ગુલાબસિંહ/તરંગ ૫:બે મિત્ર

વિકિસ્રોતમાંથી
← રક્તબીજ કેમ શમે ? ગુલાબસિંહ
બે મિત્ર
મણિલાલ દ્વિવેદી
લાલાજીનો વેપાર →


પ્રકરણ ૨ જું.

બે મિત્ર.

ટાઢ ઘણી પડે છે, શગડીનાં લાકડાંને ખંખેરો; અંગારા જાગ્રત કરો, દીવો સંકેરો. વાહ ! શી સુખાકારી, શાન્તિ અને વ્યવસ્થાનું રમ્યસ્થાન ! ધન્ય છે તને — ખરી દુનીયાંદારીની જ તું મૂર્તિ છે !

છેલ્લા પ્રકરણમાં જે વૃત્તાન્ત કહ્યો તે સમય પછી થોડાક સમય ઉપરની વાર્તા આપણે અવલોકીએ છીએ. આપણે હવે ક્યાં આવ્યા છીએ ? ચંદ્રપ્રકાશમાં રમતા ગંગાતરંગને કાંઠે નહિ, કે નહિ ભવ્ય અને ભયપ્રેરક ખંડેરોની અગાધ ભવ્યતાને આરે, — આપણે અત્યારે તો વીશ ગજ લાંબા અને પંદર ગજ પહોળા દીવાનખાનામાં ઉભા છીએ — બીછાનાં, ગલીચા, ગાદી, તકીયા, ચાદરો, રોશની, ભીંતો ઉપર ભાત ભાતના ચિત્રના તકતા, એ બધાં લાગી રહ્યાં છે ત્યાં દાખલ થયા છીએ. શેઠ રામલાલ કોટા શહેરના મુખ્ય સરાફ ! ખરેખર તું ઠીક ફાવ્યો છે ! તારી સ્પર્ધા કોઈને પણ કરવાની ઈચ્છા થાય એવી મારી સ્થિતિ છે ! પૈસાની છોળોમાં રમતાં તું પૈસાનેજ પરમેશ્વર માની કશાનો હીસાબ ગણતો નથી, બધુ પૈસાને નમે છે, વિદ્યા, કલા, ચાતુરી બધું પૈસાની હેઠે છે, એમ માની મહા શઠ અને અભિમાની થઈ ગયો છે. લાલાજી તને કોઈ વાર સાંભરે છે પણ તું પોતે જેવો ફાવ્યો તેવો એ ન ફાવ્યો એટલોજ વિચાર તારા હુંપદને સંતોષ ૫માડી તારા મનમાંથી ચાલ્યો જાય છે.

