લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/રૂપિયો બદલાવો

વિકિસ્રોતમાંથી
← પ્રલય પહેલાં ગ્રહાષ્ટક વત્તા એક
રૂપિયો બદલાવો
ચુનીલાલ મડિયા
તિલ્લુનાં તિલ્લાણાં →







૬.
રૂપિયો બદલાવો
 

સહસ્ત્ર મહાચંડી યજ્ઞના સમાચાર છાપામાંથી વાંચીને આવી રહેલ અષ્ટગ્રહીના અંધકારમાં ડુબેલાં લોકોને જાણે કે આશાકિરણ જેવા પ્રકાશનો અનુભવ થયો.

યુદ્ધત્રસ્ત દુનિયાને શાંતિના સમાચાર મળે એવો આ અનુભવ હતો.

‘ધરતી હજી સાવ સાતાળ નથી ગઈ.’

‘પ્રલય સામે પાળ બાંધનાર, સર ભગન જેવા પરગજુઓ આ દુનિયામાં પડ્યા છે ખરા.’

‘અરે, આવા ધરમના થાંભલાના પુણ્યપરતાપે તો આ પૃથ્વી ટકી રહી છે.’

‘ધરતી કાંઈ. રસાતાળ થોડી ગઈ છે ? ભલે ને અષ્ટગ્રહી આવે કે સોળગ્રહી આવે. સહસ્ત્રચંડી યજ્ઞ થશે એટલે વિમલ તળાવ આડે સતની પાળ બંધાઈ જશે.’

આમ, સર ભગનની અખબારી જાહેરાતને ચારેય બાજુથી આવકાર મળી રહ્યો હતો.

‘આનું નામ મહાજનની મોટાઈ. પાપનો પોરો આવે ત્યારે મહાજન આડા ઊભીને કાયાના કોઠલા રચે.’

‘ને સર ભગન તો મહાજનના પણ મહાજન. એના વડવાઓએ તો રાણી વિક્ટોરિયાનેય નાણાં ધીરીને હિન્દુસ્તાનમાં ઇંગરેજનું રાજ ટકાવ્યું હતું.’

‘હવે આ શાંતિયજ્ઞ થાય પછી સાત સૂર્યગ્રહણ ભલે ને ઘેરાય. કોઈનો વાળ પણ વાંકો થાય તો કહેજો.’

ગમે તેમ પણ શાંતિયજ્ઞની જાહેરાત કરીને સર ભગને એક જ કાંકરે બે પક્ષી મારી લીધાં હતાં. પોતાની સલામતી ને સુરક્ષાની નેમ તો હતી જ. ઉપરાંત પોતાની મિલોમાંથી કામદારોને દેશાભેગા થતા અટકાવવાનો અર્થ પણ એથી સરી જ રહ્યો હતો.

તેથી જ સર ભગનના કેટલાક વિરોધીઓ અને નાસ્તિકોએ તો એમના પર દોષારોપણ પણ કરવા માંડ્યું :

‘એ તો મિલોમાં ત્રીજી પાળીમાં કામદારો આવ્યા નહોતા એટલે જ સર ભગને આ યજ્ઞની જાહેરાત કરી.’

‘ધરમને નામે કરમ સાધી લેવાનો જ આ કીમિયો.’

આવા હેત્વારોપણને સમર્થન મળી રહે એવા પુરાવા પણ સાંપડી રહ્યા. આમેય, સામાન્ય માનવીઓ જેને પોતાનો દેશ કે વતન ગણતા હતા એ દૂરદૂરનાં ગામડાંઓમાં વેપાર-રોજગાર જેવું કશું હતું નહિ, આવકનાં સાધનો નહિવત્ હતાં, તેમને તો આવી સ્થિતિમાં તળાવ ફાટવાની બીકે અને અષ્ટગ્રહીની અન્ય આફતોથી ગભરાઈને ગામડે ચાલ્યા જવામાં કદાચ જાનની સલામતી સચવાય તો પણ ત્યાં જઈને ભૂખમરો જ વેઠવાનો હતો. આવી મનોદશામાં અષ્ટગ્રહીની શાંતિ કાજેના હોમહવનના સમાચાર એમને માટે રાહતરૂપ નીવડ્યા. સર ભગને જાહેર કરેલો મહાન યજ્ઞ અષ્ટગ્રહીના કોપને શાંત કરવા જ યોજાયો છે એવી હવા જામવા લાગી. અને અભણ, અજ્ઞાન, અંધશ્રદ્ધાળુ લોકોની ગામડાંઓ ભણીની હિજરત ઓસરવા લાગી.

