લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/‘હું વરી ચૂક્યો છું.’

વિકિસ્રોતમાંથી
← કન્યાદાન કોને? ગ્રહાષ્ટક વત્તા એક
‘હું વરી ચૂક્યો છું.’
ચુનીલાલ મડિયા
નાટકનું ચેટક →








૧૮.
‘હું વરી ચૂક્યો છું’
 

‘અહીંથી આગળ હવે ગાડી નહિ જઈ શકે.’

‘એમ બને જ કેમ ?’

‘ગાડી ચાલી શકે એટલી મોકળાશ જ અહીં નથી.’

‘તો પછી શું અમે પગે ચાલતા જઈએ ?’

‘બીજો છૂટકો જ નથી.’

‘તોબાહ ! તોબાહ !’

કટાણું મોઢું કરીને સર ભગન અને લેડી જકલ પોતાની કેડિલેકમાંથી હેઠાં ઊતર્યાં. દેવલોકમાં વસતા જીવોનું ક્ષીણે પુણ્યે મૃત્યુલોકમાં પતન થઈ રહ્યું હોય એવો એ અકારો અનુભવ હતો. પણ પેટની પેઠે જ પુત્રીને ખાતર ગમે તેવી વેઠ કરવા તૈયાર થયેલા આ માવિત્રો મન વાળીને આગળ વધ્યાં.

‘શેઠશેઠાણીની મોખરે ચાલતો ડ્રાઈવર આ સાંકડી નેળમાં થોડી થોડી વારે સામે મળનાર માણસોને પૂછી રહ્યો હતો.

‘કંદર્પકુમાર ક્યાં રહે છે ?’

‘કોણ કંદર્પકુમાર ? સાચું નામ બોલો તો ખબર પડે.’

‘તે નામ તે વળી ખોટું હોઈ શકે ?’

‘પણ આવું ફેન્સી નામ તે સાચું હોઈ શકે ?’

‘ફેન્સી ?’ સર ભગન વિચારી રહ્યા : હા, કંદર્પકુમાર નામ તો ફેન્સી જ લાગે છે. મર્સરાઈઝ્‌ડ કાપડ જેવું જ. જાણે નવીન જાતની ફૂલાવાયલ પણ. તો પછી એનું સાચું નામ શું હશે ? કંદર્પકુમાર નહિ, તો પછી એ કયો કુમાર હશે ?

સર ભગન કરતાં લેડી જકલ વધારે ચોખલિયા હતાં. એમનાથી  આ ગલીમાંની ઊડતી ભેજ અને ગટરની મિશ્ર વાસ ખમાતી નહોતી. તેથી તેઓ તો નાક આડે રૂમાલ દાબીને ચાલતાં હતાં. ને મનમાં ને મનમાં નૃત્યકારને ભાંડી રહ્યાં હતાં : ‘બળ્યા એના નાચણવેડા ! આવા નર્કાગારમાં એ જીવતો હશે કેમ કરીને ?’

‘ના, ભાઈ ના. આવું વિચિત્ર નામ તો અમે કોઈ દી ક્યાંય સાંભળ્યું નથી.’ શેરીના સહુ માણસો કહી ૨હ્યા ત્યારે સર ભગને ડ્રાઈવરને પૂછ્યું.

‘સરનામું બરાબર છે ?’

‘બરાબર જ છે.’

લેડી જકલને વ્યવહારુ બુદ્ધિ સૂઝી. એમને સમજાઈ ગયું કે આ ફેન્સી નામ વડે તો કલાકારને કોઈ નહિ ઓળખે. તેથી એમણે પોતાના ભાવિ જમાઈને નામને બદલે કામથી ઓળખી કાઢવા પૃચ્છા કરવા માંડી.

‘અલ્યા ભાઈ, આ ગલીમાં કોઈ નાચવા–કૂદવાવાળો રહે છે કે નહિ ?’

‘પેલા ઊંચા ઊંચા હનુમાનકૂદકા મારે છે એ ?’

‘મારતો જ હશે,’ કહીને લડી જકલે અનુમાન કર્યું કે કથકલી શૈલીનું બીજું નામ કૂદકાશૈલી જ છે.

‘ને લાંબી જટા જેવા વાળ વધાર્યા છે એ જ કે ?’ લોકોએ સામી પૃચ્છા કરી.

‘હા, હા, એ જ.’

‘ને ધોળે દિવસે આંખમાં મેશ આંજીને ફરે છે એ જ કે ?’

‘અદલ એ જ. બીજો કોઈ નહિ.’

‘અરે એ તો આ સામેના મેડા ઉપર રહે છે. પણ હવે મકાનમાલિક એને ખાલી કરાવવાના છે.’

‘કેમ ?’