દિલ્હી તરફ રખડી આવ્યા પછી નામું ઠામું તપાસી કાબેલ થવા માટે પ્રયત્ન કરવાનું રામલાલને ફાવ્યું, અને એના પિતાના મરણથી એને એક સારી નામાંકિત પેઢીમાં મુનીમની જગો મળી, આ પેઢી તેના કાકાની હતી અને તેને પેટ સંતાન હતું નહિ એટલે ચારે દહાડે તેનો માલિક પોતે થયો. રામલાલે આ પેઢીને ઉત્તમ પંક્તિએ લાવવાના પ્રયાસમાં કશું બાકી રાખ્યું નહિ. એક તરફ આ પ્રયાસ ચાલતો રહ્યો તેમ બીજી તરફથી પોતાના ગૃહસુખ માટે પોતે પરણવાનો પણ યોગ સાધ્યો, પોતે ઉંચા કુલનો હતે છતાં પહેરામણીની લાલચે એણે અયોગ્ય સંબંધ બાંધ્યો નહિ. રામલાલ પૈસાનો લોભી હોવા કરતાં દુનિયાંદારીના ડહાપણનો ચહાનાર વધારે હતો. એને પ્રેમના કોઈ કલ્પિત ભાવ ઉપર આસક્તિ ન હતી. એના ડહાપણ પ્રમાણે એને એમ સ્પષ્ટ ખાતરી હતી કે જે ગૃહિણી કરવી તે ખરેખરી સહચરીરૂપ થાય તેવી કરવી, એક કલ્પિત પ્રેમના વેપારના સટ્ટાના સાધનરૂપ ન વહોરવી — કાન્તિ કે તીવ્ર બુદ્ધિની એને દરકાર ન હતી. પણ તંદુરસ્તી અને ખુશમીજાજ તથા કામ પડતી અક્કલ એજ એને જરૂરનાં લાગતાં હતાં. અર્થાત્ એણે પોતાની બુદ્ધિના તર્કને અનુસારેજ પત્ની આણી. પ્રેમના પ્રભાવથી તણાઈને પસંદગી કરી નહિ. એની નાતમાં મહોટી ઉમ્મરની કન્યાઓ મળવી સુલભ હતી; એટલે આ પ્રમાણે કરવામાં એને કશી હરકત પણ પડી નહિ. પ્રારબ્ધયોગે એની પસંદગી નીવડી પણ ફતેહવાળી. રામલાલની વહુ બહુ સારી યુવતી હતી — ધાંધળીએણ વ્યવસ્થા રાખનારી, કરકસરવાળી, પણ પ્રેમાલ અને ભલી હતી; જરા મનસ્વી હતી, પણ કપરી ન હતી, ગૃહિણીનો હક કોઈ ઘરમાં કેટલો જોઈએ તેની તેને બહુ દૃઢભાવના હતી, અને સુખ સાથી પેદા થાય તેના વિચાર તેના મનમાં પ્રધાન હતા. પોતાના પતિને જો બીજી ઉપર નજર સરખી કરતાં દેખે તો તેને જરા પણ માફ કરતી ન હતી, પણ તેના બદલામાં પોતે બહુ ઉત્તમોત્તમ નીતિને માર્ગે ચાલતી. પરપુરુષ સામું જોવું, કે ઠઠ્ઠા મશ્કરી કરવી, કે વાતો કરવી, એ બધી વાતો જે અતિ જુજ હોવા છતાં ઘણાક ઘરમાં ભારે સળો દાખલ કરી દે છે અને અસ્થિર મનની સ્ત્રીઓને મહા કષ્ટના ખાડામાં દોરી જાય છે તેને એ બહુ જ ધિક્કારતી. છતાં પણ પતિનામાંજ આખું હૃદય રોકવું એ વાતને તે પસંદ કરતી નહિ — પોતાનાં માતાપિતા, ભાઈભાંડું, કાકા, મામા, માસી, મિત્રો સર્વને માટે થોડો થોડો પ્રેમ બાકી રાખતી. મતલબ કે તે સગાંસવાદીએણ પણ પૂરી હતી; અને એવા સંબંધો કાયમ રાખવામાં કદાપિ રામલાલ ન હોય ત્યારે લાભનો સંભવ વિચારી બહુ કાળજી રાખતી. ખાવા પીવાનું પણ બહુ સારી જાતનું તેને ગમતું, અને શક્તિ પ્રમાણે તેમ રાખી શકાય એમ પણ હતું. તેનો સ્વભાવ એક સરખોજ રહે. પણ ક્વચિત્ રામલાલને એક બે સપાટા મારવા હોય તો ચૂકે તેમ ન હતું. રામલાલે ચોખે પગે ગાદી ઉપર બેસવું એ વાતની તેને બહુ કાળજી રહેતી કેમકે ચાદરો વારે વારે ધોવરાવવાથી ખરચ બહુ થતું ને લુગડાનો આવરદા ઓછો થતો. એનો મીજાજ ગરમ ન હતો તોપણ ગુસ્સે થાય ત્યારે જોઈએ તેટલી ગરમી તે બતાવી શકતી. ધીમેથી ગંભીરતા સાથે રામલાલને અડાવતી, પોતાના ગુણની વાત તેને સંભળાવી દબાવતી, પોતાના કાકાનો મરતબો અને તેની ત્રીશ હજારની દોલત જે તે લાવી હતી તેનું તાનું મારતી–પરંતુ રામલાલ પણ ખુશમીજાજી માણસ હતો એટલે પોતાની ભૂલ કબુલ કરી ગુણને વખાણતો, એટલે સમાધાન થઈ જતું.

