાનું છે. પણ તારી ઈચ્છા જો માત્ર જીવ્યાંજ કરવાની હોય, પછી તે ગમે તે સ્થિતિમાં ને ગમે તે રીતે, ને કીમીયાગરો જે જીવનબુટ્ટી રૂપી રસાયન ખોળે છે તે જ પી લેવું હોય, તારી સ્થૂલવાસનાજ પ્રબલ હોય, તો આ ભય શા માટે વહોરે છે ? આત્મજ્ઞાનની વાતો સરલ છે પણ તેનો સાક્ષાત્કાર કરવાનો યત્ન બહુ ભયકારક છે, કેમકે એષણામાત્રના નિદાનરૂપ જે શંકા અને ભય તેને જીત્યા વિના નિઃશંક અભયસ્થાન પ્રાપ્ત થતું નથી; જો તારી વાસના સ્થૂલ જ હશે ને તું આમજ્ઞાનના આવેશમાં આગળ દોડશે તો એ આત્મરસાયન એક વાર તારા ગળા હેઠળ ઉતરતાંજ તારી ઈંદ્રિયો એવી તીવ્ર થશે કે સત્ત્વમાત્રનું તને દર્શન થવા માંડશે, ને જો તું એમાંથી પાર પડવા જેટલો સાધનસંપન્ન નહિ હોય, તો તારૂં જીવિત અનંત ક્લેષમય થઈ રહેશે. એવા આત્મપ્રસાદને ઉત્તેજન કરનાર યુક્તિઓ તેમ બુટ્ટીઓ ઘણીએ છે; લે આ તેમાંનુંજ એક રસાયન છે. યદ્યપિ એ રસાવન સાદામાં સાદી વસ્તુનું બનેલું છે તથાપિ તેણેજ એ પીવું કે જેણે સર્વથા સાધનસંપત્તિ સિદ્ધ કરી હોય, વળી ઘણાકને એ પીતાંજ એવું દર્શન થાય છે કે જેથી ગભરાઈ જતાં, તેમને એ પ્યાલો તારનાર કરતાં મારનાર નીવડે છે. જે કાચાં છે તેમને એ અતિવિષમ વિષ છે, વળી આરંભેજ ભયમાત્રના સારરૂપ રક્તબીજ ચોકી કરે છે તેનું દર્શન એટલું ભયકર છે, કે એની દૃષ્ટિથી દૃઢમાં દૃઢની પણ ધીરજ વછૂટી ગઈ છે, રગો નરમ થઈ ગઈ છે, ને મગજ ખસી ગયાં છે. એનું ભયાનક સામર્થ્ય એનું જેટલું ભય પમાય તેટલુંજ વધતું ચાલે છે. નિર્ભયતા એજ એના નિવારણનો મંત્ર છે. હવે વિચાર કર કે તને આટલું બધું કરવાની ઈચ્છા અને હીંમત છે ?”

“છે, છે; તમારાં વચનથી અધિક ઉત્તેજિત થઈ છે.”

આટલું કહેતાં જ ત્સ્યેન્દ્ર એને અંદરના ઓરડામાં લઈ ગયો, ને એને કેટલીક સાદી રસાયનક્રિયા સમજાવવા લાગ્યો; સાદી છતાં પણ તે અતિ ભવ્ય પરિણામે લઈ જનારી છે એમ લાલાજીને સહજ સમજાયું.

“પૂર્વકાલમાં અમારા સમાજના લોકો સત્ય વાત ગુપ્ત રાખવા માટે ઘણા આડા અવળા રસ્તા લેવા પડ્યા છે; અને ચતુર કીમિયાગર કે વિદગ્ધ રસાયન કરનાર રૂપે અમે જાદુગરને નામે વગોવાયા છીએ. કિંબહુના પુરાણ કથા વગેરેની વિવિધ રચનાઓથી પણ અમારે એ વાતને છુપાવવી પડી છે, ને એમ અમે વહેમને વધારનારા કુધારાવાળા ગણાયા છીએ. પણ એમ કર્યા વિના સિદ્ધિ ન હતી, ને હજી પણ નથી, એ હું તને સમજાવી ચૂક્યો છું. જો; જે જે જાદુની વાતો કહેવાય છે, એક ક્ષણેજ સર્વ ઋતુના આવિર્ભાવરૂપ, વિકરાલ સત્ત્વોના પ્રાદુર્ભાવરૂપ, તે હું તને સહજમાં બતાવું ?”

