લખાણ પર જાઓ

ગુલાબસિંહ/તરંગ ૭:છેલી ઘડી

વિકિસ્રોતમાંથી
← ખટપટ ગુલાબસિંહ
છેલી ઘડી
મણિલાલ દ્વિવેદી
મહાત્માનું મહાત્મ્ય →


પ્રકરણ ૧૦ મું.

છેલ્લી ઘડી..

પ્રાતઃકાલ થતાં બાદશાહના મહેલમાં તૈયારી થવા માંડી, દિલ્હીમાંનો પૃથુરાજનો દરબાર સાફ થઈ શણગારાવા લાગ્યો. ચોપદારો ચોતરફ દરબારનાં તેડાં કરવા નીકળી પડ્યા, અને યચંદ આદિ રજપૂતોને પણ નિમંત્રણ થયું. મુસલમાનોના મનમાં આજ જુદાજ વિતર્ક ચાલી રહ્યા છે, રજપૂત કોઈ બીજો જ માર્ગ વિચારી રહ્યા છે. તખ્તનશીન થઈ દિલ્હીના સાર્વભૌમ રાજા થવામાં હવે કાંઈ વિક્ષેપ રહ્યો નથી એવી ગોરી બાદશાહની ધારણા છે, આણી પાસા રજપૂતોના મનમાં પૃથુરાય અને સંયોગતા તથા ચંદવરદાયીને છોડાવવાની ઉત્કટ વીરબુદ્ધિ વ્યાપી રહી છે. બરાબર એક પ્રહર દિવસ ચઢતાં દરબાર ભરાયો, નોબત ગડગડવા લાગી, અને બાદશાહ આવીને તખ્ત ઉપર બેઠો. બધાએ ઉભા થઈ અદબસર કુરનસ બજાવી પોતાનાં સ્થાન લીધાં. રજપૂતો સામી પાસા એક ટોળે થઈને હથીઆરબંધ બેઠેલા હતા. ગોરી બાદશાહે યચંદના સામું જોઈ કહ્યું “કનોજના મહારાજ ! તમારો અમારા ઉપર ઘણે ઉપકાર થયો છે, અને અમે આજથી તમને અમારા રાજ્યના પ્રથમ પંક્તિના ઉમરાવની પદવી આપીએ છીએ.”

“બાદશાહ સલામત !” જયચંદે ઉભા થઈ અદબથી કહ્યું “આપની મારા ઉપર ઘણી મહેરબાની છે, પણ એવા માનને લાયક છું એમ હું ધારતો નથી.”

“વાહ, એજ આપની લાયકી છે; કાફૂર ! અમારું ફરમાન આ સર્વ ભાઈઓને સંભળાવ; ખુદાએ મને આ દેશની પરવરશી કરચા મોકલ્યો છે, તો તેમાં હું ફતેહમંદ થાઉં એ માટે આપ સર્વની મદદની જરૂર છે.”

કાફૂરે ઉઠીને એક મહોટું ભાષણ કર્યું જેમાં આજથી ગોરી બાદશાહ કુલ હિંદુસ્તાનના બાદશાહ છે, તથા બીજા રાજા રજવાડા વગેરે તેમના દોસ્ત અને ઉમરાવ છે. એ વગેરે વાતના ઈશારા સાથે હિંદુરાજ્યમાં ચાલતા કુસંપ, ધર્મભેદ, જાતિભેદ, વગેરે ઉપર ભાર દેઈ, હવે પછી બધે એક સરખો એકાકાર ભાઈચારો પ્રવર્તી સુખશાન્તિમાં વધારો થશે એવી વાત જણાવી. આ ભાષણ પૂર્ણ થતાંજ મુસલમાન દરબારીઓએ તેને વાહ, વાહના પોકારથી વધાવી લીધું અને સર્વે એક પછી એક ઉઠીને બાદશાહના તખ્ત આગળ કુરનસ બજાવી નજરાણો કરી અદબસર પાછા વાળી પોતપોતાને સ્થાને બેસવા લાગ્યા. એમ કરતાં બધા મુસલમાનો એક પછી એક પરવાર્યા, અને રજપૂતો એકલા જ બાકી રહ્યા, પણ તેમનામાંથી કોઈ ઉઠતું જણાતું ન હતું. બાદશાહ ચોપાસા આંખ ફેરવી જોયાં કરતો હતો. યચંદ સામુ જુએ, પોતાના અમલદાર સામું જુએ : પણ કાંઈ સમજી શકતો ન હતો કે શું કરવું. યચંદે પોતાના પાંચસો રજપૂત ઉપર નજર કરી. એજ વખતે તે ટોળાને મોખરે બેઠેલા પેલો કાગળ લાવનાર અજાણ્યા પરદેશીની દૃષ્ટિ એની દૃષ્ટિ ભેગી મળી, અને તેમાંથી કોઈ એવો ઉગ્ર વીરભાવ એની આંખમાં પ્રવેશ પામી એના હૃદયમાં વ્યાપતો એને લાગ્યો કે તેથી, પોતે હવે શું કરે છે તેનું પણ એને ભાન રહ્યું નહિ. યચંદે સડપ કરતે કે તરવાર મ્યાનમાંથી ખેંચી, તેની સાથે પાંચસો તરવારો આખા દરબારમાં ઝળકવા લાગી, અને બાદશાહ સ્તબ્ધ થઈ ચકિત બની ગયો કે આ શું થાય છે, વર્ણન કરતાં જેટલી વાર લાગે છે તે કરતાં પણ થોડી ક્ષણમાંજ એ બધું બની ગયું ને આગળ યચંદ અને પાછળ પાંચસો રજપૂતો સાથે બધા બાદશાહના તખ્ત ભણી ધશ્યા. બધા દરબારમાં ગભરાટ અને ગરબડાટ વ્યાપી ગયો, મુસલમાનો પણ હથીઆરબંધ હતા એટલે તરવારો તાણી સામા થયા, ને ઝપાઝપી ચાલી તે દરમીઆન બાદશાહ કાફુરની સાથે બહાર નીકળી ગયો. પૃથુરાય, સંયોગતા, ચંદ એમનાં નામ ચોપાસ ગાજી રહ્યાં, દીનના પોકાર તેમાં ડુબી ગયા, કંઈ રજપૂતો ને કંઈ મુસલમાનોના જીવ ગયા; મુસલમાન લશ્કરની ટુકડીઓ આવવા લાગી, રજપૂતોના ટોળે ટોળાં આવવા લાગ્યાં, ને ગામમાં પણ તોફાન થશે એવો સર્વત્ર ત્રાસ વ્યાપી ગયો. પણ સાયંકાલે બધું શાન્ત થઈ ગયું, યચંદે પોતાના મુકામ ઉપર જઈ સર્વની સાન્ત્વના કરી, હવે આપણે તૈયાર ને તૈયાર રહેવું એવી સમજુત કરી, સવારે શું થાય છે તેની આશામાં રાત્રી ગાળી.

