ગુલાબસિંહ/તરંગ ૭:પ્રેમ અને વૈર
← પશ્ચાતાપના અંકુર | ગુલાબસિંહ પ્રેમ અને વૈર મણિલાલ દ્વિવેદી |
ભલાઈનો બદલો → |
પ્રકરણ ૫ મું.
પ્રેમ અને વૈર.
લાલાજી રમાના આવાસમાંથી ઉતાવળો ઉતાવળો નીકળીને દોડતો ચાલ્યો, તેના સપાટાના વેગમાં, અને એના મગજમાં જે વિચારો ચાલતા હતા તેની ધૂનમાં, એના દીઠામાં આવ્યું નહિ કે આંગણામાં એક ભીંતના ખૂણાને ઓથે બે માણસો અંધારામાં ભરાઈ રહીને ચર્ચા જુવે છે. એ સમયે પણ પેલા રક્તબીજને તો એ પોતાની સાથે સાથેજ દેખતો હતો. તેની વિકરાલ આંખો ઉપરથી પોતાની દૃષ્ટિ ફેરવવા યત્ન કર્યા છતાં ફાવતો ન હતો; પણ મનુષ્યની ઈર્ષ્યાકુલ દૃષ્ટિ અને વિશેષે નારીના દ્વેષની કદાપિ ન ટળે તેવા અતિ ગૂઢ રોષની દૃષ્ટિ એણે દીઠી નહિ !
લાલાજીની પૂઠ વળી કે તુરત બંદો રમાના આવાસના બારણા આગળ આવ્યો, ગોપિકા પણ તેની પાછળ પાછળ આવી. બારણાં આગળ જે માણસ હતો તેની સાથે, હાલના સમયને અનુસરી કેવી રીતે વાત કરવી તે બંદાને સારી પેઠે ખબર હતી. તેને દેવડી ઉપરથી પોતાની પાસે બોલાવી કહ્યું કે “અરે બિરાદર ! આ શું ! તારા ઘરમાં તેં એક શકવાળું માણસ સંઘરેલું છે !”
“બિરાદર ! મને ભય છે ? આ તમે શું બોલો છો !— એમ હોય તો એ પુરુષનું નામ મને કહો.”
“એ પુરુષ નથી, — એક રાજદ્રોહી… અહીંની જગા તારી છે; અહીંઆં તેવી કોઈ રહે છે કે નહિ ?”
“હા — રહે છે; ઉપર જાઓ, ડાબી બાજુનું બારણું તેનું છે. પણ એને બીચારીને શું છે ? એ તો ગરીબ છે.”
“સાંભળ, વિચારીને બોલ, તને એની દયા આવે છે કે ?”
“ના, ના, ના, મને … … … … …”
“બોલ, સાચે સાચું કહી દે, એની પાસે કોણ આવે છે ?”
“કોઈ નહિ, માત્ર એક રજપૂત જેવો, કોઇક જેપુર જોધપુર તરફનો હોય તેવો ફક્કડ આવે છે.”
“રજપૂત ! — હા એજ ! જોધપુરના મહારાજાનો એ હેર છે.”
“ અરે રામ ! હાય, હાય, મારી શી વલે ! ”
“ ખબરદાર ! રામ શું અને ભીમ શું?” — ત્યારે તો તું પણ કોઈ રાજદ્રોહી જણાય છે !”
“ના ભાઈ ના, એ તો મને નઠારી ટેવ પડી છે તે અજાણતાં પણ બોલાઈ જાય છે !”
“એ રજપૂત એની પાસે ક્યારે આવે છે ?”
“દહાડામાં એક વાર તો આવ્યા વિના રહેતો નથી, કોઈ વાર બે ત્રણ વાર પણ આવે છે.”
આ સાંભળતાંજ પેલી ગોપિકાના મોમાંથી “મારો રોયો!” એમ ઉદ્ગાર નીકળી ગયો, અને એની આંખોમાંથી અગ્નિ ઝરવા લાગ્યો.
પેલા માણસે કહ્યું “એ તો કોઈ વાર કહીં જતી નથી, બધો દહાડો બેઠી બેઠી કાંઇને કાંઈ કામ કર્યા કરે છે, અને એના છોકરાને રમાડ્યાં કરે છે.”
“છોકરો !”