જે સરલ યુક્તિથી ત્સ્યેન્દ્રે લાલાજીની ખાતરી કરી તેથી એ દિઙ્મૂઢ જ થઈ ગયો; અને પ્રત્યક્ષ પ્રમાણ આગળ કાંઈ બોલી શક્યો નહિ,

“જો; ભાઈ ! આની આજ વાતો અન્યરૂપે સમજાયાથી અનેક વિટંબનાના કારણરૂપ થઈ પડી છે. કીમીયો ! આખી વિશ્વરચનામાં કીમીયોજ ચાલે છે; ધાતુમાત્ર ને તત્ત્વમાત્ર, નિરંતર નવાં નવાં રૂપ ધરતાંજ જાય છે. સોનું બનાવવું સહેલું છે, મોતી, પ્રવાલ, રત્ન બનાવવાં તેથી પણ સહેલાં છે. ડાહ્યા લોકને આમાં પણ જાદુ જણાયો; પણ નિત્ય ઉપયોગની અગ્નિ અને જલ જેવી સાધારણ વસ્તુઓમાંથી એક એવો રાક્ષસ બનાવ્યો કે જેની વરાળથી અનેકનો નાશ થઈ જાય તે એમને જાદુ લાગ્યો નહિ. એ જમાનો આવતો જાય છે; એક વાર હતો, ફરી આવશે, એ રાક્ષસને તમે દેખશો. માણસો એમ માનશે કે આ તે જ્ઞાનનો પ્રસાર થાય છે, સમૃદ્ધિ અને સુખ વધે છે, પણ એ બધાં વિનાશ અને દુઃખનાજ રૂપાંતર નીવડશે. તે સમયે, જેથી નાશ થાય તે શોધી કહાડો, લોક તમને મહાપુરુષ માનશે; વૃદ્ધિ થાય તે શોધી બતાવો તમને ધૂતારા કહેશે ! કઈક એવું યંત્ર છે કે જેથી ધનવાન્‌ વધારે ધનવાન્‌ થાય ને ગરીબ વધારે ગરીબ થાય તો તમારી મૂર્તિ પૂજાશે, તમારે નામે કીર્તિસ્તંભ થશે; કાંઈક એવી યુક્તિ બતાવો કે જેથી વ્યાવહારિક વિષમતા નિર્મૂલ થાય. જગત્‌નાં દુઃખ અને ક્લેષની દુઃસહતા ઓછી થાય, અને સર્વત્ર આત્મભાવ વૃદ્ધિ પામે, તો તમને પથરે મારવા પોતાનાં ઘર પણ તોડી પાડશે ! મારા શિષ્ય ! જે દુનીયાં આવી છે તેની હજી ગુલાબસિંહ પરવા કરે છે ! આપણે બે તો એને બાજુ ઉપરજ મૂકીએ. ત્યારે હવે તેં જે કાંઈ જોયું, તેનો યથાર્થ અભ્યાસ કરવા શુરૂ કર.” પછી ત્સ્યેન્દ્રે પોતાના શિષ્યને કેટલું કામ સોંપ્યું જેમાં બધી વાત વીતી ગઈ.

