ગુલાબસિંહ/તરંગ ૫:લાલાજીનો વેપાર

વિકિસ્રોતમાંથી
← બે મિત્ર ગુલાબસિંહ
લાલાજીનો વેપાર
મણિલાલ દ્વિવેદી
અંબિકા →


પ્રકરણ ૩ જું.

લાલાજીનો વેપાર.

બીજે દિવસે સવારમાં શગડીએ તાપતાં ત્રણે જણ બેઠાં હતાં ત્યાં રામલાલની પત્નીએ મહા અપમાન થયું હોય અને બહુ ખાટું લાગ્યું હોય તેવી આકૃતિ કરી રાખી હતી. રામલાલ તો મૂર્તિમાન્ પશ્ચાત્તાપ અને ક્રોધપ્રતીકાર રૂપ થઈ રહ્યો હતો. માથુ દૂખે છે એટલા શબ્દો વિના બીજું કાંઈ તે બોલતો ન હતો. પાસે આણેલા દૂધને પાછું લઈ જવા કહેતો હતો. અભેદ્ય, અજ્ઞાત, પરિતાપહીન, પશ્ચાત્તાપ વિનાનો લાલાજી તો ખુબ આનંદે ચઢી તડાકા હાકતો હતો અને ત્રણેના બોલવાની ગરજ સારતો હતો.

“ભાભી ! રામલાલ બીચારો બદલાઈ ગયો ! પહેલાં કેવો આનંદી હતો ! એક બે રાત મારી સાથે રહેશે એટલે ઠેકાણે આવી જશે.”

“ભાઈ સાહેબ !” રામલાલની પત્નીએ પ્રથમથી ગોઠવી રાખેલું એક વચન ભાષણ કરવાની છટા ધારણ કરી કહ્યું — “મને માફ કરજો, પણ તમારે જાણવું જોઈએ કે તમારા ભાઈ થોડા દહાડામાં દીકરાના બાપ થશે,ને અત્યારે ઘરના ધણી છે.”

“એટલાજ માટે મને એની અદેખાઈ આવે છે, મારે પણ પરણવું છે. સામાનું સુખ દેખીને આપણને પણ ચેપ લાગે છે.”

રામલાલે મરતે મરતે કહ્યું, એવી ઈચ્છાથી કે લાલો ઠીક સપાટામાં આવ્યો છે, “ચિત્રકલા હજુ ચાલે છે કે નહિ ?”

“કાંઈ નહિ; તારી શીખામણ મેં હવે માથે ચઢાવી છે, હવે કશી કલાકે ભાવનામાં મઝા આવતી નથી, પ્રત્યક્ષ જગત્‌માંજ આનંદ છે. જો હું હવે ચિત્ર કરૂં તો મને ખાતરી છે કે તું તેને ખરીદે, ચાલ ચાલ યાર, દૂધ પી લે. મારે તારી સાથે બહુ વાત કરવાની છે. હું કોટા સુધી અમથો નથી આવ્યો, મારે પણ હવે કમાવું છે, તો તારા અનુભવની અને તારી સલાહની મારે બહુ જરૂર છે.”

“અહો ! ત્યારે તો પેલા કીમીઆ અને રસાયનના વિચાર ઉડી ગયા કે શું ! પ્યારી જાણે છે ? અમે છૂટા પડ્યા તે વખત લાલાજીને એજ ભૂત વળગ્યું હતું.

“આજ તમે ખુશ મીજાજમાં જણાઓ છો.”

“પ્રથમથી મેં કહેલું છે.”

લાલાજી એકદમ ઉભો થયો.”

