ગ્રહાષ્ટક વત્તા એક/ચોથું મંગળ

વિકિસ્રોતમાંથી
← દીકરીએ દીવો રહેશે ? ગ્રહાષ્ટક વત્તા એક
ચોથું મંગળ
ચુનીલાલ મડિયા
અંધકારનાં અંધારાં →







૨૨.
ચોથું મંગળ
 

‘ચોગમ પથરાયેલા અંધારપટમાં તિલ્લુના રિહર્સલરૂમનો એ દીવો સર ભગનને આશાકિરણ જેવો લાગ્યો ખરો. પણ એક ક્ષણ પૂરતો જ, બીજી જ ક્ષણે એ આશાકિરણ જાણે કે બુઝાઈ ગયું અને કોઈક ભયની લાગણી સંચારિત થઈ રહી. આવી આસમાની સુલતાની આફત વચ્ચે મારી એ એકલી–અટૂલી દીકરી શું કરતી હશે ? આ હાલાકીમાં એના શા હાલ થયા હશે ?

‘તિલ્લુ ! તિલ્લુ !’ નાનું બાળક પોતાનાં માતાપિતાને પોકારે એવી અસહાયતાથી સર ભગન પોકારે પાડી રહ્યા.

શ્રીભવનના પ્રાંગણમાં અત્યારે અનેકવિધ પોકારો ઊઠી રહ્યા હતા. અહીં ઉમટેલી માનમેદનીમાં અનેક યુગલ વિભક્ત થઈ ગયાં હતાં. સંખ્યાબંધ પત્નીઓ એમના પતિદેવોથી જુદી પડી ગઈ હતી. પુત્ર-પુત્રીઓ એમનાં માબાપથી વિખૂટાં થઈ ગયાં હતાં. આ સહુ લોકો પોતપોતાનાં આપ્તજનો માટે પોકાર પાડી જ રહ્યાં હતાં. એ બૂમાબૂમમાં વળી કચડાતા–પિટાતાં માણસોની ચીસાચીસો ઉમેરાતી હતી. પરિણામે આ સામટા કોલાહલમાં સર ભગનની બૂમ દટાઈ જતી હતી. તેથી તે તેઓ બમણા આવેશથી બૂમ પાડી રહ્યા હતા.

‘તિલ્લુ ! તિલ્લુ’

જે યજ્ઞવેદી પરથી થોડી વાર પહેલાં ‘ઓમ્ સ્વાહા ! ઓમ્ સ્વાહા !’ના શબ્દોચાર ગુંજી રહ્યા હતા ત્યાં હવે ‘તિલ્લુ ! તિલ્લુ !’ એવા આર્તનાદ ઊઠી રહ્યા.

‘બૂમો ન પાડો,’ લેડી જકલે કહ્યું. ‘ચાલો, આપણે જ તિલ્લુ પાસે પહોંચી જઈએ.’

‘પણ કેવી રીતે પહોંચીએ ? મને તો અહીં રસ્તો જ સુઝતો નથી.’

‘એ તો તમને માઈનસ ટ્રવેલ્વનાં ચશ્માં છે, એટલે. ચાલો તમે મારી પાછળ પાછળ આવી પહોંચો.’ કહીને પત્નીએ પતિને હાથ ઝીલ્યો.

શહેરની શેરીઓ અને પોળોમાં અંધભિક્ષુકો ‘હરિ રામ લીલા રે ભગવાન લીલા’ ગાતાં ગાતાં ચાલે છે એ જ દેખાવ થઈ રહ્યો. લેડી જકલ મોખરે ચાલીને પતિને પોતાની પાછળ પાછળ દોરી રહ્યાં.

પણ આ હૈયેહૈયું દળાય એવી ભીડમાં બહુ ઝડપથી આગળ જઈ શકાય એમ નહોતું. ચારેય બાજુથી ધક્કા આવી રહ્યા હતા અને કુંભમેળામાં નાગા બાવાઓને નિહાળીને હાથીઓ ગાંડા થયા હોય એવી ગભરામણ ફેલાઈ ગઈ હતી. પરિણામે સબળાં લોકો નબળાં લોકોને કચડીને પણ પોતાનો જીવ બચાવવા જે નાસભાગ કરતાં હતાં તેમાં આ યજમાન દંપતી પણ ધક્કે ચડી રહ્યાં હતાં.

