ગ્રહાષ્ટક વત્તા એક/દુઃખદ આશ્ચર્ય વચ્ચે

વિકિસ્રોતમાંથી
← નાટકનું ચેટક ગ્રહાષ્ટક વત્તા એક
દુઃખદ આશ્ચર્ય વચ્ચે
ચુનીલાલ મડિયા
દીકરીએ દીવો રહેશે ? →








૨૦.
દુઃખદ આશ્ચર્ય વચ્ચે
 

સર ભગનની સ્થિતિ અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી હતી.

એક તરફ ગિરજો ગોર આ યજમાન દંપતીને ચંડીયજ્ઞ માટે પૂજામાં બેસવાની તાકીદ કરી રહ્યો હતા; બીજી બાજુ વખતચંદ વેવાઈ એમનો જીવ ખાઈ રહ્યા હતાઃ ‘લાવો મારો દીકરો !’

‘ક્યાંથી લાવું ?’

‘પાતાળ ફાડીને પણ મારા છોકરાને હાજર કરો, નહિતર થાશે જોયા જેવી.’ કાઠિયાવાડી વખતચંદ વેવાઈ કરડા અવાજે ધમકી આપતા હતા.

‘અરે, પણ મારી દીકરી જેવી દીકરી ખોવાઈ ગઈ એનું તો કાંઈ કહેતા નથી, ને “મારો છોકરો, મારો છોકરો”ની જ મોંપાટ લઈ બેઠા છો.’

‘તમારી છોકરીનું તમે જાણો. હું તો મારા છોકરાની વાત કરું છું એને પાછો હાજર કરો, નીકર થાશે જોવા જેવી, હા અમે જલાલપુર–બાદલાના રહેનારા છીએ, હા, કાંઈ કાચી માયા ન સમજશો.’

‘તમે ગમે એટલી ધમકી આપશો એ નકામી છે. હું આ બાબતમાં સાવ લાચાર છું.’

‘ધમકી ન આપીએ તો શું તમને ચોખા ચડાવીએ ! અમારો રતન જેવો છોકરો આજે હાથથી ગયો એનું કાંઈ નહિ ?’

‘પણ એમાં મારો જીવ શાના ખાવા બેઠા છો ?’

‘કેમ ભલા ? તમે તમારી છોકરીના બાપ છો કે કોણ છો?’

‘પણ એથી શું થયું ?’

‘ઈ તમારી છોકરીએ જ મારા જુવાનજોધ છોકરાને છૂમંતર કરી દીધો છે. કામરુદેશની કામિની જેવાં કોણ જાણે કેવાં કામણ કર્યાં છે, તી ભલી હશે તો તો મારા બાળાભેાળા ખીમાને પગે દોરો બાંધીને પોપટ જ બનાવી દીધો હશે.’

‘મારી દીકરી ઉપર આવા ગલીચ આક્ષેપો કરો છો ? હું તમારી ઉપર બદનક્ષીનો દાવો માંડીશ.’

‘હવે રાખો રાખો, ભગનશેઠ ! તમારા જેવા તા બહુ જોઈ નાખ્યા. દાવા માંડવાવાળાનાં ડાચાં જ નોખી ભાત્યનાં હોય.’

‘એમ કે ? દાવો માંડી બતાવું કે ! બોલાવું મારા બુચાજીને?’ કહીને સર ભગને હાક મારી : ‘સેવંતીલાલ !’

‘જી!’ કરતા સેવક સેવંતીલાલ આવી ઊભા.

‘બુચાજીને બોલાવો. ડેફેમેશનની નૈટિસ ડિક્ટેટ કરાવો.’

શેઠની આજ્ઞાનું સત્વર પાલન કરવાને બદલે સેવંતીલાલે એમના કાનમાં હળવેકથી ફૂંક મારી : ‘બુચાજી તો અત્યારે ‘ટિલ્લુ ! ટિલ્લુ !’ કરતો એવો તો તોફાને ચડ્યો છે કે માળીની ઓરડીમાં પૂરી દેવા પડ્યો છે.’

‘ઈ તમારા બુચાજી–ફુચાજી માર્યા ફરે. અમે કાયદા–કોરટથી કાંઈ ગભરાઈએ ઇ માંયલાં નથી, સમજ્યા ? આ તો જલાલપર–બાદલાનું પાણી છે.’ વખતચંદ વેવાઈએ સંભળાવ્યું.