આણી પાસા બાદશાહ અને કાફુરે માર્ગમાં જતે જતેજ વિચાર કર્યો કે હજી ત્રાસ વિના બીજો માર્ગ આપણા હાથમાં નથી, ત્રાસ બેસાડ્યા ૫છીજ, આપણે રાજ્ય કરીશું. બાદશાહે કહ્યું કાફૂર ! જે કામો તારે ચલાવવાનાં છે, ને ગુનેગારોની કતલ કરાવવાની છે તેને બે દિવસ જેટલી વાર પણ શા માટે જોઈએ ?– કાલે સવારે જ કેમ હુકમ કરતો નથી? પેલા જયપુરીઆને પકડવાથી જયચંદ વિરૂદ્ધ પુરવો મળવાની આશા હતી તેનું શું થયું?”

“જહાંપનાહ ! આપના હુકમ પ્રમાણે થશે. જયપુરીઆનો તો પત્તો લાગતો નથી, માત્ર એક સ્ત્રી પડાયેલી છે, તે તેની માશુક છે એમ કહેવાય છે.”

“એમાંથી પણ કાંઈક નીકળશે; રજપૂતોનો વિનાશ થયા વિના આપણે જંપીને રહેવાના નથી, ને જ્યાં સુધી પૃથુરાય જીવે છે ત્યાં સુધી રજપૂત ટાઢા પડવાના નથી. માટે તું એકદમ એ બધા ગુનેગારોનાં માથાં ઉડાવી દે કે તેથી જે ત્રાસ વ્યાપે તેની અસર મટતા પહેલાં આપણે પૃથરાયનો પણ નીકાલ કરી સ્વતંત્ર અને નિર્ભય થઈએ. ”

******

માનું મરણ એક દિવસ વહેલું ઠર્યું. એના ઉપર કામ એક દિવસ વહેલું ચાલશે, જે ગૂઢજ્ઞાનથી ગુલાબસિંહનો આજ પર્યંતનો વ્યવહાર નીપજ્યો હતો તેજ જ્ઞાનથી એણે જાણ્યું કે હવે કશો ઉપાય રહ્યો નથી. બાદશાહનું નિકંદન થનાર છે તે તો એ જાણતો હતો, मत चूके महोटे तवे એ ઉક્તિ એના જાણવામાં તો ઘણા વખતથી આવેલી હતી;– પણ એ પછી માત્ર એક દિવસ મા જીવે ! અરે કાલનો દિવસ જ જીવે ! તો ઉગરી જાય. જે દિવસે બાદશાહે અનેકની કતલ કરાવવી ધારી હતી તે દિવસે તેનો જ વધ થનાર હતો એ વાત ગુલાબસિંહ જાણતો હતો, પણ મા ત્યાં સુધી જીવતી રહેવાને બદલે હવે તો તે દિવસને આગલે દિવસે મરવાની ઠરી ! ગુલાબસિહે અનેક યુક્તિ રચના અને પોતાની ગૂઢશક્તિના પ્રભાવથી બધી વાત રચી રાખી હતી, પણ બાદશાહના એક શબ્દે તે બધી ધૂળ ધાણી કરી નાખી !