લખાણ પર જાઓ

છાયાનટ/પ્રકરણ ૧૫

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૪ છાયાનટ
પ્રકરણ ૧૫
રમણલાલ દેસાઈ
પ્રકરણ ૧૬ →




૧૫


બહુ જ થોડા દિવસના અનુભવમાં તેણે જીવનની મહા ભયંકર બાજુ જોઈ નાખી. જીવનના ધીકતા જ્વાળામુખી સમક્ષ એ કેટલાય દિવસથી રમત રમતો હતો ! સત્તા, ઝનૂન, ભૂખ, વાસના, ગરીબી અને નફટાઈ સરખી મહાભયાનક જીવનવિકૃતિઓને અનુભવતો ગૌતમ પુસ્તકોએ કલ્પના રૂપે બતાવેલા સત્યોનો આજ સાચો સ્પર્શ કરી રહ્યો હતો !

પ્રિન્સિપાલની માફી માગી હોત તો ? કૉલેજમાં તે પ્રથમ માફક ફરતો હોત.

ઘાયલ યુવકને છોડી જતા ટોળા ઉપર તિરસ્કાર વરસાવતો ગૌતમ સારવાર કરવાને બદલે ટોળા ભેગો ભળી ગયો હોત તો ? પોલીસ તેને ખૂની કહેવાની હિંમત ન કરત.

એક વૃદ્ધા અને એક બાળકીને બચાવવાનો પ્રયત્ન કરતાં છરી ઉઘાડીને ટોળા સામે એ ઊભો રહ્યો ન હોત તો ? તેના ઉપર પોલીસ કેસ ન થાત અને તેને જામીન આપવાનો અણધાર્યો પ્રસંગ આવત નહિ.

મિત્રાના પ્રેમને તેણે ઝડપી લીધો હોત તો ? મિત્રાનાં માતાપિતા જખ મારીને તેને અપનાવી લેત, અને પોતાના વૈભવમાં તેને સારો ભાગ આપત. ડાહ્યા, શાણા, ઠરેલ યુવકો તેણે જે ન કર્યું એ બધું જ કરત ! અને સુખી થાત ! શાણપણ ન વાપરનાર ગૌતમ અત્યારે મધરાતે વરસતા વરસાદમાં એક માનવપશુની ઝૂંપડીમાં પશુતાનો સાક્ષાત્કાર કરતો હતો ! શા માટે ?

જીવનનો જ્વાલામુખી જોવા માટે. પણ જ્વાલામુખીની જ્વાલામાંથી આ કયી સૃષ્ટિ ઊઘડતી હતી ?

ના ના જ્વાલામુખી તો શાંત થતો હતો. એની ઝૂંપડી તો માત્ર જગતનાટકના એક દૃશ્યનો નાનો સરખો ટુકડો હતો. એ ઝૂંપડી પણ સુદામાની ઝૂંપડી માફક અદૃશ્ય થઈ ગઈ અને તેને સ્થાને એક ભવ્ય મહેલાત ઊભી થતી હતી. શું તેનું સ્વપ્ન સાચું પડતું હતું ? હિંદની ઝૂંપડીઓ ઊડી ગઈ ? અને ગરીબો મહેલોમાં વસતા થઈ ગયા ?

નહિ ! આ મહેલમાં હજી ગભરાયલા નોકરો અને નોકરડીઓ દોડે છે ! રાજવંશી ઠાઠ બધોય ત્યાં પ્રદર્શિત થયો છે. છડીદારો ઊભા છે, શરબત કે શરાબના શીશા આવ્યે જાય છે, નર્તકીઓ આવ્યે જાય છે અને દૂર દૂર અર્ધ ભાનવાળા કોઈ રાજવી લોલુપ દૃષ્ટિથી આ સર્વ દૃશ્ય નિહાળી રહ્યા છે.

કૃષ્ણ હશે ? કે અંગ્રેજોથી રક્ષાતો કૃષ્ણ વંશીય કો ક્ષત્રિયરાજવી ? એનો દિવસ પણ રાત્રે ઊગે છે ! સોળ હજાર એક સો અને આઠ સ્ત્રીઓમાં તો એ વીંટળાયેલો દેખાય છે. કૃષ્ણની આ કાલ્પનિક કીર્તિ હજી આજ પણ રાજરજવાડા કે ઠાકોર-ઠકરાતનાં અંતઃપુરોમાં જળવાઇ રહી છે ! શાબાશ ! ગૌતમની જુનવાણી ભાવના બોલી.

આ હિંદની પૂર્વકાલીન સ્મૃતિ ! પરંતુ કૃષ્ણ તો મહાયોગી ! ચાણક્યગુરુ ? ચક્રધારી !

