છાયાનટ/પ્રકરણ ૧
છાયાનટ રમણલાલ દેસાઈ |
ગૌતમ પ્રસન્નતાપૂર્વક સૂતો. લગભગ દોઢસો સભ્યો તેના સ્વાધ્યાયમંડળમાં જોડાઈ ગયા. કૉલેજના આઠસો વિદ્યાર્થીઓમાંથી દોઢસો સાચા ક્રાન્તિકારીઓ ઊભા થાય તો ક્રાન્તિનો ધ્વજ ખરેખર ઊડતો જ રહે. કેળવણી, કલા અને સાહિત્યમાં રશિયાએ કરેલી પ્રગતિ ઝંખવી નાખે એવી હતી. એનો એકાદ અંશ તો આ રીતે હિંદમાં ઉતારી શકાય. દોઢસો સભ્યો સો સો નવા અનુયાયીઓ ઊભા કરે તોય પંદર હજારની સંખ્યા તો જોતજોતામાં થઈ જાય, અને સત્તા પ્રાપ્ત કરવાનું એક સબળ સાધન આમ સહજ મળી શકે. પાંચ વર્ષમાં એ પંદર હજાર બીજા સો સો સભ્યો લાવે તો પંદર લાખનું પ્રગતિશીલ સૈન્ય...!
પંદર લાખ સાચા સૈનિકો શું ન કરી શકે ? માનવજાતનું મુખ ફેરવી નાખવાની એ સૈન્યમાં તાકાત હોય ! એક દસકામાં તો હિંદનો નકશો સારા જગતનું ધ્યાન ખેંચી રહે !
જગતનું સુખ ! હિંદને હાથે રચાતું જગતનું સુખ ! દસકાની જ રમત ! ગૌતમ જ નહિ પણ સહુ કોઈને એ કલ્પના પ્રસન્નતા ઉપજાવે. ગૌતમને મન એ કલ્પના હતી જ નહિ. એ નક્કર સત્ય હતું. ગાંધીવાદે તેના બેચાર વર્ષ બરબાદ ન કર્યા હોત તો એ વર્ષો પણ પ્રગતિલક્ષી બની શક્યાં હોત !
ખેર ! ગાંધીવાદ પણ અંશતઃ ઈતિહાસ જ કહેવાય. એની ચમક પાછળ રહેલો પ્રત્યાઘાત ઝડપથી સમજાઈ ગયો એ પણ એક સુચિહ્ન જ ગણાય ! ગૌતમનું નામ પણ ગાંધીવાદી છાપવાળું ! અહિંસાનો આદ્ય ઉપદેશક ગૌતમ ! ગાંધીની અહિંસાને બાજુએ મૂકનાર પણ પોતે ગૌતમ ! શી અજબ ખેંચાખેંચી ! જગતશાંતિ એ સાચો આદર્શ. પરંતુ એને મેળવવાનો માર્ગ અહિંસા તો નહિ જ ! હિંસાની જાળ તોડવા અહિંસાનો ઉપયોગ કેટલો અશાસ્ત્રીય !
અને ખાદીની ઘેલછાનું ચિહ્ન હજી તેના દેહ ઉપર વળગી રહ્યું હતું ! પ્રગતિશીલ ગૌતમથી હવે ખાદીનું પહેરણ પહેરી રખાય જ નહિ ! સંસ્કૃતિની પીછેહઠ અને સંસ્કૃતિના સંકોચનું એ ચિહ્ન ! વરાળ, વીજળી, રેડિયો અને દૂરદર્શનના આખા યુગને લુપ્ત કરવો એનું નામ ખાદી ! જગતના શોષિતોને બદલે માત્ર હિંદના જ શોષિતોમાં સમભાવના મર્યાદિત કરવો એનું નામ ખાદી !
એ દૂર થાય તો રહ્યોસહ્યો પ્રત્યાઘાત પણ વેગળો જાય !
ગૌતમે ઊઠીને કૉલેજ હોસ્ટેલની ઓરડીના આછા અંધકારમાં ખાદીનું પહેરણ દૂર કર્યું અને એક સોંઘું, સુંવાળું જાપાનીઝ ખમીસ પહેરી લીધું. કાંઈ ખડખડ હાસ્ય થતું એણે સાંભળ્યું શું ? રાત્રિ એટલી બધી વધી ન હતી કે જેથી છાત્રાલયના વિદ્યાર્થીઓ બધા જ સૂઈ ગયા હોય !
