ગુલાબસિંહ/તરંગ ૬:પ્રેમની કિંમત

વિકિસ્રોતમાંથી
← અમરશહર ગુલાબસિંહ
પ્રેમની કિંમત
મણિલાલ દ્વિવેદી
પ્રેમનો ભોગ →


તરંગ ૬ ઠો.

પ્રકરણ ૧ લું.

પ્રેમની કિંમત.

જે ક્રમાનુસાર આ વાર્તાનો વૃત્તાન્ત વિસ્તરતો ચાલ્યો છે તે પ્રમાણે જોતાં ગુલાબસિંહ અને મા પ્રયાગના કીનારા ઉપરથી ચાલી નીકળ્યાં તે બનાવ લાલો અમરશહરમાં આવ્યો તે પછી બનેલો છે. ગયાજીના પવિત્ર ધામમાં બુદ્ધદેવના સ્થાનની સમીપ એક ભવ્ય પ્રસાદમાં એ પ્રેમી યુગલે અનંત સુખ પરંપરાનો અનુભવ કરવા નિવાસ કર્યો છે. ઉભય પ્રેમનું એકત્ર સ્થાન-બાલક પ્રાપ્ત થવાનો પણ સમય છે. યા જેવા પવિત્ર સ્થાનમાં બધો દિવસ યાત્રાલુઓના ભરાવાથી જે ગરબડાટ મચી રહે છે તે શાન્ત પડ્યો હતો, બુદ્ધદેવના મંદિરમાંથી મોડામાં મોડા ઘેર જનારા સાધુ ઘર તરફ જઈ ચૂક્યા હતા. આવા શાન્ત સમયે પણ પાસેના મહાલયમાં દીવા આમતેમ ફરે છે એવું દૂરથી અજવાળું દેખનારને જણાતું હતું. એ સ્થાન એ સમયે ત્રાસ અને દુઃખનો નિવાસ થઈ રહ્યું હતું.

“વૈદ્યરાજ ! આ દાઈ જે સમાચાર કહે છે તે ઉપર યથાર્થ વિચાર કરી આપ કોઈ એવી માત્રા બતાવો કે જેથી એનો પ્રાણ ઉગરે. આખા શહરમાં ધનાઢ્યમાં ધનાઢ્ય જે હશે તેના કરતાં પણ આપને હું અધિક ધનવાન્ કરીશ.”

“મહારાજ ! ” વૈદ્યે કહ્યું “આપ ગમે તેટલું દ્રવ્ય આપો પણ દ્રવ્યને મોત ગાંઠતું નથી, ઈશ્વરની આજ્ઞા દ્વવ્યથી ફરી શકતી નથી, મહેરબાન સાહેબ ! આ બે ચાર ધડીમાંજ જો તમારાં ને તમારા પૂર્વજનાં પુણ્ય આડે આવે તો ઠીક, નહિ તો આપે બહુ ધૈર્ય રાખવું.”

અહો ! ગુલાબસિંહ ! ગુપ્ત વિદ્યાના ઉપાસક ! અપરિમિત સામર્થ્યના ધણી ! જગત્‌ના રાગ દ્વેષમય કલહની વચમાં થઈને જેણે અવિકૃત વદને માર્ગ સાધેલો એવા હે મહાત્મા ! છેવટ તું પણ ભયના તોફાની દરિયાને મોજે ચઢ્યો !! તારો આત્મા હવે ઘૃર્ણાયમાન થયો છે ! તને યમરાજનાં બલ અને ભવ્યતા સમજાયાં છે ! અમરને પણ મરણનું ભય પેઠું છે !