‘નાચીનાચીને એનો ધાબો ઢીલો કરી નાખ્યો છે, એટલે.’

લેડી જકલને નવાઈ લાગી. આ પાશેર હાડકાંવાળો નર્તક પણ નાચીને ધાબો ઢીલો કરી નાખે તે એ કેટલુંક નાચતો હશે એની તેઓ કલ્પના કરી રહ્યાં.

એ ઢીલા ધાબાવાળા મકાનની નજીક પહોંચતાં તો સર ભગનને નાકે દુર્ગંધનો દમ આવી ગયો. અરરર ! એ કલાકાર આવી જગ્યામાં કેમ કરીને જીવી શકતો હશે ? પણ તરત એમને કુટુંબના કલાશિક્ષકે જ કહેલી વાત યાદ આવી ગઈ, કે કલા તો આવા વાતાવરણમાં જ પાંગરી શકે. કમળ તો કાદવમાં જ ઉગી શકે.

માંડ કરીને પતિ–પત્ની ઢીલા ધાબાવાળા મેડા ઉપર પહોંચી શક્યાં. ઉપર ગયા પછી એમને પ્રત્યક્ષ ખાતરી થઈ કે કંદર્પકુમારે કથકલી શૈલીએ કૂદકા મારીમારીને આ ખડખડ પાંચમ મેડાને વધારે ખોખરો કરી નાખ્યો હતો.

મેડાને એક ખૂણે તૂટીફટી ખાટ ઉપર કંદર્પકુમાર પડ્યો હતો; સાવ હતાશ ને હારી ગયેલો. પોતાનાં સંભવિત સાસુસસરાને માનભેર આવકાર આપવાને બદલે એણે તો એમને ઊધડાં જ લઈ નાખ્યાં.

‘શા માટે અહીં આવ્યાં છો ?’

‘તમારાં દર્શન કરવા.’

‘દર્શન દેવોનાં કરાય, મારાં નહિ.’

‘તમે પણ અમારી દીકરી માટે દેવતુલ્ય જ છો ને ?’

‘એક સમયે હતો, હવે નહિ.’

‘કેમ ?’

‘કારણ તો તમે જ મારા કરતાં વધારે જાણો છો.’

‘શું ?’

‘તિલ્લુએ મને તિલાંજલિ આપી છે. મારો વિશ્વાસઘાત કર્યો છે.’

‘એ તો બાળક છે, બાળકબુદ્ધિમાં કશું કાંઈ બોલીછાલી ગઈ હોય તો એના વતી અમે માફી માગીએ છીએ.’

‘બાળકબુદ્ધિમાં નહિ, યૌવનબુદ્ધિમાં જ આમ કર્યું છે, અને જાણીબૂઝીને જ બધું કર્યું છે.’

‘શું ?’

‘મારું અપમાન… ઘોર અપમાન.’

‘અમારે ઘેર તમારી આગતાસ્વાગતામાં તિલ્લુને હાથે કાંઈ કસૂર થઈ હોય તો એના વતી અમે માફી માગવા જ આવ્યાં છીએ.’

‘એમ માફી માગવાથી આ અપમાનનો બદલો નહિ વળી શકે.’

‘તો તમે કહો એ માગીએ અથવા આપીએ.’

‘હું જે માંગુ છું એ તમે નહિ આપી શકો.’ કંદર્પકુમારે કહ્યું.

સાંભળીને લેડી જકલ જરા શરમાઈ ગયાં. સર ભગન પણ એનો ભાવાર્થ સમજી ગયા. બેઉને ખાતરી થઈ ગઈ કે કલાકાર તિલ્લુના હાથની જ માગણી કરી રહ્યો છે. જેના ગ્રહણ આડે આજ સુધી અમે વિન્ઘો નાખતાં આવ્યા છીએ એ પુત્રીના પાણિગ્રહણની જ અત્યારે માગણી થઈ રહી છે અને એનો સ્વીકાર કરવા તો અમે અત્યારે સામે ચાલતાં આવ્યાં છીએ. તેથી જ તેઓ ઉમંગભેર પૂછી રહ્યાં.

‘બોલો, બોલો. તમારી શી માગણી છે ?’

‘કહું છું કે એ તમે પૂરી નહિ પાડી શકો.’

‘વાતમાં શો માલ છે ? તમે બોલો એટલી જ વાત.’

‘એ તમારા હાથની વાત નથી.’

‘હાથની વાત કરવા જ અમે અહીં સુધી આવ્યાં છીએ.’

‘તમે શું નાટકના નિર્માતા છો ?’ કંદર્પકુમારે કરડાકીથી પૂછ્યું.

આ અણધાર્યો પ્રશ્ન સાંભળોને સર ભગન અને લેડી જકલ મૂંઝાઈ રહ્યાં. ‘લગ્નને અને નાટકને શો સંબંધ ?’

