લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/દીકરીએ દીવો રહેશે ?

વિકિસ્રોતમાંથી
← દુઃખદ આશ્ચર્ય વચ્ચે ગ્રહાષ્ટક વત્તા એક
દીકરીએ દીવો રહેશે ?
ચુનીલાલ મડિયા
ચોથું મંગળ →








૨૧.
દીકરીએ દીવો રહેશે ?
 

‘પ્રલય શરૂ થઈ ગયો કે શું?’

‘કે પછી વિમલ તળાવ ફાટ્યું ?’

‘ભાગો, ભાગો...મારી નાખ્યા...મારી નાખ્યા...’

આંખના પલકારામાં જ એ બની ગયું. ઇન્દ્રાપુરી જેવી રોશની એકાએક બુઝાઈ જતાં એ માનવમેદની મૂંઝાઈ ગઈ. આમેય, સહસ્ત્રચંડી યજ્ઞનાં દર્શને આવેલાં એ ભોળુડાં ને ભયગ્રસ્ત લોકો અજ્ઞાનતિમિરમાં તો અટવાતાં જ હતાં. અત્યારે વીજળીનો પ્રકાશ પણ બુઝાઈ જતાં એ અંધશ્રદ્ધાળુઓ વિશેષ આંધળાં બનીને આમથી તેમ અટવાવા લાગ્યાં.

‘આનું નામ જ અષ્ટગ્રહીનો શાસ્ત્રકથિત ઉલ્કાપાત.’

'શાસ્ત્રવચન મિથ્યા થાય જ કેમ? મોડેમોડે પણ પરચો થયો ખરો.’

‘અલ્લાને ઘેર દેર છે, પણ અંધેર તો નથી જ.’

‘એટલે જ તો અહીં અંધારું ઘોર થઈ ગયું ને!’

આખા શ્રીભવનમાં આ યજ્ઞવેદીની જ્વાળાઓ સિવાય બીજે ક્યાંય પ્રકાશનું નામ જ ન રહ્યું. એ સાર્વત્રિક અંધકાર વચ્ચે યજ્ઞવેદીની લબકારા લેતી લાલચોળ જ્વાળાઓ વધારે બિહામણી બની રહી. ઊંડાઊંડા નર્કાગારમાં યમરાજ નૃત્ય કરી રહ્યા હોય એવો એ ભયપ્રેરક દેખાવ હતો.

સર ભગન થોડી ક્ષણ એવા તો સ્તબ્ધ બની ગયા કે ભયસૂચક પોકાર કરવાનાય એમને હોશ ન રહ્યા. આ અણધાર્યા અંધકારથી તેઓ એવા તો હેબતાઈ ગયેલા કે રાબેતા મુજબ પોતાના ઈષ્ટ દેવનું સ્મરણ કરવાનું ય એમને ન સૂઝ્યું. એ હેબત પૂરી થયા પછી જ એમના મોંમાંથી માંડમાંડ શબ્દો નીકળી શક્યા :

‘મેઈન સ્વિચનો ફ્યુઝ ગયો લાગે છે, ઇલેક્ટ્રિશિયનને બોલાવો.’

પણ વીજળીના મિકેનિકને બોલાવે કોણ ? અંધકારમાં જે ભાગાભાગ ને નાસાનાસ મચી ગઈ, એમાં સહુ પોતપોતાનો જીવ વહાલો ગણતા હતા. સર ભગનના હુકમનું પાલન કરવા કરતાં અહીંથી પલાયન થવામાં જ સહુ સેવકોને સલામતી જણાતી હતી.

આ અરાજકતા જોઈને સર ભગન વધારે ચિડાયા, બત્તીનો ફ્યુઝ સમરાવવા માટે મિકેનિકને પણ કોઈ બોલાવતા નથી, એ જોઈને એમણે પોતાના મંત્રીને બૂમ પાડી : ‘સેવંતીલાલ !’

પણ આજન્મ સેવક સેવંતીલાલ પણ અત્યારે શેઠની તહેનાતમાં રહેવાને બદલે સલામતી શોધવા આઘાપાછા થઈ ગયા હતા.

‘સેવંતીલાલ !’ શેઠે લગભગ ચીસ પાડી.

આડે દિવસે શેઠના અરધા બોલ ઉપર એકથી એકવીસ સેવકો ખડે પગે ઊભા રહી જતા ત્યાં અત્યારે એમના પોકારનો ઉત્તર આપનાર પણ કોઈ નહોતું.

