ગ્રહાષ્ટક વત્તા એક/અંધકારનાં અંધારાં
← ચોથું મંગળ | ગ્રહાષ્ટક વત્તા એક અંધકારનાં અંધારાં ચુનીલાલ મડિયા |
વેવાઈઓ અને વરઘોડિયાં → |
રિહર્સલરૂમમાં નાટકી નહિ પણ સાચેસાચો લગ્નવિધિ કરાવી રહેલ ગિરજા ઉપર સર ભગને દાઝ કાઢી :
‘અલ્યા ભામટા, મારું ખાઈને મારું જ ખોદવાનું સૂઝ્યું ?’
‘શું કરું ભાઈશાબ ! આ પાપિયું પેટ કરાવે વેઠ.’
‘અલ્યા, પણ આ ખીમચંદનો વિવાહ તો નીચના ગ્રહોનો સુટકો કરવા સારુ તેં કરાવ્યો હતો, એમાં અત્યારે આ ?’
‘સુટકાનો જ વિવાહ સાચો પડવાનું તિલ્લુબહેનની કુંડળીમાં લખ્યું હશે તે મિથ્યા કેમ થાય ?’
‘અલ્યા, પણ આવા જડભરત જોડે મારી છોકરી જીવતર કેમ કરીને કાઢશે ?’
‘શેઠ, એ તો મેં પણ તિલ્લુબહેનને ખાનગીમાં પૂછી જોયું હતું. પણ એણે તો મને ચોખ્ખું સંભળાવી દીધું કે…’
‘શું ?’
‘કે આવો શૂરવીર જુવાન પૃથ્વીના પટ ઉપર બીજો નહિ પાકે. પરણું તો ક્ષેમુને જ.’
‘હવે જોયો મોટો ક્ષેમુ. મોં પરથી માખ ઉડાડવા જેટલા તો એને હોશ નથી, ને નામ જુઓ તો ક્ષેમુ.’
‘શેઠ, આમાં તો રાણીને ગમ્યો એ રાજા. આપણા ગમા–અણગમા ચાલે જ નહિ.’
‘તિલ્લુનું તો મગજ ફરી ગયું છે. પણ અલ્યા ગિરજા, તેં તારી અક્કલ ક્યાં ઘરાણે મૂકી હતી તે આ લગ્નવિધિ કરાવવા આવી પહોંચ્યો ?’
‘ભાઈશાબ, બત્તી બુઝાઈ ગઈ, ને સહુ નાસભાગ કરવા લાગ્યા. એમાં હું ધક્કે ચડી ગયો. એવામાં ઓચિંતાની જ કોઈકે મારી ગળચી પકડી.
‘કોણે ?’
‘દૈવ જાણે. અંધારામાં કોઈ ઓળખાયું નહિ, પણ એણે ગળચી ઝાલીને મને અહીં હાજર કરી દીધો. ખીમચંદભાઈએ તલવાર ખેંચીને કીધું કે ઝટપટ લગ્નવિધિ પતાવી દે, નહિતર જનોઈવઢ વાઢી નાખીશ.’
‘આટલો જુલમ ! એ જંગલીને હું જોઈ લઈશ.’
‘શેઠજી, હવે જીભ કાબૂમાં રાખજો. ખીમચંદ ગમે એવો તોય હવે જમાઈ થયો ગણાય.’
‘નહિ ગણાય.’
‘કેમ ?’
‘હું એને જમાઈ તરીકે સ્વીકારીશ જ નહિ.’
‘એમ તે કાંઈ ચાલે ?’ જામાર્તા કદાચને ક–જામાર્તા થાય તેથી શ્વશુર કાંઈ ક–શ્વશુર થઈ શકે ?’
‘અરે ! પણ જલાલપર–બાદલાનો એ જંગલી વળી મારો જમાઈ શાનો ? સર ભગનની દીકરી એવા રોઝડાને પરણે તો તો થઈ રહ્યું ને ?’
‘હવે થઈ જ રહ્યું છે, શેઠ.’
‘શું ?’
‘ચોથું મંગળ પૂરું થઈ જ રહ્યું છે.’
‘અરે, એ તારાં મંગળ–બંગળ મારી પાસે માર્યાં ફરે. હું કોણ ? બ્રિટિશ જમાનાનો નાઈટ. એ જંગલીને જેલમાં ન નંખાવું તો મારું નામ સર ભગન નહિ.’