સ્થિર ચિત્ત ને નિશ્ચલદૃષ્ટિ અને ઘણું સૂક્ષ્મ ગણતરીથી સિદ્ધ થઈ શકે એવા કેટલાક પ્રયોગમાં ત્સ્યેન્દ્રનો શિષ્ય કેટલોક સમય ગુંથાયલો રહ્યો. ઘણા વિલક્ષણ પરિણામો જોઈ એને બહુ આશ્ચર્ય અને આનંદ થતાં ચાલ્યાં. તેમાં કેવલ રસાયનપ્રયોગો જ હતા એમ નહિ, પણ તેજસ્તત્ત્વના કોઈ ગૂઢ પ્રયોગથી જીવનશક્તિ ઉપર જે અસર કરી શકાય છે તે રહસ્યવિદ્યાની વાત પણ એમાં સમાયલી હતી. સર્વવ્યાપી પણ અદૃશ્ય એવા આકાશતત્ત્વદ્વારા જીવ જીવને, વિચાર વિચારને, ને આત્મા આત્માને, ગમે તે સ્થલ અને ગમે તે કાલે પણ સંબંધ છે એમ ત્સ્યેન્દ્ર અને તેના વર્ગના યોગીઓ માનતા અને એ તત્ત્વદ્વારા હાલના તાર કરતાં પણ વધારે જલદથી સંકલ્પ જોડાઈ શકતા. મનોમન એક થતાં, અને ભૂતકાલ વર્તમાનમાં પ્રત્યક્ષ થતો. માણસ જાતે કે કોઈ જીવધારી જંતુએ જે જે કાલે ને જે જે સ્થલે જે કાંઈ વિચાર્યું, સંકલ્પ્યું, સિદ્ધ કર્યું હોય, તે એ તત્ત્વમાં રમનારને એક ક્ષણમાત્રના વેગપૂર્વક સંકલ્પથી દૃષ્ટિગોચર થઈ શકે છે; ને આ વિશ્વના અંધારામાં અંધારા ખુણાની વાત પણ છાની રહી શકતી નથી. આ પ્રકારેજ ઉપનિષદાદિમાં કહેલું “એક શાનથી સર્વ જ્ઞાન,” એક ચૈતન્યના અપરોક્ષથી ચૈતન્યના વિવર્તમાત્રનું અપરોક્ષ, એ યોગીઓ સાનુભાવ સિદ્ધ માનતા. એમાંજ तत्त्वमस्यादि વાક્યોનો પ્રત્યક્ષ નિશ્ચય હતો. લાલાજીને આ બધું જોઈ બહુ આશ્ચર્ય લાગ્યું, ને આવી યોગવિદ્યામાં ત્યેન્દ્ર રમી રહ્યો છે એ જોઈ એને બહુ ભાવ પેદા થયો. એજ વિદ્યાદ્વારા ભવિષ્ય પણ વર્તી શકાતું * * * * * પણ લાલાજીને એમ લાગ્યું કે પ્રત્યેક પ્રયોગમાં જે છેવટનો ક્રમ છે, કે જેનાથી આખરનું ભવ્ય પરિણામ નીપજે છે, તે તો ત્સ્યેન્દ્ર પોતાની પાસેજ રાખે છે. આ ગુરુભાગ વિષે વાત કરતાં એક વખત ત્સ્યેન્દ્રે આવું પ્રશ્ન પૂછ્યું :—

“શું તું એમ ધારે છે કે હું એક શિષ્યમાત્રનેજ, આખા બ્રહ્માંડની સ્થિતિ પણ પલટાવી શકે તેવું સામર્થ્ય, એમને એમ, આપી દઈશ ? જેની સાધનસંપત્તિની ગુરુને પાક્કી ખાત્રી થાય છે તેનેજ છેવટનો ક્રમ અપાય છે. ધીરજ રાખ, પ્રયત્ન એ પોતેજ મનોવિકારને વિશુદ્ધ કરનાર વસ્તુ છે; ધીમે ધીમે જે ગૂઢ મર્મ છે તે આપોઆ૫ તારી બુદ્ધિમાં ઉગી ઉદય પામશે.”

આખરે લાલાજીની આજ સુધીની સાધનસંપત્તિ વિશે ત્સ્યેન્દ્રે સંતોષ દર્શાવ્યો, ને બોલ્યો કે “ગૂઢ માર્ગમાં પેસવાની મર્યાદાને ઓળંગવાનો તથા પેલા કરાલ બહુ રૂપી રક્તબીજની સામા થઈ તારી વિશુદ્ધિની કસોટી બતાવવાનો હવે સમય આવ્યો છે. તારો પરિશ્રમ ચાલુ રાખ, ને જેમ હાલ તું ફલની આકાંક્ષા કરતો નથી તેમજ ધીરજથી ચાલ્યો જા; એમજ તને, કાર્યમાત્રનો જેમાં વિલય છે તે મહાકારણનો અનુભવ થશે. હું અહીંથી જાઉં છું તે એક મહીને આવીશ; હું પાછો આવીશ ત્યારે, જે તને સોંપેલું તેં પૂર્ણ કર્યું હશે, ને તારૂં મન ધારણા અને તત્ત્વવિચારથી દૃઢ થયું હશે, તો તને નિઃસંશય હું કસોટીએ ચઢાવીશ. પણ તને એક ચેતવણી આપતો જાઉં છું, કે આ ઓરડામાં કદાપિ પેશીશ નહિ, હું પાછો આવું ત્યાં સુધી કદાપિ એ તરફ જઈશ નહિ, કદાપિ કાંઈ લેવા કરવા તારે અંદર જવુંજ પડે તો પેલાં પાત્રોમાં જે પદાર્થ છે તેને સળગાવીશ નહિ, ને તેમની પાસેના કુંભ ઉઘાડીશ નહિ; એ ઓરડાની કૂંચી હું તનેજ સોંપી જાઉં છું, કે એમ તારી પૂરેપૂરી કસોટી થાય. બેટા ! યાદ રાખ કે આ લાલચ જે તને બતાવી છે તે પણ તારી કસોટીમાંનોજ એક ભાગ છે.” આટલું કહી કૂંચી લાલાજીને સોંપીને ત્સ્યેન્દ્ર સાયાન્હસમયે રસ્તે પડ્યો.

