લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/તારો વર

વિકિસ્રોતમાંથી
← બ્રહ્મગોટાળો ગ્રહાષ્ટક વત્તા એક
તારો વર
ચુનીલાલ મડિયા
કન્યાદાન કોને? →








૧૬.
તારો વર
 

‘હાય રે હાય ! આ તો અન્યાયની અવધ આવી રહી.’

‘પોલીસ ખાતાનો એ અધમ ઇન્સ્પેક્ટર સમજે છે શું એના મનમાં ?’

‘એને અધમ નહિ, અધમાધમ કહો.’

‘અને બીજા કોઈને નહિ ને આપણા દેવતુલ્ય આચાર્યશ્રીને અને એમના પટ્ટશિષ્યને ગુનેગાર ગણ્યા ?’

‘ઈન્સ્પેક્ટર ગોગટે કહે છે કે રાતને અંધારે મારી ભૂલ થઈ ગઈ. બેઉની દાઢી જોઈને હું છેતરાઈ ગયેલો.’

‘પણ ભૂલ થઈ ગઈ હવે એ સુધારતો શા માટે નથી ?’

‘પોલીસ ખાતામાં એક વાર લેવાઈ ચૂકેલું પગલું પાછું ખેંચી શકાય જ નહિ. પોલીસનું પગલું એટલે પણછમાંથી છૂટેલું તીર. એ તીરની જેમ પોલીસનું પગલું પણ પાછું ખેંચી શકાય જ નહિ.’

‘અરે, પણ જગદ્‌ગુરુ સમા આપણા જ્યોતિષમાર્તંડને અને એમના પ્રખર શિષ્યપ્રવરને આ પેલા લબાડલફંગાઓ જોડે લૉકઅપમાં પુરાઈ રહેવું પડે એ તે ક્યાંનો ન્યાય ?’

‘ન્યાય નહિ, અન્યાય કહો.’

‘અન્યાય નહિ, અનાચાર કહો.’

‘જે ધરતી ઉપર આવા અધર્મનું આચરણ થાય એ ધરતી પર પ્રલય ન થાય તો બીજુ શું ?’

‘આ પોતે જ અષ્ટગ્રહ યુતિનાં આગોતરાં એંધાણ. જ્યોતિષશાસ્ત્રે ભાખ્યો છે એ મહાપ્રલય હવે તો થવો જ સમજવો.’

‘આવા અનાચારી પોલીસ ઇન્સ્પેક્ટરોને પાપે જ પૃથ્વી ૨સાતાળ ગઈ.’

શ્રીભવનની બ્રહ્મપુરીમાં ખળભળાટ મચી ગયો હતો. બધા જ બ્રહ્મપુત્રો ઊકળી ઊઠ્યા હતા. રાતના અંધારામાં આંધળે બહેરું કુટાઈ ગયું હોવા છતાં પોતે ભૂલથી ભળતા જ માણસોને પરહેજ કરનાર ઇન્સ્પેક્ટર ગોગટે હવે પોતાની ભૂલ સુધારવાની ઘસીને ના પાડતા હતા. એમની નજર પોતાના ભાવિ પ્રમોશન ઉપર હતી. એમને પ્રકાશશેઠ અને પ્રમોદકુમાર જેવા બે ધરખમ ગુનેગારોને જેર કર્યાનો જશ ખાટવો હતો. હવે એ ગુનેગારો ખોટા પકડાયા છે, એવું જાહેર થાય તે પોતાની બઢતીમાં અંતરાય આવે એટલું જ નહિ, આવી ગંભીર ગફલતને કારણે કદાચ હોદ્દામાં બઢતીને બદલે એકાદ પાયરી પતન પણ આવી પડે એવો ભય હતો. તેથી જ એમણે પેલા ખીમચંદની વરરાજાહઠ જેવી જ પોલીસહઠ લીધી હતી. ‘મેં પકડેલા આરોપીઓને હું નહિ જ છોડું.’

