છાયાનટ/પ્રકરણ ૨૨
← પ્રકરણ ૨૧ | છાયાનટ પ્રકરણ ૨૨ રમણલાલ દેસાઈ |
કારે ધબકવા માંડ્યું. શરદ આઘો ખસ્યો. કારમાં સહજ ગતિ આવી એટલે શરદે શૉફરને ઉદ્દેશી કહ્યું :
‘સાહેબ કહે ત્યાં લઈ જજે, અને સાડા પાંચે અહીં હાજર થઈ જજે.'
શરદે હાથ ઊંચો કરી જૂના મિત્રને આવજોનું સૂચન કર્યું અને કાર દોડી.
ગૌતમને એ જ સ્થળે ઊતરી પડવાનું મન થયું. મિત્રના સ્નેહાચારને માન સમજવું કે અપમાન ? બપોરના ચાર વાગ્યા હતા. દોઢ કલાકમાં એને કાર પાછી જોઈતી હતી તો આપી શા માટે ? અને તેનો હુકમ શૉફરને ગૌતમના દેખતાં કર્યો ! એ કારમાં બેસાય ખરું ?
અને પચાસ રૂપિયાની રકમ તેના હાથમાં મુકાતી હતી ! ચાર વર્ષ કેદખાને ગાળી આવેલા માણસને આ લક્ષાધિપતિ મિત્ર પચાસ રૂપિયા આપતો હતો ! કદાચ પચાસ રૂપિયા આપી તેનો પગ સમૂળ ટાળવાની આ ધનિકયુક્તિ તો નહિ હોય ? વળી બીજે ક્યાંય રહેવાનું ન હોય તો જ ગૌતમે શરદને બંગલે આશ્રય લેવો ! ગૌતમને આ ઝીણવટવાળું માનભર્યું સૂચન હતું કે તેનો શરદને જરાય ખપ નથી એવો ભાવ તેમાં હતો ? એટલું જ નહિ, એની હાજરી, શરદને ફાવવાની પણ નથી. ચાર દિવસ સાથે રહેવાનું આમંત્રણ ! જન્મભર જેણે ઉત્પન્નનો ચોથો ભાગ સામ્યવાદના હિતાર્થે ગૌતમને આપી દેવાનું કબૂલ કર્યું હતું તે યુવક આજે ચાર દિવસનું જ આમંત્રણ આપતો હતો !
ગૌતમને એકાએક લાગ્યું કે પોતે કેદમાં જઈ નીચ બની ગયો છે ! આટલી સારી રીતે વાતચીત કરનારને કદાચ તે અન્યાય કરતો હોય ! પોતાની સ્થિતિ અસહ્ય બની જવાથી ગૌતમ જગત આખાને પોતાની નીચતાનાં ચશ્માંથી જોતો હોય !
કાર એકાએક ઊભી રહી. બહાર નજર કરતાં ‘ગરવી ગુજરાત'નું પાટિયું દેખાયું.
‘અહીં પછી આવીશું. રાવબહાદુરને ઘેર લેઈ જાઓ.' ગૌતમે કહ્યું અને યંત્ર બની ગયેલા શૉફરે યંત્રને તે તરફ વાળ્યું.
ગૌતમને સમય લાંબો લાગ્યો. કારની ઝડપ જેવી અને તેવી જ હતી, જતાં બહેનોને મળવાની ઉત્કંઠા તેને અધીરો બનાવી રહી હતી. કાર અટકતાં બરોબર ગૌતમ નીચે ઊતર્યો અને રાવબહાદુરના ઘરમાં ધસ્યો.
નોકરોએ તેને રોક્યો :
‘કોનું કામ છે ?’
'સુનંદાનું - અલકનું.'
‘શું કામ છે ?'
‘એને કહીએ કે એનો ભાઈ ગૌતમ મળવા આવ્યો છે.’
‘ઊભા રહો; હું કહી આવું.' કહી નોકર અંદર ગયો.
માનવજાતના દરવાજા અને દરવાનો ક્યારે અદૃશ્ય થશે ? ગૌતમે આગળ ડગલાં થોડાં ભરવા માંડ્યાં. નોકરના પાછા ફરતા પહેલાં તો સુનંદા અને અલકનંદા દોડતાં બહાર આવ્યાં. ચોકમાં જ ભાઈ અને બહેનોનો ચાર વર્ષે મેળાપ થયો.
‘ભાઈ !’ બંને બહેનોના મુખમાંથી એક સામટું સંબોધન સંભળાયું.
આસપાસ નોકરો અને સગાંવહાલાં ઊભાં હતાં તેનું કોઈને ભાન રહ્યું નહિ. અલકનંદા ગૌતમને વળગી જ પડી. ગૌતમે એને છાતી સરસી ચાંપી. મોટી બહેન સુનંદા પણ ગૌતમના બીજા હાથ ઉપર ઝઝૂમી રહી.
કેટલી ક્ષણો ગઈ હશે તેનું આ હૃદયત્રિપુટીને ભાન રહ્યું નહિ. ભાન આવ્યું ત્યારે સુનંદા સહજ ખસી. અલકનંદા તો હજી પણ ગૌતમને વળગી જ રહી હતી.
‘ભાઈ !’ એ ઉચ્ચારણ કરતાં બહેન ધરાતી ન હતી.
‘ભાઈ, આવ્યા ?'
‘ભાઈ, કેમ આવા થઈ ગયા છો ?’