‘એને જેલમાં નહિ નખાવી શકો, સાહેબ.’
‘કેમ ? એણે મારી દીકરીને ભોળવી–ભરમાવીને ફસાવી છે.’
‘૫ણ તિલ્લુબહેન પુખ્ત ઉંમરનાં છે, એ હકીકત કેમ ભૂલી જાઓ છો ?’
‘ઉંમર–બુમ્મર માર્યાં ફરે. પેલી આખી જાનને જેલમાં ધકેલી દીધી, એમ આ જંગલીને પણ ઝાંઝરિયાં પહેરાવી દઈશ.’
‘શેઠજી, એ જાનૈયાઓને તો હવે તમારે જેલમાંથી છોડાવવા પડશે.’
‘નહિ, એમના ઉપર હું ગેરકાયદે ગૃહપ્રવેશનો દાવો માંડવાનો છું. ટ્રેસપાસ કાંઈ જેવોતેવો ગુનો નથી ગણાતો.’
‘પણ હવે તો એમને ગૃહપ્રવેશને બદલે વિદાયની વેળા આવી છે.’
‘એટલે ?’
‘તમારે તો એમને સહુને શીખ આપવી પડશે.’
‘સિલી !’
‘વખતચંદ વેવાઈને તમારે ભાવે કરીને ભેટવું પડશે.’
‘નૉનસેન્સ !’
‘શેઠ, હવે આ ઇંગરેજીમાં ગાળો દીધે કાંઈ નહિ વળે.’
‘ત્યારે શું કરવાથી વળશે ?’
‘હવે તો ભાંગ્યું ગાડે ઘાલો, ભલા થઈને, ને મારી દખણા…’
‘તને રાતી પાઈ પણ નહિ પરખાવું. તેં જ આ આપણી રામાયણ ઊભી કરી છે.’
‘ભાઈશાબ, હું ગરીબ બ્રાહ્મણ તો ચિઠ્ઠીનો ચાકર. તમે સોંપ્યું એ કામ કરી દીધું, એમ તિલ્લુબહેને ચીંધ્યું એ કામ પણ પતાવી દીધું.’
‘હરામખોર, તને પણ હું જેલમાં પુરાવીશ.’
‘શિવ શિવ શિવ !’
‘ગુરુચરન !’ સર ભગને ત્રાડ પાડી. પણ કશો ઉત્તર મળવાને બદલે જાણે ગેબમાંથી એ શબ્દ પડઘાઈને પાછો વળતો જણાયો : ‘ગુરુચરન !’
પોતે આ આફતમાં એવી તો અસહાયતા અનુભવતા હતા કે પોતાના રક્ષક સમા એ નેપાળી ગુરખા માટે તેઓ પોકાર પાડી રહ્યા :
‘ગુરુચરન !’
૫ણ શ્રીભવનના સિંહદ્વાર ઉપર સલામતીપૂર્વક નાસી છૂટવા માટે જે ધસારો થયો હતો એમાં ગુરચરનનો ક્યાંય પત્તો લાગે એમ નહોતો.
અંધારી ઘોર રાતે સર ભગન પોતાના બંગલાના પ્રવેશદ્વારની દિશામાં જોઈને પોકારી રહ્યા :
‘ગુરુચરન ! ઓ ગુરુચરન !’
કોઈક પરિચિતોએ શેઠનો આ પોકાર સાંભળ્યો. એમાંથી કોઈકે શેઠને સમાચાર આપ્યા:
‘દરવાજે બેસતા એ ગુરખાને બોલાવો છો ?’
‘હા.’
‘શેઠ, એ ગુરખો તો ક્યારનો મરી પરવાર્યો.’
‘કેવી રીતે ?’
‘આ નાસભાગ થઈ એમાં.’
‘પણ એમાં ગુરખો શી રીતે મરી પરવાર્યો ?’
'આ સહુ લોક અહીં અંધારામાં નાઠાં તે રઘવાટમાં ને રઘવાટમાં દરવાજે એવાં તો અથડાયાં કે એમાં એ ગરીબ બિચારો ગુરખો જીવતો દટાઈ મૂઓ.’
‘એને દાટી દેનારાઓને હું પ્રોસિક્યુટ કરીશ. જેલમાં પુરાવીશ. મારા ઘરમાં ઈલ્લીગલ ટ્રેસપાસ.’