‘ગુરુચરન !’

‘રામશરન !’

સર ભગન સેવકોનાં નામ પોકારી રહ્યા, પણ સામેથી કોઈએ ‘જી, હજૂર !’ કે ‘આવ્યો, શેઠ સાહેબ' કે ‘ફરમાવેા હુકમ’ જેવો પડઘો જ પાડ્યો નહિ.

આ અણધાર્યા અંધકારથી ઘાંઘાં થઈ ગયેલાં લેડી જકલે પણ પતિને સહાય કરવા નોકરોનાં નામો પોકારવા માંડ્યાં :

‘જદુનાથ !’

શ્રીભવનના જૂનામાં જૂના પહેરેગીરે અત્યારે પોકાર સાંભળ્યો. નહોતો. કદાચ એ વફાદાર સેવક દરવાજાની ‘ડ્યુટી’ છોડીને અહીં આવતાં અચકાતો હશે, એમ સમજીને એમણે કૂતરાં–માસ્તરને હાક મારી જોઈઃ ‘ખાનખાનાન !’

પણ ખાનખાનાનનો દિવસ ફર્યો હોય તો જ હોંકારો આપે ને!

દરમિયાન હરઘડીએ બુમરાણ વધતું જતું હતું. અફાટ જનમેદનીની ધક્કામુક્કી ચાલતી હતી. એ નાસભાગમાં એવી તો ધમાચકડી મચી ગઈ હતી કે અંધારામાં માણસો પડતાંઆખડતાં કચડાવા લાગ્યાં હતાં. બાળકો અને વૃદ્ધોની કરુણ ચીસો વારેવારે સંભળાતી હતી. એ ઉપરથી સમજાતું હતું કે આ આંધળી નાસભાગમાં ડોસાંડગરાં ને બાળકોનો કચ્ચરધાણ નીકળી રહ્યો છે.

અંધારામાં સર ભગનને કશું દેખાતું નહોતું, પણ ભયંકર ગોકીરો અને તીણી ચીસો ઉપરથી એમને ખાતરી થઈ ગઈ કે અત્યારે આ અંધાધૂંધીમાં જીવતાં જીવોને સોથ વળી રહ્યો છે. જીવની સલામતી શોધવાની ઘાઈમાં ને ઘાઈમાં એ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. જાણે કે ગેબીમાંથી ઊઠતી હોય એવી એ ટોળામાં કચડાતાં માણસોની મરણચીસો કાળજું કમ્પાવી મૂકે એવી હતી. એ સાંભળીને ભગનને થયું કે આ સહસ્ત્રચંડીયજ્ઞનું પુણ્ય તો મને મળવાનું હશે ત્યારે મળશે, પણ મારે આંગણે થઈ રહેલી આ નિર્દોષ માનવીઓની હત્યાનું પાતક તો મારે માથે ચડશે જ. એથી, અકળાઈ ઊઠીને એમણે કુળગોરને જ બૂમ પાડીઃ

‘ગિરજા, અરે ઓ ગિરજા !’

પણ ગિરજો કાંઈ ગાફેલ નહોતો કે આવી જીવનમરણની આફતટાણે પોતાના યજમાનની તહેનાતમાં ઊભો રહે. એ તો, શ્રીભવનમાં લાઈટ ગયું અને અંધારપટ પથરાયો એ ઘડીએ જ, આ તો અષ્ટગ્રહીનો પ્રલય આવ્યો એમ સમજીને દાનદક્ષિણાની પણ રાહ જોયા વિના કે યજ્ઞમાં બીડું પણ હોમાવ્યા વિના રફુચક્કર ચક્કર થઈ ગયો હતો.

અરે, જે કુલગોરની સૂચનાથી મેં આ યજ્ઞ યોજ્યો, અને જેને પરિણામે આ આફત ઊભી થઈ, એ માણસ પોતે પણ મંત્રો ભણતોભણતો એકાએક અલોપ થઈ ગયો છે, એમ જાણીને સર ભગનને એવી તો ચીડ ચડી કે આખરે તેમણે જોશીલી ને જોમવંતી શુદ્ધ કાઠિયાવાડી બોલીમાં પોકાર પાડ્યો :

‘એલા એય ગિરજા ! માળા નખેદ, કિયાં ગુડાણો છો ?’

