ગુલાબસિંહ/તરંગ ૭:પશ્ચાતાપના અંકુર
← ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલું પત્ર | ગુલાબસિંહ પશ્ચાતાપના અંકુર મણિલાલ દ્વિવેદી |
પ્રેમ અને વૈર → |
પ્રકરણ ૪ થું.
પશ્ચાતાપના અંકુર.
નવીન પાદશાહતના આધારરૂપ અમીર ઉમરાવો મહોટી મહોટી મસલતોમાં પડ્યા છે. આખરે જયચંદને પણ ભાન આવ્યું છે, ને રજપૂતોની વીરશ્રી જાગ્રત્ થઈ આવી છે, પણ પૃથુરાય જેવા રણધીરના પરાજયથી સર્વત્ર નિસ્તેજતા છવાઈ ગઈ છે, કોઈની હીંમત ચાલતી નથી. શાહબુદ્દીન અને તેના સરદારો તો ચોપાસ ત્રાસ જુલમ અને જુલમ વર્તાવી રહ્યા છે, ગંમત, મોજમજાહ, અવિશૃંખલ ઉન્મત્તતા, સર્વ પાસા પ્રવર્તી રહ્યાં છે, રુધિરની નીકો વહેવા લાગી છે. મનુષ્યમાત્રના જીવ પડીકે બંધાયા છે. બંદાએ મનુષ્યમાત્રના સમાનભાવનો અને ભાતૃભાવનો દિવસ નજીક ધાર્યો હતો તેનો ઉદય ખરેખર થઈ ચૂક્યો જણાય છે ! તરવાર અને કોરાનથી ઇશ્વરની આજ્ઞાનો અમલ કરવાનું પુણ્ય પ્રસરવા લાગ્યું છે ! યોગિનીપુર યોગિનીઓનેજ સ્વાધીન થયું છે !
શહેરના મધ્ય ભાગમાં આવેલા એક ગરીબ ઝુંપડાના ઓરડામાં પેલી માતા બેઠી બેઠી પોતાના બાલક ઉપર દૃષ્ટિ માંડીને તેનાં ગેલને નિરખવામાં આનંદ લેતી વિલસે છે, શાન્ત, આનંદકારક, શીતર્તુનો મધ્યાન્હ થઈ રહ્યો છે; સાંકડા ફળીઆના ઉંચા પ્રાસાદોને લીધે પ્રતિબિંબ પામતો સૂર્યપ્રકાશ એક ઉંચી બારીમાં થઈને ઓરડામાં આવી રહ્યો છે— અહા ! એ પ્રકાશ સર્વત્ર સમાન છે;— દુ:ખીને કે સુખીને, રુધિરસ્ત્રાવને કે આનંદવિલાસને, બંદીખાનને કે ભવ્યપ્રસાદને, જીવનમાં પ્રથમાવિર્ભાવ પામતા બાલકને તેમ જીવનને તજી જતા નિર્ભાગીને—સર્વને સમાન એવો એ પ્રકાશ જેમ ભયનિર્મૂક્ત છે તેમ નિર્દોષ માતા પોતાના બાલક ઉપરના વાત્સલ્ય નિમગ્ન થઈ અત્યંત ભયમુક્ત બેઠી છે ચાંદરણામાં થઈને આવતા કિરણોને પકડવા માટે બાલક પોતાના હાથ ઉંચા કરી ફરી હસે છે, મૂઠીઓ વાળી બાચકા ભરે છે, ને એમ હસતું, નાચતું, રમાના ચરણ આગળ સુતુ સુતુ રમે છે. રમાએ પોતાની દૃષ્ટિ આ આનંદસ્થાન ઉપરથીજ જરા દૂર ખેંચી લીધી—દૂર ખેંચતાંજ નિઃશ્વાસ મૂકી ઉદાસ થઈ ગઈ–પદ્મનયમાંથી એક અશ્રુબિંદુ ખર્યું.
