લખાણ પર જાઓ

ગ્રહાષ્ટક વત્તા એક/પ્રલય પહેલાં

વિકિસ્રોતમાંથી
← બુચાજીનું સ્વપ્ન ગ્રહાષ્ટક વત્તા એક
પ્રલય પહેલાં
ચુનીલાલ મડિયા
રૂપિયો બદલાવો →







પ.
પ્રલય પહેલાં ?
 

‘પ્રલય ! ...પ્રલય !’

અષ્ટગ્રહ યુતિની અસરો અંગે આગાહી કરતાં કરતાં ગિરજો ગોર વાક્યમાંના પૂર્ણ વિરામની પેઠે જ પ્રલય શબ્દનો ઉપયોગ કરતો હતો.

‘સર્વનાશ ! સર્વનાશ !’

વાક્યમાંના અર્ધવિરામ તરીકે એ સર્વનાશનો ઉચ્ચાર કરતો હતો.

‘સાત ગ્રહ ભેગા થયેલા ત્યારે કૌરવ–પાંડવનું યુદ્ધ થયું હતું. આ વખતે તો આઠેઆઠની યુતિ છે. મહાભારતને પણ ભુલાવે એવો સંહા૨ સ૨જાશે.’

ભગન પોતાના કુળગોરને શ્રીમુખેથી એક પછી એક વિગત સાંભળતા જતા હતા, અને અંગેઅંગમાં થરથરતા જતા હતા. જીવનની ક્ષણભંગુરતાનું આવું તીવ્ર ભાન એમને અગાઉ કદીય થયું નહોતું.

લેડી જકલ પોતાના જીવનનો એશ અને આનંદ ઉડાડી મૂકનારા પેલા દૂરદૂરના ગ્રહોને મનમાં ભાંડી રહ્યાં હતાં. મૂઓ એ બુધ ને મૂઓ એ શુક્ર...માંડ ઠરીને શાંતિથી રહેતાં હતાં એમાં એમણે આઠેયે ભેગા થઈને વિઘ્ન ઊભું કર્યું.

અષ્ટગ્રહની આગાહીથી આ દુનિયામાં વધુમાં વધુ દુઃખ લેડી જકલ ઉપર જ ઊતર્યું હોય એમ લાગતું હતું. એમાં મોટામાં મોટું દુઃખ તો હવે પૃથ્વીનો પ્રલય થઈ જાય તો પોતાને ટૅનિસ રમવા નહિ મળે એ બાબતનું હતું. એ પછી બીજા નંબરનું દુ:ખ તે હવે પછી પોતાને ચિકી ખાવા નહિ મળે એ બાબતનું હતું. લેડી જકલના જીવનની સબળમાં સબળ નબળાઈ જીભની એટલે કે સ્વાદની હતી. જીવનમાં એમણે સઘળાં ક્ષેત્રોમાં જીત મેળવી હતી. પૈસો, પતિ, નાઈટહૂડ, ગાડીઘોડા, વાડી–વજીફા, નોકર–ચાકર, સઘળા મોરચાઓ ઉપર એમને જ્વલંત વિજય સાંપડેલો. એક માત્ર સ્વાદેન્દ્રિયને તેઓ જીતી શક્યાં નહોતાં. એમની જીભ ખટરસ નહિ પણ અપરંપાર રસોના આસ્વાદ માટે હરહંમેશ તલસતી રહેતી. એ તીવ્ર સ્વાદેન્દ્રિયને કારણે જ લેડી જકલે રસો વૈ સઃ સૂત્રને પોતાના જીવનમાં મુદ્રાલેખ જેવું ગણ્યું હતું. એમનાં સર્વ પ્રિય ખાદ્યોમાં લોનાવલાની ચિકીનું સ્થાન સર્વોપરી હતું. શીંગ, બદામ અને કાજુની ચિકી લોનાવલાથી તાઝા–બ–તાઝા ને નૌ–બ–નૌ રોજ રોજ આંગડિયા જોડે મંગાવવાની વ્યવસ્થા આજે વર્ષોથી અમલમાં હતી.