‘અરરર શેઠજી !’ સાંભળીને એક બ્રહ્મપુત્ર અંધારામાં પણ ફરિયાદ કરી રહ્યો : ‘તમારા યજ્ઞના અધિષ્ઠાતા પ્રત્યે આવો તુચ્છકાર દાખવો છો ? આ યજ્ઞનું પુણ્ય–ફળ ચાલ્યું જશે.’

‘પુણ્યફળ ગયું જાહન્નમમાં. અત્યારે તો એનાં પાપનાં જ આ ફળ ભોગવું છું.’

સર ભગન તો ગભરાટમાં ને ગભરાટમાં બગીચાના માળીથી માંડીને રસોડાના મહારાજ સુધીના નોકરોને પોકારી રહ્યા, પણ અત્યારે કોણ એવો મૂર્ખ હોય કે જીવનું જોખમ ખેડીને શેઠની સેવામાં હાજર થાય ?’

‘અલ્યાઓ, કોઈ તો મેન-સ્વિચનો ફ્યુઝ બંધાવો, તો અહીં અજવાળું થાય.’

લેડી જકલ પણ બૂમો પાડતાં રહ્યાં, સર ભગતનાં આદર્શ અર્ધાંગના તરીકે તેઓ પતિની પડખોપડખ ઊભાં રહ્યાં.

તેથી જ આખરે તરણોપાય તરીકે સર ભગન પોતે જ વીજળીના સ્વિચબૉર્ડ તરફ ધસી જવા તૈયાર થયા ત્યારે લેડી જકલે એમને વાર્યાં: ‘નથી જાવું આવા કાળાઘોર અંધારામાં.’

‘પણ ફ્યુઝ નવો બંધાવુ તો લાઈટ ચાલુ થાય.’

‘પણ જશો કેમ કરીને ? પ્હણે માથે માથું તો સૂઝતું નથી.’

‘એટલે જ હું એનો ઉપાય કરાવવા માગું છું.’

‘પણ અહીં તલપૂર જગ્યા તો છે નહિ. માથે થાળી ફેંકીએ તો અધ્ધર ને અધ્ધર રહી જાય એવા મામલો છે, આમાં તમે મારગ કરશો કેમ કરીને?’

પતિ–પત્ની આમ વાર્તા કરતાં હતાં એવામાં વધારે ચીચિયો ઊઠ્યો. ધક્કામુક્કી જોડે કશીક મારપીટ થતી હોય એમ લાગ્યું. સામટી ભયસૂચક ચીસો ઉપરથી લાગતું હતું કે લોકો ઉપર કશુંક વીતી રહ્યુ છે. સામૂહિક લાઠીમાર થતો હોય એવો એ અનુભવ હતો.

સર ભગનની બુદ્ધિ બહેર મારી ગઈ. આમેય અંધારામાં એમને કશું સુઝતું નહોતું. પણ પોતાને આંગણે આકસ્મિક જ સરજાઈ રહેલા આ મૃત્યુકાંડથી તો તેઓ માનસિક રીતે પણ દિશાશૂન્ય બની ગયા.

‘અરે, કોઈ રીતે અજવાળું તો કરો!’ સર ભગન આર્દ્ર અવાજે પોકારી રહ્યા.

યજ્ઞવેદીની જ્ળાઓ પણ નવું ‘ઓમ્ સ્વાહા’ બંધ થયા પછી ઓસરી ગઈ હતી. લેડી જકલને યાદ આવ્યું કે બળતામાં ઘી હોમીએ તા ભડકા થાય અને ભડકામાંથી પ્રકાશ પણ પેદા થાય. તેથી જ એમણે સુચવ્યું :

‘અરે, આ તે શો ગજબ! શ્રીભવનમાં સો મણ ઘીએ અંધારું ? ક્યાં ગયા પેલા ઘીના હજારો ગાડવા? માંડો હોમવા.’

સર ભગનને આ સૂચન સાંભળીને નિરાશાના તેમજ સાચા ઘોર અંધકારમાં આશાકિરણ દેખાયુ. કોણે કહ્યું કે સ્ત્રીની બુદ્ધિ પાનીએ હોય છે ? તુરત એમણે લેડી જકલના સૂચનનું સમર્થન કર્યું.

‘અરે, બ્રહ્મદેવો, ઊભા છો શું મોઢું વકાસીને ? ને પેલા ગાડવા ઊંચકીઊંચકીને ઘી અહીં રેડવા માંડો, તો જરા અજવાળું થાય.’