આની આજ દિલ્હીમાં યમુનાના તટ ઉપરની નાની ઝૂંપડીમાં વીણાના મધુર ગાનથી વિલસતી સંગિતના આલાપમાં આત્માને એકતાર કરી, વિવિધ કલ્પના–ચિત્રમાં આલ્હાદ પામતી રમા અત્યારે ક્યાં બેઠી છે ! કેવી સ્થિતિમાં છે ? શું એ 'રમા એની એ હોય ! કેવી મ્લાન, કેવી દુર્બલ ! ભાન વિનાજ હાથ પગ ગમે તેમ છુટા નાખી પડી હોય તેમ એ બેઠી છે, એના અધર ઉપર જે સ્મિત સર્વદા રમતું હતું તે અસ્ત પામી ગયું છે, જાણે જીવનનું જીવન જતું રહ્યું હોય એવી પ્રકટ નિરાશા એના તારુણ્યતરુને મ્લાનતા પમાડી રહી છે:— ખરી રીતે કહીએ તો, પોતાને પોષણ આપનાર મૂલને તજી અન્યત્ર ભમતા પ્રવાહનું જલ જેમ ક્ષીણ થઈ જાય તેમ રમાની જીવનશક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. અહો ! કેવા નિર્દોષ, વિશ્વસ્ત, વસ્ત્રબ્ધ, ઉલ્લાસથી જીવનનો આરંભ ! ને કેવા વિકટ, વિષમય વિષાદમાં તેનો અંત ! વચમાં ત્રાસ, ભય, શંકા, ક્લેશ ! માણસે શંકા અને ભયથી કેટલાં કેટલાં અમરસુખને વણસાડી નાખે છે ! ભય અથવા શંકા અને વહેમની સ્થિતિમાં જે આકસ્મિક ત્રાસ અને વેગ ઉપજી આવે છે તેનાથી રમા, અજ્ઞાનમાં જ, સ્વપ્નમાં હોય તેમ, પોતાના પ્રાણનાથથી નાશી છૂટી હતી; સાક્ષાત્ મહાત્માને પણ, પોતાના ઉપર આશક થયેલો બ્રહ્મરાક્ષસ ધારી ખરા બ્રહ્મરાક્ષસરૂપ લાલાનાથી ઠગાઇ હતી. અત્યારે તો એ ત્રાસને એ વેગ દિલ્હીમાં પગ મૂકતાંજ જતાં રહ્યાં હતાં. એને લાગ્યું હતું કે જે સ્મિતને હું પિશાચવત્ સમજી તજીને આવી છું તેમાંજ મારું જીવિત છે, તેજ મારો પ્રાણ છે. એને પશ્ચાત્તાપ થતો ન હતો. જે વેગથી પોતે આટલે સુધી નાશી આવવા સમર્થ થઈ હતી તેને થયો ન થયો કરવા ઇચ્છતી ન હતી, વેગ અદ્યપિ અસ્ત થયો હતો તથાપિ વહેમ નિવૃત્ત થયો ન હતો. મેં મારા બાલકને મહા ભયમાંથી ઉગારી આણ્યો છે એમ એ હજી પણ નિશ્ચયપૂર્વક માનતી હતી. લાલાજીની બહુ ભેદ ભરેલી હોય તેવી બનાવેલી વાતોથી આ નિશ્ચય દૃઢ થયો હતો; અને લાલો પોતેજ એ ભયમાંથી કેવો બચી આવ્યો હતો તે વાત કહી સાનુભવ સાક્ષી આપતો તેથી રમાની શ્રદ્ધા તેના વચન ઉપસ્થી ખસતી ન હતી. એટલે તેને પશ્ચાત્તાપ થતો ન હતો. પણ ઈચ્છામાત્રજ જાણે જતી રહી હોય તેવી તે સ્તબ્ધ બની ગઈ હતી.