‘અરે, પણ જ્યોતિષમાર્તંડ શ્રીમદ્‌ જટાશંકરાચાર્યજીની હાજરી વિના આપણા સહસ્ત્રચંડીયજ્ઞમાં વિઘ્ન આવશે એનું શું ?’ ગિરજો ફરિયાદ કરતો હતો.

‘અરે, યજ્ઞયાગના ક્રિયાકાંડમાં ક્યાંક ક્ષતિ આવશે તો ચંડીમાતા પોતે જ કોપશે, ને પેલા ઇન્સ્પેક્ટરને પાપે આપણું પણ ધનોતપનોત નીકળી જશે.’

‘શાન્તં પાપં… શાન્તં પાપં…’

બ્રહ્મપુરીમાં અહિંસક બળવા જેવું વાતાવરણ જામી ગયું. એક જુવાન બ્રહ્મપુત્રે દલીલ કરી :

‘આ બધી જવાબદારી, આપણા યજમાન તરીકે સર ભગનની જ ગણાય. એમણે પોતે જામીન બનીને આપણા આચાર્યોને છોડાવવા જોઈએ.’

‘નહિ. સર ભગને તો એકથી લાખ રૂપિયા સુધીના જામીન આપવાની ઑફર કરી જોઈ. પણ, જે વૉરન્ટ તળે આ ધરપકડો થઈ છે એ વૉરન્ટ જ જામીનલાયક નથી. પ્રકાશશેઠને અને પ્રમોદ કુમારને રિમાન્ડ ઉપર જ રાખવાનો હુકમ છે.’

‘રીઢા ગુનેગારોને તો રિમાન્ડ ઉપર જ રાખવા પડે ને ?’

‘હા જ તો, મોટાંની તો, એબ પણ મોટી જ હોય. કલંક પણ ચન્દ્રમાં જ હોય, ટમકુડાક તારામાં ક્યાંય કલંક દેખાયું છે ?’

જલાલપર–બાદલાવાળા જાનૈયાઓને સર ભગને માંડ કરીને શાંત પાડ્યા, ત્યાં આ બ્રહ્મપુત્રોનો બળવો એમને પજવી રહ્યો. એમને સમજાઈ ચૂક્યું કે ખરે જ, મારી માઠી ગ્રહદશા બેઠી છે. અષ્ટગ્રહ યુતિને દહાડે પણ આથી વધારે આફત તો બીજી કઈ આવવાની હતી ?

મારી નાઈટહૂડની લાગવગ વાપરીને પણ તમારા જ્યોતિષમાર્તંડોને હુ છોડાવી લાવીશ, એવી હૈયાધારણ તેઓ આપી રહ્યા, પણ બ્રાહ્મણોએ તો બ્રહ્મહઠ લીધી હતી.

‘અમારા આચાર્યનાં દર્શન કર્યા વિના અમારે અન્નનો દાણો અગરાજ.’

આવા આકરી પ્રતિજ્ઞા સાંભળીને સર ભગનને તો ચિંતામાં ચિંતા ઉમેરાઈ ગઈ. પોતે યજમાન હતા, અને બ્રહ્મપુત્રો અતિથિઓ હતા. એ અતિથિઓ ભૂખહડતાળ પર ઊતરે અને ન કરે નારાયણે ને એમાંથી એકાદ બે ઉપવાસીઓ ઊકલી જાય તો તો એ બ્રહ્મહત્યાનું પાપ તો મારે માથે જ ચડે ને ? અષ્ટગ્રહના પ્રકોપમાં આ અતિથિઓની આત્મહત્યાનો કોપ વળી ક્યાં ઉમેરવો ? આના કરતાં તો સાચા ગુનેગારોને સામે ચાલીને પોલીસ ચોકીમાં રજૂ કરી દઈને પેલા બે નિર્દોષ ગુરુશિષ્યને છોડાવી લાવવા એ સલાહભર્યું છે એમ સમજીને સર ભગન શહેરના પોલીસ કમિશનરને મળવા નીકળ્યા.

તિલોત્તમાને આજે નૃત્યની રિયાઝમાં રોજ કરતાં વધારે સમય લાગ્યો.

