ગુલાબસિંહ/તરંગ ૬:અમૃતમાં ઝેર

વિકિસ્રોતમાંથી
← વિક્ષેપનો વિકાર ગુલાબસિંહ
અમૃતમાં ઝેર
મણિલાલ દ્વિવેદી
અમૃતનું ટીપુ →


પ્રકરણ ૬ ઠું.

અમૃતમાં ઝેર.

અહો ગુલાબસિંહ ! સાધક ! તમોબદ્ધ છતાં સત્ત્વસ્થ મહાત્મા ! તું એમ ધારે છે કે અનન્ત કાલથી જીવિત ધારણ કરી રહેનાર અને થોડાંક વર્ષ સુધી જેનું જીવન મરતું મરતું જીવે છે તેવાં બે વચ્ચે સંબંધ ટકી શકશે ! એટલું પણ તારા સમજવામાં પ્રથમથી આવ્યું નથી કે કસોટી પરિપૂર્ણ પાર ઉતર્યા વિના તારું જ્ઞાન અને એને પ્રેમ તેની એકતા થવી અશક્ય છે ? જ્ઞાન અને પ્રેમનું ઐક્ય સ્થૂલ અને સૂક્ષ્મની પારના પ્રદેશમાં જ છે. અન્યત્ર નહિ. એટલું પણ તું વિસરી ગયો છે ? તું શ્રીનગરમાં આવ્યો છે; શા માટે ? અવર્ણ્ય એવા તારા અનેક શોધમાં એ પણ તારો અભિલાષ છે. કે બાલક અને માતા ઉભયને ઉગારી ઉન્નત કરવાનો માર્ગ સાધવો; પણ એટલું તને સ્મરણમાં નથી આવતું કે જે પિશાચની સહાયથી તેં એ બેનો જીવ ઉગાર્યો છે તેનો અધિકાર તે જીવ ઉપર સંપૂર્ણ રીતે જામેલો છે. ભય અને અશ્રદ્ધાનાં બીજ પ્રેમમાં રોપાયાં તો તેમાંથી મહોટાં વૃક્ષોનું ગાઢ વન ઉગી નીકળવાનું, પ્રકાશમાત્રને છાઈ નાખી અંધકારમય બધું કરી દેનારૂં, એ વાત શું તારા સમજવામાં નથી ? તમોબદ્ધ મહાત્મા ! પેલી વિકરાલ આંખો માતા અને બાલકની પાસે જાગતી જ રહે છે ! !

લાલાજી ગયો તે આખો દિવસ માએ અનેક તર્કવિતર્ક અને ભયપરંપરાના ક્લેષમાં સમય ગાળ્યો. ગમે તેવા અગાધ પ્રેમપ્રવાહમાં પણ શંકાની ધારા એક વાર વહેવા લાગી તો તે ઉપર ન જણાતાં છતાં એ નિર્મૂલ થવાની નહિ. મા જરાક વિચાર કરીને એવા વિતર્કોને બુદ્ધિપૂર્વક વિવેચવા બેસે કે બધા વિખેરાઈ જાય, પણ પાછા દ્વિગુણિત થઈ બુદ્ધિને કલુષિત કરી નાખે. એને સ્મરણ થઈ આવ્યું કે મેં લાલાને કહ્યું હતું જે બાલપણામાં પણ મારા જીવિતનો અંત કોઈ અલૌકિક રીતિએ આવનાર છે એવાં ચિન્હ મને સમજાતાં હતાં. દિલ્હીમાં મુનાને કિનારે એક વાર આ પ્રમાણે લાલાજીને કહ્યું હતું તે વખતે એણે પણ એમ કહ્યું હતું કે મને એ એવા જ વિચાર આવે છે, ને આપણા બન્નેનું ભાવિ એક રીતે સરખુ જ હોય એમ સુજે છે. આ વાત પણ માને અત્યારે તાજી થઈ આવી. સર્વ કરતાં વધારે તીવ્ર રીતે તો અત્યારે એ વાત માની સ્મૃતિમાં જાગી ઉઠી કે અમે બન્નેએ તે સમયે એમજ નિશ્ચય કર્યો હતો કે ગુલાબસિંહને જોતાં જ આપણા મનમાં એમ પ્રતીતિ થઈ આવે છે કે આપણા ભાવિ વિષે જે ગૂઢ સુચન થયાં કરે છે તેનો સંબંધ આ પુરુષની સાથેજ છે.

