ગ્રહાષ્ટક વત્તા એક/નાટકનું ચેટક
← ‘હું વરી ચૂક્યો છું.’ | ગ્રહાષ્ટક વત્તા એક નાટકનું ચેટક ચુનીલાલ મડિયા |
દુઃખદ આશ્ચર્ય વચ્ચે → |
‘ફુલહોલ કલાકાર આવા અડબંગ જ હોય.’
‘હું તો પહેલેથી જ કહેતો હતો કે આવા માથાફરેલ માણસમાં આપણે ઠરીશું નહિ, છતાં તમે માનતાં જ નહોતાં, લેડી જકલ.’
કંદર્પકુમારને ઘેરથી શ્રીભવન ભણી પાછાં ફરતાં સર ભગન આખે રસ્તે આ નિષ્ફળ ફેરા બદલ પત્ની સમક્ષ રોષ ઠાલવી રહ્યા હતા.
‘ગમે તેવા કલાકાર કહો, પણ અંતે તો નાચણિયાંની જ જાત.’
‘આવા ભાંડ-ભવાયાના તે કાંઈ ભરોસા હોય ?’
‘અરે, એ હૈયાફૂટાના નસીબમાં આવી રતન જેવી છોકરી ક્યાંથી લખી હોય, કે એને હા પાડવા સદ્બુદ્ધિ સૂઝે ? ભાઈસાબ બોલી ગયા : ‘હું તો મારી કલાને વરી ચૂક્યો છું.’
‘પેટમાં કકડતી ભૂખ લાગશે ત્યારે ખબર પડશે કે કલાને વરવાથી કેવું પરિણામ આવે છે.’
લેડી જકલ પણ આ જ વસવસો કરી રહ્યાં હતાં :
‘કરમની કઠણાઈ તો જુઓ, કે આજ સુધી આ કંદર્પકુમાર આપણી ભોળી છોકરીને ભોળવી ન જાય એટલા ખાતર આપણે ઉજાગરા વેઠતાં હતાં ને હવે સામે ચાલીને આપણે જ એના ભમરાળા કપાળમાં ચાંદલો કરવા ગયાં, ત્યારે ભાઈસાહેબ મોં ધોવા ગયા.’
‘અરે, એના ભાગ્યમાં તિલ્લુ જેવી છોકરી ક્યાંથી હોય. ગારાના દેવને તો કપાસિયાની જ આંખ હોય ને ?’
‘અરે, પણ એ બે બદામના માણસનો મિજાજ તો જુઓ ! ધડ દઈને આપણું અપમાન કરી નાખ્યું !’
‘આપણે તો આ કંદર્પકુમારને કન્યા આપવાનું કહેણ નાખીને સોનાની જાળ પાણીમાં જ નાખી.’
‘પાણીમાં નહિ, કાદવમાં… સાવ કુપાત્રે દાન કર્યા જેવું થયું.’
‘પણ તિલ્લુના નસીબમાં ખીમચંદ જ લખ્યો હશે તો એ મિથ્યા કેમ કરીને થાશે ?’
‘પણ એ ગામડિયો ગમાર આપણા જમાઈ તરીકે શોભશે શી રીતે ?’
‘તિલ્લુ તો કહે છે કે એ કાર્તિકેયનો અવતાર તમારા જમાઈ તરીકે ભલે ન શોભે, મારા વર તરીકે તો સરસ શોભશે.’
‘કપાળ એનું.’
‘ને વળી આજે તો સવારના પહોરમાં શેખી કરતી હતી કે આવો રૂડો રૂપાળો વર તો જેણે આગલે ભવ પાંચે આંગળીએ પરમેશ્વર પૂજ્યા હોય એને જ મળે.’
‘છોકરીનું મગજ ખસી ગયું છે.’
‘મેં પણ એને એ જ કહ્યું. તો, મને સામેથી સંભળાવ્યું કે પ્રેમમાં પડેલાં માણસોનાં મગજ ખસી જ જતાં હોય છે.’