કૃષ્ણનો યોગ ગીતાના શુષ્ક નિત્ય પાઠમાં વહી ગયો.

કૃષ્ણની વિષ્ટિ કૌરવો આજ સુધી સ્વીકારતા નથી - કૌરવો હજી જીવતા જાગતા છે.

અને કૃષ્ણનું ચક્ર ? એ તો અહિંસક બની ગયું ! એને ઉપાડનાર કોઈ હિંદમાં રહ્યું જ નહિ.

રહી માત્ર કૃષ્ણની ગોપીઓ અને કૃષ્ણના રાસ ! દૃશ્ય એકાએક શરદપૂર્ણિમાની રાત્રીએ ગોઠવાતા કોઈ રાસમાં બદલાઈ ગયું.

એ રાસમાં કૃષ્ણકનૈયા બનતા કંઈક કૉલેજના મિત્રો ગૌતમે ભાળ્યા ! ગોરસનાં અભિનય કરતી કંઈક રસિક યુવતીઓ તેણે ભાળી ! નિશા પણ હતી; મિત્રા પણ હતી ! આ કૃષ્ણનો રાસ ? કે વર્તમાન યુગનો રાસ ? ઠાકોર ઠકરાતના બગીચા ઊડી દૃશ્ય નાટ્યગૃહમાં આવ્યું શું ? કે કૉલેજ આ રાસ ભજવે છે ?

કૃષ્ણરાસની છાયા હજી વીસમી સદીમાં ભૂંસાઈ નથી. નવી નવી, ઊંડી રેખાઓ એ છાયામાં આલેખી રાસને સજીવન કરતા કંઈક છાયાનટ આપણા નવીન જીવનમાં ઊપસી આવે છે : મહેલોમાં, ઘરોમાં, મંદિરોમાં, બગીચાઓમાં અને નાટ્યગૃહોમાં ! આપણું જીવન પણ એક નટજીવન જ બની ગયું છે શું ? કાગળના મહેલો, ખોટા કસબનાં વસ્ત્રો, જૂઠાં હૃદય - પણ દેખાવ આબેહૂબ નર્તકનો !

નૃત્ય અને વિલાસમાં આપણા યુવક નટવરો શ્રીકૃષ્ણને પણ શિક્ષણ આપે એવા નિષ્ણાત છે, નહિ ?

આઠ કૂવા ને વાવડી રે લોલ !
સોળસેં પનિહારીની હાર;
મ્હારા વ્હાલજી હો !
હાવાં નહીં જાઉં મહી વેચવા રે લોલ !

એક ગોપ અને એક ગોપી એમ સાથે સાથે નૃત્ય અભિનય ગીતમાં તલ્લીન હતાં.

રાસનો ઇતિહાસ ચીતરાતો હતો. શું ? જૂના દયારામને ભજવી નવીન ગુજરાત આપણા યુગનાં ગોપગોપીને રજૂ કરતું હતું !

હલકે હાથે તે નાથ મહીડાં વલોવજો,
મહીડાંવી રીત ન્હોય આવી રે લોલ !
ગોળી નંદાશે નાથ ! ચોળી છંટાશે,
મોતીડાની માળા મ્હારી તૂટશે રે લોલ !

બજારમાંથી દહીં વેચાતું મંગાવી સંચાવડે તેને વલોવી નાખનાર સુંદરીઓ પુરુષભિલ્લુના હાથ પકડી વલોણું વલોવવાનો અભિનય કરતી હતી ! લાલચુ મુખ કરી પુરુષ રાસધારીઓ ‘ચોળી છંટાશે’ના અભિનયને આાંખમાં મઢી લેતા હતા. !

કૃષ્ણાવતારની લીલા વીસમી સદીના નાસ્તિક યુગમાં પણ અટકી ન હતી. દાંડિયારાસનો ખટકારો એક બાજુએથી ગયો. અને

'જય જય ગરવી ગુજરાત !'

બીજી બાજુએથી સંભળાયું.

‘થોભો ! થોભો ! હજી આ રાસલીલાની છેલ્લી ભૂમિકા આપણે નિહાળવાની છે. આ થેઈકારમાં જ ગુજરાત ગરવી છે ! પ્રભાતફેરીમાં પણ આપણે રસને વીસર્યા નથી !

ધોળી ખાદીના સ્વચ્છ પોશાકમાં સજ્જ થયેલા રસિકો અને રસિકાઓ દેશાભિમાન જાગૃત થવાથી પ્રજાને જાગૃત કરવા પ્રભાત ફેરી ફરતાં હતાં. દૃશ્ય બહુ જ સુંદર હતું; ગીત પણ બહુ જ મીઠાશ ભર્યું. ગવાતું હતું; હારમોનિયમ સંભળાતાં હતાં.

