ગુલાબસિંહ/તરંગ ૪:કોઠી ધોવાથી કાદવ

વિકિસ્રોતમાંથી
← છેલી કસોટી ગુલાબસિંહ
કોઠી ધોવાથી કાદવ
મણિલાલ દ્વિવેદી
રક્તબીજ →


પ્રકરણ ૫ મું.

કોઠી ધોવાથી કાદવ.

રાત્રી અને અરુણોદય વચ્ચેના ભળભાંખળા સમયે લાલાજી પોતાના ઓરડામાં જઈ ઉભો. ગાદીની પાસે પડેલી અતિ વિકટ ગુચવાડાવાળા હીસાબથી ભરેલી પાટી ઉપર એની નજર પડી; ને એને જોતાં જ એના હૃદયમાં અતિ ગાઢ પરિશ્રમપૂર્વક નિર્વેદનો ભાવ છવાઈ ગયો. પણ “નિત્ય યૌવન પમાતું હોય તો કેવી મઝા પડે ! અરર ! વર્ષોના ભારથી બેવડી વળી ગયેલી વૃદ્ધાવસ્થાની મૂર્તિ કેવી ગંદી અને કંટાળો પમાડનારી લાગે છે ! એના કરતાં વધારે ભય ભરેલો બીજો કીયો રક્તબીજ પેલા અતિ ભયવાળા ઓરડામાંથી પણ પેદા થનાર હતો ! ખરેખર નિત્યયૌવન હોય તો વાહ ! પણ નિરંતર આ અટપટા કહોયડા છોડવા અને આ નિર્જીવ વનસ્પતિ અને ઔષધિનાં મિશ્રણ કર્યાં કરવાં, એ તે ઠીક નહિ. યૌવનનો મિત્ર રમુજ, આનંદ, તે વિના બીજો કોણ હોઈ શકે ? અને જો હું પ્રયત્ન કરું તો આ ક્ષણેજ મને પણ નિત્યયૌવન સહજમાં પ્રાપ્ત થાય. ત્સ્યેન્દ્રે મને જે આજ્ઞા કરી છે તેમાં મને કોઈ સાર સમજાતો નથી. રસાયનપ્રયોગોની છેલી કૂચી તેમ રહસ્યવિદ્યાની છેલી આંટી જેમ એ સાંકડા મનથી પોતાને જ હાથ રાખે છે તેમનું તેમ આમાં પણ જણાય છે; મારી પાસે બધી ગણતરી, બધા પ્રયોગ, એવું વહીતરૂં કરાવી મહેનતનું પરિણામ તો પોતાને હાથજ રાખવું ! હવણાં પણ એ પાછો આવીને મને કહેશે કે પરમ રહસ્ય છે તે પ્રાપ્ત થઈ શકે તેવું છે, પણ હજી તારે તેની વાર છે ! શું આવી રીતિ યોગ્ય છે ? મને તો એમજ લાગે છે કે એના જેવા ડોસાને મારા જેવો એક જવાન ચાકર જોઈએ, માટે જ મારી જિજ્ઞાસાને દિનપ્રતિદિન અધિકાધિક ઉદ્દીપિત કરી મને પોતાની પાછળ ઘસડ્યા કરવો એવો એનો હેતુ છે.” આવા અને આથી પણ વધારે અમર્યાદ વિચારો લાલાના હૃદયમાં ઉભરાઈ જવા લાગ્યા. દારૂથી મસ્ત થયેલો, અને જે મઝા ભોગવી હતી તેથી વ્યાકુલ થયેલો, એ નિંદ્રા લેઈ શક્યો નહિ. જે વૃદ્ધને એણે જોયો હતો તેની પ્રતિમા એના મનમાં એવી જડાઈ હતી કે તે ઉપરથી એને વૃદ્ધાવસ્થાનું ભય બહુજ લાગવા માંડ્યું, અને ગુલાબસિંહ જે નિત્યયૌવન ભોગવે છે તે લેવા માટેની એની ઉત્કંઠા બહુજ તીવ્ર થઈ આવી. ગુરુએ મના કરેલી તેથી જ તે આજ્ઞા તોડવાની તેને ઈચ્છા થઈ. સૂર્યનાં કિરણ જેમ જેમ ઓરડામાં પડતાં ગયાં, તેમ દિવસના વધતા જતા પ્રકાશે અંધકારના અનુષંગી જે ભય તેમને એની કલ્પનામાંથી, ઉડાવી દીધા, એ ભવ્ય ખંડેરમાં બીજા ઓરડા હતા તે કરતાં જે ઓરડો, ઉઘાડવાની ના કહેવામાં આવી હતી તેમાં એને કાંઈ સવિશેષ તફાવત જણાયો નહિ. સૂર્યના આવા પ્રચંડ પ્રકાશમાં કીયો અસુર કે ભૂત આવીને મને ખાઈ જનાર છે ! લાલાજીની પ્રકૃતિનું વૈચિત્ર્ય અથવા વિરોધિપણું એટલામાંજ હતું. કે એના તર્ક એને સંશયમાં નાખી દેતા અને તેથી એની નીતિવૃત્તિ બહુ અનિશ્ચિત અને શિથિલ થઈ જતી, એનું શરીર ધૃષ્ટતા પર્યંત સાહસવાળું થઈ ઉશ્કેરાતું, આવું હોવું એ અસાધારણ નથી; કેમકે સંશય અને સાહસ એ ઘણું કરી સાથે જ અવતરે છે. આવી પ્રકૃતિનો માણસ જ્યારે કોઈ કાર્ય કરવાનું કરે છે ત્યારે પોતાની જાતના ભયથી તે કદાપિ અટકતો નથી; અને પુણ્ય પાપનો કોઈ સંકોચ નડે તો તેને તે જેમ તેમ કરીને તે સમાધાનને રસ્તે ઉતારી લે છે. આ કારણથી મારૂં હૃદય આમ કઠિન થયું અને શાથી હું આ એકાએક ઉઠીને ચાલવા લાગ્યો તેને વિચાર કર્યા વિનાજ લાલાજી ત્સ્યેન્દ્રના ઓરડા આગળ ગયો અને જે બારણું ન ઉઘડવું જોઈએ તે ઉઘાડ્યું. જેવું હંમેશાં દેખતો હતો તેવુંજ તે સ્થાન હતું, માત્ર એક સ્થલે ત્યાં એક અતિપ્રાચીન ગ્રંથ ઉઘાડો પડેલો હતો. તેની પાસે ગયો, અને જે પાનું નજર આગળ આવ્યું તે ઉપર નજર ફેરવવા લાગ્યો, પણ તે લેખ કઈ કૃત્રિમ અક્ષરે લખેલો જણાયો. પોતાને આજ પર્યંત જે જ્ઞાન એ સંબધે મળ્યું હતું તેની સાહાયથી વાંચવા માડ્યું, તો આ પ્રમાણે કાંઈક એનાથી સમજાયું :—

