ચિત્રદર્શનો/કલાપીનો સાહિત્યદરબાર

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← મહર્ષિ દયાનંદ સરસ્વતી ચિત્રદર્શનો
કલાપીનો સાહિત્યદરબાર
ન્હાનાલાલ કવિ
ગુર્જરી કુંજો →


દિન ગણન્તાં માસ, માસ ગણત વર્ષે ગયું.

વિરહવ્યાકુળો કાવ્યબોલ કહે છે કે આંગળિઓની રેખાએ રેખાએ દિવસો ગણ્યા, વેઢે વેઢે મહિના ગણ્યા, ટેરવે ટેરવે વર્ષો ગણ્યાં. જતી નાવડી જેવી એ તિથિ તો આઘી ને આઘી જાય છે. દિવસ ઉગે ને સ્‍હાંજ પડે તેમ તેમ એની પગલીઓ અનન્તના આરા ભણી સંચરે છે. પાણી ઓટનાં છે, દર્શન દૂર ને દૂર સિધાવે છે. અન્તરિયાળ કાળનાં અન્ધારાં ઉતર્યે સ્મરણો યે ઝંખવાય છે.

કલાપીનગરીના મહાજનો !

દલપતકવિતાએ મિત્રવિરહની એક ધા નાંખી છે કે

આજકાલની વાત, જોડ વરસ જાતાં રહ્યાં;
ભેળા થઈને, ભ્રાત ! ફરી ન બેઠા ફારબસ;

આ તો ચાર ચાર દાયકા વીતવા આવ્યા. સૈકાની સાથે એ આથમ્યો. મુજથી ત્રણ જ વર્ષપાંખડીએ એ મ્હોટેરો હતો. આજે હોય તો ૬૪ વર્ષની આયુષ્ય ઉમ્મરે ઉભો હોય-ાનુભવધીમ્ગો ને મહાજનોનો મોભી. સૂરજમાળાનો સૂર્ય હોત. પછી તો બે-બે પેઢીઓ ઉગી ને આથમી. એના બન્ને કુંવરોને ભણાવ્યા. કુંવરીની કંઈક શુશ્રૂષા કીધી, જામાતૃની સંભાળ લીધી, બન્ધુનો કર્તવ્યસંગાથ સાધ્યો, સાળાના સદ્‍ભાવ નીરખ્યા, મિત્રમંડળની મૈત્રી માણી, સાહિત્યસંગાથીઓ સંગાથે સોહાયો. આજે એના પુત્રના યે પુત્રની મહેમાનીએ આવ્યો છું. એક જ-અને એના ઓરતા રહિ ગયા. મ્હારો સોરઠવાસ આરંભાયો ૧૯૦૪માં; ૧૯૦૦ માં એ વહ્યો હતો. હું ચારેક વર્ષ મોડો પડ્યો. At times Too Late is ever Too Late. અતોમોડું ક્ય્હારેક નિરન્તરનું અતિમોડું નીવડે છે.

ઘણાઓએ અને ઘણા ઘણા રાજદરબારો તો દીઠા હશે. રાજવીનો સાહિત્યદરબાર વિરલાએ નીરખ્યો હશે. દસરાની દરબારસ્વારીઓ નિહાળવાને જનમેદની નગર-નગરે જામે છે. રાજવીની સાહિત્યસ્વારી નીરખવાને કોક નગરી ભાગ્યશાલિની થાય. કલાપીનગરીના મહાજનો ! એ વિરલ સૌભાગ્ય ત્‍હમારાં છે. રાજરમતરંગીલાઓ કલાપીના રાજદરબારના રાજરંગો ભાખશે. આ સાહિત્યોપાસક તો કલાપીના સાહિત્યદરબારનાં દર્શન કરાવવાને આવ્યો છે. મહાજનો ! દેવ ત્‍હમારા છે, હું તો આગન્તુક પૂજારી છું, પૂજનભાવે આવ્યો છું. સાહિત્યનામ પૂજન મ્હારે જીવનસર્વસ્વ છે.

કોક સાહિત્યસ્વામીઓ સૂર્યતેજસ્વી હોય છે, કોક ચન્દ્રતેજસ્વી હોય છે. સૂર્ય તપતો હોય ત્ય્હારે તારલાઓ કંઈ આથમેલા હોતા નથી, તેજડૂબેલા હોય છે. ચન્દ્ર ઉગે ત્ય્હારે તેજબિમ્બનાં ઝુમખાં, ઝગમગિયા જેવાં ઝગમગે. કલાપી ચન્દ્રતેજસ્વી હતા; શીતળ ને નિર્મળ ચન્દનીધવળા ને મણિઉજ્જવળા. એની મધુરમધુરી તેજસ્વી નક્ષત્રમાળા ઝગમગતી. પેલી વિભૂતુયોગની પદાવલિ કલાપી કાજે યે ઉચ્ચારય કે

નક્ષત્રોમાં હું ચન્દ્રમા.

એ નક્ષત્રપતિની નક્ષત્રાવલિનાં દર્શને આજે જઈએ. સાહિત્યના ગ્રહો ઉપગ્રહો ને ઉગતા તારલાઓના ત્ય્હાં દર્શન થશે.

કલાપીના સાહિત્યદરબારમાં હતી રાજકુમારીઓ ને હતા રાજકુમારો. એક હ્તી નાગરવેલ શી નમણી સુન્દરતાની વેલ. એક હતો કાન્ત-સકલ કાન્તિમત્તાનો ભક્ત. એક હતો સર્વસંચારી સાહિત્યસ્વામી. એક હતો સિંહગર્જનાએ ગર્જતો સિંહનો બાળકો. જોબનઝૂલન્તાં હરણકાંઓ તો કંઈ કંઈ આવતાં ને જતાં. કલાપીના કલાપમાં અનેક સમાતા.

કલાપીના સાહિત્યદરબારનાં મહારાણી હતાં અમાબા. કચ્છનાં કોડ ને રૂપ હતાં, ઉછળતી દેહછટા હતી, સિંહણ સમો સીનો હતો. રમાબા હતાં જાજરમાન; ભલભલા કને માન મૂકાવે. આંખનાં આકર્ષણ પન સિંહણઆંખડીનાં હતાં. એમના બોલ ન્હોતા ઝરતા, આજ્ઞાટંકાર થતા. ભજન ગાય ત્ય્હારે પડઘા પડતા. મહેમાનોની મહેમાની એ રમાધર્મ હતો. નિર્ધારદૃઢતામાં આચળા સમું અચળત્વ, ભજનધૂનમાં રણકા સમો શબ્દગોરમ્ભો રાજરમતમાં અવસરજીતતાં જાદુ રમાબાનાં હતાં. રાજદરબારીઓ એ સહુ જાણતા ને સર્વે યે રમાવશ વર્તતા. સ્વયં કલાપીને રમાના ગુરુત્વાકર્ષણ ઘટા પેરે ઘેરી વળતાં. આદ્યશક્તિની રમાકુંવરી હતી: પ્રતાપી, શક્તિશાલિની, જયકલગી વરેલી.