કૃમિતાથી સ્વાભાવિક જીવનને ઉગારવાને અશક્ત એવા વૈદ્ય આગળથી ગુલાબસિંહ ખશી ગયો–દોડ્યો, નાઠો, મહોટાં દીવાનખાનાં, અને છજાંમાં થઈ, જેમાં કોઈને પણ પ્રવેશ ન હતો એવી એક એકાન્ત કોટડીમાં ભરાયો. લાવ હવે તારું અક્સીર અને ઔષધિ કાઢ. અરે ! શાન્ત શ્વેત પ્રકાશ ! જ્યોતિ ! તેનું દર્શન લે. કેમ ? સાક્ષાત્ શંકર કેમ આવતા નથી ? તારી આજ્ઞા કેમ માનતા નથી ? યોગિરાજ ! તમારો યોગ્ય તૂટ્યો? નિરવધિ આત્મબલ ઉપર સ્થાપેલું તારૂં રાજ્ય ગયું? શા માટે ફીકે મુખે ધૃજે છે ? તારા વચનમાત્રથી જ્યારે તું ઈચ્છે તે સિદ્ધ થતું ત્યારે તો તું આવો ન હતો. જ્યોતિર્મય સત્ત્વો ફીકે મુખે પૂજનારને વશ થતાં નથી; એ સત્ત્વો ઉપર નહિ અક્સીરનો, નહિ ઔષધિનો, નહિ જ્યોતિર્મય પ્રકાશનો, પણ કેવલ આત્માનો અમલ છે. અને તારો આત્મા ! તેના હાથમાંનો રાજ્યદંડ પ્રેમ અને મૃત્યુએ છીનવી લીધો છે, તેને માથેથી મુકુટ તેમણે પાડી નાખ્યો છે.

છેવટ દીપપ્રભા ઝાંખી થવા લાગે છે, આસપાસ એક પ્રકારની ભયકારક શાન્તિ જેવું લાગે છે – કોઈક અમાનુષ સત્ત્વ, ધૂમ્રમય આકૃતિ, સમીપમાં પ્રત્યક્ષ થાય છે. થોડેક દૂર તે લપાઈને ઉભી છે. ને તારા ઉપર પોતાની દ્વેષમય, ક્રોધમય, કારી આંખ લગાડી રહી છે.

“ કેમ યોગિરાજ ! — અનંત યુગથી યૌવન સાચવી રહેનાર જવાન ! આનંદ અને કાન્તિની ઉપેક્ષા કરી હિમાલયના ટાઢા બરફ જેવું હૃદય રાખી તેં મારો અનાદર કર્યો હતો, અને મૃત્યુને માથે મેખ મારવાની કલા હાથ કરી હતી, તેજ તું આજ મૃત્યુથી ડરે છે ? ત્યારે તારા જ્ઞાનની ગતિ એક વર્તુળ જેવી જ છે ? જ્યાંથી તું નીકળ્યો હતો ત્યાંને ત્યાંજ પાછો આવ્યો ! આપણને મળ્યાને હજારો વર્ષ વીતી ગયાં — પણ પાછા આપણે ભેગા થયા !”

" ભલે મળ્યા તો શી ફીકર છે; મને તારું લેશ પણ ભય નથી. તારી આંખના અગ્નિમાં હજારો ભોગ થઈ ગયા છે, તારી આંખ જ્યાં જ્યાં પડી છે ત્યાં ત્યાં મનુષ્યહૃદયનો સ્વચ્છ ઝરો ક્લેષ, દુઃખ, પીડા, કલહ, વૈર આદિથી અતિ કલુષિત થયો છે, તારી આંખને વશ થનારા ગાંડા થઈ ગયેલાના મગજમાં કે કાળાં કર્મ કરનારના અંધારા એકાન્તમાં તું સર્વદા વિદ્યમાન રહી ત્રાસ પેદા કરતો રહ્યો છે, — તથાપિ તું મારો પરાજય કરી શક્યો નથી, શકનાર નથી; તું મારો ગુલામ છે.”

“ ખરેખર, ગુલામરૂપે જ તમારી સેવા કરવા આવ્યો છું. આજ્ઞા કરો. આ સ્ત્રીઓનું કકળાણ સાંભળો; તમારી પ્રિયતમાની ચીસ જોઇ — સાંભળી ! તારા આવાસ ઉપર અત્યારે યમરાજે છાપો મારેલો છે, તારો શંકર કોણ જાણે ક્યાં ઉંઘે છે. જ્યાં વાસનાના ધૂમ્રથી અને રાગની ધૂણિથી તૃતીય નેત્રનો પ્રકાશ બુઝાઈ ગયો ન હોય ત્યાંજ દિવ્ય જ્યોતિમય સત્ત્વો પ્રત્યક્ષ જણાય છે. પણ હું—રક્તબીજ—તેવો નથી, તને પણ સહાય થવા તત્પર છુ.” આવી વાર્તા થતી હતી તે જ સમયે ગુલાબસિંહને પણ હૃદયમાં એવો આઘાત થયો કે જાણે મા મને બેલાવે છે, મને ઉગારો, બચાવો એમ વિનંતિ કરે છે.