‘એ ગાડવા તેા ક્યારના ઊંચકાઈ ગયા છે, શેઠ !’

‘હેં ! ઊંચકાઈને ક્યાં ગયા?’

‘એના જવાને ઠેકાણે. ઘણાય લોકોની નજર એ ગાડવા ઉપર હતી. એમણે એ ઘર ભેગા કરી દીધા.’

આ સાંભળીને સર ભગનને બીજી એક વાતની ચિંતા પેઠી : આ જબરી માનવમેદની અહીં લૂંટફાટને રવાડે ચડશે તો ? શ્રીભવનના બંગલામાં જ પેસી જશે તો?

પણ તુરત સર ભગનને થયું કે મિલકતની રક્ષા કરતાં અત્યારે તો દેહની રક્ષા વધારે તાકીદની ગણાય. જાન બચ ગઈ લાખો પાયે, એ સૂત્ર સંભારીને તે સલામતીની શોધમાં લાગી ગયા. શિર સલામત તે પઘડિયાં બહોત એમ સમજીને તેઓ આ ઘમસાણમાં શિર શી રીતે સલામત રાખવું એની જ ચિંતા સેવી રહ્યા.

એમણે જોઈ લીધું કે આ અથડામણમાંથી હેમખેમ ઊગરવું મુશ્કેલ છે. અને જ્યાં સુધી અજવાળું થાય નહિ ત્યાં સુધી આ અથડામણ અટકે એમ નથી. પણ આ ઘમસાણમાં અજવાળું થાય પણ કેમ કરીને ? યજ્ઞનિમિત્તે યોજાયેલી રોશનીમાં વીજળી પ્રવાહના બેહદ દબાણાને લઈને યુઝ ઊડી ગયો, પણ એ ઓગળી ગયેલો તાર ફરી બાંધવાનું કામ તો બે જ મિનિટનું, પણ એ કરે કોણ ? આ ગાંડાતૂર માનવમહેરામણને એ સૂઝે શી રીતે?

લોકો તો અત્યારે એક જ ચિંતામાં હતા. અષ્ટગ્રહ યોગની આફત શરૂ થઈ ગઈ છે, કેમ કે, ગ્રહણ ઘેરાવા માંડ્યું છે. આ દેશમાં ભલે ને ગ્રહણ ન દેખાય, પણ દુનિયામાં બીજે સ્થળોએ ગ્રહણ થાય એની અસર આપણા ઉપર થયા વિના રહે?

‘એ ગ્રહણનો વેધ શરૂ થયો હશે. અને અહી આપણું વિમળ તળાવ ફાટ્યું હશે.’

ગભરાટમાં બેફામ નાસભાગ કરતાં લોકો એમ જ સમજી ગયાં હતાં કે વિમળ તૂટી ગયુ છે અને એનાં પાણી અહીં આવી રહ્યાં છે.

‘હમણાં જ બધે જળબંબાકાર થઈ જશે અને આપણે જીવતાં જ ડૂબી મરીશું.’

‘બ્રહ્મપુત્રોની વાણી મિથ્યા થાય જ કેમ કરીને ? સહુ કહેતા હતા કે અષ્ટગ્રહ યોગમાં વિમલ તળાવ ફાટશે જ.’

‘પણ આ તો હવે આભ ફાટ્યું એવો ઘાટ થયો છે. જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ જેવુ થઈ જવાનું. આમાંથી હવે ઊગરવું કેમ કરીને?’

‘શ્રીભવનમાંથી ઝટપટ બહાર નીકળીને રામટેકરી ઉપર ચડી જઈએ તો ત્યાં તળાવનાં પાણી નહિ પહોંચે.’

‘પણ અહીંથી બહાર નિકળાશે જ કેમ કરીને ? અહીં જ દટ્ટણ સો પટ્ટણ જેવું થઈ જવાનું છે.’