અને શોભના હતાં સૌરભ ને સુગન્ધ. રમાબા હતાં આરસપ્રતિમા, શોભના હતાં ફૂલપાંખડી. શોભનાની સુકુમારતા સર્વવિદિત છે ધરતી ને આસમાન સમાં રમાશોભના વચ્ચે અન્તર હતાં. રમાબા હતાં ધારિત્રી સમાં દૃઢપ્રતિષ્ઠિત ને સંકલ્પસ્વામિની; શોભના હતાં આસમાન સમાં Illusive ને કિરણકુમળાં. પૃથ્વી ડગે તો રમા ડગે; કિરણ ઝલાય તો શોભના ઝલાય. પૃથ્વીને આકાશ અન્તરિયાળ-રમા ને શોભનાની વચ્ચે જીવનભર કલાપી હિન્ડોળા ખાતા હીંચકતા.

કુમાર કૉલેજના કલાપીમિત્રોની હતી એક રાજબેલડી: દરબારશ્રી વાજસૂરવાળા ને દરબાર શ્રી બાવાવાળા. સદ્‍ભાગ્યે વાજસુરભાઈ આજ આપણવાસી છે. પેલી સોરઠની ચાતુર્માસી સંન્યાસિણી નદીને આરે વડપીંપળમાં વસે છે, થિયોસોફીના ગ્રીષ્મવર્ગો ભરે છે. ધારે તો કલાપીસંભારણાંની સ્મરણઝડીઓ વરસાવે. બાવાભાઈ પ્રભાસના સાગરજળમાં પોઢ્યા. બન્ને ય હતા સાહિત્યરસિયા; રસને જાણતા અને માણતા. સોરઠવિખ્યત કાઠીવછેરાઓ જેવા થનગનતા ઉભય દરબારો તેજસ્વી, માનમરોડાળા, રોનકદાર હતા. શીંગાળા કાળિયાર ઉછળે એમ ઉછળતા ને છલંગો ભરતા, ક્ય્હારેક કાળિયારની પેરે શીંગડિયું યે દાખવતા. રાજકુમારોની મિત્રત્રિપુટિ મળતી ત્ય્હારે ત્ય્હારે અન્તરની ગુફાઓ ઉઘડતી ને અન્તર્યામી ઉંડાણની વાતું થાતી. પરસ્પરની વાતોના સૌ વિસામા હતા.

ક્ય્હારેક લઘુબન્ધુ વિજયસિંહજી એ સાહિત્યદરબારમાં ડોકિયું કરી જતા, ક્ય્હારેક સોનગઢથી યુવરાજ લખધીરજી કલાપીમહેમાનીએ પધારતા. પ્રાન્તબંગલો ત્ય્હારે સોનગઢમાં રાજમાતા સંગાથે સ્વયંલીધા દેશવટે હતા. મચ્છુના છીપરવાટે બેઠા બેઠા આજે યે લખધીર મહારાજ ગોહીલમહેમાનીનાં માણ્યાં સ્વપ્નાં સંભારે છે.

કલાપીના સાહિત્યદરબારમાં ગુરુપદે વિરાજતા હતા શ્રી મણિલાલ નભુભાઈ. અભેદોર્મિની ગઝલો ત્ય્હારે લોકગાજન્તી હતી. ગુલાબસિંહની નવલકથા આપણો બહુમૂલો ગ્રન્થવારસો છે. કાન્તા નાટકમાંનાં કાવુઅપુષ્પો સદા સૌરભવન્તાં મહેકશે. ઉત્તરરામનું ભાષાન્તર આપણી ભાષાન્તરમાળામાંનું જવાહીર છે; એની ભભક ત્ય્હારે નવભાતીલી હતી; સિદ્ધાન્તસાર મેસમેરિઝમ ઈમિટેશન ઑફ શંકર મણિલાલના ફિલસુફીમિનારાઓ છે. એમના ગીતાભાષ્યને ત્ય્હારે એમના સુદર્શન જેટલું સનાતનવાદી લોકવૃન્દ સન્માનતું. ગઝલો ગાવાની કાવ્યપ્રેરણા કલાપીને મણિલાલ કનેથી મળી હતી. મણિલાલે ઝનોનીનું ' ગુલાબસિંહ ' દીધું, તેમ કલાપીએ The Wreath & the Ring નું ' માલા ને મુદ્રિકા કીધું છે. મણીલાલનો બહુશ્રુતભાવ કલાપીને વન્દનીય હતો. શાંકરવેદાન્તહાકલ કલાપીએ સાંભળી હતી. ગોવર્ધનરામની ચિરંજીવ સત્ત્વશાલિતા કલાપીથી ન્હોતી ઝીલાઈ. મણિલાલની સર્વતોમુખતા કલાપીને મુગ્ધ કરતી. મણિલાલને કલાપીએ નિજ સાહિત્યગુરુપદે સ્થાપ્યા હતા. કલાપીએ મણિલાલનાં કવન ઝીલ્યાં હતાં, જીવન ઝીલ્યાં ન્હોતાં.