ગિરજાએ પણ વિનંતી કરી:

‘શેઠ, આ કાવાદાવા ને કોરટ–કચેરી તો જીવતા રહો તો નિરાંતે કરજો ને. અત્યારે તો અષ્ટગ્રહીની ચિંતા કરો ને! મારે મહાપૂજા પહેલાં તમને ને જકલ શેઠાણીને સાંતક બેસાડવાં પડશે.’

‘સાંતક–બાંતક માર્યા ફરે, પહેલાં પરથમ મારા ખીમાને ચટ હાજર કરો.’ વખતચંદે ગર્જના કરી.

‘ખીમો કાંઈ મારા ખિસ્સામાં છે કે કાઢીને હાજર કરી દઉં ?’

‘ખિસ્સામાં નથી તો બીજે ક્યાં છે, ઇ ઝટ બોલી નાખો, નહિતર થાશે જોયા જેવી.’

‘હું પોતે જ અત્યારે મારા વિલનાં કાગળિયાં લેવા માટે તિલ્લુને શેાધું છું. મને જ ખબર નથી કે એ ક્યાં ચાલી ગઈ છે.’

‘તમારી છો।કરી તો ગઈ, પણ ભેગા મારા છોકરાને શા માટે લેતી ગઈ?’

‘રિહર્સલ માટે જ તો...’

‘શું?’

‘એના નાટકની રિહર્સલ માટે જ.'

‘પણ આ તો નાટકનું ચેટક કરી નાખ્યું એનું શું?’

‘એ માટે તમે જ જવાબદાર છો.’

‘કેમ ભલા ?’

‘તમે બધાએ મળીને એને રિહર્સલમાં ખલેલ શા માટે કરી? તમે લોકોએ એને શાંતિથી અહીં રિહર્સલ કરવા દીધી હોત તો એ શ્રીભવન છોડીને બહાર જાત જ નહિ.’

‘લ્યો સાંભળો સમાચાર! આ તો ચોર કોટવાળને દંડે એવો ઘાટ થયો.’

‘દંડીશ જ, હું તમને જ દંડીશ. મારી દીકરીને અહીંથી નસાડવા બદલ હું તમને જ જવાબદાર ગણું છું. સેવંતીલાલ, જાઓ, પોલીસ કમિશનરને ફોન કરો, ને આ આખીય જાનને લોક અપમાં પુરાવો.’

‘અમારો કાંઈ ગુનો ?’

‘મનુષ્યના અપહરણમાં મદદ કરવાનો.’

ગિરજો બોલ્યો : ‘શેઠ, અત્યારે ઘરણટાણે પોલીસનાં લફરાં કાં ઊભાં કરો છો ? આપણી પૂજા ખોટી થાય છે, અષ્ટગ્રહ યોગની તૈયારી જ છે.’

‘પણ એ પહેલાં મને વળગેલા આ નવમા ગ્રહનો નિકાલ કરી નાખવા દો.’ કહીને સર ભગન પોતે જ ફોન કરવા ચાલ્યા.

‘ઓમ્ સ્વાહા |’
‘ઓમ્ સ્વાહા !’
‘ઓમ્ સ્વાહા !’

યજ્ઞની વેદી ઉપર મંત્રોચ્ચાર થઈ રહ્યા છે. એક જમાનામાં બ્રિટિશ સરકારનું નાઈટહૂડ પામેલા અને સૂટેડબૂટેડ રહેનારા સર ભગન સંજોગવશાત્ ઉત્તરીય–ઉપરણાભેર બાજઠ પર બેઠા છે અને ગિરજા ગોરની ‘સમર્પયામિ’ સૂચના સાથે યજ્ઞની વેદીમાં સમર્પણ કરી રહ્યા છે.

સેંકડો બ્રહ્મર્ષિઓના મંત્રોચ્ચાર વડે શ્રીભવનનું વાયુમંડળ આંદોલિત થઈ રહ્યું છે.

