ગ્રહાષ્ટક વત્તા એક/વખત વેરસી

વિકિસ્રોતમાંથી
← અમૃતમાંથી ઉદ્વેગ ગ્રહાષ્ટક વત્તા એક
વખત વેરસી
ચુનીલાલ મડિયા
બ્રહ્મગોટાળો →








૧૪.
વખત વેરસી
 

‘સાપના ભારા જેવાં સંખ્યાબંધ આફતનાં પોટલાં શ્રીભવનમાં સંઘરીને સર ભગન મોડી રાતે થાક્યા પાક્યા પલંગમાં પડ્યા ત્યારે એમની માનસિક દશા બાણશય્યા પર પોઢેલા ભીષ્મપિતામહ કરતાંય વધારે ભયંકર હતી. એ પ્રાચીન પિતામહને તો શરશય્યા પર પણ શાન્તિનો અનુભવ થતો હતો, ત્યારે સર ભગનને તો ફોમ-રબરગર્ભિત ગાદલામાં પણ ચિંતાઓનાં તીણાં ભાલાં ભોંકાતાં હતાં.

આવી રહેલી અષ્ટગ્રહયુતિ ઉપરાંત પણ બીજી અનેક આપત્તિઓ વેંઢારી રહેલા સર ભગનને તો શૂળી પર સેજ બિછાવ્યા જેવો અનુભવ થઈ રહ્યો હતો.

હવે આ મધરાત પછી કોઈનો ફોન ન આવે, અને સેવંતીલાલ મને જગાડે નહિ તો સારુ, એમ સર ભગન ઇચ્છતા હતા. આજકાલ શ્રીભવનમાં ટેલિફોનની ઘંટડી રણકે એટલે કશીક આફતના જ સમાચાર આવે એ એમનો સ્વાનુભવ હતો. તેથી જ, ટેલિફોનની ઘંટડીનો અવાજ એમને મૃત્યુઘંટના રણકાર જેવો લાગતો હતો. હમણાં સેવંતીલાલ શયનગ્રહની કૉલબેલ દાબશે અને વળી કંઈક નવીન આફતની વધામણી ખાશે એવા ભયથી સર ભગન જંપી જ નહોતા શકતા.

ટેલિફોનની ઘંટડી રણકતી નહોતી તોપણ સર ભગતના કાનમાં એના ભણકારા વાગતા હતા. પોતાના શયનગૃહની કૉલબેલ વાગતી નહોતી તોય એનો સુમધુર ઝંકાર ઝંઝાનિલ જેવો કાનમાં અથડાતો હતો.

આ બધી અષ્ટગ્રહ યુતિની જ આફત, એમ તેઓ સ્વાનુભવે સમજી રહ્યા હતા, કઈ ઘડીએ શું બનશે, એ કરતાં શું નહિ બને એની કલ્પના જ એમને અકળાવી રહી હતી. પોતે ભભૂકતા જ્વાળામુખીના શિખર પર સૂતા હોય એવી અસ્થિરતાની લાગણી એમને ઘેરી વળી હતી.

અરેરે ! આ અસ્થિરતા કરતાં તો જ્વાળામુખીની જ્વાળામાં હું ખાખ થઈ જાઉં તોય ઓછી પરેશાની થશે. અને હવે પરેશાન થવામાં બાકી પણ શું રહ્યું છે ! આજે તિલ્લુએ મારા વિલના, મારી જ નજર નીચે જે હાલહવાલ કરી નાખ્યા એનાથી વધારે આફત હવે બીજી કઈ બાકી રહી હશે ? મારું આખુંય વસિયતનામું મારી જ પુત્રીએ મારે જ હાથે સુધરાવીને મને તો જીવતે જીવ બાવો કરી મૂક્યો. અરે, બાવાઓ પાસે પણ બૅંક બૅલેન્સ હોય છે, ત્યારે મને તો આ ઘરમાં તિલ્લુની દયા ઉપર જ જીવવું પડે એવા દિવસ આવી રહ્યા છે.