“જવા દે દોસ્ત ! મુર્ખાઈ અને હઠીલાઈની એ વાર્તા વળી શીદ સંભારે છે ? માણસમાત્ર જે ધંધા કરે છે તેવો કોઈ ખેાળી લેવા માટે હું અત્ર આવ્યો છું એમ મેં તને કહેલુંજ છે. જેને તું વ્યવહાર કહે છે તેના જેવું સુખકર, ઉન્નત, અને આપણા સ્વભાવને અનુકૂલ બીજું શું હોય ! આપણામાં જો કાંઈ શક્તિ હોય તો તેનો ઉપયોગ શો ? તેના બને તેટલા પૈસા કરવા ! હર કોઈ ચીજ ખરીદીએ છીએ તેમ જ્ઞાન પણ ખરીદવું; થોડામાં થોડી કિંમતે ખરીદવું, ઘણામાં ઘણી કિંમતે વેચવું. ચાલ, ચાલ, હવે કેટલીક વાર !”

બંને મિત્રો રસ્તામાં નીકળી પડ્યા, રામલાલની પોતાની આબરૂ પ્રતિષ્ઠા પ્રિયા વગેરે બાબત વિષે લાલાજી જે ટોળ ટપ્પા મારતો હતો તેથી રામલાલ બહુ શરમ પામતો હતો. પૂર્વે એમ હતું કે રામલાલની કાંઈક અસર લાલા ઉપર હતી, પોતે તેને ઉડાવતો, બનાવતો, ને લાલો પોતાની વિલક્ષણતાથી શરમાઈ જતો. હવે વાત અવળી થઈ ગઈ હતી. લાલાના બદલાયેલા મિજાજમાં કોઈ એવો આવેશ ભરાયો હતો કે રામલાલની પ્રકૃતિનું સાધારણપણું તેના આગળ દબાઈ જતું હતુ. લાલો એમજ માનવામાં સામર્ષ આનંદ સમજી લેતો કે દુનીયાંમાં જે લોક સીધુ જીવન ગાળે છે તે નીચ અને ગર્હ્યજ છે.

“ખરેખર” તે બોલી ઉઠ્યો “પ્રતિષ્ઠિત રીતે લગ્ન કરી લેવાનું તું મને કહેતો હતો તે બરાબર હતુ – એમ કરી આબરૂદારમાં ગણાવું ખરૂં હતુ; આખી દુનીયાં અને પોતાની બૈરીથી રાત દિવસ ડરતાજ રહેવું જોઇએ; ને એમ ગરીબ લોકની અદેખાઈને અને પૈસાદારના માનને પાત્ર થવું જોઈએ. જે વાત તું કહેતો હતો તે તે કરી બતાવી છે. બહુ સુખ ! દહાડે દુકાનના ચોપડા અને રાતે ગોદડામાં ભાષણ ! અહો-હો-હો ! કેમ દોસ્ત ! ફરી એવી રાત મચાવીશુ ?”

રામલાલે કચવાટ અને નિર્વેદથી વાત લાલાના વ્યવહારકાર્ય ઉપર ફેરવી નાખી. એ ચીતારાએ એકાએક દુનીયાંદારીનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તે જોઈ રામલાલને આશ્ચર્ય લાગ્યું, અને વધારે નવાઈ તો બજારમાં ચાલતા બધા ભાવ તાલ વિષે જે ચોક્કસપણાથી લાલો વાત કરતો હતો તેથી લાગી. ખરેખર લાલો નક્કી દુનીયાંદારીમાં પડવાની તૈયારીમાં હતો – અને પૈસા અને પ્રતિષ્ઠાની ઈચ્છા થઈ હતી — અને પોતાના પૈસાના ઓછામાં ઓછા બાર આના ઉપજાવવાનો એનો નિશ્ચય હતો.