ઘેર ઘેર માટીના ચૂલા, બૈરાં ભાયડાને ઠીકાઠીક તો ન જ ચાલે, પણ રામલાલના ઘરમાં થોડામાં થોડા કજીયા થતા. રામલાલની વહૂને ભપકાદાર સાડીઓ, અને કીનખાબની ચોળીઓનો, કાંઈ ભારે શોખ નહોતો, તેમ કંગન, તુશી, હાંસડી, ટુંપીઆ, કડાં વગેરેનો પણ ભભકા ખાતર આગ્રહ ન હતો, તથાપિ પોતાની પ્રતિષ્ઠા અને પોતાના ઘરની આબરૂ સચવાય એટલાં લુગડાં ઘરેણાં વિના તેને ચાલતું નહિ. એટલે એકની એક જાતનાં લુગડાં ઘરેણાં રાત દિવસ શરીરે ભરવી મૂકવામાં હલકાઈ કે ગરીબાઈ સમજતી હતી, તેથી સવારે બપોરે ને સાંજે ત્રણ જુદા જુદા પોશાખ અને જુદાં જુદાં ઘરેણાંની જણસો પોતે પહેરવાની કાળજી રાખતી. ઉઠીને દાતણ કરે ત્યારે એક હોય તો જમીને બદલે તે વખત બીજી થાય અને સાંજે દેવદર્શન કે છેડા બેસણે જતાં ત્રીજું ધારણ કરે. તેની કન્તિ પણ સારી હતી. પરંતુ તેના લાંબા નાકને લીધે તે હતી તે કરતાં જરાક વધારે ઘરડી જણાતી હતી. એને ધર્મ ઉપર સારી શ્રદ્ધા હતી, બે આંકડા ભણેલી હતી એટલે ગીતા તથા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરતી કે દેવ મંદિરમાં જઈ રામાયણ કે ભાગવતની કથા સાંભળતી એમાં પણ પ્રતિષ્ઠાની વાત મુખ્ય હતી.

શીયાળાની પોષ મહીનાની ટાઢ પડવા લાગી હતી એવે સમયે રાત્રીએ આ જોડું ગામ બહારના મહાદેવનાં દર્શન કરી ઘર આગળ આવીને શગડીએ તાપતું બેઠું છે. બાઈ એક તરફ બેઠાં હતાં ને ભાઈ એક તરફ બેઠા હતા.

“ખરેખર પ્યારી | લાલો ગમે તેવો ગાંડીઓ હતો તો પણ ઘણોજ વહાલો લાગે તેવો અને પ્રેમાલ સોબતી હતો. તને એ ઘણોજ પસંદ પડત- બધી સ્ત્રીઓને પસંદ પડતો.”

“ચાલો ચાલો આવી તે વાત કેવી ! માફ કરજો, પણ બધી સ્ત્રીઓને પસંદ પડતો એટલે શું ?”

“હું ભુલ્યો, ખરી વાત છે, મારી કહેવાની મતલબ એટલીજ છે કે સ્ત્રીઓની આનંદી જાતને તે વધારે મળતાવડો થઈ પડતો ?”

“ત્યારે તો હશે કોઈ ફક્કડ, વહી ગયેલો.”

“ના ના, વહી ગયેલો તો નહિ; જરાક અસ્થિર મનનો — બહુજ વિચિત્ર — પણ વહી ગયેલ તો નહિ જ. બહુ સાહસવાળો, અને માથાનો ફરેલ, પણ શરમાળ અને ગરીબ પ્રકૃતિનો — ટુંકામાં બૈરાંને સારો લાગે એવો. એ વાત તો ઠીક, પણ એના વિષે જે વાત મેં સાંભળી છે, તેથી મને બહુ ઉત્સુકતા વધી છે. એમ સાંભળ્યું છે કે કોઈ ઘણીજ વિલક્ષણ અને અનિયમિત રીતિએ તે રહે છે, આમતેમ રખડે છે, ને બહુ ખર્ચમાં પણ ત્યારે તો આવી પડ્યોજ હશે !”

“ખર્ચની વાત ઠીક કહી; આપણે પણ આપણો મોદી બદલવો જોઈએ, રસોઈઆ સાથે કાંઈક મસ્લહત સમજાય છે.”

