ગ્રહાષ્ટક વત્તા એક/અષ્ટગ્રહીનાં એંધાણ

વિકિસ્રોતમાંથી
← અંતનો આરંભ ગ્રહાષ્ટક વત્તા એક
અષ્ટગ્રહીનાં એંધાણ
ચુનીલાલ મડિયા
...મુજ સ્વામી સાચા →







૧૦.
અષ્ટગ્રહીનાં એંધાણ
 

સર ભગન તો પ્રકાશશેઠને ફોન ન જોડી શક્યા, પણ જોતજોતાંમાં સર ભગન ઉપર ઉપરાઉપરી ફોન આવવા માંડ્યા.

એ સંદેશાઓમાં ચિંતા, આઘાત, આનંદ અને આગાહીઓનું સુંદર સંમિશ્રણ હતું.

બજારનાં સ્થૂલ બારણાં તો અત્યારે, મધરાતે બંધ હતાં, છતાં નાણાંબજાર નામની એક અપાર્થિવ ને અદૃષ્ટ છતાં અત્યંત સંવેદનશીલ વસ્તુ અત્યારે હાલકડોલક જણાતી હતી. પ્રકાશશેઠ પાણીમાં બેસી જાય એના છાંટા અનેક ઉદ્યોગપતિઓને ઊડે એમ હતા. તેથી જ સૂકા ભેગું લીલું પણ બળી રહ્યું હતું.

અણુના વિભાજનમાંથી પ્રત્યાઘાતપરંપરા ઊભી થાય એ ઢબે પ્રકાશજૂથના દેવાળાનો ધક્કો સંખ્યાબંધ ઔદ્યોગિક પેઢીઓને વાગી રહ્યો હતો. રેલગાડીના એંજિનનો ધક્કો દરેક ડબામાં થઈને છેક ગાર્ડ–વાન સુધી વિસ્તરી રહે એ ઘાટ થયો હતો. મોટાંના મેલાણમાં જે નવાણિયાં કુટાઈ ગયાં હતાં એમની ફરિયાદો સર ભગન ઉપર આવી રહી હતી.

‘મારી નાખ્યા...મારી નાખ્યા...’

‘નામચીન વેપારી મારી ખાય ને નામચીન ચોર માર્યો જાય એ વાત સાવ સાચી પડી.’

‘પ્રકાશશેઠનાં તો નામ મોટાં ને દર્શન ખોટાં જેવું જ થયું. મોટાંની મોટી પોલ નીકળી.’

પ્રકાશજૂથ ડૂલ થાય તો એથી ભગનજૂથને પણ ધક્કો લાગે એમ હતો. તેથી સર ભગનની ચિંતા બેવડી બની ગઈ. એક તો, માંડ કરીને થાળે પડવા આવેલું તિલોત્તમાનું વેવિશાળ વિઘ્નમાં આવી પડતું હતું. અને વળી માથેથી પોતાનાં ઔદ્યોગિક સાહસોને આર્થિક ઘા ખમવો પડતો હતો એ અદકલહાણમાં.

પ્રકાશશેઠે પાઘડી ફેરવવાથી નાણાંબજાર નરમ પડવા છતાં અફવાઓના બજારમાં અસાધારણ ઉછાળો આવ્યો હતો. સર ભગનના ટેલિફોનનાં દોરડાં સતત ધ્રૂજી રહ્યાં હતાં.

‘પ્રકાશશેઠનો પત્તો જ નથી.’

‘કહે છે કે સૂઈ ગામની સરહદેથી ઊંટ પર બેસીને પાકિસ્તાનમાં ઊતરી ગયા છે, એટલે હવે કોઈ લેણદાર ત્યાં સુધી પહોંચી જ શકે નહિ.’

‘ખોટી વાત. પ્રકાશશેઠ પોતાના બંગલામાં જ છે, પણ જાજરૂમાં છુપાઈ રહ્યા છે. અને ત્યાં બેઠે ખાનગી ટેલિફોનથી બધો વહેવાર કરી રહ્યા છે.’