લેડી જકલનાં પ્રિય ખાદ્યોમાં ચિકી પછી બીજે નંબરે આંબલીના કચુકાનું સ્થાન આવતું. કચૂકાનો ઉપયોગ તેઓ માત્ર મુખવાસ તરીકે જ નહિ પણ મુખ્ય વાનગી તરીકે પણ કરતાં. ઘણીય વાર તેઓ એકલા કચૂકા વડે જ પેટ ભરી લેતાં, અને ત્યારે સર ભગનના ફેમિલી ડૉકટર ડેબુની દોડધામ વધી જતી. તેથી જ, અષ્ટગ્રહ યોગમાં કાંઈ ઊંધું ચતું થઈ જાય તો મારાં ચિકી ને કચૂકાનું શું થશે એવી બાલિશ નહિ પણ બૈરકશાઈ ચિંતા અત્યારે લેડી જકલને અકળાવી રહી હતી.

‘લેડી જકલ, તમારો તો જીવ જ ચિકી ને કચૂકામાં રહી જવાનો છે.’ પત્નીની ચિંતાતુર મુખમુદ્રા નિહાળીને સર ભગન બોલી ઊઠ્યા.

‘તે તમને તમારી ચિરૂટ વહાલી એમ અમને અમારી ચિકી વહાલી.’

‘મેં તો ચિરૂટમાં ક્યારની દીવાસળી ચાંપી દીધી છે.’

‘તે દીવાસળી ચાંપ્યા વિના તો એમાંથી ધુમાડો નીકળે જ શાનો અને ધૂમ્રપાન થાય જ કેમ કરીને ?’

‘અરે મારો ઝાડુ ધૂમ્રપાનને; મેં ચિરૂટમાં દીવાસળી ચાંપી, એટલે એ પીવા માટે નહિ.’

‘ત્યારે ?’

‘ગટરમાં પધરાવવા.’

‘અ૨૨૨૨ ! ગટર ગંધાઈ ઊઠશે.’

‘શાથી ?’

‘તમારી ચિરૂટની ગંધાતી વાસથી. આજ સુધી તમારું મોઢું જ વાસ મારતું હતું.’

‘વાસ ? કેવી વાસ ?’

‘પેલા રામમૂર્તિના સર્કસમાં સિંહના પાંજરામાંથી માથું ફાટી જાય એવી વાસ આવતી, એવી જ તમારા મોઢામાંથી......’

‘છિ: છિ: ! તમને તમાકુની એલર્જી છે એટલે જ આમ બોલો છો, લેડી જકલ.’

‘મને એકલીને જ તમાકુની એલર્જી હશે ? પેલા દામા પારેખને તો મારી પેઠે તો એલર્જી નથી ને ?’

‘તે એનું વળી શું છે ?’

‘એને પણ તમારી દાઢી બોડતાં બોડતાં એટલી જ દુર્ગંધ આવે છે. મહેતર મેલું કાઢતો હોય એમ આડું મોં કરીને અસ્તરો ચલાવતો હોય છે.’

‘કોઈ દહાડો આડું અવળું બોડી નાખશે તો હું જાનથી જઈશ... અસ્તરાનો ઘા તો તલવાર કરતાંય વધારે ઊંડો ઊતરે.’

‘પણ હવે તમારે કેટલા દિવસ દામાના હાથમાં માથું ધરવાનું છે તે ફોગટની ચિંતા કરો છો ?’

‘કેમ ? કેટલા દિવસ એટલે ?’

‘આ ચોથી ફેબ્રુઆરીએ તો દુનિયા આખીનો જ ઘડોલાડવો થઈ જવાનો છે ને ? પછી દામો પારેખ પણ નહિ રહે ને એનો અસ્તરો પણ નહિ રહે.’

‘પણ એ રહે ત્યાં સુધી તો મારે ચેતતા રહેવું પડશે ને ?’

‘દામાના અસ્તરાનું એકસ્ટ્રા રિસ્ક તો એલ. આઈ. સી.વાળાઓ પણ કવર નથી કરતા.’

‘દામાનો અસ્તરો તો બહુ તેજીલો હો શેઠ !’ ગિરજો વચ્ચે બોલ્યો. ‘આ મારી દાઢી બોડી, આડી ને ઊભી, પણ દામાનો જીવ સાવ ચપટીક હોં શેઠ !’

‘કેમ ? તને શું વાકું પડ્યું ?’

‘સાબુ મૂળેય ન વાપરે. સાચોખોટો પીછો ફેરવીને પાછો નકરું પાણી ચોપડીને જ અસ્તરો ઊઝરડે...આ દાઢીની ચામડી હજી ચચરે છે.’