‘એ તો નાટકનો સંવાદ બોલી ગઈ.’
‘તે આ નાટકે જ નખોદ કાઢ્યું ને ? આ ઇન્દ્રવિજયનો ઉપાડો ન લીધો હોત તો આ ખીમચંદની પારાયણ જ ઊભી ન થાત.’
‘છોકરી સાવ મૂરખ છે. એને ભાન નથી કે કાલે અષ્ટગ્રહીમાં બધું નાશ પામશે તો ઇન્દ્રવિજય પણ અટવાઈ જશે.’
અષ્ટગ્રહીના સંભવિત ઉલ્કાપાતની કલ્પના પતિ–પત્ની બેઉને ગભરાવી રહી. લેડી જકલને અત્યારે પેાતાની જંગી કૂતરાં-ફોજની ચિંતા સતાવી રહી. ગ્રહાષ્ટક યોગમાં સર્વનાશ સરજાઈ જાય તો મારાં પ્રાણપ્યારાં કૂતરાં-કૂતરીનું શું થશે એની ફિકરમાં ઘડીભર તો તેઓ પુત્રોના પ્રણય–પરિણયના પ્રશ્નનો પણ વીસરી ગયાં. એમના મોંમાંથી સાહજિક ઉદ્ગાર નીકળી ગયો :
‘બળ્યું આના કરતાં તો ગિરજો કહે છે તેમ પૃથ્વીનો પ્રલય થઈ જાય તો આ બધી આધિ-વ્યાધિમાંથી છૂટીએ, ઇન્દ્રવિજયનું નાટક ને ચેટક બધું ઊકલી જાય, ને ખીમચંદ ને વખતચંદ બેઉની ઉપાધિ આળસી જાય.’
‘હા, એવું થાય તો તો ઉત્તમ. એથી અદકું રૂડું બીજું શું ? કાંઈ દેખવું પણ નહિ ને દાઝવું પણ નહિ.’ સર ભગન પણ આશ્વાસન અનુભવી રહ્યા.
પણ પતિ–પત્ની શ્રીભવનમાં પહોંચ્યાં ત્યાં તો એમને નસીબે પુષ્કળ દેખવાનું ને દાઝવાનું તૈયાર હતું.
કેડિલેકમાંથી પગ બહાર મૂકતાંની વાર જ સર ભગનને એમના વેવાઈ વખતચંદે પોંખવા માંડ્યા.
‘શેઠ, આ તમારું તે ઘર છે કે ઘોલકું ?’
‘કેમ ? તમને શું લાગે છે ?’
‘અહીં કાંઈ લક્ષણ ખાનદાન ઘરનાં નથી દેખાતાં.’
‘શા ઉપરથી કહો છો ?’
‘આ તમારી દીકરીના દેદાર ઉપરથી.’
‘કેમ ભલા, મારી દીકરીએ તમારું શું બગાડ્યું છે ?’
‘અરે, મારા છોકરાની જિંદગી બગાડી નાખશે. મારા ખીમચંદને નાટકમાં ઉતારવા લઈ ગઈ.’
‘નાટક–નૃત્ય એ તિલ્લુના શોખનો વિષય છે.’
‘તે પોતે ભલે ને શોખ કર્યા કરે, મારા ખીમાને શું કામે એની વાદે કૂચે મેળવે છે ? અરે, અહીંં લગન કરવા આવ્યાં છીએ કે આમ નાટક કરવા ?’
‘બેમાંથી શું થશે એ હું પોતે જ હજી ચોક્કસ કહી શકતો નથી.’
‘શેઠ, મને આ છોકરીના નાચણવેડા પસંદ નથી.’
‘આપણી પસંદગી કે નાપસંદગીનો આમાં સવાલ જ નથી. આપણે પોતે જ તિલ્લુને પસંદ નથી.’