આગળ નાનકડા બે ચરખા લેઈ બે રૂપાળી - અગર રૂપાળી લાગતી - યુવતીઓ ગીત ઝિલાવતી હતી :

ધીમો ધીમો ચાલે રે,
મીઠો મીઠો ગાજે રે,
રૂડો મારો રેંટિયો હો જી !

અને ચાળીસેક યુવકયુવતીઓનું સરઘસ ગીતધ્વનિ ઉપાડીને લેતું હતું.

એ રેંટિયામાંથી નીકળે દેશોદયના તાર !
એ તારે તારે, ભાળું ભારતનો ઉદ્ધાર !
ધીમે ધીમે ચાલે રે !

રેંટિયામાંથી તાર તો ધીમે ધીમે નીકળતા હતા, પરંતુ એ તાર કોઈ અજબ કરામત વડે એ બંને યુવતીઓની પાછળ ચાલતા બે સોહામણા યુવકો ઉપર ખૂંપનું સ્વરૂપ ધારણ કરતા વીંટાઈ જતા હતા. !

ખૂંપ બંને યુવકોને શોભતા પૂરા થયા એટલે સહુએ ઊભા રહી ‘વંદેમાતરમ્' નું ગીત શરૂ કર્યું. 'વંદેમાતરમ્' ગવાતી વખતે સહુએ ગંભીર મુખ કરી જમીન સામે જોવું જ જોઈએ એવો કાયદો ઘડાયો લાગે છે ! કાયદો ઘડાય કે ન ઘડાય, પરંતુ ધર્મ પાળી પાળીને ધર્મિષ્ઠ બનેલા મુસ્લિમોથી આવું મૂર્તિગીત સહન થાય ?

‘થોભો ! ગીત બંધ કરો ! અમારી નમાજમાં દખલ પહોંચે છે ! ‘એક મસ્જિદમાંથી મુસ્લિમટોળું ધસી આવ્યું, જેના નેતાએ કહ્યું.

‘નાપાક, કાફરો ! સત્તામાં તો ભાગ આપતા નથી અને ખુદાની બંદગીમાંથી પણ અમો સાચા મુસ્લિમોને તમારે રોકવા છે ?’ બીજા નેતાએ કહ્યું.

‘અય પરવરદિગાર, અમારા હાથમાં એવડી તાકાત આપ કે દુશ્મનોના ભાંગીને ભુક્કા...' સહુથી જબરા ત્રીજા નેતાએ લાકડી ઉગામી ખુદાનું આવાહન કર્યું.

‘અરે બિરાદરો, તમારા દિલને દુઃખ થતું હશે તો અમે ગીત બંધ કરીશું; એટલું જ નહિ, અમારા દેવસ્થાનો આટલામાં હશે તો તેમને પણ અહીંથી ઉઠાવી લઈ જઈશું.’ પ્રભાત ફેરી ફરતા એક વીર નરે કહ્યું.

‘અમે ગુણવંતી ગુજરાતનાં સંતાનો ! કદી કોઈને દુ:ખ થવા ન દઈએ.' બીજા પ્રભાત ફેરી નેતાએ પાછાં પગલાં ભરતાં કહ્યું.

‘કેવી ગુજરાત ?' મુસ્લિમ નેતાએ પ્રશ્ન કર્યો.

‘ગાંડી ગુજરાત !’ બીજા મુસ્લિમે હસીને કહ્યું એ મુસ્લિમ પોતે ગુજરાતમાં જ રહેતો હતો. સાત પેઢીથી એના રુધિરમાં અગુજરાતી અંશ પ્રવેશ પણ પામ્યો ન હતો. ત્રણ ચાર પેઢી ઉપર તેના પૂર્વજો હિંદુ હતા. પરંતુ મુસ્લિમ થતા બરોબર એક ગુજરાતી શૂરવીર બની જાય છે, અને ગોરી એડી નીચે કચરાયલાં નમાલાં પરદેશી મુસ્લિમ રાજ્યો સાથે ભળી જઈ પાકિસ્તાન રચવાનાં મોહક સ્વપ્નાં સેવે છે. એ મુસ્લિમ ગુજરાતને કેમ ગાળ ન દે ?

ટોળું ખડખડ હસી પડયું. વિશુદ્ધ હૃદયી હિંદુ ગુજરાતી ભાઈબહેનોએ કલામય પગલાં પાછાં વાળ્યાં.

