ગ્રહાષ્ટક વત્તા એક/તિલ્લુનાં તિલ્લાણાં
← રૂપિયો બદલાવો | ગ્રહાષ્ટક વત્તા એક તિલ્લુનાં તિલ્લાણાં ચુનીલાલ મડિયા |
નવમો ગ્રહ → |
બૅરિસ્ટર બુચાજીના જીવને જરાય જંપ નથી. એમનો જીવ બૅંકના વાયુઅનુકૂલિત વૉલ્ટના ખાનામાં પુરાયો હોય એમ લાગતું હતું. અતૃપ્ત વાસનાવાળું પ્રેત જિનાત થઈને ભમ્યા કરે એમ એમનો જીવ પેલા વસિયતનામાની પાછળ ભમતો હતો.
હતું તો એ સ્ટૅમ્પ–પેપરનું મામૂલી કાગળિયું, પણ એમાં લખાયેલી મિલકત મામૂલી નહોતી, મબલખ હતી. તિલ્લુને નામે ચડેલી એ અસ્કયામત જેને મળે એને ગાંડો ગરાસ મળે એમ હતો. એ માણસનાં ભાગ્ય વગર અરીઠે ઊઘડી જાય એમ હતાં. એના ભવનો ફેરો કશીય મહેનત–મજૂરી વિના સફળ થઈ જાય એમ હતો. સળી ભાંગીને બે કકડા પણ કર્યા વિના સીધું સાત પેઢીનું સાજું થઈ જાય એવો જોગ હતો.
બુચાજીના જરસ્થોસ્તી જિગરે જિંદગીમાં પહેલી જ વાર ઉચાટ અનુભવ્યો. હાય રે, મારાં આટલાં વરસ સાવ એળે જ ગયાં કે શું ? આ તિલ્લુ તો રોજ મારી આંખ સામે જ ઊભી હતી, છતાં મેં એને કદી નિહાળી જ નહોતી કે શું ? પેલો મુફલિસ નાચણિયો કંદર્પકુમાર એને ભોળવી ગયો, તો હું શું કાંઈ કમ હતો કે ?
અને બૅરિસ્ટરના શાયરીશોખીન દિમાગમાં હાફિઝ અને ખય્યામના શૃંગારિક શેરો ધસી આવ્યા. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીનું બેવડું શરસંધાન તેઓ તિલોત્તમા ઉપર કરી રહ્યા.
બૅરિસ્ટરને મન આજ સુધી જે કેવળ અસીલપુત્રી જ હતી, એ હવે એકાએક અપ્સરા સમી લાગવા માંડી.
બુચાજીને પહેલી જ વાર પોતાની પ્રૌઢ અવિવાહિત અવસ્થા પ્રત્યે અણગમો ઊપજ્યો. પોતાના મરહૂમ બાવાજી ષષ્ટીપૂર્તિની સાલમાં અદરાયા હતા એ વાત સાચી. એમને મુકાબલે પિસ્તાળીસ વર્ષના બુચાજી તો હજી બાલ્યવયના જ ગણાય. છતાં આજે એમને એકાએક થઈ આવ્યું કે મારી પણ જિંદગી પાણીમાં જ ગઈ છે. હાય રે, ડુંગરવાડી પર પહોંચવાનું થાય ત્યારે તે કાંઈ શાદી–નવજોત કરાતી હશે ?
આટલાં વર્ષ બુચાજીએ બ્રીફની પ્રાપ્તિ માટે જ પુરુષાર્થ કર્યો હતો; કોઈ અસીલની બ્રીફ મળે તો જ બે પાંદડે થઈ શકાય. એવી કપરી સ્થિતિમાં મહોરદાર મેળવવાનું એમને પરવડે એમ પણ નહોતું, પણ હવે તિલોત્તમાને નવી નજરે નિહાળ્યા પછી એમને લાગ્યું કે જિંદગીમાં બ્રીફને બદલે બૈરું મેળવ્યું હોત તો હું વધારે સુખી થયો હોત.
આ જ્ઞાન લાધ્યા પછી એ બેચેન જીવે શ્રીભવનમાં અવરજવર વધારી મૂકી હતી. સર ભગનને કામ હોય કે ન હોય, મુલાકાત માટે સમય હોય કે કસમય હોય, પણ બુચાજી આવીને બેઠા જ છે.
‘કેમ બુચાજી, કેમ આવવાનું થયું ?’ સર ભગન પૂછતા.
