લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/અમૃતમાંથી ઉદ્વેગ

વિકિસ્રોતમાંથી
← આશરો આપો ગ્રહાષ્ટક વત્તા એક
અમૃતમાંથી ઉદ્વેગ
ચુનીલાલ મડિયા
વખત વેરસી →


 થઈ જાય ચેલા. અષ્ટગ્રહી સુધી અહીં રોજ માલમલીદા મળશે ને સહસ્ત્રચંડીના હવનમાં બીડું હોમાઈ ગયા પછી હું દાન દક્ષિણા પણ આપીશ.’

‘દાન ?’

‘હા, હા, દાન. છૂટે હાથે દાન આપીશ.’

‘પણ પ્રમાદકુમારને તો દાન નહિ, કન્યાદાન આપજો.’

‘ગ્રહણની ઘડીએ રાહુના મોઢામાંથી ચંદ્રને મોક્ષ કરાવવા જે દાન અપાતું હશે તે પ્રમોદકુમારને પણ મળશે જ.’







૧૩.
અમૃતમાંથી ઉદ્વેગ
 

‘હાશ ! જાન છૂટી.’

માંડ કરીને પ્રકાશશેઠને અને પ્રમોદમારને બાવાસાધુને વેશે રાવટીમાં પધરાવ્યા પછી સર ભગન છૂટકારાનો દમ ખેંચી રહ્યા.

‘આવા ગળેપડુ માણસ તો ક્યાંય ન જોયા. તિલ્લુના વેવિશાળ માટે અમસ્તું વેણ નાખેલું એમાં તો સામેથી પિસ્તોલ તાકીને આવી પહોંચ્યા. કેમ જાણે મેં છોકરી પરણાવવા માટે એને સ્ટૅમ્પ–પેપર ઉપર સહી કરી આપી હોય ! કેમ જાણે મેં સાઈન્ડ, સીલ્ડ ઍન્ડ ડિલિવર્ડ જેવો પાકો સોદો કરી નાખ્યો હોય એમ આ તો પિસ્તોલની અણીએ તિલ્લુનો કબજો લેવા જ આવી પહોંચ્યા, મારા બેટાઓ !’

‘આજકાલ તો છોકરીના વિવાહ માટે કોઈને વાત કરવામાં જાનનું જોખમ છે,’ લેડી જકલે ટાપશી પુરાવી.

‘અરે, પણ આ ગળેપડુ માણસની દાદાગીરી તો જુઓ ! કહે કે આ અમૃત ચોઘડિયામાં જ લગ્નવિધિ પતાવી નાખો. હું ગોરમહારાજને લઈને આવ્યો છું…જાણે મર્સરાઈઝ્ડની ગાંસડીઓ ભરી જવા લારી લઈને આવ્યા હોય એમ.’

‘અરે, એની મૂઆની દાનત જ હતી ખોરાં ટોપરાં જેવી. તિલ્લુને બહાને આપણી બધી માલમિલકત કબજે કરી લેવાની.’

‘પણ મને શી ખબર કે એની પાછળ સી. આઈ. ડી.ની સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની પોલીસ પડી હશે, ને બાપ-દીકરો જાન બચાવવા અહીં આવી પહોંચ્યા હશે !’

‘આવ્યા તો ભલે આવ્યા. આમેય આ સેંકડો સાધુ–બ્રાહ્મણો અહીં રોટલા ખાય છે તો એમાં બે જીવ વધારે.’

‘અરે, રોટલાને ક્યાં રડો છો ? —એની પિસ્તોલની ગોળીમાંથી આપણે બચી ગયાં એ જ મોટી વાત ગણો ને ? જાન બચ ગઈ, લાખો પાયે.’

‘એ પિસ્તોલ તો તમે કબજે કરી લીધી છે ને ?’

‘એમાં હું ભૂલ કરું ખરો ?’ સર ભગને ખિસ્સામાંથી પ્રકાશશેઠની પિસ્તોલ કાઢીને હાથમાં રમાડતાંરમાડતાં કહ્યું, ‘તિલ્લુની નાટકની પિસ્તોલ જોઈને એમણે આ ફેંકી દીધી, એવી જ મેં ઊંચકી લીધી.’

