ગુલાબસિંહ/તરંગ ૭:અસમાન પ્રેમનું ઘરસૂત્ર

વિકિસ્રોતમાંથી
← બંદીખાનું ગુલાબસિંહ
અસમાન પ્રેમનું ઘરસૂત્ર
મણિલાલ દ્વિવેદી


પકરણ ૧૪ મું.

અસમાન પ્રેમનું ઘરસૂત્ર.

એક સમયે મા બે હાથ જોડી કોઈ અવર્ણ્ય ધ્યાનમાં નિતાન્તગ્રસ્ત હતી; બારણાં ઉઘાડ્યાં તે એણે જાણ્યું નહિ, ભૂમિ ઉપર લાંબો કાળો પડછાયો પડ્યો તે એણે ભાળ્યો નહિ. પ્રિયતમનું સામર્થ્ય, તેનામાં રહેલું જાદુ, સર્વે જતું રહ્યું હતું, પણ માના નિર્દોષ હૃદયે પ્રથમ પહેલાં જે મંત્રનું બલ અનુભવ્યું હતું તે કસોટીના અને નિરાશાના સમયોમાં તેને કદાપિ ત્યજતું ન હતું. જે સ્વર્ગ પર્યંત પહોંચવા પોતે મિથ્યા ફાંફાં મારે છે ત્યાંથી એક હવાઈની પેઠે ઉંધે માથે જ્યારે પદાર્થવિજ્ઞાન ગગડી પડે છે, જ્યારે પ્રતિભા અને તર્ક ચિતાનાં લાકડાંની સાથે બળીને ખાખ થઈ જાય છે, ત્યારે બાલવત્ આત્માની આશા સર્વત્ર પ્રકાશને અનુભવે છે, શકાર્‌હિત નિર્દોષ શ્રદ્ધા સ્મશાનની પાર સુખને દેખી શકે છે. ઓરડીના છેક આઘેના ખૂણામાં તે હાથ જોડી ધ્યાનમાં નિમગ્ન થઈ હતી, એનો પુત્ર પણ પોતાના સ્મિત વદનને માતાના વદન સામું રાખી સ્થિર થઈ જાણે એના ધ્યાનમાં ભાગ લેતો હતો. આ બે જણના ઉપર ફાનસનું અજવાળું પડ્યું એટલે ગુલાબસિંહ થોભ્યો અને એકી નજરે એમના ઉપર જોઈ રહ્યો. માથાના કેશ છૂટા થઈ નિર્દોષ વદનની બન્ને પાસા અને પીઠ ઉપર છૂટા રમી રહ્યા હતા, મુખમુદ્રા તેની તે શાન્ત, એકાન્ત નિર્મલ જણાની હતી, મીચેલી આંખમાંથી ઝીણી અશ્રુધારા ટપકતી હતી, પલાંઠી વાળીને એ મૂર્તિ એકાગ્ર પ્રેમભાવનામાં સ્તબ્ધ થઇ રહી હતી. એના આત્મામાં ચલતી ભાવના ગુલાબસિહ સાંભળી શકતો હતો, “વ્હાલા ! આપણે મળ્યાં નહિ. અરે મારા આત્મા ! મરણ પછી પણ એ પ્રિયતમના જીવનથી છૂટો ન પડીશ; એની જ પાછળ ફર્યા કરજે, એનેજ જોજે, એનાંજ સુખને સાધજે; અનંત યુગો વધી જાય, અનેક કલ્પ ચાલ્યા જાય, પણ એ પ્રિયતમના આત્માથી જ્યાં સુધી તારો સંગ ન થાય, જ્યાં સુધી તારી એકતા ન થાય, ત્યાં સુધી વિખૂટો થઈશ નહિ. ગુલાબસિંહ: આ તારો પુત્ર, કાલે કેને ‘મા’ કહેશે? કોની છાતી ઉપર રમશે? અરે આત્મા ! તું એની પણ સંભાળ રાખજે. પ્રભુ ! મને એટલી દૃઢતા આપો; આ પુત્ર કોને બાપ કહેશે ? કોણ એને જોશે ?”

મા ! તું પોતેજ, તું પોતે જ એને જોશે, એને સંભાળશે. જેને તું ત્યજી ગઈ છે તેજ અત્યારે તારા પુત્રને એની માતા ઉગારી આપવા તારી સમીપ ઉભો છે.”

મા ચમકી: એ કોનો શબ્દ : પોતાના જેવો જ ગદ્‌ગદિત કોનો ધ્વનિ ! તુરતજ ચમકમાં ને ચમકમાં ઉભી થઈ ગઈ. અમાનુષ્ કાન્તિ અને અક્ષય ભાવનવાળો એ આ ઠેકાણે મરણગૃહમાં આ અવસરે ! – પેલો રહ્યો, અનેક શંકા, અનેક ભય, સર્વના આવરણને ભેદી તેની પાર પડનાર અખંડ પ્રેમદેવતા પેલો રહ્યો ! આ રહ્યો ! એ ભયાનક સ્થાનમાં પૂર્વે કદાપિ નહિ સંભળાવેલી એવી એક કારમી ચીસ પડી–આનંદ અને ઉન્માદની તીવ્ર ચીસ પાડી મા આગળ દોડી અને ગુલાબસિંહને પગે પડી, ગુલાબસિંહ નીચો નમી એને ઉઠાડવા લાગ્યો, પણ એના હાથમાંથી ખશી જવા લાગી; પ્રાચીન પ્રીતિના પ્રસંગોમાં પરિચિત થયેલાં અનેક લાડનામોથી એ એને બોલાવા લાગ્યો, રમાડવા લાગ્યો, પણ તેના ઉત્તરમાં ડુસકાં અને અશ્રુસિવાય તે કાંઈ દર્શાવી શકી નહિ. ગાંડી થઈ ગઈ હોય તેમ, અતિવેગથી, મા એના હાથ, એના વસ્ત્રના છેડા, તેમને ચુંબન દેવા લાગી, પણ શબ્દ તો જાણે તેના ગળામાંથી નિર્મૂલ થઈ ગયો હતો.