‘આ પેલા વાઉચરિયામાં વિટનેસ કોની નખાવશું એ પૂછવા આવ્યો છું.‘ આવું કશુંક બહાનું કાઢીને બૅરિસ્ટર ગુંદરિયાની જેમ સોફા પર ચીટકી રહેતા અને આંખો ચકળવકળ ફેરવીને તિલોત્તમાની તલાશ કરી રહેતા. એનાં ત્વરિત દર્શન ન થાય તો તેઓ કોઈક બહાનું કાઢીને આજુબાજુના ઓરડાઓમાં પણ ડોકિયું કરી આવતા.
ઘણું ખરું તો, બુચાજી શ્રીભવનમાં આવે ત્યારે તિલોત્તમા નૃત્યની રિયાઝ જ કરતી હોય, બૅરિસ્ટર ડ્રોઈંગ રૂમમાં બેઠા હોય ત્યારે ઉપરની છતમાંથી તા ધિન... તા ધિન... અવાજો આવતા હોય. તિલોત્તમાના પગના ઠેકા એવા તે જોરથી પડતા કે દીવાનખંડની છત ધ્રુજી ઊઠતી પણ બુચાજીને તો માથા પર કશો કર્કશ અવાજ થવાને બદલે ઝિન્નતની હુર નાચી રહી હોય એવો જ મધુર અનુભવ થતો, પોતાના જીવનમાં આવી પરિન્દા જેવી પરી પ્રાપ્ત થાય તો ઝિન્નત ભર રૂહે ઝમીન જેવું સુખ સરજાઈ જાય અને એવું સ્વર્ગ સમજી શકનારી શક્તિ તો અહીં શ્રીભવનમાં જ છે, એમ સમજાતાં તેઓ મનમાં ગણગણી રહેતા : હમીનસ્તો...હમીનસ્તો...હતીનસ્તો...
શ્રીભવનમાં બુચાજીની બેઠક એટલી તો વધી ગઈ કે ઓલિયાદોલિયા જેવા સર ભગનને પણ એમાં વહેમ આવ્યો.
‘કેમ બુચાજી ! આજે કોરટ નથી કે શું ?’
‘કોરટ છે, પણ કેઈસ જ ક્યાં છે ?’
‘સાવ બેકાર ?’
‘અરે ઝેર ખાવાનું દોઢિયુ બી ની મલે.’
‘આ પણ ગ્રહાષ્ટકની જ અસર હશે.’
‘અરે શું બાવા, આપ લોક આજકાલ ઝઘડતા બી નથી, કે જેથી અમને ગીની બે ગીની કમાવાની મલે.’
‘આજકાલ લોકો જીવવાનું કરે કે ઝઘડવાનું ? ગ્રહાષ્ટકમાં સહુની જિંદગી જ જોખમમાં છે, ત્યારે કોરટે ચડવાનું કોને સૂઝે ?’
‘આય તમે હિન્દુ લોક ગ્રહાષ્ટકથી ગભરાઈ બેઠા છો.’
‘પણ પ્રલય થશે ત્યારે એ પૂછવા નહિ રોકાય કે તમે હિન્દુ છો કે કોણ છો.’ સર ભગનની આવી આગાહીથી બુચાજી સાચે જ ગભરાયા. આમેય તેઓ અજંપો તો અનુભવતા જ હતા, એમાં આવી આવી વાતો સાંભળી તેથી એ અજંપો ઓર વધી ગયો. એ એકલવાયા જીવની બેચેની બમણી થઈ ગઈ. માથા પરની છતમાં વાગી રહેલા તિલોત્તમાના નૃત્યના તોડાઓ બૅરિસ્ટરના દિમાગમાં ધણના ઘાની પેઠે ઝીંકાઈ રહ્યા.
આજકાલ તિલોત્તમાની નૃત્ય–રિયાઝ એટલી બધી વધી ગઈ હતી કે એક દિવસ તો સર ભગનને પણ એ ભારે લાગી. એમણે લેડી જકલને આ અંગે ફરિયાદ પણ કરી :
‘તિલ્લુએ આ તે શું માંડ્યું છે? આ તે ઘર છે કે નૃત્યશાળા ?’
‘એને નૃત્યશાળામાં જવાની તમે મના કરી છે એટલે બિચારી ઘેર બેઠી પ્રેક્ટિસ કરે છે. એમાં તમને શું નડી ગઈ?’
