ગુલાબસિંહ/તરંગ ૬:વિક્ષેપનો વિકાર

વિકિસ્રોતમાંથી
← નવો વિક્ષેપ ગુલાબસિંહ
વિક્ષેપનો વિકાર
મણિલાલ દ્વિવેદી
અમૃતમાં ઝેર →


પ્રકરણ ૫ મું.

વિક્ષેપનો વિકાર.

ત્રીજા માલની બારી ઉઘાડી હતી, મા બારીની અંદરના ભાગ ઉપર બેઠી બેઠી ગયાના પ્રવાહ ઉપર જતી આવતી હોડીઓની રમત જોયાં કરતી હતી, પાસે એનો બાલક માંચીમાં રમતો હતો, તેના ભણી ઘડીમાં નજર ફેરવતી, ને વળી ગયા ઉપરની હોડીઓ સામું જોઈ પોતાનો પ્રિયતમ આવતો હશે, એજ માર્ગે ગયો છે, એવા તરંગમાં ગુમ થતી, સાયંકાલને સમયે ગયા ઉપર હવા ખાવા હોડીઓમાં ફરતા અનેક રંગીલા પુરુષો આ ભવ્ય કાન્તિનાં અનેક નાના પ્રકારના ભાવથી દર્શન કરતા હતા.

ઘણીક હોડીઓ ગઈ, આવી, પણ એક હોડીમાંના પુરુષે રમાવાળો ભવ્ય પ્રાસાદ દીઠો કે તુરત હોડી થંભાવી, હંકારનારને કીનારે જવાની આજ્ઞા આપી. તે પુરુષ ઉત્તર્યો, પગથીઆં ચઢ્યો, મહેલમાં આવ્યો. અરે ! પ્રેમમૂર્તિ મા ! રો, હસ, તાસ ભાગ્યનું પાનું ફર્યું.

એક ચાકરે આવીને મા બેઠી હતી ત્યાં ખબર કહી કે લાલાજી નામના કોઇ ગૃહસ્થ આપને મળવા ઈચ્છે છે, આજ્ઞા હોય તો આવે. શામાટે મા લાલાજીને ન મળે ? ખુશીથી મળશે, પોતાના પરમ સુખની, ગુલાબસિંહની વાર્તા એક એવા મિત્ર આગળ કરીને પોતાના મનને બે ઘડી રમાડશે. કેવા હર્ષથી બાલકને સતાવી હર્ષ પામશે ! બીચારો લાલાજી ! આજની ઘડી પર્યંત એનું નામ માને સાંભળ્યું ન હતું, પોતાના બાળપણની નાની મહોટી ગાંડાઈ ઘેલાઈ, રમત, નાચ, રાસ, ગમત, સર્વ ભેગું એને પણ ભુલી ગઈ હતી.

લાલાજી અંદર આવ્યો, એને જોતાંજ માના મનમાં મહા ક્ષોભ લાગ્યો:— એનું વદન કેવું કરમાઈ ગયું છે ! ચિંતાથી અંગ કેવું ચઢી ગયું છે ! ચિત્રકારની કાન્તિ અને આનંદ પ્રમત્ત આકૃતિ ક્યાં છે ! પોશાખ પણ કેવો ઠેકાણા વગરનો પડેલો છે ! મનમાં ખેદ પામતી પણ વચનથી શાન્તિ પમાડવા ઈચ્છતી માએ કહ્યું “આવો, શું લાલાજી ! તમેજ ! કેવો ફેરફાર થઈ ગયો છે !”

“ ફેરફાર ! ” લાલાજીએ માની પાસે બેસતાં બેસતાં કરડાકીથી કહ્યું “એ ફેરફાર માટે કોનો આભાર મારે માનવાનો છે ? ભૂત પ્રેત અને તેમને સાધનારાનોજ !– જેમણે મારા જીવને ઝાલ્યો છે તેમ તારાને પણ મૂક્યો નથી. મા ! સાંભળ, થોડાંક અઠવાડીઆં ઉપર મેં સાંભળ્યું કે તું ગયાજીમાં આવેલી છે. અનેક પ્રકારનું ભય છતાં ગમે તેમ બહાનું કાઢી, જ્યાં છતા થવાથી માથુ જવાનો પ્રસંગ છે, તે ઠેકાણે હું આવ્યો છું. તે શા માટે ! માત્ર તને સાવધાન કરવા, તને, ઉગારવા. ફેરફાર ? તને મારામાં ફેરફાર જ જણાયો? બહારનો ફેરફાર, પણ અંદર જે મહા વિકટ ઉકાળો ચાલે છે તે તું જાણે છે ? તેના આગળ એનો કશો હિસાબ નથી, બાઈ ! હજુ વખત છે, સાવધ થા સાવધ જીવ ઉગારવો હોય તો જરા સંભાળીને ભાન ઠેકાણે આણ.”