‘અરે, પણ અમારે જલાલપરમાં કોઈ જાણી જાય કે વખત વેરસીના ખીમાની વહુ તો નાચનખરાં કરે છે, તો મારી તો સાત પેઢીની આબરૂ જાય.’
‘તો નાચનખરાં ન કરે એવી વહુ શેાધી લો.’
‘શું બોલ્યા ? ફરી બોલો જોઉં.’
‘કહું છું કે તમારા ખીમયંદ માટે સારી વહુ શેાધી લો.’
‘ને તમે સુખેથી તમારી છોકરીને સવેલી બીજે ક્યાંય પરણાવી દેશો, એમ ? અરે, વાતમાં શો માલ છે ! તો તો અમારી જલાલપરની નદીનું પાણી લાજે, પાણી. અમારી મૂછ્યુનાં મોવાળાં લાજે.’
‘મને તમારી જોડે જીભાજોડી કરવાનો સમય નથી. મારે આજે મહાચંડી યજ્ઞની તૈયારી કરવાની છે.’
આટલું કહીને સર ભગન ગુસ્સાભેર ચાલ્યા ગયા એટલે વખતચંદ વેવાઈ વધારે ઉશ્કેરાયા. જાનૈયાઓએ વળી એમના ઉશ્કેરાટમાં ઉમેરો કર્યો.
‘એ નખ જેવડી છોકરી એના મનમાં સમજે છે શું ?’ આપણા ખીમચંદને એ નાટકિયાનો વેશ પહેરાવી જાય તો તો થઈ રહ્યું ને ?’
‘આ ભગન વેવાઇને તો હવે આબરૂ જેવુ કાંઈ રહ્યું જ નથી, એટલે જેમ કરે એમ પરવડે. એની છોકરી નાટક શું, ચેટક કરે, મુજરા કરે તોય એને વાંધો નહિ, પણ આપણી તો લાખ રૂપિયાની આબરૂ. જલાલપર–બાદલાના આખા પંથકમાં આપણી સોના જેવી શાખ. ત્યાં ખબર પડે કે આપણો ખીમો નાટકમાં ઊતર્યો છે તો આપણી આબરૂના કાંકરા જ થાય કે ખીજું કાંઈ ?’
‘કંચન ભયો કથીર જ, બીજુ શું ?’
‘એટલે, અમે તો કહીએ છીએ કે ખીમચંદને લોંઠાએ કરીને પણ પાછો તેડી આવીએ. ઓલી જોગમાયા એને ભરમાવીને લઈ ગઈ છે, તી કોને ખબર છે, કાંઈક દોરોધાગો કરીને છોકરાને ગાંડોઘેલો કરી મૂકે તો ?’
‘માનો ન માનો, પણ અમને તો આમાં કાંઈક વહેમ જેવું લાગે છે.’
‘આમાં ભગનશેઠનું જ કાંઈક કારસ્તાન હશે. આપણા જેવા અણગમતા વેવાઈની ટાઢે પાણીએ ખસ કાઢવાનો જ આ પેંતરો લાગે છે.’
‘આપણે અહીં પારકી જણીને વહુ કરવા આવ્યાં છીએ, પણ આપણા પેટનો જણ્યો દીકરો જ ખોઈ ન બેસીએ તો સારું.’
આવા આવા તર્કકુતર્કને પરિણામે આખી જાનમાં ગભરાટ ફેલાઈ ગયો. ડોસા–ડગરાઓ તો વરરાજાના ભાવિ અંગે અમંગળ કલ્પનાઓ પણ કરી રહ્યા.
‘પીઠી ચોળેલ વરરાજાને ઉંબરા બહાર પગ જ કેમ મૂકવા દેવાય ?’
‘રાંદલમાના ઉથાપન પહેલાં વરરાજા આઘા જાય જ કેમ કરીને ?’
‘આપણા ગોતરીજ કોપશે તો ધનોતપનોત કાઢી નાખશે.’
