લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/વેવાઈઓ અને વરઘોડિયાં

વિકિસ્રોતમાંથી
← અંધકારનાં અંધારાં ગ્રહાષ્ટક વત્તા એક
વેવાઈઓ અને વરઘોડિયાં
ચુનીલાલ મડિયા







૨૪.
વેવાઈઓ અને વરઘોડિયાં
 

‘મારી ધરપકડ ?’

આંખે આવી ગયેલાં અંધારાં ઓસર્યા પછી જ સર ભગન પોલીસ સાર્જન્ટને ખાખી ગણવેશમાં પૂરેપૂરો ઓળખી શક્યા અને વૉરન્ટમાંની વિગતો વાંચી શક્યા.

‘મારી ધરપકડ કરવા આવ્યા છો ?’

‘જી હા.’

‘તું ઓળખે છે, હું કોણ છું ?’

‘આપ જેવા મોટા ઉદ્યોગપતિને કોણ ન ઓળખે ?’

‘પણ તું મારા ઈલકાબને ઓળખે છે ખરો ?’

‘ઇલકાબ ?’

'નાઈટહૂડનો, બ્રિટિશ સરકારે મને સર બનાવેલો એ તું જાણે છે કે નહિ ?’

‘પણ હવે તો આ દેશમાં આપણી રાષ્ટ્રીય સરકાર રાજ કરે છે એ તમે જાણો છો કે નહિ ?’

‘તેથી શું થઈ ગયું ?’

‘આપણી સરકારે તમને પદ્મશ્રી બનાવ્યા છે ?’

‘પદ્મશ્રી એટલે શું વળી ? પદ્મશ્રી તો સિનેમાની નટીઓ પણ થઈ ગઈ.’

‘તો પછી તમને મહાવીરચક્ર જેવો કોઈ ખિતાબ મળ્યો છે ?’

‘મહાવીરચક્ર ? એ શાનો ઇલકાબ છે વળી ?’

‘શૌર્ય અને બહાદુરી બતાવવાનો.’

‘એવા ઇલકાબની મને પડી નથી.’ સર ભગન બોલ્યા, ’મને તો મહાવીરચક્રને બદલે ધર્મચક્રપ્રવર્તકનો ખિતાબ મળ્યો છે.’

‘શાનો ?’

‘કાને નંબર આવ્યા છે ?’

‘માફ કરજો, પણ ઈલકાબનું નામ ખરેખર સમજાયું નહિ એટલે પૂછવું પડે છે.’

‘ધર્મચક્રપ્રવર્તક.’

‘આ ઇલકાબ તો આજે જ સાંભળ્યો. સરકાર તો કોઈને આવો ઇલકાબ આપતી નથી.’

‘અરે, સરકાર શું આપશે ? મારા શાસ્ત્રીઓએ આપ્યો છે.’

‘શાસ્ત્રી ? શાના શાસ્ત્રી ?’

‘જ્યોતિષના, મહાન જ્યોતિષમાર્તંડો… પ્રખર ચક્રચુડામણિઓ… ગિરજા ગોરનું નામ જનમ ધરીનેય સાંભળ્યું છે ?’

‘હજી એ નામનો કોઈ સમન્સ નીકળ્યો નથી.’

‘આવા મહાન જ્યોતિર્વિદોએ મને આ સહસ્ત્રચંડી યજ્ઞ કરવા બદલ ધર્મચક્રપ્રવર્તકનું બિરુદ આપ્યું છે.’

‘એ યજ્ઞ બદલ જ તમારી સામે આ વૉરન્ટ કાઢવું પડ્યું છે.’

‘કારણ કાંઈ ? યજ્ઞ કરવો એ શું ગુનો છે ?’

‘ના. પણ યજ્ઞ કરીને તમે આખાય શહેરની વીજળી બંધ કરાવી દીધી છે.’

‘શ્રીભવનની કે આખા શહેરની ?’

‘આખાયે શહેરની. યજ્ઞનો કુંડ ખોદવામાં તમે વીજળીના અન્ડરગ્રાઉન્ડ વાયરો સુધી જમીન ખોદી નાખી એમાંથી જ આ આફત ઊભી થઈ.’

‘શી રીતે ?’

‘એ ખાડામાં આગ પેટાવીને તમે માથેથી હજારો ઘડા ઘી રેડ્યું.’

‘તે ઘૃતાહુતિ વિના ગ્રહશાન્તિ યજ્ઞ ક્યાંય થાય ખરો કે ?’

‘પણ એ બળતામાં ઘી હોમીને તમે ઇલેક્ટ્રિક કૅબલનો બધો ડામર ઓગાળી નાખ્યો.’