લાલાજીનો ખોખરો અને જાડો અવાજ, જેમ કોઈ પ્રેતજ બોલતું હોય તેમ ભયંકર લાગ્યો, અને એની કહેવાની વાતથી લાગે તે કરતાં પણ વધારે ભય માના પેટમાં ભરાયું. સૂકાં અંગ, ઉંડી આંખો, ફીકું વદન ને ચિંતાગ્રસ્ત સ્તબ્ધ દૃષ્ટિ, એ બધું ને તેમાં આવો સ્વર, એ બધાથી માને તો, જે ભૂતની લાલાજી વાત કરતો હતો તે જ આવીને ઉભું હોય એવો થરથરાટ વછૂટી ગયો. પણ ધીરજ રાખીને બોલી “ અહો ! લાલાજી ! આ શું લવો છો ? આટલાં વર્ષ બહાર ફરી આવ્યા તેથી ભાન બાન ગયું કે શું ? આ તો—”

“ સાંભળ સાંભળ:” લાલાજીએ રમાનો હાથ ઝાલી પોતાના શરીરના અતિ શીતસ્પર્શથી રમાના થરથરાટમાં વૃદ્ધિ કરતાં, વચ્ચે જ કહ્યું “સાંભળ. તેં એવી વાતો તો સાંભળી હશે કે કેટલાક માણસો અમુક સાધનાઓ કરે છે ને ભાત ભાતની સિદ્ધિઓ કરી બતાવે છે. એવી વાતો કાંઈ ખોટી નથી. એવા માણસો હાલ પણ છે. એમનો ધંધોજ એ છે કે પોતાના ટોળાનો વધારો જેમ થાય તેમ કરતા જવો. એમના પંજામાં સપડાયલો મૃર્ખ જો નિષ્ફલ થાય તો તેના ભોગ ! પલિત તેને જ વળગે, ને આ જન્મારો ખરાબ કરે. હું પણ તેમંનો જ એક છું. પણ જો તે વિજયી થયો તો તો વળી સોવાર મૂઓ; એવું તેનું દુ:ખમય જીવિત અનંત કાલ સુધી બન્યું રહેવાનું. હું એવા સ્થાનમાંથી હાલ આવું છું કે જ્યાં લોહીની નીકો—નદીઓ—વહે છે: મહોટા મહોટાના માથા ઉપર મોત તો ભમ્યાં કરે છે; પણ ઓ મા ! જ્યાં (પોતાના હૃદય ઉપર હાથ મૂકી લાલે ચલાવ્યું) મોતની પણ પેલી પારના મહા રૌરવ કરતાં અધિક પીડાકારી ક્લેશનો નિવાસ છે તેના આગળ તે બધુ કંઈ નથી.”

આટલા ઉપોદ્‌ધાત પછી લાલાજીએ પોતાની બહેનને જે રીતે બધી હકીક્ત સંભળાતી હતી તે રીતે માને જરેજર કહી સંભળાવી, જોનારને ચક્ષુમાં અંગારા ઘોંચી ઘાલ્યા જેવી વ્યથા ઉપજાવનાર તથા રુધિરમાત્રને ટાઢું પાડી નાખી શરીરે શીત વર્ષાવનાર રક્તબીજનાં દર્શનની વાર્તા લગારે લગાર કહી બતાવી, માને ટાઢીબોળ કરી નાંખી, એક વાર એનાં દર્શન થવાં જોઈએ પછી પોતાની મેળે તેને આવેલોજ જાણો; લાખો અનાચર, દુરાચાર તે પ્રેરતોજ રહેશે. રુધિરના સ્ત્રાવમાં ઝીલો, મદિરામાં ડુબ્યા રહો, માંસાદિ મકારોપાસનમાં મોક્ષ માનો, તોજ તે તમને જંપવા દેશે, નહિ તો સર્વદા ક્લેશ, દુઃખ, પીડા, વ્યથા અને એ પોતે એ સર્વને વિદ્યમાન જાણવાં. એકાન્ત—વૈરાગ્ય— વિવેક—સમાધાન—એનો વિચાર પણ કરવો નહિ. મા તો આવી વાતો સાંભળીને સ્તબ્ધ જ થઈ ગઈ, નાડીઓમાં રુધિર ફરતું પણ બંધ પડી ગયું. અને આખો ઓરડો ચકર ચકર ફરવા લાગ્યો. ગુલાબસિંહના વિષે પોતાના મનમાં જાગેલા વહેમો ફરી જાગ્રત્ થયા. આ વાતને સંબધે તેમના ઉપર વધારે અજવાળું પડવા લાગ્યું, પ્રેમભાવે અત્યાર સુધી પોતાની ભુલરૂપે જે વહેમને ઠરાવ્યા હતા તેજ પોતાના પ્રિયતમના સત્ય સ્વરૂપને સ્થાને ભાસવા લાગ્યા ! ત્રાસ પામતી ગાભરી માતા તુરત પોતાના બાલક ભણી વળી, તેને હાથમાં લઈ છાતીએ ચાંપવા લાગી.