‘એ હવે સંઘરી રાખજો.’

‘કેમ ?’

‘સંઘર્યો સાપ પણ કામ આવે.’

‘પણ એ સાપ નથી, પિસ્તોલ છે.’

‘એ તો વધારે કામ આવે. આજકાલ આપણા ઉપર અષ્ટગ્રહીની આફત તોળાઈ રહી છે ત્યારે તો આવું સાધન હાથવગું જ રાખવું સારું.’

જીવલેણ આફતમાંથી આજે થયેલા છુટકારાની ખુશાલીમાં સર ભગને બ્રેકફાસ્ટ ઉપર વધારે સમય ગાળ્યો. પૉરિજ એક વાર પુરું થઈ ગયું તે એમણે બીજી વાર મંગાવ્યું. સાથે સાથે એમણે સેવંતીલાલને હુકમ કર્યો :

‘આજનાં છાપાં ?’

‘તૈયાર છે, સાહેબ.’

આખા બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મોસાળાની છાબની ઢબે છાપાં પથરાઈ ગયાં અને એમાં ઠેરઠેર, અસ્સલ અઢાર કૅરેટનાં સોનાના અલંકારોની જેમ પ્રકાશશેઠની છબીઓ ચમકી રહી.

‘અરે, આ પ્રકાશશેઠ તો સાચે જ પ્રકાશી ઊઠ્યા છે ને ?’

પૉરિજનો ચમચો મોઢામાં મૂકતાં લેડી જકલ બોલી ઊઠ્યાં.

‘પરાક્રમ એવાં મોટાં કર્યાં છે, પછી તો પ્રકાશી જ ઊઠે ને ?’

‘અરે, પણ આ વાંચ્યું છે ?’

‘શું?’

‘નાસતા ફરતા પ્રકાશશેઠને પકડી પાડવા બોલાવવામાં આવેલી સ્પેશિયલ પોલીસ.’

‘હાય રે, આવા માણસને આપણે ઘેર ક્યાં આશરો આપી બેઠાં આપણે ?’

‘આપતાં અપાઈ ગયો.’

‘અરે, પણ આપણા ઉપર પોલીસનું લફરું થશે તો ?’

‘કહીશું કે એ તો ચંડીયજ્ઞમાં સાધુવેશે આવી પહોંચ્યા હશે.’

‘અરે, પણ આ વાંચો તો ખરા !’ લેડી જકલે એક સમાચાર તરફ ધ્યાન દોર્યું. ‘પ્રકાશશેઠની છેતરપિંડીને પરિણામે કરોડોની પાયમાલી… કારખાનાંઓ, બૅંકો, વીમા કંપનીઓ વગેરે ડૂલ. ચમકના સટ્ટાએ વાળેલું સત્યાનાશ.’

‘આ અષ્ટગ્રહીનાં જ એંધાણ…શાસ્ત્રમાં કહ્યું છે એવો જ પ્રલય થયો. વિમલ તળાવ ફાટ્યું હોત તોય આટલાં માણસો નાહી ન રહેત.’

‘વિમલ તળાવમાં તો આ વિસ્તારનાં માણસોને જ સહન કરવું પડત. પણ પ્રકાશશેઠે, તો દેશ આખાનાં લોકોને નવરાવ્યાં.’

‘અને તે પણ ગોળને પાણીએ.’

‘અને આ વાચ્યું કે ?’

‘શું ?’

પ્રકાશશેઠની એકએક મિલકત ઉપર સીલ વાગી ગયાં છે અને માથે પોલીસનો પહેરો મુકાઈ ગયો છે.’

સર ભગન હસી પડ્યા. બોલ્યા : ‘એ પહેરો ભરનારી પોલીસ પણ ઉલ્લુ બનવાની.’

‘કેમ ?’

‘એમાંની એકેય મિલકત પ્રકાશશેઠને નામે નહીં રહી હોય.’

‘ત્યારે મધુ શેઠાણીને નામે હશે ?’

‘ના, એ તો મુલતાનીઓને ઘેરે ગીરો મુકાઈ ગઈ હશે.’

