ગ્રહાષ્ટક વત્તા એક/અંતનો આરંભ

વિકિસ્રોતમાંથી
← નવમો ગ્રહ ગ્રહાષ્ટક વત્તા એક
અંતનો આરંભ
ચુનીલાલ મડિયા
અષ્ટગ્રહીનાં એંધાણ →






૯.
અંતનો આરંભ
 

‘આ મૂઆ વકીલે તો જે ઉપાડો લીધો છે!’ લેડી જકલે બુચાજી ઉપર રોષ ઠાલવ્યો.

‘એને તમે મૂઓ કહેશો તેમ એ વધારે જીવશે. પારસીઓ એંસી વરસથી ઓછી ઉમ્મરે ડુંગરવાડી પર જતા જ નથી.’

‘તે એના ઘરમાં પડ્યો પડ્યો ભલે ને એંસીને બદલે આઠસો વરસ જીવતો. અહીં મારી છોકરીને ખેધે શાને પડ્યો છે ?’

‘એ આમેય એકલવાયો જીવ છે. ને હમણાં હમણાં એને તિલ્લુનો કૉન્સર્ટ જોયા પછી નૃત્યનો નાદ લાગ્યો છે.’

‘ઉતર્યે કાળે ઉજાણી.’

‘એ પોતે હવે નૃત્ય શીખવા માગે છે.’

‘શિવ શિવ શિવ ! બુચાજી નૃત્ય શીખશે તો નૃત્યકારો શું કરશે ? હજામત ?’

‘એ ભલા જીવની ડાગળી જરાક ખસેલી છે.’

‘તે ડાગળી ખસેલી હોય તો પણ એ મારી તિલ્લુને ખેધે શાનો પડ્યો છે ?’

‘અક્કલનો ઓછો છે જ.’

‘પણ માંડ કરીને પ્રમોદકુમારનું ગાડું પાટે ચડી રહ્યું છે એમાં આવો વાચલ માણસ કાંઈક વિઘ્ન ઊભું કરશે તો ?’

‘એટલી એનામાં પાહોંચ ક્યાં બળી છે ?’

‘મને તો પેલા નાચણિયાના વિઘ્નની જ બીક લાગ્યા કરે છે હવે.’

‘એ તમારો મનનો વહેમ છે. બીજું કાંઈ નહિ.’

‘પણ મેં એને તિલ્લુના રૂમમાં નજરોનજર જોયો.’

‘એ તમારો ભ્રમ જ હશે. કંદર્પકુમારને તો દરવાજેથી જ પેલો રામચરન એની કુકરી મારીને ખતમ કરી નાખે.’ સર ભગને સમજાવ્યું, ‘એ ચોકિયાત તો હવે ભલભલા જ્યોતિષમાર્તંડોને પણ દરવાજે અટકાવે છે. પછી ગિરજો જઈને એ લોકોની પાકી ઓળખાણ આપે પછી જ દરવાજામાં પેસવા દે છે.’

‘પણ ચોરની સો ને શાહુકારની એક. રામચરનને આંખે પાટા બાંધીને પણ એ હરામખોર અહીં આવતો હશે તો ?’

‘પણ આવ્યો હોય તો એ પાછો જાય ક્યાં ?’

‘મને પણ હવે એ જ સમજાતું નથી કે એ આવ્યો હશે તો પણ પાછો ક્યાં ગયો ?’

‘એટલે જ તે કહું છું કે શંકા ભૂત ને મંછા ડાકણ.’

‘હવે તો મારી છોકરી પ્રમોદકુમાર જોડે પરણીપષટીને ઠેકાણે બેસે, તો જ મારા મનમાંથી શંકા-ભૂત ઓછાં થાય.’

‘થશે બધું —યથાસમયે થશે જ.’

‘યથાસમય એટલે ક્યારે ? આમ ને આમ છોકરીનો કન્યાકાળ વીતી જાય, ને મારા જેવી ઘરડીબુઢ્ઢી બની જાય ત્યારે ?’

‘તમને કોણ ઘરડાંબુઢ્ઢાં ગણે ?’

‘તમે જ તો વળી. હું શું નથી જાણતી ?’

‘અત્યારે એ જૂનો ઝઘડો ઉખેળવાની શી જરૂર ? અત્યારે જે પરણે છે એનાં જ ગીત ગાઓ ને.’