‘એ પણ ખોટી વાત છે. પ્રકાશશેઠની ધરપકડનું વૉરન્ટ લાવનાર સાર્જન્ટને જ શેઠે એક લાખ રૂપિયાની કડકડતી લીલી નોટો પકડાવી દીધી. વૉરન્ટમાં પ્રકાશચંદ્ર લખેલું ત્યાં સુધારીને પ્રકાશમલ્લ કરી નાખ્યું, અને શેઠની ભેંસોના તબેલાવાળા ભૈયાજી પ્રકાશમલ્લને લૉકઅપમાં ધકેલી દીધો. શેઠ વતી એમનો ભૈયો જેલ ભોગવ્યા કરશે.’

આવુંઆવું સાંભળીને સર ભગનનો જીવ હાથ નહોતો રહેતો.

‘શું અત્યારે જ જાઉં પ્રકાશશેઠને મળવા !’

‘ખબરદાર !’ લેડી જકલ આડાં ઊતર્યાં. ‘અત્યારે દીવાનખંડનો ઉંબર ઓળંગે એને મારી આણ છે.’

રામવનવાસ વેળા પર્ણકુટીને ઉંબરે સીતાજીને જે શિસ્તભાવનાથી આ આણ અનુલ્લંઘનીય ગણવી પડતી એવી જ શિસ્તબુદ્ધિથી સર ભગન લેડી જકલના આ હુકમને શિરસાવંદ્ય ગણીને શાન્ત થઈ ગયા.

‘તો પછી પ્રકાશશેઠની સંડાસ-લાઈન જોડું ?’

ક્રુશોફ ને કૅનેડી જેવા માંધાતાઓ ઠંડા યુદ્ધને ગરમ યુદ્ધમાં પલટાતું અટકાવવા મોઢામોઢ વાત કરી શકે એ ઉદ્દેશથી ક્રેમલીન અને વ્હાઈટ હાઉસ વચ્ચે ‘ગરમાગરમ’ દોરડાની હૉટ ટેલિફોન લાઈન નંખાઈ એ પહેલાં જ ઉદ્યોગક્ષેત્રના આ બે મહારથીઓ સર ભગન અને પ્રકાશશેઠ વચ્ચે ટેલિફોનની આવી એક આગવી ખાનગી લાઈન કામ કરતી જ હતી. કોઈ વાર આ બેઉ માંધાતાઓ શૅરહોલ્ડરોને નવરાવવા માગતા હોય કે શૅરબજારમાં તારવણી કરનારાઓને તારાજ કરવા ઈચ્છતા હોય કે, બજારમાં ખાનગી ખેલો કરીને મલાઈ જમી જવાની પેરવીમાં હોય ત્યારે ત્યારે તેઓ આ ખાનગી ટેલિફોન લાઈનનો ઉપયોગ કરતા. કહેવાતું કે પ્રકાશશેઠે એમના જીવનના બધા જ મહત્ત્વના અને કટોકટીભર્યા નિર્ણય શૌચકૂપ પર બેઠેબેઠે જ લીધા હતા. સાદ્યંત સંગેમરમર વડે સુશોભિત એ શૌચગૃહ તો પ્રકાશશેઠ માટે એક પ્રેરણાસ્થાન બની રહેલું. આજે એકાએક પાઘડી ફેરવવાનો શકવર્તી નિર્ણય પણ એમણે આ પવિત્ર સ્થાને જ લીધો હશે એ બાબતમાં સર ભગનને લવલેશ શંકા નહોતી. તેથી જ તેઓ ત્યાં ફોન જોડવા થનગની રહ્યા હતા, પણ લેડી જકલ એ સામે વાંધો લઈ રહ્યાં હતાં.

‘બળ્યો એ ટેલિફોન ને બળી એ વાતચીત.’

‘અરે એમ તે બોલાય ? પ્રકાશશેઠ એટલે કોણ ? ગમે તેમ તોય, આપણા ભાવિ વેવાઈ.’

‘હવે શાના વેવાઈ ? એ દેવાળિયાને ઘરે હવે દીકરી આપે છે મારી બલારાત.’

‘અરે, એ શું બોલ્યાં ?’

‘સાચું જ બોલી છું.’

‘પણ આટલી મહેનત–મજૂરી કરીને માંડમાંડ તિલ્લુને મોઢે પ્રમોદકુમાર માટે હા ભણાવી, ત્યારે તમે જ હવે એમાં પથરો નાખશો ?’