‘હવે તે જીવીશું તોય અહીં જ, ને મરીશું તોય અહીં જ,’ એવા ફરજિયાત નિર્ધાર સાથે લોકો ચંડીયજ્ઞમાં બીડું હોમવાની રાહ જોઈ રહ્યાં.

‘યજ્ઞમાં આહુતિ આપીને પાવન થઈએ પછી પ્રલય થાય તો પણ આપણને શાની આંચ આવે ?’

‘અરે, શાંતિયજ્ઞ થાય પછી પ્રલય થાય જ શાનો ? સહસ્ત્રચંડી ચંડી યજ્ઞ એટલે શું એ સમજો છો ? એક હજાર ઘડા તો એમાં ઘી હોમાશે.’

‘સતયુગમાં ધરમરાજાએ આવો જગન કર્યો હતો. ને હવે કળિયુગમાં સર ભગન આવું ધર્મકાર્ય કરી રહ્યા છે.’

‘સર ભગન પણ આ કળિયુગના ધર્મરાજ જ છે ને ?’

‘હા જ તો. નહિતર, આવા કલિકાળમાં આવાં ઇન્દ્રાપુરી જેવાં સુખચેન સાંપડે ખરાં ?’

સર ભગન આમ રૂઢિચુસ્ત અને જૂના જમાનાના, ઓલિયાદોલિયા જેવા આદમી હોવા છતાં અખબારી પ્રસિદ્ધિનું મૂલ્ય બરાબર સમજતા હતા. તેથી જ, ત્રીજી પાળીમાં કામદારોની ગેરહાજરી છે એમ જાણતાં જ એમણે સવારનાં અખબારોમાં શાંતિયજ્ઞના સમાચાર છપાવી નાખેલા. રાતે મોડું થઈ ગયું હોવાથી સેક્રેટરી સેવંતીલાલને જાતે જ છાપાંઓની કચેરીઓ પર દોડાવેલા. અને એમણે અપેક્ષા રાખી હતી એ પરિણામ સાચે જ સિદ્ધ થવા માંડ્યું.

રોજ ઊઠીને શહેરમાં જ્યોતિષીઓના વર્તારાઓ પ્રગટ થયા જ કરતા. કોઈ કહેતું હતું કે અષ્ટગ્રહીને દિવસે દરિયાનાં પાણી જમીન પર ફરી વળશે, સ્થળ ત્યાં જળ ને જળ ત્યાં સ્થળ થઈ જશે. કોઈ આગાહી કરતું હતું કે એ દિવસે ભયંકર ધરતીકંપ થશે અને ધરતી ઉપરતળે થઈ જશે. વિમલ તળાવને બદલે ત્રીજું વિશ્વયુદ્ધ જ ફાટી નીકળવાની પણ એક આગાહી હતી.

‘આ ત્રીજું વિશ્વયુદ્ધ તો રોકડી ત્રણ જ મિનિટ ચાલશે. એ ત્રણ મિનિટમાં તો ધરતીના ત્રણ ખંડ અણુબૉમાં ભસ્મીભૂત થઈ જશે.’

‘એ અણુબૉમની આગની જ્વાળા આપણને અહીં સુધી ભરખી જવાની છે.’

‘અરે ભાઈ, એ આગ સામે જ તો સર ભગને આ ચંડીયજ્ઞ યોજ્યો છે. કોપાયમાન દેવી પ્રસન્ન થશે તો અણુબૉમની આગ પણ કાંઈ કરી નહિ શકે.’

આજકાલ તિલોત્તમાની નૃત્યપ્રવૃત્તિ બહુ વધી પડી છે.

પુત્રી પ્રત્યે માયા, મમતા ને સહાનુભૂતિ ધરાવનારાં લેડી જકલને પણ આથી અચરજ થઈ રહ્યું છે.