‘તારી એ દાઢી નહોતી, પણ જંગલ હતું, જંગલ. એ બોડવા માટે અસ્તરાને બદલે બુલડોઝર ચલાવવું પડે.’

‘અરેરે ! મારા ચતુર્માસના પંચકેશ...દામા પારેખે પલક વારમાં હરી લીધા.’

‘અલ્યા, પણ આખી પૃથ્વીનો પ્રલય થવાનો છે. પછી તારા પંચકેશને ક્યાં રડવા બેઠો ?’

‘એટલે જ તો હું તમને ક્યારનો કહી રહ્યો છું, શેઠ, કે પ્રલય સામે પ્રાયશ્ચિત્ત કરો.’

‘કેવી રીતે ?’

‘સહસ્ત્રચંડી શાંતિયજ્ઞ કરીને.’

‘હવે ઘરણટાણે ?’

‘તે અષ્ટગ્રહ યુતિ સાથે સાચે જ સૂર્યગ્રહણ પણ છે જ. ગ્રહણનો વેધ આપણા દેશમાં નહિ દેખાય, પણ એથી કાંઈ એની અનિષ્ટ અસરમાંથી આપણે થોડાં બચી શકીએ ?’

‘દે દાન છૂટે ગિરાન જેવું કરવું પડશે.’

‘પણ આ ગ્રહ કાંઈ સામાન્ય નથી. એનો વેધ પણ વધારે છે. એમાંથી છૂટવા માટે તો અસાધારણ દાન કરવું પડશે.’

‘અન્નદાન ?’

‘નહિં.’

‘વસ્ત્રદાન ?’

‘આમાં ન ચાલે.’

‘તાંબાદાન કે રૂપા-દાન !’

‘આ કાંઈ મામૂલી ગ્રહણ નથી, શેઠ.’

‘સુવર્ણદાનની વાત છે !’

‘એટલેથી રાહુને સંતોષ ન થાય. આ તો પાંચ હજાર વર્ષ પછી આવેલું અસાધારણ ગ્રહણ છે.’

‘તો પછી શાના દાનની વાત કરે છે ? એ તારા ગ્રહણમાંથી સૂરજદેવને કન્યાદાન સિવાય બીજું કોઈ પણ દાન આપવા હું તૈયાર છું.’

આટલું કહીને સર ભગને તિલોત્તમા ભણી જરા સંશયગ્રસ્ત અને સૂચક નજર ફેંકી.

કન્યાદાનને ઉલ્લેખ સાંભળીને તિલોત્તમા લોકરૂઢિ મુજબ જરા લજ્જા અનુભવવાનો ડોળ કરી રહી.

આથી, સર ભગને પોતાના નિવેદનમાં સુધારો જાહેર કર્યો.

‘કન્યાદાન પણ આપું, પણ પેલા કપાતર કંદર્પને તો ધોળે ધર્મે પણ નહિ. સમજી ને ?’

‘તો પછી કોને આપશો ?’

‘પ્રમોદરાયને.’

‘પપ્પા, એ પ્રમોદરાયને તે અમે બધી બહેનપણીઓ પ્રમાદધન જ કહીએ છીએ.’

‘તે ભલા હું એમ પૂછું, કે પ્રમાદધન શો ખોટો હતો ? પેલા તમારા મોટા મહાત્મા સરસ્વતીચન્દ્રે તો કુમુદસુંદરીને ૨ઝળાવી. ત્યારે પ્રમાદધને ભલા જીવે એનો હાથ ઝાલ્યો એટલો એનો ઉપકાર તો ગણો ! એટલે જ તો કુમુદસુંદરી કહ્યા કરતી હતી કે પ્રમાદધન મુજ સ્વામી સાચા.’

‘અરે, આ ગ્રહાષ્ટકની સામી ઝાળ લગ્ન જેવા શુભ કાર્યની વાત જ ન કરાય.’ ગિરજાએ કહ્યું.