બહેનોની આંખમાંથી શ્રાવણભાદરવો વહેતો હતો. અને કઠણ હૃદયનો ભાઈ પોતાના પહેરણ વડે બહેનોની આંખ લૂછતો હતો.
'હવે ભેટી રહ્યાં હો તો અંદર બેસો.' બાજુએથી એક કર્કશ નારી અવાજ આવ્યો. સ્ત્રીના કિન્નરકંઠમાં આવી કઠોરતા સંભવે ખરી ?
બંને બહેનોના મુખ ઉપર કાળી છાયા પથરાઈ ગઈ.
‘ભાઈ, આવો અંદર.' કહી સુનંદા એક ઓરડા ભણી વળી. અલકનંદાએ ગૌતમનો હાથ પકડેલો રાખ્યો.
'ઠીક ઠીક ગોઠવેલા એક દીવાનખાનામાં ત્રણે જણે પ્રવેશ કર્યો. ફરી ત્રણે જણ એકબીજા સામે જોઈ રહ્યાં.
'સુનંદા ! આવી. દૂબળી કેમ પડી ગઈ ?’ ગૌતમે પૂછ્યું. ‘કાંઈ નહિ, ભાઈ ! એ તો અમસ્તુ જ એમ લાગે છે.' સુનંદાએ કહ્યું. સ્ત્રીઓ પોતાનાં દુઃખ સંતાડી શકે છે.'
'અને અલક ! તું ઊંચી તો થઈ, પણ આમ સોટી જેવી...' ગૌતમે પૂછ્યું અને અલક એકાએક ગૌતમના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ગૌતમે તેને થોડી વાર રડવા દીધી.
‘બહેન, અલક...' ગૌતમે હાથ ફેરવી અલકને ઉઠાડી. રડતી અલકે કહ્યું :
'ભાઈ ! મોટાભાઈ તો... ગયા...'
અને ક્યારથી પકડી રાખેલું ગૌતમનું હૃદય બળ કરીને વહી ગયું. વર્ષોથી અશ્રુને ભૂલી ગયેલા ગૌતમની આંખમાંથી આંસુનાં બુંદ ટપકવા માંડ્યા અને જોતજોતામાં એ બુંદની ધારા બની ગઈ.
‘હું ભાષણમાં જાઉ છું, અને ત્યારથી સિનેમામાં જઈશ. તમારા ભાઈને જમાડજો.’ એક ઠસ્સાદાર મધ્યવયી, રૂપને વળગી રહેવાનાં હવાતિયાં મારતી સ્ત્રીએ ઓરડાના બારણા પાસે આવી ટહુકો કર્યો.
અને તેમનો દેહ દેખાતો બંધ થતાં તેમનો એક ધીમો પરંતુ સાંભળવા માટે જ ઉચ્ચારાયલો સ્વર સંભળાયો :
‘બે'ન તો માથે પડી છે; હવે ભાઈ આવ્યા !’
ગૌતમનાં આંસુ સુકાઈ ગયાં. કેટલાક બોલ બરફને પણ પ્રજાળી મૂકે એવા હોય છે.
‘એ કોણ છે ?’ ગૌતમે પૂછ્યું :
‘મારાં સાસુ છે.' સુનંદાએ કહ્યું.
હિંદની સુપ્રસિદ્ધ સાસુઓ હજી આ સુધરેલા યુગમાં પણ એવી ને એવી જ રહી છે શું ? મીઠું પાયેલાં તલવાર અને ભાલાને બાજુએ મૂકે એવાં અણીદાર મેણાંવડે વહુઓનાં હૃદયને સતત ઘવાયલું રાખતી સાસુઓ આર્યસંસ્કૃતિનો એક નમૂનો છે. આર્ય હિટલર જો પરણ્યો હોત તો એની આાર્યમાતાએ હિટલર અને એની પત્નીને એવાં લાચાર બનાવી મૂક્યાં હોત કે, પરાક્રમી પુત્રને આજના વર્તમાન યુદ્ધનો સ્વપ્નને પણ વિચાર આવ્યો ન હોત !
‘ભાઈ ! હવે હું તમારી જોડે જ રહીશ.’ અલકે કહ્યું.
‘તમને બંનેને હું મારી સાથે રાખીશ. પછી આપણે ખૂબ આનંદ કરીશું.' ગૌતમે કહ્યું.
સુનંદા શંકિત દૃષ્ટિએ ગૌતમ તરફ જોઈ રહી. કેદખાનેથી છૂટેલા ગૌતમની બંનેને સાથે રાખવાની શક્તિ કરતાં લગનબંધનમાંથી બહાર નીકળી ભાઈને ઘેર જવાની તેની પોતાની શક્તિ વિશે એને વધારે શંકા હતી.
ગૌતમ જોઈ શક્યો કે આવા સઘન, સમૃદ્ધ ઘરમાં પણ તેની બંને બહેનો દુઃખી હતી. એકનો પત્ની તરીકે ઘરમાં હક્ક હતો; બીજી આશ્રિત ભલે હોય, છતાં રાવબહાદુરના મિત્રની દીકરી તરીકે પોષણ મેળવવાનો તેને હક્ક હતો ! પરંતુ માનવી ક્યાં હક્કને ઓળખે છે ? હક્ક સમજાતા હોય તો જગતમાં કેટકેટલી સરળતા થાય ?