સંસારના વિકટ વ્યવહારમાં શાં શાં દુ:ખ પડે છે તેનો અનુભવ આ બાલાને પ્રથમ પહેલો આ સ્થાને થવા લાગ્યો. કાવ્ય અને સંગીતનો આત્મા જ્યાં શબ્દરૂપે આવિર્ભાવ પામે છે એવા, રમાએ પોતાના બાલ્યવયમાં ચલાવેલા, ઉદ્યોગમાં તો, કોઈ એવો વેગ ચઢેલો રહે છે કે તે વેગને લીધે કોઈ સાધારણ ધંધાના કષ્ટ કરતાં એ ધંધો અતિ ઉન્નત અને ઉત્તમ લાગે છે. ગાન અને નાટ્યકલાનો પ્રદેશ પ્રત્યક્ષ કરડો વ્યવહાર અને પરોક્ષ પણ મૃદુ સુખમય ભાવના તેના પ્રદેશની વચ્ચે જ રમ્યાં કરે છે. ભાવનાનો પ્રદેશ જેમ જેમ વ્યવહારના પ્રદેશને દબાવતો જાય છે તેમ તેમ ભાવનામાંજ વિલસતી વ્યક્તિઓ વ્યવહારમાં અનેક ભૂલો કરે છે, અનેક કષ્ટ પામે છે, વ્યવહારકુશલ લોકનાં નિંદા ઈર્ષ્યા આદિને પાત્ર થાય છે. કોઈ સન્યાસી થઈ વ્યવહારની વિષમતા ભુલવા મથે છે, કોઈ રમાની પેઠે વ્યવહારના ત્રાસમાં ને ત્રાસમાં એકે ન સાધી શકતાં પરમ ક્લેષ વહોરે છે,
જે દિલ્હીનાં ચક્ષુ અને શ્રોત્ર જેને નિરંતર પૂજ્યાં કરતાં તેજ દિલ્હીમાં અત્યારે તે મૂર્તિના અધિકારમાં તે સમયે બલ આપતી ભાવનાનો આધાર રહ્યો નથી. કામમય પ્રેમસુખના ઉન્નત પ્રદેશમાં વિચરતાં એને એમ લાગ્યું હતું કે અન્યના ભાવનું અનુકરણ કરવા કરતાં, એ પ્રદેશમાં તે પોનેજ ભાવરૂપ થઈ જવાય છે. પણ અરે ! વળી પાછી તું અન્યની સ્તુતિ નિંદા ઉપર આધાર રાખવા સારું એ ઉચ્ચ પ્રદેશમાંથી ઉતરી, જેને કામમૂર્તિ માને છે તેને બેવફા થઈ ! હા, એજ સમય હવે આવ્યો. લાલાજી જે કાંઈ આપે તે લેઇને પોતાનું ગુજરાન કરવું એ વાત રમા સ્વીકારે તેમ ન હતું. એટલે પોતે પોતાનાથી બને તેવાં નાનાં મહોટાં કામ કરીને ગુજારો કરતી, અને જેમ તેમ કરી પોતાના બાલકને ઉછેર્યો જતી.
બાલક પણ પોતાના પિતાનું ખરેખરૂં વૈરજ વાળતો હોય એમ કરતો. એ દિવસે દિવસે ભવ્ય અને તેજોમય થતો ચાલતો હતો, અને જાણે એની માતા કરતાં કોઇ અન્ય સત્ત્વ એને રક્ષતું ને પોષતું હોય તેમ વિલક્ષણ કાન્તિ વિસ્તારતો હતો. નિદ્રા લેતો ત્યારે એવી ગાઢ સુષુપ્તિમાં ઉંઘતો કે વજ્રપાતનો ટંકારવ થાય તો પણ જાગે નહિ, છતાં એ રીતે ઉંઘતો ઉંઘતો પણ જાણે કશાને ભેટતો હોય તેમ હવામાં હાથ ઉંચા કરી બાથ ભરતો, વારંવાર એના હોઠ હાલતા અને કાંઈક બોલતા (પણ તે બધું રમાને માટે નહિ, ) અને એ બધી વખત એના ગાલ ઉપર કોઈ દિવ્ય પ્રકાશ ઝળકી રહેતો, એના મુખ ઉપર કોઈ ગૂઢ આનંદનું સ્મિત છવાઈ રહેતું. એ જાગતો ત્યારે એની દૃષ્ટિ પ્રથમે એના ઉપર પડતી નહિ. ચોપાસ કાંઈક ખોળતી હોય તેમ ચલવિચલ ફરતે ફરતે, છેવટ તે આવીને રમા ઉપર ઠરતી. પણ તે સમયે જાણે અવાચ્ય ખેદ અને ઉપાલંભથી ભરેલી હોય તેવી જણાતી.
રમાને સર્વે કોઈ વાર સમજાયું ન હતું કે ગુલાબસિંહ માટે પોતાનો પ્રેમ કેવો મહાન અને પ્રગાઢ છે. જેનાથી તે વિખૂટી પડી હતી તેના અભાવરૂપી પ્રચંડ અગ્નિમાં તેની આશા, તેનું જીવન, તેનો પ્રેમ, તેઓ રસ, રે ! તેનું હૃદય, બધાં દગ્ધ થઈ કરમાઈ ગયાં હતાં. નગરમાં ચાલતી ધાંધળ કે પાસેના યમુનાપ્રવાહનો ઘોંઘાટ કશાનું તેને ભાન ન હતું. એમ ભાનવિનાની, જ્ઞાનશૂન્ય એ અબલા દિવસ નિર્ગમતી હતી, વાઘના મોઢામાં જ તેનું માથું છે તેની લેશ પણ તેને પ્રતીતિ હતી નહિ.