કલાપીનાં સાહિત્યદરબારની સૂરજમાળામાં બીજા તેજસ્વી ગ્રહ હતા કાન્ત-શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. ચાવંડમાં એમનું વતન, ને ચાવંડનું રેલ્વે સ્ટેશન છે લાઠી. ભવ્યમૂર્તિ, ચક્રાવઓ ખાતાં કીકીમંડળ, પ્રતાપી દેહમુદ્રા, કલાપીથી યે ઉંચેરા અને મહાકાય: કાન્ત કનેથી કલાપીને ખંડકાવ્યોની પ્રેરણા મળી, સુસ્વસ્તિ ધબ્દમાધુરી મળી, મોતીના દાણા જેવી અક્ષરાવલિ અને મહીંની સુકુમારતા મળી. કાન્તના વસન્તવિજય ને ચક્રવાકમિથુન તો આજ અર્ધી સદ્દી પછી યે ગુજરાતે અજોડ છે, પણ એ અજોડના જ જોડીભાવની છાયા હોય તો છે હૃદયત્રિપુટિ ને મહાત્મા મૂળદાસમાં, ભરત અને ગ્રામ્યમાતામાં. કાન્તની વાંચનશિલી યે સુમધુર હતી, શૈલી ને વર્ડ્ઝવર્થ ને સ્વીડનબર્ગમાંથી કલાપીને કાન્ત વાંચી સંભળાવતા. ત્‍હેનો મીઠડો મધુરવો કંઠરણકો કલાપીહૈયે જઈ ચિરંજીવ વાસો કરતો. કેકારવમાંનાં કુમાસ્ધ ને મધુરપ કાન્તઝીલેલાં કેટલાં હશે એનો તાગ આજ કોણ ક્હાડી આપે ? કલાપીને ગુજરાત ઓળખતું થયું કેકારવથી; અને કેકારવના સંગ્રહકાર હતા કાન્ત. ઠામઠામ વેરાયેલી કલાપીની કાવ્યપાંખડીઓને કાન્તે વીણી, સંગ્રહી, ગૂંથી, ને છપાવી, અને એમ મિત્રધર્મ પાળ્યો. મણિશંકરનો સાહિત્યસિક્કો વાગ્યો, ને આ સદીના આદિમાં કેકારવ લોકઝીલાતો ને દેશપ્રસિદ્ધ થયો. સાહિત્યદેશે કલાપીનું પ્રથમ કીર્તિમન્દિર ચણેલું મણિશંકરે.


કલાપી સાહિત્યદરબારમાં ત્રીજીજ્યોત હતી મસ્ત કવિની; જાણે યાળ ઉછાળતો સિંહનો બાળકો: શિલા સમો બાંધી દડીનો દેહસ્તંભ, કેસરી સમો અલમસ્ત અને મલપતો. પીચ્છછટા જેવા એના હાથ ઉછળે, વનરાજના હુંકાર સમી એની કાવ્યઘોષણા ગાજે, મસ્ત કવિ હતા વેદાન્તી. ને વેદાન્તી ભજનોના ભંડાર રમા ને કવિસ્‍હામસ્‍હાંમાં ભજનોનાં બ્રહ્માસ્ત્ર નાખતાં ત્ય્હારે કલાપીમહેલાતમાં બ્રહ્મઝદીઓ વરસતી. માથેરાનશિખરનાં ઝાડીઝુંડોમાં કવિને મંચલમાં પધરાવીને શોભના ને કલાપી કવિસ્વારીની આગળ આગળ ચાલતાં. મસ્ત કવિને કલાપી એમ લાડ લડાવતા. અને કવિએ પણ પછી કલાપીને લડાવવામાં કમીના કંઈ રાખી નથી. હૈયાધારાની જળધારીઓ કવિએ પછી કલાપીને ચ્હડાવી છે. ઘવાયેલો સિંહ ગર્જે એમ કલાપીમૃત્યુએ યમરાજવીંધેલા કવિ પછી ગર્જતા. કલાપીવિરહ ગાઈને કવિએ પછી કલાપીને બિરદાવ્યા ને બહલાવ્યા, કેકારવ સંગ્રહી ગૂંથી છપાવી કાન્તે કલાપીનું કીર્તિમન્દિર માંડ્યું; મસ્ત કવિએ મહીં હૈયા જેવડી સોનવેલની જળધારી ચ્હડાવી. અવિરત અશ્રુધારાએ કલાપીને કવિ વધાવે છે. મિત્ર મળજો તો એવા મળજો-કાન્ત ને મસ્ત કવિ જેવા; જેમને એક બક્ષિસ નિવાજી હોય તો સ્‍હામાં એ અમરત્વ બક્ષે.

અને એક હતા ત્ય્હાં સૌમ્યમૂર્તિ શાસ્ત્રીજી. શાસ્ત્રસૂનો કલાપીદરબાર ન શોભે. પ્રભુલાલ શાસ્ત્રી કુંડલાના વતની હતા, ભાગવતરસિયા હતા. એઘદૂતના ઘનપાઠી હતા, અને ' વૈદ હતા ' ને ' ભાગવતરસિયા હતા ' કહ્યું એટલે પ્રશ્નોરા હતા એ કહેવાઈ જ ગયું. પ્રભુલાલ શાસ્ત્રીની કુમાશ હતી શરતજળની સુજનતા હતી અગરચન્દનની. શાસ્ત્રીજી કલાપીને ગીર્વાણના ઓપ આપતા. કાલિદાસભવભૂતિ સંભળાવતા. કલાપી દેવ થયા પછી જાણે શાસ્ત્રીજીએ સાહિત્યસંન્યાસ લીધો હતો-સાહિત્યોપાસના અંગીકારી હતા. શાસ્ત્રીજીની સુકુમારતા કલાપીના મૃત્યુડંખનાં યમવિષ દીર્ઘકાળ જીરવી શકી નહીં. પછી પ્રભુલાલ શાસ્ત્રીને હસતા દીઠા છે; પણ એ હાસ્યરેખાઓમાં યે સદા વિષાદછાયા વસતી, દુનિયા એમને ઓછી અધૂરી ભાસતી. જેટજેટલો કલાપીએ પ્રેમ પાયો છે એટએટલાં કલાપીએ સ્વજનોને અશ્રુ પાયાં છે. દેહવાસી સહી; ગૃહવાસી નહિ; કલાપીહયાવાસી રાજમહેમાન હતા.

અને એક હતા જટિલ. જટિલ હતા મહુવાના સાગરતીરના વતની. એ યુગમાં સાહિત્યના સિતારા ગણાતા. જટિલપ્રાણબન્ધના કાવ્યસંગ્રહકર્તા. મહુવા મિડલ સ્કુલના હેડમાસ્તર હતા, થોડોક કાળ કલાપીના સાહિત્યમન્ત્રી હતા. મહુવાની એ મહાપુરુષોની ઋતુ હતી. આઠદશેકની મિત્રમંડળી એક ખાખીની ધૂણીએ જામતી, ને સહુ પછી નિજનિજના દિશામાર્ગમાં નામાંકિત નીવડ્યા. નીચે ખામણે, તીરછી નજરે, ઘૂંચવાયેલી ભમ્મરોએ જટિલમાં સરળતા ઓછી ભાસતી. હરિ હર્ષદ ધ્રુવના પરલોકવાસ પછી ચન્દ્ર માસિકનું તન્ત્રીપદ જટિલનું હતું. જટિલ ત્ય્હારે સાહિત્યજાણીતા હતા.