સર ભગનના હૈયામાં બેવડી હોળી સળગતી હતી; એક તો, વિધિના લેખ જેવી અફર અષ્ટગ્રહ યુતિ અને બીજી, સમાજ જેને નવમો ગ્રહ ગણે છે એ જમાઈની પસંદગી, જમાઈપદેચ્છુ પ્રમોદકુમાર તો શ્રીભવનમાં ધરાર–જમાઈની ઢબે આવીને બેસી ગયો હતો. એને માનભેર અને આબરૂભેર શી રીતે પાછો કાઢવો એ અંગે સર ભગન મૂંઝવણમાં હતા, પ્રમોદકુમારના નામ ઉપર ચોકડી પાડ્યા પછી પુત્રી પોતાના સ્વયંવરની વરમાળા કયા સુપાત્રના ગળામાં આરોપશે એ પણ એક સવાલ હતો. આમ નવનવ ગ્રહો અત્યારે સર ભગનના હૈયામાં હમચી ખૂંદીને એમને હેરાન પરેશાન કરી રહ્યા હતા.

આવી રહેલ અનિષ્ટનાં એંધાણ આગોતરાં વરતાય એ ન્યાયે એમને કશુંક આવી ૨હ્યું હોવાની ભીતિ સતાવી જ રહી હતી. અને એ ભીતિ સાચી પણ પડી જ.

શ્રીભવનમાં સર ભગન સિવાય સહુ જંપી ગયા હતા ત્યારે સેવંતીલાલે વફાદારીપૂર્વક પોતાના માલિકને સંદેશો આપ્યો :

‘ઇન્સ્પેક્ટર ગોગટે પોલીસ પાર્ટી લઈને આવ્યા છે.’

‘માર્યા ઠાર ! પોલીસ પાર્ટી ?’ સર ભગન બોલી રહ્યા. ‘પણ પોલીસ પાર્ટીઓને તો આપણે અષ્ટગ્રહીને દિવસે બોલાવી છે ને ?’

‘એ તો બંદોબસ્ત માટે…’

‘ત્યારે આ શા માટે આવ્યા છે ?’

‘કશીક ઝડતી લેવાની વાત કરે છે.’

‘ઝડતી ? શાની ? ખાંડની ગૂણીઓની તો સ્યુગર કન્ટ્રોલરે આપણને સ્પેશિયલ પરમીટ આપી છે.’

‘એ માલસામાનની ઝડતી માટે નથી આવ્યા.’

‘ત્યારે શાની ?’

‘કોઈ શકમંદ આરોપીઓને શોધવાની વાત કરે છે.’

‘શકમંદ આરોપીઓ ? અહીં શ્રીભવનમાં ?’ સર ભગન શિયાવિયાં થઈ ગયા. અષ્ટગ્રહીનો દોષ હજી કેટલોક બાકી હશે એની કલ્પના કરતાં આંખે અંધારાં આવવા માંડ્યાં.

‘અહીં આપણા બંગલામાં શકમંદ આરોપીઓ !’

‘સાહેબ, એ તો પ્રકાશશેઠને ને પ્રમોદકુમારને શોધવા આવેલા છે. એમના ઉપર જામીન વિનાનાં વૉરન્ટ છે ને ?’

‘અચ્છા ! હવે સમજાયું !’ આટઆટલી આપત્તિઓ વચ્ચે, સર ભગન આનંદી ઊઠ્યા.

‘એમ વાત છે ત્યારે. પ્રકાશશેઠને પકડવા આવ્યા છે ?’

‘જી, હા.’

‘અંધારામાં પણ સર ભગનની અજય આંખોમાં આનંદની ઝલક દેખાઈ આવી. એમને થયું કે હજી મારું પુણ્ય પરવાર્યું નથી. આ સર્વગ્રાહી આફતમાંથી ઊગરવાની આશા હજી છે ખરી. અષ્ટગ્રહી કરતાંય વધારે વસમી આફત આમ આપમેળે જ ચાલી જતી હોય તો એનાથી વધારે રૂડું બીજુ શું ?’

‘ભલે, ગોગટેને કહી દો કે તમે ખુશીથી તમારા શકમંદ આરોપીઓને પકડી શકો છો.’

સર ભગનના હતાશ હૃદયમાં પહેલી જ વાર આનંદના ઓઘ ઊછળ્યા. ટાઢે પાણીએ જ ખસ જવા બેઠી છે તો હવે ઊનું પાણી કરવા બળતણ ક્યાં બાળવું ?

સર ભગન એક જમાનાના નાઈટહૂડધારી હોવાથી પોલીસ ઇન્સ્પેક્ટર એમનો માનમોભો જાળવવા શ્રીભવનમાં પ્રવેશવાની રજા માગતા હતા.

‘એમને ખુશીથી આવવા દો.’ સર ભગને સેવંતીલાલને સૂચના આપી, ‘કાયદાનું પાલન કરવામાં આપણે એમને સહકાર આપવો ઘટે.’