‘અલી તિલ્લુ, સાથે અષ્ટગ્રહીનું મોત ગાજે છે ત્યારે તને હજી નાચવાકૂદવાનું કેમ સૂઝે છે?’

‘મોત તો આવવાનું હશે તો આવશે જ, પણ તેથી અત્યારથી ઠૂઠવો મૂકીને રડવા બેસું ?’

પુત્રોની આ દલીલમાં માતાને તથ્ય જણાતું હતું.

તિલ્લુનો ઓરડો તો રાત ને દિવસ નૃત્યના ઠેકાથી ગાજી રહ્યો છે. ત્યાં તે આઠેય પર જતિસ્વરમ્ ને તિલ્લાણાના બોલ ગાજી રહે છે.

માતા પૂછે છેઃ ‘અલી તિલ્લુ ! આ તેં શું માંડ્યું છે?’

‘રિયાઝ કરું છું, મમ્મી.’

‘પણ એકલીએકલી ?’

‘કરવી જ પડે, રોજેરોજ પ્રેક્ટિસ ન કરું તો જે શીખી છું એ પણ ભૂલી જવાય.’

‘તો પછી આ ઢોલક કોણ વગાડે છે ?’

‘એ તો ટેઈપ–રેકૉર્ડ કરેલ છે. ટેપ વગાડીને જ હું રિયાઝ કરું છું.’

‘બળી આ તારી રિયાઝ. પ્રમોદકુમાર આ બધું જાણશે તો તારી સામે પણ નહિ જુએ.’

‘એ વાતમાં શું માલ છે ? નર્તિકાને જોઈને તો ભલભલા તપસ્વી પણ તપોભંગ થઈ જાય, તો પ્રમોદકુમાર કિસ ગિનતીમેં ? વિશ્વામિત્ર જેવા ઋષિ પણ મેનકામાં મોહ્યા હતા કે નહિ ?’

અને તિલ્લુની આ દલીલ સાવ સાચી જ પડી. શ્રીભવનમાં પ્રમોદકુમારની અવરજવર વધી પડી.

સર ભગન પણ સુખદ આનંદનો આઘાત અનુભવી રહ્યા. જે યુવાન સામે તિલ્લુ કૃપાદૃષ્ટિ પણ નહોતી કરતી, એને હવે એ પ્રેમભરી આંખે પોંખવા લાગી છે.

આ સુખદ પલટો શાને આભારી હશે ? પુત્રી આટલી કહ્યાગરી શાથી થઈ ગઈ હશે ? ગિરજા ગોર જોડે વાતચીતમાં સર ભગને આ અચરજ વ્યક્ત કર્યું. ત્યાકે એ ભૂદેવે તો આ પરિવર્તનનો યશ પણ આકાશી ગ્રહોને જ આપ્યો.

‘શેઠ, તમારું ગ્રહમાન આજકાલ જોર કરે છે.’

‘અષ્ટગ્રહી આવી રહી છે, તોપણ ગ્રહમાન જોર કરે ?’

‘કેમ નહિ? તમે સહસ્ત્રચંડીનો શુભ સંકલ્પ કર્યો એ જ મોટામાં મોટી ગ્રહશાંતિ ગણાય. અને એનું શુભ ફલ આવવાની શરૂઆત તો થઈ પણ ગઈ.’

‘પ્રમોદકુમારની જન્મકુંડલી...’

‘હું જોઈ ગયો છું.’

‘તિલ્લુના જન્માક્ષર...’

‘મેં સરખાવી લીધા છે.’

‘લગ્નયોગ કેવોક છે ?’

‘ઠીકઠીકનો.’

‘ક્યારે ?’

‘બે વાત છે.’

‘શી રીતે ?’

‘એમ કે લગ્ન થાય તો આ અષ્ટગ્રહીની આસપાસમાં જ થઈ જાય. અને ન થાય તો...’

‘તો ? તો શું ?’

‘ન થાય તો પછી ક્યારેય ન જ થાય.’

‘અરે, એવું તે હોય !’

‘આ ગ્રહોની દુનિયામાં તો એવું જ બને. અણીનો ચૂક્યો સો વરસ જીવી જાય.’

સર ભગનને ઘડી વાર પહેલાં અનુભવવા મળેલો સુખદ આનંદનો આઘાત ઓસરી ગયો અને એની જગ્યાએ હવે નર્યો દુઃખદ આઘાત જ બાકી રહ્યો.