જોતજોતામાં સહુ જાનૈયાઓ એવા તો ઉશ્કેરાઈ ગયા કે ખીમચંદને પાછો લાવવા તેઓ શ્રીભવનમાં તિલ્લુના રિહર્સલરૂમ ભણી ધસી ગયા.
તિલ્લુના રિહર્સલરૂમમાંથી નૃત્યના તોડાને તાલ આપતા ઢોલકનો અવાજ દૂરથી જ સાંભળી જઈને જાનૈયાઓ વધારે ઉશ્કેરાયા.
‘આ ભગતશેઠની અવળચંડાઈ તો જુઓ અવળચંડાઈ ! લગનના ઢોલ વગડાવવાનું સૂઝતું નથી, ને અહીં નાચમુજરાના ઢોલ ધડૂસે છે !’
‘આ બધાં પાયમાલીનાં જ એંધાણ. ભગનશેઠનાં હવે વળતાં પાણી છે. માણસને માઠા દિવસ આવવાના હોય ત્યારે જ આવાં અપલખણ સૂઝે. નહિતર કોઈ ગૃહસ્થી માણસના ઘરમાં આવા નાચકણ જેવા નાચમુજરા તે હોય ?’
‘આ અમીરાત હવે આથમવા બેઠી છે. ગૃહસ્થી માણસના ઘરમાં નાટક–ચેટક થાય પછી એમાં લક્ષ્મીનો વાસ રહે જ કેમ કરીને ?’
ભગનશેઠના સંભવિત પતનની આવી આગાહીઓ કરતું કરતું આખુંય હાલરું રિહર્સલરૂમ ઉપર પહોંચીને બહારથી બૂમો પાડવા લાગ્યું :
‘ખીમચંદ ! એય ખીમચંદ !’
પણ સામેથી બંધ ઓરડાનું બારણું ઊઘડવાને બદલે કે કોઈનો જવાબ સાંભળવાને બદલે ઢોલકના અવાજમાં ઉમેરો જ થતો જણાયો.
‘ખીમચંદ ! એલા એય ખીમચંદ !’
ફરી પોકારો થયા, પણ સામેથી કશો જવાબ ન મળ્યો, ત્યારે જાનૈયાઓની ધીરજ ખૂટી અને વરરાજાને એમના વિધિસરના માનાર્થસૂચક આખેઆખા નામે બોલાવવાને બદલે એમના ઘરગથ્થુ નામે સંબોધવા લાગ્યા.
‘એલા ખીમા, એય ખીમલા !’
આવું આત્મીયતાસૂચક સંબોધન ઉચ્ચારવા છતાંય સામેથી ખીમલાએ ઉત્તર આપવા જેટલી આત્મીયતા ન દાખવી. ઊલટાનો, ઢોલકનો ઘોંઘાટ વધતો જ રહ્યો. હવે એ કર્કશ ઘોંઘાટમાં ગોંગનો અવાજ પણ ભળ્યો.
‘આટલા ચસકા શાના સભળાય છે ?’ જાનૈયાઓને અચરજ થઈ રહ્યું.
‘અંદર લડાઈ ચાલે છે.’ નજીકમાંથી પસાર થતા એક નોકરે કહ્યું.
'લડાઈ? શાની લડાઈ ?’ જાનૈયાઓ ગભરાઈ ગયા. રખે ને આપણા વરરાજાને કાંઈ રજાકજા થઈ બેસે, એવો ભય સેવી રહ્યા.
‘અલ્યા ભાઈ, મોઢામાંથી ફાટ તો ખરો, અંદર શાની લડાઈ ચાલે છે ?’ જાનૈયાઓ પેલા નોકરને પૂછી રહ્યા.
'અલ્યા, કોની વચ્ચે લડાઈ જામી છે ?’
‘દેવ ને દાનવ વચ્ચે.’
‘શું ? શું બોલ્યો ?’
‘અરે, આ તો નાટકની લડાઈ ચાલે છે. સાચી નહિ.’