તે પછીની ખુરશીઓએ બેસતા'તા કલાપીના કાશ્મીર પ્રવાસના સંગાથીઓ જાની માસ્તર, જોશી માસ્તર, ને સંચિત-શ્રી રૂપશંકર ઓઝા. સંચિત એમનું ઉપનામ. એ ઉપનામે એ કવિતા રચતા. કલાપીના સાહિત્યદરબારે તેમ રાજદરબારે એમની પગદંડી હતી. સંચિત હોય તો કલાપીજીવનના કંઈક કોયડાઓની ઘૂંચો ઉકેલે. કલાપીના સાહિત્યદરબારમાંથી સંચિતને કાવ્યપ્રેરણા પ્રગટેલી. સંચિતદ્વારા શ્રી લલિતજીએ એ સાહિત્યદરબારમાં કંઈક ડોકિયાં કીધેલાં; પણ એમની ત્ય્હારે છે જ ઉગતી વય હતી. આઠેક વર્ષની હતેલી. રમણપૂતળી સમી શોભનાનાં સોળેક વર્ષના રાજકુમારને પ્રથમ આકર્ષણ ઉગ્યાં ત્ય્હારે કને બેઠા હતા તે જાની માસ્તર. કલાપીના ખાનગી શિક્ષક હતા, સાહિત્યરસિયા હતા. જોશી માસ્તર બાવાભાઈના ખાનગી શિક્ષક હતા, અને પછી વડિયે વતન કીધું હતું. રાજકોટમાં કૉલેજને પડખે લીમડીઉતારામાં કલાપી સહકુટુંબ રહેતા. એવામાં આંખો દુઃખવા આવી હતી; ત્ય્હારે માસેક દિવસ શ્રી હરિશંકર પંડ્યા કલાપીની આંખો થયા હતા, પંડ્યાજી વાંચતા ને કલાપી અવધારતા.


ક્ષત્રિયવટ્સનો યે કલાપીનો સાહિત્યદરબાર ન્હોતો. ક્ષાત્ર પિતાપુત્રની બે જોડલીઓ કલાપી સાહિત્યદરબારમાં બિરાજતી, અને એને મધ્યકાલીન ક્ષાત્રવટના વીરરંગે રંગતી. રવાજીમામા લીમડી ભાયાત હતા, હરપાળવંશી હતા, રમૂજી વડીલ હતા, રાજપૂતી જીનવટની પ્રતિમા હતા. ક્ષત્રિયવટની વાતો માંડી રવાજીમામા ક્ષાત્રભાવના જમાવતા. રવાજીમામાના કુંવર સરદારસિંહજી ત્ય્હારે મ્હારી ને મેરૂજીભાઈની હારે મુંબઈ એલફિન્સ્ટન કૉલેજમાં ભણતા, ગુજરાતી સભા ગજવતા, રજાઓ લાઠીએ ગાળતા, સદ્‍ભાગ્યે પછી સદાનો પારીસવાસ કીધો, ઝવેરી થયા, સમાજવાદની દીક્ષા લીધી. ફરી ગુજરાત દીઠો નથી.

અને બીજી પિતાપુત્રની બેલડ હતી કચ્છપત્રીના જાડેજાવંશી પ્રતાપભગવતની. પ્રતાપસિંહ જાડેજા રમાબાની સંગાથે કચ્છરોહાથી આવેલા. ભાષાકવિતાના રસિયા હતા.ચન્દરાસાના છન્દ લલકારે ને વ્રજભાષાનાં શૃંગારકવિતોએ સાહિત્યદરબાર રણકાવતા, વીર ને શૃંગારનાં છાંટણાં છાંટતા. પ્રતાપસિંહના પુત્ર ભગવતસિંહ પછીની વીશીમાં લાઠીના દીવાનપદે હતા.

કૉલેજકાળના બીજા બે કલપીગોઠિયા વિસારવા જેવા નથી. કલાપીની સગીરાવસ્થામાં કંઈક વર્ષો સંસ્થાનમેનેજર હતા આશારામભાઈ, ને આશારામભાઈની જોબનભરી પુત્રબેલડ હતી સુજનતાની મૂર્તિઓ. મૂળચન્દભાઈ ને લલ્લુભાઈ ત્ય્હારે કૉલેજવિદ્યાર્થીઓ હતા, વિદ્યાવ્યાસંગી હતા, સાહિત્ય રસિક હતા, ઉગતા તારલાઓ હતા. મૂળચન્દભાઈ પછી અમદાવાદ મ્યુનિસિપાલિટિના પ્રમુખ થયા હતા, સર લલ્લુભઈ પછી મુંબઈ હાઈકોર્ટના જસ્ટિસ અને ચીફ જસ્ટિસ થયા હતા. કૉલેજ રજાઓમાં કલાપીને એ બાંધવબેલડનો સાસ્ત્રસંગાથ સાંપડતો.

આશરામભાઈ અમદાવાદના હતા, સ્વામીસંપ્રદાયી હતા, સાહિત્યરસિયા હતા. સાહિત્યધામના એક બે ચાસ આશારામભાઈએ ખેડ્યા છે. આશારામભાઈની મહેમાનીએ કવીશ્વર દલપતરામ પણ આવતાજતા. અમારા મ્હોટાભાઈ એવામાં પેલી નમણી નાવલીને તીરે સાવરકુંડલે ન્યાયાધીશ હતા, ને કૂંડલાનું રેલ્વેસ્ટેશન ત્ય્હારે હતું લાઠી. કવીશ્વર સંગાથે આશાભાઈની મહેમાનીએ એકદા હું યે અંહી આવ્યો હતો. સ્‍હાંજને પહોરે પિતાપુત્ર અમે દરબારગઢ સન્મુખના ચોકમાં આશારામભાઈના આંગણે ઉતર્યા; સ્‍હવાર પડતાં તો ઘમઘમતું શીઘરામ શેત્રુંજીને માર્ગે પડ્યું. અતિથિ યે નહિ, એક રાત્રીના અમે આગન્તુક હતા. મે માસના લાંબા લાંબા દિવસો હતા. મૂળચન્દભાઈ ને લલ્લુભાઈ પિતાઘેર લાઠીમાં હતા. પડતી રાત્રીએ કવીશ્વરને મળવા કલાપી આવ્યાનું ઝાંખું ઝાંખું સાંભરે છે. આયુષ્યભરમાં અર્ધી સદ્દી પૂર્વેની આ આંખોને એજ એક કલાપીની ઝાંખી.