‘ભલે સાહેબ,’ કહીને સેવંતીલાલ ગયા.

પોતાના બંગલામાં મધરાતે પોલીસ આવ્યા તેથી જાણે પ્રભુ પધાર્યા હોય એવો ઉલ્લાસ સર ભગનના ચિત્તમાં વ્યાપી રહ્યો. ધરાર પટેલની ઢબે ઘરવેવાઈ અને ઘરજમાઈ બની બેઠેલા એ બાપદીકરાનો આમ આપમેળે જ નિકાલ થઈ જાય તો એક મોટો હૈયાભાર હળવો થાય એમ હતો. તેથી જ આ દરોડો પાડવા આવેલા પોલીસ અફસર એમને દેવદૂત જેવા લાગ્યા.

અજાજૂડ શ્રીભવનમાં પોલીસની શોધક–બત્તીઓના શેરડા આમતેમ ઝબકી ઊઠ્યા. એ સર ભગનને અષ્ટગ્રહીના કાજળઘેરા અંધકારમાં આશાના સૂર્યકિરણ સમા લાગ્યા.

ઘણા દિવસ પછી એટલે કે ઘણી રાતો પછી આજની રાતે સર ભગનને થોડો જંપવારો મળ્યો. થોડા કલાક તેઓ સ્વસ્થ નિદ્રા ખેંચી શક્યા.

એ સુખદ તંદ્રાવસ્થામાં જ એમણે આજના સુખદ બનાવ બદલ અંબામાનો આભાર માની લીધો, અને આવા દૈવી ઉપકાર બદલ એમણે આવતી પૂનમે અંબામાને સવાશેર શુદ્ધ ચાંદીનું છત્તર ચડાવવાની માનતા પણ માની લીધી.

અરે, પણ આવતી પૂનમ તો હજી ઊગે ત્યારે ને ? તુરત સર ભગનના મનમાં ભય અને વહેમનાં વમળ ઉઠ્યાં. એ પૂનમ આડે તો હજી અષ્ટગ્રહ યુતિ પડી છે એનું શું ?… પણ તુરત એમણે આ સંશયનું સમાધાન શોધી લીધું… આજે પેલા જમ જેવા જમાઈપદેચ્છુની અને જમથીય ચડિયાતા વેવાઈપદેચ્છુની ટાઢે પાણીએ ખસ કાઢવા જેટલો અંબામાએ મારી ઉપર ઉપકાર કર્યો છે, તો આવતી પૂનમ સુધી મને જીવતો રાખવાની કૃપા પણ મારી એ જ કુળદેવી કરશે. આ આફતમાંથી ઊગરીશ તો સીધો જ અંબામાના પગમાં પડી જઈશ.

વહેલી પરોઢમાં આમ માંડ કરીને સર ભગન રાહતનો દમ ખેંચી રહ્યા હતા. હવે કોઈ નવી આફત આવવાનો ભય નથી, પેલા કાળમુખા બાપ-દીકરો પોલીસની કસ્ટડીમાં પડી ગયા છે, એથી તેઓ નિરાંતનો શ્વાસ ખેંચતા હતા. ત્યાં જ શ્રીભવનના પ્રવેશદ્વારે કશીક ધાંધલ થતી સંભળાઈ. ગુરખો ગુરુચરન એની શુદ્ધ નેપાળી ભાષામાં નકાર ભણી રહ્યો હતો. અને સામેથી સંખ્યાબંધ માણસો શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં શોરબકોર કરી રહ્યા હતા. એ ધીંગી ધરતીનાં ધીંગાં માણસો એમનાં નરવાં ગળાંમાંથી નક્કર બોલ ઉચ્ચારી રહ્યાં હતાં :

‘એલા એય અડબંગ, કોની માએ સવાશેર સૂંઠ્યું ખાધિયું છે કે જલાલપર–બાદલાના નગરશેઠના ઘરની જાનુંની આડો ઊભો રૈ શકે ? … ચીરીને મીઠું ભરી દૈશું હા !…આંયાકણે પાલિયાળું ભાળી ગયો હો તો હજી હજાર દાણ વચાર્ય કરી જોજે, હા !’

એક તરફ તળપદી કાઠિયાવાડી બોલીનો તાશીરો ફૂટતો હતો, ને સામેથી ગુરુચરન વધારે ને વધારે જોશથી નકાર ભણતો હતો.