“ અરે અભાગણી ” લાલાજી બોલ્યો “ જેને બચાવવાની તારામાં શક્તિ નથી એવા બાલકને પણ વળી તેં જન્મ આપ્યો છે કે ? એને ધવરાવીશ નહિ, ગયાના પ્રવાહમાં જ નાખી દે, ગળે ટુંપો દેઈને મારી નાખ; કેમકે મોત પામવાથી પણ એના જીવને સુખ થશે.”

આ સમયે માને, ગુલાબસિંહ રાત્રીએ બાલક પાસે બેસી રહેતો, કોઈ અજાણી ભાષામાં કાંઈક બબડતો, બાલક અને એ બન્ને કાંઈ હસતા, તે બધું સ્મરણમાં જાગી આવ્યું. બાલકના સામું જોતાં તેની સાકૃત દૃષ્ટિમાં જાણે માને કાંઈક સમજાયુ–પોતાના તર્ક સત્ય છે એવો ભાસ દેખાયો. માતા અને તેને સાવધ કરવા આવનાર ઉભયે સ્તબ્ધ થઈ ગયાં—બારીએથી આથમતા સૂર્યનાં કિરણ આછા આછાં એ ત્રણે ઉપર પડતાં હતાં, ઓરડામાં સાયંકાલના દીપ પ્રકટ થઈ ચૂક્યા હતા, દીપ પાછળ આ ત્રણેથી અજ્ઞાત રીતે પેલી વિકરાળ આકૃતિ—રક્તબીજ લપાઈ રહી હતી.

પરંતુ ધીમે ધીમે યુવતી માતાના મનમાં સારા અને શુભ વિચારોનું, પોતાના પ્રિયતમની સાથેના ઉચ્ચ પ્રસંગોનું, ભાન સ્ફૂરવા માંડ્યું. બાલકની આકૃતિ તેના પિતાના જેવીજ જણાવા લાગી, અને એ બાલકના મોંમાંથી કાંઈક આવા સખેદ શબ્દો નીકળતા હોય એવું લાગ્યું. “ તારા બાલકરૂપે હું તને કહું છું; તું અને તારા ઉપર મેં જે પ્રેમ રાખ્યો તેના બદલામાં તું મારા ઉપર અશ્રદ્ધા કરે છે, એક ડાગળી ખસેલો માણસ ગમે તેમ કહે છે તે ઉપર શ્રદ્ધા કરી મારા ઉપર શંકા આણે છે?”

માએ છાતી ભરી ઉંડો નીસાસો નાખ્યો, અંગ જરા વધારે સ્થિર અને સીધું કર્યું, આંખમાંથી ભવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો; અને બોલી ઉઠી.

“ ચાલ, ચાલ, તારા પોતાના ગાંડાબલથી ગમે તેમ લવનાર લાચાર જીવ ! ચાલ, મારા આગળથી તું તારે માર્ગે જા. જો આ બાલકના પિતા ઉપર મને શંકા આવે એવું હું કાંઈક દેખું તો તે માનવા કરતાં હું મારી આંખોને વિકાર થયો છે એમજ માનવું વધારે યોગ્ય ગણું છું; અને તને, ગુલાબસિંહ કોણ છે તેની શી ખબર ! ત્સ્યેન્દ્ર અને તેનાં પ્રેતને મારા પ્રિયતમ સાથે શો સંબંધ છે ?”

“ઠીક, હાથ કાંકણને અરીસાની જરૂર નથી. હવે ઝાઝી વાર નથી. જે પિશાચની હું વાત કરું છું તે પોતેજ કહે છે કે તું અને આ તારો બાલક બન્ને તેના હાથમાં સપડાયાં છો. તારા શો નિશ્ચય છે તે હું જાણવા ઈચ્છતો નથી, અહીંથી જતા પહેલાં હજી એક વાર મળીશ.”

આટલું કહી લાલાજી ચાલતો થયો.