‘તે સુધરાઈવાળાઓ ડામર જ એવો રદ્દી વાપરે એમાં મારો શો વાંક ?’

‘પણ બંગલામાં આટલી લાંબીચોડી જગ્યા મૂકીને એ વાયર ઉપર જ યજ્ઞવેદી શા માટે ઊભી કરી ?’

‘યજ્ઞવેદી તો જ્યોતિષમાર્તંડો ક્ષેત્રમાપન કરીને ધર્મદૃષ્ટિએ શ્રેષ્ઠ સ્થળ પસંદ કરે ત્યાં જ માંડી શકાય. કોઈ દહાડો તમે સહસ્ત્રચંડી યજ્ઞો કરાવી જાણ્યા છે તે તમને ખબર પડે ?’

‘આ દલીલો નકામી છે. મારી ફરજ તમને પકડી જવાની છે.’

‘વાતમાં શો માલ છે ? હું સર ભગન તમારી જેલમાં આવીશ ?’

‘તમે નહિ આવે તો કોણ આવશે ?’

‘જોઈશે તો હું જામીન આપીશ.’

‘આ જામીન વિનાનું વૉરન્ટ છે. શહેર આખાનો જીવનવ્યવહાર ખોરવી નાખવાનો તમારી ઉપર આરોપ છે.’

‘હું જોઈ લઈશ.’

‘હું પણ એ જ કહં છું. તમે એક વાર જેલખાનું જોઈ લો. જામીન માટે અરજી કરવી હોય તો જેલમાંથી કરજો.’

‘પધારો શેઠજી, પધારો !’

‘રહી રહીને પણ આપને અમારા પર દયા આવી ખરી.’

‘અમને ખાતરી જ હતી કે ધર્મગુરુઓને બંદીવાસમાંથી છોડાવવા ધર્મચક્રપ્રવર્તક અહીં આવ્યા વિના નહિ ૨હે.’

‘આખરે તો ધર્મનો જ જય છે. પાપનો ક્ષય છે.’

સ૨ ભગન લૉક–અપમાં પેઠા કે તુરત સામેથી બે ત્રિપુંડ્રધારી બ્રહ્મર્ષિઓ એમને આવકારી રહ્યા.

‘હું તમને છોડાવવા નથી આવ્યો.’

‘શું ?’

‘હું પોતે જ તમારી પેઠે કેદ પકડાઈને અહીં આવ્યો છું. આ કમબખત પોલીસવાળાઓને હું પાંસરાદોર કરી નાખીશ.’

‘પણ અમે બેઉ…’

‘તમે બેઉ ભૂલથી અહીં આવી ગયા છો એ હું જાણું છું.’

‘રાતને સમયે પ્રકાશશેઠ ને પ્રમોદરાયની અવેજીમાં પોલીસવાળા તમને અહીં ઉપાડી લાવ્યા છે. પણ હવે હું લાચાર છું.’

‘તમે લાચાર ? ધમચક્રપ્રવર્તક લાચાર ?’

‘એ તમારું ધર્મચક્ર પ્રવર્તાવવા જતાં જ આ પોલીસનું લફરું થયું છે.’

‘બને જ નહિ. ધર્મનો તો સદાય જયજયકાર જ થાય. આ તો અષ્ટગ્રહ યુતિની જ અસર હશે. અત્યારે મ્લેચ્છ દેશોમાં પૂરેપૂરું ખગ્રાસ ગ્રહણ ઘેરાઈ રહ્યું હશે.

‘આપણે ત્યાં તો અત્યારે મારા જેવાને વગર ગ્રહણે જ રાહુની આપદા આવી પડી છે.’

‘એનું નિવારણ થઈ શકે છે.’

‘કેવી રીતે ?’

‘દાન વડે.’

‘દાન ?’

‘હા, દે દાન છૂટે ગિરાન.’ કહીને ગોરમહારાજાઓ દાનના પ્રકારો સમજાવવા માંડ્યા, ‘અન્નદાન, વસ્ત્રદાન, તાંબાદાન, રૂપાદાન, સુવર્ણદાન…’

‘એમાંનું એક પણ દાન આપી શકવા જેવી મારી સ્થિતિ રહી નથી.’ સર ભગને નિસાસો મૂક્યો. ‘અરે સગી દીકરીનું કન્યાદાન દેવાની પણ પેલા ગિરજાએ મને તક ન આપી.’

‘કન્યાદાન ? કોનું ?’

‘મારી તિલ્લુનું… તિલોત્તમાનું…’

‘એ ક્યારે પરણી ગઈ ?’