‘એલા અકલના ઓથમીર, તું કોની સામે આડો ઊભો છો એનું તને ભાન બળ્યું છે કાંઈ ? જલાલપર–બાદલાના પાઘડીબંધા નગરશેઠ હા !… જેની ખુડસી દરબારગઢની કચારીમાં દોલતસંગ બાપુની પડખોપડખ પડે, હા !… જેની મૂછ્યે લીંબુ લટકે ને જેના નામનાં અન્નછેતર હાલે એવા નગરશેઠના ઘરની જાન આવી છે. હા !… દોલતસંગ બાપુને ને નગરશેઠને એક જ થાળીમાં હાથ એવા જલાલપર–બાદલાના અરધા ગામધણી, હા ! આવા મોટા ખોરડાના ઘરની જાન આવી, એની આડે ઊભીને અપશકન કરાવતાં શરમાતો નથી. માળા મત્યફરેલ ?’

પોતાના બેડરૂમની બાલ્કનીમાં ઊભાઊભા સર ભગન આ બુમરાણ સાંભળી રહ્યા હતા. એમાં શુદ્ધ કાઠિયાવાડી ઉચ્ચારોમાં વારેવારે જલાલપુર–બાદલા ગામનો ઉલ્લેખ સાંભળી તેઓ ભડકી ઊઠ્યા.

જલાલપર–બાદલા ? અને તેમાંય પાછા ત્યાંના નગરશેઠ ?… સર ભગન ઘડીભર તો વિચારમાં પડી ગયા. એ સુપરિચિત ગામના સુપરિચિત નગરશેઠનુ નામ યાદ કરવા માથું ખંજવાળી રહ્યા ત્યાં તો એ શોરબકોરમાંથી જ એ નામોચ્ચાર સંભળાઈ ગયો.

‘એલા એય વાયલ ! જલાલપર–બાદલા જેવા ગામના નગરશેઠનું નામ પૂછતાં શરમાતો નથી, માળા મૂરખ ? તારો અવતાર એળે ગયો, અવતાર હા !… જલમ ધરીને કોઈ દી વખત વેરસીનું નામ કાને સાંભળ્યું છે કે નહિ ? જલાલપર–બાદલાને ચારેય સીમાડે વખતચંદ વેરસીના નામના સિક્કા પડે, હા !…વખત વેરસીના નામની હૂંડીનો સરગાપુરીમાંય સીકાર થાય, હા !…’

વખતચંદ વેરસી ?…નામ સાંભળીને જ સર ભગનનાં મોતિયાં મરી ગયાં. આ આફત અત્યારે અહીં ક્યાંથી ટપકી પડી ? ઘરણટાણે આ સાપનો હવે શો ઉપાય કરવો ?

‘સેવંતીલાલ !’ શેઠે બૂમ પાડી.

 ‘એ તો દરવાજા પર ગયા છે. કાઠિયાવાડી લોકોનું મોટુંમસ ટોળું આવી પડ્યું છે, એને અટકાવવા બીજા ચોકિયાતોને લઈને દરવાજે આડા ઊભા છે.’

સાંભળીને સર ભગને બીજા નોકરોને હુકમ કર્યો.

‘એ લોકોને અટકાવો નહિ. અંદર આવવા દો.’

અને પછી મનશું ગણગણ્યા : ‘એ તો પડશે એવા દેવાશે. અત્યારે આફતનું આભ ફાટ્યું છે એમાં થીગડું કેમ કરીને દેવાય ?… લાખ ભેગી સવા… બહુ દુખિયાંને દુઃખ નહિ ને બહુ ઋણિયાંને ઋણ નહિ…’

સર ભગનનો શબ્દ દરવાજે પહોંચ્યો અને શોરબકોર બધો શાન્ત થઈ ગયો. શેઠની આજ્ઞાનો સત્વર અમલ થયો.

આખુયે હાલરું આનંદની ચિચિયારીઓ કરતું હડુડુડુ કરતું બંગલામાં પેઠું.

એના આગમનમાં વિજયટંકાર સંભળાતો હતો.

‘ભાઈની ભલાઈએ કાંઈ ઘરની માલીપા ઘરવા નથી દીધાં આપણને, કાકા કહીને ઘરમાં ઘાલ્યાં છે.’

‘માલીપા ઘરવા નો દ્યે તો જાય કયાં ? આપણે કાંઈ માગણ ભિખારી કે અતીત – અભ્યાગત થોડાં છંયે ? વેવાઈ છંયે, વેવાઈ.’

‘વેવાઈમાં પણ વળી પાછા વરનાં માવતર એટલે આપણો હાથ ઊંચો ને કન્યાવાળાનો એટલો નીચો.’