પણ લેડી જકલ જરાય નિરાશ ન થયાં. કાળા ડીબાણ અંધકારમાં તિલ્લુના રિહર્સલરૂમના દીવાને ધ્રુવતારક ગણીને આ માનવમહેરામણ વચ્ચેથી એમણે માર્ગ કરવા માંડ્યો. પોતે આડાંઅવળાં ધકકે ચડી જતાં હતાં, છતાં વર્ષો પહેલાં લગ્નમંડપમાં પોતે ઝાલેલો એ સર ભગનનો હાથ તેઓ છોડતાં નહોતાં.

અંધારામાં એકાએક એમને અનુભવ થયો કે અમે અત્યારે કશાક ઊંચા ચડાણ પર ચડી રહ્યાં છીએ. એમને નવાઈ લાગી. આ તો મારા બેડમિંટન અને ટૅનિસ કોર્ટની જગ્યા છે. અહીં સાવ સપાટ ને સમથળ મેદાનમાં આ ઊંચું ચડાણ ક્યાંથી આવી ગયું ? પણ એમના પગ તળે કશુંક સળવળતું જણાયું અને એ સળવળતો પદાર્થ કણસતો સંભળાય ત્યારે જ એમને સમજાયું કે આ તો ધક્કામુક્કીમાં પટકાઈ પડેલાં ને કચડાઈ ગયેલાં માણસો અહીં પડ્યાં છે, અને એમની લોથોએ જ આ સપાટ મેદાનમાં આવું ઊંચું ચડાણ ઊભું કર્યું છે.

લેડી જકલ તો કમ્પી ઉઠ્યાં : અરરરર ! આ જીવતાં ને મરેલાંનાં મુડદાંને કચડવાં પડે છે !… પણ તેઓ અસહાય હતાં. તેઓ ધારે તોપણ આ ચડાણ હવે ટાળી શકે એમ નહોતાં. એક વાર જનમેદનીને ધક્કે ચડ્યા પછી ગતિ કે પ્રગતિનો દિશાદોર એમના હાથમાં રહ્યો નહોતો. સદ્‌ભાગ્યે મોટા ભાગની મેદની બંગલામાંથી બહાર નીકળવા મથતી હતી, તેથી આ ધક્કામુક્કી અને ધસારાનું વહેણ બંગલાના મુખ્ય દરવાજાની દિશામાં હતું અને તેથી આ યજમાન દંપતી પણ અનાયાસે જ તિલ્લુના રિહર્સલરૂમ ભણી ધકેલાઈ રહ્યાં હતાં, એટલું વળી આ આફતમાં આશ્વાસન હતું.

શ્રીમતી જકલ, લેડી જકલ બન્યા પછી જિંદગીમાં અત્યારે પહેલી જ વાર અડવાણે પગે ચાલી રહ્યાં હતાં. યજ્ઞવિધિમાં બેસવા માટે પણ તેઓ મજાનાં શેમૉય લેધરનાં સુંદર શુઝ પહેરીને આવેલાં પણ ગિરજા ગોરના સૂચનને માન આપીને બાજઠ પર બેસતાં પહેલાં એમણે એ પગરખાં બાજુ પર ઉતારી નાખેલાં. અત્યારે અડવાણા પગે ચાલવાનું એમને ફાવતું તો નહોતું જ. વારંવાર પગ મોચવાતો જતો હતો. પણ પોતાની આજુબાજુનાં તેમ જ પગ નીચેનાં માણસો મરણશરણ થઈ રહ્યાં હતાં. એ જોઈને તેઓ પગની મોચની વેદના વીસરી જઈને આગળ વધી રહ્યાં હતાં. ગુમરાહ જહાજ દીવાદાંડી જોઈને પોતાનો પંથ કાપે એ ઢબે લેડી જકલ પણ તિલ્લુના રિહર્સલરૂમનો દીવો જોઈને આ મુડદાંઓ વચ્ચેથી માર્ગ કરી રહ્યાં હતાં.

‘હજી કેટલું દૂર છે ?’ થોડીથોડી વારે સર ભગન પૂછી ૨હ્યા હતા.

‘હજી તો આપણે અરધે રસ્તે માંડ પહોંચ્યાં. હજુ તો માળીની ઓરડી સુધી આવ્યાં.’