‘નાખવો પણ પડે. તમને તમારી દીકરી વહાલી નહિ હોય, પણ મને, જનેતાને તો પેટની જણીનું દાઝે કે નહિ ?’

‘પણ દાઝતું હોય તો આવું અવિચારી વેણ બોલાય ?’

‘પૂરેપૂરો વિચાર કરીને જ બોલી છું.’

‘તો શુ હવે પ્રમોદકુમાર વેરે તિલ્લુનો વિવાહ નથી જ કરવો ?’

‘ધોળે ધરમેય એ ઘર મારે ન જોઈએ.’

‘પણ કારણ કાંઈ?’

‘આંગળી–ચીધણું થઈ ગયું, એટલે જ.’

‘શી રીતે ?’

‘આ દેવાળું કાઢ્યું એ રીતે જ તો. બીજી કઈ રીતે વળી ?’

‘પણ દેવાળું કાઢવું એ તો આજકાલ આર્થિક સદ્ધરતાની સાખ ગણાય છે.’

‘બળી એ સાખ. એ ભૂખડીબારસના ઘરમાં મારી દીકરી શું સુખી થવાની હતી ?’

‘અરે, આવા સદ્ધર આસામીને તમે ભૂખડીબારસ ગણો છો ? માણસે કેટલાં દેવાળાં કાઢવાં, એ ઉપરથી તો એનામાં કેટલો કસ છે એનો અંદાજ કઢાય છે.’

‘બળ્યો એ કસ. મને તો એમાં આબરૂના કાંકરા થયા લાગે છે.’

‘તમને બૈરાં માણસોને શી ખબર પડે કે પૈસો કેમ પેદા થાય છે. પૂછો કોઈ મારવાડીને. એકાદ બે વાર દેવાળું કાઢ્યા વિના એની ઊંચી સાખ જ ન બંધાય.’

‘એવી સાખને શું ધોઈ પીવી છે ? એક વાર નાક કપાયા પછી નાણાંવાળા થયા તોય શું ને ન થયા તોય શું ?’

‘એ તો નવે નાકે દિવાળી કરાય. આ વેપારધંધાના મામલામાં  તમે બૈરાંલોક શું સમજો ?’

‘અમે તો દીવા જેવું સમજીએ કે દેવાળિયાને ઘેર દીકરી ન અપાય.’

‘આનું નામ જ સ્ત્રીહઠ.’

‘જે કહો તે. હું મારી પેટની જણીને આવા દેવાળિયાને ઘેર નહિ જવા દઉં.’

ટેલિફોનની ઘંટડી રણકતી જ રહી. હવે તો સર ભગન પણ નાણાંબજારના અહેવાલો અને અફવાઓથી કંટાળી ગયા. રિસીવરનું ભૂંગળું સેવંતીલાલને સોંપી દીધું.

‘તમે સાંભળો આ ફોન. ખાસ કાંઈ જાણવા જેવું હોય તો મને વાત કરજો.’

સેવંતીલાલે એક જાણવા જેવી વાત સર ભગનને કહી સંભળાવી :

‘બજારમાં અફવા છે કે પ્રકાશશેઠે ઝેર ખાધું છે.’

‘બને જ નહિ,’ સર ભગન બોલ્યા, ‘પ્રકાશશેઠના લેણદારોએ ખાધું હશે.’

‘નહિ શેઠ, આ તો જોરદાર અફવા છે કે પોલીસ ધરપકડ કરવા આવે એ પહેલાં જ પ્રકાશશેઠે આપઘાત કરી નાખ્યો.’

‘બને જ નહિ. આપઘાત તો પેલા ઉઘરાણીવાળાઓ કરશે. પ્રકાશશેઠ તો સો વરસ જીવશે.’

ફોન ઉપર સેવંતીલાલ જે સાંભળતા હતા એ અફવાઓ હતી, ત્યારે સર ભગન જે કહેતા હતા એમાં સ્વાનુભવની સચ્ચાઈનો રણકો હતો. પ્રકાશશેઠે આપઘાત કરવાની શી જરૂર છે? આપઘાત તો કરે એમના નાહી બેઠેલા લેણદારો.