“ઉંચું જો, હું તને ઉગારવાને અત્ર આવ્યો છું; તારા મધુર વદનનું મને દર્શન નહિ કરાવે ? અરે ! બેદિલ ! હજી પણ મારાથી મોં છુપાવશે?”

“નાશી જા.” એણે છેવટ ભાગે તૂટે શબ્દે કહ્યું “હાય, હાય, મારા મનમાં પણ તારે માટે જો ખોટો વિચાર આવ્યો હોય, જો પેલા ભયંકર સ્વપ્ને મને ઠગી હોય, તો બેશ, મારી સાથે બેશ, અને આ બાલકને માટે શિવનું સ્મરણ કરી આશિર્વાદ યાચ.” એમ કહેતી એકદમ ઉભી થઈ ગઈ, અને બાલકને બે હાથે લેઇ, ઉચું કરી, બોલી “ હું મારી જાતને માટે નાઠી ન હતી, પણ—”

ગુલાબસિંહે કહ્યું “બસ, તારા ઘેરાઈ ગયેલા અને વ્યગ્ર હ્રદયમાં જે ભાવો ચાલી રહ્યા છે તેમને હું યથાર્થ રીતે સમજું છું, જો, તારો પુત્ર પણ એક દૃષ્ટિપાતથી જ તે સર્વનું કેવું ઉત્તર આપે છે?”

“અને ખરેખર એજ ક્ષણે એ વિલક્ષણ બાલકનું વદન પણ મૌન સતે અગાધ આનંદથી રક્ત થઈ રહ્યું હતું. જાણે એના જનકને તે ઓળખતું હોય એમ તે એને ગળે લટકી પડ્યું, બલે બલે ત્યાં ભરાયું, ત્યાં રહી માના ઉપર દષ્ટિ કરી હસવા લાગ્યું.

‘બાલકને માટે શિવનું સ્મરણ કર !’ ગુલાબસિંહે કહ્યું “તું જાણતી નથી કે મારા જેવી વાંછના રાખનાર આત્મા સર્વદા શિવમય જ રહે છે ? ” આટલું કહી એની પાસે બેશી એણે પોતાના ગુપ્ત, પવિત્ર, રહસ્યમય, જીવનની કેટલીક વાતો રમાને સમજાવવા માંડી. જે ભવ્ય અને અગાધ શ્રદ્ધામાંથી જ્ઞાન ઉપજે છે, જે શ્રદ્ધા સર્વત્ર પરમાત્માનેજ દેખી જે જે મર્ત્યભાવ ઉપર પણ દૃષ્ટિ કરે છે તેને અમર બનાવી લે છે, તે વિષે તેણે કહેવા માંડ્યું. જે ઉચ્ચ વાસના, ઉચ્ચાભિલાષા, જગતના પ્રપંચમાં અને રાજતંત્રની સિદ્ધિઓમાં, યોગના આયાસમાં કે મહાત્માઓના ચમત્કારમાં, કશામાં સમાતી નથી, જે આત્માને સ્થૃલતામાંથી જુદો કરી દિવ્ય અભેદના તાનમાં સ્વદર્શી કરવામાં જ પુષ્ટ થાય છે, ને સ્વાનુભવમાં સ્વરૂપાસંધાનને પામે છે, તેનો ભેદ તેણે સમજાવવા માંડ્યો. એમાંજ સિદ્ધિ છે, એમાં જ મંત્ર તંત્ર યોગબલ, અનેક, સર્વ છે, એના સંકલ્પમાત્રજ જગત્‌સૃષ્ટિ છે, એમાંજ મંત્ર તંત્ર સમજાવતાં, ભાવનાના બલ વિષે અને શુદ્ધ ભાવનાના ફલ વિષે પણ તેણે ઘણી સમજણ પાડી. ऋतुमयः पुरुशो भवति એ છાન્દોગ્યોપનિષદ્‌ની શ્રુતિને લેઈ તેણે, ક્રતુ એટલે ભાવના તેજ પુરુષ છે, ભાવનાનું બલ એજ સર્વ છે; એ સમજાવવા અનેક યત્ન કર્યા. જે શુદ્ધ, પણ ભયકારક દીક્ષામાં સર્વત્યાગથી સર્વમયતા અનુભવતાં આત્મા સ્વરૂપને ઓળખી સર્વમય થાય છે. તેના તત્ત્વનું સૂચન કર્યું. એ બોલતો હતો ત્યારે રમા ઉંચે શ્વાસે સાંભળ્યા કરતી હતી. યદ્યપિ તે સમજી શકતી ન હતી તથાપિ તેને અવિશ્વાસ આવતો ન હતો. એને એકદમ લાગ્યું કે એ પોતાની જાતને છેતરતો હો કે ન હો પણ આવી ઉગ્ર ભાવનામાં કોઈ બ્રહ્મરાક્ષસ કે પિશાચનો વાસ તો નજ હોઈ શકે. પોતાની શંકાએ જે આત્માને અન્યાય આપ્યો હતો તેના સામર્થ્યને, બુદ્ધિથી નહિ, પણ હૃદયાનુરાગજન્ય સહજો પલબ્ધિના બલથી, તેણે, એક અગાધ સમુદ્રના ચળકતા વિસ્તાર જેવું શાન્ત, ગંભીર, અને અસીમ, પણ તેટલાજ આર્દ્ર અને સર્વમય ભાવના દર્શનથી મધુરતાવાળું અનુભવ્યું. છતાં પણ જ્યારે એણે છેવટે કહ્યું કે આવું જે જીવનમાં જીવન અને તેમાં જીવન, સર્વમય જીવન, તેનો અનુભવ તને કરાવવાના સ્વપ્નમાં હું આટલું બધું કર્યા કરતો હતો, ત્યારે તો પુનઃ માયાનું આવરણ રમાના આત્મા ઉપર આવી ગયું, અને એના મૌન ભાવમાંથી જ ગુલાબસિંહને સમજાયું કે એ સ્વપ્ન તે સ્વપ્ન જ હતું, વ્યર્થપ્રયાસ હતો, એની વિદ્યામાત્ર આવી પ્રકૃતિ આગળ નિષ્ફલ હતી.