હિંદુઓ તે શું ગાતા'તા ? એક મુસ્લિમે કહ્યું. ‘હિંદુઓ ? અંહ ! ગાવું, નાચવું, બજાવવું એ તો આપણું કામ ! મસ્ત આદમીઓનું ! ગવૈયાઓ જુઓ, બજવૈયાઓ જુઓ ! ખાંસાહેબ. અલાદિયાખાન, ખાંસાહેબ અબદુલકરીમખાં, ખાંસાહેબ ફૈયાઝખાન...

‘અરે દેખો તો સહી ? વાજીદઅલી શાહ આવે છે !’

‘બસ ! હવે જુઓ રંગ !’

'અને નાચ !’

‘વાહ ! પાછો મોગલાઈનો ચિરાગ ચમક્યો.'

મુગલાઈ વરણાગીઓ પોશાક પહેરી ઝાંઝર સાથે નૃત્ય કરતા એક મુસ્લિમ યુવકની છાયા વાતાવરણમાં ફેલાઈ ગઈ. કથ્થક નૃત્ય અને કથકલી નૃત્ય વિષે એક કલાપ્રિય યુવાનનું કૉલેજમાં થયેલું દૃષ્ટાંતવ્યાખ્યાન તોફાન કરી ભાંગી નાખનાર ગૌતમને એમ મન થયું કે એક પથ્થર મારી એ યુવકને નાચતો અટકાવી દેવો. જમીન ઉપરથી પથ્થર ગૌતમે લીધો.

‘એ શું કરે છે ? આ દિવ્ય નૃત્ય તારે અટકાવવું છે ?’ એક માણસે તેને અટકાવી કહ્યું.

‘દિવ્ય નૃત્ય ? પગમાં જંજીર છે અને એને નાચવું છે ! પાવૈયો !’ ગૌતમ અશિષ્ટ બની બૂમ પાડી ઊઠ્યો.

એકાએક ઘાઘરા-લૂગડાં ઘુમાવતું તાબોટા પાડતું પાવૈયાનું ટોળું નીકળી આવ્યું. શક્તિમાર્ગનું ઠઠ્ઠાચિત્ર ! જોડે ખોખરે ઘાંટે લટકાથી ટોળું બોલી ઊઠ્યું :

આદો ભવાની મા !
ભવાની મા ગરબો રમવા આવો જો !
હું કેમ આવું રે સહિયર એકલી !

‘શું ? એમાં પણ હિંદુઓએ આગળ થવું છે ? થવા દઈએ ? જુઓ, અમે શેર છીએ.' એક મુસ્લિમે ખંભ ઠોકી જાહેર કર્યું.

અને હિંદુ પાવૈયાઓની સામે સૂરવાળ, પહેરણ, જાકીટ અને રંગીન ઓઢણી ઓઢેલું મુસ્લિમ પુંકાલીઓનું ટોળું કમર હલાવતું પ્રગટ થયું અને ‘અમે ઢોલક બજાવીએ ! નહિ ?’ એમ હર્ષથી પૂછવા લાગ્યું.

હિંદુ-મુસ્લિમ ઐકય આ દૃશ્યમાં સાચેસાચું ઊઘડી આવ્યું ! આ હિંદ ? આ ગુજરાત ? ગૌતમે દાંત કચકચાવ્યા અને હાથમાં રાખેલો પથ્થર એણે પૂર્ણ બળથી એ ટોળા ઉપર ફેંક્યો. અને એની આંખ ખૂલી ગઈ !

ક્યાં હતો. એ ?

પેલી ઝૂંપડીમાં જ ! મજૂરસ્ત્રી હજી સૂઈ રહી હતી. કોઈ અસહ્ય રૂંધામણ અને અસહ્ય વાસથી ગૌતમ બહાવરો બની ગયો.

તે ઊભો થયો અને કંઈ પણ વિચાર વગર ઓરડી બહાર દોડી આવ્યો.

પુંકાલીઓનું નૃત્ય અને ઢોળક હજી ચાલુ જ હતું ! કયી ભ્રમણા ? કયું સ્વપ્ન ? કયું સત્ય ?

ચક્રધારી કૃષ્ણમાંથી રાસ રમતો હિંદુ તાબોટા પાડતો. પાવૈયો બની ગયો !

અને મુસ્લિમ પણ એની પાછળ પડે ખરો કે ?

હિંદવાસી !

એની આંખ આગળથી એ નટનું ટોળું ખસ્યું નહિ.

શી રીતે ખસે ? એ જ છાયાનટ આખા હિંદના પડદા ઉપર પથરાઈ ગયો છે !