છતાં આવી આવી અફવાઓ સાંભળીને સર ભગનને ઘડીવાર તો થઈ ગયું કે હું પોતે જ પ્રકાશશેઠને ત્યાં જઈને સાચી ખોટી વાત શી છે એની જાતતપાસ કરી આવું. પણ શ્રીભવનના બંગલાની બહાર પગ ન મૂકવાની લેડી જકલે જે આણ બાંધી હતી એ ઉલ્લંઘવાની એનામાં હિંમત નહોતી.

‘સવારમાં બેત્રણ બૅંકો ઉપર ડિપોઝિટરોના દરોડા પડશે એમ કહેવાય છે. સેવંતીલાલ ટેલિફોન સંદેશાઓનું દોહને કહી સંભળાવતા હતા, ‘પ્રકાશશેઠ જેમાં ડિરેક્ટર છે એ બૅંકોને પણ મોટો ધક્કો લાગ્યો છે.’

‘માર્યા ઠાર ! હવે પેલા સમાજવાદી પાર્લામેન્ટમાં બધી જ બૅંકોનું રાષ્ટ્રીયકરણ કરાવવાનો દેકારો માંડશે. સૂકા ભેગું લીલું ય બાળી નાખવાના.’

વળી થોડી વારે સેવંતીલાલે ટેલિફાનસંદેશાઓનો સારાંશ કહી સંભળાવ્યો :

‘આજે રાત આખી લોકો ઊંઘતા નથી... સવારના પહોરમાં બૅંકો ઊઘડવાની રાહ જોઈ રહ્યા છે. અષ્ટગ્રહી કરતાંય વધારે ગભરાટ આ આર્થિક આંધીએ ફેલાવ્યો છે. કહે છે કે વિમલ તળાવ ફાટશે ત્યારે પણ આટલી આર્થિક હોનારત નહિ થાય...’

‘ત્યારે તો આ અષ્ટગ્રહીનાં જ એંધાણ. ગ્રહાષ્ટાક યોગમાં શાસ્ત્રોએ પ્રલય થવાનું ભાખ્યું છે, તે આર્થિક પ્રલય પણ હોઈ શકે.’

‘શેરોમાં બંધ બજારે પણ એવો તો કડાકો બોલી ગયો છે કે હજારો કુટુંબ પાયમાલ થઈ જશે. આ વખતનું વલણ જ ચુકવાશે નહિ.’

‘લોકો કહે છે કે વિમલ તળાવની જળરેલથી પણ આટલું નુકસાન તો ન જ થયું હોત.’

સેવંતીલાલે આપેલા આ સારાંશ સાંભળીને સર ભગન ઠંડાગાર થઈ ગયા. એમણે આરંભથી જ જ્યોતિષમાં સેવેલી અંધશ્રદ્ધા હવે વધારે ને વધારે અંધ બની રહી. ગિરજા ગોરે કરેલી આગાહીઓ અતિશયોક્તિને બદલે અલ્પોક્તિ જેવી જ જણાવા લાગી. હજી સાચો ગ્રહાષ્ટાક યોગ તો થવાનો બાકી છે; એ દિવસે જ્યારે સૂર્યગ્રહણ ઘેરાશે ત્યારે તો શું નહિ થાય એની કલ્પના જ સર ભગનને ધ્રુજાવી ૨હી.

તેથી જ, મોડી રાતે પથારીમાં પડવા છતાંય એમને ઊંધ ન આવી. વિમલ તળાવ ફાટતાં પહેલાં જ પ્રકાશશેઠને કારણે આ આર્થિક આભ ફાટી પડ્યું, એના પ્રત્યાઘાતો વિચારવામાં એમને વિચારવાયુ જેવું થઈ પડ્યું. એક દષ્ટિએ જોતાં પ્રકાશશેઠ જેવા બળિયા હરીફનો આ રીતે કાંટો નીકળી ગયો તેથી સર ભગનનો પ્રગતિમાર્ગ નિષ્કટંક થતિ હતો. પણ તિલ્લુનું સંભવિત શ્વશુરગ્રહ આર્થિક રીતે સાફ થઈ ગયું એથી માંડ કરીને થાળે પડેલી સમસ્યા ફરી સળગવા માંડતી હતી.

હવે તિલ્લુનું શું ?