ગ્રહાષ્ટક યોગની અનિષ્ટ અસરો નિવારવા માટે સર ભગને આદરેલો સહસ્રમહાયંડી યજ્ઞ પૂરજોશમાં જામ્યો છે, પણ યજ્ઞકર્તાના દિલને કરાર નથી. એમના અંતરમાં અનેકવિધ ઉચાટ છે. સાપના ભારા સમી પુત્રી પરણવાને બદલે નાટકનુ પાત્ર બનવાની હઠ લઈ બેઠી છે. એ પુત્રીના હાથની ઉમેદવારી માટે એક નહિ, બે નહિ, ત્રણ નહિ, પણ ચચ્ચાર ઉમેદવાર શ્રીભવનને આંગણે અડ્ડો લગાવીને પડ્યા છે. જે માણસ તિલ્લુને ભોળવી જઈને પરાણે જમાઈ બની બેસે એવો સર ભગનને ભય હતો, અને જેનો ભય નિવારવા એમણે એકથી વધારે ઉપાધિ વહોરેલી એ નટરાજ કંદર્પકુમાર હવે છેલ્લી ઘડીએ અવિવાહિત જ રહેવાનો હઠાગ્રહ કરીને અને નૃત્યકલા સિવાય કોઈને નહિ વરવાનો નિર્ધાર કરીને શ્રીભવનમાં “ઇન્દ્રવિજય” નૃત્યનાટકની રિહર્સલો અટકાવવા આંટા મારી રહ્યો હતેા. ‘મરી જઈશ, પણ એ નાટક ભજવવા નહિ જ દઉં,’ એવા એણે શપથ લીધા હતા, ‘કાર્તિકેયની ભૂમિકા મારા સિવાય જે કોઈ કરશે એનો જાન સલામત નહિ રહે,’ એવી ધમકી એ ઉચ્ચારી રહ્યા હતા.

પ્રકાશશેઠનો પુત્ર પ્રમોદકુમાર પણ તિલ્લુને પરણવાની લાલચે અહીં આવેલો, એ આખરે જાન સલામત રાખવા અને પોલીસના વૉરન્ટને હાથતાળી આપવા અહીં શ્રીભવનમાં જ ભરાઈ રહ્યો હતો. એમને મધરાતે પકડવા આવેલી પોલીસ પણ અંધારામાં પ્રકાશશેઠ અને પ્રમોદકુમારને બદલે એક દાઢીધારી જ્યાતિષાચાર્ય અને એમના શિષ્યને પકડી ગઈ હતી, અને હવે પ્રતિષ્ઠા ખાતર એ ભૂલ સુધારવાની અને એ નિર્દોષ બ્રહ્મર્ષિઓને મુક્ત કરવાની ના પાડતી હતી. યજ્ઞદેવી ઉપર બેઠેલા સર ભગન આ ધરાર ઘરજમાઈ અને ઘરસસરાની જોડલીને સંભારી રંજ સાથે રમૂજ પણ અનુભવતા.

તિલ્લુને જોઈને મગજની સમતુલા ગુમાવી બેઠેલ બૅરિસ્ટર બુચાજી આજકાલ તોફાને ચડવાથી એને માળીની ઓરડીમાં પૂરી રાખવો પડ્યો હતો. એને શ્રીભવનની બહાર જવા દેવામાં સર ભગનને પેાતાની પ્રતિષ્ઠાનું તેમ જ ચક્રમ બૅરિસ્ટરના જાનનું જોખમ જણાતું હતું.

જલાલપર–બાદલાથી આવેલા જાનૈયાઓએ પણ વરરાજાહઠ પકડી હતી : ‘લાવો અમારો વરરાજો.’ પણ વરરાજા ખીમચંદને તો કાર્તિકેય તરીકેની ભૂમિકાની ડ્રેસ રિહર્સલ કરાવવા તિલ્લુ આખા નાટકનો રસાલો લઈને કોઈક અજાણ્યા સ્થળે ચાલી ગઈ હોવાથી સર ભગનની ચિંતા બેવડી બની ગઈ હતી. આ દરમિયાન ‘લાવો અમારો ખીમચંદ’, ‘લાવો. અમારો વરરાજા’, આવી હઠ પકડીને એવું તો ધાંધલ મચાવ્યું કે સર ભગને એ ત્રાસમાંથી છૂટવા પોલીસ બોલાવી અને આ જાનૈયાઓને બંગલામાંથી બહાર કાઢવાની વિનંતી કરી, પણ જાનૈયા બીજા કોઈ ગામના નહિ પણ જલાલપર–બાદલા જેવા પાણીવાળા ગામના હોવાથી ગામની નદીના પાણીની પ્રતિષ્ઠા જાળવવા એમણે બેઠો સત્યાગ્રહ શરૂ કર્યો અને શ્રીભવનમાંથી એક તસુ પણ ખસવાનો ઇનકાર કરેલો. અત્યારે યજ્ઞના “સ્વાહા ! સ્વાહા !” એવા સમર્પણના સૂત્રોચ્ચાર, અને બ્રહ્મર્ષિઓના મંત્રોચ્ચાર વચ્ચે પણ દૂરદૂર બેઠે સત્યાગ્રહ કરી રહેલા જાનૈયાઓના સત્યાગ્રહના સામૂહિક સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા હતા.