‘એટલે કે પ્રમોદકુમારનાં જ ને ?’

‘હા જ તો વળી.’

‘પણ એ હજી ક્યારે પરણશે ?’

‘અષ્ટગ્રહી પૂરી થાય કે તરત જ.’

‘પણ આજ ને અષ્ટગ્રહીની વચમાં જ કાંઈક ઊંધુંચત્તું થઈ જાય તો ?’

‘અરે, એ વાતમાં શો માલ છે ?’

‘મને તો દિન પે દિન આમાં કાંઈક વહેમ જેવું જ લાગ્યા કરે છે.’

‘એ તો તમારો સ્વભાવ જ વહેમીલો, મારા ઉપર પણ તમે ક્યાં ઓછો વહેમ રાખતાં ?’

‘અરે, અત્યારે એ જૂની વાતોને મારો ને ઝાડુ. અત્યારે તો ઘરમાં હોળી સળગી છે એને ઠારવાને બદલે આડીઅવળી વાતો તમને સૂઝે છે શી રીતે ?’

‘પણ શી રીતે ઠારું ?’

‘તિલ્લુનાં ઘડિયાં લગન કરી નાખો.’

‘પ્રકાશશેઠ એમ માને ખરા ? એમને પણ દીકરાના લગનની ધામધૂમનો લહાવો લેવો હોય કે નહિ ? ઘડિયાં લગનથી તો ભાગેડુ લગન જેવો દેખાવ થાય. એમાં આપણી પણ આબરૂ શી?’

‘તમે આબરૂ આબરૂ કર્યા કરો છો, પણ મને તો લાગે છે કે આમાં હવે મોડું કરવામાં આપણી આબરૂ ઉપર જ બટ્ટો લાગી જશે.’

‘શી રીતે ?’

‘પેલો નાચણિયો કાંઈક વિઘન નાખશે તો...’

‘ફરી શંકા ભૂત ને મંછી ડાકણ.’

સર ભગન આમ ફરી વાર પત્નીને ઠપકો આપી રહ્યા હતા ત્યાં જ સેક્રેટરી સેવંતીલાલ દીવાનખંડમાંથી પાછા ફર્યા ને બોલી રહ્યા :

‘બુચાજી ચા પીવાની ઘસીને ના પાડે છે.’

‘તો શું પીવું છે ? ચાને બદલે તાડી ?’

‘કોણ જાણે !’

‘તાડી પીવી હોય તો જાય સીધા તાપીને કાંઠે ફ્લાઈંગમાં બેસીને. બધા છાંટા માસ્તરો જાય છે ત્યાં તાડી મળશે.’

સેવંતીલાલે કહ્યું : ‘એ તો કહે છે કે હું અહીં ચા પીવા નથી આવ્યો.’

‘ત્યારે શા માટે આવ્યો છે ? એની ફી તો ચૂકવી દીધી છે ક્યારની.’

‘એ તો કહે છે કે હું અહીં નૃત્યકલાનું પાન કરવા આવ્યો છું.’

‘એ નાદિયાને હું જ નૃત્યપાન કરાવી દઉ, થોભો જરા.’ કહીને સર ભગન દીવાનખાના તરફ ઉપડ્યા.

સર ભગનની ઉપાધિઓને પાર નથી. દીવાનખંડમાં બૅરિસ્ટર બુચાજી જોડે હજી એમણે બેએક મિનિટ પણ વાત ન કરી ત્યાં તો એક પછી એક રાવફરિયાદ આવવા માંડી:

‘સાહેબ, એક હજાર ડબાથી ભરેલાં વૅગનોની સ્પેશિયલ હજી સાઈડિંગમાં જ પડી રહી છે અને સ્ટેશન માસ્તર કહે છે કે, સાંજ સુધીમાં ખાલી નહિ કરો તો.....’

‘તો ડૅમરેજ ચડાવશે, એટલું જ ને ?’

‘ના જી, એ તો કહે છે કે અમારા મજૂરો બધા જ ઘીના ડબા રસ્તા પર ફેંકી દેશે, અને સ્પેશિયલ પાછી ઉપડી જશે.’

‘કારણ કાંઈ?’

કહે છે કે આજકાલ વૅગનની ખેંચ છે એટલે આમ આગવી ગુડ્ઝ ટ્રેઈનને સાઈડિંગમાં જ પડી રહેવા ન દેવાય.’