થોડાક દિવસ સુધી તો લાલાજી ગુરુએ બતાવેલાં કામોમાં રોકાઈ રહ્યો; એમાં એની બુદ્ધિ બહુજ ખીલવા લાગી, અને એનું ચિત્ત માત્ર એમાંજ પરોવાઈ ગયું. એ કાર્યમાં થોડામાં થોડો પણ જય થાય તેનો સંભવ, ચિત્તની એકાગ્રતા, ચિત્તનો અત્યંત લય, અને બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ ગણતરી, એ ઉપર એટલો બધો આધાર રાખતો હતો કે એ કાર્યમાં ચિત્ત રોકાયલું રહે તો બિજા વિચારને અવકાશ સરખો પણ મળવો અશક્ય. ત્સ્યેન્દ્રનો હેતુ પણ એજ હતો કે આ પ્રકારે વૃત્તિમાત્ર નિરંતર એકાગ્ર રહેવાથી લયાવસ્થા સહજમાં સિદ્ધ થતી જાય. જેમ ગણિતશાસ્ત્રનાં મૂલતત્ત્વોનો અભ્યાસ મહોટા કહોયડાનો નિશ્વય કરવામાં ઝાઝો ઉપયુક્ત થતો નથી, કે દુનીયાંદારીના વ્યવહારમાં જે તીવ્ર બુદ્ધિની જરૂર પડે છે તેને કામ લાગતો નથી, છતાં એ શક્તિ તો તે મૂલતત્ત્વોના અસાધારણ અભ્યાસમાંથી જ આવે છે; તેમ વ્યર્થ જેવો જણાતો યોગમાર્ગ પણ છેવટની નિર્વિકલ્પ દશા માટે ઉપયુક્ત જે ચિતૈકાગ્ર્ય તે સાધવામાં કામ આવે છે.

પણ લાલાજીએ તો સોપેલું કાર્ય ધારવા કરતાં અર્ધાજ સમયમાં સિદ્ધ કર્યું; ને એનું ચિત્ત આ પ્રમાણે નવરૂં પડવાથી અનેક તરંગ અને કલ્પનામાં ભટકવા લાગ્યું. મત્સ્યેન્દ્રે જે કરવાની ના કહી હતી તે નાને લીધેજ તે વિષય ઉપર વધારે વૃત્તિ લાગવા માંડી, અને વારંવાર બંધ ઓરડાની કુંચી ઉપર એની નજર કરવા લાગી; અચાનક પણ એમ થતું ચાલ્યું. પોતાના ધૈર્યની આવી કસોટી કરવાનો પ્રકાર એને કાંઈ અર્થ વગરનો અને છોકરવાદી જેવો લાગ્યો. એને એમ લાગ્યું કે આ બાવાએ આવી હાઉ બતાવવાની વાતથી મને ડરાવવાની યોજના કરી છે તેથી મારે ડરવાની જરૂર નથી; જે ઓરડામાં મેં અનેક વાર પ્રયોગ કર્યો છે તેની ભીંતો એકાએક જીવતી થઈ મને શી રીતે ખાઈ જનારી છે ! ને કદાપિ એમાં કોઈ વાઘબાઘ ગોઠવ્યો હશે તો એ કાંઈ મને ખાઈ જનારો નથી, કેમકે એ શાનો છે તે શી રીતે થાય છે તે હું જાણી ચૂક્યો છું. હું જ્ઞાનનેજ લેવા આવ્યો છું તો મારી જિજ્ઞાસાને આવી રીતે અંકુશમાં શા માટે રાખવી ? આવા તર્ક વિતર્કમાં એણે એમ ધાર્યું કે જેની બુદ્ધિને પોતે જ જાગ્રત્‌ કરી છે તેને આવી જૂઠી યુક્તિથી ભડકાવવાનું મત્સ્યેન્દ્રનો પ્રયત્ન યોગ્ય નથી. આમ ધારવાથી એને પોતાના ગુરુ માટે જે ભક્તિભાવ હતો તે પણ ઉડી ગયો. આટલું છતાં પણ એના અભિમાનથી ને એની કુતૂહલબુદ્ધિથી એને જે કરવાનું મન થાય તેમાંથી છૂટવા માટે એ વારંવાર આસપાસનાં જંગલોમાં ફરવા નીકળી જતો કે જેમ તેમ કરતાં શરીરના શ્રમથી વખતે મન પણ થાકીને ટાઢું પડે. એક દિવસ એ રીતે ફરતાં ફરતાં, આગળ જે ગામનું આપણે વર્ણન કરી ગયા છીએ ત્યાં લાલાજી આવી પહોંચ્યો.