‘ઈ તો આદિકાળથી હાલતું આવ્યું છે. ગમે ઇવા તોય આપણે વરવાળા, ને ઇવડાં ઈ કન્યાવાળાં.’

થોડી વારમાં આખું લાવલશ્કર બંગલા નજીક આવ્યું. ત્યાં તો એક સાચાં ઘી–દૂધ ખાધેલા ગળામાંથી ગજવેલ જેવો અવાજ ઊઠ્યો :

‘કાં ભગવાનજી વેવાઈ ! કેમ છો ? ઇયાં કણે મેડીને મોલે ખેતરના ચાડિયાની ઘોડ્યે ઊભા છો, તી આ વખતચંદ વેવાઈને  સામે લેવા આવવાનુંય સૂઝતું નથી ! પગે મેંદી મેલી છે કે શું ?… ક્યાં ગિયાં અમારાં જકલ વેવાણ્ય ?’

સર ભગન તો આ વખતે વેરસીની વૈખરી સાંભળીને પોતાનાં ડેન્ચર કચકચાવી રહ્યા હતા. પોતાને વિષે એ વેવાઈ જે કાંઈ ભરડી ગયા એ બધું તો એમણે ખમી ખાધું પણ કાઠિયાવાડના એ રોનકી માણસે ‘અમારાં જકલ વેવાણ’ને મર્મભરી ઢબે સંભારીને જે ઠેકડી કરી લીધી એ તો સર ભગનને હાડોહાડ વ્યાપી ગઈ.

એટલામાં તો બેડરૂમમાંથી લેડી જકલ પણ આ ઘોંઘાટમાં પોતાનો નામોચ્ચાર સાંભળીને જાગી ગયાં. ધૂંવાંપૂવાં થતાં બાલ્કનીમાં ધસી આવ્યાં. પતિને પૂછી રહ્યાં :

‘કોણ છે એ મૂવો મને વેવાણ કહેનારો ?’

‘આપણા વેવાઈ છે.’

‘કયા વેવાઈ ?’

‘વખતચંદ વેવાઈ. વખત વેરસીવાળા.’

લેડી જકલને બાલ્કનીમાં જોઈને નીચેથી વખત વેરસી બે હાથ જોડીને બોલી રહ્યા :

‘જેસી કરસણ, વેવાણ્ય, જેસી કરસણ.’

‘આ કોણ બોલબોલ કરે છે ?’ લેડી જકલ ફરી પતિને પૂછી રહ્યાં.

‘ન ઓળખ્યા તમે ? આ તો આપણી તિલ્લુના સસરા… વખત વેરસી.’

‘યૂ મીન, જૂના સસરા ?’

‘યેસ.’

‘તો હવે અહીં એનું શુ દાટ્યું છે ?’

‘એ જાન જોડીને આવ્યા લાગે છે.’

‘નો કિડિંગ, ભગન ?’

‘નો, નો.’

ફરી નીચે ટોળામાંથી વખતચંદે બૂમ પાડી :

‘એલા એય ભગલા, ભૂંડો લાગશ ભૂંડો ! માળા, મરદ જેવો મરદ ઊઠીને આ સાડલા પે૨નારિયુ હાર્યે ઇંગરેજીમાં ગૉટપીટ કરતાં શરમાતો નથી ?… બાઈડિયું તો અમેય પરણ્યા’તા… એક નંઈ, તણ્ય તણ્ય… ઈ તો સંધિયુંય આ મારા સાત ખોટ્યના ખમીચંદને નમાયો મેલીને સરગાપરીમાં પોંચી ગઈયું એટલે… બાકી તું કાંઈ નવી નવાઈનો પરણ્યો છો. હેં ? તેં કાંઈ આકાશમાંથી ઇન્દરરાજાની અપસરા ઉતારી છે, હેં ? છાનોમાનો હેઠો ઊતર્ય, હેઠો ઝટ.’

‘આ લોકો શા માટે અહીં આવ્યાં છે ?’ લેડી જકલે પતિને પૂછ્યું.

એમનો આ પ્રશ્ન નીચે સુધી સંભળાયો તેથી માથા પર રંગબેરંગી ટ્રંકો ને પેટીઓ મુકેલું એ આખુંય ટાળું એકસામટું પોકારી ઉઠ્યું :

‘ગગો ૫ઇણાવવા આવ્યાં છીએ. તમને કાંઈ ચોખા ચડાવવા નહીં આવ્યાં, જાન જોડીને આવ્યાં છીએ.’