પણ જ્યારે સમાપ્તિ કરતી વખતે, છાતી સરસી દબાવવાથી માને એના રક્ષણની હુંફ વળી, એક પવિત્ર ચુંબન માત્રથી ભૂતકાલની ક્ષમા મળતાં વર્તમાનનું ભાન વીસરી જવાયું, ત્યારે સામાન્ય પ્રાકૃત જીવનમાં સુખ અને આશા એના હૃદયમાં પુનઃ પ્રાદુર્ભાવ પામ્યાં હોય એમ એને ‘હાશ’ થયું, અને તે પ્રેમબદ્ધ પ્રેમમય અબલા બની રહી, ગુલાબસિંહ બચાવવા આવ્યો છે. શી રીતે, કેમ, તે તેણે પૂછ્યું નહિ, તેના વચનમાત્રનેજ તેણે સત્ય માન્યું. છેવટે પણ ભેગાં રહીશું, આ ત્રાસદાયક સ્થલથી દૂર જઈ, જયપુર કે યાજીના શાન્ત પ્રદેશમાં પુનઃ નિવાસ કરીશું, બંદીખાનાના અંધકારમાં પણ આ ચિત્રનું તેજ દૃષ્ટિ આગળ આવતાં તે હસવા ને ખુશી થવા લાગી, પોતાની સાદી પણ આનંદકારક પ્રેરણાઓને વશ વર્તનાર એનું મન, ભવ્ય, યથાર્થ, સત્ય ભૂમાનાં દર્શન પોતા આગળથી ચાલી ગયાં તેમનો સ્વીકાર કરવા ના પાડી આવ્યું, તેમને અસ્પષ્ટ રીતે જ દેખતું હતું, પણ એ કરતાં અધિક નિરાધાર, નિર્મૂલ અને કેવલ અલ્પ એવાં ઐહિક, ક્ષણિક, માયિક સુખનાં ચિત્રમાં શાન્તિ પકડી, ખુશીમાં, વિલીન થવા લાગ્યું. આવા બે આત્માનો યોગ કેદખાનામાંજ લાવે તેમાં ઝાઝું આશ્ચર્ય નથી !

“વ્હાલા !” રમાએ કહ્યું, “ગઈ વાત અત્યારે જવા દો. પાછલી વાતો સંભારશો નહિ. તું અહીં અત્યારે મારી પાસે છે, એટલે હું ઉગરેલીજ છું; હજી પણ આપણે સર્વના જેવો ગૃહસ્થાશ્રમ ચલાવીશું; એવા સાધારણ ગૃહસૂત્રમાં પણ તારી સાથે હોવું એટલામાં મારા મનને પરમ આનંદ છે. તારા જ્ઞાનના અભિમાનમાં જોઈએ તો તું આખા બ્રહ્માંડમાં ફરી વળ, પણ મને તો તારું એક હૃદય જ આખું બ્રહ્માંડ છે. એક પલવાર ઉપર હું એમ સમજતી હતી કે મારી ઘડીઓ ગણાય છે, તું આવ્યો, તને દીઠો, સ્પર્શ્યો, એટલે જીવવામાં કેટલું સુખ છે તેનું મને ભાન થઈ ગયું. જો, જાળીએથી નજર કર, તારા ઝાંખા થતા જાય છે; પ્રાતઃકાલ સત્વર આવી પહોંચશે–બંદીખાનાના દરવાજા ઉઘાડી નાખનાર પ્રાતઃકાલ આવી પહોંચશે. તું કહે છે કે હું તને બચાવી શકીશ, હવે એ વાત ઉપર મને સંશય થનાર નથી, પણ હવે આપણે શહેરમાં રહેવું નથી. આપણે ગયાજીમાં એકાંત સ્થાને વસતાં હતાં ત્યાં પણ મેં તારા ઉપર શંકા આણી નથી; આનંદ અને ઈશ્વરી નૂર વિના અન્ય વાતનું સ્વપ્ન પણ મને ત્યાં આવ્યું નથી; જાગ્રદવસ્થામાં તારી દૃષ્ટિથી વિશ્વમાત્ર પ્રેમ અને આનંદરૂપ લાગ્યું છે. પ્રાતઃકાલ ! – વ્હાલા ! તમે કેમ ખુશી થતા નથી? પ્યારા પ્રાતઃકાલ ! ‘પ્રાતઃકાલ’ એ ખુશી થવાનો શબ્દ નથી? અરે નિષ્ઠુર ! હજી પણ મારા ઉપર આ દાવ વાળવાનું મનમાં રાખે છે. અને જે ખુશી થાય છે તેમાં ભાગ લેતો નથી ! આવ મારા લાડકા ! જો, વ્હાલા  ! આ આપણા કોમલ બાલક સામું જો. એ મારા સામું જોઈને કેવું હસી રહ્યું છે ! જા, હું તો મારે એની જોડે વાતો કરીશ, બેટા ! તારા બાપ આવ્યા છે !”

