ગુલાબસિંહ/તરંગ ૭:ખટપટ

વિકિસ્રોતમાંથી
← રક્તબીજનો સંહાર ગુલાબસિંહ
ખટપટ
મણિલાલ દ્વિવેદી
છેલી ઘડી →


પ્રકરણ ૯ મું.
ખટપટ.

ગુલાબસિંહે ત્સ્યેન્દ્રને પ્રસ્તુત પ્રસંગ વિષે આ પ્રમાણે લખ્યું હતું :— “* * * * એ તો અત્યારે આ મ્લેચ્છોના કબજામાં પડેલી છે, કેદમાં છે. કાજીએ હુકમ કરી દીધેલો છે, એ કેદખાનામાંથી છૂટકો કેવી રીતે થાય છે તે પણ જાણીતી વાત છે. બધી તપાસ કરતાં કારણ લાલાજી જણાય છે. આજ હવે મને સમજાયું કે આ બે જણનાં ભાગ્ય જાણે એક બીજાથી બહુ નિકટ રીતે જોડાયલાં હોય તેમ આજ પર્યત એમનું વર્તન શાથી થઈ ગયું છે; જે અંધકારમાં લાલો છુપાઈ રહી મારી દૃષ્ટિએ આવતો ન હતો, તેજ અંધકારમાં મારી વહાલી પણ ગુમ થઈ જતી હતી તેનું કારણ હવે હું સમજ્યો છું. પણ કેદખાનું! –એ તો સ્મશાનભૂમિનું જ પગથીયું છે ! એના ઉપર આજથી ત્રીજે દિવસે કામ ચલાવવામાં આવશે, અને એનો શિરચ્છેદ કરવાનો ઠરાવ, હંમેશના નિયમ પ્રમાણે, થશે. નિર્દોષ જનોના શિરચ્છેદથી જ્યારે આખા નગરમાં ભય અને ત્રાસ વ્યાપી જશે ત્યારે એકાએક મ્લેચ્છ લોકો રજપૂતો ઉપર તૂટી પડશે અને આ ભારતવર્ષમાં અનેક યુગ માટે અંધકારની સ્થાપના કરશે. એકજ આશા રહી છે. જે ભાવિમાં ગોરીના અંતનું પણ નિર્માણ થઈ ગયેલું છે, તે ભાવિ મને એ અંત વેળાસર ઉપજાવાનું નિમિત્ત બનાવે તો સારું. અરે ! પણ બેજ દિવસ ! કાલરૂપી મારી આખી સમૃદ્ધિમાં માત્ર બેજ દિવસ ! એની પાર તો બધું એકલાપણું, ઉદાસીનતા, ગ્લાનિ, અંધકાર જણાય છે. સર્વેનો શિરચ્છેદ કરવાનો જે દિવસ નક્કી ઠરાવ્યો છે તેને પહેલે દિવસે જ ગોરી પડવો જોઈએ. પૃથુરાજ કેદમાં છે, તેને મારી નાખવાની હજી એની છાતી ચાલતી નથી, પણ એમાં જ એનું મરણ છે. મનુષ્યજાતિના કલેશ કંકાસ અને તેને વધારવા ઘટાડવાને કરવી પડતી ખટપટોમાં મારે પ્રથમ વાર જ આજ પેસવું પડે છે, અને નિરાશામાં શાન્ત રહેલો મારો આત્મા એ યુદ્ધમાં ઝંપલાવવાને ઉત્સુક થઈ રહ્યા છે. * * * * * * * *