ઓરડાનું બારણું ઉઘડ્યું અને લાલાજી અંદર આવ્યો, નિત્ય કરતાં આજ તે ઘણો ઉશ્કેરાઈ ગયેલો જણાતો હતો.
"કોણ ! લાલાજી !” રમાએ પોતાના મૃદુ પણ ખાલી શબ્દે કહ્યું “હું તને આવવો ધારતી હતી તે કરતાં તું વહેલો આવ્યો !
“દિલ્હીમાં વહેલા મોડાની વાત કોણ કહી શકે એમ છે ? હું આવ્યો છું એજ બહુ છે. આવા મહાભયના સમયે પણ તારી ઉદાસીનતા મને બહુ ખેદ પેદા કરે છે. જાણે કશું હોયજ નહિ એમ નીરાંતે તું “આવ”–“વહેલો આવજે" કહે છે, ખુંણે ખુંણે ચોર લોકો ફરતા ન હોય. અને ક્ષણે ક્ષણે ખૂન થતાં ન હોય, એમ તું તો નીરાતે બેઠી છે "
“ક્ષમા કરજે, પણ મારૂં જગત્ તો આ ચાર ભીંતોની વચમાંજ છે. તું જે જે વાત મને સમજાવે છે તે મારે ગળે ઉતરતી નથી, આના (–બાલક તરફ બતાવીને) વિના બધું મને તો નિર્જીવ જ લાગે છે, એવું નિર્જીવ લાગે છે કે જે ખૂન અને મરકી ચાલે છે તે વિશે તો સ્મશાનમાં ચિતા ઉપર પડેલું માણસ પણ મારા કરતાં ભાગ્યેજ વધારે બેદરકાર હોય,"
લાલો ક્ષણવાર થોભ્યો અને અદ્યાપિ તરુણ છતાં, હૃદય જર્જરિત થતાં જે છેવટનો નિર્વેદ થાય છે તથા ગ્રસ્ત એવાં રમાનાં આકૃતિ તથા વદન ઉપર આશ્ચર્યની અને વિલક્ષણતાની વૃત્તિથી જોઈ રહ્યો. છેવટ બોલ્યો:–
"ઓ રમા ! તને આવી થયેલી જોવાની મને આશા હતી ? દિલ્હીનાં આનંદમય સ્થાનોમાં આપણે પ્રથમ મળ્યાં ત્યારે આપણે આવી રીતે મળવું એમ શું મારી ઈચ્છા હતી? તે સમયે તે શા માટે ના પાડી, અથવા શા માટે મારા પ્રેમનો સ્વીકાર ન કર્યો ? પાછી ના ભાગ, મને તારો હાથ ઝાલવા દે; એ તરુણ અવસ્થામાં જે પ્રેમ ઉભરતો હતો તે ઉગ્ર વૃત્તિવિલાસ હવે મારામાં ફરી આવે એવી આશા નથી. તારે માટે હવે તે મને કોઈ મહોટા ભાઈને પોતાની નાની બહેનની જેવી દયા આવે તેવીજ લાગણી થાય છે. તારી પાસે, તારા સન્નિધ્યમાં, મને મારા બાલપણની પવિત્ર સ્થિતિનું પુનર્ભાન થાય છે. વિશૃંખલ મોજમજાહ અને દારૂબાજી વિના માત્ર આ એક સ્થાનજ એવું છે કે જ્યાં મને રકતબીજનો ઉપદ્રવ થતો નથી. અત્ર તેતોમારા પગતલે દબાઈ રહેલું મૃત્યુ તેનું એ મને ભાન રહેતું નથી. પણ હજી આપણા ભાવિમાં સુખના દિવસ નથીજ એમ ન કહેવાય. જે વિકરાલ ભૂત મને વળગ્યો છે તેનાથી શી રીતે મુક્ત થવું તેની યુક્તિ હવે મને જડી છે–માત્ર એની સામા થવું ને એની દરકાર ન કરવી. મત્સ્યેન્દ્રે જે ગૂઢ સ્વરૂપે મને કહ્યું હતું તે હવે મને યાદ આવે છે કે “જ્યારે એ તને અદૃશ્ય હોય ત્યારેજ તેનું વધારેમાં વધારે ભય સમજજે.” ધર્મમય અને નીતિમય વ્યવહારમાં મને તેનું દર્શન થાય છે. અરે ! એ રહ્યું–એને હવણાં પણ પણે સામે દેખું છું. (ધ્રુજે છે, ને શરીરેથી પ્રસ્વેદ છૂટે છે) ! પણ મારો નિશ્ચય હવે હું ફેરવવાનો નથી. એની સામે જોઉં છું એટલે જો તુરતજ એ જતું રહેલું છે—ગયું !” એમ કહીને જરાવાર થોભ્યો અને બોલ્યો “ રમા ! શી રીતે આપણે તેનાથી છૂટવું તેનાં સાધન મારે હાથ આવ્યાં છે. આપણે આ શહરમાંથી જઈશું, કોઈ બીજા દેશમાં જઈ આપણે અન્યને દીલાસો અને આધાર આપવા યત્ન કરીશું, અને ભૂતકાલને વિસારે પાડીશું.”