મ્હોટા મનના આશારામભાઈની મહેમાનીએ સાહિત્યસ્વામી માત્ર આવતા એમ નહિ, સોરઠના બહાદરિયા બહારવટિયા યે આવતા. આશારામભાઈના કુટુંબવડીલો લશ્કરી કુટુંબના હતા, ઈંગ્રેજ લશ્કર સંગાથે સંગાથે ગુજરાતમાંથી સોરઠમાં આવ્યા હતા. લાઠી આવ્યા પૂર્વે આશારામભાઈ પેલા મિયાણાઓના વાઘવાસ માળિયામાં અમલદારીએ હતા. એ વાઘની બોડના આશારામભાઈ માનીતા રખેવાળ હતા. પછી વાલા નામેરીએ બ્‍હારવટું ખેડ્યું, ને સોરઠમાં ઘૂમતો ઘૂમતો લાઠીચાવંડને માર્ગે વાવ છે એ વાવમાં પોરો ખાવા આવીને બેઠો. લાઠીદરબારગઢમાં વાવડ આવ્યા. આશારામભાઈએ સરંજામ જમાવ્યો, હતા તે સીબન્ધીને સાબદા કીધા, પોતાને કાજે પલાણ મંડાવ્યું. સરસ્વતીચંદ્રમાંના પેલા માનચતુર ડોસા જેવા વૃદ્ધ્ને યુધ્ધે ચ્‍હડતાં નીરખી ચન્દ્રકાનત્ર સમા નવશારદાપીઠસંસ્કારીપુત્રો બોલ્યા, બાપુ ! - લાઠીમાં ત્ય્હારે એક ગોવર્ધન માળી હતા. પછી તે ભાવનગરે જઈને રહ્યા, કંટ્રાટ્રીપણું કીધું, પૈસેટકે ને પુત્રપરિવારે સુખી થયા. ગોવર્ધન માળીની કવિતાવેલ પાંગરી હતી લાઠીની વાડીઓમાં. કલાપીના માળી યે કાવ્યરસિયા નીવડતા, નામેરીપ્રસંગને ગોવર્ધન માળીએ કવિતામાં ગાયો છે, સ્વમુખે મ્હને સંભળાવ્યો છે. કવિતા કહે છે કે શારદાપીઠસંસ્કારી સુપુત્રોને વડીલે ઉત્તર વાળ્યો કે

નથી મેલ્યાં કાંઈ ઘોડિયે ન્હાનાં બાળ રે,-

સીબન્ધીની ટિકડીને મોખરે ચ્હ્ડી આશારામભાઈ વાવે ગયા, બ્‍હારવટિયાને પડકાર્યો કે વાલા ! સોરઠના બ્‍હારવટિયા યે સિંહ જેવા સજ્જન હતા. વાલા નામેરીએ બન્ધૂક ન ચ્હડાવી, પણ પાર્થ સમો ઉત્તર વાળ્યો: ' આશારામભાઈ ! આપની સામે સામનો નહોય. બીજો હોત તો ભાળી જાત. માન્યું'તું કે આશારામભાઈ છે તે મહેમાનીએ આવ્યા'તા. આ હાલ્યા, લ્યો રામરામ. જીવશું તો વળી મળશું.' વણરંજાડ્યે વાલો લાઠીની સીમ વળોટી ગયો. વાઘ સમોવડા મિયાણાઓ યે આશારામભાઈને એ અન્તર્ભાવે સન્માનતા. કલાપીને તો આશારામભાઈ વડીલપદે હતા.

કૉલેજિયન ગોઠિયાઓમાં બીજા હતા આણંદરાય દવે. આણંદરાય પણ કંઈક રજાઓ લાઠીમાં માણતા. કલાપીનું કૉલેજજીવન કૉલેજિયનોની ઘટાઘેર વચ્ચે વીતતું. આસપાસ સાહિત્યનાં તેજ ઢોળાતાં. સંસ્કૃત હિન્દી ગુજરાતી ઇંગ્રેજી કવિતાની રમઝટ બોલતી. બપ્પોરે બપ્પોરે સાહિત્યવાંચન થતાં; નમતે પહોર ચ્હા-નાસ્તો લેવાતા; સ્‍હાંજે સ્‍હાંજે ટેનિસખેલ ખેલાતા. સહુ યૌવનની વસન્તમાં વિલાસતા. જોબનઝુલન્તા થનગનતા વછેરાઓમાં લાઠીના રાજવીકવિ ઉછરતો. વણમાગ્યાં ને વણદીઠાં સાહિત્યામૃત ચોમેરથી કલાપીઅન્તરમાં સીંચાતાં.

અને એ સકળ શારદામંડળની મધ્યે મહાલતો હતો કલાપી; કોડીલો, ભાવભર્યો, યૌવનઉભરાતો, નિજનું ભવિષ્ય વાંચતો: જાણે નક્ષત્રોમાંહિ ચન્દ્રમા. એનાં નયનોમાં કવિતા ચમકતી. શિલા જેવો દેહપાટ, સુદૃઢ સ્નાયુબન્ધો, ઈંટો જેવી માંસપેશીઓ, વિશાળું હૈયું, ભર્યો ભર્યો સીનો: મ્હોટેરા કહેવાતા ઘણાઓથી એ મ્હોટેરો હતો. રાજકાજ એને ગૌણ હતાં; સાહિત્યસૃજન એને પ્રધાન હતું. ક્ય્હારેક કવિતાવાદળીએ ચ્હડીને રમતો, તો ક્ય્હારેક નવલકથાની ક્લ્પનાકુંજોમાં ઘૂમતો. ક્ય્હારેક તત્ત્વજ્ઞાનને શોધતો પૃથ્વીપેટાળમાં ઉતરતો, ક્ય્હારેક સંવાદોની શબ્દઘટાઓમાં સંચરતો. ક્ય્હારેક મહાકાવ્યને શિખરે બેસવાને ઝંપલાવતો, મયૂરપિચ્છમાંના સપ્તરંગોની રેખાવલિઓના સ્મા એના માનસરંગોનાં ઈન્દ્રકિરણો ઉછળતાં. સાતે કિરણરંગો ગૂંથાઈ નિત્યતેજનો પ્રેમવર્ણ પ્રગટતો. બીજાઓ આયુષ્ય આદરે છે ત્ય્હારે એણે આયુષ્ય સંકેલ્યાં. વિધવિધના સાહિત્યહીરલાઓનો એ આકર્ષણસ્તંભ હતો, દિશાદિશામાંથી શારદાસન્તાનોને આકર્ષી લાવતો અને પોતે પણ કોક ગેબી ગૂઢ અગોચર મહત્તત્ત્વથી આકર્ષાતો આકર્ષાતો આભના આરા ભણી પગલીઓ ભરતો. એની કલાપકલામાં વિધવિધના વાતા વાયુ ભરાતા. ક્ય્હારેક ઘડીક કલાકલાપ નમી જતો; પણ રાજછત્ર સમો અખંડ છત્રછાયા ઢાળતો. એની કલગી અણનમ હતી. એનો કંઠમરોડ માનવમનોહારી હતો. એનાં કલ્પનાનૃત્ય ચન્દ્રીનૃત્ય સમાં હતાં. દૃશ્યનાં એને આકર્ષણ હતાં એથી અદૃશ્યનાં અધિકાં આવતાં. ગેબની ગુફા ભણી કાળ એને દોરી જતો. એ જતો; જાણતો કે કાળમુખમાં આ પગલીઓ ભરૂં છું ત્‍હો યે એ જતો. કોક સંકલ્પબળની નિર્બળતા કહેશે; કોક કુળપતિધર્મની ઉવેખના કહેશે, કોક રાજધર્મની પ્રમાદાવસ્થા કહેશે: એ સહુને એ આગન્તુક ધર્મ માનનો. આઘેઆઘેનો-तद्‍दूरेतद्वन्तिके સમો કોક ધ્રુવતારલો પણ નીરખ્યો હતો ને ઝાલવાને તે જતો. જાગૃતઅવસ્થામાં યે ક્ય્હારેક આ સ્વપ્નાવસ્થામાં ચાલતો. પૃથ્વીપાટે હરતાં ફરાં યે તે અન્તર્વાસી હતો. દેહને એ પાર્થિવ માન્તો, ક્ષણભંગુર કહેતો; અને ત્‍હો યે પૃથ્વીની પૂતળી માટે પછાડા ખાતો. મૂર્તિનો મોહ એની માનવતાની સાક્ષી પૂરે છે, રસતત્ત્વની ઉપાસના એના ચેતનભાવની( અમીરી ઉદાત્તતા વર્ણવે છે. એના આયુષ્યનો ઉચ્ચાર હતો સૌન્દર્યની શોધ. એની અવિરામ નિત્ય બાંગ હતી :

પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ !

કલાપીની અધુરપો ન્હોતી એમ નહિ. એનાં ઉંડાણોને યે તળિયાં હતાં. સંસ્થાનનો એ રાજવી હતો, રાજધર્મ આછા પાળતો. રાજકુટુંબનો એ કુલપતિ હતો, કુલપતિધર્મ એને ગૌણ હતા. મિત્રમંડળનો એ મિત્ર હતો. મૈત્રી એને સાહિત્યરમણા હતી. ચેતનભોમનો એ યાત્રાળુ પૃથ્વીનું પુષ્પ વીણવાને તરફડિયાં મારતો. ચૈતન્યતૃપ્તિ એની રસતૃષા ન્હોતી મટાડતી. એની આંખો સૌન્દર્ય દેહમાં જોતી ને આત્માને સૌન્દર્યતરસ્યો રાખતી. રણમયદાનોને ઢૂંઢતો ઢૂંઢતો સિકન્દર તેત્રીસની વયે રણરમણા સંકેલી ગયો. મરવાં એને સોહ્યલાં હતાં. જીવવાં એને દોહ્યલાં હતાં. આયુષ્ય આટોપવાં એને અઘરાં ન્હોતાં. કપરાં તો હતાં એને દેખે ને ન મળે એ સહેવાં. માનસનાં મોતી ચૂગ્યે એનું મન ન્હોતું માનતું. ' ઝમીં ને આસમાનોના દડા ' ખેલાવતાં ખેલાવતાં, અન્તરિક્ષમાં અદ્ધર ઉડતાં ઉડતાં, ગુલે બંકાવલીના સમું, પૃથ્વીનું પુષ્પ એણે દીઠું હતું. પૃથ્વીનું પુષ્પ વીણી કલગીમાં પરોવવાને દેવવાટેથી એ પૃથ્વીપગથારે પછડાતો. પૃથ્વીના એ સૌન્દર્યપુષ્પની શોધ તે કલાપીનું જીવનસર્વસ્વ. કલાપીનો કેકારવ છે સૌન્દર્યશોધનની બાંગ. ગુજરાતના સૌન્દર્યશોધકો એને આ યુગના પૃથ્વીના સૌન્દર્યશોધક લેખે સંભારશે ને વન્દશે.

કલાપીને સૌન્દર્યપ્રાપ્તિ થઈ હતી કે નહિ ? એ ગેબી પ્રશ્નનો ઉત્તર એના વિના આજે કોણ આપશે ? સૌન્દર્ય દેહદેશવાસી છે કે આત્મદેશવાસી ? કે ઉભયદેશવાસી ? પવિત્ર ને પરબ્રહ્મવર્ણી-शुद्धम्‍ अपापविद्धम्‍ સૌન્દર્યભોમકા કોણે કોણે દીઠી છે ? એને આરઝૂ હતી-વડવાનળના જેવડી આરઝૂઝાળ હતી. એણે આકાશોમાં ઝંપલાવ્યાં હતાં; એણે આકાશોને ઓળંગ્યાં હતાં ખરાં ? ગેબનાં આકર્ષણ એને હતાં, છતાં પૃથ્વીપુષ્પનાં આકર્ષણ એણે પરિત્યાગ્યાં ન્હોતાં. એની એક આંખ હતી આભની ભીતરમાં; એની બીજી આંખ હતી પૃથ્વીના પેટાળમાં. એ ઉડતો, ઉંચેરૂં ઉડતો, પણ પૃથ્વીને ભૂલ્યો ન્હોતો. દુનિયાવાસીઓ એને આકાશગામી કહેતા; આકાશવાસીઓ એને પૃથ્વીવાસી કહેતા.

કસ્તૂરીમૃગના નાભિકમળમાં કસ્તૂરીકુંભ છે. કલાપીની કાવ્યશિખામાં સૌન્દર્યજ્યોત હતી, કલાપીના સાહિત્યકલાપમાં સૌન્દર્યજ્યોત હતી. પણ પેલું હિમાલયવાસી કસ્તૂરીમૃગલું કસ્તૂરી શોધતું રમેભમે છે તેમ તે સૌન્દર્યજ્યોત શોધતો જગતવાડિઓમાં રમતો ભમતો, ઝૂરતો, વલવલતો. આત્મસૌન્દર્યથી એને આત્મતૃપ્તિ ન્હોતી. જગતવાડીનું સૌન્દર્યપુષ્પ એને જોઈતું હતું. આયુષ્યભરનો એ સૌન્દર્યતીર્થનો યાત્રાળુ હતો.

પૃથ્વીનાં આકર્ષણ એને ઓછાં હોત તો હજી યે અનન્તમાં ઉંચેરૂં એ ઉડત. પણ હસ્તિનાપુરથી પૃથ્વીપરકમ્માએ વિમાન ઉડે એ વિમાનદૃષ્ટિમાં સદા હસ્તિનાપુર જ રમે. કલાપીનું વિમાન જ્ય્હાંથી ઉડ્યું હતું એની આસપાસ સદા ચક્રાવા ખાતું.