અને મધરાતે કે પાછલી રાતે ઊઠીને પણ છાત્રાલયના વિધાર્થીઓને હસતાં કોણ રોકે એમ હતું ? જોખમ વગર નિયમ તોડાતો હોય તો તે તોડવામાં મશહૂર બનેલો કૉલેજનો વિદ્યાર્થી સ્વાતંત્ર્યશોખીન તો ખરો ને? હાસ્ય જાણીતા વિદ્યાર્થીનું હતું. જાપાનના મજૂરોમાં ફુટ થયેલી જગતભરના મજૂરોની એકતા તેણે જાપાનીઝ ગંજીફ્રાક પહેરી અનુભવી, અને ખાદીમાં ગૂંચવાઈ રહેલી હિંદી સંકડાશ તેણે મોકળી કર્યાનો આનંદ મેળવ્યો.
ગૌતમ ફરી ખાટલા ઉપર સૂતો અને ફરી એની ઓરડીમાં જ કોઈ ખડખડ હસતું સંભળાયું. ગૌતમ ચમકીને બેઠો અને તેણે વીજળીની બત્તી સળગાવી. તેની નાનકડી ઓરડી ખાલી હતી અને આસપાસની બંને ઓરડીઓ તદ્દન શાંત હતી.
કોઈ ચીડવતું હતું ? સ્વરસંયોજનકુશળ* [૧] વિદ્યાર્થી આ વર્ષે કૉલેજમાં કોઈ હતો જ નહિ. પછી ગૌતમની જ ઓરડીમાં હાસ્ય સંભળાય એવી આવડત કોણે રાતમાં ખીલવી હોય ?
આકાશમાં વીજળી ચમકી અને દૂરથી ઘનગર્જના આવતી. તેણે સાંભળી.
એ તો ચોમાસું ગર્જી રહ્યું હતું ?
ભલે ગર્જે ! આકાશી ગર્જનાઓની તેને બીક ન હતી. નિરર્થક હવામાં વીખરાઈ જતા એ કુદરતી બળને પ્રગતિશીલ ભાવિ જરૂર માનવસેવામાં ઉતારી શકશે એવી માનસિક ખાતરી સાથે ગૌતમ સૂતો.
ક્યાં સુધી ? કોણ જાણે ! ગૌતમને તો એમ જ લાગ્યું કે તે બિલકુલ
- ↑ * Ventriloquist
બાળકેળવણીમાં ભૂત, જીન, પરી અગર રાક્ષસ જેવાં સત્ત્વોની વાર્તાઓ દાદીએ, માએ કે શિક્ષકશિક્ષિકાએ કહેવી જ ન જોઈએ એવા સિદ્ધાંતને દૃઢ કરતા ગૌતમે એકાએક ભયંકર ઝબકારો અનુભવ્યો અને તેની આંખો ઊઘડી ગઈ. આંખો ઉઘાડતા બરોબર તેણે તેની સામે દસ મસ્તકધારી રાવણને તિરસ્કારથી હસતો નિહાળ્યો. એ હાસ્ય ઝબકારો ઉપજાવ્યો અને હાસ્યમાંથી એક કરાલ ગર્જના પણ ગડગડી.
‘રાવણ છે તું ?’ ગૌતમે સહજ ભયથી પૂછ્યું
‘હા.'
'તું હજી જીવે છે?'
'જોઈ લે મને. હું જીવું છું કે નહિ ?’ રાવણનાં દસે મસ્તક સાથે બોલી ઊઠ્યાં.
‘મારી પાસે કેમ આવે છે ?’
‘રામનો પડછાયો પણ હું ભાળું છું તો જીવંત બની તેની પાછળ પડું છું. તારી ઓરડીમાં રામ સંતાયો છે.'
‘રામ ? મારી ઓરડીમાં તો હું એકલો જ છું. ઓરડીમાં બે જણને રહેવાની મના છે.'
‘ત્યારે તું જ રામ હોઈશ.’
‘હું ? રામ ? જા, હું એ જુનવાણી આદર્શને ઈચ્છતો જ નથી.’
‘ત્યારે મને એ પડછાયો દેખાયો કેમ ?'
‘પેલા ગાંધીએ કાંઈ રામરાજ્યના પોકારો ઉઠાવ્યા છે. મારે ન રામ જોઈએ, ન રામરાજ્ય. હું વધારે પ્રગતિશીલ છું.’
‘યાદ રાખજે. રામનું નામ દીધું તો સામે રાવણ ઊભો જ છે !... અને તમારા જૂઠા પ્રચારકોએ ઊભા કરેલ ભ્રમને સાચો ન માનીશ.’
‘પ્રચારકો ? ભ્રમ ?’