‘અરે, પણ પ્રમોદકુમારને ખબર પડે કે છોકરી દિવસ આખો નાચ્યા જ કરે છે, તો ?’
‘પ્રમોદકુમારને બહુ ગમે છે.’
‘શું ?’
‘તિલ્લુનાં તિલ્લાણાં.’
‘શાથી જાણ્યું ?’
‘ગઈ સાલ પેલો કૉન્સર્ટ થયેલો, એમાં પ્રમોદકુમાર તો તિલ્લુના પર્ફોમન્સ ઉપર તાળીઓ પાડી પાડીને થાકી ગયેલા.’
‘એ તો પારકી છોકરી કે પારકી પરણેતર નાચે ત્યારે સહુ તાળીઓ જ પાડે. પણ હવે તો તિલ્લુ પ્રમોદકુમારની જ પરણેતર બનશે. હવે એ તાળીઓ પાડશે કે તમાચો ખેંચી કાઢશે ?’
‘તમે તો સર બન્યા તોય હજી જૂનવાણી ન મટ્યા.’
‘કેમ ભલા ? મેં વળી શો ગુનો કરી નાખ્યો ?’
‘આ આજકાલના યુવાનોના ગમા-અણગમાની તમને શી ખબર પડે ?’
‘તે તમને વળી શી મોટી ખબર પડી ગઈ એ કહો ને !’
‘આજકાલના યુવાનો તો છોકરીને નૃત્ય ન આવડે તો એને પત્ની તરીકે પસંદ જ ન કરે.’
‘આ વળી મારે જૂની આંખે નવા તમાશા જોવાના આવ્યા.’
‘ગમે તેમ બોલો ને, પણ પ્રમોદકુમાર તો તિલ્લુનાં તિલ્લાણાં જોવા જ રોજ પ્રકાશકુંજમાંથી પોન્ટિયાક લઈને અહી સુધી આવે છે.’
‘પણ તો પછી પ્રકાશશેઠ તિલ્લુનો રૂપિયો કેમ નથી બદલતા ?’
‘એ કહે છે કે ગ્રહાષ્ટકના ભારે દિવસો જાય પછી જ શુભ કામ કરાય.’
‘ભારે દિવસો આવે છે એટલે તો રૂપિયો બદલી લેવાની હું ઉતાવળ કરું છું.’
‘પણ ઉતાવળે આંબા ન પાકે.’
‘પણ સારા કામ આડે સો વિઘન.' સર ભગને ભય બતાવ્યો, ‘માંડ કરીને તિલ્લુનું ભેજું ઠેકાણે આવ્યું છે, ને એમાં ફરી પાછો પેલો નાચણિયો નડે તો શું થાય ?’
‘એ કંદર્પકુમારનો તો હવે આ બંગલામાંથી ટાંટિયો ટળ્યો એમ જ સમજોની.’ કહીને લેડી જકલે હળવે સાદે સમજાવ્યું.
‘પણ મને બીક બીજાની છે.’
‘કોની ?’
‘પેલા બબુચક બુચાજીની.’
‘હેં ? શું બોલ્યાં ?’
‘પેલો આપણા બબુચક બૅરિસ્ટર.’
‘બૅરિસ્ટર કોઈ બબુચક ન હોય. એ બેકાર જ હોય.’
‘ગમે તે હોય—મને તો એની બીક લાગે છે.’
‘કેવી વાત કરો છો, લેડી જકલ ! બુચાજીથી કોરટમાં મૅજિસ્ટ્રેટ પણ નથી બીતા ને તમે અહીં બેઠાં એનાથી ગભરાઈ જાઓ છો ?’
‘તમે સાવ ઊંધું સમજ્યા. મને તો એની બીક તિલ્લુ માટે લાગે છે.’
‘હેં !’ સર ભગનનો સાદ ફાટી ગયો.
‘મને તો એની આંખમાં મેલ લાગે છે.’
‘બને જ નહિ. બુચાજીમાં એટલી બુદ્ધિ જ ક્યાં બળી છે ?’
‘પણ એ મૂઓ આજકાલ અહીં પડ્યોપાથર્યો શાનો રહે છે ?’
‘બ્રીફલેસ છે, એટલેસ્તો.’
‘પણ બ્રીફલેસ તો બધા બાર લાયબ્રેરીમાં બેસે ને ?’
‘ત્યાં ચા પીવાના પૈસા ક્યાંથી કાઢે ?’