‘ટિલ્લુ ! ટિલ્લુ !’
સર ભગનને કાને શબ્દ અથડાયા.
‘ડીઅર ટિલ્લુ !… ડીઅર ટિલ્લુ.’
‘અરે, આ બેવકૂફ બુચાજી ક્યાંથી બચી નીકળ્યો છે ?’ સર ભગન વિચારી રહ્યા.
એ માણસ ઉન્માદી અવસ્થામાં આમથી તેમ દોડતો હોય એમ લાગ્યું.
એક માણસે સર ભગનને ફરિયાદ કરી :
‘શેઠ, પેલો ‘ટિલ્લુ ! ટિલ્લુ !’ અવાજ સંભળાય છે ને, એ એક પારસી બાવાજી બૂમો પાડે છે.’
‘એ તો મગજમેટ છે.’
‘મગજમેટ કોણ જાણે, પણ એ મારકણો તો લાગે છે.’
‘કેમ, શા પરથી કહે છે ?’
‘આ અહીં દટ્ટણ સો પટ્ટણ જેવો દાટ વાળનાર એ ડોસો છે.’
‘એણે શું કર્યું ?’
‘એ હાથમાં લાંબો વાંસ લઈને માર્ગની વચ્ચે ઊભો છે ને અંધારામાં સામેથી આવનારના પગમાં એ વાંસની આંટી નાખીને ઉથલાવી પાડે છે. ખલાસ. એ ભોંયભેળાં થનાર માણસ પછી ફરી ઊભાં થઈ જ નથી શકતાં...એના ઉપર બીજા બધા કચડતાં-ગૂદતાં ચાલ્યા જાય છે, એ ડોસલાએ આવી તો કેટલીય લોથ ઢાળી નાખી.’
‘એ ડોસાની ડાગળી ચસકેલ છે.’
‘પણ એ ચસકેલ ડાગળીએ તો અહીં દાટ વાળી નાખ્યો.’
‘હું એને જેલમાં પુરાવીશ.’ સર ભગને તકિયા કલામ જેવું સૂત્ર ઉચ્ચારી નાખ્યું. આજે રાતે તેઓ જેને તેને જેલમાં પુરાવવાની જ ધમકી આપી રહ્યા હતા. જલાલપરના જાનૈયાઓને ગેરકાયદે ગૃહપ્રવેશના સબબસર જેલમાં નખાવ્યા પછી એમને આ ધમકી બહુ જીભે ચડી ગઈ હતી. ગિરજાશંકરને, ખીમચંદને, બુચાજીને સહુને તેઓ જેલમાં જ પુરાવવાની દાટી દેતા હતા.
સર ભગનને એક ભેદ નહોતો સમજાતો. બૅરિસ્ટર બુચાજીનું ભેજુંગેપ થઈ ગયું અને દવાખાનાની પરિચારિકાઓએ પણ એની સારવાર કરવાની ના પાડી ત્યારથી એને કૂતરાં-માસ્તર ખાનખાનાનના ક્વાર્ટર્સની પાછળની એક ઓરડીમાં પૂરી રાખવામાં આવતો હતો. એ ઓરડીમાં પરહેજ થયા પછી એ ‘ટિલ્લુ, ટિલ્લુ !’ એવી બૂમો પાડતો ત્યારે નજીકના શ્વાનગ્રહનાં કુરકુરિયાં ડાઉં ડાઉં ભસીને એને ઉત્તર આપતાં અને તેથી ખાનખાનાન તેમ જ લેડી જકલ બહુ રમૂજ અનુભવતાં. ભેજાગેબ બૅરિસ્ટરને પણ તેઓ પિંજરે પુરાયેલું પ્રાણીબાગનું જ કોઈ પ્રાણી ગણતાં. આ પરહેજ પ્રાણી મુક્ત બનીને મારકણું શી રીતે થઈ ગયુ તે સર ભગનને સમજાતું નહોતું. પણ અંધાધૂંધીને સમયે હસ્તીશાળામાંથી હાથી છૂટી જાય અને એ રમખાણ મચાવી મુકે એ જ ઘાટ બૅરિસ્ટર બુચાજીએ કર્યો હતો.