સર ભગનને નવાઈ લાગી કે ક્યારનો હું લેડી જકલનો હાથ ઝાલીને ચાલચાલ કરી રહ્યો છું, છતાં માળીની ઓરડી સુધી જ આવી શક્યો ? પણ એમને ક્યાં ખબર હતી, કે જનમેદની જોડે પોતે પણ અત્યારે ચકરાવે જ ચડી ગયાં છે ? ગતિ ગમે એટલી થયા કરે, પણ પ્રગતિ તો નજીવી જ થાય. આ હમચી ખૂંદવા જેવા અનુભવથી સર ભગન બહુ થાકી ગયા. કેડીલેકમાંથી ઊતરીને અટલું બધું પગપાળા ચાલવાનો એમને આ પહેલો જ અનુભવ હતો. આથી પગનાં તળિયાંમાં આંટણ પડી જશે કે શું એવો એમને ભય લાગતો હતો. પણ અત્યારે આ અથડાઅથડીમાં જીવતાં રહેવું હોય તો આ પગપાળી મજલ કરીને પણ સામેના મકાનમાં પહોંચી જવામાં જ માલ છે, એ સમજાતાં એમને વાર ન લાગી. તેથી જ, તેઓ લેડી જકલને કહી રહ્યા :

‘હવે જલદી ચાલો, જલદી ચાલો. બિચારી તિલ્લુ આપણી ચિંતા કરતી હશે.’

‘એ તો એવી સાજા કાળજાની છે કે આપણી કોઈની ચિંતા કરે એમ નથી. ચિંતા તો મને એની થાય છે.’

‘શી ?’

‘પેલા ખીમચંદમાં મોહી પડી છે એથી જ તો વળી. એને નાટકમાં કાર્તિકેય બનાવ્યો છે ત્યારથી એનું મગજ ઠેકાણે નથી.’

‘એમાં એનો બહુ વાંક નથી, લેડી જકલ.’

‘કેમ ?’

‘એણે પહેલી જ વાર આવો હૃષ્ટપુષ્ટ જુવાન જોયો છે.’

‘હૃષ્ટપુષ્ટ ?’

‘ખીમચંદ ગમે તેવો તોય ખાધેપીધે તો સુખી રહ્યો ને ? વળી પાછો ગામડાનો માણસ. સાચાં ઘી–દૂધ ખાધેલાં, એટલે શરીરે તંદુરસ્ત જ લાગે.’

‘તંદુરસ્ત લાગે છે કે ભીમસેનના ભાઈ જેવો લાગે છે ?’

‘એ તો તમને એવું લાગે. બાકી તિલ્લુને તો એ કાર્તિકેયની ભૂમિકા માટે…’

‘મુઓ એ કાર્તિકેય.’

‘અરે, ઇન્દ્રના સેનાપતિને ગાળ દેવાય ?’

‘પણ આ ખીમચંદ ક્યાં સાચો સેનાપતિ છે ? આ બધું નાટક જ છે.’

‘આ નાટક જ નખોદ કાઢશે એમ લાગે છે.’

‘કેમ ?’

‘નાટકમાંથી ચેટક ન થાય તો મને કહેજો.’

માળીની ઝૂંપડી વળોટ્યા પછી ફરી પાછું ચડાણ આવ્યું. અહીં વધારે માણસોની લોથો ઢળી હોય એમ લાગ્યું. માનવશરીરોના એ ગંજમાંથી ઊંડેઊંડેથી આછા ઊંહકારા ઊઠતા હતા. એ ઉપરથી લાગતું હતું કે છેક તળિયે દટાયેલા કોઈ માણસના ખોળિયામાં હજી જીવ ૨હ્યો છે ખરો. પણ અત્યારે સહુ પોતપોતાના જીવ બચાવવા નાસભાગ કરે છે એમાં પણ કોને બચાવવા જાય ?

‘આપણા બંગલામાં આજે હજારો માણસની હત્યા થઈ ગઈ હશે.’

‘પણ એમાં આપણો શું વાંક ? આપણે થોડી એમની હત્યા કરી છે ? લાઈટ બંધ થયું એની જ આ મોકાણ.’

‘પણ આ હત્યાનું પાપ તો આપણે માથે ચડે ને ?’

‘હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે આ બંગલો ન લેશો. લાટસાહેબના વખતથી જ આ જગ્યા વહેમવાળી ગણાય છે.’