એ જગતમાં ગૌતમ પાછો આવ્યો. એણે એક કડક નિશ્ચય કર્યો : માનવજાતને સુખી કરવાનું કાર્ય થયા કરશે. પ્રથમ તો બંને દુઃખી બહેનોને આ ઘરમાંથી છોડાવવી !
વાતોમાંથી તે સમજી શક્યો કે અનિલ સિનેમાની નટીઓ ભેગો ફરે છે, અને અલકની આ ઘરમાં બિલકુલ જરૂર જ રહી ન હતી. સુનંદા પણ આવા પતિને થોડો વખત વહેતો મૂકે એ જ ઇચ્છવા સરખું હતું.
'મને આ ઘરમાંથી હવે ક્યારે લેઈ જશો ?’ અલકે પૂછ્યું.
‘આપતી કાલ.’ ગૌતમે નિશ્ચપૂર્વક કહ્યું.
‘કાલ કેમ ?’
‘હું અત્યારે જ જઈને મકાન રાખું છું.’
‘એમ ?'
‘જરૂર, કાલ સવારથી આપણે ભેગાં.' કહી ગૌતમ ઊઠ્યો. એને ધૂન લાગી કે આ બહેનોને રાત વીતતાં તો બીજે ખસેડવી જ જોઈએ.
- કશું ખાશો નહિ ?’ સુનંદાએ પૂછ્યું.
‘ના. હું શરદને ત્યાં ખાઈને આવ્યો છું.’
‘મારાં સાસુએ કહ્યું છે ને તમને જમાડવાનું ?’ સુનંદાએ સાસુની આજ્ઞા યાદ કરી.
‘અરે, રહેવા દે ને તારી સાસુને ! એ શું કહે છે અને શું કરે છે એ ભાઈ જાણે નહિ. એમાં જ સારું છે.'
આમ કશું જ ન કહીને અલકનંદાએ સુનંદાની સાસુ સંબંધમાં ખૂબ ખૂબ કહી નાખ્યું.
છૂટા પડવાનું જરાય મન નહિ તોય. ગૌતમ આવતી કાલના સુખને વિચારે બહેનો પાસેથી નીકળ્યો.
‘કાર ચાલી ગઈ ?' ગૌતમે બહાર બેઠેલા નોકરને પૂછ્યું. સાડાપાંચ વાગી જવાથી કારવાળો ચાલ્યો ગયો હતો.
‘હા જી.'’ નોકરે કહ્યું.
એટલે ગૌતમ પગે ચાલી નીકળ્યો. જતાં જતાં તેણે નોકરનું વાક્ય સાંભળ્યું :
‘કેદમાંથી આવીને પાછા કાર લાવે છે !’
ગૃહિણીની પદ્ધતિ આખા ઘરમાં ફેલાઈ જાય છે. નોકરો પણ આ ઘરમાં મહેણાં મારતા બની ગયા હતા.
થોડી વારે તે ‘ગરવી ગુજરાત' પાસે પહોંચ્યો. ત્યાં પણ પઠાણે એને રોક્યો; સારાં કપડાં પહેરેલા બેત્રણ માણસોનું રોકાણ ન થયું. મકાન પાસે બેત્રણ કાર પણ ઊભી હતી. એટલે રોનક વગરનાં માણસને રોનકદાર મકાનમાં પેસતાં હરકત પડવી જ જોઈએ.
ગૌતમે ચિઠ્ઠી મોકલી અને તત્કાળ તેને અંદર બોલાવ્યો એટલું જ નહિ, તંત્રી ઊઠીને બારણા સુધી લેવા માટે પણ આવ્યા. તંત્રીને જોતા બરોબર ગૌતમ ચમક્યો.
‘આ તો જોયેલું મુખ છે !’ ગૌતમની યાદદાસ્ત મંથન કરી બોલી ઊઠી.
‘આવ, આવ, ગૌતમ ! તારી જ રાહ જોવાય છે. જરા બરછટ બનીને આવ્યો !’ તંત્રીએ તેનો હાથ પકડી સામે ખુરશી ઉપર બેસાડી કહ્યું.
‘જી.' માત્ર એટલો જ જવાબ આપવાનો વિવેક ગૌતમે કર્યો. હજી તંત્રી પૂરા ઓળખાયા ન હતા. ખાદીનું ધોતિયું, ખાદીનો લાંબો કોટ અને વાંકી ખાદીની ટોપીમાં તંત્રી સજ્જ હતા. અલબત્ત, એ ખાદી ગાંધીપથી ન હતી.
‘મને ઓળખ્યો તો ખરો ને ?’
‘ઓળખવા તો જોઈએ, પણ હજી....' ગૌતમે કહ્યું.
‘હા... હા... હા... ચાર વર્ષ માણસને કેવો ફેરવી નાખે છે ? જો. આ મારું કાર્ડ !' ખડખડાટ હસીને તંત્રીએ ગૌતમને કાર્ડ આપ્યું.
કાર્ડમાં લખેલું હતું :
- કૃષ્ણદાસ કનિષ્ટ,
- તંત્રી : 'ગરવી ગુજરાત.'
- કૃષ્ણદાસ કનિષ્ટ,
કૃષ્ણદાસ કનિષ્ટ ? નામ કદી સાંભળ્યું ન હતું. અલબત્ત મુખ જોયેલું ભાસતું હતું
‘અરે ગૌતમ ! કીસન પહેલવાન યાદ છે કે ?’ તંત્રીએ કહ્યું. અને ગૌતમને ભાન આવ્યું. એ તંત્રી જ કીસન !