‘પકડો એ ચક્રમને !’ સર ભગને પોતાની આજુબાજુ ઊભેલાઓને હુકમ કર્યો.
‘અમારું ગજું નહિ, શેઠ.’
‘કેમ ?’
‘અરે, એની નજીક જાય છે. એના માથામાં પેલો લાકડાનો ધોકો ફટકારે છે. ઘણા માણસોને માથામાં ફૂટ થઈ ગઈ.’
‘તો તો એ ભેજાગેપને હું જેલભેગા જ કરીશ.’ કહીને સર ભગને ઊંચે સાદે અવાજ કર્યો, ‘અરે, કોઈ પોલીસને તો બાલાવો.’
‘શેઠ, પોલીસ લોકો અહીં સુધી આવી જ નથી શકતા.’
‘એને કોણ રોકે છે ?’
‘રોકતું તો કોઈ નથી પણ આ ધક્કામુક્કીમાં બિચારા જીવ ૨ગદોળાઈ જાય છે.’
‘આ તે કેવી વાત કરો છો ગધેડાને તાવ આવે એવી ! પોલીસ જેવા પોલીસ તે કાંઈ ૨ગદોળાઈ જતા હશે.’
‘એક આખો ખટારો ભરીને...’
‘શું?’
‘એક ખટારો ભરાય એટલા પોલીસ અહીં આવ્યા, એમાંથી એકેયનો ક્યાંય પત્તો નથી.’
‘ક્યાં ગયા એ ?’
‘અંધારામાં અટવાઈ ગયા.’
‘એટલે ?’
‘એટલે એમ કે અરધે રસ્તે જ એનો ઘડોલાડવો થઈ ગયો.’
‘અરે પણ પોલીસનો ?’
‘શેઠજી, આ અંધારામાં કોણ ઓળખે કે આ પોલીસ છે ?ને આ મનખો આખો અત્યારે હાથમાં જીવ લઈને હલક્યો છે, એમાં કોણ જોવા રોકાય કે આ માણસ પોલીસનો છે કે પબ્લિકનો ?’
‘પણ પોલીસના હાથમાં હથિયાર...’
‘ખરાં, પણ આવા અંધારામાં એ કોની સામે ફોડે ? અહીં કાળી રાતે માથે માથું સૂઝતું નથી એમાં કોનું નિશાન નોંધે ? બિચારા જીવ આવ્યા આપણને બચાવવા, પણ સામેથી પોતે જ ઉકલી ગયા. ઈ તે કમરબંધ ને કાર્ટિજ સોતા ધરબાઈ ગયા.’
સાંભળીને સર ભગન પોતે તો સાજાનરવા હોવા છતાંય ધ્રુજી ઊઠ્યા. પોતાને ઘરઆંગણે સરજાયેલા આ ઘોર હત્યાકાંડનાં હવે શાં પરિણામ આવશે એની કલ્પના પણ તેઓ કરી શક્યા નહિ. નજર સામેની વાસ્તવિકતા જ એવી તો વસમી હતી કે એમની કલ્પનાશક્તિ તો સંચોડી કુંઠિત જ થઈ ગઈ.
આજુબાજુ કાજળઘેરું અંધારું હતું એમાં પણ સર ભગનની આંખે અંધારાં આવી ગયાં. આમેય માઈનસ બાર નંબરના ચશ્માં તળેથી એમની આંખો દૃષ્ટિશૂન્ય તો થઈ જ ગઈ હતી. હવે એ દિશાશૂન્ય પણ બની રહી. આ સ્થિતિમાં અત્યાર સુધી આંધળાંની લાકડી બની રહેલાં લેડી જકલ પણ તિલ્લુના મંગળફેરાનું ચોથું મંગળ નિહાળીને એના આઘાતમાં જ ધરાશાયી થઈને પડ્યાં હતાં. પરિણામે સર ભગન, રણ જેટલા જ અફાટ શ્રીભવનના ભવરણમાં ભોમિયાવિહોણા–એકલા–અટૂલા ભમી રહ્યા હતા. મૃતદેહોથી ઠાંસોઠાંસ ભરાઈ ગયેલી આ વસાહતમાં સર ભગન પોતે જ એક પ્રેત જેવા ભાસતા હતા.