‘ગમે તેમ કહો, પણ મને તો એ તિલ્લુ સામે જુએ છે કે તુરત પેટમાં ધ્રાસકો જ પડે છે.’
‘એ તમારો વહેમ છે, લેડી જકલ.’ સર ભગને ખાતરી આપી, ‘મનમાંથી આ વહેમ કાઢી નાખો.’
‘અરે, આવી બાબતમાં તમને પુરુષોને શી ખબર પડે ?’ અમે અસ્તરીની જાત તો સામા માણસની નજરને પલક વારમાં જ પારખી કાઢીએ.’
‘શંકા ભૂત ને મંછા ડાકણ.’
‘તમે ભલે ગમે તેમ કહો, પણ મને તો પેલા કંદર્પકુમારનું ભૂત કાઢતાં આ બૅરિસ્ટરનું પ્રેત પેસી જાય એવું લાગે છે. બકરું કાઢતાં ઊંટ પેસે એવું જ.’
‘બને જ નહિ. તિલ્લુએ પોતાની અક્કલ શું ઘરેણે મેલી છે કે આવા ખખડેલ ખટારાની સામે નજર પણ કરે ?’
‘પણ એ ખટારો પોતે જ મલકાતાં મલકાતો તિલ્લુ સામે નજર કર્યા કરે છે એનું શું ?’
‘એ તો હસમુખો માણસ છે, એટલે.’
‘અરે, મૂઓ એ હસમુખો, મારી ભોળી છોકરીને ભરમાવી જશે તો મારે તો ઊલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવું થશે.’
‘અરે એ પહેલાં તો હું પ્રમોદકુમાર જોડે રૂપિયો બદલાવી નાખીશ.’
તિલ્લુનાં તિલ્લાણાંએ સાચે જ ત્રણ માણસનું ત્રેખડ રચ્યું હતું. કંદર્પકુમાર તો એના કલાગુરુ તરીકેના વાજબી હોદ્દાની રૂએ શિષ્યાના હાથ માટે ઉમેદવારી કરી રહ્યા હતા. પ્રમોદકુમાર તો વર્ષોથી તિલ્લુનાં તિલ્લાણાં ઉપર તાળીઓ પાડી રહ્યા હતા, પણ આ ગર્વીલી ને છકેલી, મનમોજી ને નટખટ યુવતી એને આજ સુધી દાદ દેતી નહોતી પણ અષ્ટગ્રહીના માનસિક દબાણ તળે સર ભગનનો સઘળો દલ્લો પડાવી લેવાની લાલચે હમણાં હમણાં એણે નાટક ભજવવા માંડ્યું હતું. એ નાટકના પ્રથમ અંકમાં પોતે એ સ્વાંગ સજ્યો કે આજ સુધી અણગમતા રહેલા પ્રમોદકુમાર હવે મને પસંદ છે. બીજી બાજુ પ્રકાશશેઠનો એ નબીરો પણ તિલ્લુનાં તિલ્લાણાંની મોહિનીમાં એવો ફસાયો હતો કે પરણું તે તિલોત્તમાને જ, બીજી બધીય યુવતીઓ મારે મન સાચી બહેન, એવા વસમા શપથ લઈ બેઠો હતો. તેથી જ, પ્રમોદકુમારને જ્યારે જાણ થઈ કે આજ સુધી અણનમ રહેલી એ નર્તિકા હવે મારી જોડે અદરાવા તૈયાર થઈ છે, ત્યારે એ તો, નૃત્યની કશીય તાલીમ વિના પણ, નાચી ઊઠેલો. તિલ્લુએ કરેલી લાંબી ઉપેક્ષાનું જાણે કે વ્યાજ સાથે સાટું વાળવા જ એ સવારે ને સાંજે બબ્બે વાર શ્રીભવનમાં આવવા લાગ્યો અને પોતાની ભાવિ વાગ્દત્તાનું સાંનિધ્ય સેવવા લાગ્યો.
આ ત્રિકોણનું ત્રેખડ કેમ જાણે હજી ઓછું હોય તેમ તિલોત્તમાએ પેલા હસમુખા બૅરિસ્ટર સામે પણ નિર્વ્યાજ હાસ્ય વેરીને એને ગાંડો કરી મૂકેલો. હાફિઝ અને ખય્યામની રંગદર્શી ખયાલાતોમાં વિહરતો એ એકાકી જીવ આજકાલ તિલ્લુ ઉપર જ અંતરનો સઘળો અર્ધ્ય ઠાલવી રહ્યો હતો.