એમ કહેતે કહેતે બાલકને હાથમાં લઈ, પ્રિયતમથી થોડેક છેટે બેશી પુત્રને છાતી સરસો ચાંપી રમા આમ તેમ ઝુલાવવા લાગી, એને ઝીણી ઝીણી વાતોનાં ગેલ કહેવા લાગી; અને પ્રત્યેક શબ્દ પછી તેને સુંદર અંગે એક એક ચુંબન લેઈ આગળ કહેતી ચાલી; એમ કરતાં રોવા લાગી, વળી હસવા લાગી, અને પાછું વળી છાને માને એ બાલકના પિતાના ભણી પોતાની મીઠી નજર વારે વારે ફેરવી જોતાં તેને શોકાતુર વદને આથમતા તારા સામું જોઈ રહેલો દેખી એ રોવું અને હસવું અધિક અધિક જોશથી ચલાવવા લાગી. ભવિષ્યમાં શું લખ્યું છે તેથી કેવલ અજ્ઞાન, આ પ્રમાણે બેઠેલી આ સુંદરી અત્યારે કેટલી સુંદર, સ્વરૂપમ, લાગતી હતી ! પોતે હજી પણ અર્ધી બાલકજ, અને એના સ્મિતે સ્મિત મેળવનાર એનો પુત્ર પણ બાલક — શ્મશાનના સીમાન્તે બે નિર્દોષ અજ્ઞાન બાલકો કેવો આનંદ મેળવી રહ્યાં છે. ! જ્યારે જ્યારે તે બાલકને ચૂમી લેવા નમતી ત્યારે, એના કાળા રેશમ જેવા ચળકતા વાળ ગળા ઉપર પથરાઈ મોઢાને પણ ઢાંકી દેતા હતા, બાળક કોમલ હાથે, કીલકારી કરતે કરતે, તેમને ખશેડી નાખી આંખે આંખ મેળવી હસતો હતો. ને પાછો લટકતા વાળમાં મોઢું સંતાડી ખુશી થતો હતો; માતા તેને ‘ઝાઝા’ કરી રમાડતી હતી, એમ અવર્ણ્ય સુખની મીઠાશ જામી રહી હતી, આવા સુખમાં ઉદાસીનતાની ગ્લાનિની છાયા પાડવી એ ખરેખર નિર્દયતાજ હતી, પણ એ સુખમાં ભાગ લેવો તે એ કરતાં પણ વધારે નિર્દય હતું.

“રમે !” છેવટ ગુલાબસિંહ બોલ્યો “તને સ્મરણ છે કે ગયાજીમાં પેલા વૃક્ષ નીચે બેશી આપણે વિનોદ કરતાં હતાં તેવામાં તેં આ માદળીયું માગ્યું હતું, જે શ્રદ્ધા ઉપર એ વહેમનો આધાર હતો તેને ટાળનાર આ તાવીજની તેં ઈચ્છા કરી હતી, મારી જન્મભૂમિનું એટલું એજ ચિન્હ મારા અંગ ઉપર છે, મારી માએ મરતી વખતે મારે ગળે બાંધેલું છે. મેં તે વખતે તને કહ્યું હતું કે આપણાં જીવન એક થઈ જશે ત્યારે હું તને એ આપીશ.”

“મને સારી પેઠે યાદ છે.”

“ત્યારે કાલે એ તારૂં થશે.”

“અરે વહાલી કાલ !” એમ કહેતાંજ, બાલક હવે જરા આંખો મીચી જંપ્યો હતો તેને ધીમે રહી પથારીમાં મુકી દેઈ, મા પોતાના પ્રિયતમને ગળે બાઝી પડી, અને પ્રાચીમુખે વિસ્તરતા ધીમા અરુણોદય ભણી આંગળી કરી બતાવવા લાગી.

