ગ્રહાષ્ટક વત્તા એક/કન્યાદાન કોને?
← તારો વર | ગ્રહાષ્ટક વત્તા એક કન્યાદાન કોને? ચુનીલાલ મડિયા |
‘હું વરી ચૂક્યો છું.’ → |
માતાને મોઢેથી ‘તારો વર !’ એવા શબ્દો સાંભળીને તિલ્લુ તો આનંદનો આઘાત અનુભવી રહી.
આ શું ? હું જેના સૌંદર્યની સરલતા ઉપર વારી જાઉ છું, એ મારો વર જ નીકળ્યો ! આ તે સ્વપ્ન છે કે સત્ય ? મમ્મી સાચું કહે છે કે મશ્કરી કરે છે ? એ સુંદર યુવાન મારો સુંદર વર હોઈ જ શી રીતે શકે ? એની જોડે વળી મારો વિવાહ ક્યારે થયો છે ? મમ્મી આ તે મજાક કરે છે કે શું ?
‘પણ આની જોડે મારો વિવાહ ક્યારે થયો છે ?’
‘તું હજી પારણામાં હતી ત્યારે જ.’
‘એટલે ?’
‘તારો જનમ થયો અને આપણે સહુ ખોડિયારની માનતા ઉતારવા કાઠિયાવાડમાં ગયાં હતાં ત્યારે જ વખતચંદ વેરસીને ઘેરે તારો વિવાહ કરતાં આવેલાં.’
‘પણ કોને પૂછીને ?’
‘ગિરજા ગોરને.’
‘પણ વિવાહ તો મારો હતો કે ગિરજા ગોરનો ?’
‘વિવાહ તારો, પણ સલાહ ગિરજા ગોરની.’
‘શી સલાહ હતી ?’
એણે કહ્યું કે તિલ્લુની જન્મકુંડળીમાં નીચના ઘરનો એક ગ્રહ છે, એટલે એને વિવાહવિચ્છેદનો યોગ થાય છે.’
‘પછી ?’
‘પછી તો ગિરજાની સલાહ પ્રમાણે જલાલપર–બાદલામાં જ વખત વેરસીના છોકરા જોડે તારા ચાંદલા કરી દીધેલા.’
‘મને પૂછ્યા વિના જ !’
‘તું તો હજી બાળોતિયામાં બંધાયેલી પડી હતી, એમાં તને પૂછવું કેમ કરીને ?’
‘પણ એ ઉમ્મરે તે કાંઈ વિવાહ કરાતા હશે ?’
‘આ વિવાહ ક્યાં લગન માટે કરેલા ?’
‘ત્યારે શા માટે કરેલા ?’
‘એ તો પેલા નીચના ગ્રહનો સુટકો કરી નાખવા સારુ.’
‘કેવી રીતે ?’
‘વિવાહ કરીને પછી એ વાત જ માંડી વાળી, જાણે કે કશું થયું જ નથી.’
‘અરે, પણ વિવાહ કર્યા પછી વાત જ માંડી વાળી ? એ તે કાંઈ રીત કહેવાય ?’
‘વાત માંડી ન વાળીએ તો શું ? માંડવો રોપીને પેલા ભૂતના ગળામાં વરમાળા પહેરાવીએ ?’
'એને તમે ભૂત કહો છો ?’
‘ભૂત ન કહું તો શું પલિત કહું ? આ એના દીદાર તો જો જરા ? હાથમાં જૂનવાણી ખાંડું લઈને બેઠો છે ! જાણે કે મોટો રાયજંગ જીતી આવ્યો.’
‘મમ્મી, એ સાચે જ રાયજંગ જીતી શકે એવો પ્રતાપી લાગે છે.’
‘જા રે જા ! આ જડભરત જેવા છોકરામાં તે શું બળ્યું છે ?’
‘મમ્મી, આ જડભરત નથી. આ તો જાજરમાન લાગે છે.’
