ગુલાબસિંહ/તરંગ ૬:પ્રેમનો ભોગ

વિકિસ્રોતમાંથી
← પ્રેમની કિંમત ગુલાબસિંહ
પ્રેમનો ભોગ
મણિલાલ દ્વિવેદી
પશ્ચાત્તાપ અને પ્રતિકાર →


પ્રકરણ ૨ જું.

પ્રેમનો ભોગ.

બાલક પિતાના ઉછંગમાં મૂક્યું ! તુરતજ કાંઈ બોલ્યા ચાલ્યા વિના પિતાએ નીચા નમી એક ચુંબન કર્યું—હર્ષાશ્રુ વહેવા લાગ્યાં ! અહો કેવાં માનુષ અશ્રુ— મહાત્માના નયનમાંથી પડ્યાં ! ગાલ ઉપર પડતા અશ્રુના પૂરમાંથી બાલકનું સ્મિત કેવું સુંદર લાગે છે ! અરે ! કેવાં આનંદાશ્રુથી આપણે નવા જીવને નિરાનંદે જગત્‌માં આવકાર આપીએ છીએ ! કેવાં શોકાશ્રુથી તેના ગમનને વિલોકીએ છીએ? આનંદ તો નિઃસ્વાર્થે જ; પણ જે શોક તે કેવો સ્વાર્થમય !

આ ક્ષણે અંધકારમય ઓરડામાંથી મિષ્ટ પણ ઝીણો સ્વર સંભળાય છે, બાલકની માતા બોલે છે. ગુલાબસિંહે ધીમેથી કહ્યું “પ્રિયે હું અહીંઆંજ છું, તારી પાસે છું.” માતાએ સ્મિત કરી પ્રિયતમનો કર પોતાના કરમાં દૃઢ ગૃહી મૌન આનંદમાં ત્રિપુટીનું ઐક્ય અનુભવ્યું.

********

 વૈદ્યને પણ આશ્ચર્ય થયું કે મા શી રીતે આટલી ત્વરાથી નિરામય થઈ; બાલક પણ નવી સૃષ્ટિ સાથે સંપૂર્ણ રીતે પ્રેમબદ્ધ હોય તેમ આનંદમાં પુષ્ટ થતો ચાલ્યો. તેના જન્મક્ષણથી જ ગુલાબસિંહે તેના જીવનને પોતાનું જીવન કરી લીધું હોય એમ જણાવા લાગ્યું, એ બાલકના જીવનમાં જ માત પિતાનાં જીવન નવીન એકાકારના રૂપે જન્મેલાં જણાયાં આ બાલક કરતાં વધારે કાન્તિમાન્ મૂર્તિ ચક્ષુગમ્ય થવાનો સમ્ભવ નથી. દાસીઓને આશ્ચર્ય લાગતું હતું કે બીજાં બાલકની પેઠે ઉંઆ ઉંંઆ કરતું આ બાલક સૃષ્ટિમાં પ્રવેશ કરતું નથી, જગત્‌નો પ્રકાશ જેમ તેને પરિચિત હોય તેમ તે હસ્યાં કરે છે, બાલકને સુલભ એવી કોઈ પીડાથી તે કદાપિ રડતું નહિ, શાન્ત નિદ્રામાં હોય ત્યારે પણ જાણે કોઈ આંતર ધ્વનિ ઉપર તેનું અવધાન હોય એવી તેની આકૃતિ જણાય છે, એનાં નેત્રમાં દૃષ્ટિ કરીએ તો સંપૂર્ણ બુદ્ધિવિકાસની પ્રભા તેમાં સ્પષ્ટ જણાઈ આવે છે, પોતાનાં માબાપને તે ઓળખતું હોય એમ જણાતું, ગુલાબસિંહ જ્યારે માંચી ઉપર નીચો નમીને તેને રમાડતો ત્યારે તુરત પોતાના હાથને લાંબા કરી હસતું અને ખુશી થતું. ગુલાબસિંહ પણ માંચી આગળથી, પાલના આગળથી, કદાપિ ખસતો નહિ. રાત્રીએ અંધકારમાં પણ પોતે ત્યાંને ત્યાં જ રહેતો, રમા અર્ધી જાગતી ઉંધતી હોય ત્યારે તેને કાંઈક બબડતાં સાંભળતી પણ ગુલાબસિંહ જે કાંઈ આ પ્રકારે બબડતો તે બધું કોઈ અજાણી પરભાષામાં છે એમ માને લાગતું અને તેથી માતાને સુલભ એવા સહજ વાત્સલ્યભાવે તેના મનમાં અનેક વહેમ અને શંકાઓ ઉપસ્થિત થતાં, માતાને પોતાના બાલક સંબધે સર્વ વાતની શંકા થયાં જાય છે-દેવતાઓને પણ પોતાનું બાલક તે સોંપતી નથી.

ગુલાબસિંહ જે માનુષ પ્રેમના આનંદમાં ગ્રસ્ત થઈ ગયો હતો તેના મદમાં, અને પોતાના મનમાં આ નવા પ્રેમસ્થાનને જે ઉચ્ચતમ માર્ગે લેઈ જવાના તર્ક હતા તેના પ્રમોદમાં, એ ભાન ભુલી ગયો હતો કે આવો મદ અને આવો મોદ પ્રાપ્ત કરવા માટે શો ભોગ આપવો પડ્યો છે ! પેલી શ્યામ, ભયંકર, અસ્પષ્ટ, આકૃતિ, બાલકના પાલના આગળ તેનાં રૌદ્રનયન સમેત વારંવાર ફર્યા કરતી, લપાઈ રહેતી, બેસી રહેતી.