‘વધારે શોધખોળની કશી જરૂર નથી. મને નહિ ઓળખતો હોઉ તોય ચાલશે. પણ આજે તારી જરૂર પડી છે.' કૃષ્ણદાસે કહ્યું.
'મેં આપને ઓળખ્યા, અને મને પણ તમારી ખરી જરૂર પડી છે.' ગૌતમે કહ્યું.
‘એમ ? ત્યારે તો આપણને બહુ જ ફાવશે. કહે, શું કામ છે ? હજી મારો જૂનો અને નવો બંને ધંધા ચાલે છે એટલે તું કહીશ તે થશે. પત્રકાર તરીકે હું પ્રતિષ્ઠિત ગૃહસ્થ બની ગયો છું, પરંતુ ભોંયરાની ભૂમિ હજી ભુલાઈ નથી.’
‘મારે પોતાને સુખનો ખપ નથી, પરંતુ મારે મારી બે બહેનોને સુખી કરવી છે.'
‘મારા ભેગો રહે, મને સહાય આપ અને તારે જોઈએ એટલા પૈસા લે.'
'મને ન સમજાયું.’
‘મારા ઉપર બધું છોડી દે. જો પેલી મોટરકાર સંભળાય. એમાં મારું અને તારું ભવિષ્ય છે.'
‘પહેલવાન, આ નામ શું બદલ્યું ? આ છાપખાનું શું ? આ વર્તમાનપત્ર શું ?’
‘એ બધાં સુધરેલી ગુંડાગીરીના પ્રકાર છે. તું ધારે છે એટલો હું અભણ નથી. મેં પણ કૉલેજ જોઈ છે. હડતાલો પડાવી છે, કેદમાં જવાને પાત્ર કાર્યો કર્યા છે, માટે જ મને તારા પ્રત્યે સદ્ભાવ છે. કોઈ દિવસ એ ઇતિહાસ આપણે ઉકેલીશું. તારા કરતાં એક બાબતમાં હું ચઢિયાતો છું. મેં જાતે ગુંડાગીરી - સાચી ગુંડાગીરી કરી છે... પધારો, પધારો !’ કહી કૃષ્ણદાસ ઊભા થયા. ગૌતમ પણ સાથે ઊભો થયો અને એક ભવ્ય દેખાવના પુરુષ તંત્રીના ઓરડામાં આવ્યા. તેમને સારામાં સારી ખુરશી ઉપર બેસાડી કૃષ્ણદાસે કહ્યું :
'હવે આપ નિશ્ચિંત રહો. હું માગું છું તેવો માણસ મને મળી ગયો છે.’
‘ખર્ચની ચિંતા ન રાખશો. પણ પ્રચાર સચોટ થવો જોઈએ.’ ગંભીર દેખાવ કરી નવા આવેલા પુરુષે કહ્યું.
‘એની આપ ચિંતા ન રાખશો. હળવા પ્રચાર માટે મારી પાસે માણસો છે, થોડી ગાળ અને થોડા કટાક્ષમાં સામો પક્ષ ગભરાઈ ઊઠશે. માત્ર ગંભીર દેખાતા પ્રચાર માટે આપણે આ મારા નવા મિત્રને રોકીશું. ગૌતમ ! આ સાહેબ એક દેશી રાજ્યના મોટા અમલદાર છે. આપણે એમની તરફેણમાં લેખ લખવાના છે.' કૃષ્ણદાસ બોલ્યા.
‘પહેલો લેખ એ શરૂ કરો કે લોકશાસન હિંદમાં ચાલી શકે જ નહિ.’ અમલદારે કહ્યું.
‘શું ?’ ગૌતમે પૂછ્યું. આશ્ચર્ય એના મુખ ઉપર રમી રહ્યું.
‘હા, જી; મને કહેવું નહિ પડે.’ કૃષ્ણદાસે ગૌતમના આશ્ચર્યને ઢાંકી દેતાં કહ્યું.
‘બીજો લેખ એ લખો કે રાજા અને પ્રજા કેટકેટલે સ્થાને મળી એક બને છે ?'
'બરાબર. હું આપને રોજ ને રોજ લેખ તૈયાર કરી મોકલતો રહીશ.’ કૃષ્ણદાસે કહ્યું.
‘હું એક મહિનો અહીં રહીશ. એટલામાં અમારા રાજ્યની બધી ખૂબીઓ વિશે તમારે માહિતી પ્રગટ કર્યા કરવાની.’
‘બહુ સારું. રાજાસાહેબનો અંગત ખર્ચ પ્રજાની પણ આબાદી કેમ વધારે છે એ વિષે આપણે એક ચોપાનિયું કાઢીશું.’
‘ગમે તેમ કરી પ્રજાનું તોફાન અટકાવી દઈએ, અને રેસીડેન્સીની લાલ અાંખ ટાઢી પાડી દઈએ.’
‘હા, જી. પ્રચાર તો એવો કરીશું કે છ માસમાં આપ આ મારા મિત્રને પ્રકાશન-અમલદાર બનાવ્યા વગર રહેશો નહિ.’
કેદખાને કેળવેલી ઉદાસીનતા આ વાતચીત દરમિયાન ગૌતમે ધારણ કરી. લોકશાસનનો વિરોધ કરવા તેનું મન તૈયાર થશે ખરું ?
બીજી પાસ અલકની આંખ તેને પૂછ્યા કરતી હતી :
‘ભાઈ ! કાલ તો સાથે જ રહીશું ને ?’