‘તે શું હજારેય ડબા રસ્તા પર ઢોળી દેવાય ?’

‘પણ સાંજ સુધીમાં આપણે કબજો નહિ લઈએ તો રેલવેવાળા તો એ સાચે જ રસ્તા પર ઢોળી નાખીને ગુડ્ઝ ટ્રેન પાછી લઈ જશે.’

‘અરે, તો તો થઈ રહ્યું ને ? તો તો સહસ્ત્રચંડી યજ્ઞમાં એક સહસ્ત્ર કુંભ ધીનો હોમ શી રીતે થાય ?’

‘પણ તો પછી બીજો ઉપાય શો ?’

‘આપણા અન્ડરગ્રાઉન્ડ ગોદામમાં.’

 ‘મર્સરાઈઝ્ડ મલમલ ભરી છે.’

‘એમાં આ ડબા ખડકી દો.’

‘પણ સાહેબ, મલમલ મસરાઈઝ્ડ...’ મહેતાજીએ સાવ નાજુક અવાજે આ શબ્દો ઉચ્ચાર્યા, કેમ કે વાત નાજુક હતી, અને મામલો પણ નાજુક હતો. શ્રીભવનમાંનું ભૂગર્ભ ગોદામ ખરેખર–ભેદી હતું. મૂળ તો ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ આ છૂપું ગોદામ સંકટકાલમાં દારૂગોળો સંઘરવા માટે બાંધેલું પણ સર ભગનના હાથમાં આ મિલકત આવ્યા બાદ એ ભૂગર્ભ ભોંયરાનો ઉપયોગ તેઓ સિક્કા વગરનો મર્સરાઈઝ્ડ માલ છુપાવવા માટે કરતા.

‘એ મલમલ કાઢીને ઘીના ડબા ભરી દો.’

‘પણ સાહેબ, આ મર્સરાઈઝ્ડ...સુપરફાઈન માલ...’

‘સુપરફાઈન માલ કરતાંય, સહસ્ત્રચંડી યજ્ઞ વધારે મહત્ત્વનો છે.’

‘જી સાહેબ.’

‘મજૂરોને બોલાવીને બધું ફેરવી નાખો.’

‘જી...’

શેઠજીએ માંડ કરીને એક મહેતાજીને પતાવ્યા ત્યાં તો બીજા ઊભા જ છે.

‘ભૂદેવોનો ભરાવો વધતો જાય છે.’ મિલોમાં ગાંસડીઓના ભરાવા અંગે ફરિયાદ કરવાની હોય એ શૈલીમાં મહેતાજીએ રાવ ખાધી.

પણ ગાંસડીઓને ભરાવો વધે ત્યારે તો એના ભાવ ગગડે જ્યારે આ ભૂદેવોના ભરાવામાં એ નિયમ લાગુ પડતો નહોતો.

‘આટલે બધો ભરાવો શાથી થયો ?’ શેઠજીએ પૂછ્યું.

‘સર્વજણ નોતરાને લીધે.’

‘એટલે ?’

‘ગિરજાએ દેશ આખામાં નોતરું ફેરવી દીધું છે.’

‘દેશ આખામાં ?’

‘જી હા. કોના બાપની દિવાળી ? ગિરજાને ક્યાં ગાંઠનું ખર્ચવું પડે એમ હતું ? નાત નાતનું જમે ને મુસાભાઈનાં વા–પાણી...’

‘મહાચંડી યજ્ઞમાં બ્રાહ્મણો તો નોતરવા જ પડે ને ?’

‘પણ કેટલા?’

‘ગિરજો નોતરે એટલા.’

‘પણ શેઠ, શહેરની બધી જ ધરમશાળાઓ ભરાઈ ગઈ છે. અને રોજ ત્રણેય ટંક ટ્રેન આવે છે ને નવાનવાં ટોળાં શ્રીભવનનું સરનામું પૂછતાં આવતાં જ જાય છે.’

‘એ તો પુણ્યકાર્ય માટે આવે છે. આપણા મહેમાન છે.’

‘એ સાચું, પણ એમને મારે ઉતારવા ક્યાં હવે ?’

‘તંબુ-રાવટીઓ તાણો.’

‘હવે ખાલી જગ્યા જ નથી રહી.’

‘લૉજ-વીશીઓમાં ?’

‘ત્યાં તો મહાચંડી યજ્ઞના દર્શનાથીઓનો દરોડો પડ્યો છે.’