દિનમણિએ આ ભયંકર, બીભત્સ, યંત્રણાપંજરના સળીયામાં થઈ ડોકીયાં કરવા માંડ્યાં, અને તેની દ્રષ્ટિ, માનુષી સંબંધોમાં જે કાંઈ સ્થુલાતિરિક્ત, મૃદુ, પ્રેમમય હોય તે જેમનામાં પિંડીભૂત થઈ અત્યારે રમી રહ્યું છે, મનુષ્યબુદ્ધિના વિલાસો અને વિતર્કોમાં જે કાંઈ ગુહ્ય, નિગૂઢ, ચમત્કારિક; પરમ શાન્તિ સુધી ઉલ્લાસ ઉપજાવનાર હોય તે જેમનામાં અત્યારે પ્રત્યક્ષ થઈ રહ્યું છે, એવા ત્રિક ઉપર પડી, એ ત્રિક તેઃ નિદ્રાવશ નિર્ભ્રાન્ત નિર્દોષતા; સ્પર્શમાત્રથી, શ્વાસમાત્રથી, પરિતૃપ્તિ પામી અવ્યવહિત ક્ષણના મહાશોકનો પણ તર્ક સુધાં જેમાં ન પ્રવેશી શકે એવો વિશ્વાસુ પ્રેમ; અને વિશ્વની ગલીકુચીમાત્રમાં રખડ્યા છત તેમનો ખુલાસો સમજવા માટે મૃત્યુનો આશ્રય કરનાર શાસ્ત્ર જેને મૃત્યુના ઉમર આગળ આવ્યા છતાં હજી પણ પ્રેમની છાતીએથી છૂટવું ગમતું નથી. આમ અંદર – ઠેઠ અંદર – એક બંદીખાનું, બહાર – ઠેઠ બહાર, ભવ્ય મહેલ. બજાર, મિજલસ અને મંડલથી વિરાજિત બહાર, ત્યાં દ્વેષ અને ત્રાસ – એમની નિગૂઢ રચનાઓ, ચલવિચલ એવી લાગણીઓના ભરતીઓટ પ્રમાણે ચઢતી ઉતરતી રચનાઓ, તેના ઉપર આખાં રાજ્ય અને આખા મનુષ્યવર્ગના ભાવિનો આધાર; એ બેની પાસે છતાં તેમનાથી જુદો આ દિનમણિ, અનન્તતાના ભંડારમાંથી લટકતો પ્રકાશ મંદિરની ધજા ઉપર, મસ્જીદના મીનારા ઉપર, તેમ વધસ્થાનની તરવાર ઉપર સમાનદષ્ટિથી જોનાર ! આનંદકારક ખુશનુમા પ્રાતઃકાલ પ્રકટ થયો. ઉદ્યાનમાં પક્ષીઓએ પોતાનું ગાન આરંભ્યું; યમુનાના જલમાં મત્સ્યોએ પોતાનાં ગેલ રમવાનો આરંભ કર્યો; ઈશ્વરી કુદરતની ખુબીઓ, મરણને આધીન એવા મનુષ્યજીવનનો બેસુર કોલાહલ અને તેની ગર્જના, સર્વે જાગ્રત્ થયું; દુકાનદારોએ દુકાનો ઉઘાડી, માલણો ફૂલ લેઈ નીકળી, ધંધાદારી લોકમાત્ર ધંધે લાગ્યા; —ક્ષત્રિય રાજપૂત રહો કે મ્લેચ્છ રહો, લોકનું નસીબ તેનું તેજ છે, એના એ ટાંટીયા તૂટવાના છે, એનાં એ ગાડાં હાંકવાનાં છે, એનો એ ભાર ઉપાડવાનો છે, ને એનો એ ધંધો કરવાનો છે. “વખત” પાસે આવતો જાય છે. તૈયાર કરેલા અખાડા આગળ બીછાયત થવા લાગી છે, બાદશાહને માટે સિંહાસન ગોઠવાયું છે, લોકોનાં ટોળેટોળાં આગળ પાછળ જોવા ભેગાં થયાં છે; અંધ પૃથુરાજને આ ઠેકાણે પોતાનું સામર્થ્ય અજમાવવા આણવાનો છે; સાત તવા એક તીરથી સાથેજ વિંધી નાખવાના છે.

******


પૃથુરાજ રાન સંભરધની, મત ચૂકે મહોટે તવે” ચંદવરદાયી એવાં બિરુદ ઉચ્ચારી રહ્યા છે, “મત ચૂકે મહોટે તવ” કહેવાઈ રહ્યું છે. બીજી પાસા વધસ્થાનની આસપાસ અનેક લોકોની હઠ જામી ગઈ છે. આજ એકસો ૨જપૂતોને ગરદન મારવાના છે. આ બે રમતો ઉપર આજ ભરતભૂમિ ! તારા ભાવિનો અનંત કાલને માટે નિર્ણય થઈ જવાનો છે.