“અંતર્જીવિત અનુભવવું એ બાહ્યજીવિત પ્રત્યક્ષ કરવા રૂપ છે; કાલથી મુક્ત થવુ એ સર્વમય થવામાં રહેલું છે. જેને ખરૂં રસાયન મળે છે તે આકાશતત્ત્વમાં રહેલું સર્વસ્વ જોઈ શકે છે; કારણ કે જેનાથી શરીર પુનઃ સજીવ અને સયૌવન થાય છે તેનાથી ઈંદ્રિયો પણ અસાધારણ પ્રભાવ પામે છે. તેજસ્તત્ત્વના મૂલસ્વરૂપમાં કોઈ અલૌકિક આકર્ષણશક્તિ રહેલી છે. જે કુંભમાં રસ ભરેલો છે તેને ઉઘાડતાની સાથેજ તેની પાસેના દીવા પણ સળગાવ; એટલે, જેમનું જીવિત માત્ર એ તેજરૂપી છે તેવા સત્વ માત્ર એ તેજથી આકર્ષાશે. ભય પામતો ના; ભય છે તેજ જ્ઞાનનો મહાન્‌ શત્રુ છે.” આ ઠેકાણેથી પેલા પુસ્તકના વર્ણ વળી કોઈ બીજી કૃત્રિમભાષાના હોય એમ જણાયું; પણ પોતે આટલું જે વાચ્યું તે શું પૂરું ન હતું ! વાત તો માત્ર એટલીજ હતી કે “ભય ન પામવુ” એમાં શી વિસાત છે ? ત્સ્યેન્દ્રે જાણી જોઈને જ આ સ્થલે એ ગ્રંથ ઉઘાડી રાખ્યો હોય એમ લાલાજીને લાગ્યું; તથા એમ પણ લાગ્યું કે ગુરુ જે કહેતા હતા તે કરતાં કસોટી તો બહુ જુદાજ પ્રકારની છે, વાસ્તવિક રીતે તો ધીરજની કસોટી કરવાને બહાને હીંમતની કસોટી કરવાની વાત છે. સાહસ નહિ પણ ભય એજ જ્ઞાનનો શત્રુ છે. ત્યારે તો શી ફીકર છે ! જે તાકામાં પેલા કુંભ ગોઠવેલા હતા ત્યાં લાલાજી ગયો અને જરા પણ ક્ષોભ પામ્યા વિના એણે એક કુંભનું ઢાંકણું ઉઘાડ્યું. તુરતજ આખો ઓરડો સુગંધમય થઈ ગયો. હવામાં જેમ હિરાકણીનો ભુકો પડતો હોય તેમ ચળકાટ થવા લાગ્યો. કોઈ અમાનુષ આનંદ એના અંગમાં ઉદય પામ્યો, અને પોતાનું આખું જીવિત જાણે આત્મમયજ હોય એવું ભાન એને થઈ ગયું. આખા ઓરડામાં ધીમે ધીમે કોઈ અતિ મધુર તથા હૃદયભેદક ગાન સંભળાવા લાગ્યું, એજ ક્ષણે બહાર કોઈનો શબ્દ સંભળાયો, ને તેને પોતાને કોઈ બોલાવે છે એમ લાગ્યું. તુરતજ બારણું ઠોકાયું અને “મહેરબાન ! અંદર છો કે ?” એમ ગુરુદાસનો સ્પષ્ટ શબ્દ લાલાને કાને પડ્યો. કુંભને ઝટ બંધ કર્યો, અને ગુરુદાસને કહ્યું કે તમે મારા ઓરડામાં જઈને બેસો. ગુરુદાસ ગયો ત્યાં સુધી લાલાજી ઓરડામાં રહ્યો, ને પછી બહાર નીકળ્યો; બારણું બંધ કરતાં પણ એને પેલું દિવ્ય ગાન સંભળાયાં જતું હતું, આનંદપૂર્ણ હૃદયે અને બહુ હલકે પગલે લાલાજી ગુરુદાસ પાસે ગયો, પણ જતાં એણે દૃઢ નિશ્ચય કર્યો કે જ્યારે કોઈ આવું ભંગાણ પડાવે એવો સંભવ ન હોય ત્યારે પાછું અંદર પેસવું અને પૂરે પૂરો અનુભવ કરી લેવો.