‘સાચે જ ?’

‘જી, હા. લૉજવાળાઓને તડાકો પડી ગયો. ભાવ બમણા કરી નાખ્યા છે.’

‘એ લોકોની કમાણી આ ક્ષણભંગુર દુનિયામાં ક્યાં સુધી ટકશે ? અષ્ટગ્રહીની આફતમાં બધું સાફ થઈ જશે.’

‘પણ સાહેબ, મને આ ભૂદેવોને ભરાવો મૂંઝવી રહ્યો છે.’

સર ભગનને હોઠે શબ્દો આવી ગયા : ‘ફૂંકી મારો.’ પણ તુરત તેઓ એ શબ્દો ગળી ગયા. આ કાંઈ ગાંસડીઓનો ભરાવો નહોતો કે ભાવ વધારે ગગડતા અટકાવવા અને વધારે નુકસાની ટાળવા માલ ફૂંકી મારી શકાય. આ તો, પરમ પૂજ્ય ભૂદેવો હતા. તેથી જ એમણે એ બ્રહ્મપુત્રો પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરાઈને મહેતાને હુકમ કરી દીધો :

‘આપણા બીજા બધા બંગલાઓ ઉઘડાવી નાખો, અને એમાં નવાં રસોડાં ખોલાવી દો.’

‘એ તે ઉઘડાવી જ નાખ્યા છે.’

‘તો પણ હજી સંકડાશ પડે છે ?’

‘જી, હા.’

‘તો આપણાં ગેસ્ટ હાઉસો વાપરવા માંડો.’

‘ગેસ્ટ હાઉસ ?’

‘કેમ ? એ ન વાપરી શકાય ?’

‘પણ એ તો ગોરા સાહેબો માટે.’

‘અરે, હવે માથે મહાકાળ તોળાઈ રહ્યો છે ત્યારે કાળા-ગોરાના ભેદ શાના પાડવા ? કોને ખબર છે કાલની ?’

સર ભગન આજકાલ સંસારની અને સૃષ્ટિની ક્ષણભંગુરતાની જ મનોદશામાં હતા.

મહેતાજીઓ, મુનીમો, મંત્રીઓ વગેરેની એક પછી એક ફરિયાદનો પોતે નિકાલ લાવતા જતા હતા એવામાં જ શ્રીભવનના માળીએ આવીને ફરિયાદ કરી :

‘શેઠજી !’

‘અલ્યા, તું હજી ફરિયાદ કરવામાં બાકી રહી ગયો હતો ?’

‘શેઠજી, મારે કાંઈ ફરિયાદ કરવાની નથી.’

‘ત્યારે શા માટે આવ્યો છો !’

‘આપણા વકીલસાહેબ છે ને.’

‘કોણ ? બુચાજી?’

‘જી, હા.’

‘એ તો હજી હમણાં સુધી અહીં હતા ને ?’

‘જી, ના. એ થોડી વાર સામે બગીચાને બાંકડે બેઠા હતા.’

‘તે શું છે હવે ? ચા પીને ચાલ્યા ગયા છે કે નહિ ?’

‘જી નહિ, એ બેશુદ્ધ થઈ ગયા છે.’

‘શાથી પણ ?’

‘દઈ જાણે, શેઠ.’

‘સેવંતીલાલ, બુચાની સારવારની સગવડ કરો. જરૂર પડે તો ડૉક્ટરને બોલાવો, નહિતર બુચાજીને જ ડૉક્ટર પાસે લઈ જાઓ.

મોડી રાતે પણ સર ભગનના જીવને જંપ નહોતો. લેડી જકલ એમને એક જ આગ્રહ કરી રહ્યાં હતાં.

‘પ્રકાશશેઠને મળીને પ્રમોદરાયનાં લગનની તિથિ પાકી કરાવી નાખો તો જ હા, નહિતર ના.’

સ્ત્રીહઠ સમક્ષ લાચાર બનીને સર ભગને બૂમ પાડી :

‘સેવંતીલાલ ?’

જવાબ મળ્યો કે સેવંતીલાલ તો હજી હૉસ્પિટલમાં બુચાજીની સારવારમાં જ છે.

વધારે લાચાર બનીને, પ્રકાશશેઠને ટેલિફોન જોડવા જેવું કામ સર ભગનને જાતે જ કરવું પડ્યું.

