લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૪:રક્તબીજ

વિકિસ્રોતમાંથી
← કોઠી ધોવાથી કાદવ ગુલાબસિંહ
રક્તબીજ
મણિલાલ દ્વિવેદી
ગૃહસ્થાશ્રમ →


પ્રકરણ ૬ ઠું.

રક્તબીજ.

મધ્યરાત્રીની શાન્તિ પ્રસરી રહી છે, આખા સ્થાનમાં સર્વત્ર ગાઢ સુષુપ્તિનું સાર્વભૌમ રાજ્ય વિસ્તાર્યું છે, ભવ્ય તારાગણની ઝાંખી પ્રભામાં બધું સ્થિરતાથી પડેલું છે; હવેજ સમય છે. દોઢ ડાહ્યો ત્સ્યેન્દ્ર, પ્રેમાવેશમાં રિપુ, ત્સ્યેન્દ્ર, જેની દૃષ્ટિ તારા ઉપર પડતાંજ તારા હૃદયની દશા સમજી જશે ! જેને પોતે શાન્તિ એ નામ આપે છે તેવા નિર્જીવ જડના આવરણને પેલી ગોપિકાનાં નેત્રોએ જરા ક્ષુબ્ધ કર્યું માટેજ, તને પોતાની પાસેનું રહસ્ય બતાવવા ના પાડશે ! –એ ત્સ્યેન્દ્ર કાલે સવારેજ આવશે. રાત નકામી જવા દેતો ના. ભય માત્રની સંભાળ રાખવાની છે; બીજું શું છે ! જો આ પલ ચૂક્યો તો, પછી કાલે આશા રાખીશ નહિ. માટે બહાદુર જવાન ! ઠીક કર્યું ! તારે હાથ છેવટ, પૂર્ણ ધૈર્યસહિત, પેલા બારણાનું તાળુ ઉઘાડે છે !

અંદર જે પુસ્તક પડ્યું હતું તેની પાસે દીવો મૂકી, લાલાએ પાનાં ફેરવવા માંડ્યાં. એને સમજવામાં કાંઈ આવતું નહિ, પણ આ પ્રમાણે કાંઈક દેખી થોભ્યો :—

“શિષ્ય જ્યારે આ રીતે તૈયાર થાય ત્યારે એણે બારી ઉઘાડવી, દીવા સળગાવવા, અને જે રસ કુંભમાં છે તેનાથી કપોલ સિંચવા; પણ તેને હજી પીવો નહિ, એ રીતે દિવ્ય ચમત્કારનો પરિચય વારંવાર અનુભવથી થતા પૂર્વે જો એ રસ પીવામાં આવ્યો તો જે અમર જીવિતની ઈચ્છા છે તે નહિ પણ તત્કાલ મરણ પ્રાપ્ત થશે.”

આટલેથી આગળ જતાં કૃત્રિમ અક્ષરો પાછા બદલાઈ ગયા એટલે 'લાલો કાંઈ વાંચી શક્યો નહિ, ઓરડાની ચારે પાસા સ્થિર દૃષ્ટિથી એણે તપાસવા માંડ્યું; એણે બારી ઉઘાડી તો સુખમય ચંદ્રપ્રભા અંદર આવવા લાગી; અને કોઈ ભવ્ય સત્ત્વ જાણે અંદર પ્રવેશ પામ્યું હોય તેવો ભાવ લાલાના હૃદયમાં પેદા કરવા લાગી. પેલા સાત દીવા એણે ઉતારીને વચમાં ગોઠવ્યા, અને પ્રગટ્યા, તેમાંથી રૂપેરી અને કાંઈક આસમાની જ્યોતો ખડી થઈ ગઈ, અને ચોતરફ બહુ શાન્ત પણ ભવ્ય પ્રકાશ વિસ્તરી રહ્યો. પણ એ જ્યોતિ તુરતજ ક્ષીણ જણવા લાગી કેમકે ઝીણા ધૂમ્ર જેવું કાંઈ ઓરડામાં ધીમે ધીમે છવાવા લાગ્યું. તેની સાથેજ આપણા ભાવિ સિદ્ધને તો રુંએ રુંએ શીત ઢળી ગયું, અને મરણનો પોતાનોજ પંજો જાણે તેના ઉપર પડ્યો હોય એમ પ્રતિત થઈ. આવા ભયનું સહજ ભાન હોવાથી, એ ઉભો થયો અને અંગો પાષાણવત્ ગતિવિહીન થયા હતાં તો ૫ણ જેમ તેમ તાકામાંથી કુંભ લેઈ તેમાંના રસ વતે લમણાને પલાળવા લાગ્યો, ને તેનો સુગંધ લેવા લાગ્યો. પ્રાતઃકાળે આવા પ્રયોગથી જે સત્ત્વબલનો ઉદય થયો હતો તેવોજ આ સમયે અધિકતર અનુભવવા લાગ્યો, ને મરણદૂત શીત દૂર થઈ જઈ અગે અંગ હવામાં ઉડી શકે તેવાં હલકાં થઈ ગયાં. હવે શું થાય છે તે જોવા માટે, આનંદ પામતો નયન વિકાસી મુદ્રા બાંધીને લાલો બેઠો.