જેવો લાલાજી અંદર આવ્યો તેવો જ ગુરુદાસ બહુ આશ્ચર્યથી ચમક્યો, અને બોલ્યો કે “અહો ! મારા મહેરબાન ! આપ તો ખરેખરા બદલાઈ ગયા છો ! જવાનીને આનંદની મઝાનો રંગ જુદોજ લાગતા જણાય છે ! કાલે તો તમે એવા ફીકા અધમુઆ જેવા હતા; પણ પેલી દેવાંગનાની મધુર દૃષ્ટિએ તો આજ તમને સ્પર્શમણિ કરતાં પણ વધારે લાભ કર્યો જણાય છે.” આ. સાંભળતાંજ લાલાજીએ પાસેના એક દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોયું અને એને પણ ગુરુદાસના જેટલું જ આશ્વર્ય લાગ્યું. વિચારના ભારમાં વળી ગયેલું પોતાનું શરીર એને હવે બરોબર સીધું અને અક્કડ જણાયું; આંખો ચળકારા મારતી લાગી; ને અંદરના આનંદથી તથા નિરામયત્વના ઉત્પ્લવથી ગાલ અને ભાલ અતિ તેજસ્વી જણાયાં. રસાયનની ગંધમાત્રથી જ આટલું બધું થયું તો તેના પાનથી નવીન જીવન અને નિત્યયૌવન થાય એમાં સંશય નહિ.

“તમને અડચણ કરી તેથી મને ક્ષમા કરજો” ગુરુદાસે કહ્યું. “પણ તમારા ગુરુએ આ પત્ર હવણાંજ મોકલ્યું તે તમને આપવા આવ્યો છું.”

લાલાજીએ પત્ર વાંચવા માંડ્યું: “મારી ધારણા કરતાં હું સાતેક દિવસ વહેલો આવીશ; એટલે કે કાલે મારે આવવાની રાહ જોજો. પછી તારે જે ઈચ્છા છે તે પ્રાપ્ત કરવાની કસોટીએ હું તને ચઢાવીશ; પણ ભૂલતો ના કે તેમાં પાર પાડવા માટે તારે કેવલ આત્મસત્તામય થઈ જવું જોઈશું; સ્થૂલમાત્ર પરાસ્ત થઈ નિરસ્ત થવું જોઈએ, એક પણ વિષયવાસનાનો ગંધ રહેવો જોઈએ નહિ. શાસ્ત્ર અને યોગનું તને જ્ઞાન ભલે હોય, પણ તારે તારા સ્થૂલનો પરાજય કરવો જ જોઈએ. મને આશા છે કે તું એવોજ થયો હશે. આપણે મળીએ ત્યાં સુધી હવે ઉપવાસ કરજે અને ધારણામાં રહેજે.”