‘આ ઇલેક્ટ્રિક પાવર ફેઈલ ગયો એ પછી.’

‘પણ સાવ અંધારામાં એ પરણી જ કેમ શકે ?’

‘ના, એની પાસે નટરાજની મૂર્તિની ઘીનો દીવીઓ હતી. તે પેલા જલાલપરના જંગલી…’

‘કોણ બોલ્યું ઈ ?’ લૉક–અપના એક ખૂણામાંથી અવાજ ઊઠ્યો અને પછી તો, એના અનુસંધાનમાં વધારે મર્દાનગીભર્યા હાકલા–પડકારા થવા માંડ્યા :

‘જલાલપરવાળાને જંગલી કહેનારો ઈ છે કોણ કાળમખો ?’

‘કોની માએ સવાશેર સૂંઠ્ય ખાધી છે કે અમારા ગામને ગાળ દઈ જાય ?’

‘જીવતો ને જીવતો ભોંમાં ભંડારી દઈશું. અમે કોણ ? જલાલપર–બાદલાવાળા, હા.’

‘અમે ઓછાં ઊતરીએ તો અમારી પાંદરડી નદીમાં પાણીફેર જ સમજવો.’

‘ને કાં અમારી જણનારીમાં સૂંઠફેર સમજવો.’

આવાઆવા પડકાર સાંભળીને સર ભગનના કાન ચમક્યા, માર્યા ઠાર ! આ તો વખત વેરસી પોતે જ ! ને પેલા બધા એના ગામના જાનૈયા !

સર ભગનને થયું કે આ તો હાથનાં કર્યા હૈયે વાગ્યાં. પણે શ્રીભવનમાં જીવ ખાતા જાનૈયાઓને ગેરકાયદે ગૃહપ્રવેશના આરોપસર જેલમાં પુરાવ્યા તો અહીં એનો જ ભેટો થઈ થયો. પણ અત્યારે તો પોતે જ જેલવાસી બન્યા હોવાથી તુરત, સમય, પારખીને એમણે ફેરવી તોળ્યું :

‘અરે કોણ ? વખતચંદ વેવાઈ ? અરે મારા વેવાઈ !’

‘હજી હમણાં તો અમને જંગલી કીધા, ને હવે આ વેવાઈ–વેવાઈ કરીને સાકર પીરસો છો ?’ સામેથી પડકાર થયો.

‘અરેરે ! વાતમાં શો માલ છે ? તમારો સાંભળવાફેર થયો હશે. તમને જંગલી કહેનારની જીભ કાપી નાખું. તમે તો મારા વહાલા વેવાઈ.’

‘હજી કાલ રાત સુધી તો અમને ગેરકાયદે ગૃહપ્રવેશ કરનારા ગણતા હતા ને આજે આટલું વહાલ ક્યાંથી ઊભરાઈ આવ્યું ?’

‘રાઈના પાડ તો રાતે ગયા, શેઠ, તમે તો હવે અમારા સહુથી વહાલા સગા થઈ ગયા.’

‘ઓચિંતા જ કાંઈ ?’

‘સમય સમયનું કામ કરે છે, શેઠ. હવે તમારો ખીમચંદ તો મારે દીકરા કરતાંયે સવાયો ગણાય.’

‘કારણ કાંઈ ?’

‘એ મારો જમાઈ થઈ ગયો.’

‘પણ ક્યારે ?’

‘થોડી વાર પહેલાં જ. હમણાં જ એનો હથેવાળો થઈ ગયો.’

‘પણ મારી ગેરહાજરીમાં જ ?’

‘હું પણ હાજર નહોતો.’

‘શી વાત કરો છો ?’

‘સાચું કહું છું. આજકાલનો જમાનો તમે જાણો છો ને ? જુવાનિયાં પરણે એમાં મોટેરાંની હાજરી શોભે જ નહિ.’

‘પણ આપણે તે માબાપ મૂઆં છીએ કે માત્ર મોટેરાં જ છીએ ?’

‘કબૂલ, પણ આપણે માબાપ તરીકે હાજર રહીનેય કયો રાયજંગ જીતી નાખવાનો હતો ?’

‘અરે, ઇમ તી કાંઈ હોય, ભગવાનજી શેઠ ? આપણે બેય વહાલા વેવાઈ હથેવાળો થયા પછી ભાવે કરીને ભેટી શક્યા હોત.’

‘તે લોને, હજી પણ ભેટી લઈએ. હજીય ક્યાં મોડું થયું છે ?’

સર ભગને પોતાના બાહુ પસાર્યા.