“એમ હોય તો બહુ ખોટું — પણ એનું સીધું સારું આવે છે. અહીંના ચાકર તો એવાજ હોય છે, પણ આ બીચારો લાલો !—”

આવી વાત ચાલે છે કે “લાલો” એટલો શબ્દજ રામલાલના મોંઢામાંથી નીકળ્યો છે તેવામાં જ કોઈએ બારણું ઠોક્યું કે શેઠાણી ચમકી ઉઠ્યાં “વળી અત્યારે તે કોણ હશે ! દશ ઘડી તો રાત ગઈ છે !”

“વખતે તારા કાકા હશે.” રામલાલે જરાક કરડાકીમાં કહ્યું ને ઉમેર્યું કે “એમની મહેરબાની ઘણું ખરું આ વખતેજ થાય છે.”

“પ્રિયતમ ! હું આશા રાખું છું કે મારાં કોઈ સગાં તમને ભારે તો નહિજ પડતાં હોય. મારા કાકા બહુ આનંદી માણસ છે — ને વળી પોતાની મીલકતના પોતેજ પૂરા માલીક છે.”

“એ જેવું બીજું કાંઈ મને વધારે પ્રિય નથી” એમ રામલાલે “એ” ઉપર જરાક ભાર દઈને ઉત્તર આપ્યું.

એટલામાં ચાકર લાલાજીને અંદર લઈ આવ્યો.

લાલાજી !” શેકાણીએ સહજ આશ્ચર્યપૂર્વક કહ્યું “અહો ! અત્યારે આજ — આટલે દહાડે ક્યાંથી ?”

ઘણા વખતના વિયોગ પછી મળતાં પૂર્વના સ્નેહસંસ્કાર જાગ્રત્ થઈ જેવા ભાવથી બે મિત્રો મળે તેવા ભાવથી લાલાજી અને રામલાલ પરસ્પર ભેટ્યા. તુરતજ રામલાલે પોતાની પત્નીનું લાલાજી સાથે વધારે ઓળખાણ કરાવ્યું, અને તેણે બહુ ગંભીર વદને જરા સ્મિતપૂર્વક, પણ પોતાના પતિને લાલાજીના હાલ હવાલ ઉપર ઈશારો મારતે મારતે “તમે આવ્યાથી અમે બહુ રાજી થયાં” એમ કહ્યું.

રામલાલથી છૂટ્યો તે પછીથી તો લાલાજી કેવલ બદલાઈ ગયો હતો. વર્ષ તો માત્ર બેજ થયાં હતાં પણ એના ગોરા વદન ઉપર જરા શ્યામતા આવી ગઈ હતી આકૃતિ વધારે પાકી થઈ હતી. આનંદી તારુણ્યના તેજને સ્થાને વદને ઉપર કરચલીઓ આવી ગયેલી હતી, અને ચિંતા, ગાઢ વિચાર, કે દારૂબાજી અને ઈશ્કનાં લક્ષણ સૂચવતી હતી. એક વારની અતિ વિનય અને વિવેકવાળી રીતભાતને સ્થાને અત્યારે આકૃતિ, વાણી, અને વ્યવહારમાં કોઈ વિલક્ષણ પ્રમાદ દર્શન દેતો હતો ને એ ઉપરથી સભ્ય લોકો જેવો આચાર પાલે તેવા આચારની કશી દરકાર ન કરનાર મંડલમાં લાલાજી રહ્યો હોય એમ અનુમાન થઈ શકતું હતું. છતાં પૂર્વે ન જણાયલી એવી કોઈક વિચિત્ર ઉદારતા એના આખા દેખાવથી પ્રતીત થતી હતી, અને એના પ્રમત્ત વચન તથા ચેષ્ટાને કોઈ અપૂર્વ ભવ્યતા અર્પતી હતી.

રામલાલ ! ત્યારે તું તો ઠેકાણે પડ્યો ! તને ઠીક પડે છે એ તો પૂછવા જેવું નથી. ગુણ, અક્કલ, પૈસા, અને ચારિત્ર એટલાંને સુખ મળવુંજ જોઈએ.”

લાલાજી ! વાળુ માટે ચાલશો !” શેઠાણીએ ધીમેથી પૂછ્યું.”