લાલાજીએ તિરસ્કારયુક્ત સ્મિત કરી એ પત્રને ચોળીને ફેંકી દીધું. ઉપવાસ ! રાગદ્વેષનો ત્યાગ ! ફરી પણ માથું કૂટો ! રાગ વિનાનું યૌવન ! બહુ થયું ત્સ્યેન્દ્ર ! તું હવે હાર્યો છે; તારો શિષ્ય તારી મદદ વિનાજ તારા રહસ્યને લેવાનો છે.

“મહેરબાન ! આપની પ્રિયાના ઘરની પાસેથી જ હું આવ્યો; મેં એનો તમારા નામથી જરા ઉપહાસ કર્યો ત્યારે એ શરમાઈ ગઈ ને નિરાશ જેવી થઈ ગઈ !”

“વાહ ગુરુદાસ ! તમારો બહુ ઉપકાર થયો કે તમે મને એવું સારું ઓળખાણ કરાવ્યું. તમે બહુ આનંદમાં રહો છો.”

“આનંદનું શું પૂછવું ? જવાની છે ત્યાં સુધી ભય શાનું ? માત્ર રતિ, દારૂ, ને રમત !”

“બરાબર છે. રામ રામ, આપણે પાછા મળીશું.”

છેક બપોર સુધી લાલાજીના મગજમાંથી, જે નવીન આનંદ ઉદય થયો હતો, તેની છાયા ખશી નહિ. આસપાસનાં જંગલોમાં ફરવા ગયો, પણ ત્યાં એ, પોતે જ્યારે ચિત્રકાર હતો ત્યારે જે સ્વાભાવિક અને અકૃત્રિમ આનંદ અનુભવાતો તેની કાંઈક છાયા એને સમજાવા લાગી. સમષ્ટિનો આનંદ કાંઈક પોતાની સમીપ આવતો હોય એમ એને લાગ્યું, અને પોતાની વ્યષ્ટિ એ સમષ્ટિ સાથે એકતાર થઈ એકજ લયમાં પડી છે એમ જરા જરા એને સમજાતું ચાલ્યું. જંગલનાં વૃક્ષાદિની પેઠે એને નવીન જીવિત આવવાનો સંભવ લાગવા માંડ્યો. એણે નિશ્ચય કર્યો કે અહો વનલીલા ! તારી વસંતનો બહાર એજ મારે નિરંતર અનુભવવો છે, તારો હેમંત કદાપિ દેખવો નથી, આવા વિચારના તરંગે ચઢી ચાલતાં ચાલતાં લાલો જંગલની બહાર આવ્યો. ખેડેલાં ખેતરમાંથી જતે જતે એક નાની ઝુંપડી એની દૃષ્ટિએ પડી, તેનું બારણું ખુલ્લું હતું; અંદર એક છોકરીને રેંટીઓ કાંતતી એણે દીઠી. પેલી છોકરીએ સહજજ મોં ઊંચું કર્યું, પાધરીજ આનંદથી જરાક ચોંકી લાલાજીની તરફ ધસી, અને એની કોટે વળગી પડી. એજ પેલી જન્માષ્ટમીની રાત્રીની ગોપિકા.

“ધીમેથી વાત કરજો, મારી મા અંદર ઉંઘે છે. મને ખાત્રી હતી કે તમે આવશોજ; તમારા પ્રેમને આધીન છું.”

“ત્યારે તેં મારા વિષે વિચાર કર્યો જણાય છે !”

“વાહ ! મને બીજો વિચારજ આવ્યો નથી. મારા પ્યારા ! હું તમને નથી સાંભરતી ?”

“મારા દિલમાં જેટલી જગા છે તે તારાથીજ ભરપૂર છે.”

“મારે પણ એમજ છે; પરંતુ પ્યારા ! તમે તો થોડા જ વખતમાં જુદા પડશો, ને હું—”

આટલે સુધી વાત આવી ત્યારે તો 'લાલાજીને વિચાર પડ્યો. આ ગોપીમાં કાંઈ મા જેટલી કાન્તિ ન હતી, પણ એની કાન્તિ માના જેટલી જ પ્રિયકર હતી, ક્વચિત્ એમ પણ મનાય કે 'લાલાની મા પ્રતિ જે વૃત્તિ હતી તે શુદ્ધ પ્રેમ ન હતો; અથવા માથી જે વૃત્તિઓ ઉદય પામી હતી, તે એવી તીવ્ર અને ગાઢ ન હતી કે જેને પ્રેમનું નામ ઘટે તેમ હો, પણ આ રમણીનાં કાળાં વિશાલ નયન જોતાં એને એમ લાગતું હતું કે હું એનોજ છું.