સાંભળીને લેડી જકલ તો મનમાં જ સમસમી ઊઠ્યાં. ‘અરે રામરામ ! આ ગામડિયા ગમારમાં તે છોકરી શું ભાળી ગઈ હશે કે આમ એનાં મોં ફાટ વખાણ કરે છે ?’ તેથી જ એમણે પુત્રીનું મન આ યુવાનમાંથી પાછું વાળવા ખાતર કહ્યું :
‘અરે ! આવા અડબંગ ને અભણ માણસ જોડે તે કાંઈ લગ્ન કરાતાં હશે ? આપણે તો આ વિવાહની વાત જ વિસારે પાડી દીધી હતી. પણ આ લોકો તો એને ગામડેથી તારાં લગ્નની વાત સાંભળીને સામેથી જાન જોડીને આવી પહોંચ્યા છે.’
‘સામેથી જાન જોડીને આવ્યા છે ?’
‘હા… વણતેડ્યા ને વણનોતર્યા. એ તો પાછા જવાના ધોયેલા મૂળા જેવા જ.’
‘એટલે ?’
‘એટલે કે જેવા આવ્યા છે એવા જ પાછા જશે. પેલા છોકરાના દીદાર તો જુઓ ! મૂછોના કાતરા કાપવા જેટલીય એને ફુરસદ નથી !’
તિલ્લુ શી રીતે સમજાવે કે ખીમચંદના ઓઠ ઉપર શોભતા એ મુછોના કાતરા તો એની મર્દાનગીનું પ્રતીક બની રહ્યા છે ?
‘પણ એની જોડે મારો વિવાહ થઈ ગયો, એટલે તો એ મારા વર જ ગણાય ને ?’
‘અરે શાનો વર ને શાની વાત વળી ? આ તા ઘોડિયાં લગન જેવો બાળવિવાહ હતો.’
‘એ બાળવિવાહ હોય કે વૃદ્ધવિવાહ હોય; પણ વિવાહ તો ખરો જ ને ?’
‘અરે આ તો સુટકો કરવા સારુ વિવાહ કર્યો હતો. ગિરજા ગોરના કહેવાથી માથેથી એક ઘાત ઉતારવાનો જ આ ત્રાગડો હતો.’
‘મમ્મી ! મમ્મી !’ કહીને તિલ્લુ લેડી જકલને બાઝી પડી.
માતાને નવાઈ લાગી, પુત્રીએ આટલું ઝનૂની વહાલ તો જિંદગીભરમાં કદી બતાવ્યું નહોતુ.
‘મમ્મી !’ માતાને મડાગાંઠ જેવા મજબૂત આશ્લેષમાં લઈને તિલ્લુ વહાલ વરસાવી રહી. ‘હાઉ સ્વીટ ! હાઉ સ્વીટ !’
લેડી જકલ તો વધારે મૂંઝાયાં. કદી મીઠાં સંબોધન વડે પણ ન બોલાવનારી આ નર્તિકાને આજે આટલું વહાલ શાનું ઊભરાઈ આવ્યું ? અને ‘સ્વીટ’, ‘સ્વીટ’ શાની કહી રહી છે ?
આ મીઠાશ ખરેખરી મધુરતા છે કે પછી ખારાશ છે ?
‘મમ્મી ! તમે મારે માટે કેવો સરસ વર શોધી કાઢ્યો છે ?’
મમ્મી તો સાંભળીને ઠંડાગાર થઈ ગયાં.
‘આ તો ખરેખર કાર્તિકેય જેવો શોભે છે.’
લેડી જકલ જમીન પર જ જડાઈ ગયાં. એમને થયું કે ગૂંચવાયેલા કોકડામાં આ વળી નવી ગૂંચ ક્યાંથી ઉમેરાઈ પડી ?
‘મમ્મી, તમે આટલાં વરસ સુધી કાંઈ કહ્યું જ કેમ નહિ ?’
‘શું કહું ! તારું કપાળ ?’
‘કપાળની નહિ, આ કાર્તિકેયની વાત મને કેમ ન કહી ? ખરેખર, સાચો કાર્તિકેય પણ આટલો સોહામણો નહિ હોય.’
પુત્રીની આ વાણી સાંભળીને માતાને તો હાસ્યનો ને રુદનનો મિશ્ર અનુભવ થઈ રહ્યો.