‘મુલતાનીને ઘેરે ?’

‘હા, પણ એક જ મુલતાનીને ઘેરે નહિ.’

‘ત્યારે બે-ત્રણ મુલતાનીઓએ ભાગીદારીમાં બધું ગીરો રાખ્યું હશે ?’

‘ના, ના, પ્રકાશશેઠે એક જ મિલકત ઉપર ચચ્ચાર મુલતાનીઓ પાસેથી હૂંડીઓ લીધી હશે.’

‘અરે૨૨ ! તો તો એ મુલતાનીઓ પણ રોવાના.’

‘એ જ લાગના છે એ. દસ દસ ટકા વ્યાજ કાંઈ અમસ્તાં ખવાય છે ?’

લેડી જકલ હજી પણ છાપાંમાંથી મથાળાં વાંચી રહ્યાં હતાં : ‘ચમકના સટ્ટાએ સરજેલી પાયમાલી… હાય રે ! પ્રકાશશેઠ, આવો સટ્ટો ન કર્યો હોત તો !’

‘પણ એમને કરોડપતિમાંથી અબજોપતિ થવું હતું.’

સેવંતીલાલે આવીને કહ્યું :

‘સાહેબ, પ્રકાશશેઠ જોડે પેલી જીપમાં આવેલ ગોરમહારાજ ઉતાવળા થાય છે. કહે છે કે અમૃત ચોઘડિયું વીતી ગયું ને હવે ઉદ્વેગ શરૂ થઈ ગયું છે.’

‘એને કહો કે અમૃત કે ઉદ્વેગ કોઈ ચોઘડિયું નથી રહ્યું હવે તો કાયમનું કાળ ચોઘડિયું જ છે.’

‘પેલો જીપવાળો તો પોતે જ તોરણે આવ્યો હોય એટલો ઉતાવળો થાય છે.’

‘એને પણ માનભેર વિદાય કરી દો. કહી દો કે પ્રકાશશેઠ પાછલે દરવાજેથી ઘરભેગા થઈ ગયા છે. માટે તું પણ જલદી ઘરભેગો થઈ જા.’

ઉપરથી તિલ્લુએ મોટે અવાજે કહ્યું :

‘પપ્પા, સેવંતીલાલને કહો, સેફમાંથી તમારું વિલ લાવીને મને આપી જાય.’

‘અરે, પણ બૅન્ક તો ઊઘડવા દે.’

સેવંતીલાલ બોલ્યા :

‘આજે સરકારે બધી બૅન્કો બંધ રખાવી છે, પ્રકાશશેઠને કારણે. ગભરાટ એવો છે, કે બેન્કો ઉપર ડિપોઝિટરોનો દરોડો પડે તો બધી બૅન્કોને ફડચામાં લઈ જવી પડે.’

‘છતાં સેફમાં વૉલ્ટ બંધ ન હોય તો આપણા લૉકરમાંથી વિલ કાઢી લાવો.’

‘ભલે સાહેબ.’

આજનો દિવસ સર ભગન માટે આફતથી ભરપૂર ઊગ્યો હતો. વહેલી પરોઢમાં જ એમને પ્રકાશશેઠ જેવા સંભવિત વેવાઈનું મોઢું જોવું પડ્યું, એથી આખો દિવસ બગડ્યો હતેા.

બૅન્કના લૉકરમાંથી સેવંતીલાલ વિલના કાગળો લઈ આવ્યા અને સવારના પહોરમાં થયેલી શરત મુજબ એ તિલોત્તમાને સુપરત કરવા પડ્યા.

‘દીકરી, તારે શરણે છું,’ વિલ સોંપતી વેળા સર ભગને કહ્યું હતું : ‘મને જિવાડવો કે મારવો તારા હાથમાં છે.’

‘મારા હાથમાં શાનું ? પેલા તમારા ઊંચા આકાશમાં વસે છે એ આઠ ગ્રહના હાથમાં છે.’

‘એ તો કુદરતનો કોપ ગણાય, આઠ ગ્રહોની યુતિ કાંઈ આપણા હાથની થોડી વાત છે ?’

