ગુલાબસિંહ/તરંગ ૭:બંદીખાનું
← પ્રેમનું સ્વાપર્ણ | ગુલાબસિંહ બંદીખાનું મણિલાલ દ્વિવેદી |
અસમાન પ્રેમનું ઘરસૂત્ર → |
પ્રકરણ ૧૩ મું..
બંદીખાનું.
ન્યાયાસન આગળ ઈન્સાફ થયા વિના જ જેના ઉપર ગરદન મારવાની સજાનો ઠરાવ થઈ ચૂકી હોય તેવાં વિના બીજા કોઈ માટે બંદીખાનાના દરવાજા ઉધડતા નહિ. રમા એ બંદીખાનામાં જ હતી. ગુલાબસિંહથી વિખૂટી પડ્યા પછી એની બુદ્ધિ પણ બહેર મારી ગઈ હતી. તર્કવિલાસની સુંદર ભવ્યતા, ઉત્તમ પ્રતિભાના ફલરૂપ નહિ તો કુસુમરૂપ તે ચમત્કૃતિ; નવા નવા વિચારોની ધારા જેમાંથી મહાત્મા ગુલાબસિંહ પણ કાંઈક નવુંને નવુંજ અનુભવતો, તે બધું અત્યારે જતું રહ્યું હતું, નિર્મૂલ થઈ ગયું હતું; કળીઓ કરમાઈ હતી, ઝરો સૂકાઈ ગયો હતો. સ્ત્રીત્વ કરતાં અધિક એવા જે અવર્ણ્ય ભાવમાં તે વિચરતી ત્યાંથી અત્યારે તો તે બાલત્વ કરતાં પણ ન્યૂન એવા કોઈ ભાવમાં વિચરતી જણાતી હતી. હૃદયમાં ને રસ પૂરનાર ગયો, તેની સાથે રસ પણ ગયો પ્રતિભા પણ પાછળ રહી ગઈ.
ઘરમાંથી બહાર ખેંચી આણીને મને આ પ્રકારે કેદમાં શા માટે રાખી છે તેનું રમાને ભાન ન હતું. એની કાન્તિ, નિર્દોષ કાન્તિને જોઈ ને માયાલુ લોકો બંદીખાનામાં પણ, એની આસપાસ ભેગા થઈ, શોકાર્ત દૃષ્ટિથી એના સામું જોઈ રહેતા, આશ્વાસનાનાં વચનો ઉચ્ચારતા, તે સર્વનો અર્થ એના સમજવામાં હતો નહિ, છે ગુનેહગાર ઠેરે તે તો ખરાબજ હોય એમ માની જેમના ઉપર આજ પર્યંત પોતે તિરસ્કારની દૃષ્ટિ રાખતી તેને જોઈને આશ્ચર્ય લાગ્યું કે આવાં દયા અને પ્રેમાલ માણસ, —ભવ્ય અને વિશાલ ભાલવાળાં, શૌર્યયુક્ત પણ મૃદુ વદનવાળાં, માણસ —દેહાંતદંડની શિક્ષાને યોગ્ય ગુનેહગાર ઠરી શક્યાં છે ! પણ જે ક્રૂર અને નિર્દય નીચ લોકોએ એને એના ઘરમાંથી બહાર તાણી કાઢી હતી, એની પાસેથી એના બાલકને પણ છીનવી લેવાનો યત્ન કર્યો હતો, અને જેમને એના ફફડતા પણ કાંઈ પણ બોલવાને અશક્ત એવા હોઠ જોઈ માત્ર હસવાનું જ મળ્યું હતું. તે લોકો અત્યારે જગત ઉપર ઈશ્વરની આજ્ઞા ચલાવવાનો દાવો કરનારા, અધિકારના માનીતા, શુદ્ધ, ઉત્તમ, નાગરિકો હતા– કાયદાનો અમલ કરનારા હતા. અહો માનુષીબુદ્ધિ ! તારા નિશ્ચયો આવાજ હોય છે ! વાદળના રંગની પેઠે બદલાતી અને નિંદામાં નિતાન્તમગ્ન રાક્ષસિ : તારા કાળા કુર્તકની જાલ આવી છે !