‘મમ્મી ! હું કેવી નસીબદાર છું ! મને કેવો મજાનો વર મળ્યો ! મારી બહેનપણીઓ મારી કેવી ઈર્ષ્યા કરશે !’
લેડી જકલને કહેવાનું મન તો થઈ આવ્યું કે હવે હદ થઈ ગઈ, હવે બોલવાનું બંધ કર, આ તો આંધળે બહેરું કુટાઈ રહ્યું છે. પણ તિલ્લુનો આનંદોલ્લાસ એવો તો તીવ્ર હતો, એની અભિવ્યક્તિ એવી તો અણખૂટ હતી, એની વાણી એવી તો અસ્ખલિત હતી કે એની બોલબોલ આડે પોતાને કશું બોલવાનો અવકાશ જ રહેતો નહોતો.
‘ઓહ ! હાઉ વન્ડરફૂલ ! મમ્મી ! હું તમારો કેવી રીતે ઉપકાર માનું ?’
‘તારે ઉપકાર માનવાની જરૂર જ નથી.’
‘કેમ ! આવો સરસ વર મારે માટે તમે શોધી કાઢ્યો, છતાં…’
‘પણ એની સાથે તારે પરણવાનું જ નથી.’
‘કેમ નહિ ?’
‘આવા ગામડિયા, ગમાર જોડે તે કાંઈ જિંદગી વિતાવી શકાય ?’
‘શટ અપ !’ તિલ્લુએ કથકલી શૈલીએ નાક પર તર્જની મૂકીને મમ્મીને મૂંગાં થવાની આજ્ઞા કરી.
લેડી જકલને પુત્રીનું સાચું કથકલી સ્વરૂપ જોવા મળ્યું.
‘મારા વરને ગામડિયો ને ગમાર કહેતાં શરમાતાં નથી ?’
‘આવા રોંચાને ગમાર ન કહું તો શું સુંદરવર કહું !’
‘સુંદર કે અસુંદરનો નિર્ણય કરનારાં તમે કોણ ?’
‘અમે કોણ ? અમે તારાં માબાપ છીએ. હું તારી મા છું.’
‘તેથી શું થયું ? લગ્ન તો મારે કરવાનાં છે કે તમારે ?’
‘લગ્ન ભલે તારે કરવાનાં હોય, પણ કન્યાદાન તો મારે જ આપવાનું ને ?’
‘કન્યાદાન ભલે તમે આપો, પણ દાનમાં તો હું જ અપાવવાની કે તમે ?’
‘પણ એ દાન કોને આપવાનું, એ તો મારે જોવું જોઈએ કે નહિ ?’
‘શા માટે ?’
‘કુપાત્રને તો કન્યાદાન અપાય જ નહિ.’
‘આવા સરસ યુવાનને તમે કુપાત્ર કહો છો ? કાર્તિકેયને પણ ઝાંખો પાડે એવા માણસને તમે કુપાત્ર ગણો છો ?’
જોતજોતાંમાં મા–દીકરી વચ્ચે સુપાત્ર અને કુપાત્ર અંગે એવી તો જીભાજોડી જામી કે એનો તાલ નિહાળવા સામેના તંબુમાંથી બધા જ જાનૈયાઓ બહાર આવી ઊભા, એનો પણ એમને ખ્યાલ ન રહ્યો.
‘હાય હાય ! આ વખતચંદ વેવાઈ સામે આવીને ઊભા છે !’ કરતાંકને લેડી જકલ તો શરમનાં માર્યાં બાલ્કનીમાં મોં ફેરવી ગયાં ને ઝડપભેર ઓરડામાં પેસી ગયાં.
‘આ તો સાચે જ ઘરણટાણે સાપ નીકળ્યો કહેવાય.’ સર ભગન પત્નીને મોઢેથી ‘બાલ્કની દૃશ્ય’નો અહેવાલ સાંભળ્યા પછી બોલી રહ્યા હતા.
‘આના કરતાં તો પેલો નાચણિયો કૂદણિયો સાત થોકે સારો હતો.’ લેડી જકલ કહેતાં હતાં.
‘મને પણ લાગે છે કે તિલ્લુ આવા ગામડિયા ગમારને જાય એ કરતાં તો પેલા ગરીબ કલાકારને પરણે તો એ વધારે શોભે.’