ગુલાબસિંહના મનની આવી સ્થિતિ થઈ રહી હતી કેમકે માને બંદાનાં કાવતરાંથી કેદખાનું પ્રાપ્ત થયું હતું–લાલાજીની આપેલી ખબર પ્રમાણે ગુલાબસિંહ તેને ઉગારી શકે તે પૂર્વે તેમ થઈ ચૂક્યું હતું. કાફૂરને સો કરતાં વધારે શિરચ્છેદ માટેના હુકમ કરવાના હતા, વચ્ચે માત્ર બેજ દિવસ રહ્યા હતા. એવામાં મધ્યાન્હ સમયે પૃથુરાજના મહેલ આગળ ઘણા લોકોનું ટોળું ભેગું થયું હતું. એક વૃદ્ધને કાફૂરના અમલદારોએ પકડ્યો હતો. કનોજનો યચંદ આવીને દિલ્હીમાં રહેલો હતો, હાહુલીરાય પણ દિલ્હીમાં હતો, અને એ શૂરા રજપૂતો યદ્યપિ ગોરી બાદશાહને લાવવામાં, પ્રુથુરાય ઉપરના દ્વેષને લીધે સામીલ થયા હતા, તથા ભારતભૂમિનો ધ્વંસ થાય એ વાતની સામે તેમનું રજપૂત લોહી સર્વદા ઉછળ્યાં કરતું હતું, યચંદે પલંગે પોઢવાની પ્રતિજ્ઞા લીધી હતી. હાહુલીરાય ભાણામાં ચપટી ધૂળ નાખ્યા વિના જમતો નહિ, અને અનેક રજપૂતો આ બે સામંતોની છાવણીમાં રાત દિવસ અનેક મસ્લતો કર્યા કરતા. ગોરી બાદશાહને આ વાતની ખબર હતી, અને જે કતલ તેણે ચલાવી હતી તે આ લોકોને ત્રાસ પમાડી પૃથુરાયને છેવટ મારી નાખી પોતાનું રાજ્ય નિષ્કંટક રીતે સ્થાપવાના ઉદ્દેશથી ચલાવી હતી. એવું અન્યાયનું કામ કરનાર કોઈ ન્યાયી મુસલમાન પણ કબુલ થતો ન હતો તેથીજ તેણે કાફૂર નામના એક ગુલામને કાજીની પદવીએ ચઢાવી આવા ઈનસાફોનું કામ સોંપ્યું હતું. યચંદ પાસે સૈન્ય હતું એટલે એકાએક કાંઈ બને એમ ન હતું, તેમ યચંદ પણ મુસલમાનો સામે એકાએક કાંઈ કરી શકે એમ ન હતું. ચંદવરદાયી સર્વ રજપૂતોને બરદાવતો હતો અને મ્લેચ્છોનો પરાજય કરવા ઉશ્કેરતો હતો. આ પ્રસંગે યચંદની પુત્રી સંયોગતા જે પોતાના પતિનો છૂટકારો કરાવવા મથન કર્યા કરતી હતી તેને કોઈ પ્રકારે પકડીને થુરામાં કેદ રાખવામાં આવી હતી, તેથી રજપૂતો માત્રનાં લોહી બહુ ઉકળી ગયાં હતાં. ગોરીને એમ લાગતું હતું કે હવે કાંઈને કાંઈ નીપજશે, માટે તેણે વાતને નીકાલ ઉપર તાણી આણવા માટે ચંદવરદાયીને પકડાવ્યો હતો. જે વૃદ્ધ માણસને કાફૂરના માણસોએ પકડ્યો હતો તે એ જ હતો, જેવો તેને પકડ્યો કે લોકોની આંખો લાલચોળ થઈ ગઈ, સર્વનાં નેત્રમાંથી ખૂન વરસવા લાગ્યું, કંઈક તરવારો ઉપર હાથ પડ્યા, ચંદે પણ તરવાર ખેંચી એક બેને પાર કરી નાખ્યા, પણ કાંઈ વધારે નીપજ્યું નહિ. લોકો વરદાયીને વીટાઈ વળ્યા, અને શી રીતે એનો બચાવ થાય તેની યુક્તિ રચવા લાગ્યા. એવામાં મ્લેચ્છ લશ્કરની એક ટુકડી આવી જેથી લોકો દૂર થયા, અને ચંદને વળી વધારે ચોકશીથી પકડી રાખવામાં આવ્યો. એ સમયે ચંદના કાનમાં શબ્દ થયો કે “ તારી પાસે એક પત્ર છે, જે પકડાશે તો તારા છેલ્લા આશ્રમનું પણ નિકંદન થશે, માટે તે મને આપી દે, હું તે યચંદને આપીશ.” ચંદે આવું કહેનાર ઉપર દૃષ્ટિ કરી, કોઈ અજાણ્યો જ માણસ દીઠો, પણ તેની આકૃતિ ઉપર વિશ્વાસ પેદા થયો, અને કાગળ આપી દીધો.