અમલદાર ગયા. ગૌતમે કૃષ્ણદાસ બની ગયેલા માનવંત તંત્રીમાં કીસન ગુંડાને ઓળખી મહામુસીબતે એક માસ માટે આ પ્રચારકાર્યમાં સામેલ થવાની હા પાડી - જોકે બીજાં પત્રોમાં સમાજવાદની તરફેણમાં સાથે સાથે લખવાની પરવાનગી પણ એણે મેળવી લીધી. મહિનામાં બીજું કાર્ય મળી રહેશે એવી તેને કૃષ્ણદાસે ખાતરી પણ આપી. ગૌતમને તેમણે સાથે જમાડ્યો અને છાપખાનાના જ વિશાળ મકાનમાં રહેવા માટે બાંધેલા એક નાના પણ સુંદર વિભાગમાં તેની બહેનો સાથે રહેવાની સગવડ પણ તેણે કરી આપી.
આ અણધારી ખુશનસીબી ન કહેવાય ? સુંદર મકાન, સારી આવક, બહેનોનો સંતોષ અને પત્રકાર તરીકેની સત્તા !
પરંતુ એક માસની બેવફાઈ થાય તે ?
શાની બેવફાઈ ? એ લેખ ગૌતમ અંગત મત તરીકે ક્યાં લખવાનો હતો ? ગૌતમ નહિ તો બીજો કોઈ પણ પ્રચારક રાજ્યને તેમ જ કૃષ્ણદાસને ન મળે એમ ન હતું. ગૌતમના હાથમાં તો એ બધું મર્યાદિત રહેવાનું. પ્રજાવાદના કોઈ કટ્ટર વિરોધી પાસે એ કાર્ય જાય એના કરતાં ગૌતમ પાસે એ કામ આવે તો શું ખોટું ? ને ગૌતમ તો સંભાળીને જ લખવાનો.
અને એક માસમાં એવડો શો પ્રચાર થવાનો હતો કે જેથી- એના સિદ્ધાંતો - સાચા સિદ્ધાંતો ડગમગી જાય ? એક માસ પછી પલટી ખાઈ પ્રજાની ભાવના ઉપર એટલું બધું લખી શકાય કે પહેલાંની બધી અસર જ ભૂસાઈ જાય ! અરે, લખેલા લેખની ખબર લેઈ નાખતી સમાલોચના પછીથી લખવામાં કોણ એને રોકવાનું હતું ? વળી બીજા પત્રોમાં જરૂર સામી બાજુ બતાવી શકાય એવી સગવડ મળતી હતી.
ઉપરાંત, પ્રજાભાવનાની સામે થતી દલીલ તથા ફિલસૂફી કેટલે સુધી જઈ શકે છે એ પણ જાણી લેવું ઉપયોગી હતું. રજવાડાના માનસનો એથી અભ્યાસ થઈ શકે અને એના ઊંડાણમાં ઊતર્યા પછી એ રજવાડી વ્યવસ્થાને ઉખેડી નાખવાનાં વધારે બલપ્રદ સાધનો પણ જડી આવે !
દલીલની પાછળ સતત અલકનંદાનો આર્જવ અને સુનંદાની ભયભીત આંખ ગૌતમની કલ્પનામાં હાજર જ રહેતાં.
ગૌતમે બહેનોને ચિઠ્ઠી પણ લખી મોકલાવી : ઘર લીધાની તેમ જ બંને બહેનોએ ઘરનું વાસ્તુ કરવા આવવાની તેમાં ખબર આપી.
ન માનતા મનને મનાવી તે સૂતો અને કોઈ અગમ્ય સત્ત્વ ખડખડાટ હસતું સંભળાયું. ભયંકર સ્વપ્નોની તેને બીક પેસી ગઈ હતી. વર્તમાનપત્રો વર્ષોથી વંચાયાં ન હતાં. જાગૃત થઈ તેણે પત્રોનો થોકડો કાઢી જોવા માંડ્યો. પહેલા જ સમાચાર એ મળ્યા કે એક મહારાજાએ કૂતરાનાં લગ્ન કરાવ્યાં અને કોંગ્રેસ છોડી દીવાનગીરીમાં ઘૂસી ગયેલા પ્રધાનને લગ્નકાર્યના પુરોહિત બનાવ્યા. આ કાર્ય અંગે પ્રજાવર્ગને જમણ આપવાની જાહેરાત કરતાં પ્રધાને રાજપ્રજાની એકતા કેટલી ગાઢ બનતી હતી. તે ઉપર મોટું વ્યાખ્યાન પણ આપ્યું. સ્વદેશી હિંદની એ જ વિશિષ્ટતા. અલબત્ત, મહારાજા તો એવાં ભાષણોની કામગીરી પ્રધાનને સોંપી. નવી જ આવેલી નગ્ન ફિલ્મ જોવામાં રોકાઈ સ્વદેશી હિંદની વિશિષ્ટતા ઉપર ઓપ ચઢાવતા હતા.
આ રાજાઓ ! આ દીવાનો ! વધારે સમાચાર વાંચવાની ગૌતમને ઇચ્છા રહી જ નહિ.
એણે પત્રને ફેંકી દીધું અને દીવો હોલવી નાખ્યો.