સુન્દરતાની શોધ કોઈની યે પૂરી થઈ છે કે કલાપીની પૂરી થાય ? સાત-સાત આસ્માનોના આરાઓ કો ઉલ્લંઘે ત્‍હો યે ત્‍હેમની પેલી પાર આરાઓની પરંપરા અનન્તના આંગણામાં ઉભેલી જ નિરખાશે. ગરૂડની પાંખમાં જોમ હોય એટએટલું ઉડજો. ઉડવાં અનન્તનાં છે.

નવગુજરાતને સુન્દરતાની શોધના પાઠ પઢાવીને એ ગયો. અને જીવનબોલ બોલતો ગયો કે પ્રેમ તે પવિત્રતા છે; અપવિત્રતા તે અપ્રેમ છે. પ્રેમ તે પુણ્ય છે; પ્રેમ તે પાપ નથી.

આપણો સૌરાષ્ટ્ર ઇતિહાસપાંગળો દેશ નથી; ઇતિહાસસમૃદ્ધ દેશ છે. સૌરાષ્ટ્રની સિંહભૂમિમાં અનેક નરવરો થઈ ગયા, જ્યોતિર્ધરો થઈ ગયા, વીરત્વનાં કેસર-છાંટણાં છાંટી ગયા. પણ સાહિત્યદેશને તો સોહાવી ગયા છે ત્રણ સિંહાસનપતિઓ. એક ગીતા ગાનાર દ્વારકાધીશ કૃષ્ણચન્દ્ર; બીજા પ્રવીણસાગરનો રસમહેરામણ રેલાવતા રાજદુર્ગાધિપતિ મહેરામણજી અને ત્રીજા ગઢરાંગે વિરાજી ક્ષિતિજમંડળમાં કેકારવના ટહુકાર ટહુકતા લાઠીનરેશ સુરસિંહજી. સોરઠના રાજવંશો એ ત્રિમૂર્તિનાં કાવ્યતેજે સાહિત્યઉજ્જવળા છે. સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાનાં એ છે અણમોલ શણગારરત્નો.

કલાપીનો સાહિત્યદરબાર આજે નામશેષ રહ્યો છે, મણિલાલ ને મણિશંકર અકાળે કાળધર્મ પામ્યા. મસ્ત કવિના ને શાસ્ત્રીજીના યમડંખ પછી રૂઝાયા જ નહિ. કુંવરી બા આજીને આરે ક્ષયના રાજરોગમાં પોઢ્યાં. પાટવી પ્રતાપસિંહજી ને બેલડબન્ધુ વિજયસિંહજીને કડકડિયાના ભરતીઓટ ઝડપી ગયા. હારો તૂટે ને ફૂલમાળાનાં ફૂલડાં વિખેરાઈ પડે, એમ સહુ વિખેરાયું કરમાયું. કાળની ઝડપ વાગી ને દીવડા હોલવાયા. પણ કેટલાક હતા અમૃતદીવડાઓ, એમની જ્યોત બૂઝાઈ, પણ તેજ હોલવાયાં નથી. સાતમા દાયકાનો સંસારભાર ઉતારતા એક સંભારે છે મહારાજ લખધીરજી, એક વલખે છે દરબાર વાજસૂરવાળા, અને એક છે કલાપીના અંગનો અવશેષ. સોરઠના રાજકુમારોને રમાડે છે ને ઉછેરે છે એ રાજકુમાર. સદેહે કલાપીદર્શન કરવાં હોય તે કલાપીકુમાર જોરાવરસિંહજીનાં દર્શને જાય. જોરૂભામાં પ્રત્યક્ષ કલાપીદર્શન થશે.

કલાપીએ ગાયું છે કે

ત્ય્હાં તો કાશ્મીર દેહ્સ્ના મધુરવા મીઠા ઝરા આવશે,
વ્હાલા પાન્થ ! ત્યહીં જરી વિરમજે, એ દેશ વ્હાલો મ્હને.

કાશ્મીરની જગતઅદ્વિતીય સૌન્દર્યકુંજો એણે દીઠી હતી, કાશ્મીરમાંથી એને સૌન્દર્યલગની લાગી હતી. પછી સૌન્દર્યમૂર્તિની શોધ એને જીવનધર્મ થયો.

પણ કેકારવમાંની કેકાવલિ મ્હને તો અધૂરીમધુરી લાગે છે. ત્‍હમને નથી લાગતી ? કલાપીએ વિપ્રલંભ સ્નેહને ગાયો છે. સંયોગસ્નેહ ગાવાને તે રહ્યો નહિ. સ્નેહ એટલે માત્ર શું વિપ્રલંભ જ સ્નેહ ? કલાપીને દૈવે આયુષ્ય અર્પ્યો હોત, શોભનાને પામ્યા પછી શોભનાંના સ્નેહગીત ગાયાં હોત, તો ગુજરાતને સંયોગસ્નેહનો બીજો કેકારવગ્રન્થ મળત. પણ કાલિદાસે મેઘદૂતમાં અલકાવાસી યક્ષરાજનો વિપ્રલંભસ્નેહ એક જ ગાયો છે, યક્ષરાજનો સંયોગસ્નેહ ગાયો નથી. જગતકવિતાના યે ગિરિગિરિવર જેવજેવડા ઢગલાઓ વિપ્રલંભસ્નેહના છે, થોડીક જ કાવ્યકુંજો સંયોગસ્નેહની કાવ્યકુંજો છે. કવિકુલગુરુ કાલિદાસને પગલે કલાપી સંચર્યા છે, જગતકવિતાની કેડીએ કેડીએ એ મોરલો વિચર્યો છે. એણે કહ્યું છે કે સ્થળ અને કાળ એટલે જ વિયોગ. સ્થળકાળભરી પૃથ્વીમાં વળી સ્નેહસંયોગ કેવા ?

અને કલાપીનાં કીર્તિમન્દિરો ક્ય્હાં ક્ય્હાં છે ? ગુજરાતે જ્ય્હાં જ્ય્હાં પ્રેમપિપાસુ હૈયાં છે, જ્ય્હાં જ્ય્હાં સુન્દરતાને શોધતા રસાત્માઓ છે, ત્ય્હાં ત્ય્હાં કલાપીનાં કીર્તિમન્દિરો છે. કલાપીનો કેકારવ ને કલાપીનો વિરહ એ બે કાવ્યસ્તંભો ઉપર કલાપી કવિનું કીર્તિતોરણ અમરવેલ છાયું ઉભેલું છે. ગુજરાતીઓ સૌન્દર્યને શોધતાં થાકશે ત્ય્હારે એ કીર્તિતોરણ પડે તો કોણ જાણે ! ત્ય્હાં સુધી તો કાળના વજ્રઘાવ એમાંનું અણુરેણુ ખેરવવે અસમર્થ છે.