‘પણ અહીં આવીને તો આપણે સુખી થયાં. લાટસાહેબની સાયબી ને સરનો ખિતાબ પામ્યાં.’

‘હવે એ ખિતાબને શું ધોઈ પીવો છે ? લાટસાહેબો આ દેશમાંથી ગયા, પછી સર કે લેડી સામે કોઈ નજર પણ ક્યાં નાખે છે ? ઊલટાનું આ વહેમવાળા રહેઠાણમાં આ રામાયણ ઊભી થઈ.’

‘આ રામાયણ પેલા ગધેડા ગિરજાએ જ ઊભી કરાવી. એ હરામખોર મારા હાથમાં આવે તો એની ગળચી જ પીસી નાખીશ.’

‘ના, ના, જોજો આવું કાંઈ કરી બેસતા. આટલી બધી હત્યા ઉપર વધારાની એક બ્રહ્મહત્યા ચડશે.’

‘પણ હું તો આ મુડદાં ખૂંદીખૂંદીને વાજ આવી ગયો.’

‘હવે બહુ નહિ ખૂદવાં પડે. આપણે પોર્ચ પાસે આવી ગયાં છીએ.’ લેડી જકલે કહ્યું.

મોટી મેરેથોન રેઈસ પૂરી કરીને આવ્યાં હોય એમ પતિપત્ની પૉર્ચ નજીક પહોંચતાં હાંફી રહ્યાં હતાં. પણ અત્યારે શ્વાસ હેઠો મૂકવા જેટલો એમને સમય નહોતો. પુત્રીને મળવા અદ્ધર શ્વાસે જ તેઓ સીડી ચડી રહ્યાં, કેમકે વીજળી બંધ થતાં બંગલાનાં બધાં જ એલેવેટરો ખોટકાઈ ગયાં હતાં.

પગથિયાં ચડતાં એમણે રિહર્સલરૂમમાંથી વિચિત્ર અવાજ સાંભળ્યો, નૃત્યના તોડા કે મૃદંગની થાપીને બદલે મંત્રોચ્ચાર જેવો અવાજ આવતાં પતિપત્ની વિચારમાં પડી ગયાં.

‘આ તે શું ? અહીં પણ મંત્રો !’ યજ્ઞવેદી ઉપર ક્યારના મંત્રો સાંભળી સાંભળીને ત્રાસી ગયેલાં દંપતીને અહીં પણ એવો જ અવાજ જણાતાં કંટાળો આવ્યો.

પણ બીજી જ ક્ષણે સર ભગનને વહેમ આવ્યો. અહીં રિહર્સલરૂમમાં વળી મંત્રો શાના ? નૃત્યનાટકના રિહર્સલમાં વળી સપ્તપદી જેવો શબ્દોચ્ચાર ક્યાંથી ઊઠ્યો ? એમણે લેડી જકલને પૂછ્યું :

‘આ ઇન્દ્રવિજય નાટકમાં પરણવાનો સીન-બીન આવે છે ખરો ?’

‘આ તો લડાઈનું નાટક છે. ઈન્દ્રનો સેનાપતિ ખડ્‌ગ વીંઝ્યા કરે છે.’

‘તો પછી એમાં આવા સંસ્કૃતના શ્લોકો ક્યાંથી આવ્યા ?’

‘આ માત્ર નાટક નથી.’

‘ત્યારે ?’

‘નૃત્યનાટક છે.’

‘તેથી શું થયું ?’

‘એમાં લડાઈ પણ સાવ ધીમેધીમે, નાચતાં નાચતાં જ કરાય–નૃત્યના તોડા પ્રમાણે જ બધું થાય. નહિતર ભૂલ થઈ જાય.’

‘પણ એમાં ઇન્દ્રરાજ પરણતા હોય એવા સીન છે ખરો ?’

‘ના રે, ઇન્દ્રને પરણવાની જરૂર જ શી ? ઈન્દ્રાણી તો ઐરાવત હાથીની જેમ કાયમ માટે એક જ હોય. નવાનવા ઇન્દ્ર આવે ને જાય, પણ એની ઇન્દ્રાણી તો એક જ હોય. પછી એને પરણવાને પ્રશ્ન જ ક્યાં રહ્યો ?’

‘તો પછી ઇન્દ્રવિજયને બદલે સીતા સ્વયંવરની રિહર્સલ તે નહિ કરતાં હોય ને ?’