મોડે મોડે સુધી નૃત્યના તોડા સાંભળીને લેડી જકલને પણ ચીડ ચડી. એમને થયું કે ઘરઆંગણે આટઆટલા મુરતિયાઓ તિલ્લુને વરવા આવી પહોંચ્યા છે ત્યારે એને નાચવાનું શેં સૂઝે છે !

‘આ નાચણવેડાએ જ ઘરનું નખોદ કાઢી નાખ્યું,’ એવો નિસાસો મૂકીને લેડી જકલ પોતાના શ્વાનટોળાં જોડે મૉર્નિંગ વૉક માટે નીકળી પડ્યાં.

અતિથિઓ વડે ઠાંસોઠાંસ થઈ ગયેલા શ્રીભવનમાં જલાલપરની જાન આવતાં તો દુકાળમાં અધિક માસ જેવી આફત થઈ હતી, પણ ભગનશેઠે લાજેશરમે આ વણનોતર્યા જાનૈયાઓને આશરો આપવો પડ્યો અને એ માટે એમણે યજ્ઞમંડપની નજીકમાં જ અંતરિયાળ એક તંબૂ તાણી આપવો પડ્યો.

આ જાનીવાસાની સામે જ તિલ્લુના નૃત્યખંડની બાલ્કની પડતી હતી.

લાંબી રિયાઝ પછી તિલ્લુ બાલ્કનીમાં બહાર આવી ત્યારે પરસેવે રેબઝેબ હતી. આજે એણે ‘ઈન્દ્રવિજય’ નૃત્યનાટકની રિયાઝ કરી હતી. એની યોજના ઇન્દ્રાણી બનવાની હતી. એ નાટકમાં ઇન્દ્ર કરતાંય એના સેનાપતિનું વધારે મહત્ત્વ હતું. કેમકે તખતા ઉપર વધારેમાં વધારે યુદ્ધખેલન એણે જ કરવાનું હતું. તેથી કાર્તિકેયનું પાત્ર કંદર્પકુમારે પોતે જ લઈ લીધું હતું, જેથી જ એને વધારેમાં વધારે નૃત્ય કરવાની તક મળે, પણ કમનસીબે દેવોના સેનાપતિ તરીકે કાર્તિકેયના પાત્રને ન્યાય કરી શકે એવી કંદર્પકુમારની શારીરિક સંપત્તિ નહોતી. નૃત્યકલાના નિયમ મુજબ એ ઉઘાડે ડિલે તખતા ઉપર પ્રવેશે ત્યારે પ્રેક્ષકો એના ભાથામાંનાં તીર ગણવાને બદલે એના પાંડુરગી માયકાંગલા શરીરની પાંસળીઓ જ ગણી રહે એવી સ્થિતિ હતી. અને આ સ્થિતિ, કલાદૃષ્ટિએ તિલોત્તમાને અસહ્ય લાગતી હતી. એણે કંદર્પકુમારની શારીરિક દરિદ્રતા ઢાંકવા માટે એને ગોદડાના અસ્તરવાળું બખ્તર પહેરાવીને યુદ્ધમાં ઊતરવાનું સૂચન કરી જોયેલું, પણ દિગ્દર્શકે એ હસી કાઢેલું. ‘સત્યયુગમાં લડાઈમાં બખ્તરો વપરાતાં જ નહિ. બખતર તો પોલાદયુગ પછી જ આવ્યાં.’

કંદર્પકુમારની સુકુમાર શારીરિક હાલતને કારણે એના મિત્રો એને ‘મેઈડ ઈન જાપાન’ કહીને હાંસી કરતા. આના ઉત્તર રૂપે કંદર્પકુમારને બદલે તિલ્લુ જવાબ આપતી : ‘જાપાને તો જર્મનીને હંફાવેલું એ ભૂલી ગયા છો.’ આના વળતા ઉત્તરમાં મિત્રો કહેતા : ‘હા, ભાઈ, ઝાંઝા નબળા લોકથી કદી ન કરીએ વેર.’

