ગુલાબસિંહ/તરંગ ૬:નવો વિક્ષેપ

વિકિસ્રોતમાંથી
← પશ્ચાત્તાપ અને પ્રતિકાર ગુલાબસિંહ
નવો વિક્ષેપ
મણિલાલ દ્વિવેદી
વિક્ષેપનો વિકાર →


પ્રકરણ ૪ થું.

નવો વિક્ષેપ.

ગુલાબસિંહ અને મા એકત્ર થઈ એકભાવના આનંદનો ઉપભેગ કરવા લાગ્યાં ત્યારથી આજ સુધીમાં આ પહેલો જ પ્રસંગ થયો કે જ્યારે એ બેને જુદાઈનું ઝેરી દુઃખ અનુભવવાનો સમય આવ્યો. ગુલાબસિંહ શ્રીનગર ગયો; ઘણાં અગત્યના કાર્ય માટે જવું પડ્યું. ‘થોડા જ દિવસમાં હું આવીશ’ એટલું કહીને એવી ઉતાવળથી એ ચાલી ગયો હતો કે આશ્ચર્ય કે ખેદનો સમય મળી શક્યો ન હતો. પરંતુ પ્રથમ વિયોગ તો, વાસ્તવિક રીતે હોઈ શકે તે કરતાં પણ અધિક દુઃસહ લાગે છે. પ્રેમ પ્રેમ સાથે જે એકભાવ અનુભવે છે તેમાં જુદાઈ થઈ, વિક્ષેપ પડ્યો, એક હતું તે બે થયું, એ ઉગ્ર તીવ્ર ક્રૂર વિષમભાવ મનને ન સમજાય તેવી રીતે પણ નિરંતર ચીરી નાખે છે; હૃદયને એમ લાગે છે કે આટલા વિયોગમાં આમ થાય છે તો હવે પછીના, અરે ! છેવટના, વિયોગમાં કેમ થશે ! પણ માને તો નૂતન સહચર પ્રાપ્ત થયો હતો; યૌવનનું પુનરુજ્જીવન કરી બતાવનાર જે અતિ રસમય નવાઈ તેનો મા ઉપભોગ કરતી હતી. પત્નીરૂપે તો અન્ય ઉપર પ્રમદાનો આધાર રહે છે, અન્ય થકી સુખનાં કિરણો, સૂર્યથી પ્રકાશનાં કિરણોની પેઠે, ઉદ્ભવે છે, અને પોતાના જીવિતનું જીવિતપણું સાધે છે; પણ હવે-માતારૂપે તો—આવી આશ્રય લેનાર જેવી સ્થિતિમાંથી મા આશ્રય આપનારની સ્થિતિમાં આવી છે ! કોઈ અન્ય તેના ઉપર આશય રાખે છે–એક તારો પ્રકટ થયો છે, જેને સૂર્યસ્થાને તે પોતેજ થઈ પડી છે.

“થોડાજ દિવસમાં આવીશ” !— “થોડાજ” છતાં વિયોગ દુઃખે તેટલા પણ રસિક, રસમય, થયા વિના નહિ રહે. થોડાજ દિવસ છે–પણ તે દિવસે દિવસની ઘડીએ ઘડી બાલકને તો એક એક યુગ જેવી છે, એ બાલકમાં માનું હૃદય, અને માનાં ચક્ષુ, લીન થઈ રહ્યાં છે ! ગુલાબસિંહ ગયો – ગયાજીના તીર આગળથી જતા નાવના શઢ પણ દેખાતા બંધ થયા ! બાલક માતાના ચરણ પાસે પાલણામાં પોઢેલો છે; માતા અશ્રુ ઢાળતે ઢાળતે વિચાર કરતી બેઠી છે કે અદૃશ્ય એવી દિવ્ય સૃષ્ટિની શી શી લીલાઓ આ પાલણામાં ભજવાશે ! શી શી બાલકના પિતાને કહેવા સંધરવી પડશે ! યુવતી-માતા–હસ ! રો ! તારાજીવિતના પુસ્તકમાંનું હર્ષ ભર્યું પાનું તો ઉકેલાઈ ચૂકયું-બંધ પણ થઈ ગયું–અદૃશ્ય કરે ફેરવાઈ ગયું.