મા એવી મીઠી નિદ્રામાં પડી ગઈ છે ! અતિશય આનંદના જોશથી થાકી ગયેલી, પુનઃ પ્રાપ્ત થયેલી દૃષ્ટિની હુંફમાં નિર્ભય થયેલી, હસતે હસતે, રોતે રોતે થાકી નિદ્રામાં ઢળી ગઈ છે ! નિદ્રામાં પણ જાણે એને ભાન હતું કે પ્રેમમૂર્તિ પાસેજ છે, પુનઃ પ્રાપ્ત થઈ છે; તે સ્મિત કરતી હતી, મનમાં કાંઈ બબડતી હતી, એનું નામ ઉચ્ચારતી હતી, અને હાથ લાંબા કરી એને ભેટવા જતાં કોઈ હાથમાં ન આવતાં ડુસકાં ખાતી હતી એનાથી દૂર થઈ ઉભેલો ગુલાબસિંહ એના ઉપર જોઈ રહ્યો હતો; એના હૃદયના ભાવનું વર્ણન કેમ થઈ શકે ? એવા પ્રેમવિક્ષેપની વેદનાના સાક્ષી થવાનું આપણે ભાગ ન હોય એજ સારું. હવે આ બીચારી જાગીને એને જોનારી નથી — નિદ્રાનું આ સુખ કેટલા મૂલ્યે મળ્યું છે તે એ જાણનારી નથી. જે પ્રાતઃકાલ ઉપર મા હરખઘેલી થઈ ગઈ હતી, તે છેવટ આવ્યો. મા સાયંકાલને કેવો દેખશે ? પ્રેમ અને યૌવન જે વિચિત્ર આશાજાલની રચનાઓ ગુંથે છે તે ગુંથતે ગુંથતે એની આંખ મીચાઈ હતી; એ આશાઓજ હજી પણ એનાં સ્વપ્નને રંગી રહી હતી. જાગીને જીવશે કાલે ! ત્રાસમાત્ર જતો રહેશે, બંદીખાનાં ખુલ્લાં થઈ જશે, પુત્રને લેઈ મા જીવનસુખ ભોગવવા વ્યવહારમાં ભળશે !! ગુલાબસિંહ એને શું ? એણે પાછું વાળી જોયું, જોતાંજ દૃષ્ટિ બાલક ઉપર પડી, તે જાગતો હતો, અને જે ગંભીર, ભવ્ય, સ્વચ્છ, દૃષ્ટિ તે ક્વચિત્ ધારણ કરતો તેવી દૃષ્ટિથી અત્યારે તે ગુલાબસિંહના સામું જોઈ રહ્યો હતો. ધીમે રહી ગુલાબસિંહ નીચો નમ્યો અને બાલકને ગાલે ચુંબન લેઈ બોલ્યો “પ્રેમ અને શોકનો વારસો વહોરનાર ! થઈ રહ્યું, આટલેથીજ બસ છે, હવે તું મને તારાં સ્વપ્નમાં જોનાર નથી, દિવ્ય પ્રકાશો તારી દૃષ્ટિમાં અનન્ત સામર્થ્ય અર્પનાર નથી, વિપત્તિ અને વ્યાધિને તારી આગળથી મારો આત્મા હાંકી કાઢનાર નથી. મેં તારા ભાવિને જેવું બનાવવાનો વ્યર્થ આયાસ કર્યો તેવું તે થનાર નથી. મનુષ્યવર્ગને થાય છે તેમ તારે પણ દુઃખ, સંકટ, અને ભ્રાન્તિજ ભાગ આવ્યાં; પણ તારાં સંકટ અતિ મૃદુ હોજો. અત્યારે હું તારા સામું જોઈ રહ્યો છું તેવામાંજ મારો આત્મા તારામાં ઉતરજો, મારી છેલી અને ઉત્કટ એષણાને તૃપ્ત કરવા તને સમર્થ કરજો, તારી માતા ઉપર મારો જે અગાધ પ્રેમ છે તે તારી આંખમાં ઠરજો, અને તે આંખની દૃષ્ટિ- માત્રમાંથીજ મારો આત્મા આશ્વાસન અને આનંદ પ્રેરે છે અને તેને અનુભવ થજો. અહો ! આવ્યા ! — બસ; તમારી બન્નેની રાહ, હું શ્મશાનની પાર ઉભો ઉભો જોયાં કરીશ.”

બારણું ધીમેથી ઉઘડ્યું, દરવાને ડોકું કે અંદર ઘાલ્યું, પણ તે જ ક્ષણે સૂર્યનાં કિરણોએ અંદર પ્રવેશ કર્યો, પ્રકાશની એક શેઢ અંદર આવી અને સુખી, સુંદર નિદ્રામાં ઠરેલા વદન ઉપર પથરાઈ, મૌન અને સ્થિર રહી જે હજી પોતાના પિતાને જોઈ રહ્યું હતું તે બાલકના અધર ઉપર એક મંદસ્મિત રૂપે વિસ્તરી રહી. એજ ક્ષણે રમાએ સ્વપ્નમાં પણ સંભળાય તેમ કહ્યું “દિવસ ઉગ્યો, દરવાજા ઉઘડ્યા છે; મારો હાથ ઝાલ, ચાલ આપણે બહાર જઈએ; જમનાં ઉપર જઈ, હોડીમાં બેશીએ; જો સૂર્યદેવ જલ ઉપર કેવો વિલસી રહ્યો છે ! — ગયાજી, ઘેર, જઈએ.”

“બિરાધર, તમારો વખત થયો.”

“ચૂપ :— આ ઉંઘે છે; તુરતજ આવું છું; — બસ, થયું — ગુરુકૃપા કે હજી પણ જાગી નથી.” રખેને જાગી ઉઠે એવા ભયથી એણે એને ચુંબન સરખું પણ ન કર્યું, એના ગળામાં ધીમે રહી એણે પેલું માદળીયું નાખી દીધુ કે તે જુદા થતી વખતનું પ્રેમાલિંગન એને પહોંચાડતાં પુનઃ મળવાની આશાનું વચન પણ સાથેજ આપી શકે. ઉમરા સુધી ગયો, પણ વળી પાછા આવ્યો, વળી ગયો, વળી આવ્યો, વળી ગયો બારણું બંધ થયું ! – ગયો, હંમેશ માટે ગયો.

મા થોડીક વારે જાગી — ચારે પાસા જોવા લાગી — “ગુલાબ ! વ્હાલા ! વહાણું વાયું.” બાલકના ધીમા રુદન વિના બીજો કશો જવાબ મળ્યો નહિ. અરે દૈવ ! શું આ બધું એક સ્વપ્નમાત્ર થઈ ગયું ! વચમાં આવવાથી બરાબર જોવા ન દેનારા વાળને તેણે આંખો ઉપરથી ખશેડી, હાથમાં ઝાલી રાખ્યા, એમ કરતાંજ છાતી ઉપરનું માદળીયું હાથે અથડાયું;— સ્વપ્ન તો ન હોય ! “રે દૈવ ! ત્યારે શું જતો રહ્યો !” એક ફાળ મારી ઉભી થઈ બારણા આગળ ગઈ, મોટી બૂમ પાડી ઉઠી. દરવાન આવ્યો એટલે એણે પૂછ્યું “મારો ધણી. મારા બાલકનો બાપ !”