‘વાલ્મીકિ અને તુલસીદાસ જેવા જૂઠા અને પક્ષપાતી પ્રચારકો ! શું જુઠાણું ફેલાવ્યું છે ? રામે રાવણને માર્યો !... હા... હા, હા... કંઈક રામને રાવણે ગરદન દબાવી ગૂંગળાવી નાખ્યા છે. અને તું રામ બનવાનો ડોળ કરીશ તો જો...' રાવણના વીસે હાથની મૂઠીઓ વળી ગઈ, તેનાં વીસે નેત્રોથી અગ્નિ વરસવા લાગ્યો, તેના મુખ ઉપર ક્રૂર મોત આવીને ઊભું રહેલું દેખાયું ! ગૌતમનું હૃદય ધડકી ઊઠ્યું, તેનાથી બોલાઈ ગયું :
‘પણ... મહારાજા રાવણ ! મારે અને રામને કાંઈ જ લેવાદેવા નથી...'
'ત્યારે તને મારા પક્ષમાં ગણી લઉ ?’
‘પક્ષ ? મને ખબર નથી.'
‘તું વર્તમાન હિંદમાં વસે છે કે માનવપૂર્વ યુગમાં ?
‘કેમ એમ ?'
‘તારા હિંદના તેત્રીસ કરોડ માનવીઓ મારા પક્ષમાં છે.”
'તેત્રીસ નહિ, પાંત્રીસ કરોડ : વસ્તીગણતરી પ્રમાણે...’
‘ધારી લે કે બે કરોડ રામને મત આપે, પણ બાકીના તો મારા જ પક્ષના છે ને ?’
'તેથી શું ?'
'મારી વધુમતી ! ને વધુમતીને ન સ્વીકારે એવો અભાગિયો પ્રદેશ કયો ?'
‘એ હું કબૂલ રાખું છું, પરંતુ વધુમતી લઘુમતીમાં ફેરવાઈ પણ જાય.’
‘આર્યાવર્તમાં ? ઓ મૂર્ખ ! જોતો નથી આર્યાવર્ત કપાતું ચાલ્યું આવે છે ?'
‘તમે શાસ્ત્રજ્ઞ છો, વિદ્વાન છો, ધનવાન છો, સત્તાવાન છો, કલાકાર...'
'બસ કર. હું એ બધું જ છું. માટે જ તમારા આર્યાવર્તના ટુકડેટુકડા કરીશ. અને યાદ રાખ ! મારું શાસ્ત્ર, મારી વિદ્વત્તા,મારું ધન, મારી સત્તા અને મારી કલા એ સર્વનો ઉપયોગ આર્યાવર્ત ઊભું થયું ત્યારથી એને તોડવા માટે જ કરું છું.’
'પણ એનું કાંઈ કારણ ?’
વાતાવરણમાં વીજળી ચમકી અને પડી. એ વીજળીના પ્રકાશ સાથે જ રાવણની આંખોના તેજ ભૂમિમાં પેસી ગયાં. એ આંખની સાથે રાવણની ક્રૂર મૂર્તિ પણ જમીનમાં પ્રવેશી ગઈ.
ગૌતમ ઊભો થઈ ગયો ! ભયાનક કડાકો થયો અને તે એટલો લંબાયો કે જાણે કૉલેજના છાત્રાલય ઉપર મશિનગનનો* [૧] મારો ચાલતો હોય. ગૌતમ વીર હતો, વીર બનવાનાં સ્વપ્ન સેવતો હતો. છતાં તેના હૃદયનો ધડકાર વધી ગયો. એ ધડકારને ન ગણકારતાં તે આગળ વધ્યો. ઓરડીની બારી ઉઘાડી હતી. એ બારીમાંથી વરસાદનું પાણી તેની ઓરડીમાં પ્રવેશી રહ્યું હતું. બહારના અંધકારભર્યા આકાશને અજવાળતા વીજળીના ઝબકારા ઓરડીના અંધકારને પણ કાબરચીતરો બનાવતા હતા.
ગૌતમે બારીની બહાર નજર નાખી. વીજળીના ચાલુ ચમકારા વચ્ચે તૂટી પડેલી વીજળીની એક વજ્રવેલ પાછળના ભયાનક કડાકાનો ભણકાર હજી શમ્યો ન હતો. સૂતેલા માનવીજગતે, વિદ્યાર્થીજગતે મીંચેલી આંખો જોરથી મીંચી અને ઓઢેલા ઓઢણનો વધારે આશ્રય લીધો. મેઘ પ્રસન્ન થઈને - કે ક્રૂદ્ધ બનીને ? - ભૂમિ ઉપર વરસી રહ્યો હતો. વીજળી હસતી ત્યારે મેઘ હસતો; વીજળી સંતાતી ત્યારે મેઘ અંધકારતો. આકાશી સત્ત્વોનો આ તલ્લકછાંયો માનવીને તો ભયાનક જ લાગતો હતો.