પ્રમોદરાય એટલે પ્રકાશ ઔદ્યોગિક જૂથના વારસદાર. દેશના ઔદ્યોગિક ક્ષેત્રે બળિયા જોધ્ધા બે જેવાં બે ઔદ્યોગિક જૂથો કામ કરતાં હતાં : ભગનજૂથ અને પ્રકાશજૂથ. દેશની નેવું ટકા મિલકત અને રાષ્ટ્રીય આવક આ બે જૂથોની તિજોરીમાં જ ઠલવાતી હતી. સર ભગનના મનની મુરાદ એવી હતી કે તિલ્લોત્તમા પ્રમોદરાયને પરણે અને એ રીતે આ બેઉ ઔદ્યોગિક જૂથો સંલગ્ન થઈ જાય તો રાષ્ટ્રની પેલી નેવુંયે નેવું ટકા આમદાની બે કુટુંબની તિજોરીઓમાં વહેંચાઈ જવાને બદલે આખરે એક જ તિજોરીમાં જમા થઈ રહે.

સર ભગન હજી આ યોજનાના અમલને પંથે હતા એવામાં શ્રીભવનમાં અને તિલ્લુના જીવનમાં કથકલિનર્તક કંદર્પકુમારે પ્રવેશ કર્યો. અને લગનમાં વઘન જેવું થઈ પડેલું. સર અને લેડી બેઉની ઊંધ હરામ થઈ ગયેલી. એ તો વળી ઈશ્વરે તિલ્લુને સદ્‌બુદ્ધિ સુઝાડી તે એણે છેલ્લી ઘડીએ કંદર્પકુમારને સમુહોર્તમ્ શુભ લગ્નમ્‌ના શુકનવંતા શ્રીફળને બદલે પ્રેમવિચ્છેદનું પાણીચું જ પરખાવી દીધું. અને એ નટરાજનો આ બંગલામાંથી કાયમને માટે ટાંટિયો કાઢ્યો, ત્યારે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. સર ભગને પુત્રીને પોતાની કાયદેસરની વારસ બનાવી દીધી. હવે એ પ્રમોદરાય જોડે પરણે તો ભગન ઔદ્યોગિક જૂથની સઘળી અસ્કયામત એ કરિયાવરમાં જ લઈને જાય, એવો સુંદર ઘાટ બૅરિસ્ટર બુચાજીની કાનૂની સલાહ અનુસાર ઘડાઈ ગયો.

તિલ્લુએ કંદર્પકુમારનો સ્વેચ્છાએ અને સ્વયંભૂ ત્યાગ કરી દીધો તેથી સર ભગન એવા તો ખુશ થયા હતા કે પુત્રી ઉપર તેઓ ઓળઘોળ કરી જવા તૈયાર હતા. અષ્ટગ્રહીમાં પોતાને કશી રજાકજા થાય તો સઘળી માલમત્તા કાયદેસર રીતે તિલ્લુને જ મળે એવી પાકી જોગવાઈ એમણે કરી નાખી હતી. અને હવે પુત્રી પ્રમોદરાય જોડે પરણવા તૈયાર થાય તો તો સર ભગનને સ્વર્ગ વેંત એક જ છેટું રહે એમ હતું. એમણે લેડી જકલ મારફત એ દાણો દાબી જોયો હતો અને જાણવા મળ્યું હતું કે કંદર્પકુમારના નાચણવેડાથી તિલ્લુ એવી તો વાજ આવી ગઈ છે કે હવે પ્રમોદરાય જોડે પરણવાની એ ના નહિ પાડે.

તેથી જ અષ્ટગ્રહીનાં ઘેરાઈ રહેલાં કાળાં વાદળોમાં સર ભગનને આ એક રૂપેરી કિનાર દેખાતી હતી. પુત્રી એક વાર પ્રમોદરાય જોડે થાળે પડી જાય તો પછી પૃથ્વીનું તો જે થવાનું હોય તે ભલે થાય. આજે સર ભગનને વ્યાપાર–ઉદ્યોગક્ષેત્રે કોઈ હરીફ હોય તો તે પ્રકાશજૂથના ઉદ્યોગો. ભગનજૂથ અને પ્રકાશજૂથ એ બળિયા જોદ્ધા જેવાં બે કુટુંબના હાથમાં દેશ આખાના અર્થતંત્રની લગામો હતી. આ બે જૂથે એકબીજાની હરીફાઈમાં શક્તિઓ વેડફી નાખવાને બદલે સાથે મળીને કામ કરે તો ? તો તો દેશની આર્થિક સૂરત જ બદલાઈ જાય ને ?