‘આપણા હાથની વાત નહિ, એ તો ગિરજા ગોરના હાથની વાત છે. એના ભરમાવ્યા ભરમાયા છો તે હવે ભોગવજો એનાં ફળ.’

‘દીકરી, પણ તું તો આ વિલમાં મારા ઉપર દયા કરજે જરા.’

‘તમે નાહકના ગભરાઓ છે, પપ્પા. વિલનો અમલ તો માણસના મૃત્યુ પછી જ થાય. અને એ વખતે માણસ ક્યાં જોવા આવે છે કે મારી પાછળ શું થયું ?’

‘પણ કદાચ મારું મૃત્યુ નહિ થાય તો ?’

‘એટલે ?’

‘એટલે કે આ અષ્ટગ્રહ યોગમાંથી હું હેમખેમ ઊગરી જાઉં તો ?’

‘તો તો આફત થશે.’

‘આફત ?’

‘મારે માટે.’

‘તો તું શું એમ ઇચ્છે છે કે હું મરી જાઉં.’

‘હું નહિ. તમારા એ ગ્રહો એવું ઈચ્છે છે. તમારો ગિરજો ગોર એવું ઈચ્છતો હશે.’

‘ગિરજો મને ઉગારી લેવા આ બધી મહેનત કરે છે. ગ્રહશાંતિ માટે તે આ મહાસહસ્ત્રચંડી યજ્ઞ કરાવે છે.’

‘એ તો એના ઉદરની ક્ષુધાશાંતિ માટે આ બધી ધાંધલ કરાવે છે. એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા.’

‘તું તો નૃત્ય શીખી ત્યારથી નાસ્તિક થઈ ગઈ છે. બાકી ગિરજો સાચે જ જ્ઞાની માણસ છે.’

‘એ તો અષ્ટગ્રહ યોગને દિવસે ખબર પડશે કે ગિરજો જ્ઞાની છે કે ગમાર.’

પિતાપુત્રી વચ્ચે આમ વાતચીત ચાલતી હતી ત્યાં સેવંતીલાલ બારણા નજીક આવી ઊભા. એ વફાદાર સેવક આજ કાલ બહુ જ વ્યગ્ર રહેતા હતા. સર ભગન એની વ્યગ્રતા વાંચી જઈને બોલ્યા :

‘કેમ સેવંતીલાલ ? કાંઈ મુશ્કેલી છે ?’

‘એવું જ કાંઈક…’

‘શું છે ?’

‘ટેલિફોન.’

‘ક્યાંથી ?’

‘હૉસ્પિટલમાંથી.’

‘કેમ ? બુચાજી ઉકલી ગયા ?’

‘ના ઊકલતા જ નથી.’

‘તો પછી ફોન શા માટે ?’

‘એ ઊકલતા નથી માટે જ. સિસ્ટર કહે છે કે તમારા પેશન્ટનો સન્નિપાત બેહદ વધી ગયેલ છે. ‘ટિલ્લુ, ટિલ્લુ’ એવી બુમો પાડીને બધી જ નર્સોની પાછળ દોડે છે.’

‘અરે ! આ તો સાવ અડબંગ જ નીકળ્યો !’

‘મેટ્રને કહ્યું કે તમારા પેશન્ટનાં તોફાનોથી હૉસ્પિટલને આઠ હજાર રૂપિયાનું નુકસાન થયું છે.’

‘આઠ હજાર ? અષ્ટસહસ્ર…યુતિમાંના ગ્રહો જેટલી જ સખ્યા…’ સર ભગન મનશું ગણગણી રહ્યા. પછી સેવંતીલાલને પૂછ્યું, ‘પણ એ ગાંડો માણસ આટલું બધું નુકસાન કેવી રીતે કરી શકે ?’

‘ઈસ્પિતાલમાં ત્રીસ બલ્બ ભાંગી નાખ્યા, બે હજારની ક્રૉકરીનો ખુરદો કરી નાખ્યો અને ત્રણ રેફ્રિજરેટરોને નુકસાન પહોંચાડ્યું, એમ મેટ્રન કહે છે.’