આ ટોણો તિલોત્તમાને શલ્યની જેમ ખટક્યા કરતો હતો. એ ખટકા સાથે એ બાલ્કનીમાં ઊભી હતી ત્યાં જ એની નજરે એક પૌરુષમૂર્તિ પડી. બાલ્કનીની સામે જ તાણવામાં આવેલી રાવટીમાં જાણે આબેહૂબ ઈન્દ્રનો જ સેનાપતિ બેઠો હોય એવું દૃશ્ય એણે જોયું. ઘરનાં દૂઝણાંનાં સાચાં ઘી–દૂધ ખાઈને ઉછરેલો એ યુવાન હૃષ્ટપુષ્ટ હતો એટલું જ નહિ; એના ચહેરા ઉપર પૌરુષનું સ્વાભાવિક ઓજસ પણ હતું. એનામાં કેવળ ઇન્દ્રના સેનાપતિને લાયક શારીરિક સંપત્તિ જ નહોતી, સેનાની માટે અનિવાર્ય એવું શસ્ત્ર પણ એના હાથમાં શોભતું હતું. એણે જરકસી જામો પહેર્યો હતો. માથા પર છોગાળો સાફો બાંધ્યો હતો. હાથમાં ચાંદીના મ્યાન વડે ચમકતી તલવાર શોભતી હતી.

ખીમચંદ અત્યારે તોરણે આવેલા વરરાજાના પાઠમાં હતો.

તિલ્લુને થયું કે આ તો આજકાલ શ્રીભવનમાં કીડિયારાની પેઠે ઊભરાતા સહસ્ત્રમહાચંડી યજ્ઞ માટે આવેલા અનેક બ્રાહ્મણોમાંનો એક હશે અને દક્ષિણાની લાલચે અહીં બેઠો હશે. પણ આ ગરીબ બ્રાહ્મણ ચંડીયજ્ઞની દક્ષિણા જ લેવાને બદલે દેવોની સેનાનું સેનાનીપદ સ્વીકારે તો ?

આવો વિચાર તિલ્લુના મગજમાં ઝબકી ગયો અને એની આંખ એક મહાન શોધના આનંદથી ચમકી ઉઠી. ‘ઈન્દ્રવિજય’ નૃત્યનાટિકામાં કાર્તિકેયની ભૂમિકા કંદર્પકુમારને બદલે આ પૌરુષભર્યો યુવાન કરે તો ? તખતા ઉપર સુદૃઢ યુવાન સાચે જ શૌર્યમૂર્તિ તરીકે શોભી રહે.

તિલ્લુ ઇન્દ્રવિજયની ૨જૂઆતની નજરે જ ખીમચંદને અવલોકી રહી. ખીમચંદ તો મોઢે વરરાજા યોગ્ય ભાર રાખીને રાવટીમાં બેઠો હતો. પણ શિરસ્તા મુજબ જેને સમાજ તરફથી અઢી દિવસનું કાચું રાજ મળે છે એ વરરાજાથી સાવ આસન વિના તો બેસાય જ નહિ, તેથી જાનૈયાઓ એને ઉપરાઉપરી બે ટ્રંક ગોઠવીને એની ઉપર રેશમી રજાઈ નાખીને રાજ્યાસન જેવું બનાવી આપ્યું હતું. એ આસન ઉપર ખાંડાધારી ખીમચંદ વીરાસનમાં બેઠેલો કોઈ ઠાકોર જેવો શોભતો હતો. એની તાજીતાજી ઊગેલી અને જલાલપરના નાઈ પાસે કરાવેલી નવોદિત મૂછોમાં તિલ્લુને અજબ મોહિની લાગતી હતી. સર્વત્ર ‘ક્લીન-શેવ’ જ જોવાને ટેવાયેલી એની સૌંદર્યદૃષ્ટિને ખીમચંદની મૂછોના કાતરા કામણગારા લાગ્યા. નગરજીવનની બીબાંઢાળ ને ગદ્યાળી જીવનશૈલીમાં ખીમચંદના હાથમાંનું ખાંડું એને મર્દાનગીનું પ્રતીક લાગ્યું. એની અ-ભાન મોહકતા ઉપર એને ઓળઘોળ કરી જવાનું મન થયું.