આવી એકલવાયી સ્થિતિમાં એમને એકમાત્ર ચિંંતા પોતાની વહાલસોયી પુત્રીની હતી. આંખના રતન સમી, પુત્રસમોવડી એ પુત્રીને જલાલપરના પેલાં જગલીના હાથમાંથી શી રીતે છોડાવવી એની ફિકર એમની વ્યગ્ર મનોદશાને વધારે વ્યગ્ર બનાવી રહી. હતી. ઘડીભર તો એમને થયું કે આવી અરાજકતામાં જંગલનો કાયદો જ કારગત નીવડે. તિલ્લુને અહીંથી ઉઠાવીને ખાપોલી-નાનોલી તરફ ક્યાંક ૨વાના કરી દઉં. પછી ભલે રહે એનો ખીમચંદ કે ક્ષેમેન્દ્ર હાથ ઘસતો.
આવા કુવિચારથી પ્રેરાઈને તેઓ ફરી રિહર્સલરૂમ ભણી વળ્યા પણ અફસોસ ! ત્યાં દરવાજા ઉપર જ ખેમચંદ હાથમાં નાગી તલવાર લઈને ખડે પગે આડો ઉભો હતો. અને એ તલવાર તો, તિલ્લુએ જ ચેતવણી આપેલી એ મુજબ સાચકલી હતી, ‘સ્ટેજ પ્રોપર્ટી’ નહોતી, એ યાદ આવતાં જ સર ભગન બે ડગલાં પાછી હઠી ગયા. સામે ઊભો છે એ ભલે સગો જમાઈ હોય, પણ એના હાથમાંની એ તાતી તલવાર કોઈની સગી નહિ જ થાય, એ સત્ય સમજતાં સર ભગન વધારે અસહાય બનીને ઉભા રહી ગયા. મનમાં સમસમતા રહ્યા અને થોડીક વારે એ આંતરિક ઉકળાટને વાચા આપી રહ્યા.
‘એ જલાલપુરના જંગલીને જેલમાં જ પુરાવીશ.’
જીવનની અત્યંત નાજુક ને જોખમભરી ક્ષણોએ તેઓ પરમેશ્વર ને બદલે પોલીસનું જ રટણ કરી ૨હ્યા હતા. વચ્ચેવચ્ચે તેઓ આપોઆપ જ પોતાની અસહાય સ્થિતિ સૂચવવા સ્વગતોક્તિ જેવો ઉદ્ગાર કાઢી ૨હેતા હતા :
‘અરેરે ! આટલા માણસોમાં કોઈ બત્તીના ફ્યુઝ બાંધનાર પણ નથી મળતો.’
વારેવારે ઉચ્ચારાતી આવી ફરિયાદ સાંભળીને એક વાર કોઈકે ઉત્તર આપ્યો :
‘ફ્યુઝ તો ઉડ્યો જ નથી.’
‘શું કહો છો ?’
‘સ્વિચ બોર્ડના બધા જ ફ્યુઝના વાયર સાવ સાબુત છે.’
‘તો પછી આ અંધારું થયું શાથી ?’
‘કનેક્શન જ કપાઈ ગયું છે.’
‘હેં?’
‘હા, વીજળીનો પુરવઠો આવતો અટકી ગયો છે.’
‘પણ શાથી ?’
‘એ તમે જાણો.’
સર ભગન શું જાણે ? વીજળીને પુરવઠો શાથી કપાઈ ગયો હશે ? આગલા મહિનાઓનું બિલ નહિ ભર્યું હોય ? સેવંતીલાલ જેવો ગૃહસંચાલક આવી ગફલત કરે ? અને એવા નજીવા ગુના માટે કાંઈ એક માજી નાઈટનો વિદ્યુતપુરવઠો કોઈ અટકાવી નાખે ? બને જ નહિ.
‘એ કરન્ટ બંધ કરાવનારા કારકુનોને જેલમાં જ નખાવીશ.’
વહેલી પરોઢે સર ભગન આ વિચાર કરતા હતા ત્યારે જ એમની નજીક પોલીસ ખાતાનો એક સાર્જન્ટ આવી ઊભો. એના હાથમાં ધરપકડનું વૉરન્ટ હતું. એણે કહ્યું :
‘તમારી ધરપકડ કરવાનો મૅજિસ્ટ્રેટનો હુકમ છે.’
અંધારામાં પણ સર ભગનની આંખે વધારે અંધારાં આવી ગયાં.