તો હવે એ લગ્નયોગનો શી રીતે લાભ લેવો એ એક જ પ્રશ્ન સર ભગનને મૂંઝવી રહ્યો.

‘શેઠ, હું તો કહું છું કે અષ્ટગ્રહી પહેલાં જ એ શુભ પ્રસંગ પતાવી નાખો. ધરમના કામમાં ઢીલ સારી નહિ.’

કુળગોરની દોરવણી અનુસાર સર ભગને સાચે જ પુત્રીના વિવાહ માટે શેઠ પ્રકાશચન્દ્રને ત્યાં માગું મોકલાવ્યું.

‘તમારા પ્રમોદરાય જોડે અમારી તિલોત્તમાનો રૂપિયો બદલાવો.’

આ કહેણમાં વાસ્તવિકતા હતી અને વ્યંગ પણ હતો. ઔદ્યોગિક આલમનાં પ્રકાશજૂથ અને ભગનજૂથ સંલગ્ન થાય એમાં રૂપિયો તો સંડોવાયો જ હતો, પણ વાસ્તવમાં એ બદલાવાને બદલે બેવડો થાય એમ હતો. ભગનજૂથનું આખેઆખું ઔદ્યોગિક સામ્રાજ્ય તિલોત્તમા વાંકડા તરીકે લઈ જવાની હતી.

હવે બનવાકાળ છે, તે બન્યું એવું કે એક સવારે સર ભગન દામા પારેખ પાસે દાઢી કરાવતા હતા અને પોતાના આખરી વસિયતનામા ઉપર છેલ્લું મત્તું મારવા અને બધું કાયદેસર જડબેસલાક કરી નાખવા માટે બૅરિસ્ટર બુચાજીને બોલાવેલા. આગલે અઠવાડિયે શેઠજીએ બુચાજીને હાથે પોતાની સઘળી મિલકતોની માલિકીબદલી કરાવી નાખી ત્યારથી જ એ ગરીબડા ને બેકાર જેવા ધારાશાસ્ત્રીના દિલની ધડકન તો વધી જ ગઈ હતી. એક તો પોતે કુંવારો ને એમાં પાછો કડકાબાલુસ હોવાથી એનાં દિલ ને દાઢ બેઉ સળકી રહ્યાં હતાં.

બુચાજી આવી મન:સ્થિતિમાં મુંઝાઈ રહ્યા હતા એવામાં જ સર ભગને એમની હાજરીમાં જ પ્રકાશશેઠને ફોન કર્યો, અને પેલો રૂપિયો બદલવાના સાનુકૂળ સુમૂહૂર્ત અંગે પૃચ્છા કરી. સામેથી શો ઉત્તર મળ્યો એ તો બુચાજીને પૂરું સમજાયું નહિ, પણ આટલી અપૂર્ણ માહિતીએ એના દિલના ધડકારા બમણા કરી મૂક્યા.

ક્ષણ વાર તો બૅરિસ્ટરને થયું કે હાય, આ આખુંય ઔદ્યોગિક સામ્રાજ્ય પ્રકાશશેઠને ઘરે જ ગયું કે શું |

અને બીજી જ ક્ષણે એને એમ પણ થયું કે બેટા, બુચાજી, તારામાં કાંઈ પાણી બળ્યું છે કે નહિ ? જિગર હોય તો તું જાતે જ તિલ્લુ જોડે આદરાઈ જા !

વસિયતનામા ઉપર અત્ર મત્તુ, તત્ર શાખ કરીને શેઠે સેવંતીલાલને હુકમ કર્યો :

‘આ વિલ બૅંકના વૉલ્ટમાં મૂકી રાખો. મારી રજાકજા થાય ત્યારે જ એ બહાર કઢાવજો.’

સેવંતીલાલ વસિયતનામાનો લિફાફો લઈને બહાર ગયા ત્યારે બુચાજીને લાગ્યું કે એ લિફાફામાં મારું કિસ્મત પણ પુરાઈ ગયું છે, અને એ હવે બૅંકની ઠંડીગાર પેટીમાં કાયમને માટે દફન થવા જઈ રહ્યું છે.