ગોરીની સામા પક્ષના રજપૂતો યચંદના મુકામમાં સાયંકાલે, શું કરવું? સંયોગતાને શી રીતે છોડવવી ? તેનો વિચાર કરવા, અને એકદમ વચલા બે દિવસમાં જ આમ કે આમ પાર પડવાની તૈયારી કરવી, ભેગા થયા હતા, સર્વ સામાન્ય દેશશત્રુની સામા થવા માટે સર્વે પોતપોતાની ખાનગી લાગણીઓ વીસરી ગયા હતા, અને એકત્ર થઈ યુદ્ધમાં પ્રાણાર્પણ કરવાના નિશ્ચય ઉપર આવ્યા હતા. સર્વના મનમાં ગોરી બાદશાહના અતુલ વિજયથી જે ભય અને ત્રાસ સાથે આશ્ચર્યની છાપ બેસી ગઈ હતી તેને લીધે વિચારો ઘણાં સ્થિર અને તીવ્ર થઈ શકતા ન હતા, હજી ઉઘાડી રીતે એને પાર કરવાનો યત્ન કરતાં શું પરિણામ આવશે એનો કોઈને નિર્ણય થઈ શકતો ન હતો. પરંતુ રજપૂતોનું લોહી એવું તો ઉકાળે ચઢી ગયું હતું કે આ પાર કે પેલે પાર ગયા વિના હવે સિદ્ધિ નથી. શૂરવીરોને આગળ પાછળ વિચારવાનું રહેતું જ નથી. પૃથુરાજ-સંયોગતા-એ બધાં એક એક કારી ઘાની પેઠે સર્વના હૃદયમાં અનંત વીછીની વેદના ઉપજાવી રહ્યાં હતાં, વાત ઉપર વાત ચાલતી હતી, ફાટી આંખે ને ઉકળતે હૈયે, થર થર કાંપતા, અનેક શૂરવીતો હવણાંજ ઉઠો, મ્લેચ્છોને મારી કાઢો, ભારતનું રક્ષણ કરો, રજપૂતપણાને એબ ન લગાડો, એવી જોસભરી ઉશ્કેરણી ચલાવી રહ્યા હતા. એવામાં એક ખીદમતગારે આવી યચંદના કાનમાં કહ્યું કે આપને કોઈ મળવા આવ્યું છે, યચદે કહ્યું હવણાં મને ફુરસદ નથી, પછી આવવાને કહે. પણ એમ કહેતાં જ પેલા ખીદમતગારે એક ચીઠી મોઢા આગળ મૂકી કહ્યું કે એ માણસ આ લાવેલો છે, યચંદે તુરત કાગળ ભણી જોયું, ઉપર લખ્યું હતું “થુરાના બંદીખાનામાંથી.” યચંદે અક્ષર ઓળખ્યા, ઝટ ઉઠીને પાસેના એકાન્ત ઓરડામાં ગયો.

મળવા આવનારે કહ્યું “ભરતના ઉદ્ધારક ! તમારો ચંદવરદાયી પકડાયો છે; મથુરાથી એ જે કાગળ લાવતો હતો તે એની પાસેથી મેં લઈ રાખી તમને આણી આપ્યો છે.”

યચંદે કાગળ ઉઘાડી વાંચવા માંડ્યો; લખ્યું હતું કે “તમારી પુત્રી હું મટી ગઈ ! રજપૂતપણાનું શૂર તમે વેચી નાખ્યું ! તમારા જમાઈ અને હું મ્લેચ્છને હાથેજ મરીશું ! મરવાની ફીકર નથી, પણ આવી રીતે બકરાંની પેઠે ! તમે ઉઠો, જંગ મચાવો એમાં અમે પણ સામીલ થઈશું, અને આ ભૂમિના રક્ષણને અર્થે અમારા આત્માનો ભોગ આપીશું. આ હું તમને છેલ્લી વારની જ લખું છું; કાંઈ ન થઈ શકે, તો સર્વની સાથે મારો શિરચ્છેદ કરશે તે જોવા તો દિલ્હીમાં આવજો ! ”