સહસ્રચક્ષુ વરસાદ અને દશાનન રાવણ વચ્ચે શો સંબંધ ? વરસાદ જેટલો વ્યાપક રાવણ હોય તો ? રામના વિજયની કલ્પના પણ વાલ્મીકિને ન આવી હોત. પવન વાસીદાં વાળે, મેઘ પાણી ભરે, સૂર્યચંદ્ર દીવા કરે, નવગ્રહ પલંગના પાયા નીચે દબાઈ રહે એવી સત્તાવાળો રાવણ દસને બદલે સહસ્ત્ર શીર્ષવાળો બની જન્મે તો ?
પુનર્જન્મની કલ્પના એટલે વહેમ ! વ્યક્તિગત માનવી ફરી અવતાર લેતો જ નથી ! વિજ્ઞાન પાસે પુનર્જન્મની સાબિતી નથી !
ત્યારે રાવણ આટલે વર્ષે ગૌતમના સ્વપ્નમાં ક્યાંથી સજીવન થયો ?
સરળ વાત ! એમાં કાંઈ ચમત્કાર ન જ હતો ! ગાંધીજીના રામરાજ્યની કલ્પના વિરુદ્ધ ગૌતમે લખેલો એક લેખ જાણીતા માસિકે પ્રસિદ્ધ કર્યો હતો. હિંદના ઉદ્ધારની યોજના કરતા સૂતેલા ગૌતમને સ્વપ્નમાં પણ હિંદના પ્રશ્નો સતાવે જ. રામરાજ્યના લેખથી તેની સ્વપ્નસૃષ્ટિએ રાવણ ઊભો કર્યો, અને રાવણને મૂર્તિમાન બનાવવામાં મેઘવીજળીભર્યા વાતાવરણને પૂર્ણ સહાય આપી. સાચા કે ખોટા આર્યાવર્તના એક આદર્શરૂપ રામની સામે ગૌતમ પોતાનો આદર્શ રજૂ કરે ત્યારે જરૂર નાનપણના સંસ્કાર તેની નિદ્રામાં રાવણને ઉપજાવે જ ! સ્વપ્ન વિષેની પશ્ચિમની ફિલસૂફી, હમણાં જ વાંચી ગયેલા ગૌતમને સ્વપ્ને આપેલી
- ↑ * યાન્ત્રિક તોપ
બારી બંધ કરતે કરતે ગૌતમ હસ્યો. ગૌતમનાં હાસ્યને ઠારી દે એવું પ્રતિહાસ્ય આકાશે આપ્યું. કાળાંભમ્મર વાદળાંના ઘટ્ટ થરથી ભરેલા વિસ્તીર્ણ મેઘાડંબરને ચીરતી વીજળીની એક આકાશવ્યાપી રેષા હસતી નાચતી જગતને ઝંખવી જોતજોતામાં અદૃશ્ય થઈ. પાછળ રુદ્રનાં ડાકડમારું વાગી રહ્યાં.
માનવી અને કુદરત વચ્ચે યુદ્ધ થાય તો ?
Exploitation of Nature ! પ્રકૃતિનું શોષણ ! એ શોષણની આવડત એટલે જ સંસ્કૃતિ !
સંસ્કૃતિ કલંક એક જ : માનવી માનવીનું શોષણ કરે છે એ !
પણ માનવીયે કુદરતનો જ વિભાગ ને ? કુદરતનું શોષણ માનવી કરે અને માનવીનું શોષણ માનવી કરે એમાં ફેર ખરો ?
કુદરત અને માનવી સામસામાં આવી જાય છે ! માનવી માનવીની સામે આવે ત્યારે ?
ગાંધીની અહિંસા ! અને સામ્યવાદની હિંસા ! પરિવર્તન અને પરાજય !
પરિવર્તન ન થાય તો ? વર્ગને વળગી રહેલા જિદી માનવીને લુપ્ત કર્યા વગર બીજો ઈલાજ શો ? વર્ગનાં પડ અને પડળ ચડાવી બેઠેલા માનવસમૂહો, રાજ્યો કે સામ્રાજ્યો ઉથલાવી પાડવાં જોઈએ !
બારી બંધ કરી ગૌતમ સૂતો. બારીની તડમાંથી વીજળીના ઝબકાર, પવનનો સૂસવાટ અને વરસાદનાં બિંદુ ઓરડીમાં આવ્યાં કરતાં હતાં.
સ્વપ્નનો અને કુદરતનાં તોફાનનો ભય અનુભવી તે સમજપૂર્વક ભયથી પર બની ગયો. ભયરહિત માનવીને નિદ્રા આવ્યા વગર રહે જ નહિ. બહારના તોફાનને રમતું મૂકી ગૌતમ નિદ્રામાં ઊતરી ગયો.