વખત વેરસી કાઠિયાવાડી ઢબે સર ભગનને ભેટી પડ્યા.

જાનૈયાઓ તો આ દૃશ્ય જોઈને ડઘાઈ જ ગયા.

તુરત પોલીસના પહેરેગીરે ૫ડકાર કર્યો :

‘ખબરદાર ! જુદા પડો !’

‘કેમ અલ્યા, તારો કિયો ગરાસ લૂંટાઈ ગયો ?’ વખત વેરસીએ પૂછ્યું.

‘બે ગુનેગારો ભેગા ન થઈ શકે.’

‘ગુનેગાર ?’ જાનૈયાઓને પણ નવાઈ લાગી.

સર ભગને વેવાઈને સમજાવ્યું.

‘હું જરાક સાંકડા ભોંણમાં આવી ગયો છું, માફ કરજો, આ મહાચંડી યજ્ઞ કરાવતાં મારે હાથે જરા ટેક્‌નિકલ ભૂલ થઈ છે, એટલે મને જેલમાં નાખ્યો છે. પણ એને તો હું પહોંચી વળીશ.’

વખત વેરસીએ પડકાર કર્યો :

‘અરે, તમને જેલમાં નાખનાર છે કોણ ? ચીરીને મીઠું ભરી દઈએ.’

જાનૈયાએ તુરત આ પડકારમાં પોતાના સૂર પુરાવી દીધા :

‘અરે, અમારા વહાલા વેવાઈની આબરૂ ઉપર કોઈ હાથ નાખી જાય તો થઈ જ રહ્યું ને ? એની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખીએ.’

‘અમે કોણ ? જલાલપર–બાદલાના રહેવાસી, ઓછાં ઊતરીએ તો અમારી પાંદરડી નદીનું પાણી લાજે પાણી.’

‘તમને જેલમાં નાખનારને અમે ચપટીમાં ચોળી નાખીએ. અવાજ કરો એટલી જ વાર.’

‘અત્યારે તો એક જ કામ કરો.’

‘એક શું એકવીશ ચીંધો.’

‘તમારે જલાલપરમાં કાંઈ સ્થાવર મિલક્ત જેવું છે ખરું ?’

 ‘સ્થાવર મિલકત ? અરે શેઠ, તમે પણ સગા વેવાઈ ઊઠીને અમારી આબરૂ લેવા કાં નીકળ્યા છો ? હવે તો આપણી બેયની આબરૂ ભેગી જ ગણાય.’

‘અત્યારે મારે મારી આબરૂ સાચવવાની છે.’

‘કહો તો અમારાં માથાં વાઢી દઈએ. અવાજ કરો એટલી જ વાર.’

‘મારે તમારાં માથાંની જરૂર નથી. જલાલપરમાં તમારે ઘરઘરાઉ ખોરડાં હોય તો બસ થશે.’

‘અરે, ખોરડાંને ક્યાં રોવા બેઠા શેઠ ? અમે તો જલાલપરના ગામધણી જેવા છીએ, અરધા ગામનાં ખોરડાં આપણાં છે. ને બાકીનાં અરધાં આપણે જ ઘેરે ગીરો છે.’

‘એટલાં બધાંની જરૂર નથી, એકબે હોય તો બસ છે.’

‘અરે, પણ જરૂર શી પડી ? અવાજ કરો, ઝટ, અવાજ કરો.’

‘હું અહીંથી જામીન ઉપર છૂટવાની અરજી કરવાનો છું ને એમાં તમારે જામીન થવું પડશે.’

‘વોય ધાડેના ! માગી માગીને આટલું જ માગ્યું ? અમને તો એમ, કે ખોરડાં–બોરડાંની પૂછપરછ કરીને તમારે જલાલપરમાં હવાફેર કરવા આવવું હશે.’

‘ના, હવાફેર કરવા માટે પણ અહીંથી છૂટવું તો પડે જ ને ! એટલે, પ્રથમ તો તમે સ્થાવર મિલકતના માલિક તરીકે મારા જામીન થઈ જાઓ. હું તમારી સામેથી ગેરકાયદે ગૃહપ્રવેશની ફરિયાદ પાછી ખેંચી લઉં છું.’

‘અરે શેઠ, તમ જેવા આસામીને વળી જામીનની શી જરૂર ?’

‘મને કદાચ જામીન ઉપર પણ નહિ છોડે એમ લાગે છે.’

‘કારણ કાંઈ ? તમે કાંઈ ચોરીચપાટી કરી છે ? તમે કાંઈ મારફાડ કરી છે ?’