‘તંયે ઠીક, અમારો ગગો માલીપા ગયો છે, એટલે લડાઈનું નામ સાંભળીને પેટમાં ફડકો પડી ગયો.’
અને સાચે જ, રિહર્સલરૂમમાં વાદ્યકારો ઢોલક અને ગોંગ ઉપર જે બેફામ બઘડાટી બોલાવતા હતા એ સાંભળીને ભલભલાના પેટમાં ફડકો પડી જ જાય એમ હતો. દેવદાનવ યુદ્ધમાં કાર્તિકેય એકેક ખડગપ્રહાર કરતો હતો અને ઢોલક ઉપર એકેક જોરદાર થાપી પડતી હતી અને ગોંગ ઉપર દાંડી રમતી હતી. યુદ્ધની અસરકારકતા વધારવા અન્ય વાદ્યકારો પણ શક્ય તેટલા તીવ્ર, તીણા, કર્કશ અવાજો ઉપજાવી રહ્યા હતા. આ સામટા કોલાહલની અસર દાનવો ઉપર નહિ તોય જાનૈયાએ ઉપર તો થઈ જ.
‘અલ્યા ભાઈ, આમાં ખીમો તો ખેમકુશળ હશે ને? પારકી લડાઈમાં નવાણિયો કુટાઈ જાય નહિ.’
‘હા ભાઈ, નાટક કરતાં ચેટક થઈ પડશે તો ?’
‘આવી લડાઈ કર્યા વિના વરરાજા શું ભૂંડા લાગતા હતા ?’
‘હાલો, ઝટ બારણાં ઉઘડાવીને ખીમાને બારો કાઢો. એટલે ગંગ નાહ્યા. આજકાલ અષ્ટગ્રહના દિવસો બહુ ભારવાળા ગણાય.’
ડાહ્યાં ઘરડેરાંઓની આ સલાહ જુવાન જાનૈયાઓએ તુરત અમલમાં મૂકી દીધી અને જઈને સીધા રીહર્સલરૂમનાં બંધ બારણાં ધબધબાવવા લાગ્યા. સાથે સહુ જાનૈયાએએ સામટું બુમરાણ મચાવ્યું :
‘અલ્યા એય ખીમલા, ઝટપટ બારો નીકળ, નકર થાશે જોયા જેવી.’
‘મેલ તારા નાટકમાં લાલભાઈ, ને થા મોઢાગળ.’
કેટલાક વધારે ઉદ્દામ જાનૈયાઓએ તો તિલ્લુને ઉદ્દેશીને પણ ધમકીઓ ઉચ્ચારી :
‘એલી એય જોગમાયા, અમારા વરરાજાને બારો કાઢ્ય, નીકર થાશે જોયા જેવી, હા ! અમે કોણ છંચે તું ઓળખશ ? જલાલપર–બાદલાનું પાણી.'
‘અમને શું ભાંડ–ભવાયા સમજી બેઠી છે તીં અમારા વરરાજા પાસે આવા નાચણવેડા કરાવે છે? અમે કોણ ? જલાલપર–બાદલાના અરધા ગામધણી.'
અંદરથી કશો જવાબ ન મળ્યો ત્યારે આખરે જીવ પર આવેલા જાનૈયાઓએ બહાર એવી તો બધડાટી બોલાવી કે એનો અવાજ દેવ-દાનવ યુદ્ધના અવાજ કરતાં વધી ગયો, અને રિહર્સલમાં એ અંતરાયરૂપ બની રહ્યો.
અંદર એકાએક રિહર્સલ થંભી ગયું. ગોંગ અને ઢોલક શાન્ત થઈ ગયાં. કાર્તિકેયના ખડૂગપ્રહારો થંભી ગયા.
વિજયોન્મત્ત જાનૈયાઓ બેવડા ઝનૂનથી પોકારી રહ્યા :
‘ખીમચંદ, એલા એય ખીમચંદ !’