“બાઈ ! તે તો તારા પહેલો ગયો.”

“ક્યાં ?”

લ્લાદને ઘેર.” એટલા ઉત્તર સાથે એ શ્યામ દરવાજો બંધ થઈ ગયો; અંદર મૂર્છાવસ્થાના અંધકાર ઉપર તે બંધ થયો. ગુલાબસિંહના શબ્દો, એનું શોકાતુરપણું, માદળીયું આપવાનો ખરો મર્મ, અને જે સ્વાર્પણ એણે પોતાને માટે કર્યું, તે બધું વીજળીના ઝબકારાની પેઠે માના મનમાં આવ્યું — પણ ઝબકારાની પેઠેજ – ઝબકારો થઈ ગયો કે તુરત અંધકાર ફરી વળ્યો, મહા તોફાની રાતનો અંધકાર જામી ગયો, છતાં પણ તેમાં પ્રકાશ જણાતો હતો. સ્તબ્ધ, મૌન, શબવત્, પાષાણવત્, મા ત્યાં બેઠી હતી, ત્યારે પણ અગાધ ઉદધિ ઉપર મૃદુ પવનની લહરની પેઠે એના અંતરદધિ ઉપર એક પ્રત્યક્ષ સ્વપ્નનો પ્રકાશ વિલસતો હતો :— ભયંકર ન્યાયાસન, કાજી, ફરીઆદી, —અને એ બધી ગર્દીમાં નિર્ભય અને પ્રકાશમય એવી એક આકૃતિ !

“તેં બાદશાહની વિરુદ્ધ ગુનો કર્યો છે; કબુલ કર, તું જાણે છે ?”

“હા જાણું છું; કાજી સાહેબ ! તમારું ભવિષ્ય કહેવાનું વચન પાળુ છું. આજ સૂર્યાસ્ત પહેલાં, જેને તું બાદશાહ કહે છે તે હતો ન હતો થઈ જશે. સાંભળ, અખાડામાં પૃથરાયને આણ્યો છે.

બજારમાં થઈ બંદીવાનોને વધસ્થાન ભણી લીધા; લોકોનું ટોળું વધતે વધતે અનેક માથાંનો મહોટો સાગર ઉભરાઈ રહ્યો, શૂરા રજપૂતો વેષ બદલી ગુપ્ત હથીઆરો રાખી તેમાં સામીલ થયા હતા. ગુલાબસિંહની પાસેજ પેલો નાસ્તિક બંદો ઘેલછાથી ગાંડાં કાઢતો ચાલતો હતો – તણાતો હતો; “કોઈ ! બચાવો-ઉગારો ” એવી બૂમો પાડતો હતો. એજ સમયે લોકોના ટોળામાંથી વીખરેલા વાળવાળી બેબાકળી પણ આંખે અગ્નિ વર્ષાવતી ગાંડી જેવી એક અબલા બહાર આવી “ઓ મારા લાલાજી” એમ બૂમ મારી બંદીવાનોનાં મોઢાં જોવા લાગી, “અલ્યા જલ્લાદ ! મારો લાલાજી ક્યાં છે? એનું તેં શું કર્યું ?” એમ કહેતી બધાંના સામુ જોઈ વળી, પણ જેને શોધતી હતી તે ન મળવાથી બોલી “હાશ; દૈવ ! મારા વ્હાલા ! હું તારા મોતની ધણી થઈ નથી.” ટોળું આગળ ચાલ્યું, બપોર થયા છે, કાંઈ કરતાં સાંજ પડે, તવા વિંધાય, તો બધાં ઉગરી જાય ! પણ ગુલાબસિંહ ! તારા વદન ઉપર હજીએ ઉદાસીનતાની જ છાયા વસેલી છે; કશી આશાનો કિરણ પણ ત્યાં પ્રકાસતો નથી.ટોળામાં છુપાઈ રહેલા રજપૂતોની ધીરજ રહી નહિ, તેમણે વેષ ફેંકી દીધો, તરવારો તાણી, અને મારામારી શરૂ થઈ. પેલો જે લશ્કરી અમલદાર ગુલાબસિંહને મળ્યો હતો તે અને આ શૂરાઓ વચ્ચે કતલ ચાલી, ટોળામાં ભંગાણ પડ્યું, ધણાકના પ્રાણ ગયા, એક પાસા લોહી લુહાણ થઈ પેલી ગોપિકા પડી હતી, મરતી મરતી પણ “વ્હાલા ! લાલાજી !” એ શબ્દો ઉચ્ચાર્યા કરતી હતી. થોડાં માણસ ઘણાંને પહોચી ન શક્યાં; ઘણાક રજપૂતો તો પૃથુરાયના અખાડા આગળ હતા.