‘મારફાડ નથી કરી, પણ મારા બંગલામાં ગણ્યાં ગણાય નહિ એટલાં માણસો મરી ગયાં છે.’

‘એ, અષ્ટગ્રહનો જ ઉલ્કાપાત.’ જ્યોતિષમાર્તંડો વચ્ચે બોલી ઊઠ્યા.

‘તમે જરા મૂંગા રહેશો, જ્યોતિષચક્રચુડામણિઓ ! તમારાં પાપે જ આ આફત ઊભી થઈ છે.’ કહીને સર ભગને વખતચંદ વેવાઈને સમજાવ્યું: ‘હવે મારી આબરૂ તમારા હાથમાં છે.’

‘મારી આબરૂ ન કહો. આપણી આબરૂ બોલો. હવે તો આપણે વહાલા વેવાઈ થયા.’

‘બસ. તો હવે વેવાઈ તરીકે તમે મને જામીન પર છોડાવો.’

‘અરે, તમારે વળી જામીનની શી જરૂર ?’

‘જામીન વિના તો અહીં લોકઅપમાં જ પુરાઈ રહેવું પડે.’

‘વાતમાં શો માલ છે ? જામીન વિના જ તમને છોડાવી દઈએ. અવાજ કરો એટલી જ વાર.’

‘જામીન વિના ? કેવી રીતે ?’

‘આ દરોગાને ઠામુકો ઠાર કરી નાખીએ. એક ઝપટભેળો જ ભૂંહી નાખીએ એટલે નિરાંત.’

‘એવું તે થાય ?’

‘કેમ ન થાય ? અમે કોણ ? જલાલપર–બાદલાના રહેવાસી. સાચાં ઘી–દૂધ ખાધેલાં, હા. ઓછા ઊતરીએ તો પાંદરડીમાં પાણીફેર.’

જાનૈયાઓ આવી આત્મપ્રશસ્તિ કરતા હતા ત્યાં તો પોલીસનો બીજો એક સાર્જન્ટ આવીને બોલ્યો :

‘સર ભગન, તમને અહીં સામાન્ય લૉક–અપમાં નહિ રાખી શકાય.’

સાંભળીને સર ભગનને થયું કે આખરે રહી રહીને પણ સત્તાવાળાઓને મારા વિશિષ્ટ માનમોભાની જાણ થઈ ખરી.

પણ ત્યાં તો એ સાર્જન્ટે જ ચોખવટ કરી :

‘તમારો ગુનો વધારે ગંભીર પ્રકારનો છે. તમને અત્યારથી જ પાકી જેલમાં લઈ જવા આવ્યો છું.’

આ સાંભળીને સર ભગનની આંખે ફરી અધારાં આવવા માંડ્યાં, પણ ત્યાં તો તેઓ પોતાની કેડિલેકનું ભૂંગળું સાંભળીને સાવધ થઈ ગયા.

એ કેડિલેક તિલ્લુ જ હાંકતી હતી. અત્યારે એ મને છોડાવવા આવતી હશે, એવી સર ભગનને આશા બંધાઈ. પણ ત્યાં તો એ કુશાદે મોટરગાડી હૉર્ન બજાવતીબજાવતી ઝડપભેર જેલખાનું વળોટીને સીધી નૅશનલ હાઈવે તરફ દોડી ગઈ.

એ રાષ્ટ્રીય ધોરી માર્ગ જલાલપર–બાદલાની દિશામાં જનારો હતો.

એ કેડિલેકનું સ્ટીઅરીંગ વ્હીલ તિલ્લુએ સંભાળ્યું હતું. એની બાજુમાં મીંઢળબંધો ખીમચંદ બેઠો હતો.

વરરાજા વારેવારે નવવધૂને વીનવી રહ્યા હતા :

‘જલાલપર જાવાનું માંડી જ વાળો. ત્યાં આપણને એકેય ચીજજણસ નહિ જડે.’

‘મને તો કાર્તિકેય જેવા એક તમે મળ્યા છો એ જ બસ છે.’

‘પણ ત્યાં ગામડાગામમાં આપણને…’

‘હનીમૂન માટે હું ગામડાગામની જ શોધમાં હતી.’

‘પણ ત્યાં તો પાણી પણ અમારી પાંદરડી નદીનું જ પીવું પડે.’

‘એવા પાણીમાંથી જ કાર્તિકેય જેવા પ્રતાપી નરપટાધર નીપજતા હશે.’

નૅશનલ હાઈવે ઉપર આ વરઘોડિયાંને લઈને કેડિલેક ઝડપભેર ધસમસતી રહી.

✽ ✽