એ સમયનું બંદીખાનું પણ ગંદુ તેમ આનદી હતુ. જે શ્મશાનનો એ રસ્તો હતો તેની પેઠે એમાં પણ નાત જાત કે કુલ અધિકાર વિદ્યા કશાનો તફાવત માનવામાં આવતો ને હતો. માણસ માણસની વચ્ચે જે જુદાઈ છે તે દૂર કરવાના ઉપદેશનું પ્રત્યક્ષ ફલ ત્યાંજ જણાતુ હતું. ત્યાં ક્ષત્રિય, મુસલમાન, બ્રાહ્મણ, શૂદ્ર, વિદ્દ્વાન્, અવિદ્વાન્, અમલદાર કે ગુલાબ સર્વને એક સરખી રીતે રાખવામાં આવતા હતા, સરખો પોશાક. સરખો ખારાક, ને સરખો ધર્મ સર્વને આપવામાં આવતો હતો. છતાં આવા અંધકારમાં પણ આ અબલાને અને એના બાલકને સર્વે માન આપતા હતા, એને માટે જ માગ કરતા હતા. એને સહાય થવા આતુરતા રાખતા હતા.
એક વૃદ્ધ સન્યાસીએ પૂછ્યુ “બેટા ! તને શા માટે અહીં આણી છે ?”
“હું જાણતી નથી.” રમાએ ઉત્તર આપ્યું.
“શા માટે આણી છે જો તું ન જાણતી હોય, તો તો ખરેખર તારી છેવટમાં છેવટની સજાની આશા રાખવી.”
“મારા બાલકનું શું થશે !”
“તેને તો જીવતું રહેવા દેશે.”
“અરેરે ! આટલા માટે ! કેદખાનામાં માબાપ વિના ભટકવા માટે રમાના હૃદયમાં આ ધ્વનિ થવા લાગ્યો.” આ એના પુત્રને મેં ઉગારી આણ્યો ! ગુલાબસિંહ ઉંડામાં ઉંડા વિચારમાં પણ એ વાત કદી આણીશ નહિ કે મેં તારા પુત્રનું શું કર્યું?”
રાત પડી, કેદીઓનું ટોળું જાળી આગળ ભરાવું, સવારે કોને કોને ગરદન મારવાનાં છે તેનાં નામની યાદી વંચાઈ. રમાનું નામ તેમાં હતું પેલો વૃદ્ધ સંન્યાસી જે મરવાને સારી રીતે તત્પર છતાં હાલ તુરત તો બચી ગયો છે. હતો, તેણે આ યુવતીના માથા ઉપર મૂકી તેને આર્શિર્વાદ આપ્યા અને ધીરજ ધરવાનો ઉપદેશ કર્યો. સંસારની પાર ઉતરેલા આ મહાપુરુષના હૃદયમાંથી પણ અશ્રુધારા વહેવા લાગી. પોતાનું નામ પેલી યાદીમાં સાંભળી રમાને આશ્ચર્ય લાગ્યું, પણ રોવું આવ્યું નહિ. આંખો નીચી ઢાળી, હાથ છાતી સરસા દાબી રહી, પોતાનું નામ આવ્યું ત્યારે માથું નીચું નમાવી, બાજુ ઉપર થઈ ગઈ પણ તુરતજ એક બીજું નામ પોકારવામાં આવ્યું, તુરતજ રમાને જોવા માટે કે નામ સાંભળવા માટે કોઈ માણસ હવણાંજ એની પાસે આવી છુપી રીતે ઉભો હતો તેના મોંમાંથી એક કારમી ચીસ નીકળી ગઈ. રમા ચમકી, ને જોવા લાગી તો બંદો ! આટલો સમય વીત્યા છતાં પણ એણે એ આકૃતિને ઓળખી. બંદાએ પાછું મોઢું ઠેકાણે રાખી લીધુ, અને એની સ્વાભાવિક પિશાચપ્રકૃતિને અનુકૂલ તે બોલ્યો “ઓ નાઝનિન્ ! કબરમાં તો આપણે ખસુસ સાથેજ સુઈશું.” એમ કહીને હસતો હસતો તે ચાલી ગયો, અને પોતાની કોટડીમાં જઈ ભરાયો.