અને એ વાત સાચી હતી. જીવ બચાવવા મરણિયા થઈને આમતેમ નાસાનાસ કરનારાઓ વાસ્તવમાં તો, શ્રીભવનમાં જ આંધળા પાડાની જેમ ઘૂમી રહ્યા હતા. વીજળીનો પ્રવાહ બધ થતાં જ હેબતાઈ જઈને હુડુડુ કરતાં ઊઠેલાં લોકો બહાર નીકળવાની મથામણમાં એક વિરાટ હમચી ખૂંદી રહ્યાં હતાં. ગુરખો ગુરુચરન જ્યાં આઠેય પહોર ઊંઘતો-જાગતો બેસી રહેતો, એ શ્રીભવનના સિંહદ્વાર સમો દરવાજો ક્યાં આવ્યો એ જ અત્યારે અંધકારમાં કોઈને સમજાતું નહોતું. દસવીસ કે સો-બસો માણસો નહિ પણ આખો જનસમૂહ અત્યારે ધક્કે ચડ્યો હતો. કોઈ મનફાવતી દિશામાં આગળ વધી શકે એમ જ નહોતાં. એ તો, પાછળથી ધક્કો લાગે એ રીતે જ આગળ ધકેલાતાં હતાં. ઊંડા કૂવામાં ઊડતાં આંધળાં ચામાચીડિયાં આમથી તેમ, કૂવાની દીવાલ જોડે અથડાયા કરે એ ઢબે આ જનમેદની અહીંથી તહીં અથડાઈ રહી હતી.

મેદાનના કોઈ ચોક્કસ ખૂણામાંથી વારેવારે કરુણ તીણી ચીસો ઊઠ્યા જ કરતી હતી. મનુષ્યની એ અંતિમ મરણચીસોનું પ્રમાણ હવે વધતું જતું હતું. એ ચીસો પોતે જ આ ગભરાયેલી મેદનીને વધારે ગભરાવવાનું કામ કરતી હતી. આ સામૂહિક મરણચીસો પાછળ અષ્ટગ્રહીનો જ હાથ છે એ બાબતમાં કોઈને લવલેશ શંકા રહી નથી.

આ અણધાર્યો ઉલ્કાપાત નિહાળીને અંધકારમાં પણ સર ભગનની આંખે અધારાં આવી રહ્યાં હતાં. એકાએક એમણે લેડી જકલને ફરિયાદ કરી કે આપણને–માબાપને–આવી આફતમાં મૂકીને તિલ્લુ નાટકમાં રિહર્સલ કરવા ચાલી ગઈ.

‘એ ચાલી ગઈ એટલી નસીબદાર.’

‘કેમ ?’

‘આ આફતમાંથી ઊગરી જશે.’

‘કેવી સિલી વાત કરો છો લેડી જકલ !’

‘સિલી નહિ, સાચી વાત કરું છું, રિહર્સલને બહાને તિલ્લુ ઘરમાંથી નાસી ગઈ, એટલી ઈશ્વરની આપણી ઉપર કૃપા સમજવી.’

‘કૃપા કે અવકૃપા ?’

‘કેમ ?’

‘એમ કે, આ ઘમસાણમાં આપણે બેઉ મરી પરવારીશું તોય આપણો વંશવેલો જીવતો રહેશે જ.’

‘આપણો વંશ ? ને એનો વળી વેલો ?’

‘હા, કેમ ? દીકરીએ પણ દીવો રહેશે.’

‘અરે, પેલો દીવો કેમ કરીને થયો ?’ સર ભગન બાઘામંડળની જેમ દૂરદૂર તાકી રહ્યા.

એમની નજર શ્રીભવનના બંગલાને બીજે માળે તિલ્લુના રિહર્સલરૂમ ઉપર ઠરી હતી. એ ઓરડાની સ્ટેઈનગ્લાસની બારીમાં એકાએક દીવાનો ઉજાસ દેખાયો હતો.

‘ફ્યુઝ ઊડી ગયો છે તો પછી તિલ્લુના રૂમમાં દીવો કેમ કરીને થયો હશે?’ સર ભગન તાજુબી અનુભવી રહ્યા.

‘આ અજવાળું ઇલેક્ટ્રીસિટીનું ન હોય.’

‘ત્યારે શાનું ?’

‘તેલના દીવાનું...સાચું કહું તો દીવીઓનું.’

‘પણ તિલ્લુ પાસે એવી દીવીઓ આવી ક્યાંથી ?’

‘એ. તા રોજ દીવીઓ પેટાવીને જ ડાન્સ કરે છે ને ? નટરાજ આગળ ઘીનો દીવા પેટાવ્યા વિના અલારિયું આગળ જ વધી ન શકે.’

‘તો તો આપણો દીકરીએય દીવો રહેશે ખરો.’