પણ કરમની કઠણાઈ તો જુઓ | સર ભગન જેવા ભગન જાતે ટેલિફોન જોડે ને સામેથી કોઈ ઉપાડે જ નહિ.

ડાયલ મચડમચડ કર્યા પછી આખરે એક વાર ફોન જોડાયો અને સામેથી એ ઊંચકાયો પણ ખરો, ત્યારે કોઈએ સીધોસરખો જવાબ જ ન આપ્યો.

એમ બને ખરું કદી ?

પ્રકાશશેઠના બંગલામાં તો ઓરડે ઓરડે એક્સ્ટેન્શન, અને શૌચગૃહના કોમોડ ઉપર પણ ટેલિફોનનો પ્લગ. પ્રકાશશેઠ માટે તો કહેવાતું કે તેઓ તો જાજરૂમાં બેઠેબેઠે પણ ટેલિફોન ઉપર લાખ સ્થાપે ને સવા લાખ ઉથાપે. એમને તો ઉદ્યોગ ઉપરાંત શૅરસટ્ટામાં પણ સો બહોળાં કામકાજ, તેથી એમને ફોન મળવામાં એક મિનિટનું પણ મોડું થાય તો હજારોની હારજીત થઈ જાય. પણ આજે અચરજ તો જુઓ ! પ્રકાશશેઠને ત્યાં કોઈ ન જ ઉપાડે નહિ ને ઉપાડે ત્યારે સરખો જવાબ જ આપે નહિ.

આખરે રાતે બે વાગ્યે સેવંતીલાલ હૉસ્પિટલમાંથી પાછા આવ્યા ત્યારે શેઠે પૂછ્યું :

‘બુચાજીને કેમ છે?’

‘બ્લડ પ્રેશર બેહદ વધી ગયું છે.’

‘શાથી !’

‘ડૉક્ટર કહે છે કે એને જ્ઞાનતંતુઓ ઉપર આઘાત લાગી ગયો છે.’

‘પણ કેમ કરીને ?’

‘કાંઈ ખબર નથી પડતી પણ બેશુદ્ધિમાં ‘ટિલ્લુ, ટિલ્લુ’ રટ્યા કરે છે.’

‘મરે મૂઓ એ બુચાજી !’ લેડી જકલ બોલી ઊઠ્યાં.

‘તે એ ડૉકટરની હાજરીમાં જ બોલબોલ કરે છે ?’ ભગને પૂછ્યું.

‘ના, નર્સની હાજરીમાં.’

‘એ પણ એ જ થયું ને?’ લેડી બોલ્યાં, ‘પારકાંની હાજરીમાં મારી કાચી કુંવારી છોકરીની વગોવણી કરી રહ્યો છે એ કપાતર !’

‘પણ નર્સ એમાં કશું સમજી નથી. ટિલ્લુ એટલે કોણ, એમ મને પૂછ્યું ત્યારે મેં કહ્યું કે, એ તો બુચાજીના પ્યારા કુતરાનું નામ છે.’

‘એને જ લાયક છે એ અલેલટપુ !’ જકલ બોલ્યાં.

‘વારુ, પણ પ્રકાશશેઠનો ફોન બગડી ગયો છે કે શું ?’

‘ના રે, એ તો હું તમને કહેતાં જ ભૂલી ગયો.’

‘શું?’

‘શહેરમાં અત્યારે જબરી અફવા છે.’

‘શાની ? વિમલ તળાવ ફાટવાની ?’

 ‘ના, એ તો હજી અષ્ટગ્રહીને દિવસે. આ તો પ્રકાશશેઠની આસામી...’

‘એને શું થયું ?’

‘કાચી પડી ગયાની અફવા.’

‘કાચી પડી ? બને જ કેમ ? કાપડમાં તો તેજી...’

‘ચમકના સટ્ટામાં સાફ...?’

‘શિવ શિવ શિવ ! હું તો એક સાંધું ત્યાં તેર તૂટે છે.’

‘બજારમાં બહુ જોરદાર અફવા છે કે પ્રકાશશેઠે પાઘડી ફેરવી.’

સાંભળીને લેડી જકલના મોઢામાંથી ઊંડા શ્વાસ નીકળી ગયા.

સર ભગનને થયું કે અષ્ટગ્રહીનો આરંભ આજથી જ થઈ ગયો કે શું ?