“ અરે મા ! મારાથી તને હવે કાંઈ થઈ શકે એમ નથી” ગુલાબસિંહે બહુ આવેશથી કહ્યું “ તારા ઉપરના પ્રેમથી મારી પાંખો ખરી પડી છે.”

“ ના નથી ખરી પડી; એને ઉગારવાની કલા હું તને બતાવું-ઉપાય તારા હાથમાં જ ઉતારી આપું.”

“ મા અને બાલક બન્નેને માટે !”

“ હા બન્નેને માટે.”

મહાત્માના અંગમાં એક જબરો આંચકો આવી ગયો, નાનું બાલક ધ્રુજે તેમ, અંતરાત્મામાં ચાલતા વ્યગ્રતાના કોલાહલથી, આખે શરીરે ધ્રુજવા લાગ્યો. પ્રસંગની જરૂર અને માનુષબુદ્ધિનું બલ એ બે છેવટ વિજય પામ્યાં, જો કે આત્માએ હા પાડી નહિ.

" મારે કબુલ છે. માતા અને બાલક—ઉભયને ઉગાર.”

********

એક અંધારા ઓરડામાં માને રાખવામાં આવી હતી, ત્યાં તેને પ્રસૂતિકાલની તીવ્ર વેદના રોવરાવતી હતી, ચીસ પડાવતી હતી અને પ્યારા ગુલાબ ! એવું વારંવાર બોલાવતી હતી. મરણ અને જીવન વચ્ચે ઉત્કટ સંગ્રામ ચાલી રહ્યો હતો, એક કાચે તારે જીવન લટકી રહ્યું જણાતું હતું. વૈદ્ય વારંવાર જોવરાવતો હતો, વળી ઘડીમાં નજર કરતો હતો. વૈદ્યે કહ્યું “હવે બૂમો ઓછી થઈ ગઈ છે, નાડી તૂટી છે, પાંચ પચીશ પળમાં થઈ રહેશે !”

મૂર્ખ ! એજ પળો તારો ઉપહાસ કરે છે; વિશીર્ણપ્રાય શરીરમાં હવે પ્રકૃતિએ જીવનનો પ્રકાશ વધારે જાગ્રત્ કરવા માંડ્યો છે. શ્વાસ ધીમો પડ્યો ને નિયમિત થયો, ત્રિદોષ શમવા લાગ્યો–મા પ્રસન્ન વદને સ્વપ્નમાં પડી. એને એવું સ્વપ્ન થયું કે “ ગુલાબસિંહની પાસે છું, ને એની છાતી ઉપર માથું મૂકી સુતી છું. એ મારા ઉપર નજર કરે છે તેમ મારી વ્યથા ઓછી થતી જાય છે, એના હાથનો સ્પર્શ થતાં જ્વરમાત્ર શાન્ત પડી જાય છે. એનો મધુર સ્વર સાંભળું છું, વ્યગ્ર કલ્પનામય સત્ત્વમાત્ર એ શબ્દના મંત્રથી વિદૂર થઈ જાય છે. અહો ! મારા માથામાં જે ભાર લાગતો હતો તે ક્યાં છે ! ક્ષણમાં તે જતો રહ્યો ! વિશ્વની લીલા મને પુનઃ હસતી જણાય છે. સૂર્યનો પ્રકાશ આનંદ આપે છે, વન વૃક્ષોના ઉગતાં પત્રની વાતચીત પણ મારે કાને પડે છે. બધાં મને એમ કહે છે કે “ આવ હજી તારે અમારી સાથે રહેવાનું છે.”

રે મૂર્ખ ! જો ઘડીને સંભાળ, ઔષધિ અને ચિકિત્સાના વિચારમાં ફસાયલા પંડિત તમારી કારીગરી વ્યર્થ છે. એક ઘડી થઈ, બે થઈ, ને જે આત્માને આ સ્થાન તજી જવો નિર્માણ કર્યો હતો, તેજ સ્વસ્થ થઈ ઠરેલો જણાય છે ! રે ભર્તા ! ગાંડા ઘેલા પ્રિયતમ ! તારી પ્રિયતમાં જીવે છે; રે ! પ્રેમમસ્ત ! તારે આખું જગત્ હજી શૂન્ય નથી. થોભો:— હર્ષ, આનંદ ! પિતાજી તમારા બાલકને હાથમાં લઈ રમાડો.