ગઈ કાલે તો એ કેદખાનાની ઓટલી ઉપર કામળ ઓઢીપાથરી સૂતો હતો ! આજે પલંગ ઉપરના ગદેલામાં તે લેટી રહ્યો હતો ! પલંગ ખરેખર સુખદાય તો લાગતો જ હતો ! આહ, કેવો સરસ સ્પર્શ ! અને મિત્રા તથા નિશા પણ એકાએક યાદ આવી ગયાં. !
ગૌતમ બેઠો થઈ ગયો. શું, આવું દેહસુખ ભોગવવા તેણે જન્મ લીધો હતો ? કેદખાનાનું કષ્ટ શું ગૌતમને સુંવાળાશમાં ફેંકવા માટે હતું ? એ શિક્ષણ નિરર્થક કરનાર પલંગ ગૌતમે છોડી દીધો અને દીવો કરી ગોઠવેલાં ટેબલ ખુરશી ઉપર બેસી એણે લેખ લખવામાં મન પરોવ્યું.
જાંઘ ઉપર પૂઠું મૂકી લેખ લખવાની ટેવવાળા ગૌતમને ટેબલખુરશીનું વાતાવરણ ગમ્યું. એના લેખમાં ઝડપ આવી, રોફ આવ્યો, અસરકારક દલીલો આવી.
પણ એણે શું ઘસડી કાઢ્યું ?
હિંદનું માનસ લોકશાસનને અનુકૂળ હોઈ શકે જ નહિ !
શું ગૌતમ સ્વપ્નમાં હતો ? જાગ્રત અવસ્થામાં કદી તે આવો લેખ લખે ?
ગૌતમ લેખ ફરી વાંચી ગયો. કેવો સરસ લેખ ? કેટલી સચોટ દલીલ? કેટલો ઐતિહાસિક અભ્યાસ ?
આની સામે દલીલ કરવી હોય તો ?
થઈ શકે. આને જ આગળ લંબાવાય. લોકશાસનની વિરુદ્ધમાં આથી વધારે કશું જ કહેવાનું હોય નહિ ? કાલે એ જ દલીલોને તોડતો બીજો લેખ તૈયાર થઈ શકશે.
એકાગ્ર બનેલા ગૌતમે બહાર અટ્ટહાસ્ય સાંભળ્યું.
ગૌતમને આખી જિંદગીભર કોણ હસ્યા કરતું હતું ?
ગૌતમે આ લેખ ફાડી નાખવો જોઈએ. એને આ બધું શોભે ?
ગૌતમે લેખ હાથમાં લીધો અને ફાડવાની તૈયારી કરી. કોઈ બોલી ઊઠ્યું :
‘મૂર્ખ ! તું નહિ તો બીજો કોઈ લખશે !’
કોણ બોલ્યું એ ? કદાચ એનું વ્યવહારુ ડહાપણ આ ઉચ્ચારણ કરતું હતું. બીજો ભલે લખે, ગૌતમ કદી આમ કલમને કલંકિત નહિ કરે !
‘શાનું કલંક ? અને શાની વાત ? મહેનત કરી છે તો લેખ પડ્યો રહેવા દે. બીજાને આપીશ તો તેનું ગુજરાન ચાલશે.' સ્પષ્ટ બોધ સંભળાયો - જોકે ઓરડામાં કોઈ જ ન હતું.
‘ગુજરાનનો આટલો બધો ડર ?’ ગૌતમે પોતાના મનને પૂછ્યું.
'બધાંયને બહેનોનાં પોષણ કરવાનાં હોય છે - તારી માફક ?' અદૃશ્ય જવાબ મળ્યો અને સુનંદા તથા અલક તેની દૃષ્ટિ સમક્ષ જાણે ખડાં થયાં હોય એમ ગૌતમને લાગ્યું.
ફાડી નાખવાની તૈયારી કરતા હાથે એ લેખને સાચવીને બાજુએ મૂક્યો.
પરંતુ ગૌતમને ખૂબ રૂંધામણ થઈ આવી. દેશભક્ત - માનવભક્ત - દલિતોનો સિપાહી ગૌતમ શું બદલાઈ જતો હતો ?
નવું મકાન તેને અશાંતિ ઉપજાવતું લાગ્યું ! તેના પરમ સ્નેહ પાત્ર પિતાનું મૃત્યુ આજ તેણે જાણ્યું. બહેનોનાં દુઃખની કથની પણ તેણે આજે જ સાંભળી. તેના મિત્રોનું પતન પણ તે આજે જ જાણી લાવ્યો. તેનું પોતાનું પણ પતન થતું તો નથી ?
ગૌતમ પહેરેલે કપડે બહાર નીકળ્યો. રાત્રિમાં એકનો થયેલો ટકોરો તેણે સ્પષ્ટ સાંભળ્યો. રાતની અવરજવર આ મકાનમાં છેક અજાણી ન હતી. પહેરાવાળાએ ગૌતમને ‘નવા સાહેબ’ તરીકે ઓળખી પૂછપરછ કર્યા વગર જવા દીધો. કૃષ્ણદાસ કનિષ્ટના બંગલામાં રાત્રિના પણ કાંઈ કાંઈ વ્યવહાર ચાલુ હતા અને વખતોવખત કૃષ્ણદાસ રાતમાં કીસન પહેલવાન પણ બની જતા હતા.
ગૌતમે ચાલ્યા જ કર્યું - યંત્રની માફક તે ઘરમાં રહ્યા હોત તો તેનું મન અસ્થિર બની જાત. બહારની શીળી પવનલહરીએ, શાંતિએ અને આકાશના સદાય ઝળહળતા માનવીની આછી આછી મશ્કરી કરતા તારાઓએ તેને સ્થિરતા અર્પી.