સર ભગન આજ સુધી દેશના શાહ-સોદાગર બન્યા હતા, પણ કદી શહેનશાહ નહોતા ગણાયા. દેશ ઉપર એકચક્રે આર્થિક રાજ્ય કરીને આખા અર્થતંત્રને પોતાની આણ તળે લાવવાના એમને કોડ હતા. એને નજર સામે રાખીને તો એમણે કાપડથી માંડીને કાથી સુધીના ઉદ્યોગો સર કરી લીધા હતા. કાપુસ–કરિયાણાથી માંડીને નાળિયેર–સોપારી સુધીનાં બજાર ઉપર એમનો કાબૂ હતો. એની તેજીમંદીની ઉથલપાથલમાં તેઓ ભલભલા ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરી શકે એમ હતા. આવા શક્તિમાન ઉદ્યોગપતિને દેશ ઉપર એકચક્રે આર્થિક શાસન કરીને ચક્રવતી બનવાના એમને અભિલાષ હતા. એ અભિલાષ ફળું ફળું થઈ રહ્યા હતા ત્યાં જ આ ઘરણટાણે સાપ સમી અષ્ટગ્રહ યુતિ આવી પડી હતી.

‘શેઠ, હવે તો એક જ ઉપાય છે,’ ગિરજો કહેતો હતો.

‘શો ?’

‘અષ્ટગ્રહયુતિ સામે સહસ્ત્રચંડી શાંતિયજ્ઞ કરીએ.’

‘પણ એથી ઓછી મહેનત કાંઈ થાય એમ નથી !’

‘એમાં મહેનત શાની, શેઠ ? યજ્ઞમાં મંત્રો તો અમે બ્રાહ્મણ જ બોલવાના. તમારે તો માત્ર બેઠેબેઠે બલિ જ હોમવાનો.’

‘પણ એટલો બધો વખત હું ચિરૂટ પીધા વિના બેસી નહિ શકું.’

‘તે તમને ચિરૂટ પીવાની છૂટ આપીશું.’

‘અરે, ચંડીયજ્ઞમાં તે ચિરૂટ પિવાય ? માતાજી કોપે નહિ ?’

‘એનું પ્રાયશ્ચિત્ત હું કરી લઈશ, ને માતાજીનો કોપ શાન્ત પાડી દઈશ. પણ એક સહસ્ત્ર ઘડા ઘી હોમીને સહસ્ત્રચંડી યજ્ઞ કરો તો આઠેઆઠ ગ્રહો શાંત થઈ જાય, અને આપને મનવાંછિત એવો નવમો ગ્રહ પણ આવી મળે.’

‘કોણ?’ સર ભગને મરકમરક હોઠ હલાવતાં પૂછ્યું.

‘આપના મનમાં જેની વાંછના છે, એ જ મનવાંછિત...’

‘પ્રમોદરાય ?’

‘હવે સમજ્યા, મારા શેઠ !’ ગિરજો બોલી ઊઠ્યો.

પ્રમોદરાયનું નામ સાંભળીને તિલ્લુએ કાયદેસરનું મરકલડું વેર્યું અને પછી ઊભી થઈ પોતાના ઓરડા તરફ ચાલી ગઈ.

લેડી જકલ અને સર ભગન બેઉ પુત્રીની આ સૂચક વિદાયને અદકી સૂચક નજરે અવલોકી રહ્યાં. પ્રમોદરાયનો નામોચ્ચાર સાંભળીને લજ્જાશીલ ને સંસ્કારશીલ પુત્રી શરમાય છે તેથી એ ઊભી થઈને ચાલી ગઈ એવું અનુમાન તેઓ કરી રહ્યાં. હવે પ્રમોદરાય જોડે પુત્રીનું પાણિગ્રહણ થાય તો તો સોનામાં સુગંધ મળે, એવી લાગણી સર ભગન અનુભવી રહ્યા.

‘કરી નાખો, શેઠ, કરી નાખો.’

‘શું ? તિલ્લુનો વિવાહ !’

‘એ તો થવાનો જ છે ને ? આજે નહિ તો કાલે થશે. ડોસી કુંવારી રહી એમ ક્યાંય સાંભળ્યું છે ?’

‘પણ તિલ્લુ ડોસી થાય ત્યાં સુધી શું હાથ જોડીને બેઠાં રહીએ ?’