“ના — મને ભુખ નથી — હું અને રામલાલ સમજી લેઇશું, રામલાલ ! લાવ, શીશો મંગાવ — મારાં ભાભીની આપણે કશી ફીકર નથી — એમની માફ માગી આપણે મોજ કરીશું.”

રામલાલની વહૂ તો મનમાં હરિ હરિ કરતી અંદરના ઓરડામાં જઈને સૂઈજ ગઈ. રામલાલ ઉત્તર આપે તે પહેલાં તો લાલો ચોતરફ જોઈ બોલ્યો “ અહો ! છેવટે કોટા સુધી હું આવ્યો ! અહીં તો મને નીરાંત વળશેજ.”

“ત્યારે લાલા ! તું માંદો પડ્યો હતો કે શું ?”

“માંદોજ તો — હં હં હં — ઘર બહુ સારું છે, રામલાલ ! મારા જેવાને પડી રહેવા જેવી ઓરડી બોરડી છે કે નહિ ?”

રામલાલે બે ચાર હોકારા પાડ્યા પણ શેઠાણી તો બહાર આવ્યાં નહિ — લાલાજીએ કહ્યું “મારી શરમ રાખવાનું કારણ નથી ” પણ ઉત્તર મળ્યું નહિ — રામલાલનો મિજાજ છેક ખશી ગયો.

“અરે પ્યારી — પ્યારી — આ શુ” છેવટ રામલાલે નરમાશથી કહ્યું ત્યારે તેની પત્નીએ ઉત્તર આપ્યું “શું છે ?”

રામલાલે કહ્યું “મારા મિત્રને સૂવા માટે કીયો ઓરડો તૈયાર કરીશું ?”

પણ મિત્ર તો તકીયે ૫ડ્યો હતો ત્યાંજ લાંબા ટાંટીયા કરી શગડીમાંના દેવતા ઉપર એકી નજરે જોઈ રહ્યો હતો. તે પોતે પૂછેલી વાત તદ્દન વીસરી ગયો હતો.

રામલાલની પત્નીએ જરા મિજાજથી કહ્યું “હાવેજ — શા માટે નહિ — હમણાં તૈયાર છે — તમારા મિત્રો અહીંયા ક્યાં પારકું ગણે છે.”

એટલું કહીને એક દીવો સળગાવી ઠસ્સાબંધ શેઠાણી ચાલ્યાં, અને બંદોબસ્ત કરીને પાછાં આવ્યાં ત્યારે તો રામલાલ અને લાલો રામલાલની ખાનગી કોટડીમાં ભરાઈ ગયા હતા.

મધ્યરાત્રીનાં ચોઘડીયાં સંભળાયાં પણ એ તો હાલ્યાએ નહિ કે ચાલ્યાએ નહિ. શેઠાણીએ ત્રણ ત્રણ વાર કાંઈ ને કાંઈ મિષ કાઢીને બાંદીને તેમની પાસે મોકલી; પ્રથમ પૂછાવ્યું કે કાંઈ જોઈશું ? વળી કહાવ્યું કે લાલાજીને સૂવાની પથારી તૈયાર છે. ત્રીજી વાર પૂછાવ્યું કે લાલાજીનો સામાન ક્યાં મૂકવો છે ? પણ આ બધા પ્રશ્નોના ઉત્તરમાં લાલાજી મહોટે હોકારે “ભર યાર, ફરી ભર, ઉઠાવ” એવા જે શબ્દો બોલતો હતો તેજ મળતા હતા.

છેવટ રામલાલે પોતાની પત્નીના ઓરડામાં છેક પરોઢીએ ગયો — જરા પણ દિલગીર ન હતો, માફ માગતો ન હતો, કશું નહિ; આંખ દબાતી હતી, મોઢે તેજનો ચમકાટ રમી રહ્યો હતો, પગ લથડતા હતા, તે એકાદ ભાગુ તૂટૂ તાન ભારવામાં તેને આનંદ લાગતો હતો, શેઠાણીએ ઘણીક આજીજી કરી, ઘણો ધમકાવ્યો, પણ કાંઈ સાંભળેજ કોણ !