એટલું બોલતીજ ગોપિકા બંદાને વટાવીને ધસમસી ઘરની અંદર કૂદકો મારીને પેશી ગઈ, બંદે તેને છેડો પકડી અટકાવવા યત્ન કર્યો, પણ છેડો તેના હાથમાં આવ્યો નહિ. નીસરણી એક સપાટે સાસભરી તે ચઢી ગઈ, અને હાંફતી હાંફતી પેલી ડાબી બાજુના બારણા આગળ જઈને અટકી. બારણું ઉઘાડુંજ હતું, એટલે અંદર પેઠી, ઉમરા ઉપર જરાક ઉભી, અને અદ્યાપિ પણ કાન્તિના પૂરમાં ઝગઝગતી વદનદ્યુતિ ઈઝંખવાઈ ગઈ, ઈર્ષ્યાના તાપથી વધારે કાળી પડી ગઈ. આટલી બધી કાન્તિ જોતાંજ એને પરમનિરાશા થઈ ગઈ. હવે લાલો મારો હીસાબ નહિજ પૂછે—પ્રયત્ન વ્યર્થ છે, એમ એને થઈ ગયું. માતા આ સમયે પોતાના પુત્રને ભોંય ઉપર ગાદીમાં સુવાડી તેના ઉપર વાંકી વળીને નમી રહી હતી, તેને ચુંબન કરતી હતી, રમાડતી હતી. અને તેનાં લાડમાં પોતાના વિદૂર ૫ડેલા પ્રિયતમની છાયા જોઈ મનમાં મકલાતી હતી:–પણ આ દર્શન જોતાંજ ગોપિકાને કાંઈનું કાંઈ થઈ ગયું, પોતે પ્રજાહીન—આ પ્રજાવાળી ? અરર ! અત્યારે ને અત્યારે આખો આવાસ સળગાવી નાખે તેવો ઉષ્ણ ઉસાસ એના મોમાંથી નીકળવા લાગ્યો, જગત્નો દ્વેષમાત્ર એના હૃદયમાં કેન્દ્રિત થઈ ભડભડાટ સળગવા લાગ્યો. એ ભડકાની ગરમીએ, કે પેલા ઉદાસની ઉષ્ણતાએ કોણ જાણે શાણે તે તો અમે કહી શકતા નથી. પણ તુરત રમાએ બારણા સામું જોયું,—જોતાંજ કોઈ અજાણી સ્ત્રીને, સાક્ષાત્, કાલિકાને, ભવાનીને, કે કોઈ રાક્ષસીનેજ, ખાઉં ખાઉં કરતી ઉભેલી જોઈ, અને ભયથી થરથર કાંપતાં તેણે બાલકને છાતી સરસો દબાવી દીધો. ગોપિકા તુરત ખડખડાટ હસી પડી, એના આંતર આવેગના બેલે એનાં ડાચાં એજ પ્રકારે હાલ્યાં જે હસવારૂપે જણાયું. તુરત પાછી વાળી, નીચે ગઈ. અને બંદો જ્યાં હજી પેલા માણસ સાથે વાતો કરતા હતા ત્યાં આગળ જઈ તેનો હાથ તાણીને ચાલવા લાગી. ખુલ્લા માર્ગમાં આવતાં તે જરાક શાન્ત પડી હોય એમ જણાઇ, ઉભી રહી, અને બોલી કે “મને વેર વાળી આપ, અને તેને માટે જે લેવું હોય તે માગ.”
“ઓ મધુરી લલના ! માગવાનું બીજું શું છે ? તને મારા હૃદયમાં હું સ્થાન આપું એટલી રજા આપ એ માગવાનું. કાલે રાતે તું મારી સાથે નીકળી ચાલ; રજાચીઠી અને માર્ગની યુક્તિ બધું તને મળશે.”
“ને આ બેનું—”
“એ બે આપણા જતા પહેલાં બંદીખાનામાં નિવાસ કરશે, અને જલ્લાદની તરવાર તારૂં વેર તેમના ઉપર વાળશે.”
“બસ, એટલું કર, એટલે મને તૃપ્તિ થશે.”
“આટલી વાત થયા પછી પાછાં બને ચાલવા માંડ્યાં, તે છેક લાલાજીને ઘેર પહોંચતા સુધી કાંઈ બોલ્યાં નહિ પણ તે આવાસમાં ગોપિકા એકલી પડી, અને બારીઓ ગોખ પલંગ—જે જે સ્થાનને તેણે લાલાજીના પ્રેમથી મધુરતાના, માની લીધેલા આવેશમાં સ્વર્ગતુલ્ય માન્યાં હતાં તે તેની દૃષ્ટિએ પડવા લાગ્યાં, એટલે એના હૃદયનો વૈરભાવ નરમ પડવા લાગ્યો, રાક્ષસીભાવ મટી કાળો ક્રૂર પણ નારીભાવ એના ઉપર પ્રવર્તવા લાગ્યો. બંદાના હાથ ઉપર ટેકો દઈ તે ઉભી હતી, તેને જરા દબાવી બોલી —“પેલી રંડાને જે કરવું હોય તે કર, મારી નાખ—પણ આની છાતી ઉપર તો હું વિશ્વાસે ઉંઘી છું, રમી છું. એને તો નહિ.”
“જેવી તારી મરજી” બંદાએ દાંત કચડતે કચડતે કહ્યું “પરંતુ થોડીક વાર તો એને પણ પકડવો પડશે. છેવટ એને કાંઈ હરકત નહિ થાય, અને તોહોમત સાબીત કરનાર પૂરાવો ન મળવાથી એ છૂટી જશે, પણ એની માશુકની તો તને દયા નથી જ કે ની ?”
ગોપિકાએ પોતાની કારી આંખ બંદા ભણી ફેરવી, એ જ એનું પૂર્ણ ઉત્તર હતું.