રમાએ શાન્તિથી ઉત્તર આપ્યું “ના, ના, મને મોત અહીંથી ખશેડે તે વિના એક ડગલું પણ ખસવાની ઈચ્છા નથી. લાલાજી ! રાતેજ એ સ્વપ્નમાં આવ્યો હતો; અને જુદાં પડ્યાં ત્યારથી આજજ મને એવું સ્વપ્ન આવ્યું અને મને એમ લાગ્યું કે એણે મારો અપરાધ ક્ષમા કરી મને “પ્રિયપત્ની” કહી બોલાવી એ સ્વપ્નથી આ ઓરડો પવિત્રતામય, નિર્ભય, થઈ ગયો છે, મારા મનમાંથી શંકાનો ગંધ નીકળી ગયો છે, મારા મરતા પહેલાં પણ મને એનું દર્શન પુનઃ થશે.”
“એની વાત દાટી મૂકી એ પિશાચને યાદ ન કર ” લાલાજીએ ક્રોધથી અને આવેશથી ભૂમિ ઉપર લાત મારીને કહ્યું “તને એના હાથમાંથી ઉગારી છે તે ઈશ્વરનોજ ઉપકાર માન.”
“બસ” રમાએ ગંભીરતાથી કહ્યું, જેવી વધારે કહેવા જતી હતી તેવીજ તેની દૃષ્ટિ પોતાના બાલક ઉપર પડી. તે સમયે સૂર્યકિરણો તેની આસપાસ રમી રહ્યા હતા, અને તેના વદનની આસપાસ કોઈ અપૂર્વ માહાત્મ્યની છાયાની પેઠે તેનું તેજ તે વધારી રહ્યા હતા. એની વિશાલ, સ્થિર, શાન્ત, દૃષ્ટિમાંજ એવું કાંઈક હતું કે જેનાથી રમા ભયભિત થવા છતાં, પોતાના માતૃભાવને સાર્થ થયો માની લે. લાલો બોલતો હતો તેના ઉપર એ દૃષ્ટિ તિરસ્કારપૂર્ણ જણાતી હતી અને રમાએ તો તે દૃષ્ટિનો અર્થ, પોતાના અવિદ્યમાન પ્રિયતમનો પોતે કરી શકે તે કરતાં પણ વધારે સબલ બચાવ રૂપે જ કરી લીધો.
લાલાએ પછી વાત ચલાવી. “ત્યારે તો તું અહીં જ રહીશ;—શા માટે વારૂ? માતારૂપે તારો જે ધર્મ છે તે ચૂકવા માટે ? તને કાંઈ થશે તો તારા બાલકનું શું થશે? માબાપ વિના જ એને ઉછેરવામાં આવશે ? જે સ્થાનમાંથી તારો આર્યધર્મ પણ ભ્રષ્ટ થઈ ચૂક્યો છે, જ્યાં દયા અને માનુષભાવનો છાંટો પણ રહ્યો નથી, તો તેવે સ્થાને એ એમ ઉછરશે પણ ખરો કે? ઓહો ! રો-રો ને એની છાતીએ ચાંપ ને પાછી રો ! આંસુ કાંઈ રક્ષણ કે બચાવ કરી શકતાં નથી.”
“મારા મિત્ર ! તારી વાત ખરી છે—ચાલ હું તારી સાથે આવીશ.”
“કાલે રાતે તૈયાર થઈ રહેજે. તારે જરૂરનો વેશ હું લાવીશ.”
પછી લા'લાજીએ રમાને, જે રસ્તે જવા ધારેલું તે તથા જે નામ ઠામ આપવાનાં તે બધી વાત ટુંકામાં સમજાવી. રમા સાંભળ્યાં ગઈ, પણ ભાગ્યેજ કાંઈ સમજી; લાલાજીએ એનો હાથ લેઈ છાતી સરસો ચાંપી અને રામ રામ, કહી રજા લીધી.