ઓરડામાં કશોક અસ્પષ્ટ અવાજ ઊઠ્યો અને એકાએક બારણું ઊઘડ્યું.
જાનૈયાઓ તો પોતે ઊંઘમાં છે કે જાગે છે એવી ભ્રાન્તિ અનુભવી રહ્યા.
બારણાના ઉંબરા પર આવી ઊભેલા ખીમચંદના દીદાર જોઈને જાનૈયાઓ ડઘાઈ ગયા. કેટલાક તો આંખો ચોળતા રહ્યા.
‘આ શું? આ તો ખીમચંદ જ છે કે બીજો કોઈ ?’
‘વખત વૈરસીનો ખીમો! આ પોતે જ કે બીજો કોઈ ?’
‘આ તે કયા રાજાનો વેશ હશે ?’
આવો સંભ્રમ થાવનું કારણ એ હતું કે ખીમચંદ અત્યારે કાર્તિકેયના ડ્રેસ રિહર્સલમાં હતા. એની આંખમાં કાળાશને બદલે રતાશ હતી. એના હાથમાં ખડ્ગ હતું.
ખીમચંદની બાજુમાં શચિ ઇન્દ્રાણીની ભૂમિકામાં તિલોત્તમા ઊભી હતી. એની નજર કુપિત જાનૈયાએ કરતાંય કાર્તિકેયની માંસલ ભુજાઓ ઉપર વધારે ઠરતી હતી.
ખીમચંદે સાચા કાર્તિકેયની કરડાકીથી જાનૈયાઓને પૂછ્યું :
‘શું છે?’
‘હોય શું બીજું ! વરરાજો થઈને આવા વરણાગિયા વેશ કાઢતાં લાજતો નથી ?’
‘હાલ્ય ઝટ જાનીવાસે. થા ઝટ મોઢાગળ મૂંગોમૂંગો.’
‘તેં તો જલાલપરની સોના જેવી શાખ સાવ કથીરની કરી નાખી, માળા ઓટીવાળેલ.’
‘મૂંગા રહો,’ આખરે ખીમચંદ બોલ્યો.
સાંભળીને વખતચંદ શેઠ તો મોઢું વકાસી રહ્યા, આ તે મારો પુત્ર ખીમો પોતે જ બોલે છે કે કોઈ પારકો માણસ ? મારા કાન તો કહ્યું કરે છે ને?’
‘અલ્યા, અમને મૂંગા રહેવાનું કહો છો, તે તારા કાનમાં કાંઈ કીડા ભરાઈ ગયા ?’
'પણ તમે ગોકીરો કરીને અમારું નાટક અટકાવ્યું શા માટે ?’ સેનાપતિના વેશમાં ખીમચંદ બોલી રહ્યો.
સાંભળીને તિલ્લુએ સંમતિસૂચક સંતોષ દર્શાવ્યો.
જાનૈયાઓને તો અચરજની અવધિ આવી રહી. મેરી બિલ્લી ઔર મેરેકુ મ્યાંઉ જેવો અનુભવ થઈ રહ્યો.
‘અલ્યા, ગોકીરો ન કરીએ તો શું મૂંગાંમૂંગાં માળા જપીએ ?’
માળા અડબંગ !’
‘મૂંગા રહો, અને અહીંથી ચાલ્યા જાઓ.’
‘હવે રાખ્ય, રાખ્ય, તેં તો બવ રોનક કરી, ખીમચંદ, માળા નાટકિયા કીધા એટલે હાંઉં. એને રાજાપાઠ સીધો મગજમાં જ ચડી જાય.’
‘એટલે તો તને આંયકળેથી પાછા તેડવા આવ્યા છીએ. આવા નાટકવેડા ભગનશેઠને ભલે શોભે. આપણને ગરીબ માણહને આવું ન પોહાય.’
‘કહું છું કે મારા સસરાનું અપમાન ન કરો,’ ખીમચંદે ગર્જના કરી. એમાં કાર્તિકેયનો કડપ ને કરડાકી હતાં.