લાલો થોડાક દિવસ પિતાના વેપારી મિત્ર સાથે રહ્યો, પણ તેટલામાં એના આખા ઘરને ઉંધું ચતુ કરી નાખ્યું – રાતને દિવસ કરી મૂકી – વ્યવસ્થાને અવ્યવસ્થા બનાવી દીધી – રામલાલની પત્નીને ગાંડા જેવી બનાવી દીધી – અને રામલાલને એમ ખાતરી બેસાડી દીધી કે હું ઘણોજ બાયડીને તાબે થઈ ગયેલો દુઃખી ભાયડો છું. આટલું પરાક્રમ પ્રકાશી એ અપશકુનીઆલ મેમાન જેમ આવ્યા હતા તેમ એકા એક અદૃશ્ય થઈ ગયા. એક ભવ્ય ઘર રાખ્યું. નોકર ચાકર જમાવી દીધા. બડા બડા શેઠ સાહેબજાદાઓની મહોબત કરવા માંડી ને ધંધો અફીણના સટ્ટાનો ચાલતો કર્યો. બહુ મહોટો ખટપટીઓ હોય તેવો લાલો જણાવા લાગ્યો – મહોટા મહોટા કીસ્સા ઉઠાવે – ઝટ પટ હીસાબ ગણી કાઢેને હાથેળીમાં દિલ્લી બતાવે ! રામલાલને એણે પોતાના બલથી અને વિજયથી છક કરી નાખ્યો. રામલાલને ધીમે ધીમે એની ઈર્ષ્યા થવા માંડી, પોતાને નિયમિત રીતે જે પાંચ ટકા મળ્યાં જતા તે ઉપર કંટાળો આવવા માંડ્યો. લાલો એકાદ સટ્ટો મારે કે સોનાનો ઢગલો, મહા સમુદ્રની ભરતીની પેઠે એના ઉપર ઉભરાઈ આવતો; અનેક વર્ષ ચિત્ર ચીતરતાં જે ન બન્યું હોત તે ક્ષણમાં બની જતું ! આવું ચાલતું હોય તેમાંજ એકાએક લાલો નરમ પડી જતો, ને વળી કાંઈક નવા તરંગમાં દોડતો. રસ્તામાં યોદ્ધાઓને જતા દેખે તો અહા ! આ ધંધો ઉત્તમ છે એમજ ધારે; કોઈ કવિની વાહ વાહ સાંભળે કે તેની કીર્તિ કેવી અમર છે એમ વિચારે. એમ કરતાં કાવ્યરચના ઉપરજ લત લાગી, ને તેમાં પણ વાહ વાહ સારી કહેવાઈ, પણ વળી મન બદલાયું. વિવેક અને વિચારમાળા જે મંડલમાં પોતે ફરતો હતો તેને એકાએક તજી દીધું, જુવાન તથા છટેલા સોબતી શોધી કહાડ્યા, ને એ મહોટા શહેરના બેફાક મોજ શોખમાંજ તે ડુબી ગયો. પણ ગમે ત્યાં હોય છતાં એનામાં અમુક આત્મિક બલ સતેજ જણાયાં જતું, બધે પોતેએજ મોખરે થવું એમ એની ઈચ્છા રહેતી, બધામાં પોતે ઉત્કૃષ્ટ થવું એ લક્ષ આગળ આવતું. તુરત વેળા ગમે તેવી વાતમાં પોતે લીન થઈ ગયો હોય, પણ થોડીજ ક્ષણમાં જે પ્રતિઘાત થાય તે ઘણોજ દુઃખરૂપ જણાતો. કોઈ કોઈ વાર ઘણા ગંભીર અને ઉંડા વિચારમાં ગુમ થઈ જતો. એની બધી રીતભાત, એના મનની સ્થિતિ, કોઈ માણસ કાંઈક ભૂલી જવા ઇચ્છતો હોય તેના જેવી હતી; એને જે શાન્તિ મળતી તે પણ ભુલાયલી વાત પાછી આવીને કાળજું કોરી ખાતી હોય તેવા માણસને જે મળે તેવી હતી, રામલાલને હવે તો એ મળતો નહિ; બન્ને જણા એક બીજાને મળવા ચહાતા પણ નહિ. લાલાજીને કોઈ મિત્ર ન હતો – કોઈ વિશ્વાસપાત્ર ન હતું.