‘તમે શું આ નાટકના સૂત્રધાર છો કે મારી માગણી પૂરી કરી શકો ?’ કલાકારે ફરી પૂછ્યું.

સર ભગને સામું પૂછ્યું :

‘તમે કયા નાટકની વાત કરો છો ?’

‘ઇન્દ્રવિજય.’

‘ઇન્દ્રવિજય ?’

‘હા. એ ડાન્સ-બેલેનું દિગ્દર્શન તમે કરો છો કે તિલ્લી ?’

‘તિલ્લી જ.’

‘તો પછી કયા અધિકારે તમે મારી માગણી પૂરી કરવા અહીં આવ્યાં છો ?’

હવે જ સર ભગનને સમજાયું કે આમાં કશુંક આંધળે બહેરું કુટાઈ રહ્યું છે તેથી જ એમણે પૂછ્યું.

‘આપની માગણી શી છે એ કહો તો કાંઈક સમજ પડે, ને એનો ઉપાય પણ શોધી શકું.’

લેડી જકલે પણ ભાવિ જમાઈને આગ્રહ કર્યો.

‘તમને રાજી કરવા તો અમે તમારું ઘર શોધતાં અહીં સુધી આવ્યાં છીએ. તમારી માગણી શી છે એ કહો તો અમે એ પૂરી કરીએ.’

‘મારી માગણી એક જ છે.’

‘બોલો, બોલો, કંદર્પકુમાર !’

‘કાર્તિકેયની ભૂમિકા મને પાછી મળવી જ જોઈએ.’

‘કયો કાર્તિકેય ?’ સર ભગને પૂછ્યું. એમને થયું કે તિલ્લુના બહોળા મિત્રવર્તુળમાંના કોઈક યુવાનની વાત થઈ રહી છે.

‘કયો કાર્તિકેય ?’ એ પ્રશ્ન પૂછીને સર ભગન બાઘામંડળની પેઠે તાકી રહ્યા ત્યારે લેડી જકલ એમની વહારે આવ્યાં. તિલ્લુને મોઢેથી એમણે કાર્તિકેય શબ્દ બેચાર વાર સાંભળેલો. ખીમચંદના સૌન્દર્યની સરખામણીમાં એણે વારેવારે કાર્તિકેયનો ઉલ્લેખ કરેલો. તેથી એમને એ નામ જરાજરા પરિચિત તો હતું જ, તેથી એમણે પતિની બાઘાઈ દૂર કરવા કહ્યું, ‘એ કંઈ સાચા કાર્તિકેયની વાત નથી કરતા.’

‘સાચા નહિ તો ખોટા ?’

‘નાટકના માણસની વાત છે.’ લેડી જકલ બોલ્યાં.

‘શિવ, શિવ, શિવ !’ કંદર્પકુમાર પોકારી ઊઠ્યા. ‘આ તે કેવું ઘોર અજ્ઞાન !’

‘કેમ ભલા ? અમારો શો ગુનો થયો ?’

‘આ તમે કાર્તિકેયનું નામ પણ નથી સાંભળ્યું ?’

‘ન સાંભળ્યું હોય તેથી શું થયું ? ઓળખાણ–પિછાણ વિના નામ ક્યાંથી સાંભળીએ ?’

‘અરે, હું તો ઇન્દ્રવિજયવાળા કાર્તિકેયની વાત કરું છું.’

‘પણ હું એને ઓળખતો જ ન હોઉં, પછી એનું નામ ક્યાંથી જાણું ?’

‘શિવ શિવ શિવ ! તમે લોકો આટલા અસંસ્કારી હશો એવું મેં નહોતું ધાર્યું.’

‘જેટલી સંભળાવવી હોય એટલી સંભળાવી લો. આજકાલ મારા ઉપર ગ્રહાષ્ટક ઉપરાંત પણ એક વધારાના ગ્રહની દશા ચાલે છે.’

‘હું દેવોના સેનાપતિ કાર્તિકેયની વાત કરું છું ત્યારે તમે તમારા ઓળખીતાપાળખીતામાં એની ખોળ કરો છો.’

‘વૉય ધાડેના !’ સર ભગન પોકારી ઉઠ્યા ‘ત્યારે આમ તોડીફોડીને કહેતા હો તો કેવા વહાલા લાગો ! બાકી, અમે શાસ્ત્રો થોડાં વાંચ્યાં હોય કે દેવોના સેનાપતિનું નામ સાંભળ્યું હોય ?’

‘એ સેનાપતિ કાર્તિકેયની ભૂમિકા મને પાછી મળવી જોઈએ.’

‘તે એ લઈ કોણે લીધી છે તમારી પાસેથી.’