“ત્યારે તું આ તારા પહાડી રહેઠાણને બદલશે નહિ ?”

“એમાં મને શું પૂછે છે, તું જાણે છે. અમે પર્વતવાસિનીઓ કેવી છીએ તે ? તમે શહેરી લોક તે તો વચનના પણ જૂઠા, પ્રેમનું નામમાત્ર વાપરી એક ક્ષણભર મઝા શોધનારા ! અમે તો બોલ્યાં તેજ બોલ્યાં, અમારે તો પ્રેમ એજ જીવિત છે. આ સ્થાનને તજું ? ભલે, પણ મારો સ્વભાવ તો નહિજ તજાય.”

“તારો સ્વભાવ નિત્ય સાચવજે, તે તો બહુ મધુરો છે.”

“તું મધુર હોય ત્યાં સુધી મધુર; તું અમથી જુદો થાય તો અતિ ઉગ્ર, અમે આ સ્થાનની કુમારિકાઓ કેવી છીએ તે કહું ? જેને તમે પહાડી લૂંટારા કહો છો તેની છોકરીઓ હોઈ અમે અમારા પ્રિયતમની સહચરીઓ થવા ઈચ્છા રાખીએ છીએ. ભયમાં તમારી સાથે રહીએ છીએ, સુખમાં તમારી ગુલામ થઈ સેવા કરીએ છીએ; અમે કદાપિ વિકાર પામતી નથી; ને જે વિકાર પામે તેના ઉપર તીવ્ર વૈર વાળવા ચૂક્તી નથી. અમને ગાળ દો, મારો, કચરો, બધું સહન કરીએ, પણ અમારાથી લેશ પણ જુદાઈ કરો, તો કોઈ વાઘણ પણ એવી ક્રૂર ન હોઈ શકે. કેમ હવે તને મારા ઉપર પ્રેમ આવે છે ?”

આ ચતુરાઈથી લાલાજીને કાંઈ ભય લાગવાને બદલે ઉલટું સારું લાગ્યું, અને એણે કહ્યું “હા.”

“હા”–વાહ લાલા ! “હા” –બધાં વગર વિચારનાં તાઉ સ્વભાવનાં માણસ આવા ગુલાબી અધરે કરેલી પ્રાર્થનાને “હા” જ કહે; પણ જરા વિચાર, વિચાર ! તું કોણ છે ? રે ત્સ્યેન્દ્ર ! શા માટે તું તારા જવાન શિષ્યને આમ રખડવા દે છે ? આવા ભયની સમીપ જવા દે છે ? ઉપવાસ અને ઈંદ્રિયદમનના ઉપદેશ કર; તે બધા તું કરોડો કે કોણ જાણે કેટલાં વર્ષનો ટરચો તે પાલી શકે, પણ પચીસ વર્ષની વયે તો તને પણ તારા ગુરુએ આમ અથડાવા દીધો નહિ હોય !

એવી જ વાતોમાં એ બન્ને ત્યાંને ત્યાં ગળી ગયાં, પેલી છોકરીની માએ ઓરડીની અંદર કાંઈ ખળભળાટ કર્યો ત્યારેજ બન્ને જુદાં પડ્યાં, અને એ બાલા પાછી પોતાને રેંટીએ જઈ બેઠી.

ઘર તરફ વળતાં લાલાજી વિચાર કરતો ચાલ્યો કે “ત્સ્યેન્દ્રનામાં હોય તેના કરતાં તો આ બાલિકાનામાં વધારે જાદુ છે, છતાં મને ખાતરી નથી કે વૈર વાળવાને આટલી બધી તત્પર હોય એવી પ્રતિમા મને અત્યંત પસંદ પડે કે નહિ. પણ જેના હાથમાં ખરી કૂચી આવવાની છે તે એક સ્ત્રીનું વૈર પણ હરાવી શકે, ને બધા ભયમાંથી બચી શકે, એ સહજ છે.”

વાહરે વાહ ! શું તું ત્યારે તારા ગુરુથી પતિત થવા ઈચ્છે છે ? તેં તેની સામે થવા નિશ્ચય કર્યો છે ? ખરેખર ગુલાબસિંહ ! તેં એના વિષે એક વાર બરાબર કહ્યું હતુ કે “કોઠીને ધોવાથી તો કાદવજ નીકળે.”