‘ને સમાજમાં આપણો કલાપ્રેમી તરીકે મોભો પણ વધે.’
‘હા જ તો. જુઓને, રાવબહાદુર ઈસરદાસજીની છોકરી રન્ના પેલા ન્યુડિસ્ટ ચિત્રકાર અવધૂતને પરણી, એમાં તો રાવબહાદુર પોતે મોડર્ન આર્ટના પૅટ્રન ગણાઈ ગયા.’
‘ને પેલાનાં ચિત્રો જુઓ તો સાવ ઉઘાડાં જ માથે આબરૂનું ઢાંકણ જ ન મળે.’
‘એ અવધૂત તો પોતાને હિન્દુસ્તાનનો પિકાસો ગણાવે છે. નગ્ન ચિત્રશૈલીનો એ પિતા ગણાય છે.’
‘મૂઓ એ પિતા ! એનાં ચિતરકામ જોઈનેય લાજી મરીએ અમે તો. માણસ જેવાં માણસ સાવ ઉઘાડાં. માથે આબરૂઢાંકણ પહેરણું તો ઠીક પણ આછી ચીંદરડી પણ ન મળે.’
‘એનું નામ જ અર્વાચીન કલા કહેવાય છે. એટલે જ તો એ અવધૂતના પ્રદર્શન ઉપર પોલીસની રેઈડ પડેલી ને ?’
‘ને એ રેઈડ પડ્યા પછી જ, કહે છે કે રન્નાએ એને પરણવાની હઠ લીધેલી. પોલીસે ચિત્રો જપ્ત કર્યા ત્યારે જ રન્નાને ભાન થયું કે અવધૂત મહાન કલાકાર છે.’
‘ના, એ ચિત્રો જ મૂળ રન્નાનાં હતાં.’
‘રન્નાએ દોરેલાં ?’
‘ના, રન્ના ઉપરથી દોરાયેલાં.’
‘એટલે ?’
‘એટલે કે રન્ના અવધૂતના મૉડેલ તરીકે કામ કરતી.’
‘હાય રે હાય ! સાવ નવસ્ત્રાં ચિત્રોમાં એ મૉડેલ બનતી ? એને શરમ પણ નહિ થતી હોય ?’
‘આ તો મૉડર્ન આર્ટ છે.’
‘મેલો લાલબાઈ એ મૉડર્ન આર્ટમાં, હું તો એ અવધૂતના પ્રદર્શનમાં પેઠી એવી જ લાજી મરી.’
‘તમે હજી એટલાં પછાત છો. બાકી રાવબહાદુર તો પેલા અવધૂતને જમાઈ બનાવીને ઘણા જ પ્રગતિશીલ ગણાઈ ગયા, અને ચિત્રકલા એકેડેમીના પ્રમુખ પણ બની ગયા.’
‘તો પછી આપણે પણ કંદર્પકુમારને જમાઈ બનાવીએ તો ?’
‘તો મારે પણ નાટ્યકલા એકેડેમીના પ્રમુખ બનવું પડે.’
‘તે બનજો, એમાં ખોટું શું ?’
‘અને તમારે શુભ હસ્તે કલાકારને ઇનામો વહેંચવાં પડશે.’
‘તે વહેંચીશું, એમાં શું ? પડશે એવા દેવાશે.’
‘તો પછી કંદર્પકુમારને સમજાવીએ.’
‘શું ?’
‘કે કોઈ પણ હિસાબે તિલ્લુને પરણી જા.’
‘અરે, એ તો પરણવા તૈયાર જ બેઠો છે. આપણી ધાકથી બિચારો બંગલામાં પગ મૂકતાં બીએ છે.’
‘તો એને કહી દઈએ કે આજથી તું જ અમારો જમાઈ છે અને અમે જ તારાં સાસરિયાં.’
‘પણ તિલ્લુ ?’
‘તિલ્લુને ખબર જ ન પડે એ રીતે આપણે કંદર્પકુમારને સમજાવીએ.’
‘ભલે, ચાલો. ધરમના કામમાં ઢીલ નહિ.’