‘જલાલપર ઝિંદાબાદ !’

‘વખત વેરસી ઝિંદાબાદ !’

‘ઓમ્ સ્વાહા !’

‘ઓમ્ સ્વાહા !’

ચંડીયજ્ઞમાં ઘીની આહુતિ અપાતી રહી, વેદીની જ્વાળાઓ ઊંચી ને ઊંચી ચડતી રહી.

અષ્ટગ્રહ યોગ આગળ વધતો રહ્યો.

બ્રહ્મર્ષિઓ મંત્રોચ્ચાર કરતા રહ્યા, પણ સહુના પેટમાં એક ફડકો તો રમતો જ રહ્યો કે હમણાં પૃથ્વીનો પ્રલય થઈ જશે; અબઘડી જ વિમલ સરોવર ફાટશે ને ધરતી પર જળબંબાકાર થઈ જશે.

શ્રીભવનનો દેખાવ કોઈ જંગી શહેર જેવો થઈ ગયો છે. સેંકડો બ્રહ્મપુત્રો ને હજારો દર્શાનાર્થીઓથી આ વસાહત ઊભરાઈ રહી છે. યજ્ઞનાં પુણ્યનો લાભ લઈને અષ્ટગ્રહીના તાપમાંથી ઊગરી જવાની લાલચે અહીં ભાવિક માણસોનું કીડિયારું ઊભરાઈ રહ્યું છે.

પતિની સંગાથે, સર ભગનની જોડાજોડ બાજઠ ઉપર બેઠેલાં લેડી જકલને અત્યારે તિલ્લુની ચિંતા નહોતી, વિમલસરની ઉપાધિ નહોતી, જલાલપરના જાનૈયાઓની વ્યાધિ પણ નહોતી, એમને તે અત્યારે એક જ ફિકર હતી: પોતાના જબરજસ્ત શ્વાનજૂથની. રખેને પૃથ્વીનો પ્રલય થાય તો એ પ્રાણપ્યારાં કૂતરાંઓના શા હાલ થાય એની ચિંતામાં એમનું ચિત્ત યજ્ઞવિધિમાં પણ ચોંટતું નહોતું.

‘ઓમ્ સ્વાહા !’

‘ઓમ્ સ્વાહા !’

યજ્ઞવિધિમાં રાત પડી.

આખું શ્રીભવન વીજળીની ઝાકઝમાળ રોશનીથી ઇન્દ્રાપુરી સમું શોભી રહ્યું.

અષ્ટગ્રહીનો દિવસ તો હવે આથમી ગયો છતાં હજી સુધી જ્યોતિષીઓની આગાહી મુજબનો કશો ઉલ્કાપાત થયો નહિ તેથી સહુ સુખદને બદલે દુઃખદ આશ્ચર્ય અનુભવી રહ્યા.

સર ભગનને પણ ઘડીભર તો થયું કે આ તો મેં નાહક ગભરાઈ જઈને આ સહસ્ત્રચંડી યજ્ઞ આણ્યો. ગિરજા ગોરે મને મફતનો ગભરાવી માર્યો, અને આ ખરચના ખાડામાં ઉતારી દીધો. યજ્ઞકુંડના ખાડા તરફ ઉદાસી નજરે નિહાળતાં સર ભગન પોતે કરી નાખેલા આંધળા ખર્ચનો અંદાજ આંકી રહ્યા.

આ તો હું નાહક મૂર્ખ બની ગયો, અને નાણાની બરબાદી કરી બેઠો કે શું, એવો સર ભગનને વસવસો થઈ રહ્યો હતો ત્યાં જ એકાએક આખા યજ્ઞમંડપમાં અધારું ઘોર થઈ ગયું.

ચારે બાજુથી ગભરામણની ચિચિયારી ઊઠી.