પેલો જે ધૂમ્ર પ્રકટ થયો હતો તે હવે ગાઢ મેઘ જેટલો દૃઢ અને સ્થિર થયો, ને દીવા તેમાં માત્ર તારા જેવા પ્રકાસવા લાગ્યા. એ મેઘશ્યામ ધૂમ્રમાં દૃષ્ટિ પરોવતાં લાલાને અનેક આકૃતિઓ તેમાં વિચરતી જણાઈ. તેમનામાં રુધિરમાં સાદિ કાંઈ હતાં નહિ, તેમનાં શરીર પારદર્શક હતાં, અને સર્પકુંડલીની પેઠે લાંબાં ટુંકાં સંકોચાઈ શકતાં હતાં. તેમની નિયમિત ગતિને અનુરૂપ કોઈ વિલક્ષણ નાદ પણ લાલાના કાનમાં પ્રતીત થવા લાગ્યો, અને જાણે પેલાં એક એકના મુખથી નીકળતા નાદ ઝીલતાં હોય એમ એને સમજાવા લાગ્યું. પણ એ ગૂઢ અને સૂક્ષ્મ સ્વરમાં પણ એને કોઈ શાન્ત આનંદનો રસ રહેલો લાગ્યો. પેલાં સત્ત્વો એની કશી દરકાર કરતાં ન હતાં. તેમનામાં ભળવાની, તેમની પેઠે હવામાં તરવાની, ને તેમનું આનંદગાન અનુભવવાની લાલાને પણ લાલસા થઈ. એણે હાથ લાંબા કર્યા. કાંઈક કહેવાનું કર્યું, પણ માત્ર કોઈ ભાગો તૂટો શબ્દજ બોલી શક્યો, ને પેલાં સત્ત્વોએ તેની કશી દરકાર વિના જેમ કરતાં હતાં તેમનું તેમ કર્યા કર્યું. ધીમે ધીમે તે બધાં ઉંચે ચઢવા લાગ્યાં, ને એમ કરતાં એક પછી એક બારીએ થઈ બહાર જતાં રહ્યાં. પણ તેજ સમયે જેવો લાલાજી વાંકો વળી તેમને શોધવા માટે ચંદ્રપ્રકાશમાં પોતાની દૃષ્ટિ લંબાવે છે, તેવામાં જ કોઈ વિકરાલ સત્ત્વના સાનિધ્યથી બારીમાંનો પ્રકાશ અસ્તપ્રાય થયો, અને એના અંગમાં આનંદને સ્થાને અતિ પ્રગાઢ ભય વ્યાપી ગયું. ધીમે ધીમે એ ગોળો પીંડાળો કાંઈક આકૃતિમાન્ થયો; પણ તેના શરીરનો કોઈ ભાગ સ્પષ્ટ જણાતો ન હતો, માત્ર એક મહા પર્વત જેવો કાળો મેશનો ઢગલો દેખાતો હતો ને તેને માથે બે એવી વિકરાલ અને ભયંકર આંખો રાતા અંગારની પેઠે ચકચકતી હતી કે જેના અગ્નિ આગળ શૂરામાં શૂરાનું વીર્ય પણ પીગળી જાય, અને જેના તેજથી ગમે તેવા દૃઢ પણ પાછા હઠી જાય, મપુરીના કરાલ યમકિંકર, કે નરકયાતનામાંના નિતાંત પ્રજ્વલતાં અગ્નિ આદિ સાધન, તેનું ભય પણ આ નેત્રયુગલની બરાબરી કરી શકે તેમ ન હતું. ને અધિકમાં એમ હતું કે એ આંખો કોઈ અમાનુષ સત્ત્વની હોય તેવી ન હતી; મનુષ્યના હૃદયમાં જે જે વૈર, દ્વેષ, ઈર્ષ્યા, ક્રૂરતા આદિ નરકયાતનાના સહોદર ભાવ કલહ કરે છે તે બધા એ બે તેજોબિંદુમાંજ એકત્રિત થયેલા હતા, અને તે જેના ઉપર પડે તેનામાં પરાવર્તન પામી તેને ધ્રૂજાવી કે ગાંડો કરી મારી નાખવા સંપૂર્ણ કરતાં અધિક હતા.

“તું અનન્ત આકાશમાર્ગમાં પેઠો છે. તે માર્ગના ઉમરા ઉપર જેની ચોકી છે તે વિકરાલ ક્તબીજ મને જાણ. મને આજ્ઞા કર. કેમ બોલતો નથી ? તને શું મારૂં ભય લાગે છે ? તેં મને મળવા માટેજ ત્યારે માનુષસુખનો ત્યાગ કર્યો નથી ? આવ આપણે ભેટીએ; તારે જે જોઈએ તે મારી પાસે છે.” આમ કહી એ સાક્ષાત્ કાલમૂર્તિ પાસે પાસે આવવા લાગી, અને લાલાની એટલે સુધી પાસે આવી કે બન્નેના શ્વાસોચ્છવાસ ભેગા મળ્યા. લાલો એક ચીસ પાડી પૃથ્વી ઉપર પડ્યો, ને બેભાન થઈ ગયો. બીજે દિવસે બપોરે જાગ્યો ત્યારે પોતે બીછાનામાં પડેલો છે, અને પાસે ગુરુદાસ તીર કામઠું સુધારતો તથા એકાદ રાસનો ગણગણાટ કરતો બેઠો છે.