વધસ્થાને સર્વ આવ્યા; જલ્લાદે પ્રત્યેકનો ગુનો લોકોને જણાવી એકે એકે ડોકાં કાપવા માંડ્યાં; એક, બે, પાંચ, દશ,………… એનો પણ વારો આવ્યો. નિદ્રાવશ, સમાધિસ્થ, બાલાએ કહ્યું “મરવા નહિ દેઉં, મને સાથે લેતો જા; મારું કહ્યું માન.” પણ અહો ! બાલા ! આટલું થયે પણ તારા હોઠ ઉપર સ્મિતનો ભાસ છે ! ! હા, એ ફીકા પડી ગયેલા હોઠ હસવા લાગ્યા, એ સ્મિતની સાથેજ, વધસ્થાન, જલ્લાદ, અને ભયમાત્ર વિલીન થઈ ગયાં; સદોદિન એવો ભવ્ય શાન્ત પ્રકાશ એ સ્મિતની સાથે જ અનન્ત દિક્‌પ્રદેશ ઉપર પથરાઈ ગયો. ગુલાબસિંહ ભૂમિ ઉપરથી ઉપડ્યો, માના ઉપર કેટલીક વાર સુધી ભમ્યો, આત્માએ આત્માનું આલિંગન લીધું, આનંદ અને જ્ઞાનની ભાવના પ્રત્યક્ષ થઈ ! સ્વર્ગનાં અનેકાનેક દ્વાર ઉઘડી ગયાં, અનેક દેવતાઓ સત્કારપુષ્પાંજલિથી વધાવવા લાગ્યા, મહાત્મા, જ્ઞાની, આવ્યો ! નારદ તંબુર આદિ વીણાથી ગાન કરવા લાગ્યા;— “સ્વાર્પણથી વિશોધિત યોગિરાજ ! મરણથીજ અમર મહાત્મા ! તને અનેક વાર વંદન કરીએ છીએ; આનું જ નામ મરણ” દેવતાઓના વૃંદમાં દેવતાથી અધિક તેજસ્વી એવી આ મૂર્તિએ હાથ પહોળા કરી નિદ્રાવશ મૂર્તિને કહ્યું “નિરવધિ બ્રહ્માનંદની સહચરિ ! —આનુંજ નામ મૃત્યુ !”

*****

પૃથુરાયે તવા વિંધ્યા; જુલમથી રાજ્યમાં ત્રાસ વર્તાવી અધિકાર સ્થિર સ્થાપવા ઈચ્છનાર પડ્યો; પૃથુરાય અને ચંદવરદાયી પણ એક એનું ગળું કાપી પડ્યા:— મહાવીરની ઉક્તિ સત્ય થઈ રજપૂતો સર્વત્ર અમલ બેસારવા લાગ્યા; રાત પડી ગઈ; પ્રાતઃકાલ થયો; બંદીખાનાના દરવાજા ઉઘડી ગયા; લોકો અંદર પેશી કોટડીએ કોટડી બાળવા લાગ્યા, અને સર્વત્ર સ્વાતંત્ર્યનું સામ્રાજ્ય થઈ રહ્યું. સારી પેઠે ઉજાશ થતાં, અત્યાર સુધી કોઈએ જેમાં તપાસ નહિ કરેલી એવી એક કોટડીને ઉઘાડવામાં આવી તો એક જવાન અબલાને ફાટલા બીછાના ઉપર બેઠેલી દીઠી; પલાંઠી વાળી તેણે હાથ છાતી સરસા જોડીને દાબી રાખ્યા હતા; મસ્તક ઉચું રાખી મૂકેલું હતું; આંખો ઉઘાડી હતી; હોઠ હસતા હતા;— સ્થિર શાન્તિ, સુખ કે તેથી પણ અધિક ભવ્ય આનંદનું સ્મિત જણાતું હતું. આટલાં ઉન્મત્ત આનંદે ચડી બેભાન થઈ ગયેલા જોનારા પણ એ આકૃતિથી કાંઈક ઝંખવાઈ જઈ પાછા હઠ્યા, તેમણે જીવતા એવા કોઈમાં આટલી ખુબી કોઈ વાર ન દીઠી ન હતી. પણ જેમ ધીમે ધીમે તે લોક પાસે આવતા ગયા તેમ તેમને જણાયું કે હસતા હોઠમાંથી શ્વાસ જતો આવતો ન હતો, જે શાન્તિ હતી તે પાષાણની શાન્તિ હતી, અને જે ભવ્યતા અને સૌંદર્ય જણાતાં હતાં તે મરણની ભવ્યતા અને મરણનું સૌંદર્ય હતાં. મૌન રહી સર્વે આસપાસ ભરાઈ ગયા, તો એ અબલાની પાસે ભોંય ઉપર એક અતિ તેજસ્વી બાલકને તેમણે પોતાની માના સાળુનો છેડો ઝાલી તેની સાથે રમતો જોયો. બંદીખાનામાં માબાપ વિનાનું બાલક !

“આ બિચારાનું શું થશે” એક સ્ત્રી જે પોતે માતા હતી તે બોલી “કહે છે કે એનો બાપ પણ કાલે પડ્યો ! અરે અત્યારે મા ગઈ ! એ પશુ શું કરશે ?”

આ સ્ત્રી આવું બોલતી હતી તેવામાં બાલકે લોકો સામું જોઈ નિર્ભય વદને હસવા માંડ્યું; એટલામાં જ પેલો વૃદ્ધ સંન્યાસી જે આ ટોળામાં હતો તે આગળ આવ્યો, અને બોલ્યો “બાઈ જો; માબાપ વિનાનો છોકરો કેવો હસે છે ! જેનું માબાપ કોઈ નથી તેનો માબાપ પરમાત્મા છે.” એમ કહેતો ત્યાંજ ગેબ થઈ ગયો.


સમાપ્ત.