‘શા ઉપરથી કહો છો ?’

‘આ અવાજ મને કોઈક સપ્તપદીના શ્લોક જેવો સંભળાય છે.’

‘એ તો આપણે ક્યારનાં યજ્ઞવેદી ઉપર બેઠાં હતાં, એટલે ગિરજાના મંત્રોના તમને ભણકારા વાગતા હશે.’

આવું સ્વરચિત આશ્વાસન અનુભવતાં પતિ પત્ની સીડીનું છેલ્લું પગથિયું પૂરું કરીને તિલ્લુના રિહર્સલરૂમમાં પેઠાં તો સામેનું દૃશ્ય જોઈને લેડી જકલ તો મૂર્છિત થઈને ઢળી જ પડ્યાં. સર ભગને પોતાનાં માઈનસ બાર નંબરનાં ચશ્માં સાફ કરીને ફરી આંખે ચડાવી જોયાં, છતાં એમને દૃશ્યની વિગતોમાં કશો ફેરફાર જણાયો જ નહિ.

ખીમચંદ ખુમારીભેર ખભા પર ખાંડું મૂકીને ફેરા ફરતો હતો, એની પાછળ પાનેતર પહેરેલી તિલોત્તમા તણાતી હતી. ગિ૨જો ગોર મંત્રો ભણી રહ્યો હતો.

સર ભગને ત્રાડ મારીને પૂછ્યું :

‘ગિરજા, આ શું ચાલી રહ્યું છે ?’

‘શેઠ, ચોથું મંગળ વરતે છે.’

‘શાનું મંગળ વળી ?’

‘તિલ્લુબહેનના લગનનું.’

‘કોની સાથે ?’

‘આ વખત વેરસીના ખીમચંદ સાથે.’

‘શું બોલ્યો ?’

‘શેઠ, તિલ્લુબહેનનાં ઘરણપાણી એના ઘરમાં જ લખ્યાં હશે એ મિથ્યા કેમ થાય ?’

‘હરામખોર ! આમ કોઈનાં લગન કરાવી દેતાં શરમ નથી આવતી ?’

‘શેઠજી ! લગન ન કરાવું તો મને ગરીબ બ્રાહ્મણને દાપાંદખણાં ક્યાંથી મળે ?’

‘અરે ડૅમ યોર દાપાં ને ડૅમ યોર દક્ષિણા,’ શેઠે ગર્જના કરી, ‘આ લગન કહી નહિ થઈ શકે.’

‘હવે તો પૂરાં થઈ ગયાં, શેઠજી. આ ચોથું મંગળ પણ પૂરું થયું, લો !’

‘અરે મંગળ–બંગળ માર્યાં ફરે. આ ગામડિયા ગમારને હું મારી છોકરી કદી નહિ પરણાવું.’

તિલ્લુ બોલી : ‘પણ અમે તો પરણી ગયાં, પપ્પા !’

‘હું જોઈ લઈશ, આ વખત વેરસીનો છોકરો અહીંથી જીવતો બહાર કેમ નીકળી શકે છે.’

‘ક્ષેમુ !’ તિલ્લુએ ખીમચંદને સંકેત કર્યો. એને કાર્તિકેયની ભૂમિકા આપ્યા પછી તિલ્લુએ ખીમચંદના તદ્‌ભવમાંથી તત્સમ સુધી જઈને ‘ક્ષેમેન્દ્ર’ એવું સંસ્કૃતકરણ કરી નાખેલું.

એ સંસ્કૃતમય વહાલસોયું સંબોધન સાંભળતાં જ ખીમચંદ સંકેત સમજી ગયો અને કેડ પરના મ્યાનમાંથી તલવાર ખેંચીને ઊભો રહ્યો.

‘પપ્પા, આ સાચી તલવાર છે,’ તિલ્લુ સમજાવી રહી, ‘મારી સ્ટેજ પ્રોપર્ટી નથી.’

સર ભગનને પણ સમજાઈ ગયું કે આ હથિયાર લાકડા ઉપર રૂપેરી રોગાન લગાવેલું નહિ પગ જલાલપરના લુહારની કોઢમાં ગામની જ નદીનું પાણી પીધેલી સાચી ને તાતી તલવાર છે.

એ તીક્ષ્ણ હથિયારનો તાપ જોઈને જ સર ભગન એક ડગલું પાછા હઠી ગયા.