********
રમાને તેની અંધારી કોટડીમાં લઈ જવામાં આવી. એનો કુમળો બાલક હજી એની પાસે રહેવા દેવામાં આવ્યો હતો. એ બાલકને આ ભયંકર વર્તમાનની ખબર પડી ગઈ છે એમ રમા માનતી હતી. કેદખાનામાં આવતાં તે જરા પણ રોયો કે કકળ્યો ન હતો, રક્ષકોનાં વિકરાલ મુખ અને આયુધના ઉપર તેણે જરા પણ સંકોચાયા વિના દૃષ્ટિપાત કર્યો હતો. હવણાં પણ એણે પોતાની માતાને ગળે બે હાથ ભરવી અસ્પષ્ટ અને મધુર કાલગેલમાંજ જાણે આશ્વાસના અને પરમાનંદપ્રાપ્તિનાં વચનો કહેવા મંડ્યાં હતાં. ખરેખર એ વચનો આનંદનાં જ હતાં, કેમકે એ શબ્દોનો ધ્વનિ કાનમાં પડતાં રમાના મનમાંથી ભયમાત્ર નીકળી ગયું, અને એનો આત્મા કોઈ એવો વિસ્તાર પામતો એને લાગ્યો કે જેમાં ભૂત અને ભવિષ્ય એક થઈ ગયેલાં જણાયાં, પોતે અને પોતાનો પતિ તથા આ બાલક એકજ વિભૂતિના પ્રવર્ત છે એમ અનુભવાયું, અને સ્વરૂપલાભની અતુલ તૃપ્તિમાં દેશકાલ તેમજ પોતે એ સર્વનું ભાન જતું રહ્યું. જે ગૂઢ મહામંત્ર ગુલાબસિંહે એને કોઈ અલૌકિક પ્રેમવિનોદના ઉપદેશને સમયે બતાવ્યો હતો તેનું એને તુરત સ્મરણ થયું, અને તેના ઉપર આંતરદૃષ્ટિને ઠરાવી, અંતરાત્મામાં અનર્ગલ શાન્તિનો પ્રકાશ એણે અનુભવવા માંડ્યો. કેદખાનાની દીવાલો અને આગળા, ફાંસીનાં લાકડાં કે જલ્લાદની તરવાર, આત્માના વિશ્વાસને અટકાવી કે મારી શકતાં નથી, તેનો પ્રકાશ સર્વત્ર પ્રસરે છે, અસીમ શાન્તિ વિસ્તારે છે.
પાસેનીજ કોટડીમાં બંદો, નાસ્તિક બંદો, ઉદાસીન થઈ મહાક્લેશમાં પડ્યો છે; છતાં એને મોતની દરકાર નથી. મોત પછી કાંઈ નથી એમ માની એને અત્ર કરેલાં કર્તવ્યનો પશ્ચાત્તાપ નથી. પશ્ચાત્તાપ તો જેને કોઈ સદ્વાસનાની હાનિ થઈ લાગે તેને થઇ શકે છે, પણ આ પુરુષ તો સત્ એવી કોઈ વાતને જ ઓળખતો ન હતો. વિશ્વાસ અને આત્મબલથી ઉધ્ધત જ્ઞાનીની મરણપથારી કરતાં નાસ્તિકનું અવસાન ત્રાસદાયક થાય છે. ઉદાસીનતાના ઉદ્વેગમાં બંદો અત્યારે હોઠ પીશી, અધકારમાંજ દૃષ્ટિ પરોવી રહ્યો હતો. બધું અંધકારજ છે, અંધકારને અંધકાર ઠેઠ વ્યાપનાર છે, એ વિચારમાં, કાંઈ છેડો ન જડવાથી, મુઝવાતો હતો, અને કબરની ધૂળમાં સડી ગયા પછી કાંઈ નથી એમ માનવામાં વ્યર્થ આશ્વાસના શોધતો હતો.
*******
જગા કરો, જગા કરો, કહીં પણ એકાદ કોટડીમાં જગા જોઇએ છીએ. એક વધારાનો માણસ આ કસાઈખાનામાં દાખલ થયો છે ! દરવાને હાથમાં બત્તી લઈ આગળ ચાલતાં કોઈ એક અજાણ્યા પરદેશીને અંદર દાખલ કર્યો તેજ વખતે પેલાએ તેના હાથમાં એક હીરાની વીંટી મૂકી દેતાં કહ્યું કે આ ઠેકાણે સો માણસો પૂરેલાં છે, પ્રત્યેકના માથાની કીમત હજાર અશરફી ગણશે તો તેથી પણ આ વીંટીનું મૂલ્ય વધારે છે. દરવાન જરા થોભ્યો, દીવાને અજવાળે વીંટીને ધરી તો દીવો ઝાંખો થઈ ગયો; અસર જાદુ જેવી થઈ. અરે માણસ ! તને પ્રેમ નથી, દયા નથી, પશ્ચાત્તાપ નથી, પણ હજી લોભ તારા ઉપર રાજ્ય ભોગવે છે ! દરવાન પેલા માણસને લઈને ચાલ્યો, અને જે બારણા ઉપર તેણે ગરદન મારવાની નીશાની કરી રાખી હતી ત્યાં આવી ઉભો, નીશાની ભુશી નાખી, કેમકે અંદરના કેદીને એક દિવસ મુદત મળી હતી,—તાળુ ઉઘાડ્યું, પેલો માણસ બત્તી લઈ અંદર દાખલ થઈ ગયો.