પેલા અજાણ્યા માણસે કહ્યું “ એના ઉપર જે કામ ચાલશે તેમાંથી તમારી વિરુદ્ધ પણ ઘણો પૂરાવો બહાર આવશે. એના મોત પછી તમારું અને સર્વનું મોત થશે. લોકની બીહીક હવે ન રાખશો, લોકોજ તમારા આ કવિને છોડાવવા ભેગા થયા હતા, ગોરીનો ત્રાસ ધીમે ધીમે લોકના મનમાંથી ઉડી ગયો છે. કાલેજ એ દરબાર ભરનાર છે, તેમાં તમારે કાં તો એનું માથું લેવું જોઈએ કે તમારું આપવું જોઈએ.” આ શબ્દ, પેલો કાગળ અને ચંદનું પકડાવું, એથી યચંદની વદનચ્છાયા ફરી ગઈ, એના હૃદયમાં મહોટો આધાત થયો. અને કૃતાન્ત જે કૃતનિશ્ચય થઈ પ્રાતઃકાલે દરબારમાંજ જંગ મચાવવાના નિશ્ચય ઉપર તે આવ્યો. યચંદે પેલા માણસને પૂછ્યું “ભાઈ ! તમે કોણ છો ?”

“તમારી પેઠે જ મારા પેટના બાલકને ઉગારવાની આકાંક્ષાવાળો–મારી પ્રાણપ્રિયાને છોડાવવાની ઉગ્ર ઈચ્છાવાળો, એક દર્દી.”

યચંદ આ બધી વાતથી જે આશ્ચર્ય પામ્યો તે પૂર્ણ થતા પહેલાં તો એ માણસ એના આગળથી અદૃશ્ય થઈ ગયો હતો. યચંદ તુરતજ રજપૂત સભામાં ગયો. એની આકૃતિ, એની વાણી, એની વૃત્તિ, બધું કાંઈ ઓર પ્રકારનું જણાયું, જેથી સર્વે પરમ આનંદ પામી સમજી ગયા કે એવું કાંઈ બન્યું, જેથી હવે આપણા ઈષ્ટાર્થને આપણો નાયક પણ અનુકૂલ થયો છે. યચંદ બોલ્યો “આપણે જ આપણી માતાનો દ્રોહ કરાવ્યો, આપણાજ રુધિરથી એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું છે. વિશુદ્ધ રજપુતાણીઓ મ્લેચ્છને હાથે મરશે, પવિત્ર ભરતભૂમિ ઉપર એવું અપવિત્ર કૃત્ય થશે, વરદાયી જેવા કવિજનો જે સર્વત્ર છૂટા છે તેમને પકડી કેદ કરવામાં આવશે, ને રજપૂત- માતાનું ધાવણ ધાવેલો એક બાલક પણ જોઈ ન શકે તેવી એ બધી વાત આપણે જોયાં કરીશું ! અરે ! એમાં એક રીતે સામીલ થઈશું, તો શિવ, શિવ, આપણા આત્માની શી ગતિ થશે ! માટે મારો નિશ્ચય થઈ ગયો છે, પ્રાતઃકાલે બાદશાહ દરબાર ભરી પોતાનો રાજ્યાભિષેક કરવા ઈચ્છે છે, જોઈએ તે અભિષેક કોના રુધિરથી થાય છે.” રજપૂત માત્ર ઈશારો સમજી ગયા, મૂછે તાલ દેઈ, તરવારો તાણી તેને નમસ્કાર કરી, પાછી મ્યાન કરી, ને સર્વે પોતપોતાને મુકામે જઈ સજ્જ થવા લાગ્યા.

એજ દિવસે મધ્યરાત્રી થતા સુધી ચૌટે, ચકલે, દુકાને, ધર્મશાલામાં, જ્યાં જ્યાં ચાર માણસનું ટોળું મળ્યું હોય ત્યાં ત્યાં કોઈ એક પરદેશી રખડતો જણાતો હતો, મુસલમાનોની વિરૂદ્ધ લોકો ઉશ્કેરતો હતો, બધા એની સાથે એકમત થઈ એની વાત માન્ય કરતા હતા, અને કોઈ એનાથી વિરુદ્ધ બોલી પણ શકતું ન હતું, કહીં કહીં કોઈ છૂટો છવાયો બાતમીદાર બે શબ્દ બોલે તો એની વિકરાલ દૃષ્ટિનો તેના ઉપર પાત થતાંજ પાછો ચંપાઈ જાય, અને ‘મ્લેચ્છોને મારો, ભારતભૂમિને ઉગારો” એવી બુમ ભેગી તેની વાત ક્યાંની ક્યાં ડુબી જાય.