‘માળો, આ બુચાજી તો બડો ઉસ્તાદ નીકળ્યો. આવી ખબર હોત તો આપણે બીજા કોઈ સૉલિસિટર રાખત, આ તો બેકાર બૅરિસ્ટર સસ્તો પડશે એવી ગણતરીએ એને રોક્યો, પણ ઊલટાનો બમણો મોંઘો પડી ગયો.’

‘હૉસ્પિટલવાળાઓ કહે છે કે તમારા પેશન્ટને તુરત અહીંથી લઈ જાઓ ને અમારી ફી અને નુકસાની ભરી જાઓ.’

‘લો સાંભળો ! ધરમ કરતાં ધાડ પડે એ આનું નામ. બુચાજી સાથે આપણે નહિ સ્નાન, નહિ સૂતક, ને એ આપણો પેશન્ટ શાનો ગણાય ?’

‘એને હૉસ્પિટલમાં આપણે જ મુકાવ્યો છે ને? એનાં કોઈ સગાંવહાલાંને તો આપણે ઓળખતાં નથી, એટલે એના વાલી તરીકે આપનું જ નામ લખાવ્યું છે.’

‘હું એનો વાલી ? શિવ શિવ શિવ ! આ આફતનું પડીકું મારે માથે ક્યાં નાખ્યું ?’

‘હવે તો એને અહીં લાવ્યા વિના છૂટકો જ નથી, સાહેબ.’

લેડી જકલને આ બાબતની જાણ થઈ ત્યારે એમણે પણ સેવંતીલાલની વાતને ટેકો આપ્યો.

‘હૉસ્પિટલમાંથી તો એને ઝટ ઘરભેગો જ કરો. એ મૂઓ ત્યાં હજાર માણસની હાજરીમાં તિલ્લુ તિલ્લુ કરીને મારી દીકરીનું નામ લીધા કરે તે મારી તિલ્લુના ફજેતીના ફાળકા જ થાય કે બીજુ કાંઈ ?’

‘તિલ્લુ તો બુચાજીના ટૉમી કૂતરાનું નામ છે, એમ આપણે બધી સિસ્ટરોરને ઠસાવ્યું છે.’

‘સિસ્ટરો તો સમજશે, પણ બીજાં માણસો થોડાં સમજવાનાં છે ? આમ ને આમ મારી દીકરી વગોવાઈ જશે તો એનો વિવાહ નહિ થાય.’

‘તિલ્લુ માટે અત્યારે વિવાહ જોડવા કરતાં પ્રમોદકુમાર જોડેનો તોડવાની જ વધારે ચિન્તા છે ને ?’

‘પણ એ તોડીને પણ ફરી કોઈક સાથે જોડવો તો પડશે જ ને ? આ બુચાજી જેવો ડોસો કુંવારો મરે, પણ ડોસી કોઈ કુંવારી મરી સાંભળી છે ક્યાંય ?’

‘પણ આવા ગાંડા માણસને આપણા ઘરમાં તે કેમ ઘલાય ?’

‘એ ગાંડો બીજે ક્યાંય જઈને મારી છોકરીનું નામ બોલબોલ કરે એ કરતાં તો અહીં આપણે ઘેર જ પડી રહે એ સારું કે નહિ ?’

‘તમારી વાત વિચારવા જેવી તો ખરી,’ સર ભગને કહ્યું, ‘પણ આમ છાણે ચડાવીને વીંછી ઘરમાં લાવવાનું મને બહુ પસંદ નથી.’

‘અરે, પેલા ઝેરી સાપને ઘરમાં પેસવા દીધા પછી આ વીંછીમાં શું વાંધો છે ?’

‘ઝેરી સાપ ? કોણ ?’

‘તમારા પ્રકાશશેઠ, બીજું કોણ ? ચમકના સટ્ટામાં દુનિયાને પાયમાલ કરીને હવે મારી દીકરીને પાયમાલ કરવા આવ્યા છે.’

‘એ બિચારાનો સમય બારીક આવી ગયો. વેપારધંધામાં તો એમ જ ચાલે. કોઈ વાર ચડતી, કોઈ વાર પડતી.’

‘તે પોતાની પડતીમાં આપણને પણ ભેગા પાડવાનો એણે પેંતરો કરેલ ને ?’