જન્માષ્ટમીનો ઉત્સવ હતો, લોકો ટોળે મળીને નાચતા હતા ને ગાતા હતા. વર્ષાઋતુના સમયે પણ વાદળાં ન હોવાથી પાછલી રાત્રીએ ચંદ્રપ્રકાશ ખીલી રહ્યો હતો, ને જન્મ થવાનો સમય નજીક હતો. એ લોકમાં નીતિ તો કાંઈ હતીજ નહિ, એટલે તે આમ જાગરણ કરતાં પણ ગમે તેવી મોજમઝામાં આનંદ લેતા હતા. કૃષ્ણજન્મને નામે જે રાસ અને જે ખેલ રમાતા હતા તેમાં નીતિ સચવાય એવું હતું પણ થોડુંજ. કોઈ ગાંજાની ચલમોના ભડકા કરતા હતા, કોઇ ચંદ્રપ્રકાશમાં ચળકી રહેલું મદ્ય પીતા હતા, કોઈ સ્ત્રીઓ પણ ભાંગનો રગડો ગળે ઉતારતી હતી. કોઈ વિણા, કોઈ વાંસળી, કોઈ ઢોલક, એમ અનેક વાદિત્ર બજાવતા હતા, ને કોઈ કેફના ઘેનમાં પડતા આખડતા હતા ને નાચતા હતા. સ્ત્રીપુરુષ ભેગાં થઈ રાસ ખેલતાં હતાં, ને “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી” એમ ગ્રામ્યસ્વરે કૂદી કૂદીને બોલતાં, હાથમાં રાખેલા ડાંડીયા પરસ્પરથી ઠોકી નાચતાં જતાં હતાં. ઘણીક સ્ત્રીઓ કુંડે પડી હીંચ લેઈ લેઈને અનેક ગામડીઆ સુરમાં ધોળ ગાતી હતી. આ બધી આનંદરચના જોઈ લાલાજીને ઓછું આવ્યું કે સંસારમાં બંદીવાનના જેવું દુઃખ કોઈને નથી. કોઈ ખરા બંદીખાનામાં, તો કોઈ પોતાને હાથે કલ્પેલા બંદીખાનામાં, તો કોઈ લોકાપવાદના બંદીખાનામાં, એમ સર્વે દુઃખી છે. આવું સ્વતંત્ર સુખ મારા ભાગ્યમાં નથી જ ! આ વિચાર હજુ એના હ્રદયમાં ધીમે ધીમે સ્ફુરે છે એટલામાં ગુરુદાસ એને જોઈને દૂરથી દોડતો આવ્યો, ને “રામ રામ” કહી પાસે ઉભો. લાલાજી તેની સાથે વાતે વળગ્યો, પણ નજર તો ગુરદાસને હાથે એક લલિત લલના વેલીની પેઠે વીંટાઈ રહી હતી તેના ઉપર ઠરાવી રહ્યો. તે સ્ત્રી પણ અતિ નાજુક છતાં સર્વ કુલટાભાવનું ગૃહ હતી. તેનામાં જેટલું કૃત્રિમ બલ હશે તે બલ એકઠું કરી તેણે આંખથી એવો તીર ફેંક્યો કે લાલાજીનું કાળજું વિંધાઈ ગયું. એવામાં ગુરૂદાસે પૂછ્યું “મહેરબાન ! આપ આ રાસમાં ભાગ નહિ લો ! અત્યારે તો ગરીબ તવંગર સર્વ એક છે, આજના ઉત્સવમાં તમારે મળવુંજ જોઈએ.” એટલામાં હો હો ને રેરેના ભણકારા પેલા આનંદભર્યા ટોળામાંથી લાલાજીને કાને પડ્યા ને નાચ ચાલતો થયો, તે સાથે લાલાજીનું મગજ પણ ભમવા લાગ્યું. ગુરુદાસે