એણે ગાયું છે કે


અમે જોગી મહાવરવા, સ્મશાનો ઢૂંઢનારાઓ.

ચારેક વર્ષ ઉપરની જ વાત છે, અને કલાપીનગરીનું મહાજન એ જાણે છે: અમે દલપતપુત્રો લાઠીના સ્મશાનમાં કલાપીને ઢૂંઢવાને ગયા હતા તે. આની આ વસન્તઋતુ હતી; લગ્નસરાની માંગલિક વરધો હતી; જાન જોડીને દલપતપુત્રો કલાપીનગરીએ આવ્યા હતા. ત્ય્હારે, લગ્નતિથિના માંગળિક મધ્યાહ્‍ને, માથે સૂર્યદેવ તેજધારાઓ વર્ષતો હતો એ અવસરે, અમે ત્રણે યે દલપતપુત્રો અહીંના રાજસ્મશાનમાં ગયા હતા. કલાપીની દહેરીએ બેએક કલાકના ધામા નાખ્યા હતા, ઘેરા મયૂરકંઠે કેકારવમાંની ગઝલો લલકારી એને પોકાર્યો હતો. લાઠીના રાજસ્મશાનનાં ખાખ અને એ અસ્થિગઢમાં લગ્નતિથિએ કલાપીભક્ત દલપતસન્તાનોએ કલાપીને શોધ્યો હતો. દલપતઉદ્‍ગાયો એક મહામન્ત્ર ત્ય્હાં એણે વળી એકદા અમને સંભળાવ્યો કે સાહિત્ય પુણ્યવેલ છે, પાપવેલ નથી.

જજો; લાઠીના મહાજનો ! ગુજરાતના સાહિત્યોપાસકો ! કોક વાર ત્ય્હાં જજો તો સહી. કાન હશે ને સાંભળશો, હૈયું હશે ને ઝીલશો, તો આતમનિર્મળા થઈને આવશો. કેકારવનો કલાસ્વામી પુણ્યાત્મા હતો, પાપાત્મા ન હતો.

એણે ગાયું છે ને અજે હું ગાઉં છું કે

જ્ય્હાં જ્ય્હાં નજર મ્હારી ઠરે,
યાદી ભરી ત્ય્હાં આપની.

લાઠીનો ચોક, લાઠીનો કોટ, લાઠીનું મુખદ્વાર, લાઠીનો ટેનિસબંગલો, લાઠીનો દરબારગઢ, લાઠીના રામેશ્વરા મહાદેવ, લાઠીની ચાતુર્માસી નદી, લાઠીનું રેલ્વે સ્ટેશન, લાઠીનું રાજસ્મશાન, ભૂરખિયાનો ફરફરતો ધજાગરો: આંખ માંડો કે કાન માંડો, ચાર-ચાર દાયકે આજે યે એની પગલીઓ ત્ય્હાં પરખાય છે, એના પડછન્દા ત્ય્હાં સંભળાય છે. સારા ગુજરાતને મન છે લાઠી એટલે કલાપી, અને કલાપી એટલે લાઠી. લાઠી ને કલાપીનાં અદ્વૈત ઇતિહાસપ્રસિદ્ધ છે, ઇતિહાસ જેટલાં અજરામર છે. હથેળી જેવડાક લાઠીને એણે ગુજરાતપ્રસિદ્ધ કીધું, ગુજરાતનું એક કાવ્યતીર્થ કરી સ્થાપ્યું. કાળપ્રવાહની લહરીઓ સમી તિથિઓ ઉગશે-આથમશે; આઘે અને એથી યે આઘે, ક્ષિતિજપાળના સીમાઘાટની સોપાનપાયરી પર્યન્ત, સ્મરણોની નાવડી સંચરશે; તેમ તેમ એની કેકાવલિ મીઠી ને મધુરી, અમૃતઝરણી સંભળાશે. આઘેરા મેહુલા મીઠડા ગાજે. આવતી તિથિઓ પગલીએ પગલીએ બોલશે કે લાઠી એટલે કલાઅપી, અને કલાપી એટલે લાઠી. ગુજરાતને એ કહેતો કે લક્ષ્મી નહિ, રાજ્ય નહિ, આયુષ્યે નહિ. ભૂતળમાં પ્રેમ પરમ પદાર્થ છે. અને ગુર્જરમહાપ્રજાના સાહિત્યસ્વામીઓને ઉદ્‍બોધતો કે સ્વાતિ નક્ષત્રના મેહુલા છો: વરસજો ને મોતી સરજજો; સનાતન સુન્દરતને શોધજો. કલાપીનો કેકારવ એટલે પૃથ્વીની સુન્દરતાની શોધનયાત્રા.

લાઠી એટલે નવગુજરાતનું એક કાવ્યતીર્થ. આ ભૂમિનાં રજ ને રાજમહેલ, ને રાજમહેલના અણુપરમાણુ ઉચ્ચરે છે. કલાપી, કલાપી, કલાપી.


જાગી રહી એ જ્યોત હુંમાં તુંમાં આભમાં;
પૃથ્વીમાં પ્તપ્રોત, બ્રહ્માંડ પાર, બેહદ બધે.
નજરે તરે રે, નકલંક નજરે તરે,
નેણાં ભર નજરે તરે,
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

પૃથ્વીના આ પડ મહીં રે, આકાશ અનન્ત પરે,
તીવ્ર ગતિએ તારલે એનો એ અટન કરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

રસરૂપ થઈને રેલતો રે સરવર સરિતા ભરે;
મેઘાડંબરમાં એ વહી ઝરમર મોતીડાં ઝરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

પહાડે, ઝાડે, પુષ્પમાં રે, મધુરા મધૂપસ્વરે,
કલ્લોલ કરતાં પંખીમાં ભિન્ન ભિન્ન રૂપ એ ધરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

મન્દ શીતળ આ વાયુમાં રે ધીમા ધીમા ચરણો ભરે;
સાથે મંડળી દેવની, મુનિવર સ્તુતિઓ કરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

આંખડલી અમૃત ભરી રે પ્રેમનાં ઝરણાં ઝરે;
બાહરઅન્તરમાં બધે હરિજન હેરિયાં કરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.

જ્યાં જૌં ત્યાં એ વિના રે અન્ય ના નજરે તરે;
ત્રિભુ મંગળ ગાઈ એહનાં રસના ઘૂંટડા ભરે;
મારો અવધૂત નકલંક નજરે તરે એ જી.


- * - * -