‘તમારી સુપુત્રીએ.’ કહીને કંદર્પકુમારે ગર્જના કરી, ‘આ કંદર્પકુમાર સિવાય કાર્તિકેયની ભૂમિકા ભજવનારનો જાન સલામત નહિ રહે.’

આવી લડાયક ભાષા સાંભળીને સર ભગન ગભરાયા.

‘આપ શાન્તિથી વાત કરશો તો આપની બધી જ માગણી હું પૂરી કરવા મથીશ.’

‘સેનાપતિ શાન્ત શી રીતે રહી શકે ? એ ગામડિયાએ મારું હડહડતું અપમાન કર્યું છે.’

‘કયો ગામડિયો ?’

‘પેલો જલાલપર–બાદલાથી આવ્યો છે તે, હાથમાં મોટીમસ તલવાર લઈને, એ.’

‘એણે તમારું અપમાન કર્યું ?’

‘તમારી છોકરી મારે બદલે એ જંગલી જડભરતને કાર્તિકેયનો રોલ આપવા માગે છે એ મારું અપમાન નહિ તો બીજું શું ?’

‘એ જલાલપરના જંગલી જડભરતને આપણે સીધોદોર કરી દઈએ.’

‘કેવી રીતે ?’

‘તમે મારું કહ્યું કરો તો.’

‘શું ?’

‘મારી પુત્રી જોડે લગ્ન કરો તો તમે કહો એની ભૂમિકા અપાવું.’

‘છિઃ છિઃ છિઃ’

‘કેમ આમ છિછકારો કરો છો ?’

‘હું તો વરી ચૂક્યો છું, શેઠ.’

‘સાચું કહો છો ?’

‘જી, હા.’

‘કોની જોડે ?’

‘કલા જોડે.’

‘કલાબહેન ?’

‘ના, બહેન નહિ, એકલી કલા જ.’

 ‘અહીં ઘરમાં તો ઘરવાળાં જેવું કંઈ કળાતું નથી. બૈરાંછોરાં સહુ દેશમાં ગયાં છે ?’ સર ભગને પૂછ્યું.

સાથેસાથે લેડી જકલ પણ બોલી ઊઠ્યાં : ‘તિલ્લુએ આ વાત તો અમને કોઈ દી કરી જ નહોતી કે તમે તો પરણેલા છો.’

‘તમારી બેઉની ગેરસમજ થાય છે. હું તો હજી પરણ્યો જ નથી.’

‘હાશ ! અમારો તો જીવ અધ્ધર થઈ ગયો હતો. તમે કહ્યું કે હું તો કલા જોડે પરણી ગયો છું.’

‘કલા એટલે મારી નૃત્યકલા.’

‘તો ઠીક… તો કશો વાંધો નહિ. મને તો થયું કે આ કનૈયાકુંવર જેવો જમાઈ આપણા નસીબમાંથી ખસ્યો કે શું ?’

‘શેઠ, તમે કાંઈક ભ્રમમાં લાગો છો.’

‘જરાય ભ્રમમાં નથી. મને પાકો ભરોસો છે કે હું તમને જમાઈ બનાવી શકીશ.’

‘મને જમાઈ બનવામાં રસ નથી.’

‘ત્યારે શામાં રસ છે ?’

‘કાર્તિકેય બનવામાં.’

‘શિવ શિવ ! લક્ષ્મી ચાંદલો કરવા આવી છે ત્યારે તમે હજી મોં ધોવા જાઓ છો ?’

‘હું લક્ષ્મીને નહિ. કલાને વર્યો છું.’

‘કલાને ભલે ને વર્યા, એમાં શું વાંધો છે ? પણ હવે મારી દીકરીને વરો એટલે રંગ રહી જાય.’

‘હું મારી કલા ઉપર શોક લાવવા નથી માગતો.’

‘પણ આમાં શોકની વાત જ ક્યાં આવી ! મારી તિલ્લુ તમારી કલાને થોડી નડવાની હતી ? તિલ્લુ પણ કલાને જ વરેલી છે ને ?’

‘નહિ. એ પેલા જલાલપરવાળા જંગલીને વરશે એવો મને વહેમ છે.’

 ‘અમને પણ એ જ વહેમ છે. એટલે તો તમને વિનંતી કરું છું કે તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો.’

‘નહિ કરી શકું. જેણે મારી કાર્તિકેયની ભૂમિકા ઝૂંટવી લઈને મારું ઘોર અપમાન કર્યું એની સામે હવે હું નજર પણ નહિ કરું.’

‘તિલ્લુ સામે નહિ તો અમારી સામે તો રહેમનજર કરો.’

‘નહિ કરું, જ્યાં સુધી કાર્તિકેયનો પાઠ મને નહિ મળે ત્યાં સુધી.’