એક પ્રકારના જાદુથીજ આ બધા વિચારો જાણે સૂઈ રહેલા હોય, ને તે જાદુ લાલાજીને મળવાથી દૂર થયો હોય, તેમ એ બધા તર્ક વિતર્ક માના મનમાં હતા તેવાને તેવા જાગી ઉઠયા. લાલાજીને જે ભય લાગ્યું હતું તેની છાયા પણ પોતાના હૃદયમાં પણ પડવા લાગી, ને એવી તાદૃશ થતી ચાલી કે પ્રેમ અને બુદ્ધિ તેની સામે થઈ શક્યાં નહિ; છતાં પણ જ્યારે જ્યારે બાલકના સામું જોતી ત્યારે તે પોતાની સ્થિર અને અનિમિષ દૃષ્ટિ મારી સામે માંડી રહ્યો છે, અને યદ્યપિ શબ્દ સંભળાતો નથી તથાપિ મને કાંઈક કહેવા માટે એના હોઠ ફફડે છે એવું માને લાગતું. બાલક નિદ્રા પણ લેતો ન હતો. જ્યારે જ્યારે મા એના મુખ ઉપર નજર કરે છે તો ત્યારે ત્યારે તેની તેજ બધી તપાસ રાખતી ઉઘાડી આંખો દેખે; એ દૃષ્ટિની સહૃદયતામાં કાંઈક મર્મવેધક દુઃખનો, ઠપકાનો, અરે ! આવોજ પ્રેમનો બલ હોય એવા અર્થનો ભાવ સમજે. એ દૃષ્ટિથી પોતે ટાઢી બોળ થઈ જાય. વળી વિચારજાલમાં ગુચવાવા માંડે. આ પ્રકારે પોતાના નિરંતરના નિશ્ચયોનો પરિવર્તન થઈ ગયેલો જોઈને પોતે તે ખમી શકી નહિ, સહન કરી શકી નહિ, અને એમાંથી છૂટવાનો ઉપાય શોધવા લાગી. સ્વાભાવિક વહેમી પ્રકૃતિ, અને લોકોની વહેમ ભરેલી સ્થિતિના સંસ્કાર, તે થકી સહજમાં સહજ ઉપાય એ સુજ્યો કે કોઈ ભુવાને બોલાવું, કોઈ માંત્રિકને બેલાવું, કોઈ જોશીને બોલાવું, મારા પ્રિયતમ વિષેનો નિર્ણય કરી લેઉં. પ્રેમના સ્વાર્પણમાં પણ બાલકને સાચવવાના સ્વાર્થનો કાંટો રોપાયો. ગયાજીમાં મંત્ર શાસ્ત્રની સિદ્ધિ માટે સારી પ્રસિદ્ધિ પામેલો એક વૃદ્ધ બ્રાહ્મણ હતો તેને માએ તુરત તેડાવ્યો, અને પોતાની વર્તમાન સ્થિતિ તેને સમજાવી ધર્મનિષ્ઠ, ઉપાસક, શ્રદ્ધાલુ, છતાં પણ વિદ્યાના ઉત્તમ સંસ્કાર વિનાનો અને ભણેલો પણ ગણેલો નહિ તેથી અક્ષરમાત્રજ સમજનારો પેલો વૃદ્ધ જે પ્રત્યેક હાથચાલાકીના કામને પણ મહોટી મંત્રવિદ્યાના ચમત્કાર માનતો તે તો બહુ ગભરાટમાં પડી ગયો અને ગંભીર આકૃતિ કરી માની આશા માત્રનો સમૂલ ઉચ્છેદ કરવા લાગ્યો. માને વિવિધ પ્રકારે સમજાવતાં એણે લાલાજીના જેવોજ અભિપ્રાય દર્શાવ્યો કે તારે જવું. માએ જે કાંઈ થોડું સરખું આ વૃદ્ધને કહ્યું હતું તેટલુંજ તેને તો વામમાર્ગની સાક્ષાત્‌ સાબીતી જેવું લાગ્યું; અને ગામ ગપાટા ગુલાબસિંહ માટે સાંભળેલા તે આધારે તેને પાંચે પ્રકારનો ઉપાસક ધારી લેઈ, મા અને બાલકના જીવને પોતાને સ્વાધીન કરી લેવા તેનો આ બધો પ્રયોગ છે, એમ પોતે નિશ્ચય કર્યો. પરંતુ આવા મૂર્ખે જે વાતો ઓપી ઓપીને કરવા માંડી, પોતે સાંભળેલી દંત કથાઓ અને વાતોને મહોટા ઐતિહાસિક પુરાવારૂપે આપવા માંડી, તે થકી માનાં તો ગાત્રજ ગળી ગયાં. “એવા લોક તો બાલકોના જીવને જ વશ કરવા પ્રયાસ કરે છે” એમ કહી બધી વાતનુ વલન વાળતાં, તેવાં અનેક કલ્પિત દૃષ્ટાંતો પણ કહી બતાવ્યાં, અને માને તો ભયથી શૂન્ય જેવી કરી નાખી. નાશી જવું જ જોઈએ, નહિ તો, બાલકના પ્રતિ માતાનો જે પવિત્ર ધર્મ છે તેનો ભંગ થશે, અનંત નરક્યાતના તારા પોતાના આત્માને વેઠવી પડશે, એ આદિ સૂચનાઓ, ભલામણો શીખામણો, તેનો વર્ષાદ વર્ષાવી ડોસા શિવ ! શિવ ! શિવ ! કરતા “બેટા ! નારાયણ તને ને તારા દીકરાને કુશલ રાખો” એવો આશિર્વાદ આપી ચાલવા લાગ્યા. માને તો મૂર્છાજ આવી ગઈ.