ગયાજીમાં મુખ્ય બજારની અંદર એક ખુણામાં રાત્રીના અંધારાને ઓથે બે માણસો ધીમે ધીમે ગુપ્ત વાત કરતા હતા. પશ્ચિમ તરફથી જે ઝપાટો આવવાનો હતો તેના આનંદમાં મસ્ત થઈ એ બે માણસો ઘણી અગત્યની વાતો કરતા જણાતા હતા. એ ગુપ્તવાત એવી ધીમેથી થતી હતી કે આપણે પણ બરાબર સાંભળી ન સાંભળી થઈ છે. તો પણ કામ જેટલી નોંધવી જોઈએ. ગયાજી સુધી પણ નવી બિરાદરીનો પ્રકાશ વિસ્તરવાનો છે; બધું એક થઈ જવાનું છે; દીનનો દિન ઉદય થવાનો છે.

એકે કહ્યું “મારા કાબુલના મિત્રે મને લખ્યું છે કે ભયમાત્ર હવે દૂર જાણવું. આપણને તેના તરફથી ખબર મળશે કે આપણે આ દિશાએથી ઉઠાવ ક્યારે કરવો. અઠવાડીઆ સુધીમાં એ આપણને આ ગામમાં મળશે ખરો.”

આટલી વાત થઈ ન થઈ એવામાં એક માણસ બુરખેપોશ થઈ તેજ સ્થાને આવી લાગ્યો અને છુપી રીતે માથું હલાવી સલામ કરવાની જે રીતિ આ લુચ્ચાઓએ યોજેલી હતી તે મુજબ સલામ કરી “ યા અલ્લાહ ” એવી પોતાની ગુપ્ત નીશાની બોલ્યો. તુરતજ પેલા બે જણે “ ફેજરસુલ” જવાબ આપ્યો.

“ ત્યારે તો તમેજ છો કે જેની સાથે વાત કરવાની ભલામણ મને બંદાએ કરેલી છે ” પેલા ત્રીજા માણસે કહ્યું.

“ પણ યાર ! આ સ્થાને વાત બને નહિ, મારા ઘરમાં પણ આપણે મળવું યોગ્ય નથી, પણ આ ચીઠીમાં લખેલું છે તે સ્થાન યોગ્ય છે.” એમ કહીને એક ચીઠી પેલાના હાથમાં મૂકી.

“ ત્યારે આજ રાતેજ નવ ઘડી રાત જતાં મળીશું, દરમીઆન હું બીજું કામ પતાવી લઈશ.” એમ કહી પેલો ચીઠી આપનાર અચક્યો, પણ વળી આગળ ચાલી બોલવા લાગ્યો કે “ તમારા છેલા પત્રમાં પેલા ગુલાબસિંહ વિશે તમે લખ્યું હતું. હજી તે અત્ર છે ? એવા ધનવાન્ આપણામાં ભળે તો બહુ ઠીક થાય ”

“ મે સાંભળ્યું છે કે સવારે જ તે ગયો અને એની સ્ત્રી અહીં છે.” પેલા અત્યાર સુધી ચુપ રહેલા બીજા માણસે કહ્યું.

" એની સ્ત્રી ! - એ તો બહુ સારું.” પેલા ત્રીજા માણસે કહ્યું ને તુરતજ સલાહ કરી ચાલવા માંડતાં ઉમેર્યું “ ઠીક ત્યારે રાતે નવ ઘડીએ મળીશું. ગુલાબસિંહનું ઘર ક્યાં છે?”

“ બુદ્ધદેવના દેવાલયની પાસે. ”

આટલું સાંભળતાં જ પેલો ત્રીજો માણસ ચાલતો થયો; પેલા બે પણ એકાએક રસ્તે જુદા જુદા છૂટા પડી ગયા.