ઉમેર્યું “ચાલો ચાલો સાહેબ ! આ મારી લટકાળીને એ રાસમાં તમારા જેવો કહાન જોઈએ છીએ.” પેલી લટકાળી પણ આવું સાંભળતાંજ ગુરુદાસનો હાથ મૂકી દેઈ જાણે બહુ અપમાન થયું હોય એમ તેને તરછોડી, ને નાશી ગઈ. જતે જતે તેણે લાલાજીને પોતાનાં ચક્ષુથી નોતરૂં દીધું; થોડેક જઈને ઉભી; લાલાજીની નજર તેની નજરમાં મળી. ગુરુદાસ તો ચાલતો થયો, તુરતજ પેલી લલનાએ કાંઈ ઉચ્ચાર કર્યો, ને અધ્યાત્મરહસ્ય શોધનારા સાધુને પોતાની સમીપ બોલાવ્યો. લાલાજીએ માથું ધૂણાવ્યું, પણ પેલીએ એક બીજો લઠ્ઠો તે તરફ આવતો હતો તેના ભણી આંગળી બતાવી. લાલા ! ખરે ખરૂં માથું ધૂણાવતો હોય તો તને શા માટે અદેખાઈ આવી ? લાલાજીએ હાથ લાંબો કર્યો; પેલીએ જેટલી થઈ શકે તેટલી કૃત્રિમ શાલીનતાથી તેનું ગ્રહણ કર્યું; બન્ને પેલી રાસમંડલીમાં ભળ્યાં ! અહા ! વનસ્પતિનાં સત્ત્વ કાઢવાં, રસાયનના પ્રયોગ કરવા, ને તારાનાં ધ્યાન ધરવાં, આત્મપ્રસાદ અને ચૈતન્યવિવર્તની વાતો સાંભળવી, અભેદની ગપ્પો મારવી, એ કરતાં આ અનેક પ્રકારે રસભર્યું છે : ત્સ્યેન્દ્રના શિષ્ય ! રે ભાવિ શંકર ! રે જ્ઞાનિ ! વેદાન્તિ ! યોગિ ! સિદ્ધ ! તારાં કૃત્યથી અમને શરમ આવે છે ? શું આટલા માટે તે સાક્ષાત્‌ મા જેવી રમાનો તિરસ્કાર કર્યો ? સંભાળ સંભાળ, શું કરે છે ! શા માટે પેલીનો હાથ પકડી તેને સરસી તાણે છે ! દૂર લઈ જાય છે : મસ્ત થઈ કૂદી કૂદીને શી હીંચ લે છે ! ગયો, પડ્યો; પેલા વૃક્ષ નીચે જઈને બન્ને પડ્યાં. બીજાં તો દૂર રહ્યાં કૂદે છે, નાચે છે, એમને હસે છે, પણ એ સાંભળતાં નથી. એ બે તો પરસ્પર બેનેજ દેખે છે! પીઓ, પીઓ, દારૂની મઝાથી, થનારૂં નૃત્ય બમણું મીઠું લાગશે.

“અરે લલના ! તું કોઈ ઠગારી છે.”

“તમારીજ છું; વળી મળીશ.”

“વાહ જવાન !” એમજ જોઈએ.” એક એંશી વર્ષના બુઢ્ઢાએ પાસે આવી લાલાજીને કહ્યું “જવાની તો એમજ ભોગવાય. ભોગવાય નહિ તો જવાની શા કામની ? અમે હવે મરવાને ભોંય સુંઘીએ છીએ, પણ અમે જવાની બરાબર ભોગવી નહિ તેથી પસ્તાઈએ છીએ, ને આજે પણ ‘ચંદ્રવદન મૃગલોચની કાકા કહત બુલાય’ એથી બહુ બળીએ છીએ. માટે પાછા ન હટશો ભાઈ ! ભોગવાય તેમ ભોગવજો; ભોગવ્યું એજ જીવ્યું છે.”