તિલ્લુ નાચતી રહી. અને આ ત્રણેય જીવોને નચાવતી રહી.
અષ્ટગ્રહ યુતિ નજીક આવતી ગઈ તેમ તેમ શ્રીભવનના દેદાર બદલાતા ગયા. જાણે મોટા લાવલશ્કરે પડાવ નાખ્યો હોય એવો દેખાવ થઈ ગયો. ગોરા લાટસાહેબે બંધાવેલા આ રાજભવનના એકેએક આઉટ હાઉસમાંથી સર ભગને પોતાના નોકરોને કામચલાઉ બહાર કાઢીને ભૂદેવોને ઉતારા આપ્યા, છતાંય જગ્યાની ખેંચ પડી. તેથી એને સમાન્તર રાવટીઓ તાણવી પડી. તડ પડે ત્યારે રાંકા મોંઘાં થાય એમ, સહસ્ત્રચંડી યજ્ઞને ટાંકણે જ શહેરમાં બ્રાહ્મણોની તંગી ઊભી થઈ. યજ્ઞમાં હવિ અર્પવા માટે એક હજાર બ્રાહ્મણોની સર ભગને વરદી મુકી, પણ ઘણા ભૂદેવો તો મોટી દક્ષિણાની લાલચ પણ જતી કરીને પ્રલયની બીકે ‘દેશભેગા’ થઈ ગયા હતા. એ તો વળી, ભગનજૂથની મિલમાં કામદારો પૂરા પાડનાર કૉન્ટ્રેક્ટરોએ આ ભૂદેવો પૂરા પાડવાની જવાબદારી માથે લીધી ન હોત તો યજ્ઞ જ થઈ શક્યો ન હોત. એ કૉન્ટ્રેક્ટરોએ બહારગામથી બ્રહ્મપુત્રોને મોટીમોટી દાનદક્ષિણા ને દાપાંની લાલચ આપી આપીને આયાત કરવા માંડેલા, તે રોજ સવારે સ્ટેશન પર ગાડીઓ ભરાઈભરાઈને ભૂદેવો આવવા માંડેલા.
ખાસ ગોરા લાટસાહેબ અને એમનાં મેમસાબના વિહાર માટે એક જમાનામાં જે ઉદ્યાન બંધાયેલું ત્યાં જબરજસ્ત રસોડાં શરૂ થઈ ગયાં. ગિરજો જાણે મોટો સરસેનાપતિ હોય એ ઢબે આજકાલ યજ્ઞની આ પૂર્વ તૈયારીઓ ઉપર દેખરેખ રાખી રહ્યો હતો. મહાયજ્ઞ અધિષ્ઠાતા તરીકે એનો રૉફ ને રૂઆબ માતાં નહોતાં. સહસ્ત્રચંડી માટે વિશાળ યજ્ઞવેદી બાંધવાનો કૉન્ટ્રેક્ટ તો ભગનજૂથના ખાસ બીલ્ડર્સ ઍન્ડ આર્કિટેકટર્સને અપાઈ ગયો હતો. તેઓ એક હજાર ઘડા થી સમાઈ શકે એવડો વિશાળ યજ્ઞકુંડ કલાત્મક ઢબે બાંધી રહ્યા હતા.
યજ્ઞનાં દર્શન કરવા અને પ્રલયમાંથી ઊગરી જવા ચારેક લાખ ભાવિકો આવશે, એવો સર ભગનનો અંદાજ હતો. ભગનજૂથની સઘળી મિલના કામદારોને અષ્ટગ્રહીને દિવસે ચાલુ પગારે રજા મળવાથી એમણે યજ્ઞમાં ફરજિયાત હાજરી આપવાની વ્યવસ્થા થઈ ચૂકી હતી. આવડા મોટા મનખામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનરને અરજી થઈ ચૂકી હતી. એમણે પોલીસનું ચોકિયાત–દળ અને સંખ્યાબંધ વાયરલેસ–વાન સહિતનું–વધારાનું કૂમકદળ પૂરું પાડવાનું વચન આપ્યું હતું.
સર ભગન આજકાલ બે મોરચા ઉપર ઝઝૂમતા હતા : અષ્ટગ્રહીની અનિષ્ટ અસર નિવારવાના યજ્ઞમોરચા ઉપર અને નવમા ગ્રહને–પ્રમોદકુમારને પ્રસ્થાપિત કરવા માટેના પુત્રીવિવાહના મોરચા ઉપર.