લેડી જકલે દેવાળિયાના ઘરમાં મારી દીકરી નહિ આપું, એ દાખવેલો હઠાગ્રહ છેક ખોટો નહોતો, એમ સર ભગનને હવે રહીરહીને સમજાવા લાગ્યું. વાત તો સાચી. એમ કાંઈ ભૂખડીબારસ ઘરમાં આવી રતન જેવી દીકરીને ફેંકી દેવાય ? પણ તિલ્લુ પ્રમોદકુમારને નહિ તો બીજા કોને પરણશે ? પેલા નાચણિયાને ? બુચાજી બૅરિસ્ટરને ? આ તો ઊલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવું જ થાય.

અરેરે જીવ ! આના કરતાં તો ભગવાને મને દીકરી જ ન દીધી હોત તો કેવો સુખી થાત !

વહેલા પરોઢ પૂર્વે હજી તો સર ભગનના મગજમાં આવો વૈરાગ્યભાવ ઊપજી રહ્યો હતો ત્યાં જ એમના શયનગૃહને બારણે ટકોરા પડ્યા.

જેમતેમ કરીને ડ્રેસિંગ ગાઉન ચડાવીને સર ભગન બહાર નીકળ્યા ત્યાં સેવંતીલાલે સમાચાર આપ્યા :

‘પ્રકાશશેઠ અને પ્રમોદકુમાર આવ્યા છે.’

સર ભગને ઘડિયાળમાં જોયું તો ત્રણ ને વીસનો સુમાર હતો. હજી તો પરોઢ થવાને પણ સારી વાર છે, ત્યારે આ લોકો શા માટે આવ્યા હશે ? કશી આર્થિક મદદ માગવા ? આજની આફતમાંથી બચવા અહીં આશ્રય માગવા આવ્યા હશે ?

‘પધારો શેઠ, બહુ વહેલા કાંઈ?’

‘શુભ કામે આવ્યા છીએ.’

‘ફરમાવો.’

‘તમારી તિલ્લુને આ પ્રમોદ જોડે પરણાવી દો.’

‘હેં?’

‘કહું છું, તમારી છોકરીને મારા છોકરા જોડે પરણાવી દો.’

‘અરે, પણ એમ તે કાંઈ....’

‘કહું છું, હમણાં જ પરણાવી દો. પાંચ જ મિનિટમાં.’

'અરે, પણ આ તે કાંઈ આઈસ્ક્રીમ ખાવા જેવી વાત છે કે પાંચ જ મિનિટમાં પતાવી દેવાય ?’

‘પણ તો પછી તમે તિલ્લુનું માગું મારે ત્યાં શા માટે નાખ્યું ?’

‘જખ મારવા.’ ઉજાગરાથી થાકેલા સર ભગનથી ગુસ્સામાં બોલાઈ ગયું.

‘તો હવે એ પૂરું જ કરો. જલદી કરો કંકુના.’

‘અરે, પણ તમે તો કાંઈ ઘોડે ચડીને આવ્યા છો ?’

‘અમારી પાસે હવે વધારે સમય નથી.’

‘સમય ન હોય તો પધારો આપને ઘરે પાછા.’

‘મારો પ્રમોદ અહીંથી પરણ્યા વિના પાછો નહિ જ ફરે.’

‘તમે તો પરાણે પુણ્ય કરાવવા જેવી વાત કરો છો.’

‘એટલે જ કહું છું કે સીધી રીતે માની જાઓ. તિલ્લુને જલદી હસ્તમેળાપ માટે તૈયાર થવાનું કહી દો.’

‘શેઠ, દીકરી મારી છે, તમારી નથી.’

‘તમારી છે એટલે જ તો તમારી પાસે આવવું પડ્યું છે. વધારે સમય ન બગાડો. ગોરમહારાજને મારી ગાડીમાં જ લાવ્યો છું. તિલ્લુને તૈયાર કરો.’

‘અને ન કરું તો !’

‘તો...’ કહીને પ્રકાશશેઠે ખિસ્સામાં હાથ નાખ્યો.

એ હાથ ખિસ્સામાંથી બહાર નીકળ્યો ત્યારે એમાં એક અમેરિકન પિસ્તોલ હતી.

પ્રકાશશેઠ બોલી રહ્યા :

‘તો આ તમારી સગી નહિ થાય, કે શરમ નહિ રાખે.’