દિવસ જેમ તેમ વીત્યો. રાત પડી. જ્યાં મૂર્છામાંજ મા પડી રહી હતી ત્યાંને ત્યાં જરાક ભાનમાં આવી, ને પાછી એ ને એ વિચારમાં ઉંઘવાને બદલે પથારી ઉપર આમ તેમ તરફડીઆં મારવા લાગી. રાત સમસમાટ કરતી ચાલી જતી હતી. આખા ઘરમાં કોઈ હતું નહિ, ભયંકર શાન્તિમાં ગયાના પ્રવાહના ખળખળાટથી અત્યારે તો વૃદ્ધિ થતી હતી. મા વધારે ગભરાટમાં પડી. અંધકાર પોતે જ જાણે બોલવા લાગ્યું. અનેક રૂપ ધારણ કરવા લાગ્યું, જાણે એવાં બધાં રૂ૫ એને એમ કહેતાં હોય કે “હે વિપ્રલબ્ધ મૂઢ બાલા ! તારાં કર્મમાત્ર અમે લખી રાખીએ છીએ; એમાંનું એક પણ તને મુવા પછી યોગ્ય બદલો અપાવ્યા વિના જવાનું નથી.” એવો ભાસ માને થવા લાગ્યો. આટલે સુધી થયું ત્યારે માને કાંઈક ભાન આવ્યું કે મારી અક્કલ ખશી ગઈ છે; પણ આવું ભાન થયું તે સમયેજ એક વિચાર પ્રાધાન્ય પામી ગયો, અને પાછું તે ભાન જતું રહ્યું. ગુલાબસિંહે એક ઓરડો સર્વથી એકાન્ત રાખી બંધને બંધ સખી મૂકેલો છે, માને પોતાને પણ તેનો ઉમરો ઓળંગવાની રજા નથી, એ ઓરડામાં શું હશે ? જઈને તપાસવું જોઈએ, કદાપિ ત્યાંથીજ આ બધા તર્કોનો નિર્ણય મળી આવે ! એવો વિચાર માના મનમાં વધારે વધારે દૃઢ થતો ચાલ્યો. એ વિચારના બલેજ, પોતાની ઈચ્છા વિના પણ, એકાએક બેભાનમાં ને બેભાનમાં મા પ્રેમમૂર્તિ !-અંધકારમાં થઈને ચાલી; પેલા ઓરડાના બારણા આગળ આવી પહોંચી. માતા ! તારો બાલકજ તને આટલે સુધી આવે સમયે દોરી લાવ્યો છે ! બારણાને તાળુ નથી, સાંકળ નથી, હાથ અડકાડતાંજ ઉઘડી ગયું, ક્ષણિક જીવ ! અનંત યુગના દ્રષ્ટાની પાસે જે સ્થાને અનંત ગૂઢ સત્ત્વોની સભા ભરાતી ત્યાં હું અત્યારે રાત્રીમાત્ર સહાય થઈ ઉભો છે !