‘ડૂબતો માણસ તણખલાને બાઝે, એના જેવું.’

‘પણ આપણને બાઝે તો એની જોડે આપણે પણ ડૂબી મરીએ ને ?’

‘અરે, તમે હજી જુઓ તો ખરાં, લેડી જકલ, આમાંથી કાંઈક જુદો જ ઘાટ ઊતરશે.’

‘ધૂળ ને ઢેફાં ઘાટ ઊતરશે ? લાખોપતિ ઉઠીને બાવાને વેશે બાવાસાધુ જોડે રહે એ માણસનો હવે વળી શો ઘાટ ઊતરવાનો હતો ?’

સેવંતીલાલે વચ્ચે પૂછ્યું : ‘સાહેબ, બુચાજીને હૉસ્પિટલમાંથી અહીં લાવવા જાઉં કે ?’

‘છૂટકો છે કાંઈ ?’ સર ભગન બોલ્યા.

‘હાથે કરીને શા માટે ઘરમાં ઘો ઘાલો છો ?’ લેડી જકલ હજી વિરુદ્ધ હતાં.

‘તમે હજી મારી યોજનાનો આશય સમજતાં નથી, લેડી જકલ. એ બુઢિયો બુચાજી હોસ્પિટલમાંથી બીજે ક્યાંય જાય એ કરતાં અહીં જ પડ્યો રહે એમાં આપણી આબરૂ વધારે સચવાશે.’

‘કોને ખબર છે, આ અષ્ટગ્રહીમાં આપણી આબરૂનું શું થશે.’

સર ભગને સમજાવ્યું :

‘મને તો લાગે છે કે બુચાજી અહીં રહેશે અને તિલ્લુને જોશે તો કદાચ એનું ગાંડપણ ચાલ્યું પણ જશે.’

‘નહિ પપ્પા, આપની ભૂલ થાય છે.’ તિલ્લુ બોલી.

‘કેમ ?’

‘મને જોવાથી બુચાજીનું ગાંડપણ ઘટશે નહિ પણ વધશે.’

‘શા ઉપરથી કહે છે ?’

‘મારા અનુભવો ઉપરથી.’

‘કેવી રીતે ?’

‘તે દિવસે પણ મને જોઈને જ એના મગજની કમાન છટકેલી.’

‘ખરેખર ?’

‘હા તમે એને દીવાનખાનામાં બેસાડવાને બદલે બહાર લોંજમાં બાંકડા પર બેસાડી રાખેલો ને ?’

‘હા.’

‘ત્યારે એની નજર મારા રૂમની બાલ્કની ઉપર જ હતી.’

‘માળો આ બુચાજી તો બડો ખેપાની નીકળ્યો.’

‘તે હું બાલ્કનીમાં આવી કે તુરત એ મને જોઈને મૂર્છા ખાઈ ગયેલો.’

‘અર૨૨૨૨૨ !’

‘અ૨૨૨૨ શું કરો છો ?’ લેડી જકલે પતિને ટોક્યા, ‘મૂઓ એ મેલી નજરનો એ જ લાગનો હતો. હવે એને પાછો અહીં લાવશો ને ફરી તિલ્લુને જોશે તો ફરી મૂર્છા ખાશે ને  મર્કટને મદિરા જેવું મળશે.

‘તો એને અહીં ન લાવીએ.’

‘નહિ સાહેબ,’ સેવંતીલાલે સમજાવ્યું, ‘કાયદેસર આપણે જ એના વાલી તરીકે પેશન્ટનો કબજો સંભાળવો પડશે, ને હૉસ્પિટલમાં નુકસાનીના આઠ હજાર ભરવા પડશે.’

‘ખાતર ઉપર દીવો.’ લેડી જકલ બોલ્યાં.

‘છૂટકો જ નથી. લાવો, બુચાજીને લાવો, તિલ્લુની નજરથી એને દૂર રાખજો.’

‘પણ કેવી રીતે દૂર રાખીશું ?’

‘એને પણ પેલી રાવટીમાં પ્રકાશશેઠ અને પ્રમોદકુમાર જોડે મૂકી દો. એ બેઉ માંહોમાહે ફોડી લેશે.’