‘અરે, તિલ્લુબહેનનો તો તાત્કાલિક લગ્નયોગ હોય એવું મને વરતાય છે.’

‘શા ઉપરથી ?’

‘એમની જન્મકુંડળીના યોગ ઉપરથી. હું તો મારી નજર સામે જ એનો હથેવાળો થતો જોઈ રહ્યો છું.’

‘પણ હું હજી કેમ કાંઈ જોઈ શકતો નથી ?’

‘અરે મારા શેઠ, શુભ કામ બધાં શુભ ચોઘડિયે જ થાય. મંગળ ઘડી આવી પહોંચશે ત્યારે તમને ખબરેય નહિ પડે.’

‘ના, એમ નહિ. મારે ખબર રાખવી છે. એમ મારી જાણ બહાર કોઈ હાલીમવાલી જોડે એ વીંટી બદલી નાખે એવાં લગ્ન....’

‘ગાંધર્વ લગ્ન કહેવાય.’

‘એ ગધેડિયાં લગ્ન મને ન પોસાય. હું આ મારે સગે હાથે જ કન્યાદાન આપું ત્યારે જ એને સાચું ન ગણું.’

‘સાહેબ ! સાહેબ !’ સેક્રેટરી સેવંતીલાલ દીવાનખાનામાં ધસી આવ્યા.

‘શું છે?’ ભગને પૂછ્યું.

‘મિલમાંથી ફોન હતો.’

‘કોઈ કામદાર સાપ્ટિંગમાં આવી ગયો ?’

‘ના.’

‘કોમ્યુનિસ્ટોએ બોઈલરમાં બોમ્બ ફોડ્યો છે ?’

‘ના.’

‘તો શું માણસો કામે ચડવાની ના પાડે છે ?’

‘ના, સાહેબ, ના. મિલમાં કામદારો જ નથી આવ્યા, પછી કામે ચડવાની વાત જ કયાં રહી !’

‘યુનિયને હડતાલ પડાવી ?’

‘ના, આ તો મજૂર લોકો દેશભેગા થવા માંડ્યા છે.’

‘કેમ ? દેશમાં શું દાટ્યું છે ?’

‘દેશમાં તો કશું નથી, પણ અહીં દટણ સો પટણ જેવું થઈ જશે એવી બીકથી માણસો દેશભેગા થઈ રહ્યા છે. કહે છે કે ચોથી ફેબ્રુઆરીએ આઠ ગ્રહ ભેગા થશે ત્યારે વિમલ તળાવ ફાટશે અને બધું ડૂબી જશે.’

‘અરે, મજૂરો પણ ગભરાઈ ગયા છે ?’

ગિરજો વચ્ચે બોલ્યોઃ ‘શેઠ, જીવ તો એમને પણ વહાલો હોય ને ?’

‘પણ એથી આમ ગામ છોડીને નાસી જવાય ?’

‘એટલે જ તો હું કહું છું કે શાંતિયજ્ઞ કરી નાખો. સહસ્ત્ર મહાચંડી યજ્ઞ કરો તો ગ્રહોની શાંતિ થાય.’

સર ભગન મોંમાં ચિરૂટની જગ્યાએ તર્જની ટેકવીને વિચારમાં પડી ગયા. મિલોમાં કામદારોની ગેરહાજરીથી માંડીને આગામી જળપ્રલય સુધીના મુદ્દાઓ અને એના લાભાલાભનું તોલન કરી જોયું.

થોડી વારે એમણે હુકમની રાહ જોતા ઊભેલા મંત્રીને હુકમ કરી દીધો:

‘સેવંતીલાલ, એક્સપ્રેસ રિલીઝ તૈયાર કરીને હમણાં જ છાપાંઓમાં મોકલી આપો.’ ‘શું લખવાનું, સાહેબ ?’

‘અષ્ટગ્રહ યુતિની શાંતિ માટે સર ભગન તરફથી સહસ્ત્ર મહાચંડી યજ્ઞ થશે. સર્વ લોકો એનો ધર્મલાભ થઈ શકશે.’

‘ભલે સાહેબ.’

‘ને નાઈટ એડીટરોને ફોન કરી દો. સમાચાર મોટા ચોકઠામાં ગોઠવે.’

‘ભલે સાહેબ.’