અપવાદરૂપ પ્રસંગમાં એણે અપવાદ માર્ગ લીધો હતો. એ માર્ગ પણ ઝટ છોડવા માટે લીધો હતો. Means અને Ends - સાધન અને સિદ્ધિ એકરંગી ન પણ હોય ! જીવવા, પગભર થવા, બળ મેળવવા તે કલમને બદલી નાખે એમાં ખોટું શું ? જાસૂસો, પ્રચારકો, ક્રાંતિકારીઓને કેટલા વેશ ભજવવાના હોય છે ? ગૌતમ સરખા ક્રાન્તિકારીએ ક્રાન્તિ સફળ બનાવવી હોય તો સામા ટોળામાં જઈ સ્નેહ બતાવવો પણ પડે !
અને હજી આડી રાત પડી હતી ! બુદ્ધિને આ માર્ગ અનુકૂળ નહિ લાગે તો તે લેખ ફાડી નાખી કૃષ્ણદાસને છેલ્લી સલામ કરી તે છૂટો થઈ શકે એમ હતું. હજી લેખ પ્રસિદ્ધ જ ક્યાં થયો હતો ?
દૂર અને નજદીક કૂતરાં ભસતાં હતાં. ગૌતમને લાગ્યું કે તે એક ખુલ્લા મેદાનમાં આવી ગયો છે. એક નીચી બેંચ ફરવા આવનારાઓ માટે સુધરાઈએ અહીં ગોઠવી હતી. પ્રેમીઓ તો જરૂર અહીં આવી બેસતાં હશે. ગૌતમ જેવી વ્યક્તિને ભાગ્યે એ બેંચે સ્થાન આપ્યું હોય ! ગૌતમ તે ઉપર બેઠો અને જરા હસીને સૂતો ! સમાજે - રાજ્યે - ન્યાયાસને ગુનેગાર ગણેલો ગૌતમ તલપૂર પણ ગુનેગાર ન હતો. એના જેવા નિર્દોષ માનવીઓને સમાજની ભયંકરતા ભરખી જાય છે ! સમાજની ભયંકરતાનો કંઈક ભાગ એણે જોયો. સમાજના સહકારમાં રહેલી ભયંકરતાનો અનુભવ ગૌતમને વધારે કુશળ લડવૈયો ન બનાવે ?
કૉન્ગ્રેસ છોડી ગયેલા પેલા રાજ્યના દીવાન રજવાડાના અનુભવ પછી સરસ કૉન્ગ્રેસસેવક ન થાય ?
એકેય એવો થયો છે ખરો ? અધિકાર ભોગવ્યા પછી કોઈએ આશ્રમ સેવ્યો છે ખરો ?’
શા માટે નહિ ? રાનડે, લઠ્ઠે...
કૂતરાં અશાંતિ ઉપજાવતાં હતાં. શા માટે એ કારણ વગરનું ભસતાં હતાં ? એની સંખ્યા ઘટાડી હોય તો...
ગૌતમનું મન ઊંઘમાં ઝબકોળાઈ નવીન સૃષ્ટિને ઝોલે ચઢ્યું.
કૂતરાંની સંખ્યા ઓછી થવાને બદલે વધ્યે જ જતી હતી ! બાબાગાડી લેઈ ફરતી આયાઓ અને યુરોપિયન યુગલો આગળ નાનકડાં કુરકુરિયાં ગેલ કરતાં દોડ્યે જતાં હતાં. !
એલ્સેશિયન, બુલ, ટેરિયર... ગૌતમને તો કૂતરાંનાં નામો પણ પૂરાં આવડતાં નહિ. એ પણ રખવાળો સાથે મેદાનમાં પોતાની પ્રતિભા પાડતાં હતા.
વણઝારી, જાફરા, ગુરુજી... એ સહુ હતા.!
કૂતરાંનું કોઈ મહા પ્રદર્શન ભરાતું હતું શું ? શરતો રમવાની હતી કે સર્કસ થવાનું હતું ?
કોઈને ગળે સોનાનો પટો, કોઈને ગળે રૂપાનો પટો, કોઈને ગળે ચામડાનો પટો અને કોઈને ગળે માત્ર દોરી કે સાંકળી જ હતી. કોઈ કોઈને માથે વળી કલગી પણ ઝૂલતી.
છતાં મોટાં ભાગનાં તો નધણિયાતાં ટાયલાં જ હતાં. ! પૂંછડી પગ વચ્ચે નાખી ચીઢિયા ચિત્કાર કે ટ્યાહુ ટ્યાહુ ચીસો પાડતાં નાસતાં ભાગતાં રહેવાનું જ કાર્ય તેમને સોંપવામાં આવ્યું હોય એમ લાગતું હતું.
કેટલાક હૃષ્ટપુષ્ટ ડાધિયાઓ ઉપર રેશમ કે ઝીકના ઓઢા પણ ઓઢાડેલા હતા. તેમની આંખો ચકોર અને મુખમુદ્રા માન ઉપજાવે એવી ગંભીર હતી. માલિકનો હાથ અડતાં, અલબત્ત, તે માલિકના પગ પાસે જમીન ઉપર આળોટી પડતા હતા.