ક્યાંય સુધી તિલ્લુ બાલ્કનીમાં જ ઊભી રહી. સામે રાવટીમાં કાટી-લોઢાની ટ્રંકો ઉપર રજાઈ પાથરીને બેઠેલો ખાંડાધારી યુવાન કાર્તિકેય તરીકે કેવો લાગે, એની એ કલ્પના કરી રહી.

ખીમચંદ અત્યારે પણ વરરાજાનો વેશ જ ભજવી રહ્યો હતો. તિલ્લુ એને ઇન્દ્રવિજય નાટકમાં કાર્તિકેયના વેશમાં કલ્પી રહી હતી. આ ગ્રામીણ સૌંદર્ય સ્પૉટલાઈટના અજવાળામાં કેવું શોભી ઊઠે એનો એ અંદાજ કાઢી રહી અને એ અંદાજ એને કંદર્પકુમાર કરતાં ઘણો ઊંચો લાગ્યો. ક્યાં કંદર્પનું નર્યું ખડમાંકડી જેવું હાડકાનું માળખું અને ક્યાં આ યુવાનની હૃષ્ટપુષ્ટ ભરી દેહયષ્ટિ !

ધીમે ધીમે તિલ્લુ આ યુવાનને કંદર્પ જોડે જાણે કે ત્રાજવે તોળી રહી. અને એ તુલનામાં એ કંદર્પ કરતાં ઘણો ઘણો નમતો જોખાતો જણાયો. આ ગામડિયા જુવાનના એકેએક સૌંદર્યબિંદુને કંદર્પ જોડે સરખાવી જોતાં, જોતજોતામાં તો કંદર્પ એની નજરમાંથી જાણે સાવ ઊતરી જ ગયો. માત્ર નાટકના પાત્ર તરીકે જ નહિ, પોતાના જીવનના પાત્ર તરીકે પણ આ ખાંડાધારી યુવાન એની આંખમાં વસી ગયો.

આ ગરીબ બ્રાહ્મણ ચંડીયજ્ઞમાં ભાગ લેવાને બદલે ઇન્દ્રવિજયમાં કામ કરવા તૈયાર થાય તો ? દેવોના સેનાની સાચા કાર્તિકેય સ્વામી પણ આટલા સુંદર નહિ હોય, એમ તિલ્લુને સમજાઈ ગયું.

કોણ હશે આ યુવાન ?

તિલ્લુના મનમાં એ જાણવાની તાલાવેલી જાગી.

લેડી જકલ પોતાના શ્વાનજૂથ જોડે ફરીને પાછાં આવ્યાં. ડૉક્ટરની સૂચના મુજબ તેમણે આ કાર્યક્રમ પછી તરત જ સ્નાનાગારમાં જવાનું હતું. પણ એ પહેલાં તિલ્લુએ એમને હાક મારી.

‘મમ્મી !’

‘શું છે ?’

‘જરા નજીક આવો તો.’

લેડી જકલને પણ નવાઈ લાગી. પુત્રીએ આટલા પ્રેમથી એમને કદી બોલાવ્યાં નહોતાં. તિલ્લુના વર્તનમાં હમેશાં તાંડવની જ નૃત્યશૈલી વરતાતી, લાસ્યનો એમાં સમૂળો અભાવ હતો. તેથી જ તિલ્લુએ આજે લાસ્યના લહેકાથી માતુશ્રીને સબોધ્યાં તેથી લેડી જકલને આનંદનો આઘાત લાગી ગયો. તેઓ હરખાતે હૈયે બાલ્કનીમાં ગયાં એટલે પુત્રીએ પૂછ્યું :

‘પેલો સામે હાથમાં તલવાર લઈને બેઠો છે એ કોણ છે ?’

‘તારો વ૨.’

‘શું બોલ્યાં ?’

‘તારો વર.’