ગોરા સાહેબોને હાથ પકડાયલી સાંકળવાળા રૂપાળા શ્વાન પોતાની શ્રેષ્ઠતાનું ભાન સહુને કરાવતા હતા. ડાહ્યા હો તો અમારો માર્ગ પકડો એવી શિખામણ તેમની મુખમુદ્રામાંથી સદાય નિષ્પન્ન થતી. અને તે કેટલા ? સેંકડો ? હજારો ? લાખો ? કરોડો ?
અરે નહિ. કરોડોની સંખ્યામાં તે ઊભરાયે જ જતા હતા.
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ! જ્યાં નજર પડે ત્યાં શ્વાનની અગણિત લંઘાર !
- જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની !
એ કડી આ શ્વાનજગતને જોયા પછી તો નહિ રચાઈ હોય ?
સોટી, ચાબુક, થપાટ કે ગાળ ખાતા આ મહા મંડળમાં જાહેર પ્રેમીઓની સંખ્યા પણ ઓછી ન હતી. પછી સંખ્યા ઘટવાનો ભય આ પ્રેમી જગતમાં હોય જ નહિ.
કદી કદી ટોળે વળી મિલ બાંધી એ અંદર અંદર બથ્થંબથ્થા અને બચકંબચકા પણ કરી ઊઠતાં ! એટલી જાગૃતિ તો જોઈએ જ ને ? નહિ તો જીવતું જીવન કામનું શું ? છતાં બેચાર પથ્થર ફેંકાતાં તે ચારે પગે - કે વાગ્યું હોય તો ત્રણ પગે સલામત જગાએ દોડી પણ જતાં.
પરંતુ પેલા શિકારી શ્વાન ! મહા ભયંકર જીભ બહાર કાઢી ભયંકર ચેષ્ટાઓ દર્શાવતા એ કેમ ધસી આવતા હતા ?
કેવા પંજા તેઓ ઉપાડે છે ?
મારી નાખશે !
હા.. હા... હા... હા...
વાતાવરણ અટ્ટહાસ્યથી ગાજી રહ્યું. શ્વાનજગતના આકાશમાં ભયાનક રાક્ષસી પડછાયો ઊડી રહ્યો.
‘અરે, અરે, આને કોઈ અલોપ કરો !’ ગૌતમ પુકારી ઊઠ્યો.
‘અલોપ ! આર્યાવર્તને - હિંદુસ્તાનને રસાતળ ન મોકલું ત્યાં સુધી હું અહીં ઊડ્યા જ કરીશ.’
‘ભલે ઊડ્યાં કર, પણ...' 'પણ શું ? પેલા ફાડી નાખનારા શિકારી કૂતરાઓ જોયા ?'
‘હા... શું મને ડરાવે છે ?'
‘ભળી જા પેલા ટાયલાંનાં ટોળાંમાં. નહિ તો.. છું !’
શિકારી શ્વાનો ધસ્યા અને ગૌતમે આંખો મીચી. પરંતુ એક ક્ષણમાં ગૌતમને પગે દાંત ખોસાયા અને અત્યંત કષ્ટને લીધે ગૌતમની આંખ ઊઘડી ગઈ.
ગૌતમે શું જોયું ?
સૂર્ય આકાશમાં ઊંચે ચડતો હતો.
ગૌતમના પગ પાસે બેન્ચ ઉપર એક કૂતરું બેઠું બેઠું હાડકું કરડતું હતુ.
ગૌતમ બેઠો થયો. કૂતરાએ નાસવું કે ન નાસવું તેનો એક ક્ષણમાં નિશ્વય કરી નાખ્યો. ગુજરાતી ગૌતમથી ડરીને નાસવાની એ પશુને જરૂર લાગી નહીં.
હાડકું કરડવાનું કાર્ય એણે ચાલુ રાખ્યું.
ગૌતમે તેના દેહ ઉપર સહજ હાથ ફેરવ્યો. સ્પર્શ ગમ્યો ન હોય તેમ કૂતરાએ ચામડી અને રુવાંટાં થરકાવી સ્પર્શની અસરને ખંખેરી નાખી.
ગૌતમને સ્વપ્ન યાદ આવ્યું. કૂતરાને ગળે હાથ નાખી. તેણે કહ્યું :
‘હું અને તું સરખા નહિ ?’
ગૌતમના ઢીલા હાથમાંથી કૂતરાએ પોતાનો દેહ મુક્ત કર્યો. એટલું જ નહિ, બેન્ચ ઉપરથી કૂદી નીચે ઊતરી એણે ઘુરકિયું કર્યું.
હિંંદવાસી સાથે થયેલી પોતાની સરખામણી એ શ્વાનને પણ ગમી નહિ. !
સૂર્ય ઉપર એક ગાઢ કાળું વાદળ ધસી આવ્યું.
ગૌતમ એ છાયાને જોતો બેઠો !
હિંદની જૂની કથા તેને યાદ આવી : સૂર્યને ગ્રસનાર - રાહુ અને કેતુ ! એક ધડ વગરનું મુખ : બીજું મુખ વગરનું કબંધ ! હિંદના સૂર્યને ગ્રસી જનાર કોણ ? કોઈ પરદેશી નહિ ! કોઈ ગોરો નહિ ! હિંદવાસી જાતે રાહુ છે અને કેતુ છે. એ ધડ વગરનું પાંગળું મુખ લઈને ફરે છે ! અથવા મુખ વગરનું સર્વેન્દ્રિયરહિત કબંધ ફેરવે છે !
એમાંનો એક એ પોતે જ !